Home Blog Page 4685

મગની દાળની બરફી

ગણપતિ બાપા પધાર્યા છે. તેમને લાડુ અને મોદક તો તમે ધરાવ્યા જ હશે. તો બાપા માટે હવે કંઈક અલગ, છતાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી મગની દાળની બરફી પણ બનાવી જુઓ!


સામગ્રીઃ

1 કપ મગની દાળ અથવા આખા મગ પણ લઈ શકો છો
4 ટે.સ્પૂન ગાયનું ઘી,
1 ટે.સ્પૂન કિસમિસ,
400 મિ.લિ. દૂધ,
1 કપ ગોળ ઝીણો સમારેલો,
1 ટી.સ્પૂન એલચી પાવડર
10 બદામની કાતરી


રીતઃ

મગને 2-3 પાણીએથી ધોઈને 5-6 કલાક માટે પલાળી દો. ત્યારબાદ તેને મિક્સરમાં બારીક પીસી લો.
એક કઢાઈમાં ઘી ગરમ કરીને તેમાં મગની પેસ્ટને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. હવે તેમાં કિસમિસ, ગોળ તેમજ દૂધ ઉમેરીને ગેસની આંચ ધીમી કરી દો. મિશ્રણને ધીમે ધીમે હલાવતાં રહો, જ્યાં સુધી એ ઘટ્ટ ન થઈ જાય.
એક થાળીમાં ઘી ચોપડીને તેમાં આ મિશ્રણ રેડીને એકસરખું ફેલાવી દો. ઉપરથી બદામની કાતરી ભભરાવી દો. એકાદ કલાક બાદ આ બરફીના ચોસલા પાડી લો.

પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર એવી આ મિઠાઈ ડાયાબિટીસ ધરાવનાર લોકો પણ નિશ્ચિંત બનીને ખાઈ શકે છે!

સોનિયા ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખપદ છોડવાનો નિર્ણય લીધો?

નવી દિલ્હીઃ પક્ષના કેટલાક સિનિયર નેતાઓએ લેખિતમાં કરેલી માગણીને પગલે સોનિયા ગાંધીએ કોંગ્રેસનું વચગાળાનું પ્રમુખપદ છોડી દેવાનો નિર્ણય લીધો હોવાનો અહેવાલ છે. એમણે આવતીકાલે કોંગ્રેસ કારોબારી સમિતિ (CWC) ની બેઠક બોલાવી છે, જેમાં તેઓ પક્ષનું પ્રમુખપદ સત્તાવાર રીતે છોડે એવું કહેવાય છે.

પક્ષનું નેતૃત્ત્વ બદલવાની પક્ષના વરિષ્ઠ નેતાઓમાં તીવ્ર થતી માગણી વચ્ચે સમાચાર આવ્યા છે કે સોનિયાએ પ્રમુખપદ છોડવાની ઈચ્છા દર્શાવી છે.

વચગાળાના પ્રમુખ તરીકે સોનિયાની મુદત ગઈ 10 ઓગસ્ટે પૂરી થઈ ચૂકી છે. હવે તેઓ પોતે આ પદ પર રહેવા ઈચ્છતા નથી. પક્ષના નવા પ્રમુખની પસંદગી કરવાનું શરૂ કરી દેવાનું એમણે પ્રક્રિયા શરૂ કરવાનું કહી દીધું છે.

કોંગ્રેસ કારોબારીની સમિતિ (CWC)ની બેઠક આવતીકાલે સવારે 11 વાગ્યે યોજવાનું નક્કી કરાયું છે.

કોંગ્રેસમાં નેતાગીરી મામલે મોટા ફેરફારો કરવાની માગણી પક્ષના 23 મોટા નેતાઓએ કરી છે, જેમાં CWCના સદસ્યો, સંસદસભ્યો અને ભૂતપૂર્વ પ્રધાનોનો સમાવેશ થાય છે. આ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને એમની માગણી રજૂ કરી છે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પક્ષપ્રમુખ સોનિયા ગાંધીને વરિષ્ઠ નેતાઓએ આ પ્રકારનો પત્ર લખ્યો હોય એવું આ કદાચ પહેલી જ વાર બન્યું છે. 

