મુંબઈઃ દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફ દ્વારા એક જ દિવસમાં ૧૧.૫૮ લાખ ટ્રાન્ઝેક્શન પાર પાડવાનો રેકોર્ડ કર્યો છે. અગાઉનો વિક્રમ ૧૦.૩૫ લાખ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરવાનો હતો.
બધાં મ્યુચ્યુઅલ ફંડોએ તેમના વ્યવહારો ઓનલાઇન કરવાનું નક્કી કર્યું છે. કોવિદ-૧૯ મહામારી છતાં બીએસઈ સ્ટાર એમએફએ આ રેકોર્ડ કર્યો છે. આ પ્રસંગે બીએસઈ સ્ટાર એમએફના બિઝનેસ હેડ ગણેશરામે કહ્યું કે આ પ્લેટફોર્મ સરળ ડિસ્ટ્રિબ્યુટર ઈમ્પેનલમેન્ટ પ્રોસેસ અને ટેકનોલોજી માળખું ધરાવે છે જે બધા સહભાગીઓને વિના અવરોધ કામકાજ કરવાની સુવિધા પૂરી પાડે છે.
અમદાવાદ: શહેર કોટ વિસ્તારમાં જતાં તમામ માર્ગો પર ચુસ્ત પહેરો અને સંક્રમણ રોકવા, ચકાસણી કરવા આરોગ્ય ની ટીમો પણ મુકી દેવામાં આવી છે. માનવ વસાહત માં ભેંકાર માર્ગ વચ્ચેે શહેરના દિલ્હી દરવાજા પાસે સુરક્ષા અને સ્વાસ્થ્ય ના મંડપ વચ્ચે એક ઉત્સાહ થી સૌને સેનિટાઇઝેશન કરતાં એક સજ્જન નજરે પડ્યા. દિલ્હી દરવાજા ની વચ્ચે જ ટેબલ પર સૌને દવાથી સ્વચ્છ કરતા શરીફભાઇ મનસુરી ફક્ત આ કોરોના ની આફત વેળા એ જ સેવા આપે છે …એવું નથી.
છેલ્લા કેટલાક વર્ષોથી પશુ-પક્ષીઓ ને સાજા કરવાનું, બ્લડ ડોનેશન કેમ્પ કરવાનું, શાંતિ સમિતિમાં સક્રિય રહેવાનું એવા અનેક કામો કરે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કેટલીક સેવા માટે ભણતર કે અઢળક સંપત્તિ ની જરૂર નથી પડતી. શરીફભાઇ નું એવું જ છે, માલેતુજાર નથી. ગાડી ઓના રિપેરીંગ કરી પેટિયું રળે છે. ગેરેજ ચલાવતા શરીફભાઇ ચિત્રલેખા. કોમને કહે છે છેલ્લા ચાર વર્ષ કરતા વધારે સમય થી આ સેવા કાર્ય કરું છું. આજના સમયમાં કોઇની પાસે સમય નથી, પક્ષી ઇજા થાય કે પશુ ને સારવાર માટે લઇ જવાનું કહીએ એટલે સૌ કહે, હું બિઝી છું. આ બિઝી શબ્દ ને ધ્યાનમાં રાખીને જ મેં મારા આ સેવા કાર્ય નું નામ રાખ્યું બીજી. હું રસ્તે રઝળતા મેલા , અસ્થિર મગજના, બિમાર લોકો ને સ્નાન કરાવી સ્વચ્છ કપડાં પહેરાવવામાં બિઝી રહું છું. જીવદયા ના તમામ કાર્યો માં બિઝી રહું છું.
હાલ ની કોરોના ની મહામારી માં શહેર ના દરવાજા ની વચ્ચે જ સૌને સેનિટાઇઝેશન કરવાની દવા પણ પોતાના ખર્ચે લાવી સેવા કરે છે. આ સાથે માણસો ની પાંખી હાજરી વચ્ચે ભુખ્યા, તરસ્યા, બિમાર પક્ષીઓ ની જવાબદારી તો ખરી જ. શરીફભાઇની સારવાર અને સેવા થી અબાબીલ જેવા અનેક પક્ષીઓ એમના શરીરથી દુર જવાનું નામ નથી લેતા. એટલે સાચે જ શરીફભાઇ સેવામાં બિઝી છે..! (પ્રજ્ઞેશ વ્યાસ)
અમદાવાદઃ કોરોના કહેરનો વિશ્ભરના 195થી વધુ દેશોમાં છે, વિશ્વભરની સરકારોના તમામ પ્રયાસ પછી પણ આ વાઇરસ બહુ ઝડપથી પ્રસરી રહ્યો છે. અત્યાર સુધી આ વાઇરસથી 1.14 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.
જો કે કોરોના સામેના આ જંગમાં વિશ્વભરમાં હવે દવા અને વેક્સિન પર ઝડપથી કામ થઈ રહ્યું છે.
વિશ્વભરમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 1,14,248 લોકોનાં મોત થયાં છે અને 18 લાખ લોકો સંક્રમિત છે. આ સપ્તાહે કેટલીય કંપનીઓએ વેક્સિન માટે યોજના જણાવી છે. આવો જાણીએ કેટલીક આવી પહેલ વિશે, જેના પર વિશ્વની અપેક્ષા ટકેલી છે.
કોરોનાની અમેરિકા દવા ટેસ્ટ માટે તૈયાર અમેરિકાની ફાર્મા કંપની ફાઇઝરે વેક્સિન બનાવતી બોયોનટેક કંપનીને 185 મિલિયન ડોલર ચુકવણી કરી છે. જેનાથી mma વેક્સિન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સંક્રમક બીમારીઓની સારવાર માટે વધુ થાય છે, કેમ કે પારંપરિક વેક્સિનની તુલનામાં એને વધુ સુરક્ષિત અને ઓછા બજેટમાં તૈયાર કરવામાં આવે છે. curevac અને moderna નામની બે કંપની પણ mma વેકિસન બનાવવાની દિશામાં કામ કરી રહી છે.
