Home Blog Page 4801

કશ્મીર-મોદી વિશેના ભડકાઉ નિવેદનથી શાહિદ આફરિદી પર ટીકાનો વરસાદ

ચંડીગઢઃ પાકિસ્તાનનો ભૂતપૂર્વ ક્રિકેટ ઓલરાઉન્ડર અને કેપ્ટન શાહિદ આફરિદી બેફામ નિવેદનો કરવા માટે જાણીતો છે. કશ્મીર વિશે ભૂતકાળમાં અનેક વાર વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યો છે. હાલમાં જ એણે એવું એક વધુ બકવાસભર્યું નિવેદન કર્યું છે. નવા નિવેદનમાં તો એણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક શબ્દો વાપર્યા છે. એને કારણે એની આકરી ટીકા કરવામાં આવી રહી છે.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા અને ફિલ્મ નિર્માતા અશોક પંડિતે આફરિદીનો એક વિડિયો ટ્વિટર પર શેર કર્યો છે જેમાં આફરિદી પીએમ મોદી વિશે બેફામ બોલી રહ્યો છે. આ વિડિયો વાયરલ થયો છે. આ વિડિયો આફરિદી પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં ગયો હતો એ વખતનો છે અને કેટલાક લોકોની નાની ભીડને સંબોધી રહ્યો છે.

વિડિયોની શરૂઆતમાં આફરિદી કોરોના વાયરસ વિશે બોલે છે, પણ બાદમાં એ વડા પ્રધાન મોદી અને કશ્મીર વિશે બોલે છે. એ બોલ્યો કે, કોરોનાથી મોટી બીમારી મોદીના દિલ અને દિમાગમાં છે અને તે બીમારી ધર્મની બીમારી છે. અહીંથી બે કિલોમીટર દૂરના કશ્મીરમાં એ આપણા કશ્મીરી ભાઈ, બહેનો, વૃદ્ધ લોકો પર જુલમ કરે છે. એમને આનો જવાબ દેવો પડશે.

આફરિદીએ વધુમાં કહ્યું કે મોદી આમ તો બહુ હિંમતવાળા બનવાની કોશિશ કરે છે, પણ એ ડરપોક માણસ છે. મોદીએ કશ્મીરમાં સાત લાખ ભારતીય સૈનિકોને તૈનાત કરી રાખ્યા છે. એટલા સૈનિક આપણા આખા પાકિસ્તાનના લશ્કરમાં છે. એમને (મોદીને) એ ખબર નથી કે એ 7 લાખ ફૌજીઓની પાછળ 22-23 કરોડની ફોજ ઊભી છે અને આપણે આપણી પાકિસ્તાની ફોજની સાથે છીએ.

આફરિદી એની મર્યાદામાં રહે, દેશ માટે જરૂર પડશે તો હું બંદૂક પણ ઊઠાવી લઈશઃ હરભજન સિંહ

શાહિદ આફરિદીના બેફામ નિવેદનોથી ભારતીય ક્રિકેટર હરભજન સિંહ ખૂબ જ ભડકી ગયો છે અને કહ્યું કે હવેથી આફરિદી સાથે પોતે કોઈ પ્રકારનો સંબંધ કે સહયોગ નહીં રાખે.

ઈન્ડિયા ટુડેના સ્પોર્ટ્સ તક કાર્યક્રમમાં હરભજન સિંહે કહ્યું કે, શાહિદ આફરિદી જે બોલ્યો છે એ વાંધાજનક છે. આપણા દેશ માટે અને આપણા વડા પ્રધાન માટે એલફેલ બોલ્યો છે. આ જરાય ચલાવી ન લેવાય.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસ રોગચાળા સામે આફરિદીની બિનસરકારી સંસ્થા, શાહિદ આફરિદી ફાઉન્ડેશને હરભજન સિંહ અને યુવરાજ સિંહે દાન કરતાં ભારતમાં આ બંને ક્રિકેટરોની ટીકા થઈ હતી.

