દિવાળી વેકેશન પૂર્ણ થતાં અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા સ્કૂલ પરિસરો ગુંજી ઉઠ્યા હતા. રાજ્યની 54,000 કરતાં પણ વધુ શાળાઓ આજથી ફરી ધમધમતી થઈ હતી. શાળાઓમાં 16 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી (કુલ 21 દિવસ)નું દિવાળી વેકેશન આજે પૂર્ણ થઈ ગયું હતું.
આજથી ગુજરાત બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ હતી.આ બીજું શૈક્ષણિક સત્ર આજથી લઈને 3 મે સુધી (કુલ 144 દિવસ) ચાલશે.અમદાવાદમાં આવેલી ગુજરાત બોર્ડની સરકારી, ખાનગી તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ પણ આજથી શરૂ થઈ રહી હતી. શહેરમાં આવેલી 1800 કરતાં વધુ શાળાઓ 21 દિવસના લાંબા વેકેશન બાદ 7 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓથી ફરી જીવંત બની હતી.
અમદાવાદ: નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરતા ઝાયડસ વેલનેસ લિમિટેડે 31 ટકાના વધારા સાથે રૂ. 6,429 મિલિયનના ચોખ્ખા વેચાણો નોંધાવ્યા હતા. આ સમયગાળા માટે એબિટા વાર્ષિક ધોરણે 17.3 ટકા વધીને રૂ. 230 મિલિયન રહી હતી. નવા હસ્તગત કરેલા એકમોની મજબૂત વેચાણ કામગીરીના લીધે કંપનીએ પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તેના ચોખ્ખા વેચાણોમાં 12.8 ટકાનો વધારો પણ નોંધાવ્યો હતો. જેણે સિઝનલ પ્રોડક્ટ્સની અસરને ઓફસેટ કરી હતી.
ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીએ કમ્ફર્ટ ક્લિક લિમિટેડ અને તેની પેટાકંપનીઓને હસ્તગત કરી હતી અને યુકે, યુરોપિયન યુનિયન અને યુ.એસ.એ.માં મહત્વના બજારોમાં તેની આંતરરાષ્ટ્રીય હાજરી મજબૂત બનાવી હતી. આ હસ્તાંતરણ ઝાયડસ વેલનેસનું પહેલું વિદેશી હસ્તાંતરણ છે અને આ સાથે તેણે ઝડપથી વિકસી રહેલી વિટામિન્સ, મિનરલ્સ અને સપ્લીમેન્ટ્સ (વી.એમ.એસ.) કેટેગરીમાં પ્રવેશ કર્યો છે.
સુગર ફ્રી બ્રાન્ડે 96.2 ટકાના બજાર હિસ્સા સાથે સુગર સબ્સ્ટીટ્યૂટ કેટેગરીમાં તેનું નેતૃત્વ જાળવી રાખ્યું છે, જે વાર્ષિક ધોરણે 97.9 બેસિસ પોઈન્ટનો વધારો દર્શાવે છે. સુગર ફ્રી ગ્રીને છેલ્લા સતત 18 ત્રિમાસિક ગાળાથી ડબલ ડિજિટ વૃદ્ધિ દર જાળવી રાખ્યો છે.
સ્ક્રબ્સમાં 48.5 ટકા અને પીલ-ઓફ માસ્કમાં 76.6 ટકા હિસ્સા સાથે એવરયુથ અગ્રસ્થાને છે અને 7.9 ટકા હિસ્સા સાથે ફેશિયલ ક્લિન્ઝિંગ સેગમેન્ટમાં પાંચમા ક્રમે છે. નાયસિલ સાથે પ્રિકલી હીટ પાવડર કેટેગરીએ 32.9 ટકાના બજાર હિસ્સા સાથે તેનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. એવરયુથે એન્ટી-પોલ્યુશન સ્ક્રબ સેશે લોન્ચ કર્યું છે.
ભારતના રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના નિર્માણને 150 વર્ષ પૂરા થવા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ 7મી નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ ભારતના રાષ્ટ્ર ગીત વંદે માતરમ@૧૫૦ની ઉજવણી કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ગુજરાત વિધાનસભા પરિસર ખાતે 7મી નવેમ્બરના રોજ યોજાશે. જેમાં રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમુહગાન સાથે સ્વદેશીની શપથ ગ્રહણ પણ કરાશે.
તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમિયાન રાષ્ટ્ર ગીત વંદે માતરમના માધ્યમથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એક તાંતણે બંધાઇ હતી અને એક નવી ઉંચાઇ હાંસલ કરી હતી. ભારતનું રાષ્ટ્ર ગીત આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. ત્યારે રાષ્ટ્ર ગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવાની વડાપ્રધાનએ પ્રેરણા આપી છે, જેની રાજ્યભરમાં ઉજવણી કરાશે.
તા. 7 નવેમ્બરના દિવસે રાજ્યના વિવિધ પ્રભારી મંત્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાઓ ખાતે, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત ખાતે તથા મેયરની ઉપસ્થિતિમાં મહાનગપાલિકાઓ ખાતે, જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડાની કચેરી તથા નગરપાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં તમામ નગરપાલિકાઓ ખાતે રાષ્ટ્ર ગીત “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપનું સમુહગાન તથા સ્વદેશીની શપથ ગ્રહણ કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ ઉપરાંત રાજ્યના પોલીસ બેન્ડ દ્વારા પાટનગર ગાંધીનગર તથા જિલ્લાના મુખ્ય મથકના જાહેર સ્થળોએ રાષ્ટ્ર ગીત વંદે માતરમ્ તથા અન્ય દેશ ભક્તિના ગીતો આધારિત ધૂન પ્રસ્તુતિ કરાશે. તારિખ 7-11-2025 થી તા.26-11-2025 દરમિયાન સરકારી તથા ખાનગી યુનીવર્સીટીઓ, શાળાઓ અને કોલેજો, સરકારી કચેરીઓ અને જાહેર સ્થળો ખાતે રાષ્ટ્ર ગીત વંદે માતરમ્ ના મૂળ સ્વરૂપનું સમુહગાન સાથે સ્વદેશીની શપથ તથા કોલેજો ખાતે વંદે માતરમ્@150 થીમ આધારિત સેમીનાર, વક્તૃત્વ સ્પર્ધા, ચર્ચાઓનું પણ આયોજન કરાશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની ₹11.14 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં સુરેશ રૈનાના નામે ₹6.64 કરોડના મ્યુચ્યુઅલ ફંડ રોકાણો અને શિખર ધવનના નામે ₹4.5 કરોડની સ્થાવર મિલકતનો સમાવેશ થાય છે.
કેસ શું છે?
ED ની તપાસ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ 1xBet સંબંધિત અનેક રાજ્યોમાં પોલીસ દ્વારા દાખલ કરાયેલી FIR પર આધારિત છે. તપાસમાં બહાર આવ્યું છે કે 1xBet અને તેની સરોગેટ બ્રાન્ડ્સ – 1xBet અને 1xBat સ્પોર્ટિંગ લાઇન્સ – ભારતમાં પરવાનગી વિના ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારને પ્રોત્સાહન આપી રહી હતી.
EDના જણાવ્યા અનુસાર, રૈના અને ધવને આ પ્લેટફોર્મને પ્રમોટ કરવા માટે વિદેશી કંપનીઓ સાથે સહયોગ કર્યો હતો અને તેમને વિદેશી ચેનલો દ્વારા ચૂકવણી કરવામાં આવી હતી. આ પૈસા ગેરકાયદેસર સટ્ટાબાજી દ્વારા કમાયા હતા, અને તેમની સાચી ઓળખ છુપાવવા માટે જટિલ વ્યવહારો કરવામાં આવ્યા હતા.
તપાસમાં શું બહાર આવ્યું
1xBet ભારતમાં હજારો નકલી (મૂલ) બેંક ખાતાઓ દ્વારા નાણાં વ્યવહારો કરી રહ્યું હતું.
અત્યાર સુધીમાં 6,000 થી વધુ નકલી ખાતાઓ ઓળખવામાં આવ્યા છે.
આ ખાતાઓમાંથી સટ્ટાબાજીની રકમ તેમના સાચા સ્ત્રોતને છુપાવવા માટે વિવિધ પેમેન્ટ ગેટવે દ્વારા રૂટ કરવામાં આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે ઘણા પેમેન્ટ ગેટવે KYC ચકાસણી વિના વેપારીઓને ઉમેરી રહ્યા હતા.
