Home Blog Page 4624

કોરાનાની અસર ઘટતાં અર્થતંત્રમાં સુધારાના સંકેત

નવી દિલ્હીઃ કોરોના વાઇરસનું સંકટ ધીમે-ધીમે ખતમ થઈ રહ્યું છે. દેશના અર્થતંત્રમાં પાછલા કેટલાક મહિનાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ઔદ્યોગિક સંસ્થા એસોચેમે ગઈ કાલે કહ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ PMIમાં સુધારો અને નિકાસમાં વૃદ્ધિના આંકડા અર્થતંત્ર રોગચાળાના પ્રભાવથી બહાર નીકળવાના સંકેત આપી રહ્યા છે. અર્થતંત્રની સ્થિતિ પર આકલન અહેવાલમાં આવનારા મહિનાઓમાં વધુ સુધારો થવાની વાત એસોચેમે કહી છે.

અહેવાલ મુજબ દેશના મેન્યુફેક્ચરિંગ PMI (પર્ચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ)ને અને સર્વિસ ક્ષેત્રનો PMIને ધ્યાનમાં લેવાય તો બંને જગ્યાએ ઝડપથી સુધારો જોવા મળે છે. મેન્યુફેક્ચરિંગ PMI સપ્ટેમ્બરમાં 56.8ના સ્તરે રહ્યો, જે જાન્યુઆરી, 2012 પછી સૌથી ઊંચા સ્તરે છે. બીજી બાજુ, સર્વિસ ક્ષેત્રનો PMI સપ્ટેમ્બરમાં 49.8 થઈ ગયો છે, જે ઓગસ્ટમાં 41.8ના સ્તરે હતો.

એક દેશ તરીકે આપણે કોવિડ-19 રોગચાળાને પડકાર આપ્યો છે. દેશના અર્થતંત્રને ફરી ખોલવાનું કામ લગભગ પૂરું થઈ ચૂક્યું છે. લોકો માસ્ક પહેરીને, સામાજિક અંતરના નિયમોનું પાલન કરતાં કામકાજ પર પરત ફરી રહ્યા છે. જોકે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોની આદતોમાં સુધારો કરવા માટે સતત પ્રચાર ઝુંબેશ ચલાવવાની જરૂર રહેશે, એમ એસોચેમના જનરલ સેક્રેટરી દીપક સુદે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આરોગ્યની ઇમર્જન્સી સ્થિતિમાં નીડર થઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે શ્રમ કાયદાઓમાં સુધારો અને સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગમાં સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનુ કામ કર્યું છે, જે અર્થતંત્રને વેગ આપશે. જેમ-જેમ નવી સર્વિસિસમાં લોકડાઉન ખોલવામાં આવશે, તેમ-તેમ લોકોને રોગચાળા સામે લડવા અને એની સાથે આગળ વધવાની માહિતી પ્રાપ્ત થતી રહેશે. આવનારા મહિનાઓમાં GST વસૂલાતમાં પણ વધારો થવાની આશા છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

Chitralekha Gujarati – October 19, 2020

PDF Version Password for PDF- cg191020

૯ ઓક્ટોબર ૨૦૨૦

૯ ઓક્ટોબર ૨૦૨૦

રાશિ ભવિષ્ય 09/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમન લેવું યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો.


આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે


આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથસહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિકે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુજ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે, માટે વ્યવહારુ અભિગમ અપનાવો સારો કહી શકાય.


આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપકે મિલનમુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.

લોકડાઉન ડાયરીઃ વાત લાગણીની, વાત જુસ્સાની…

લૉકડાઉન છે… ખમીર ડાઉન નથી!

