નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 22,252 નવા કેસ સામે આવ્યા છે અને 467 લોકોનાં મોત થયાં છે. આ સાથે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા સાત લાખને પાર થઈ ગઈ છે. દેશમાં સતત પાચમા દિવસે કોરોના સંક્રમણના 20,000થી વધુ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 7,19,665 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 20,160 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 4,34,947 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,59,557એ પહોંચી છે. રિકવરી રેટ 61 ટકાને પાર પહોંચ્યો છે.
અનલોક-1માં કોરોના રોગચાળાથી મોતમાં 60 ટકાનો વધારો
કોરોનાને કારણે માર્ચ મહિનાથી દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જે મે મહિના સુધી લાગુ હતું. દેશમાં માર્ચથી મેના અંત સુધીમાં કોરોનાથી 5500 લોકોનાં મોત થયાં હતાં, પણ સરકારે પહેલી જૂનથી અનલોક-એક કર્યું હતું, પણ અનલોક જેવું શરૂ થયું ત્યારે પહેલી જૂને કોરોનાથી મોતનો આંકડો 5,606 હતો, પણ જૂનના અંત સુધીમાં એ વધીને 17,409 થયા હતા. આમ જૂનના એક મહિનામાં કોરોના રોગચાળાથી 11,803 લોકોનાં મોત થયાં હતાં. આમ અનલોક-1માં કોરોનાથી થતા મોતમાં 60 ટકાનો વધારો થયો હતો. જૂનના મહિનામાં કોરોના કેસો બમણા કરતાં વધુ નોંધાયા હતા.
વિશ્વમાં કોરોનાથી 1.16 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત
વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 5,37,971 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 1,16,15,433એ પહોંચી છે. વિશ્વમાં હાલ કોરોના સંક્રમિત સક્રિય કેસોની સંખ્યા 47,78,209એ પહોંચી છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નવી દિલ્હીઃ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (UGCએ) ગઈ કાલે સાંજે યુનિવર્સિટીઓ દ્વારા ટર્મિનલ સેમિસ્ટર (અથવા છેલ્લા વર્ષની પરીક્ષાઓ) યોજવા માટે સુધારેલી માર્ગદર્શિકા જારી કરી હતી. ગઈ કાલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે યુનિવર્સિટીઓને લાંબા સમયથી બાકી રહેલી ફાઇનલ ટર્મની પરીક્ષાઓને યોજવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ યુનિવર્સિટીઓએ અને શૈક્ષણિક સંસ્થાઓએ આરોગ્ય મંત્રાલયે કોવિડ-19 માટે જારી કરેલા સુરક્ષાના દિશા-નિર્દેશોને ધ્યાનમાં રાખતાં ફાઇનલ પરીક્ષાઓનું આયોજન કરવાનું રહેશે. છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સચિવને લખેલા પત્રમાં ગૃહ મંત્રાલયે આજે યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પરીક્ષાને યોજવાની મંજૂરી આપવામાં આવી છે.
સપ્ટેમ્બરના અંત સુધીમાં પરીક્ષાઓ
કમિશને જારી કરેલા નવા સુધારેલા દિશા-નિર્દેશો મુજબ આ અંતિમ વર્ષની પરીક્ષાઓ શૈક્ષણિક કેલેન્ડર મુજબ સપ્ટેમ્બર,2020 સુધીમાં લઈ લેવામાં આવવી જોઈએ. જોકે કમિશને કહ્યું હતું કે ટર્મિનલ સેમિસ્ટર અથવા અંતિમ વર્ષની (ટર્મના અંતે લેવાતી પરીક્ષાઓ) યુનિવર્સિટીઓ અથવા સંસ્થાઓ દ્વારા સપ્ટેમ્બરના અંત સુધીમાં ઓનલાઇન કે ઓફલાઇન અથવા બંને વડે (ઓનલાઇન + ઓફલાઇન) લઈ શકાશે.
જોકે તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ટરમિડિયેટ્સ સેમિસ્ટર- વર્ષની પરીક્ષાઓ અંગેની માર્ગદર્શિકા જે અગાઉ 29 એપ્રિલના નિવેદન મુજબ યથાવત્ રહેશે.