ભારતીય નિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકાર એમેઝોન અને ફિલપકાર્ટને સામેલ કરવાની યોજના શોપી રહી હોવાન અહેવાલો પછી ભારતના વેપારી સમુદાયમાં ઉગ્ર પ્રતિક્રિયા ફાટી નીકળી છે.
અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેહેર ફાઉન્ડેશને કડક ઠપકો આપતા ચેતવણી આપી છે કે આ વૈશ્વિક ઈ-કોમર્સ દિગ્ગજોને નીતિરત સમર્થન અથવા પ્રોત્સાહન આપવાથી ભારતના સ્થાનિક વેપાર ઇકોસિસ્ટમને જોખમ થશે અને આત્મનિર્ભર ભારતના આદર્શોને નુકસાન થશે.
વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલને આપેલા ઔપચારિક સંદેશાવ્યવહારમાં, ફાઉન્ડેશને આ અહેવાલિત પગલા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી, તેને અત્યંત અવિવેકી અને અન્યાયી ગણાયું. હજારો વેપારીઓ, MSME અને નાના ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરતા ચેમ્બરે એમેઝોન અને ફિલપકાર્ટ બંને પર ભારતીય વેપાર ધોરણોનું ઉલ્લંઘન કરવાનો અને સ્થાનિક વ્યવસાયો માટે હાનિકારક પ્રથાઓમાં સામેલ થવાનો આરોપ મૂક્યો. લેમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા અને અમલીકરણ એજન્સીઓના તારણોને ટાંકીને, પત્રમાં હિંસક કિંમત નિર્ધારલ, પસંદગીના વેચાણકર્તાઓ માટે પસંદગીની સારવાર અને માર્કેટપ્લેસ મોડેલાની હેરાફેરી જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જેણે પહેલાથી જ ભારતના પરંપરાગત રિટેલ માળખાને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે.
ફાઉન્ડેશને દલીલ કરી હતી કે આ બહુરાષ્ટ્રીય કોર્પોરેશનોને નિકાસ પ્રમોશનમાં ભૂમિકા નિભાવવા દેવાથી વારંવાર અપરાધીઓને અસરકારક રીતે પુરસ્કાર મળશે અને તેમનું બજાર પ્રભુત્વ વધુ મજબુત બનશે. ચેમ્બરના મતે, આવા નિર્ણયથી સંવેદનશીલ રાષ્ટ્રીય વેપાર જવાબદારીઓ વિદેશી-નિયંત્રિત સંસ્થાઓને સોંપવામાં આવશે જેમની કામગીરી લાંબા સમયથી ભારતીય કાયદા અને નાના વેપારીઓના હિત સાથે વિરોધાભાસી રહી છે. તેણે ચેતવણી આપી હતી કે આ નીતિ પરિવર્તન સ્થાનિક ઉદ્યોગસાહસિકોને નિરાશ કરી શકે છે અને એકાધિકાર-સંચાલિત નિકાસ વાતાવરણ બનાવી શકે છે જ્યાં ભારતીય ઉદ્યોગો ફક્ત આશ્રિતો સુધી ઘટી જશે.
તેના બદલે, અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલફેર ફાઉન્ડેશને પારદર્શિતા, સમાવેશીતા અને સ્વનિર્ભરતા પર આધારિત એક વ્યાપક, ભાત-કેન્દ્રિત નિકાસ પ્રમોશન મોડેલનો પ્રસ્તાવ મુક્યો છે. પત્રમાં નાના નિકાસકારો પરનો બોજ ઓછો કરવા માટે DGFT, કસ્ટમ્સ અને GST હેઠળ પાલનને સરળ બનાવવાનું કહેવામાં આવ્યું છે. તે સરકાર અને સ્થાનિક વેપાર સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે સંચાલિત સિંગર-વિન્ડો નિકાસ ક્લિયરન્સ અને ફાઈનાન્સ પોર્ટલ બનાવવાની ભલામણ કરે છે. તે SIDBI, EXIM બેંક અને સહકારી સંસ્થાઓ દ્વારા સસ્તું ધિરાણ પૂરું પાડવાની હિમાયત કરે છે, જે સરકારી ગેરંટી અને ઓછા વ્યાજ દરો દ્વારા સમર્થિત હોય છે જેથી વાસ્તવિક ભારતીય નિકાસકારોને સશક્ત બનાવી શકાય.