હવે જ્યારે આફરિદીએ બેફામ નિવેદનો કર્યા છે ત્યારે હરભજન સિંહે કહ્યું છે કે, ‘આફરિદીએ તેના ચેરિટી સંસ્થાને મદદ કરવાની અમને વિનંતી કરી હતી. અમે કોરોનાપીડિતો માટે સારી ભાવનાથી, માનવતાને ખાતર મદદ કરી હતી. આપણા વડા પ્રધાને પણ કહ્યું છે કે કોરોના સામેની લડાઈ સરહદો, ધર્મો અને જાતિથી આગળ હોવી જોઈએ. તેથી અમે કટોકટીમાં ફસાયેલા લોકોને જ ખાતર જ મદદ કરી હતી. પરંતુ આ માણસ (આફરિદી) આપણા દેશ વિશે ગમે તેમ બોલે છે. મારે હવે સ્પષ્ટ કહેવું છે કે એની સાથે મારે કોઈ સંબંધ નથી. આપણા દેશ વિરુદ્ધ બેફામ બોલવાનો એને કોઈ અધિકાર નથી. એણે તેના દેશમાં જ અને એની મર્યાદામાં રહેવું જોઈએ. આજે કે આવતીકાલે, મારા દેશને જ્યાં પણ જરૂર પડશે, તો હું સરહદ ઉપર પણ જઈશ અને દેશને ખાતર બંદૂક ઉઠાવીશ.’

કોરોનાનો પ્રકોપ ચાલુ રહેતાં મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 મે સુધી લંબાયું

મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીનો પ્રકોપ હજી ઘટ્યો ન હોવાથી અને દરરોજ આ રોગના દર્દીઓની સંખ્યા તથા મૃતકોનો આંકડો વધતા હોવાથી મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરમાં લોકડાઉનની મુદતને 31 મે સુધી લંબાવી દીધી છે.

લોકડાઉનનો આ ચોથો તબક્કો હશે. આ સાથે રાજ્યમાં વધુ 14 દિવસ સુધી તમામ સ્થળોએ તાળાબંધી ચાલુ રહેશે. લોકોડાઉનને આ સતત ચોથી વાર લંબાવવામાં આવ્યું છે. એની શરૂઆત 24 માર્ચથી કરવામાં આવી હતી.

આવ્યું છે. નવા નિયમોની જાણકારી આવતીકાલે આપવામાં આવશે.

મહારાષ્ટ્રના મુખ્ય સચિવ અજૉય મેહતાએ સરકારના આ નિર્ણયની જાહેરાત કરી છે. લોકડાઉન-4 31મી મેની મધરાત સુધી અમલમાં રહેશે.

દેશમાં કોરોના રોગચાળાને કારણે સૌથી વધારે ખરાબ અસર પામેલું રાજ્ય મહારાષ્ટ્ર છે. અહીં અત્યાર સુધીમાં 30,706 કેસ નોંધાયા છે અને 1,135 જણ મૃત્યુ પામ્યા છે.

ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા રવિવારે બપોર સુધી 90,927 હતી. આ બીમારીથી મરણને શરણ થયેલા લોકોનો આંક 2,872 હતો. દુનિયાભરમાં કોરોનાએ અત્યાર સુધીમાં 3 લાખ 12 હજારથી વધારે લોકોનો ભોગ લીધો છે. આ રોગનો શિકાર બનેલા દર્દીઓનો આંક 46 લાખ 40 હજારથી વધુ છે.

મહારાષ્ટ્રના શાસક મહાવિકાસ આઘાડી ગઠબંધનના પ્રધાનોની ગયા ગુરુવારે મુંબઈમાં બેઠક મળી હતી. જેમાં લોકડાઉનને લંબાવવા વિષયે નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે.

લોકડાઉન-4માં રેડ ઝોન વિસ્તારોમાં કોરોનાના કેસ વધે નહીં એની વધારે કાળજી લેવામાં આવશે જ્યારે ઓરેન્જ અને ગ્રીન ઝોન વિસ્તારોમાં લોકોને વધારે છૂટછાટો આપવામાં આવશે. લોકડાઉન લંબાવવાની સાથોસાથ આર્થિક ચક્ર પણ ઘૂમતું રહે એની સરકાર પૂરતી કાળજી લેશે. એ માટે અમુક શરતો અને નિયમો અંતર્ગત ઉદ્યોગ-ધંધા શરૂ કરવા દેવામાં આવશે. કયા ઉદ્યોગોને આ તબક્કામાં શરૂ કરવાની પરવાનગી અપાશે એની જાણકારી આગામી અમુક દિવસોમાં અપાશે.