આ નેતાઓએ પક્ષમાં મોટા સંસ્થાકીય સુધારા કરવાની માગણી કરી છે. એમની દલીલ છે કે પક્ષ જનતાનો ટેકો ગુમાવી રહી છે અને યુવા લોકોમાંનો વિશ્વાસ પણ ગુમાવી રહી છે. યુવા લોકો નરેન્દ્ર મોદીને મત આપી રહ્યાં છે.

આ પત્ર એક પખવાડિયા અગાઉ મોકલવામાં આવ્યો હોવાનું કહેવાય. છે.

આ પત્રમાં સહી કરનાર નેતાઓ છેઃ ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિબ્બલ, મનીષ તિવારી, શશી થરૂર, વિવેક તાન્ખા, મુકુલ વાસનિક, જિતીન પ્રસાદ, ભૂપિન્દર સિંહ હૂડ્ડા, રાજીન્દર કૌર ભટ્ટલ, વીરપ્પા મોઈલી, પૃથ્વીરાજ ચૌહાણ, પી.જે. કુરિયન, અજય સિંહ, રેણુકા ચૌધરી, મિલિંદ દેવરા, રાજ બબ્બર, અરવિન્દર સિંહ લવલી, કૌલ સિંહ ઠાકુર, અખિલેશ પ્રસાદ સિંહ, કુલદીપ શર્મા, યોગાનંદ શાસ્ત્રી, સંદીપ દીક્ષિત.

પક્ષના સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ કારોબારી સમિતિ (CWC)ની આવતીકાલે બેઠક મળવાની અને એમાં સંગઠનાત્મક મુદ્દો પર ચર્ચા કરવામાં આવે એવી ધારણા છે. કહેવાય છે કે આવતીકાલની બેઠકમાં ચર્ચાના કેન્દ્રમાં આ પત્ર જ રહેશે.

પત્રમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે પાર્ટીને સંચાલિત કરવા માટે અસરકારક કેન્દ્રીય નેતૃત્ત્વની જરૂર છે.

CWCમાં ફરીથી ચૂંટણી કરાવવા અને નવેસરથી કેન્દ્રીય નેતૃત્ત્વ નક્કી કરવાની આ પત્રમાં માગણી કરવામાં આવી છે. એ માટે એક અસરકારક સામૂહિક પદ્ધતિ સ્થાપિત કરવાની માગણી કરાઈ છે.

પત્રમાં વધુમાં જણાવાયું છે કે કોંગ્રેસનું પુનરુત્થાન એક રાષ્ટ્રીય અનિવાર્યતા છે. જે દેશમાં લોકશાહીના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. પક્ષ હાલ એવા ગબડી રહ્યો છે જ્યારે પાર્ટીને રાજકીય, સામાજિક અને આર્થિક મોરચાઓ પર અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારતની પહેલી કોરોના રસી વર્ષના અંત સુધીમાં બની જશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને કહ્યું છે કે ભારતની પહેલી કોરોના-વિરોધી રસી આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જવાની ધારણા છે.

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં NDRF નિર્મિત કામચલાઉ હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગે ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે આપણી એક કોવિડ-19 રસી ક્લિનિકલ ટ્રાયલમાં ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે. અમને ખૂબ જ વિશ્વાસ છે કે આ વર્ષના અંત સુધીમાં એ રસી તૈયાર થઈ જશે.