એન્ટિ-વાઇરલ દવાને પ્રારંભિક સફળતા મળી
ફાઇઝરે જણાવ્યું છે કે કોરોના વાઇરસના ખાતમા માટે બનાવવામાં આવી રહેલી એન્ટિ-વાઇરલને ક્લિનિકના પ્રારંભિક પરીણમાં સફળતા મળી છે. બીજી બાજું JVની પાસે આ ક્ષમતા છએ, એ કંપની લાખ્ખો વેકિસનનો સપ્લાય આ વર્ષના અંત સુધીમાં કરી શકશે. જો આ વેક્સિનને મંજૂરી મળી ગઈ તો પછી આ કંપનીઓનો દાવો છે કે 2021 સુધી કેટલાય કરોડ વેક્સિનના ડોઝનું ઉત્પાદન કરશે.
સ્પેનમાં એક દવાથી એક દર્દી સાજો થયો
કોરોના વાઇરસ રોગચાળાથી ત્રસ્ત સ્પેનની કંપની Sesderma કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એની વિટામિન સપ્લિમેન્ટ દવાઓએ સ્પેનમાં 75 ટકા દર્દીઓ સાજા થયા. આ સાથે 300 અને દર્દીઓ પર એનું ટ્રાયલ મેડ્રિડ અને વેલનસિયામાં ચાલી રહ્યું છે. આ કંપનીએ જણાવ્યું હતું કે એણે ICMRને સલાહ આપી છએ કે તેઓ 30-40 દર્દીઓ પર આ દવાનું પરીક્ષણ કરે.
બંગલાદેશની કંપની પણ પરીક્ષણ શરૂ કરશે
બંગલાદેશની એક દવા બનાવતી કંપની Beacon Pharmaએ ક્લિનિકમાં પરીક્ષણ શરૂ કરશે કે શું Favipiravir નામની એન્ટિ-વાઇરલની દવા કોરોના સંક્રમિતની સારવારમાં અસરકારક છે. આ કંપની એની દવાની સુરક્ષાની તપાસ કરવાના પ્રયાસો કરી રહી છે.
પ્રતિષ્ઠિત નેચર મેગેઝિનમાં છપાયેલા એક અભ્યાસમાં ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે તેમણે 10,000 કમ્પાઉન્ડ્સ થી છ દવાની ઓળખ છે. જે કોરોના વાઇરસથી સંક્રમિતોની સારવારમાં કારગત સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ આ દવાઓની ક્ષમતાને લઈને ક્લિનિકલ પરીક્ષણ પણ કર્યું છે. ઓસ્ટ્રેલિયા પણ આ રોગથી પીડિત છે.
ભારતમાં પ્લાઝમાં થેરેપી, 40 વેક્સિન પર કામ
ભારતીય મેડિકલ રિસર્ચ કાઉન્સિલ (ICMR) આ દિશામાંમ પ્રયાસ કરી રહી છે કે શું કોરોનાને હરાવવા માટે દર્દીને પ્લાઝમા સંક્રમિત વ્યક્તિઓની સારવારમાં કારગત થવાની શક્યતા છે. ICMRના જણાવ્યા મુજબ કોરોનાથી જંગ માટે 40થી વધુ વેક્સિનના વિકકાસ પર કામ ચાલી રહ્યું છે. તેમણે જોકે કહ્યું હતું કે અત્યાર સુધી કોઈ પણ વેક્સિન બીજા તબક્કામાં નથી પહોંચી.
કોરોનાના કહેર વચ્ચે હમણાં ઇન્દોર અને પતિયાલામાં બનેલી બે ઘટનાએ આપણને સૌને અંદરથી હચમચાવી મૂક્યા છે. કોરોના વાઇરસ કરતાં ય આ અદશ્ય વાઇરસ કેમ ખતરનાક છે એ જાણીતા શિક્ષણવિદ ડો. ઇન્દુ રાવ અહીં સમજાવે છે…
બે એવી ઘટનાઓ હમણાં બની છે જેના કારણે હાલની કોરોનાગ્રસ્ત પરિસ્થિતિ દરમિયાન આપણાં સમાજ અને સંસ્થાનો વચ્ચે ઉછરી રહેલા નબળી માનસિકતાનાં બીજા કેટલાક અદ્રશ્ય વાયરસો પણ પ્રકાશમાં લાવી દીધા છે. ઇન્દોરમાં ગયા અઠવાડીએ છાકટા થયેલા ટોળાએ કોરોના વાયરસનાં ટેસ્ટ માટે ગયેલા ડૉક્ટર્સ અને નર્સ ઉપર પથ્થરમારો શરુ કરી દીધો.
અને બીજો બનાવ તરત જ બન્યો પતિયાલામાં. હિંસક થયેલા ટોળાએ લોકડાઉનના પાલન માટે ઉભા કરાયેલા ચેકપોઇન્ટ ઉપર હાજર આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેકટર કક્ષાનાં પોલીસ અધિકારીના હાથનો પંજો કાપી નાખ્યો અને ફરજ ઉપરનાં બીજા કેટલાયને ઘાયલ કરી નાખ્યા. કોરોના સામેનાં મહાયુદ્ધનાં લડવૈયા એવા આ મેડિકલ સ્ટાફ અને પોલીસનાં બચાવપક્ષે પ્રસાશન તેમજ સમાજ જો કે તરત જ આવી ગયાં. ઈન્દોરનાં પથ્થરબાજોની દેશભરમાં ટીકા થઇ અને તેમનાં આકાઓએ માફી માગવી પડી અને ટેસ્ટ અને ટ્રીટમેન્ટ માટે સંમત પણ થવું પડ્યું. એવી જ રીતે પતિયાલાની ઘટનાની એકસૂરે આખા દેશમાં ઘેરી નિંદા થઇ છે અને દોષિતોને ઘટતી સજા પણ થશે જ. આ બન્ને ઘટનાઓનું શબ્દોથી વર્ણન કરવું પણ અઘરું પડે તેટલી ઘૃણાસ્પદ છે.