રાજ્યમાં પહેલું લોકડાઉન 25 માર્ચથી 14 એપ્રિલ સુધી – 21 દિવસનું હતું.

ત્યારબાદ બીજું લોકડાઉન 15 એપ્રિલથી 3 મે સુધી – 19 દિવસનું હતું.

ત્રીજું લોકડાઉન 4 મથી 17 મે સુધી – 14 દિવસનું હતું.

ચોથું લોકડાઉન 18 મેથી 31 મે સુધી – 14 દિવસનું રહેશે.

મુંબઈમાં અત્યાર સુધીમાં 696 જણે કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. કન્ફર્મ્ડ દર્દીઓની સંખ્યા 18,555 છે.

ગુજરાતમાં લોકડાઉનઃ ટપાલ ખાતાએ કેરી પહોંચાડવાનું શરૂ કર્યું

અમદાવાદઃ કોરોના-લોકડાઉન દરમિયાન ગુજરાતનો ટપાલ વિભાગ દવાઓ સપ્લાય કરવાનું કામ કરતો હતો, એણે હવે વલસાડનાં ખેતરોમાંથી કેરી સપ્લાયનું કામ પણ શરૂ કર્યું છે. લોકો લોકડાઉનને કારણે પોતપોતાના ઘરોમાં કેદ છે ત્યારે ગ્રાહકોને કેરી પહોંચાડવામાં મુશ્કેલીનો સામનો કરતા અને છ કેરીના બગીચા ધરાવતા ખેડૂતે ટપાલ વિભાગનો સંપર્ક સાધ્યો હતો.

5000 કેરીનાં ઝાડના માલિક દશરથભાઈ

દશરથ દેસાઈ 5000 કેરીનાં ઝાડ ધરાવે છે. એમણે થોડાક દિવસો પહેલાં સુરતમાં એક ગ્રાહક પાસેથી મળેલા કેરીના ઓર્ડર માટે એક કન્સાઇટમેન્ટ તૈયાર કરીને  એક ખાનગી વાહનમાં મોકલી આપ્યું હતું. જોકે રસ્તામાં પોલીસ અને અન્ય સરકારી સરકારી કર્મચારીઓ દ્વારા વાહનની જુદી-જુદી જગ્યાએ તપાસ કરવામાં આવી હતી અને એ કન્સાઇનમેન્ટ તેને પાછું મોકલવામાં આવ્યું હતું. જેથી દશરથે આ બાબતે તેના પડોશી ભરત દેસાઈ કે જે વલસાડ પોસ્ટ ઓફિસમાં કામ કરે છે, તેની પાસે આને લગતી ચિંતા વ્યક્ત કરી હતી.

દશરથભાઈની આસિસ્ટન્ટ સુપરિટેન્ડેન્ટ અનિલકુમાર સાથે મુલાકાત

ભરત દેસાઇએ દશરથભાઈની મુલાકાત આસિસ્ટન્ટ સુપ્રીન્ટેન્ડન્ટ અનિલકુમાર સાથે કરાવી હતી. ત્યાર બાદ કેરીના માલ પરિવહન માટેના લોજિસ્ટિક્સ અને અન્ય ચાર્જ કિલોદીઠ રૂ. 10 લગાડીને મોકલવામાં આવી હતી. જોકે આમાં GSTની ગણતરી કરવામાં નથી આવી.

ટપાલ વિભાગને વધુ ઓર્ડર મળ્યા

દશરના ફાર્મમાંથી શુક્રવારે ઇન્ડિયા પોસ્ટ મેઇલ વેન દ્વારા તેનો પહેલો માલ રવાના થયો હતો. સુરતમાં તેના ફાર્મમાંથી ઇન્ડિયા પોસ્ટ મેઇલ વાન દ્વારા પહેલી માલ રવાનગી થઈ. સુરતમાં બે ગ્રાહકોને માત્ર ત્રણ જ કલાકમાં કેરીના 90 બોક્સ પહોંચાડવામાં આવ્યાં હતાં. દશરથે અન્ય ખેડૂતો સાથે પોતાનો અનુભર શેર કર્યો હતો. આમ આ વાત પ્રસરતાં શુક્રવાર સાંજ સુધીમાં તો ટપાલ વિભાગને અમદાવાદ, વડોદરા અને મુંબઈથી પાંચ ઓર્ડર રવાના કરવાના મળ્યા હતા.