ફાઉન્ડેશને સરકારને રાજ્ય-સ્તરીય નિકાસ હબને મજબૂત કરવા અને સ્વદેશી ઈ-કોમર્સ પોટફોર્મને જારશોરથી પ્રોત્સાહન આપવા પણ વિનંતી કરી જે ભારતીય ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય બજારો સાથે સીધા જોડી શકે. તેણે માંગ કરી હતી કે કડક પાત્રતા ધોરણો લાગુ કરવામાં આવે જેથી ખાતરી થાય કે કોઈપણ વિદેશી પ્લેટફોર્મ તેના બજાર પ્રભાવને ધ્યાનમાં લીધા વિના, ભારતના નિકાસ સુવિધા પહેલમાં ભાગ લઈ શકે નહી. ચેમ્બરના જણાવ્યા મુજબ, આવા પગલાં મેક ઇન ઇન્ડિયાની ભાવનાની રક્ષા કરશે અને વિદેશી એકાપિકારને દેશની નિકાસ મહત્વાકાંક્ષાઓને હાઈજેક કરતા અટકાવશે.
તેના વિરોધને મજબૂત બનાવતા, ફાઉન્ડેશને સરકારને એમેઝોન અથવા ફિલપકાર્ટને નિકાસ સંબંધિત ભૂમિકાઓ અથવા પ્રોત્સાહનો વિસ્તૃત કરવાના કોઈપણ પ્રસ્તાવને તાત્કાલિક રોકવા અપીલ કરી. તેના બદલે, તેણે વિશ્વસનીય ભારતીય વેપાર સંસ્થાઓ અને નાણાકીય ચેનલો દ્વારા સ્થાનિક નિકાસ પ્રમોશન મિકેનિઝમ બનાવવાની હાકલ કરી. તેણે કહ્યું કે આ અભિગમ ભારતીય વિપારીઓનું રક્ષણ કરશે, MSME સ્પર્ધાત્મકતાને વેગ આપશે અને દેશની લાંબાગાળાની આર્થિક સ્વતંત્રતાને મજબૂત બનાવશે.
પત્રનો અંત એક કડક ચેતવણી સાથે કરવામાં આવ્યો હતો: વૈશ્વિક ઈ-કોમર્સ ઉદ્યોગને સશક્ત બનાવવો તેવું પગલું ભારતના વેપાર ઉદ્યોગ માટે મરણ તોલ ફટકો થશે.
થોડા દિવસ પહેલાં છાપામાં એક વાચકનો પત્ર વાંચ્યો કે આજકાલ યુવાન-યુવતીઓ જ નહીં પણ આધેડ વયનાં સ્ત્રી-પુરુષો સ્થળકાળનું ભાન રાખ્યા વિના, બસ-ટ્રેન-મેટ્રો કે સ્ટેશનો પર વિડિયો-રીલ્સ બનાવીને બીજાને ત્રાસ આપે છે. આ માટે કડક કાયદો ઘડવાની જરૂર છે.
વાત તો સાચી. આપણે ત્યાં સ્માર્ટફોનનું ગાંડપણ છે એવું કદાચ દુનિયામાં ક્યાંય નહીં હોય. આજથી પાંચ વર્ષ પહેલાં, કોરોનાકાળમાં જ્યારે માતા-પિતાએ ઘરમાં ગોંધાઈ રહેલાં સંતાનોને ભણતર માટે ફરજિયાત ફોન, ટેબ્લેટ્સ અપાવવા પડ્યાં તેમાંથી એક નવી સમસ્યા ઊભી થઈ. સંતાનો માત્ર ભણવા માટે જ ગેજેટ્સનો ઉપયોગ કરતાં નહોતાં. આથી બન્યું એવું કે, પોતાનાં બાળકુસુમને સ્માર્ટ ફોન-ઈન્ટરનેટના વાવાઝોડામાં ફંગોળાતાં જોઈ રહેલા માવતર નિસાસો નાખતાં કે ‘કોરોનાએ તો દાટ વાળ્યો. છોકરાં ભણવા કરતાં બગડે છે વધારે.’