પ્રશ્ન અહીં એ થાય છે કે આપણાં મૂલ્યોનું આટલું અધઃપતન કેમ થઇ ગયું છે કે આવા નાજુક સમયે આપણી સેવા અને સલામતી માટે ખડેપગે રહેલા મેડિકલ સ્ટાફ અને પોલીસ ઉપર પણ હુમલાઓ થવા લાગે. સમાજમાં નીતિમત્તાનાં મૂલ્યોના શિક્ષણ બાબતે આપણી સ્કૂલ અને કોલેજો શું કરી રહી છે? યુનિવર્સિટીઓમાં છાનાખૂણે ફેલાઈ ગયેલા નબળી માનસિકતાનાં આ કોરોના જેટલા જ ઘાતક “વાયરસ”થી ઉદ્દભવેલા આવા દુર્વ્યવહારોની જવાબદારી લેવા આપણે સમાજ તરીકે તૈયાર છીએ ખરા? કે આ બાબતે પણ આપણે આંખ મીંચામણાં કરીને અન્યોને જવાબદાર ઠેરવવાની શાહમૃગનીતિ જ અપનાવીશું? આ અદ્રશ્ય “વાયરસ” સામે કડકાઈ કરીને અત્યારે તો પ્રસાશન અને સમાજે સમય ચોક્કસપણે સાચવી જ લીધો છે; પરંતુ આવી જઘન્ય ઘટનાઓ ન બને તે પાછળ જેની મૂળભૂત જવાબદારી ગણી શકાય તેવી આપણી એજ્યુકેશન સિસ્ટમનું શું?
વિદ્યાર્થીઓ દ્વારા અનુભવાતા અવગણના, અસલામતી, વિશિષ્ટતાનાં અભાવ જેવા શરૂઆતમાં સામાન્ય લાગતા “વિષાણુઓ”નાં કારણે જ આગળ જતાં વિવિધ પ્રકારની ગુંડાગર્દીનો મહામારી જેઓ ચેપ સ્કૂલ-કોલેજોમાં લાગવાનું શરુ થઇ જાય છે, તે શિક્ષણક્ષેત્રનાં લોકો જાણતા હશે. આવા વિષાણુઓનાં અસ્તિત્વની સમાજને ખબર નથી હોતી અને શિક્ષણનીતિનાં ઘડવૈયાઓ એ તરફે બેધ્યાન રહેવાનું પસંદ કરે છે. આવા “વિષાણુઓ”ને અગાઉથી પારખીને તે ઘાતક ન બને તેવી નક્કર પોલિસીઓ યુનિવર્સિટીઓ દ્વારા ઘડાય તો સામુહિક સહઅસ્તિત્વ અને ઉદ્દાત ભાવનાઓ જેવા નૈતિક મૂલ્યોનાં કેળવણીબીજ સમાજમાં રોપી શકાય. પરંતુ, આવું થતું નથી અને ચેપગ્રસ્ત કહી શકાય તેવી જ અવસ્થામાં આપણી યુનિવર્સિટીઓ પોતાનું કામ કર્યે જાય છે. આ એક નુકસાનકારક અભિગમ છે અને તેનાથી યુનિવર્સિટીઓના અસ્તિત્વનો મૂળભૂત હેતુ માર્યો જાય છે. દુનિયાની ટોપ યુનિવર્સિટીઓનાં રેન્કિંગમાં આપણાં દેશની આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ યુનિવર્સિટીઓ શું કામ છે તેની પાછળનું આ એક મોટું અને મહત્વનું કારણ છે. કુંઠિત માનસિકતાનાં આ ઘાતક વાઇરસથી સંક્રમિત શિક્ષણશાસ્ત્રીઓનો પગદંડો જ્યાં સુધી આપણી યુનિવર્સિટીઓમાં રહેશે ત્યાં સુધી નવી પેઢીનાં વિદ્યાર્થીઓ અને પરિણામસ્વરૂપે સમાજને પણ તેની વિપરીત અસરો સહન કરવાની આવશે તે નિશ્ચિત છે.
સદભાગ્યે દરેક યુનિવર્સિટીઓ આ અદ્રશ્ય વાયરસથી ચેપગ્રસ્ત છે તેવું પણ નથી. કેટલીક યુનિવર્સિટીઓ આ બાબતે યોદ્ધા જેમ ચોક્કસ કામ કરી રહી છે. અત્યારની અદ્રશ્ય વિષાણુ થી ચેપગ્રસ્ત એજ્યુકેશન સિસ્ટમનાં માહોલમાં આવી સંસ્થાઓએ જો કે પોતાને કવૉરન્ટીન કરીને અલગ પાડી દીધી છે. તેમની પવિત્રતાને આંચ આવતી જયારે પણ તેમને દેખાણી ત્યારે ઉપર ટાંકેલા બે બનાવો મુજબ મુકાબલો કરવાં ડૉક્ટર, નર્સ અને પોલીસ માફક રણસંગ્રામમાં ઉતરતા પણ તેઓ અચકાયા નથી. પરંતુ હકીકત એ પણ છે કે સિસ્ટમને લાગુ પડેલા રોગ અને તેના નિદાન માટે જયારે જયારે તેઓએ સક્રિય થવાનો પ્રયત્ન કર્યો ત્યારે ત્યારે અન્ય યુનિવર્સિટીઓની વિષાણુ સંક્રમિત સ્થાપિત ટોળકીઓએ ઇન્દોરની ઘટના માફક તેમને ભગાડી મૂકવા પથ્થરમારા સમાન હેરાનગતિઓ ઉભી કરેલી છે. આ ટોળકીઓ સામે મક્ક્મતાથી સામનો કરવાની જયારે પણ કોઈએ ચેસ્ટા કરી ત્યારે પતિયાલાની ઘટના માફક તેઓ કાંડા કાપી નાખતા પણ ક્યારેય ખચકાયા નથી. આ સંજોગોમાં નાસીપાસ થયેલી આવી અનેક યુનિવર્સિટીઓનાં સંચાલકોએ છેવટે પોતાની કામગીરી સ્થગિત કરવી પડી છે અને અમુક કિસ્સાઓમાં તો દેશ છોડવા સુધીનાં તેમને દિવસો આવી ગયાનાં દાખલાઓ છે. અત્યંત દબાણ હેઠળ આવી અનેક યુનિવર્સિટીઓએ તો હાર કબૂલીને નાછૂટકે વિષાણુ સંક્રમિત સ્થાપિત ટોળકીઓ સાથે સામેલ પણ થઇ જવું પડ્યું છે.