ગ્રાહકોને કેરી પહોંચાડવાની તક ઝડપી

ટપાસ સેવાઓ વિશેની વિગતો આપતાં અનિલ કુમારે કહ્યું હતું કે અમે વાપી, વલસાડ, જયપુર, હૈદરાબાદ અને મુંબઈની ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસેથી દવાની સપ્લાય કરીએ જ છીએ. હાલ કેરીની સીઝન અહીં હોવાથી, અમે ગ્રાહકોને કેરી પહોંચાડવાની તક ઝડપી લીધી.

 અન્ય રાજ્યોમાં કેરી પહોંચાડાશે

“અમને અમારી ટપાલ સેવાઓનો ઉપયોગ કરવા માટે અનેક ખેડૂતો તરફથી ઘણા બધા કોલ આવ્યા છે. અમે અન્ય રાજ્યોમાં કેરી પહોંચાડવા માટે કયા દરે ચાર્જ લગાડવા એ માટે કામ કરી રહ્યા છીએ. એક વાર એ નક્કી થઈ જશે, પછી અમે અન્ય રાજ્યોમાં પણ ડિલિવરી શરૂ કરીશું.

દશરથભાઈ કહ્યું હતું કે હું છેલ્લાં 25 વર્ષથી કેરી અને ચણાની ખેતી કરું છું. આ વર્ષે લોકડાઉનને કારણે વલસાડમાં કેરીનું બજાર હજી ખૂલ્યું નથી. તેથી અમે અમારા ગ્રાહકોનો ઓનલાઇન સંપર્ક કર્યો અને તેમને કેરી પહોંચાડવા માટે ઇન્ડિયા પોસ્ટ સેવાઓનો ઉપયોગ કર્યો. અમે આજે કેરીના બોક્સ પહેલી વાર આ રીતે મોકલી આપ્યાં અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કર્યો છે.

ગ્રામીણ ક્ષેત્રોમાં નવા રોજગાર માટે વધુ 40,000 કરોડની ફાળવણી

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કોરોના વાઈરસના જંગના સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ’ અંતર્ગત 20 લાખ કરોડના વિશેષ આર્થિક પેકેજની ફાળવણી મુદ્દે આજે ચોથી વાર પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી અને ગ્રામીણ રોજગાર (‘મનરેગા’ યોજના), ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ, તથા શિક્ષણ ક્ષેત્રે સુવિધા પૂરી માટે પૂરા પાડવામાં આવનાર ભંડોળ વિશે જાણકારી આપી હતી.

સીતારામન દ્વારા 20 લાખ કરોડના પેકેજની ફાળવણીની જાણકારી આપતો આ પાંચમો અને આખરી હપ્તો હતો.

આજની પત્રકાર પરિષદમાં સીતારામને કોરોના વાઈરસને કારણે માઠી અસર પામનાર ઉદ્યોગ-વેપાર, કંપનીઝ એક્ટમાં સુધારા, ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝમાં સુધારાની ઘોષણા કરી હતી.

સરકારે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગારન્ટી સ્કીમ (MGNREGS) (મનરેગા) હેઠળ કામકાજ હાથ ધરવા માટે રૂ. 40,000 કરોડની ફાળવણી કરી છે. સાથોસાથ, નાણાં પ્રધાન સીતારામને નાના વેપાર-ઉદ્યોગો (MSMEs)નો સમાવેશ કરવા માટે વિશેષ ઈન્સોલ્વન્સી ફ્રેમવર્કની પણ જાહેરાત કરી છે.

ગામડાઓમાં રોજગારને અપાશે પ્રોત્સાહન

નાણાં પ્રધાને કહ્યું કે સરકારની યોજનાથી દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારની વધુ ને વધુ તકો ઊભી થશે.