દેશભરમાં કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા 24 માર્ચ, 2020ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના પહેલા લૉકડાઉનની જાહેરાત કરી એના છ મહિના નિમિત્તે સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’એ એક પહેલ કરી- લૉકડાઉનમાં થયેલા સકારાત્મક અનુભવો, લાગણીનીતરતા પ્રસંગો શૅર કરવાનું વાચકોને ઈજન દીધું…

અને ગણતરીના સમયમાં જ ‘ચિત્રલેખા’ના વૉટ્સઍપનંબર તથા ઈ-મેલના ઈનબૉક્સમાં લખાણનાં ઘોડાપૂર ઊમટ્યાં. હવે, ‘ચિત્રલેખા’ના અંકોમાં આ ચૂંટેલાં લખાણ પ્રસિદ્ધ થઇ રહયા છે ત્યારે અમુક કારણસર ‘ચિત્રલેખા’ સામયિકમાં જેનો સમાવેશ કરી શકાયો નથી એવાં કેટલાંક ચૂંટેલાં લખાણને અમે ગયા અઠવાડિયા અહીં પ્રકાશિત કર્યા હતા.

-પણ, ‘ચિત્રલેખા’ ને મળેલાં લખાણોની સંખ્યા જ એટલી વધારે હતી કે બધાનો સમાવેશ એક જ સાથે કરવાનું થોડું અઘરૂં હતું. ગયા અઠવાડિયે જે લખાણો અમે સમાવી શક્યા નહોતા એ હવે પ્રકાશિત કરીએ છીએ. વાંચો…

(1) અપોઈન્ટમેન્ટ વિથ ગૉડ!

(મુકુન્દભાઈ નાગ્રેચા, સાવરકુંડલા)

કોરોનાનું વિષાદયુક્ત વાતાવરણ ભારતમાં રચાય એ પહેલાં એટલે કે લૉકડાઉન પહેલાં અનાયાસ મારાં પુત્ર-પુત્રવધૂ, પૌત્રી-પૌત્ર અમને મળવા આવ્યાં. પછી તો એમનો ચાર માસનો સતત સહવાસ 1998 પછી આ પહેલી જ વાર થયો. આ દરમિયાન આત્મીયતા, એકબીજાની જરૂરિયાતની ખેવના, આદર,  સ્નેહની અને પરસ્પરના સ્વાસ્થ્યની જે કાળજી લેવાઈ તે સૌનાં હ્રદય પુલકિત કરી ગઇ. સૌ એકબીજાને ગમતું કરવા તત્પર રહ્યાં. મર્યાદિત ભોજન તથા અવનવી વાનગીઓનો રસથાળ સાથે બેસીને માણી શક્યાં. અમે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીના, પૂજ્ય દાદાજીના વિચારોને વરેલા હોવાથી હંમેશાં રાત્રિની કુટુંબ પ્રાર્થના સૌ સાથે બેસીને કરતાં. તેનાં પરિણામસ્વરૂપ અમારાં સૌનાં મન શાંત-સ્થિર થઈ શક્યાં. છેક 1985-87માં પૂજ્ય દાદાજીએ મુક્કરર સમયે ભગવાન યોગેશ્વરને યાદ કરવાઃ ઍન અપોઈન્ટમેન્ટ વિથ ગૉડની વાત સહજભાવે સમજાવેલી. એ સમયથી આ જ સુધી, સમગ્ર વિશ્ર્વમાં લાખો શ્રદ્ધાળુ, ભગવાન યોગેશ્વર આપણી પ્રાર્થના સાંભળવા આપણા ઘરે આવે જ છે, એવું દઢતાથી સ્વીકારી પ્રભુનું સાંનિધ્ય અને સામીપ્ય માણે છે. મને મળેલા આધ્યાત્મિક વિચારોથી હું વંચિત રહ્યો હોત તો મારી સ્વસ્થતા ટકી હોત કે કેમ એ શંકા છે.

 


(2) નજીક લાવતું સામાજિક અંતર…..