સંબંધિત સરકારી પ્રોટોકોલ-માર્ગદર્શિકાનું પાલન
UGCએ કહ્યું હતું કે યુનિવર્સિટીઓએ સ્ટુડન્ટ્સ, પ્રોફેસરો અને કર્મચારીઓના આરોગ્ય અને સુરક્ષાને સૌથી વધુ પ્રાથમિકતા આપવાની રહેશે અને પરીક્ષાઓ લેતી વખતે કોવિડ-19 સંબંધિત સરકારી પ્રોટોકોલ-માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.
ફાઇનલ ટર્મની પરીક્ષાઓ ફરજિયાત
ગૃહ મંત્રાલય દ્વારા જારી થયેલા પત્ર અનુસાર ફાઇનલ ટર્મની પરીક્ષાઓ ફરજિયાત હશે અને UGCની ગાઇડલાઇન્સના અનુસાર લેવામાં આવશે. વળી, આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું પાલન કરવામાં આવશે
અનેક રાજ્યોને હાયર એજ્યુકેશનની પરીક્ષાઓ રદ કરી હતી
અત્યાર સુધી મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિસા અને હરિયાણા સહિત કેટલાંય રાજ્યોએ હાયર એજ્યુકેશનની પરીક્ષાઓને રદ કરી દીધી હતી અને પાછલા પર્ફોર્મન્સને આધારે સ્ટુડન્ટ્સને પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં ગુજરાત સરકારે છેલ્લા વર્ષની પરીક્ષાઓને યોજવાના નિર્ણયની ઘોષણા કર્યા પછી ગણતરીના કલાકોમાં જ નિર્ણયને ફેરવી તોળ્યો હતો. રાજ્ય સરકારે પણ રાજ્યની બધી યુનિવર્સિટીઓમાં ગ્રેજ્યુએટ અને એના ઉપરના સ્તરની પરીક્ષાઓને રદ કરી દીધી હતી.
આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતુ નથી તેવી મનમા ફરીયાદ રહે, વેપારના કામકાજમા જોખમ ટાળવુ, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપે તે વધુ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનુ આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમા લાભ થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારીરીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનુ આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારા પરિણામની આશા જોવા મળે, યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામા તક ઝડપવામા થોડી તકલીફ પડી શકે તેવુ બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમા રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યુ હોય તેવુ મનમા ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે અને તેમા પણ કામમા વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમા ક્યાંક અશાંતિ રહે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમા ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદ ના થાય તેનુ ધ્યાન રાખવુ, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.
આજનો દિવસ સારો છે અને તેમા ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમા તેમને સારીખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવુ, વેપારના કામકાજમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખ ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.
આજનો દિવસ યાદગાર બની શકે છે તેમા પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સાંભળવા મળી શકે છે, વેપારીવર્ગને કામકાજમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.
આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાઇ ના જવાય તેનુ ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, વડીલવર્ગે આજે કોઈને વણમાગી સલાહ ન આપવી.
આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનુ કામ થઇ શકે જેમા તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમા લાભની તક છે.
આજનો દિવસ સામાન્ય છે તમે કામમા વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમા જલ્દીથી ઉકેલ ન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમા શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણી ના દુભાય, વેપારમા પોતાના અનુભવ મુજબ નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ સારુ રહે.
આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમા થોડા દ્વિધામા રહો તમારે થોડો કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવુ જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય માર્કેટિંગમા સમયનો વ્યય વધુ થાય, વેપારના કામકાજમા ધીરજ રાખવી.
અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચોમાસું જામ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘમહેર ચાલુ છે. રાજ્યમાં અનરાધાર વરસી રહેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદે તારાજી સર્જી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોનાં ઘરોમાં પાણી ભરાયાં છે. રાજ્યના નદી-નાળા અને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. અનેક રાજ્યમાં સવારથી અત્યાર સુધી 203 તાલુકામાં વધુમાં વધુ 11 ઈંચ અને ઓછામાં ઓછો એક ઈંચ વરસાદ પડ્યો છે. જામનગરના કાલાવડમાં બે કલાકમાં ચાર ઈંચ અને કુલ 11 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટના પડધરીમાં ચાર ઈંચ, ધ્રોલમાં ચાર ઈંચ, ભચાઉ અને ખંભાળિયામાં પોણા ચાર ઈંચ અને લાલપુર-જામનગરમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો હતો.