ઉલ્લેખનીય છે કે, ‘મનરેગા’ માટે મોદી સરકારે ગત્ કેન્દ્રીય બજેટમાં રૂ. 61,000 કરોડની ફાળવણીનું એલાન કર્યું હતું.

સીતારામને આજે કહ્યું કે, કોરોના મહાબીમારીથી બચવા માટે વધુ ને વધુ ગ્રામીણ લોકો શહેરોમાંથી પોતપોતાના વતન-ગામ જતા રહ્યા છે કે જઈ રહ્યા છે. એ પરિસ્થિમાં, ગામડાઓમાં રોજગારની નવી તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. માટે જ સરકારે ‘મનરેગા’ અંતર્ગત વધુ ભંડોળ ફાળવ્યું છે. રૂ. 40 હજાર કરોડના અતિરિક્ત ભંડોળને કારણે કુલ 300 કરોડ માનવ દિવસોનું કામ માટે નિર્માણ કરી શકાશે.

‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’: કેશ ક્રાઈસિસમાં સપડાયેલી કંપનીઓને રાહત

દેશમાં ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ સંકલ્પને બળ પૂરું પાડવા માટે નાણાં પ્રધાને મોટી જાહેરાત કરી છે. એમણે કહ્યું કે આવતા એક વર્ષ સુધી કોઈ પણ નવી ઈન્સોલ્વન્સી (દેવાળીયા) પ્રક્રિયા શરૂ કરવામાં નહીં આવે. મતલબ કે આજથી એક વર્ષ સુધી નવી દેવાળીયા પ્રક્રિયાને સંપૂર્ણપણે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આનો મોટો લાભ MSME સેક્ટરને થશે. તદુપરાંત નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે એક સ્પેશિયલ દેવાળીયા પ્રોસીજર તૈયાર કરવામાં આવશે.

દેવાળીયા પ્રક્રિયા શરૂ કરવા માટે લઘુત્તમ ડિફોલ્ટની રકમને વધારીને રૂ. 1 કરોડ કરવામાં આવી છે. પહેલા આ રકમ 1 લાખ રૂપિયા હતા. વાસ્તવિક્તા એ છે કે કોરોના-લોકડાઉનને કારણે વેપાર-ધંધા સદંતર ઠપ છે. આવા સંજોગોમાં સરકારના આ નિર્ણયથી આર્થિક સંકટમાં સપડાયેલી કંપનીઓને મોટી રાહત મળશે.

કંપનીઝ એક્ટ અંતર્ગત કંપનીઓને ડીક્રિમિનલાઈઝેશનનો લાભ અપાશે. જો કોઈ ટેકનિકલ અને પ્રોસીજરલ પ્રકારની નાની ભૂલ હશે તો કંપનીઓ પર ગુનાઈત કાર્યવાહી કરવામાં નહીં આવે. કંપનીઓને નાના ઉલ્લંઘનો પર ગુનાઈત કેસોમાં ઢસડવામાં નહીં આવે. આને લીધે જ ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ ઉદ્દેશ્યને બળ મળશે.

યુનિવર્સિટીમાં ઓનલાઈન ભણતર મેળવી શકાશે

નાણાં પ્રધાન સીતારામને શિક્ષણ ક્ષેત્ર માટે કરેલી જાહેરાતમાં કહ્યું કે ટૂંક સમયમાં જ ‘પીએમ ઈ-વિદ્યા’ યોજના લોન્ચ કરાશે. આ યોજના ડિજિટલ અથવા ઓનલાઈન શિક્ષણ માટેનો હશે. 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે ‘વન ક્લાસ, વન ચેનલ’ યોજના શરૂ કરાશે.

નવી યોજના અંતર્ગત રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્કૂલ શિક્ષણ માટે દીક્ષા પ્રોગ્રામ હશે. એમાં તમામ વર્ગો માટે ઈ-કન્ટેન્ટ, અને ક્યૂઆર કોડ એનર્જાઈઝ્ડ ‘વન-નેશન, વન ડિજિટલ પ્લેટફોર્મ’ શરૂ કરાશે. 1થી 12મા ધોરણ માટે પ્રતિ વર્ગ એક નિશ્ચિત ટીવી ચેનલ હશે. એ યોજનામાં રેડિયો, પોડકાસ્ટ, કમ્યુનિટી રેડિયોનો ઉપયોગ કરાશે.
આ યોજનામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આવરી લેવામાં આવશે. એમને માટે વિશેષ ઈ-કન્ટેન્ટ તૈયાર કરાશે.

