ગરીબોને રાહતઃ મહારાષ્ટ્રમાં શિવભોજન થાળી 3 મહિના માટે પાંચ રૂપિયામાં મળશે

મુંબઈઃ કોરોના વાઈરસ મહામારીએ સર્જેલા સંકટ અને એને કારણે ગરીબ-ભૂખ્યા લોકોને પડી રહેલી પારાવાર તકલીફોને કારણે લોકોને ઉદાર દિલના બનાવી દીધા છે.

મહારાષ્ટ્ર સરકારે ગરીબ, મજૂર, કામદાર, ખેડૂત અને વિદ્યાર્થીઓને ભૂખ્યા રહેવું ન પડે એ માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. એણે શિવભોજન થાળીની કિંમત ઘટાડીને પાંચ રૂપિયા કરી દીધી છે, જે 10 રૂપિયા હતી.

સરકારે 3 મહિના માટે શિવભોજન થાળી ગરીબ લોકોને પાંચ રૂપિયામાં આપવાનું નક્કી કર્યું છે. આને કારણે ગરીબ લોકોને મોટી રાહત મળશે.

દરેક શિવભોજન થાળીમાં બે રોટલી, એક વાટકી ભરીને શાક, ભાત, એક વાટકી દાળ અને અથાણું આપવામાં આવે છે.

આ પાંચ રૂપિયાની કિંમતનું ભોજન ગરીબ લોકોને સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં દરરોજ સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી મળશે.

આ નિર્ણય રાજ્યના અન્ન, નાગરી પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળે લીધો છે.

શિવભોજન થાળી શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન મહારાષ્ટ્ર વિકાસ આઘાડીની સરકારની પ્રમુખ યોજનાઓમાંની એક છે. આ યોજના ગયા જાન્યુઆરી મહિનામાં શરૂ કરવામાં આવી હતી.

સરકારે તમામ જિલ્લાઓ, તાલુકાઓમાં અને ગામડાઓમાં શિવભોજન થાળી યોજનાનો વિસ્તાર કરવાનું નક્કી કર્યું છે. એ માટે તમામ જિલ્લા અધિકારીઓ તથા રેશનિંગ અધિકારીઓને આદેશ આપ્યો છે કે એમણે પોતપોતાના જિલ્લા ક્ષેત્રોમાં તાત્કાલિક રીતે શિવભોજન કેન્દ્ર શરૂ કરવા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]