રાજકોટમાં પણ મુશળધાર વરસાદ
રાજકોટમાં પણ મુશળધાર વરસાદને પગલે આજી-3ના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે જળાશયોમા નવા નીરની આવક થતાં આજી-3ના 15 દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે, જેથી નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે. રાજકોટ-જામનગર રોડ પર આવેલા ન્યારી -બે જળાશય છલોછલ થયો હતો, જેથી ડેમના બે દરવાજા ખોલવા પડ્યા છે. રાજકોટના પડધરીમાં 113 મિમી અને રાજકોટ શહેરમાં 104 મિમી વરસાદ ખાબક્યો હતો.
ગીરસોમનાથમાં છેલ્લા 12 કલાકથી ધોધમાર વરસાદ
ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા 12 કલાકથી થયેલા ધોધમાર વરસાદના કારણે રાવલ ડેમ પણ ઓવરફ્લો થયો છે, આ સાથે ગીર-સોમનાથમાં ઉનાના બે ગામને જોડતો બ્રિજ પર પણ પાણી ફરી વળ્યાં છે. સંખેડા અને દુધાળા ગામને જોડતાં બ્રિજ પર રાવલ નદીનાં પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો હતો. આ ઉપરાંત રાવલ નદીમાં પૂર જેવી સ્થિતિને કારણે માણેકપુર ગામ સંપર્કવિહોણું બન્યું હતું.
હિરણ નદી ગાંડીતૂર બની
અમરેલીમાં ભીમચાસના મંદિર પાસે હિરણ નદી ગાંડીતૂર બની છે. ધારીથી તુલસીશ્યામ-ઉના-દીવ જતો સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. આ હાઇવે પર હિરણ નદીનાં પાણી ફરી વળ્યાં છે. અમરેલીના ગોખરવાળા નજીક શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે. અમરેલીના જાફરાબાદમાં 65 મિમી, મોરબીના ટંકારામાં 64 મિમી વરસાદ પડ્યો છે.
જામનગરના કાલાવડમાં આભ ફાટ્યું
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પછી જામનગરના કાલાવડમાં આભ ફાટ્યું છે. કાલાવડમાં સોમવારે સાંજે બે કલાકમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો અને સવારના 6થી સાંજના ચાર વાગ્યા સુધી 11 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ પહેલાં રવિવારે ખંભાળિયામાં રવિવારે સાંબેલાધાર વરસાદ થયો હતો. ખંભાળિયામાં બે કલાકમાં જ 12 ઇંચ વરસાદ વરસ્યો હતો. અહીં આઠ કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ વરસતાં શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં.
સાત ડેમો ઓવરફ્લો
જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે સાત ડેમ ઓવરફ્લો થયા હતા. જિલ્લાના વોડીસંગ, ફુલઝર-1, વાગડિયા, સોરઠી ડેમ છલકાઈ ગયો હતો. જ્યારે ઊંડ-1, ઊંમડ-3 અને આજી-3 પણ ઓવરફ્લો થયો હતો.