ટોચની 100 કોલેજોને ઓનલાઈન કોર્સીસની શરૂઆત કરવા માટે 30 મે સુધી પરવાનગી અપાશે.

પીએમ ઈ-વિદ્યા ઉપરાંત મનોદર્પણ કાર્યક્રમ પણ શરૂ કરાશે જે અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને એમના પરિવારજનોને મનોવૈજ્ઞાનિક સપોર્ટ માટે હશે. એમના માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક ઉત્કર્ષ માટે આ કાર્યક્રમ હશે.

ભારતમાં કોરોનાના નવા 4,987 કેસ, વધુ 120નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા તાજા આંકડા અનુસાર દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 90,000ને પાર થઈ છે. અત્યાર સુધી કોવિડ-19ને લીધે 2872 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં આ વાઇરસના નવા 4987 કેસો નોંધાયા છે અને 120 લોકોનાં મોત થયાં છે. જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 34,109 લોકો રિકવર થઈ ચૂક્યા છે. રિકવરી રેટ 37.51 ટકા પહોંચ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 30,000ને પાર

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સૌથી વધુ મહારાષ્ટ્રમાં છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 30,706એ પહોંચી છે અને 1135 લોકોનાં મોત થયાં છે.  રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 1500થી વધુ નવા કેસ આવ્યા છે.  છેલ્લા 24 કલાકમાં 67 લોકોનાં મોત થયાં છે. મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18,555 થઈ છે. મુંબઈમાં આ વાઇરસથી અત્યાર સુધી 696 થઈ છે.

લોકડાઉન 4.0ના માટેની ગાઇડલાઇન જાહેર કરાશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક પેકેજનું એલાન કરતા સમયે સ્પષ્ટ કહ્યું હતું કે લોકડાઉન 4.0 લાગુ થશે. જોકે આ નવા નિયમોવાળું હશે. જેથી આજે લોકડાઉન 4.0ની ગાઇડલાઇન્સ આજે જાહેર કરાશે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

રાશિ ભવિષ્ય 17/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે,  હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય,  તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.


આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે,  ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.

પંચાંગ 17/05/2020

પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યો પર ચક્રવાત ‘અંફન’નો ખતરો

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, ચક્રવાતી વાવાઝોડું ‘અંફન’ 19 મેની રાતે અથવા 20 મેની સવારે પશ્ચિમ બંગાળ અને પડોશના ઓડિશા નજીક ત્રાટકે એવી સંભાવના છે. એ દરમિયાન સમુદ્રમાં 12 ફૂટ જેટલા ઊંચા મોજાં ઉછળી શકે છે.

ચક્રવાતી વાવાઝોડું ‘અંફન’ બંગાળના અખાતમાં અગ્નિ ખૂણે આકાર લઈ રહ્યું છે, તે આગામી 12 કલાકમાં વધારે ગંભીરથી અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરે એવી સંભાવના છે એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે.

‘અંફન’ વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળ ઉપરાંત બીજા અનેક રાજ્યો પર ખતરો છે. હાલ દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. એને કારણે દેશના પહાડી ક્ષેત્રો, જેમ કે જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હવામાન બગડી શકે છે.

આવનારા અમુક દિવસોમાં પવન પ્રતિ કલાક 70 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે. એની સાથે ધોધમાર વરસાદ પણ પડશે.

હવામાન વિભાગે આ વિશે ‘ઓરેન્જ એલર્ટ’ ઘોષિત કર્યું છે.

હવામાન વિભાગે તેના બુલેટિનમાં જણાવ્યું છે કે વાવાઝોડું 20 મેની બપોરે કે સાંજે સાગર ટાપુ (પશ્ચિમ બંગાળ) અને હટિયા ટાપુ (બાંગ્લાદેશ) વચ્ચે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશ સમુદ્રકાંઠા પરથી પસાર થશે ત્યારે એનું સ્વરૂપ પ્રચંડ થઈ ગયું હશે.