ડો. હર્ષવર્ધને એમ પણ કહ્યું કે મને એ જણાવતા આનંદ થાય છે કે આઠ મહિનાના જંગમાં ભારતે 75 ટકાનો શ્રેષ્ઠ રીકવરી રેટ હાંસલ કર્યો છે. કુલ 22 લાખ દર્દીઓ સાજા થઈને એમના ઘેર પાછા ફર્યાં છે અને બીજાં સાત લાખ દર્દીઓ ટૂંક સમયમાં જ સાજા થઈ જશે.

આપણે પુણેમાં માત્ર એક જ ટેસ્ટિંગ લેબોરેટરીથી શરૂઆત કરી હતી, પણ હવે આપણી પાસે કોવિડ-19 માટે 1,500 ટેસ્ટિંગ લેબ્સ છે. આપણે આપણી નિદાન ક્ષમતાને વધારે ને વધારે મજબૂત બનાવી રહ્યા છીએ. ગયા શુક્રવારે તો આપણા દેશમાં 10 લાખથી વધારે નમૂનાનું કોરોના ટેસ્ટિંગ કરાયું હતું.

વાહ ભાઈ વાહ! ૨૩ ઓગસ્ટ, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૨૩ ઓગસ્ટ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 23/08/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામકરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

ગૂગલ લેન્સનાં આ પાંચ ઉપયોગો જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશો…

“આ શું છે” જાણવાનું કુતુહુલ આમ જોવા જઈએ તો આપણને બાળપણથી જ શરુ થઇ જતું હોય છે. ફરક એટલો છે કે ઈન્ટરનેટ ન હતું ત્યારે વસ્તુઓ સાથે ઓળખાણ કરાવવાની જવાબદારી માતાપિતા, દાદાદાદી, નાનાનાની અને શિક્ષકો નિભાવતા હતાં, જયારે હવે આ જવાબદારી ગૂગલ નિભાવે છે. ટેક્સ્ટ અને વોઈસ સર્ચની સુવિધાઓ ગૂગલ વર્ષોથી આપી જ રહ્યું છે. પરંતુ; હવે વિઝ્યુલ સર્ચની અચરજ પમાડે તેવી એક સુવિધા “ગૂગલ લેન્સ” એપ્લીકેશન દ્વારા વિશ્વભરમાં લોકપ્રિય થઇ રહી છે.

ગૂગલ લેન્સ કેટલાક પ્રતિબંધિત ડિવાઈસીઝ અને પ્લેટફોર્મ્સને બાદ કરતાં મોટાભાગનાં મોબાઈલમાં ચાલે છે. ઘણાં ફોનમાં પ્રી-લોડેડ આવે છે. પ્લે-સ્ટોર દ્વારા ડાઉનલોડ પણ કરી શકાય છે.

 

ઇન્સ્ટોલ કર્યા પછી આ એપને શરુ કરીએ એટલે સ્ક્રીનના ઉપરનાં ભાગમાં કેમેરો ચાલુ થયેલો જોવા મળે છે અને નીચેનાં ભાગે અલગ-અલગ પાંચ ગોળ બટનમાં મેનુ જોવા મળે છે. કેમેરાને ટેક્સ્ટ, ઈમેજ અથવા બારકોડ તરફ ફોકસ કરીને ગૂગલ લેન્સનો ઉપયોગ શરુ કરી શકાય છે. ગૂગલની અન્ય ત્રણ સર્વિસ “ગૂગલ આસિસ્ટન્ટ”, “ગૂગલ સર્ચ-એન્જીન” અને “ગૂગલ મેપ્સ” સાથે ગૂગલ લેન્સને જોડી દેવામાં આવ્યું હોવાથી “આ શું છે” સહિતનાં આપણા બીજા અનેક પ્રશ્નોના જવાબ ગૂગલ લેન્સ સહેલાઈથી આપી શકે છે.