પોરબંદર અને રાણાવાવમાં 10 ઇંચ વરસાદ
પોરબંદર અને રાણાવાવમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. રાણાવાવમાં તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. અનેક લોકોની ઘરવખરી તણાઈ હતી. કલ્યાણપુરમાં 9 અને દ્વારકામાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ભાણવડ-વિસાવદર-કુતિયાણામાં 6 ઇંચ અને સૂત્રાપાડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મેંદરડા-માણાવદરમાં 5-5 ઇંચ, ચીખલી-પારડી-વંથલી-વાપી-જૂનાગઢમાં 4-4 ઇંચ વરસાદ, વલસાડ અને કપરાડામાં પોણા 4 ઈંચ, જલાલપોર-ગીર ગઢડા- ગણદેવી- ખાભામાં 3.5 ઈંચ વરસાદ, કેશોદ અને નવસારીમાં સવા 3 ઈંચ વરસાદ, બગસરા, તલાળા અને ધોરાજીમાં 3 ઈંચ વરસાદ, કાલાવડ-ટંકારા, ધારીમાં પોણા 3 ઈંચ વરસાદ, ચોર્યાસી-રાજુલા-વાલપુર-વાંકાનેર-ઉના-ભિલોડામાં 2.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે ઉમરગામ,સાવરકુંડલા, વેરાવળ, જામજોધપુર, ધ્રોલ, પલસાણા, જાફરાબાદ, કોડિનારમાં સવા 2 ઈંચ, જ્યારે ખેરગામ-અમરેલી-ચૂડા-સાયલામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છેં.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં બે દિવસ માટે રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં બે દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 6થી 8 જુલાઈ સુધી વરસાદનું જોર યથાવત રહશે. દમણ દાદરા નગર હવેલી, સુરત, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે 3 દિવસ સુધી રાજ્યમાં અસર રહેશે. અમદાવાદમાં સામાન્યથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 22 ટકા વરસાદ વરસ્યો છે.
નવી દિલ્હી: દેશના સ્માર્ટફોન યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે. તમામ ટેલિકોમ કંપનીઓના રિચાર્જ પ્લાન્સ એક વખત ફરી મોંઘા થવા જઈ રહ્યા છે. કોરોના વાઈરસ અને લોકડાઉનને કારણે દરમિયાન કંપનીઓ સામે આવેલા પડકારને પગલે ટેરિફ પ્લાન્સ મોંઘા કરવા હવે મજબૂરી બની ગઈ છે. EY (Ernst & Young) ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આગામી 12થી 18 મહિનામાં ટેલિફોન બિલ અને ઈન્ટરનેટ ચાર્જ સહિતના રિચાર્જ પ્લાન મોંઘા થઈ શકે છે. રિપોર્ટ અનુસાર ટેલિકોમ ક્ષેત્રનું વર્તમાન માળખું લાભકારક નહીં હોવાને કારણે ફોનકોલ અને ઈન્ટરનેટ સહિત તમામ સેવાઓના દરમાં બે વખત વધારો કરવામાં આવી શકે તેવું EYના રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે.
EY ના TMC લીડર પ્રશાંત સિંઘલના જણાવ્યા અનુસાર, વર્તમાન સ્થિતિને જોતા તાત્કાલિક ટેરિફમાં વધારો કરવામાં નહીં આવે પણ થોડા મહિનાઓ પછી કંપનીઓ ચોક્કસપણે ટેરિફ દરમાં વધારો કરશે. તેમણે વધુમાં કહ્યું કે, હાલ અફોર્ડેબલ પ્લાન્સ યૂઝર્સની જરૂરીયાત છે અને ઈકોનોમિક ક્રાઈસિસને પગલે પ્લાન મોંઘા કરવા સારો વિચાર નથી પણ આગામી 12થી 18 મહિનામાં બે વખત ટેરિફ ફાઈક જોવા મળી શકે છે. જોકે, ટેલિકોમ કંપનીઓ તરફથી આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.
મહત્વનું છે કે, ટેલિકોમ કંપનીઓ તરફથી ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ ટેરિફ પ્લાન્સની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. હકીકતમાં અસંખ્ય ગ્રાહકો હોવાછતા માર્કેટમાં ટકી રહેવા માટે જરૂરી એવરેજ રેવેન્યુ સામે ગ્રાહકો ઓછા છે. આજ કારણ છે કે, એકસાથે તમામ ઓપરેટર્સ તેમના પ્લાન્સની કિંમતોમાં ફેરફાર કરી શકે છે. ગયા વખથે 40 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. હવે કંપનીઓ બે વખત તબક્કાવાર રીતે ટેરિફની કિંમતોમાં વધારો કરે તેવી વાત સામે આવી છે. આ રીતે સ્થિર માર્કેટ ટ્રેક તરફ પરત ફરવાનો પ્રયત્ન કરવામાં આવશે.