મોટાભાગની યુનિવર્સિટીઓ એ સ્વીકારવા સુધ્ધા તૈયાર નથી હોતી કે તેઓ કોરોના જેવા જ ઘાતક વિષાણુથી ચેપગ્રસ્ત છે. ઉલટું, અમે એકદમ જ ઓલરાઇટ છીએ તેવું વાજીંત્ર વગાડતી રહે છે. આ માનિસકતાને ઇન્દોરનાં હુમલાખોરો કરતાં જુદી કઈ રીતે ગણવી? કહેવાનું તાત્પર્ય અહીં એ છે કે જ્યાં સુધી મહાવિદ્યાલયોનાં સંચાલકો કેવા-કેવા નીતિગત સુધારાઓની તેમને જરૂર છે તે માટેનાં અભિપ્રાયો અને યોજનાઓ અંગે ઉદારતાથી સાંભળવા પણ જો તૈયાર ન હોય તો તેમને ખ્યાલ પણ કઈ રીતે આવશે કે વાયરસ ક્યાં છૂપાયેલો પડ્યો છે અને તેની શું દવા છે. વિષાણુનાં સાયલન્ટ કેરિયર બનેલા સંચાલકોની સ્થાપિત ટોળકીઓ સુધારાઓના પ્રયત્નો સફળ થવા દે તેવી અપેક્ષા પણ આમાં કઈ રીતે રાખવી?
એક બીજી થિયરી એ પણ છે કે આવી કુંઠિત માનસિકતાનાં વિષાણુથી શિકાર થયેલાઓને એ સારી રીતે ખબર જ છે કે તેમનામાં શું ખામીઓ છે. પરંતુ જો હક્કીત લોકો સમક્ષ ખુલ્લી પડી જાય તો પોતાની સત્તા અને હોદ્દાનાં સિંહાસનો ડગમગવા લાગે તેવા ડરથી તેઓ સુધારાઓની પ્રક્રિયામાં ભાગ લેવા તૈયાર નથી. હદ તો ત્યારે થાય છે કે પ્રસાશનનાં પીઠબળ સાથે કોઈ એકલ-દોકલ યુનિવર્સિટીઓ આ બાબતે જો પહેલ કરે તો તેમને અફવાઓ અને ફેક ન્યૂઝ જેવાં માધ્યમોથી બદનામ કરીને ધક્કે ચડાવવામાં સ્થાપિત હિતો કોઈ કસર નથી છોડતા. આ બાબતને ઇન્દોર અને પતિયાલા ખાતે પૂરી ફરજનિષ્ઠા સાથે કામ કરી રહેલા ડોક્ટર્સ, નર્સ અને પોલીસ અધિકારીની જે હાલત કરવામાં આવી તેની સાથે સરખાવી જોવો એટલે પરિસ્થિતિનો અંદાજ આવે.
આપણે એ યાદ રાખવું જોઈએ કે લડવૈયા જેવી ખુમારી સાથે શિક્ષણક્ષેત્રે સુધારાઓની આગેવાની લેનારાઓની અવગણના કરીને આપણે આડકતરી રીતે કેળવણીક્ષેત્રનાં દુશ્મનોને જ પ્રોત્સાહન આપી રહ્યા છીએ. ઇન્દોર અને પતિયાલા જેવી ઘટનાઓ પાછળ આપણી નબળી શિક્ષણનીતિનો દોષ સ્વીકારવા જેટલું વિશાળ મન આપણે નહીં રાખીએ તો આનાથી પણ વધુ ખતરનાક ઘટનાઓ માટે સમાજે તૈયાર રહેવું પડશે. યુનિવર્સિટીઓએ નીતિવિષયક ફેરફારો કરીને વિદ્યાર્થીઓ દ્વારા અનુભવાતા અવગણના, અસલામતી, વિશિષ્ટતાનાં અભાવ જેવા શરૂઆતમાં સામાન્ય લાગતા “વિષાણુઓ”નાં સંક્રમણ સામે લડાઈની શરૂઆત કરવાની હવે તાતી જરૂર છે. આજુબાજુ આકાર લઇ રહેલી નાની-મોટી તમામ ઘટનાઓનું ઝીણવટથી પૃથ્થકરણ કરવાનું જો હવે ટાળીશું તો “વિષાણુઓ” વધુ જોર પકડશે તે ન ભૂલીએ.
(લેખિકા વેલ્લોર ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીની એકેડેમિક સ્ટાફ કોલેજના ડીરેક્ટર છે)
આપણો દેશ હાલ કોરોનાની સાથે-સાથે એક બીજી જંગ પણ લડી રહયો છે, આ જંગ આર્થિક મંદીની જંગ છે. આ પરિસ્થિતીમાં આર્થિક સુધારા જરૂરી છે, જે આગળ જતા અર્થંતંત્રના પુરુત્થાનમાં ખરાં સહયોગી બનશે. દેશને પાંચ ટ્રિલિયનનું અર્થંતત્ર બનાવવામાં પણ તે જ અનિવાર્ય બનશે.