એ સમયે એટલે કે પાંચેક વર્ષ પહેલાં કોરોનાને પગલે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન બી.એ.પી.એસ. સંસ્થાના એક હજારથી વધુ સંતો-કાર્યકરો અધ્યાત્મ, નૈતિકતા તેમ જ કોરોના વેક્સિનની જાગૃતિ માટે ગુજરાતભરમાં લાખો ઘરોની પર્સનલી વિઝિટ કરી રહ્યા હતા ત્યારે તેમના અનુભવોના આધારે નિષ્ણાતોએ તારણ કાઢ્યું કે કોરોના મહામારીએ જેટલી જાનહાનિ કરી છે તેનાથી વધુ ચારિત્ર્યહાનિ કરી છે. કોરોનામાં માણસનાં મૃત્યુ માટે તો ઘણા જાગ્રત છે, પણ સંસ્કારોનાં મૃત્યુ માટે કેટલા?
કલાકોના કલાકો સુધી નેટ-સર્ફિંગની કુટેવ માટે નિષ્ણાતો કહે છે: અશ્ર્લીલ અને અસામાજિક પદ્ધતિ શીખવતી વેબસાઈટ્સ જોવાથી બાળકો અને યુવાનોનાં ચારિત્ર્ય અને મનોબળ પર ઘાતક અસર પડી રહી છે. વળી આ રીતે લાંબો સમય મોબાઈલ, ટેબ્લેટ સામે બેસી રહેવાના કારણે અભ્યાસ અને આરોગ્ય બંનેને જોખમમાં આવી જાય છે.
આનો એકમાત્ર ઉપાય છેઃ મા-બાપની જાગૃતિ. અંગ્રેજ તત્ત્વચિંતક અને નોબેલ-પ્રાઈઝ વિજેતા બર્ટ્રાન્ડ રસેલે એજ્યુકેશન એન્ડ ધ સોશિયલ ઓર્ડર શીર્ષક હેઠળ પ્રકાશિત કરેલા પુસ્તકમાં લખ્યું છે કે, ‘સ્કૂલ કરતાં ઘરમાં આપવામાં આવેલું શિક્ષણ વધારે ઉપયોગી છે. અત્યારે બાળકો અને યુવાનોના માનસિક વિકાસમાં પરિવારજનોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની છે.’ ટૂંકમાં મા-બાપ દ્વારા આપવામાં આવતા સંસ્કાર જ સંતાનના જીવનઘડતરનો પાયો છે.
આજકાલ તો સંસ્કારની સાથે આધ્યાત્મનું, આપણી સનાતન સંસ્કૃતિનું જ્ઞાન આપવાની હિમાયત પણ થઈ રહી છે. આ સંદર્ભમાં એક પ્રસંગ સાંભરે છે. અંગ્રેજ કવિ સેમ્યુઅલ ટેલર કોરિજને તેમના એક મિત્રે કહ્યું, ‘મને એ સમજાતું નથી કે બાળકોને ધાર્મિક શિક્ષણ આપવાની હિમાયત શા માટે થઈ રહી છે!’
‘કેમ, તેમાં વાંધો લેવા જેવું શું લાગે છે?’ કવિએ પૂછ્યું.
મિત્ર કહે, ‘બાળકોની બુદ્ધિ અપરિપક્વ હોય છે. તે પરિપક્વ ન થાય ત્યાં સુધી તેના પર આવા વિચારો લાદવા ન જોઈએ. મોટાં થાય ત્યારે શું ગ્રહણ કરવું અને, શું નહીં એ એમને પોતાની મેળે જ નક્કી કરવા દો. વળી, બાળકોની સ્વતંત્રતા પર તરાપ મારી તેને ધાર્મિક શિક્ષણ આપવું એને હું જોહુકમી જ માનું છું.’
આ સાંભળી કવિએ કંઈ જવાબ ન આપ્યો. એમણે મિત્રને કહ્યું, ‘ચાલો, મારા બગીચામાં એક લટાર મારીએ.’ બગીચામાં આડેધડ ઊગેલાં મોટાં ખડ, ઝાડીઝાંખરાં, નકામા છોડ, વગેરે જોઈને મિત્રે કહ્યું, ‘આને તમે બગીચો કહો છો? આને તો જંગલ કહેવાય જંગલ… જુઓને, બધું કેવું આડેધડ ઊગી નીકળ્યું છે.’
