પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યો પર ચક્રવાત ‘અંફન’નો ખતરો

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, ચક્રવાતી વાવાઝોડું ‘અંફન’ 19 મેની રાતે અથવા 20 મેની સવારે પશ્ચિમ બંગાળ અને પડોશના ઓડિશા નજીક ત્રાટકે એવી સંભાવના છે. એ દરમિયાન સમુદ્રમાં 12 ફૂટ જેટલા ઊંચા મોજાં ઉછળી શકે છે.

ચક્રવાતી વાવાઝોડું ‘અંફન’ બંગાળના અખાતમાં અગ્નિ ખૂણે આકાર લઈ રહ્યું છે, તે આગામી 12 કલાકમાં વધારે ગંભીરથી અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરે એવી સંભાવના છે એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે.

‘અંફન’ વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળ ઉપરાંત બીજા અનેક રાજ્યો પર ખતરો છે. હાલ દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. એને કારણે દેશના પહાડી ક્ષેત્રો, જેમ કે જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હવામાન બગડી શકે છે.

આવનારા અમુક દિવસોમાં પવન પ્રતિ કલાક 70 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે. એની સાથે ધોધમાર વરસાદ પણ પડશે.

હવામાન વિભાગે આ વિશે ‘ઓરેન્જ એલર્ટ’ ઘોષિત કર્યું છે.

હવામાન વિભાગે તેના બુલેટિનમાં જણાવ્યું છે કે વાવાઝોડું 20 મેની બપોરે કે સાંજે સાગર ટાપુ (પશ્ચિમ બંગાળ) અને હટિયા ટાપુ (બાંગ્લાદેશ) વચ્ચે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશ સમુદ્રકાંઠા પરથી પસાર થશે ત્યારે એનું સ્વરૂપ પ્રચંડ થઈ ગયું હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]