મોદી સરકારે થોડા મહિના પહેલાં દેશના અર્થતંત્રના કદને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યુ હતું. પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી એટલે ભારતનું અર્થતંત્ર રૂપિયાના સંદર્ભમાં 3 કરોડ 62 લાખ પચાસ હજાર કરોડનું થાય (રૂ.3,62,50000 કરોડ). એટલે કે ભારતનું જીડીપી (ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકશન) દર વરસે આઠ ટકાના દરે વધવો જોઈએ. જીડીપીમાં કુલ ઉત્પાદન, સર્વિસીસ, નિકાસ પણ આવી જાય. દેશમાં ઉત્પાદન, વપરાશ અને નિકાસ વૃધ્ધિનું અને આયાત ઘટાડવાનું લક્ષ્ય રખાયું હતું, આ સાથે વપરાશ વધે એ માટે રોજગારી મારફત લોકોનો વપરાશ વધારવાનું હતું. આમ થાય તો દેશમાં આર્થિક પ્રવૃતિ અને વિદેશી રોકાણનો પ્રવાહ વધી શકે. જયારે કે હાલ પરિસ્થિતી ઉલ્ટી દિશામાં જવા લાગી છે.
અર્થતંત્રનું સૌથી મહત્ત્વનું પરિબળ એવો બચત દર નોંધપાત્ર નીચે ગયો છે. અતિ નાના, લઘુ-મધ્યમ એકમો સહિત મોટા એકમો પણ કપરાં સમયમાથી પસાર થઈ રહયા છે. આમાં ઉત્પાદનને વેગ કયાંથી મળશે? બિઝનેસ કરવાનું સરળ બનાવવાનું બાજુએ રહયું, વધુ કપરું બની રહયું છે. સરકારે પોતાના આ વિઝનને હાંસલ કરવા સાત ક્ષેત્રમાં સુધારા કરવા અનિવાર્ય છે, જેમાં કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રકચર,જમીન અને કામદાર કાનુન,જીએસટી,સીધા વેરા અને ફાઈનાન્સીયલ સેકટરનો સમાવેશ થાય છે. સ્થાનિક મુડીરોકાણ કે મુડીસર્જનમાં કોઈ વધારોથયો નથી. સીધા વિદેશી રોકાણનો દર નીચો ગયો છે. રોજગારી સર્જનને બદલે વિસર્જનના સંકેતો સ્પષ્ટ થઈ રહ્યા છે.
અલબત્ત, આ હાલત માત્ર આપણા દેશની નથી, આ હાલાત માટે મોદી સરકારને જવાબદાર ગણી શકાય નહીં, બલકે સમગ્ર વિશ્વ આજે કોરોનાના કહેર હેઠળ છે. કોરોના વાઈરસની આફતને અત્યારસુધીની સૌથી બુરી આફત તરીકે જોવામાં આવે છે, આ આફતને પરિણામે અર્થતંત્રની હાલત સાવ જ કથળી ગઈ છે એ વાત સાચી, આપણી જ નહીં, જગતભરના દેશોના અર્થંતંત્રની કરોડરજજુ તુટી ગઈ છે. શેરબજારમાં ભાવોના ભુકકા બોલાઈ ગયા છે. હાલ યુએસએમાં પણ સતત જોબલોસ થઈ રહી છે. આ મહાસત્તાએ જંગી સહાય પેકેજ આપ્યા હોવાછતાં ત્યાં અત્યારે આર્થિક હાહાકાર ઉપરાંત મરણાંક પણ ઊંચો જઈ રહયો છે. કોરોનાને કારણે બિઝનેસ બંધ પડવાને લીધે જોબલોસનો આંકડો હજી વધવાની શકયતા છે. યુરોપની દશા આનાથી પણ વધુ બદ્ત્ર બની છે. આ દેશોમાં પણ આર્થિક વિકાસના આંકડા સતત નીચે ગબડી રહયા છે. આવામાં ભારત કયાંથી મુકત રહી શકે. ભારતમાં પણ આ તમામ મામલે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે.
એક સાંધો ત્યાં તેર તૂટે
રિઝર્વ બેંકે તેના અહેવાલમાં કહયું છે કે તાજેરમાં તેણે જે નાણાંકીય રાહત આપી છે તેની સારી અસર કોવિદ-19 બાદના સમયમાં માહોલ સામાન્ય બનવા પર જોવા મળશે. હાલ તો જીડીપી ગ્રોથ રેટની ધારણા મુકવી પણ કઠિન છે. સેવિંગ અને ડિપોઝિટ પર વ્યાજદર ઘટતા જાય છે.લોકો બચત કરે કયાં ? ધિરાણ પરના વ્યાજદર પણ ઘટયા છે, તેમછતાં ધંધા જ નથી ત્યારે ધિરાણ કોણ લેવા જાય? જે ધિરાણના હપ્તાઓમાં રાહત અપાઈ છે તે પણ ટુંકી પડવાની શકયતા જણાય છે. નાના-મધ્યમ એકમોની દશા તો એક સાંધો ને તેર તુટવા જેવી થઈ છે. નવી નોકરીઓ સર્જાવાની વાત તો બાજુએ રહી, જે છે તે ટકી જાય તો પણ ઘણું.
ભારત માટે નવો આશાવાદ
આવા વરવા સંજોગોમાં ભારત માટે કયાંક નવો આશાવાદ પણ વ્યકત થાય છે. ભારત હંમેશા કટોકટીમાં વધુ સારી કામગીરી બજાવે છે એવું પણ મનાય છે. અલબત્ત, આ વખતની કટોકટી અસાધારણ છે , તેમછતાં જયારે –જયારે ભારતમાં ઈકોનોમીકલ ક્રાઈસિસ આવી છે ત્યારે ભારત સરકાર આર્થિક સુધારા માટે વધુ સક્રિય બની છે. હાલ જયારે ભારતનું અર્થતંત્ર અત્યંત ખરાબ સ્થિતીમાંથી પસાર થઈ રહયું છે અને તેના વૃધ્ધિ દર માટે ભયંકર નબળો મત વ્યકત થઈ રહયો છે ત્યારે આ દેશ કોરોનામાંથી મુકત થઈ નવી લડાઇ માટે સજજ થઈ રહયો છે. આ સમજણ મોદી સરકાર પાસે વધુ સારી રીતે હોવાની પ્રતિતી જોવા મળી છે.
