કપરા સમયમાં ગરીબો માટે સેવાયજ્ઞ કરતા કલોલના યુવાનો

કલોલઃ રાજ્યમાં અત્યારે કોરોના વાયરસ આંકડાઓ ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે. સમગ્ર ભારતમાં અને આમ તો પોણા વિશ્વમાં અત્યારે લોકડાઉન છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લોકડાઉન છે. પરંતુ ધંધા રોજગાર અત્યારે ઠપ્પ હોવાથી રોજ કમાઈને રોજ ખાનારા લોકો અને પરિવારો અત્યારે સમસ્યામાં આવી ગયા છે અને બે ટંકના રોટલા માટે તેમને તકલીફ પડી રહી છે.

આવા કપરા સમયમાં જરુરિયાતમંદોની વ્હારે અનેક સેવાભાવી લોકો આવ્યા છે અને તેમને સુવિધાઓ પુરી પાડી રહ્યા છે. કલોકમાં પણ મોરારજીનગર સોસાયટી, મહાકાળી ગ્રુપ અને સત્ય સાંઈ સમિતિના યુવાનો સમાજના ગરીબ વર્ગના લોકોને તેમના કપરા સમયમાં મદદ કરવા માટે આગળ આવ્યા છે.

કુલ ત્રણ ગ્રુપના ભેગા મળીને 15-20 જેટલા યુવાનો રોજ 300 લોકોને સવાર-સાંજ ભોજન પહોંચાડી રહ્યા છે. આ ગ્રુપના એક સભ્ય ગીરીશભાઈ પરમારે જણાવ્યું કે, અમે એવા વિસ્તારોમાં જરુરીયાતમંદોને ભોજન આપવા માટે જઈએ છીએ કે જ્યાં સુધી લગભગ કોઈ પહોંચતું નથી. આ લોકો કલોલથી લઈને અડાલજ સુધીના વિસ્તારોમાં જરુરીયાતમંદોને ભોજન પુરું પાડી રહ્યા છે.