“ગૂગલ લેન્સ” મુખ્યત્વે આ પાંચ સુવિધાઓ આપે છે…

ભાષાંતર: તમારા ફોનનાં કેમેરાને કોઈ લખાણ પર ફોકસ કરો અને પછી નીચેનાં મેનુ બટનમાં “ટ્રાન્સલેટ” ઉપર ક્લિક કરો. જો ગૂગલ ટ્રાન્સલેટનું પ્લગ-ઇન તમારા ફોનમાં પહેલેથી જ ઇન્સ્ટોલ હશે તો તમારી આંખોની સામે જ લખાણનું તમારી પોતાની ભાષામાં તત્કાલ ભાષાંતર થઇ જશે.

સ્માર્ટ ટેક્સ્ટ સિલેક્શનઃ તમારા ફોનનાં કેમેરાને કોઈ લખાણ પર ફોકસ કરો અને જરૂરી લખાણ સિલેક્ટ કરો. આ પછી નીચેનાં મેનુ બટનમાં “ટેક્સ્ટ ટુ કોપી” ઉપર ક્લિક કરો. હવે આ લખાણને તમે જ્યાં પણ કોપી-પેસ્ટ કરવાં હોય ત્યાં કરી શકો છો.

ઓબ્જેક્ટ ડીટેઈલ્સ: તમારી આસપાસ શું છે તે ઓળખવું હોય તો કેમેરો ફોકસ કરીને મેનુ બટનમાં “ઓબ્જેક્ટશ ફોર ડીટેઈલ્સ” ઉપર ક્લિક કરો. તમારી આસપાસની દુનિયાની કોઈપણ વસ્તુ શું છે તે બાબતની અકલ્પનીય માહિતીઓ સ્ક્રીન ઉપર હાજર થઇ જશે.

 

બારકોડ સ્કેનીંગ: તમારા ફોનનાં કેમેરાને કોઈ બારકોડ અથવા ક્યુઆરકોડ પર ફોકસ કરો અને જરૂરી એરિયા સિલેક્ટ કરો. આ પછી નીચેનાં મેનુ બટનમાં “બારકોડ” ઉપર ક્લિક કરો. તત્કાલ જ બારકોડ અથવા ક્યુઆરકોડમાં જે કોઈ માહિતી સંગ્રહાયેલી હશે તે તમારા સ્ક્રીન ઉપર દેખાવા લાગશે.

રેસ્ટોરન્ટ મેનુ: તમારા ફોનનાં કેમેરાને તમે જે રેસ્ટોરન્ટમાં બેઠા છો તેનાં છપાયેલા મેનુ ઉપર ફોકસ કરો. આ પછી નીચેનાં મેનુ બટનમાં “ડીશીઝ ઓન એ મેનુ” ઉપર ક્લિક કરો. તત્કાલ જ આ રેસ્ટોરન્ટની વખણાતી આઈટમ અને અન્ય જરૂરી માહિતી તમારા સ્ક્રીન ઉપર દેખાવા લાગશે.

ગૂગલ લેન્સ એટલે માહિતીઓનાં ખજાનાનું “ખૂલ-જા-સીમ-સીમ”…

ગૂગલ લેન્સનો મોટો ફાયદો એ છે કે સ્માર્ટફોનનાં કેમેરાને આમથીતેમ ફેરવીને થોડી ક્લિકથી વિશેષ કશું કરવાનું ન હોવા છતાં “ખૂલ-જા-સીમ-સીમ”ની માફક માહિતીનો વિશાળ ખજાનો આપણી સમક્ષ ખૂલ્લો મૂકી દે છે.