કટોકટીમાં ભારતનું લક્ષ્ય
આપણે ઉપર વાત કરી તેમ ભારતમાં જયારે પણ ઈકોનોમિક ક્રાઈસિસ આવી છે ત્યારે સરકાર આર્થિક સુધારા ઉર્ફે ઈકોનોમિક રિફોર્મ્સ માટે સક્રિય બની છે અને એ માટે આવશ્યક પગલાં પણ લીધા છે. આ વખતે સરકારે વધુ કમર કસવાની થશે, કારણ કે મોદી સરકારે આ પાંચ વરસમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય જાહેર કર્યુ હતું, જે માટે સાતત્ય પૂર્ણ રીતે દર વરસે આઠ ટકાનો સરેરાશ જીડીપી દર જરૂરી ગણાય,તેની સામે હાલ જીડીપી દર માંડ ચાર ટકા રહેવાનો અંદાજ છે, એટલું જ નહીં , આ વરસે તો જીડીપી દર પોણા બે ટકા સુધી નીચે જવાનો ભય પણ વ્યકત થયો છે. આઈએમએફ (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ), એશિયન ડેવલપમેન્ટ બેંક અને મુડીઝ તેમ જ ગ્લોબલ નાણાં સંસ્થા ગોલ્ડમેન સાશે નીચો દર અંદાજ મુકીને ભારતને સાવ નીચે ધકેલી દીધું છે. આવા સંજોગોમાં રોજગારી સર્જન, મૂડીસર્જન, ઔધોગિક વિકાસ, નિકાસ, વગેરે બાબતોની દશા શું થઈ શકે તેની કલ્પના ડરામણી છે.
મોદી સરકાર પાસે મોટી આશા
તેમછતાં આશાવાદ એ છે કે જો મોદી સરકાર આ સમયમાં આર્થિક સુધારાને નવો ઓપ આપે, વધુ ઝડપ કરે, વધુ ઉદાર અને પારદર્શક તેમ જ વ્યવહારું બનાવે તો મોટાપાયે સ્થાનિક અને વિદેશી રોકાણને આકર્ષી શકે છે. ભારત હજી પણ જગત માટે મહત્ત્વની બજાર છે. ચીન કરતા જગતનું ધ્યાન ભારત પર વધી રહયું છે. ખાસ કરીને આ કપરાં કોવિદ-19ના સમયમાં ભારતે જે કામગીરી બજાવી છે અને યુએસએ સહિત અન્ય દેશોને માર્ગદર્શન તેમ જ સપોર્ટ કર્યો છે તે સરાહનીય બન્યા છે. જગતના અગ્રણી દેશોએ આ બાબતની નોંધ લીધી છે. ભારત આવા સમયમાં વિદેશી રોકાણ આકર્ષવા પારદર્શક -વ્યવહારું પગલાં જાહેર કરે તો કોવિદ-19 બાદના માહોલમાં ભારત ઊંચું વિદેશી રોકાણ આકર્ષી શકે છે. આ માટે તેણે અત્યારથી તૈયારી કરવી જરૂરી છે.
ઈકોનોમિક રિવાઈવલ માટે સુધારા જરૂરી
મોદી સરકારે અત્યારે તો કોરોના સામેની જંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે, કિંતુ આ સાથે મોદી સરકાર જો ચોકકસ ટીમ આર્થિક સુધારાની તૈયારીમાં લગાડી દે તો આ લક્ષ્ય સાર્થક બની શકે છે. પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીના લક્ષ્યને પહોંચવામાં વિલંબ થઈ શકે એ વાત સાચી, પણ હવે તેને પામવા માટે પ્રયાસ પણ બમણા –ત્રણ ગણાં કરવા પડશે. આ સમય માત્ર કોરોનાની લડાઈનો જ નથી, દેશને આર્થિક મહામારીમાંથી પણ બહાર કાઢવાનો છે. કદાચ આ ઉત્તમ તક પણ છે. આને પડકાર ભલે ગણીએ પણ આ અવસર પણ ખરો. આમ પણ અર્થંતંત્રના પુનરુત્થાન માટે આર્થિક સુધારા અનિવાર્ય બને છે.
અગાઉના આર્થિક સુધારાના દાખલા જોઈએ તો 1992માં સિકયોરિટી સ્કેમ બાદ લેવાયા ઘણાં આર્થિક સુધારા થયા હતા, એ પછી 2008ની ક્રાઈસિસ વખતે પણ કરાયા હતા. નરસિંહ રાવ સરકારથી લઈ ડો. મનમોહન સિંહની સરકાર સુધી આર્થિક સુધારાનો એક દોર ચાલ્યો હતો. એ પછી મોદી સરકારે 2014 થી સુધારાને વધુ નકકર સ્વરૂપ સાથે નવી દિશા પણ આપવાનું શરૂ કર્યુ. જીએસટી, ગરીબો માટેની અનેક યોજના, જનધન, ઈન્સોલવન્સી એકટ, બેંકોના મર્જર, ડિફોલ્ટર્સ સામે એકશન, મેક ઈન ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, વગેરે સહિત ઘણાં દાખલા છે. આશા રાખીએ કે મોદી સરકાર આ વિષય પર કામ કરતી જ હશે. સરકાર કોરોનાના માહોલમાંથી મુકત થયા બાદ આ દિશામાં વધુ જોર આપશે એવું ચોકકસ માની શકાય અને આમ કરવાની ફરજ પણ પડશે. મોદી હૈ તો મુમકિન હૈ !
ગાંધીનગરઃ આખો દેશ અત્યારે કોરોના સામે લડી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જઈ રહ્યા છે જેથી રાજ્યમાં ચિતાનો માહોલ બન્યો છે.
ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત મળે તેવી જાહેરાત કરવામાં આવી છે. આજે CMO સચિવ અશ્વિની કુમારે એક પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાતના વાલીઓને રાહતના સમાચાર આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે શાળા સંચાલક મંડળના આગેવાનોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી છે.