કવિ કોલરિજ કહે, ‘બગીચામાં કોઈ છોડ, ઘાસ કે વેલીની સ્વતંત્રતા ઉપર હું ખોટું આક્રમણ કદી કરતો નથી, એમને જેમ ઊગવું હોય તેમ ઊગે. એમની મરજી મુજબ ઊગવા અને ખીલવા દઉં છું.’ મિત્ર સમજી ગયો કે કોલરિજે પોતાને પોતાની સમજણ વિશે ઉત્તર આપી દીધો છે.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પણ કહેતાં કે જો માતા-પિતા એમનાં બાળકોને (બાળપણથી જ) સંસ્કાર નહીં આપે તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે.’
યાદ રહે, મા-બાપ દ્વારા આપવામાં આવતા સંસ્કાર જ જીવનઘડતરનો પાયો છે. જો સંસ્કારનું સિંચન સારું થશે તો પાયો મજબૂત બનશે. સંસ્કાર-હનનથી માનવ નહીં, માનવજાતને નુકસાન થઈ શકે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
ઈલેક્શન કમિશનની જાહેરાત બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રીવિઝનની એટલે કે મતદાર યાદીના ખાસ વેરિફિકેશનની કામગરી શરૂ કરવામાં આવી છે ત્યારે રાજ્યભરના પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોને બીએલઓ(બુથ લેવલ ઓફિસર)ની કામગીરીના ઓર્ડર થઈ ગયા છે. પરંતુ જેમાં મીટિંગમાં બીએલઓ તરીકે હાજર ન રહેનાર સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવાના નિયમને લઈને શૈક્ષણિક સંઘે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
શિક્ષકોને બુથ લેવલ ઓફિસર તરીકેની સોંપાયેલી કામગીરીમાં ગેરહાજર રહે તો ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કરવાના નિયમને લઈને શૈક્ષિક મહાસંઘે ઉગ્ર વિરોધ નોંધાવતા આ મુદ્દે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ પણ કરી છે. શૈક્ષિક સંઘે આ નિયમ દૂર કરવા અથવા આ પ્રથા બંધ કરવાની માંગ કરીને બીએલઓની કામગીરી માત્ર શિક્ષકોને જ ન આપી અન્ય સંવર્ગના કર્મચારીઓને પણ આપવા રજૂઆત કરી છે. શૈક્ષિક સંઘે રજૂઆત કરી છે કે જો કોઈ શિક્ષક-કર્મચારી કોઈ ખાસ કે અન્ય કારણોસર કામગીરી-મીટિંગમાં હાજર ન રહે તો તેની સામે ધરપકડનું વોરંટ ઈશ્યૂ કરવાનો નિયમ ગુલામપ્રથા જેવી પ્રથા છે.
શિક્ષક સિવાયના અન્ય કોઈ કર્મચારી દ્વારા ભૂલ થાય તો ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાયો હોય તેવુ ધ્યાનમાં નથી ત્યારે શિક્ષકો સામે જ આવો અન્યાય કેમ? શિક્ષકોનું સમાજમાં સન્માન જળવાઈ રહે તે માટે આ પ્રથા દૂર થવી જોઈએ. કેન્દ્રિય ચૂંટણી આયોગ દ્વારા બીએલઓના ઓર્ડર વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી કર્મચારીઓને જુદા જુદા સંવર્ગને ધ્યાને રાખી આપવા માટે સૂચના અપાઈ છે. આમ છતાં પણ કુલ બીએલઓની જગ્યાના 90 ટકાથી વધુ જગ્યામાં શિક્ષકોને કામગીરી સોંપાઈ છે. જો બીએલઓ તરીકે શિક્ષક મીટિંગમાં કે કામગીરીમાં હાજર ન રહે તો એવામાં સ્કૂલમાં વેકેશન હોવાથી શિક્ષકો પણ ખુલાસાની યોગ્ય તક આપવી જોઈએ. હાલ રજાઓમાં વતન કે કોઈ સ્થળે ફરવા ગયા હોય કે પ્રસંગમાં ગયા હોય તો તેઓ હાજર ન રહી શકે ત્યારે તેઓને તક આપવી જોઈએ.