તમે કેમેરાને કોઈ વીઝીટીંગ કાર્ડ સામે ફોકસ કરો અને તેમાંના મોબાઈલ નંબર ઉપર તમારે ફોન લગાવવો હોય તો મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાથી સીધો જ ફોન લાગી જાય. કોઈ ઈમેઈલ આઈડી ઉપર ક્લિક કરો અને સીધો જ ઈમેઈલ કરી શકાય. સરનામું સિલેક્ટ કરો અને ગૂગલ મેપ્સ તરત જ તમને રસ્તો બતાવે. કોઈ સિનેમાની ટીકીટને કેમેરા સામે રાખો અને તેમાં લખેલી તારીખ અને સમય સીધો જ તમારા સ્માર્ટફોનનાં કેલેન્ડરમાં સેટ થઇ જાય. તમારા વાઇ-ફાઇ રાઉટર પાછળનાં એસએસઆઈડી સ્ટીકરની તસવીર લઇ લો અને ટેક્સ્ટમાં તબદીલ કરીને મોબાઈલના વાઇફાઇ સેટિંગમાં પેસ્ટ કરી દેવાય. કેમેરા દ્વારા દેખાતા કોઈપણ દ્ર્શ્યમાંની ટેક્સ્ટ સિલેક્ટ કરો અને ગૂગલ આસિસ્ટન્ટ તરત જ ઈન્ટરનેટ ઉપરથી તેનું સર્ચ-રીઝલ્ટ હાજર કરી આપશે.

માર્કેટમાં શોપિંગ કરતી વખતે તમને ગમતા ડ્રેસ તરફ કેમેરા રાખો અને તત્કાલ જ ગૂગલ લેન્સ તેને ઓળખીને એ જ પ્રકારનાં અન્ય સમાંતર ડ્રેસીસ તમને અન્ય કઈ જગ્યાએ મળશે તે કહી દેશે. કોઈ ફર્નિચરના શોરૂમમાં જાઓ અને ત્યાં વેચાતો કોઈ સોફાસેટ પસંદ પડે તો કેમેરા સામે તેને રાખતા જ આ પ્રકારનાં બીજા કેવાકેવા સોફાસેટ માર્કેટમાં મળી રહ્યા છે, ક્યાં અને કેટલી કિમતમાં મળી રહ્યા છે તે તમામ માહિતીઓ પૂરી પાડશે.

ફૂલ-છોડ-વૃક્ષો, પુસ્તકો, ડીવીડી કે પછી સમજોને કે કોઈપણ ચીજવસ્તુને કેમેરાથી ફોકસ કરતાં જ ગૂગલ લેન્સ તેને ઓળખી કાઢશે અને લાગતીવળગતી તમામ માહિતીઓ સ્ક્રીન ઉપર આવી જશે. કેમેરાને ઇમારતો અથવા સીમાચિન્હરૂપ રસ્તાઓ અથવા વિસ્તારો સમક્ષ રાખો અને તેમાં ક્યાંથી કઈ રીતે  અવરજવર કરવાની છે તેના દિશાનિર્દેશો, જગ્યાનું ઐતહાસિક મહત્વ અને આંકડાઓ ઉપરાંત તે ક્યારે ખૂલશે ક્યારે બંધ થશે વિગેરે પ્રકારનાં સમયની જાણકારી તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર આવી જશે. કોઈ પુસ્તક સામે રાખો અને એ પુસ્તકનો ટૂંકસાર,  રિવ્યૂ, કીમત, ક્યાં મળશે વિગેરે માહિતીઓ ધરી દેશે. કેમેરો કોઈ રેસ્ટોરન્ટ તરફ રાખો એટલે તરત જ તમને તે રેસ્ટોરન્ટનાં મેનુ, રેટીંગ, રિવ્યૂ, ક્યારે ખૂલશે ક્યારે બંધ થશે અને આસપાસની અન્ય રેસ્ટોરન્ટની વિગતો રજુ કરી દેશે.

આવા તો બીજા અગણિત કામો ગૂગલ લેન્સ દ્વારા કરી શકાય છે. આ એપની ખાસિયત એ છે કે માહિતીઓનાં ઢગલાની સાથે-સાથે આ જ  માહિતીઓનો ઉપયોગ કરવા માટે તમારે જે પણ ઓપ્શન્સ અને એપ્સની જરૂર પડવાની શક્યતા હોય તેને “બોલો મેરે આકા”નાં જિન માફક સ્ક્રીન ઉપર હાજર કરી દે છે.