લોકાડાઉન વચ્ચે ગુજરાતના વાલીઓને રાહત આપતા અશ્વિની કુમારે કહ્યું કે આગામી શૈક્ષણિક વર્ષમાં કોઈ શાળા ફી વધારો નહીં કરી શકે. આ સિવાય તેમણે કહ્યું કે લોકડાઉનના 3 મહિનાની ફી માટે વાલીઓને દબાણ પણ નહીં કરાય. તેમણે કહ્યું કે આર્થિક સ્થિતિ સારી ન હોય તે વાલીઓને પણ રાહત મળશે. ઉપરાંત અશ્વિની કુમારે કહ્યું કે માર્ચ-મેની ફી જૂનથી લઈ નવેમ્બર સુધી ફી જમા કરાવી શકશે. લોકડાઉન વચ્ચે હવે વાલીઓને માર્ચ, એપ્રિલ અને મે માસની ફી માટે 6 મહિનાની મુદ્દત આપવામાં આવી છે.
CMO સચિવે કહ્યું કે ફીનો હપ્તો ક્વાર્ટરલીને બદલે માસિક ભરી શકશે. શાળા સંચાલકો દ્વારા વાલીઓ પર 3 મહિનાની ફી માટે દબાણ નહીં કરાય. ઉપરાંત તેમણે તમામ યુનિવર્સિટી અને કોલેજોમાં 15 એપ્રિલથી 16 મે સુધી વેકેશનની જાહેરાત કરી છે અને 17 મે બાદ યુજીસી(UGC)ની ગાઇડલાઇન પ્રમાણે પરીક્ષા લેવાશે એમ કહ્યું છે. 16 એપ્રિલથી 10-12નાં પેપર્સનું મુલ્યાંકન શરૂ કરાશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે APL-1ના કુટુંબોને આજથી રાશન વિતરણ કર્યું છે. અત્યાર સુધી 4 લાખ કુટુંબોને રાશન પહોંચાડાયું છે.
અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. લોકડાઉન પાર્ટ ટૂની આશંકાએ શેરબજારમાં રોકાણકારોએ ભારે વેચવાલી કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે 10 વાગ્યે દેશને સંબોધિત કરવાના છે. દેશમાં કોરોના વાઇરસના વધતા કેસને જોતાં લોકડાઉન વધારવાનું એલાન કરે એવી શક્યતા છે. દેશનાં છ-સાત રાજ્યો લોકડાઉનની જાહેરાત પહેલેથી કરી ચૂક્યાં છે. જેથી સેન્સેક્સ 470 પોન્ટ તૂટીને 30,690ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી ઇન્ડેક્સ પણ 118 તૂટીને 8,994 પર બંધ આવ્યો હતો. આમ સેન્સેક્સે 31,000 અને નિફ્ટીએ મહત્ત્વની એવી 9,000ની સપાટી તોડી હતી.
નિફ્ટીના 11માંથી નવ ઇન્ડેક્સ મંદીમાં
સેન્સેક્સના 30માંથી 23 શેરો નરમાઈ સાથે બંધ થયા હતા, જ્યારે નિફ્ટી 50ના 30 શેરો નરમ બંધ થયા હતા. વળી, નિફ્ટીના 11માંથી નવ ઇન્ડેક્સમાં મંદી થઈ હતી. ઓટો ઇન્ડેક્સ આશરે અઢી ટકા તૂટ્યો હતો. બેન્ક નિફ્ટી પણ 1.92 ટકા તૂટીને 19,534ના સ્તરે બંધ આવ્યો હતો. ફાઇનાન્શિયલ ઇન્ડેક્સ 2.93 ટકા તૂટ્યો છે, જ્યારે રિયલ્ટી ઇન્ડેક્સ ચાર ટકા તૂટ્યો હતો. મિડકેપ અનમે ફાઇનાન્શિયલ ઇન્ડેક્સ પણ ત્રણ-સાડાત્રણ ટકા ઘટ્યા હતા. આ સાથે મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ નરમાઈ સાથે બંધ થયા હતા.
જોકે નિફ્ટી ફાર્મા ત્રણ ટકા અને મેટલ ઇન્ડેક્સ બે ટકા તેજી સાથે બંધ થયા હતા.
સ્ટોક સ્પેસિફિક જોઈએ તો ઝી એન્ટરટેઇનમેઇન્ટ, બજાજ ફિનસર્વ, એમ એન્ડ એમ, ટાઇટન, વિપ્રો, હીરો મોટોકોર્પ, આઇસીઆઇસીઆઇ બેન્ક, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને ટેક મહિન્દ્રામાં ભારે વેચવાલી જોવા મળી હતી. બીજી બાજુ એલ એન્ડ ટી સાડા છ ટકા અનમે હિન્ડાલ્કોએ છ ટકાની છલંગ લગાવી હતી. આ ઉપરાંત ભારતી એરટેલ, અદાણી પોર્ટ, ડો. રેડ્ડીઝ લેબૂ, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોલ ઇન્ડિયા, ગ્રાસિમ, ઇન્ડ્સઇન્ડ બેન્ક અને શ્રીસિમેન્ટમાં સૌથી વધુ તેજી થઈ હતી.
મુંબઈઃ શહેરમાં 20થી પણ વધારે દિવસોથી કોરોના વાઈરસ સામેના જંગમાં લોકડાઉન લાગુ છે. આને કારણે રોજનું કમાઈને પોતાનું અને પરિવારજનોનું પેટ ભરનાર મજૂરો, કામદારોની હાલત કફોડી થઈ ગઈ છે.
આવા જરૂરિયાતમંદ લોકોને ભોજન અને ફૂડ પેકેટ્સ પૂરાં પાડવામાં શહેરના અનેક નામાંકિત લોકો આગળ આવ્યાં છે. ગરીબ વિસ્તારોમાં જઈને ભૂખ્યાં લોકોને જમાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં સત્તાવાળાઓ અને પોલીસતંત્ર દ્વારા પણ રાહત કામગીરી ચલાવવામાં આવી રહી છે.