મુંબઈમાં ઉત્તર તરફના ઉપનગરોમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા છેલ્લા કેટલાક દિવસોમાં અત્યંત વધી જતાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા દહિસર (પૂર્વ)માં મુંબઈ-અમદાવાદ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ચેકનાકા વિસ્તારમાં 790-પલંગવાળું વિશાળ ક્વોરન્ટાઈન સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. (તસવીરોઃ દીપક ધુરી)
નવી દિલ્હીઃ ભારતભરમાં ઝૂમ એક ચીની કંપની હોવાની ભ્રમણા છે, જેથી હાલ એ વિરોધનો સામનો કરી રહી છે, ખાસ કરીને સોશિયલ મિડિયામાં. પરંતુ ઝૂમ યુએસસ્થિત વિડિયો મીટ પ્લેટફોર્મ ધરાવતી કંપની છે, જે એની સ્પષ્ટ ઓળખ ધરાવે છે. કંપની દેશમાં આગામી પાંચ વર્ષમાં નોંધપાત્ર મૂડીરોકાણ કરવાની અને સ્થાનિક પ્રતિભા ધરાવતા લોકોને નોકરી પર રાખવાની યોજના ધરાવે છે. કંપનીના એન્જિનિયરિંગ અને પ્રોડક્ટસના પ્રેસિડેન્ટ શંકરલિંગમે કહ્યું હતું કે ઝૂમ માટે ભારત એક મહત્ત્વનું બજાર છે અને રહેશે.
અમે ભારતીય બજારમાં પ્રવેશવાનું સતત ચાલુ રાખીશું, જોકે ઝૂમ વિશે પ્રારંભમાં લોકોમાં થોડી ગેરસમજ ઊભી થઈ છે. પરંતુ અમે એના પર કામ કરી રહ્યા છીએ, એમ શંકરલિંગમે કહ્યું છે.
અગ્રણી સોફ્ટવેર કંપની VMware કંપનીમાંથી શંકરલિંગમ હજી ગયા મે મહિનામાં જ ઝૂમ કંપનીમાં જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે ઝૂમ અને ચીન વિશે કેટલીક ગેરસમજ ફેલાઈ હતી, જેથી હું નિરાશ થયો છું. શંકરલિંગમે VMwareમાં નવ વર્ષથી વધુ કામ કર્યું હતું.
ઝૂમ એક અમેરિકન લિસ્ટેડ કંપની
ઝૂમ કંપનીની ઓળખ સ્પષ્ટ કરતાં શંકરલિંગમે કહ્યું કે ઝૂમ એક અમેરિકન કંપની છે, જે નેસ્ડેક પર લિસ્ટેડ છે. કંપનીની સ્થાપના કેલિફોર્નિયાના સેન જોસમાં થઈ હતી. કંપની વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓ જેવી ટેક્નિકલ કંપની છે. ઝૂમ ચીનમાં એની ઓફિસ ધરાવે છે, જેનું સંચાલન અમેરિકી પિતૃકંપનીની પેટા કંપનીઓ થકી કરવામાં આવે છે.
વપરાશકર્તાના ડેટાની સુરક્ષા અને પ્રાઇવસી મુદ્દે ગેરસમજ
લોકપ્રિય વિડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ ઝૂમ ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા ગયા મહિને વપરાશકર્તાના ડેટાની સુરક્ષા અને પ્રાઇવસી સુરક્ષિત ન હોવાના અને આ ચાઈનીઝ કંપની હોવાના અહેવાલ વહેતા થયા બાદ ઝૂમ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
ભારતે 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે ઝૂમ પણ નિશાના પર
ભારત-ચીનની લદ્દાખ સરહદે ટેન્શન સર્જાતાં ભારતે સુરક્ષાનાં કારણોસર 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર ઝૂમને (ચાઇનીઝ સમજીને) પણ લક્ષ્ય બનાવવામાં આવી હતી.