જો ટેકનીકલ ભાષામાં સમજીએ તો; ગૂગલ લેન્સ…

સ્માર્ટફોનનાં કેમેરા, ડીપ મશીન લર્નિંગ અને આર્ટીફીસીયલ ઈન્ટેલેજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી ઈમેજ સર્ચની એક એપ્લીકેશન છે. ગૂગલની આપણા જીવન સાથે વણાઈ ગયેલી બીજી અનેક એપ્લીકેશન્સને ગૂગલ લેન્સ સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવી  હોવાથી તેની ઉપયોગીતા અનેકગણી વધી ગઈ છે. આ ટેકનોલોજી પોતાના પ્રારંભિક તબક્કામાં હોવાથી બધા પરિણામો સચોટ મળે છે તેવો દાવો તો ન જ કરી શકાય. પરંતુ; સ્માર્ટફોનનાં સ્માર્ટ ઉપયોગને યથાર્થ સાબિત કરી શકે તે રીતની સુવિધાઓ ગૂગલ લેન્સમાં ઠાંસીઠાંસીને ભરી છે તેમાં કોઈ બેમત નથી.

તો; “શુભસ્ય શીઘ્રમ”…ગૂગલ લેન્સ “ફ્રી” જ છે…વાર શેની…ચાલો અત્યારે જ ઇન્સ્ટોલ કરીએ…

(લેખક: પુનીત આચાર્ય સોમપુરા)

૨૩ ઓગસ્ટ ૨૦૨૦

પંચાંગ 23-08-2020

જમ્મુ-કાશ્મીરનો ‘વિશેષ દરજ્જો’ પાછો મેળવવા છ વિરોધી પક્ષો એકજૂટ થયા

શ્રીનગરઃ કાશ્મીરમાં છ રાજકીય પક્ષોએ સર્વસંમતિથી સંકલ્પ લીધો છે કે જમ્મુ-કાશ્મીરમાં પાંચ ઓગસ્ટ, 2019ની પહેલાંની જેમ ‘વિશેષ દરજ્જો’ મેળવવા માટે સંઘર્ષ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સરકાર દ્વારા લેવામાં આવેલું પગલું દ્વેષપૂર્ણ અને સંપૂર્ણ રીતે ગેરબંધારણીય હતું.  વિવિધ પક્ષોએ કહ્યું હતું કે  તેઓ ગુપકર ઘોષણા (Gupkar Declaration)થી બંધાયેલા છે, જે 4 ઓગસ્ટ, 2019એ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબદુલ્લાના ગુપકર આવાસ પર સર્વપક્ષી બેઠક પછી જાહેરાત કરવામાં આવી હતી.

4 ઓગસ્ટ, 2019ની બેઠકના પછીના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે પક્ષો સર્વસંમતિથી જાહેર કરે છે કે જમ્મુ-કાશ્મીરની ઓળખ, સ્વયત્તતા અને વિશેષ દરજ્જાની સુરક્ષા માટે એકજૂટ રહેશે. આના એક દિવસ પછી પાંચ ઓગસ્ટે કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો પરત લેવા માટે અને એને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવાની જાહેરાત કરી હતી.

ગુપકર ઘોષણામાં કહેવામાં આવ્યું હતું કે અનુચ્છેદ 35A અને અનુચ્છેદ 370માં સંશોધન અથવા એને ખતમ કરવા, ગેરબંધારણીય સીમાંકન અથવા રાજ્યના ભાગલા જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખના લોકોની સામે આક્રમક હશે. પક્ષોએ આશરે એક વર્ષથી વધુના સમય પછી એક સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું છે કે તેઓ પાછલા વર્ષની જાહેરાતનું પાલન કરશે.