EPFમાં કપાતની ભરપાઈઃ કર્મચારી VPF, PPFમાં રોકાણ કરી શકે

નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ સરકારે ગઈ 13 મેએ એક મોટી જાહેરાત કરી હતી. આમાં સરકારે કર્મચારીઓના હાથોમાં વધુ સેલરી પહોંચાડવા માટે અને કંપની (માલિકો)ને બાકી PF ચુકવણીમાં રાહત આપતાં એક જાહેરાત કરી હતી. સરકાર આવતા ત્રણ મહિના સુધી કર્મચારી અને સંસ્થાઓ માટે EPFમાં યોગદાનને 12-12 ટકાથી ઘટાડીને 10-10 ટકા કરવાની જાહેરાત કરી હતી. નાણાપ્રધાને કહ્યું હતું કે આ યોજનાથી 6.5 લાખ સંસ્થાઓ અને 4.3 કરોડ કર્મચારીઓને લાભ થશે. એની સાથે આ યોજનાથી એમ્પ્લોયર્સ (કંપનીઓ) અને કર્મચારીઓને ત્રણ મહિનામાં રૂ. 6750 કરોડની લિક્વિડિટી મળશે.

નિવૃત્તિ ફંડ પર અસર પડશે

હવે EPF યોગદાન ઘટવાથી કર્મચારીઓના હાથમાં વધુ પગાર આવશે, પણ એની અસર નિવૃત્તિ ફંડ પર પણ પડશે. કર્મચારીના રિટાયરમેન્ટ ફંડમાં ત્રણ મહિના સુધી બેઝિક પગાર+DAના ચાર ટકા ઓછી રકમ જમા થશે. ભલે આ રકમ અત્યારે ઓછી લાગે, પણ લાંબા સમયગાળાના રોકાણમાં મેચ્યોરિટીના સમયે આ રકમ ઘણી મોટી હશે. આ સિવાય આવકવેરા અધિનિયમની કલમ 80 C હેઠળ મળનારી છૂટનો પૂરો લાભ લેવા માટે કર્મચારીને બીજી ટેક્સ-સેવિંગ રોકાણ યોજનાઓ તરફ જોવું પડશે. સેબી રજિસ્ટર્ડ રોકાણ સલાહકાર જિતેન્દ્ર સોલંકી અનુસાર જે લોકોની પાસે પર્યાપ્ત રોકડ છે, તેઓ તેમના નિવૃત્તિ ફંડ માટે પર્યાપ્ત રોકડ આપી શકે છે. તેઓ VPF દ્વારા રિટાયરમેન્ટ ફંડને થયેલા નુકસાનની ભરપાઈ કરી શકે છે, એની સાથે તેઓ PPF માટે પણ જઈ શકે છે.

VPF – એક રિટાયમેન્ટ પ્લાનિંગ સ્કીમ

VPF એટલે વોલિન્ટરી પ્રોવિડન્ટ ફંડ પણ એક રિટાયરમેન્ટ પ્લાનિંગ સ્કીમ છે. એ EPFથી મળતી આવતી યોજના છે. VPFમાં માત્ર EPFOમાં રજિસ્ટર્ડ પગારધારકો કર્મચારી જ રોકાણ કરી શકે છે. કંપનીના HR અથવા PD વિભાગમાં આ યોજના માટે એક વધારાનું યોગદાન શરૂ કરવા માટે અરજી કરીને VPFમાં મૂડીરોકાણ શરૂ કરી શકાય છે. VPFમાં કર્મચારી બેઝિક સેલરી અને DAના મહત્તમ 100 ટકા રોકાણ કરી શકે છે. VPF અકાઉન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે પગારથી એક નિશ્ચિત રકમ કાપવામાં આવી છે. અહીં કર્મચારીને સરકાર દ્વારા નિર્ધારિત વ્યાજદરના હિસાબે વળતર પ્રાપ્ત થાય છે. આવકવેરાની કલમ 80 C હેઠળ આ યોજના પર રોકાણમાં રૂ. 1.5 લાખ સુધીની ઇન્કમ ટેક્સની રાહત મળે છે.