શંકરલિંગમના જણાવ્યા મુજબ તેઓ ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્કિલ્સ ઇન્ડિયાને ટેકો આપવા સાથે પ્રાથમિકતા આપવના માટે કંપનીના સ્ટેકહોલ્ડરો સાથે જોડાવાની આશા રાખી રહ્યા છે. અમે અહીં કંપનીનું વિસ્તરણ કરવા માટે અને વધુ ને વધુ પ્રતિભાશાળી લોકોને કંપની સાથે જોડવા માગીએ છીએ.
ઝૂમની મુંબઈમાં ઓફિસ
ઝૂમની દેશમાં હાજરી છે અને કંપની મુંબઈમાં ઓફિસ ધરાવે છે. આ સાથે કંપની એક મુંબઈમાં અને બીજું હૈદરાબાદમાં ડેટા સેન્ટર્સ ધરાવે છે. કંપનીના ત્રણ સિનિયર એક્ઝિક્યુટિવ ભારતીય વંશના છે, જેમાં CEO અપર્ણા બાવા, COO સુનીલ માદન અને કંપનીના ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર શંકરલિંગમ છે.
ભારતમાં રોકાણ કરવું એ શાણપણ
VMware સહિતની વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓ ભારતમાં પ્રાદેશિક કાર્યરત સેન્ટર સ્થાપીને ભારતમાં મૂડીરોકાણ કરવાની શક્યતા ચકાસી રહી છે. અમે ભારતની 130 કરોડ લોકો સુધી અમારી સેવા વિસ્તૃત કરવા માગીએ છીએ, એમ શંકરલિંગમે કહ્યું હતું.
મુંબઈઃ બોલીવૂડના દિવંગત યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આખરી ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. પ્યાર અને મોતની વચ્ચે સંઘર્ષ કરતી લવસ્ટોરીનું ટ્રેલર યૂટ્યૂબ પર જોરદાર રીતે ટ્રેન્ડ કરી રહ્યું છે અને ટ્રેલરના સહારે પ્રશંસકો સુશાંતને યાદ કરી રહ્યાં છે. ફિલ્મમાં બે કેન્સરપીડિત યુવાન હૈયાંની વાર્તા છે, જે એકબીજાનાં પ્રેમમાં પડે છે.
મુકેશ છાબરાના દિગ્દર્શનમાં બનેલી પહેલી જ ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર આજે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આની જાણકારી છાબરાએ જ એમના ટ્વિટર પર આપી હતી.
સુશાંતના ચાહકો આ ફિલ્મ વિશે બહુ ઉત્સૂક છે. ઘણાએ કહ્યું છે કે આ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર નહીં, પરંતુ મોટા પડદા ઉપર જ રિલીઝ કરવી જોઈએ.
નિર્માતાઓ ‘દિલ બેચારા’ને 24 જુલાઈએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવાના છે.
આ ફિલ્મની હિરોઈન સંજના સાંઘી છે, જેની આ પહેલી જ ફિલ્મ છે. જોકે તે આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ મુંબઈ છોડીને એનાં દિલ્હી શહેર પાછી જતી રહી છે. તે આની જાણકારી કેટલાક દિવસો પહેલા જ સોશિયલ મિડિયા પર આપી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં હયાત નથી. ગઈ 14 જૂને એ મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં એના નિવાસસ્થાનમાં ગળાફાંસો ખાધેલી મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. પોલીસનું માનવું છે કે એણે આત્મહત્યા કરી હતી. આ કેસમાં તપાસ હજી ચાલુ છે.
ટ્રેલરમાં સુશાંત બોલે છે, ‘હું તો ફાઈટર છું. આપણે ક્યારે જન્મીશું કે ક્યારે મરીશું એ નિર્ણય આપણે લેતા નથી, પરંતુ આપણે કેવી રીતે જીવવું એ આપણે નક્કી કરી શકીએ છીએ.’ ટ્રેલરમાં સુશાંત એકદમ આનંદિત પાત્ર ભજવતો દેખાય છે. ફિલ્મમાં બે યુવાન હૈયાં પ્રેમમાં પડે છે. વાર્તાની કરૂણતા એ છે કે હીરોને હાડકાનું કેન્સર ઓસ્ટિયોસાર્કોમા છે જ્યારે હીરોઈનને થાઈરોઈડનું કેન્સર છે.