કચ્છ: ૬ નવેમ્બરના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જિલ્લાના લખપત તાલુકાના વિવિધ ગામડાઓમાં સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરી ગ્રામજનો સાથે સંવાદ-ખાટલા સભા યોજવાના છે. ગામડાઓમાં આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા સહિતના વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સમીક્ષા કરવાના છે. નાયબ મુખ્યમંત્રી ગામના ભાતીગળ રહેઠાણ દેશી ભૂંગામાં રાત્રિ રોકાણ કરવાના છે. તેમની સાથે તમામ સિનિયર ઉચ્ચ અધિકારીઓ પણ સર્કિટ હાઉસ કે હોટલને બદલે ગામમાં જ રાત્રે રોકાણ કરવાના છે. આ નિર્ણય પાછળનો હેતુ ગામની સંસ્કૃતિ, ગ્રામજનોની રહેણી-કહેણી તેમજ તેમની સમસ્યાઓને નજીકથી અનુભવીને તેના પર અસરકારક રીતે કાર્ય કરવાનો છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ ૩૦ સિનિયર IPS અધિકારીઓની ટીમ ભારત-પાકિસ્તાન સરહદ પરના અલગ-અલગ ગામડાઓની મુલાકાત માટે પહોંચ્યા છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે. આ મુલાકાત દરમિયાન સીમાવર્તી ગામોના સરપંચો અને ગ્રામજનો સાથે મુલાકાત, રાત્રી ખાટલા સભા અને સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સમગ્ર ટીમ ખાસ કરીને ગામડાઓની મહિલાઓ અને યુવાઓ સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને પડકારોને નજીકથી જાણવાનો પ્રયાસ કરશે.
સરહદી સુરક્ષાના વિષયો જેવા કે એન્ટીનેશનલ એક્ટિવિટીઝ અને બોર્ડર પેટ્રોલિંગ ઓપરેશન અંગે BSF અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરાયું છે. સાથે જ BSF જવાનો સાથે પણ સંવાદ કરવામાં આવશે, જેથી સરહદની સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવી શકાય.
કચ્છ: જિલ્લાના વિવિધ સરહદી ગામડાઓની મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ દેવી ક્ચ્છ ધણિયાણી મા આશાપુરાના દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરી હતી.નાયબ મુખ્યમંત્રીએ કચ્છના માતાના મઢ મંદિરે શીશ ઝુકાવીને ગુજરાતની જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત કચ્છ પધારેલા હર્ષ સંઘવીનું માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં બાળકીઓ દ્વારા હર્ષ સંઘવીનું કંકુના તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેઓ માતાના મઢે શીશ ઝુકાવવા માટે પ્રસાદનો થાળ લઈને પહોંચ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકો પણ હાજર રહ્યા હતા.
અંગ્રેજીની ઉકિત છે કે, ભીડમાં સાથે આવે તે સાચો ભેરુ. આજના ઝડપી જીવનમાં મિત્રતા ખૂબ ઉપકારક છે. કબીરજી કહે છે કે, સગાંવહાલાં અને મિત્રો અનેક હોય છે પણ તે તો સુખનાં સગાં છે. દુ:ખ આવતાં જ મોઢું ફેરવી લે છે.
મિત્રદ્રોહ, દગો, છેતરપિંડી અને નિષ્ઠાહીન સમાજમાં સન્મિત્ર કેમ મળે? ગુરુ જેમ સાચો મિત્ર શોધવો પણ મુશ્કેલ કામ છે. કબીરજી માનવસહજ નબળાઈઓથી સુપેરે પરિચિત છે. તેમનું સમાજદર્શન તેમની ટૂંકી પણ ચોટદાર સાખીમાં ગહન સત્યોને પ્રકાશિત કરે છે.
જીવનમાં વિપદા તો આવે જ છે. આવા સમયે દુઃખમાં ભાગીદાર થાય તેવા મિત્રો લાખોમાં એકાદ હોય છે. આવા મિત્રના આધારે, તેમની સહાયથી વિકટ પ્રશ્નો ઉકેલી શકાય છે. આ સાખીથી કબીરજી સૌનો આંધળો વિશ્વાસ કરવા સામે અને વધારે પડતી અપેક્ષાઓ સામે ચેતવણી આપે છે.
સાચો મિત્ર કેમ નથી મળ્યો તેનો સતત અફસોસ કરી દુઃખી થવું નિરર્થક છે. જ્યારે લાખોમાંથી એકનો જ સારો અનુભવ થવાનો હોય તો બાકીના નવાણું હજાર નવસો અને નવાણું પાસે શા માટે વ્યર્થ અપેક્ષા રાખવી?
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)