PPF શું છે?

PPFમાં 15 વર્ષની લોક-ઇનનો સમયગાળો હોય છે. આ યોજના લાંબા સમયના આર્થિક લક્ષ્ય માટે છે. આ યોજનામાં રોકાણ કરીને સરળતાથી એક મોટું રિટાયરમેન્ટ ફંડ તૈયાર કરી શકાય છે. આ યોજના ટેક્સફ્રી EEE સ્ટેટસની સાથે આવે છે. PPFમાં એક વર્ષમાં રૂ. દોઢ લાખ સુધી રોકાણ, વ્યાજની આવક અને મેચ્યોરિટીની રકમ ટેક્સ ફ્રી હોય છે. હાલમાં આ યોજનાના વ્યાજદરમાં કાપ કરીને એને 7.1 ટકા કરી દેવામાં આવ્યો છે.

પેન્શન વહેંચણી માટે બેન્કો માટે નવા નિયમ જારી કરાયા

નવી દિલ્હીઃ બેન્કો પેન્શન રિલીઝ કરવા અને સમયાંતરે પેન્શનર્સથી સર્ટિફિકેટ માગવા માટે અલગ-અલગ પ્રક્રિયાઓનું પાલન કરી રહી છે. એના માટે શ્રમ મંત્રાલયે પેન્શન વિતરણ કરવા માટે બેન્કોના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરો (CMDs)ને દિશા-નિર્દેશો જારી કર્યા છે. એનું લક્ષ્ય સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર (CPPC)/ બેન્કોની શાખાઓને અદ્યતન નિયમો અને દિશા-નિર્દેશો વિશે જાણ કરવાના છે. શ્રમ મંત્રાલયે આ માહિતી આપી હતી. શ્રમ મંત્રાલય હેઠળ કામ કરતા પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગને પ્રાપ્ત ફરિયાદોના વિશ્લેષણને આધારે આ પગલું લેવામાં આવ્યું છે.

વિભાગે એક આદેશમાં કહ્યું છે કે અપડેટેડ અને એકીકૃત દિશા-નિર્દેશોથી પેન્શનર્સની અરજીને બેન્ક અથવા અન્ય દ્વારા પ્રોસેસ કરવાની પ્રક્રિયા સારી હશે.

શ્રમ મંત્રાલયે કહ્યું છે કે પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા પેન્શન વિતરણને લઈને સમયાંતરે જારી કરવામાં આવતા જરૂરી દિશા-નિર્દેશોને એકીકૃત કરવામાં આવ્યા છે. એકીકૃત દિશા-નિર્દેશોને જારી કરતાં વિભાગે કહ્યું છે કે પેન્શન જારી કરતી બેન્કો હાલ પેન્શન જારી કરવાના અથવા પેન્શનર અથવા તેમના પરિવારથી સમયાંતરે સર્ટિફિકેટ લેવા માટે અલગ-અલગ પ્રક્રિયાનું પાલન કરી રહી છે.

કેન્દ્ર સરકારના પેન્શનધારકોની સંખ્યા 65.26 લાખ

કેન્દ્ર સરકારના પેન્શનધારકોની સંખ્યા 65.26 લાખ છે. બધી બેન્કોને નવા એકીકૃત દિશા-નિર્દેશોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.  આ સાથએ આ દિશા-નિર્દેશોનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા માટે આને બેન્કોની વેબસાઇટ પર અપલોડ કરવા અને બેન્કોની શાખાઓમાં નોટિસ બોર્ડ પર લગાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

તાજા દિશા-નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે પેન્શન વિતરણ કરવાવાળી બેન્ક આધાર પર આધારિત ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જીવન પ્રમાણનો સ્વીકાર કરશે. આ નિયમો મુજબ 80 વર્ષ અથવા એનાથી વધુ વયવાળા પેન્શનરે દરેક પેન્શનર અથવા ફેમિલી પેન્શનરને દર વર્ષે નવેમ્બરમાં જીવન પ્રમાણ જમા કરાવી શકે છે. દરેક પેન્શનર અથવા ફેમિલી પેન્શનરે દર વર્ષે નવેમ્બરમાં જીવન પ્રમાણ પર આપવું પડે છે.