‘દિલ બેચારા’માં સૈફ અલી ખાન વિશેષ ભૂમિકામાં છે.
દિલ બેચારા ફિલ્મ 2014માં આવેલી હોલીવૂડ રોમેન્ટિક ફિલ્મ ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સની સત્તાવાર હિન્દી રીમેક છે, જે આ જ શિર્ષકવાળી જોન ગ્રીન દ્વારા લિખિત નવલકથા પર આધારિત હતી. આ એક એવી લવસ્ટોરી છે જેનો અંત કરૂણ છે.
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે અહીં વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ‘મહાજોબ્સ પોર્ટલ’નું લોકાર્પણ કર્યું છે. એ પ્રસંગે રાજ્યના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મહારાષ્ટ્રમાં મરાઠી યુવાઓ – ભૂમિપુત્રોને રોજગાર મળે એ ઉદ્દેશ્યથી આ પોર્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આનાથી અનેક તરુણોને રોજગાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કોરોના વાઈરસને મહામારી ફેલાવાને કારણે દેશભરમાં અને રાજ્યોમાં લોકડાઉન લાગુ કરાયું છે. એને કારણે અનેક ઉદ્યોગ-ધંધાઓ બંધ પડ્યા હતા તેમજ અનેક તરુણોની નોકરીઓ પણ છૂટી ગઈ છે. પરંતુ હવે મહારાષ્ટ્રમાં 65 હજાર ઉદ્યોગો શરૂ કરવામાં આવનાર છે. અનેક નવા ઉદ્યોગો રાજ્યમાં આવનાર છે. રાજ્ય સરકારે આ માટે દેશી-વિદેશી કંપનીઓ સાથે 17 કરોડ રૂપિયાના કરાર કર્યા છે, એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે.
સરકાર જ્યારે મહારાષ્ટ્રમાં ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાની પરવાનગી આપી રહી છે ત્યારે અનેક ઉદ્યોગો કામદારોને નોકરીમાંથી હટાવી રહ્યા છે એ યોગ્ય નથી એમ ઠાકરેએ કહ્યું.
ઠાકરેએ એવી નોંધ પણ લીધી હતી કે લોકડાઉનને કારણે જે પરપ્રાંતિય કામદારો મુંબઈ-મહારાષ્ટ્રમાંથી એમના વતન રાજ્યોમાં પાછા જતા રહ્યા હતા, તેઓ ધીમે ધીમે રાજ્યમાં પાછા ફરી રહ્યા છે, કારણ કે રાજ્ય સરકારે વ્યાપારી પ્રવૃત્તિઓને ફરી શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે.
ઠાકરેએ કહ્યું કે, આજે આપણી પાસે નોકરીઓ ઉપલબ્ધ છે, પરંતુ કામદારો નથી. અનેક ઉદ્યોગોએ કામદારોના પગાર કાપવાનું કે એમને છૂટા કરવાનું શરૂ કર્યું છે, આ યોગ્ય નથી. આ મુદ્દે ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરવાની જરૂર છે, કારણ કે એમને જે તકલીફો પડી રહી છે એ દૂર કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. મહાજોબ્સ પોર્ટલ સમયની જરૂરિયાત છે.
ઠાકરેએ સત્તાવાળાઓને કહ્યું છે કે આ મહાજોબ્સ પોર્ટલ મારફત ખરેખર કેટલા અરજદારોને નોકરી મળે છે એની પર તેઓ નિયમિત રીતે ધ્યાન રાખે.
આ પોર્ટલનું સંચાલન મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) કરનાર છે.
ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈએ કહ્યું કે જુદા જુદા 17 ક્ષેત્રોમાં નોકરી માટે લોકો અરજી કરી શકશે. આમાં એન્જિનીયરિંગ, લોજિસ્ટિક, ટેક્સટાઈલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ પોર્ટલ પર સ્કિલ્ડ, સેમી-સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ અરજદારો પણ નોકરી માટે અરજી કરી શકે છે. આ પોર્ટલ દ્વારા માલિકો, ઉદ્યોગો તથા સરકારનો સંપર્ક કરી શકાશે.