આ સહાયતા-પ્રવૃત્તિઓમાં મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત વીજપૂરવઠા વિતરણ અને ટ્રાન્સપોર્ટ કંપની BEST પણ પાછળ નથી રહી. એણે એક સરસ રસ્તો શોધી કાઢ્યો છે.
હાલ જ્યારે લોકડાઉનને કારણે લોકોની અવરજવર સદંતર બંધ છે અને ‘બેસ્ટ’ની બસ સેવા માત્ર આવશ્યક સેવાકર્મીઓ, તબીબી ક્ષેત્રના લોકો માટે જ ચાલુ રાખવામાં આવી છે. મોટા ભાગની બસો ડેપોની અંદર જ રાખવામાં આવે છે. આ સંજોગોમાં, ‘બેસ્ટ’ કંપનીએ જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ્સ પહોંચાડવા માટે તેની એરકન્ડિશન્ડ મિની બસોને કામમાં લીધી છે.
આવી એસી મિની બસોમાંથી પેસેન્જર બેઠકોને હટાવી દેવામાં આવી છે અને આખી બસમાં ફૂડ પેકેટ્સ મૂકવામાં આવે છે અને પછી તે જરૂરિયાતમંદ લોકોના સ્થળોએ દોડાવવામાં આવે છે.
એરકન્ડિશનર ચાલુ હોવાથી ખાદ્યપદાર્થો કલાકો સુધી તાજા પણ રહી શકે છે.
‘બેસ્ટ’ કંપની આ ફૂડ પેકેટ્સનું વિતરણ કરીને બેઘર અને માઈગ્રન્ટ કામદારોની સહાયતા કરે છે.
કલોલઃ રાજ્યમાં અત્યારે કોરોના વાયરસ આંકડાઓ ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે. સમગ્ર ભારતમાં અને આમ તો પોણા વિશ્વમાં અત્યારે લોકડાઉન છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લોકડાઉન છે. પરંતુ ધંધા રોજગાર અત્યારે ઠપ્પ હોવાથી રોજ કમાઈને રોજ ખાનારા લોકો અને પરિવારો અત્યારે સમસ્યામાં આવી ગયા છે અને બે ટંકના રોટલા માટે તેમને તકલીફ પડી રહી છે.
આવા કપરા સમયમાં જરુરિયાતમંદોની વ્હારે અનેક સેવાભાવી લોકો આવ્યા છે અને તેમને સુવિધાઓ પુરી પાડી રહ્યા છે. કલોકમાં પણ મોરારજીનગર સોસાયટી, મહાકાળી ગ્રુપ અને સત્ય સાંઈ સમિતિના યુવાનો સમાજના ગરીબ વર્ગના લોકોને તેમના કપરા સમયમાં મદદ કરવા માટે આગળ આવ્યા છે.
કુલ ત્રણ ગ્રુપના ભેગા મળીને 15-20 જેટલા યુવાનો રોજ 300 લોકોને સવાર-સાંજ ભોજન પહોંચાડી રહ્યા છે. આ ગ્રુપના એક સભ્ય ગીરીશભાઈ પરમારે જણાવ્યું કે, અમે એવા વિસ્તારોમાં જરુરીયાતમંદોને ભોજન આપવા માટે જઈએ છીએ કે જ્યાં સુધી લગભગ કોઈ પહોંચતું નથી. આ લોકો કલોલથી લઈને અડાલજ સુધીના વિસ્તારોમાં જરુરીયાતમંદોને ભોજન પુરું પાડી રહ્યા છે.
બોકારો: બોકારોના સિવિલ સર્જન ડો. અશોક કુમાર પાઠકનો આખો પરિવાર કોરોના સામે ચાલી રહેલી લડાઈમાં તેમનું યોગદાન આપી રહ્યો છે. પત્ની ડો. અંજના ઝા કોલ ઈન્ડિયાની રાંચી સ્થિત ગાંધીનગર હોસ્પિટલમાં મુખ્ય આરોગ્ય અધિકારી અને કોરોના વોર્ડની ઈન્ચાર્જ છે. દીકરી મેજર ડો. અદિતિ અને તેમનો પતિ મેજર ડો. વિશાલ ઝા લેહની સૈનિક હોસ્પિટલમાં કોવિડ 19 વોર્ડમાં તેમની સેવા આપી રહ્યા છે. આ પરિવારમાં કોરોનાને હરાવવાનું ગજબનું ઝૂનૂન છે. તમામ લોકોએ ઘર છોડી દીધુ છે.
ડો. પાઠક કહે છે કે, કોરોના એવો ખતરનાક વાઈરસ છે જે સંક્રમિત વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાઈ છે. મને એ વાતની ખુશી છે કે, અમારો આખો પરિવાર દેશના જૂદા જૂદા ભાગોમાં માણસ અને કોરોના વચ્ચે ઢાલ બનીને ઉભો છે.
ડો. પાઠક રોજના 20 કલાક આરોગ્ય સેવામાં જોડાયેલા રહે છે. સમગ્ર ટીમ પણ તેમની સાથે રહે છે. હવે તો હોસ્પિટલ જ તેમના ઘરનું સરનામું બની ગયું છે. ઘણી વખત તો એક જ ટાઈમ ભોજન કરવાનો સમય મળે છે. ડો. પાઠકની જીદ કોરોનાને જલ્દીમાં જલ્દી હરાવવાની છે.
ડો. પાઠકના જણાવ્યા અનુસાર લેહની સૈનિક હોસ્પિટલમાં સૌ પ્રથમ ઝારખંડથી કોરોનાનો દર્દી આવ્યો હતો. એક જવાનના પિતાને કોરોના સંક્રમણ થયું. પિતાની સેવામાં લાગેલ જવાન તેમની પત્ની અને બાળકો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા. જમાઈ મેજર વિશાલ અને પુત્રી અદિતિએ દિવસ રાત પોતાની ફરજ નિભાવીને કોરોનાને હરાવી દીધો. લેહ સૈનિક હોસ્પિટલ આજે પણ કોવિડ હોસ્પિટલ તરીકે ઓળખાય છે.