નેશનલ કોન્ફરન્સના માધ્યમથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પાછલા વર્ષે ચોથી ઓગસ્ટે ગુપકર ઘોષણા પર હસ્તાક્ષર કરવાવાળા પક્ષોની વચ્ચે બહુ ઓછઓ સંવાદ થઈ શક્યો હતો, કેમ કે સરકારે કેટલાય પ્રતિબંધો અને દંડાત્મક પ્રતિબંધ લગાવ્યો હતો, જેનો ઉદ્દેશ બધી સામાજિક અને રાજકીય વાતચીતને રોકવાનો છે.

આ સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાવાળાઓમાં નેશનલ કોન્ફરન્સના રાષ્ટ્રીય અધ્યક્ષ ફારુક અબદુલ્લા, PDPના અધ્યક્ષ મહેબૂબા મુફ્તી, જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જી. એ. મીર. માકપાના નેતા એમ. વાય, તારિગામી, જમ્મુ-કાશ્મીરના પીપલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ સજ્જાદ ગની  લોન અને જમ્મુ-કાશ્મીર આવામી નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ ઉપાધ્યક્ષ મુઝફ્ફર શાહ સામેલ છે.

 

 

 

કેન્દ્રનો આંતરરાજ્ય હેરફેર પર પ્રતિબંધ ના લગાવવાનો રાજ્યોને નિર્દેશ  

નવી દિલ્હીઃ કેન્દ્રએ બધાં રાજ્યોને અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોરોના વાઇરસને પગલે લોકડાઉનમાં છૂટછાટની પ્રક્રિયા દરમ્યાન કોઈ પણ રાજ્યની અંદર કે આંતરરાજ્યો હેરફેર માટે વ્યક્તિઓ અને માલસામાનના આવાગમન પર કોઈ પણ જાતનો પ્રતિબંધ ના હોવો જોઈએ. બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને મોકલેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ  અજય ભલ્લાએ કહ્યું હતું કે એવા અહેવાલો મળ્યા છે કે વિવિધ જિલ્લાઓ અને રાજ્યો દ્વારા સ્થાનિક સ્તરે આવ-જા પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યા છે.

અનલોક-3ના દિશા-નિર્દેશોની યાદ અપાવતાં તેમણે કહ્યું હતું કે આવા પ્રતિબંધોથી માલ અને સેવાઓના આતરરાજ્ય આવાગમનમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. જેથી સપ્લાય ચેઇન પર અસર પડે છે. આને કારણે આર્થિક કામકાજ અથવા રોજગારમાં અવરોધ પેદા થાય છે.

આંતરરાજ્ય અને રાજ્યોની અંદર આવ-જા પર કોઈ પ્રતિબંધ નહીં

તેમણે પત્રમાં કહ્યું હતું કે અનલોકના દિશા-નિર્દેશોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિઓ અથવા માલસામાનની આંતરરાજ્ય અને રાજ્યોની અંદર આવ-જા પર કોઈ પ્રતિબંધ ના હોવો જોઈએ. આ માર્ગદર્શિકામાં એ પણ કહેવામાં આવ્યું છે કે પડોશી રાજ્યોની સાથે સમજૂતી હેઠળ સીમા પાર વેપાર માટે વ્યક્તિઓ અથવા માલસામાન કે આવનજાવન માટે અલગથી મંજૂરી અથવા ઈ-પરમિટની જરૂર નથી.  

ગૃહ મંત્રાલયના દિશા-નિર્દેશોના ઉલ્લંઘન સમાન

ગૃહ સચિવે કહ્યું હતું કે આવા પ્રતિબંધ ડિઝેસ્ટર મેનેજમેન્ટ કાયદા,2005ની જોગવાઈઓ હેઠળ ગૃહ મંત્રાલયના દિશા-નિર્દેશોના ઉલ્લંઘન સમાન છે. આ પત્રમાં આગ્રહ કર્યો હતો કે પ્રતિબંધ ના લગાવવામાં આવવો જોઈએ અને અનલોક સંબંધ દિશા-નિર્દેશોનું પાલન કરવામાં આવવું જોઈએ.