(યોગેશ ન. જોશી, જૂનાગઢ)

 

પચીસમી માર્ચની સવાર એક સન્નાટો લઈને આવી. આપણે ઘણી મોટી આપત્તિઓ જોઈ છે. ભૂકંપ, પૂર ને વાવાઝોડામાં ભયંકર ખાનાખરાબી વેઠી છે. ભોં ભેગા થયા પછી તરત ઊભા થઈ જવાની તાકાત પણ છે આપણી પાસે, પણ આ સંકટ જુદું છે. કોરોના વાઈરસે માનવજાત સામે મોરચો માંડ્યો છે.

પ્રથમ લૉકડાઉન સમયે ભારતમાં હજુ ચેપ ફેલાયો નહોતો, પણ અમેરિકા અને અન્ય દેશોના હૃદય હચમચાવી નાખે એવા સમાચારો ટેલિવિઝન પર પ્રસારિત થઈ રહ્યા હતા. મૃત્યુના આંકડા રૂંવાડાં બેઠાં કરી દે એવા હતા. ન કોઈ દવા, ન રસી!  આ સમયમાં હું વિચારતો હતો કે શું કરી શકાય? એક-બે સંસ્થામાં શક્તિ મુજબ આર્થિક સહાય કરી. એક દિવસ મને અમારો ધોબી યાદ આવી ગયો. ફોન કરી એના હાલ પૂછ્યા. કાયમ પડકારા કરતો અવાજ ઢીલો પડી ગયો હતો. મેં એને બોલાવ્યો. થોડી રકમ આપી. એ જોઈ રહ્યો. મેં કહ્યું કે ધંધો બંધ છે ને તો આ રકમ તને કામ આવશે. એણે રકમ ગણી ને અડધી રકમ મને પાછી આપી, આટલા ઘણા. એના ચહેરા પર આછેરું સ્મિત ફરકી ગયું. ઘડી થંભી એણે કહ્યું, ‘સાહેબ, મારી બાજુમાં હેરકટિંગ સલૂન છે ને એ નાનુને બે નાની દીકરીઓ છે. પેલી રકમ એને…..’ મેં કહ્યું કે  લે લઈ જા. નાનુને આપી દેજે. એ બોલ્યો, ‘ના, ના. તમે રાખો. હું એને મોકલું હમણાં.’ એ ચાલ્યો ગયો. હું જોતો રહ્યો. સોશિયલ ડિસ્ટન્સિંગવાળી આ બીમારીએ માણસને માણસથી કેટલો નજીક લાવી દીધો છે? મને થયું, મહામારી તો આવશે અને જશે, પણ માનવતાને એ ક્યારેય નહીં મારી શકે.

 


(3) પ્રાર્થના-શ્રદ્ધાની અકસીર વેક્સિન

(યમિશા રવાણી, ભાવનગર)

 

ફોનની ઘંટડી રણકી… સામેથી માનો ધ્રૂજતો અવાજઃ બેટા, તારા પપ્પાનું આપણા ગામ તરફ જતાં એક્સિડન્ટ થયુ છે. આ શબ્દોએ મારા હદયમાં ભૂકંપ લાવી દીધો એ પણ એવી તીવ્રતાથી કે ફોન પર હું વળતા જવાબમાં કંઈ બોલી શકી નહીં. થોડી વારમાં અમારે હૉસ્પિટલ જવાનુ થયું, પરંતુ ઘરથી હૉસ્પિટલનો રસ્તો જાણે માઈલો દૂર બની ગયો હતો. પહોંચતાંની સાથે જ હૉસ્પિટલના ગેટ પર બોર્ડ જોયુઃ કોરોનાની મહામારીના કારણે દર્દી સાથે એક જ સભ્યને રહેવાની પરવાનગી છે. પછી એવું નક્કી થયું કે મા પાછી આવે પછી હું પપ્પા પાસે જઈ શકું.  પછી તો જેવી મારી મા બહાર આવી કે તરત જ હું દોડતી પપ્પા પાસે પહોંચી ગઈ. એમનો એક પગ અને એક હાથ ભાંગી ગયા હતા અને નાની નાની બીજી ઘણી ઈજા થઈ હતી. હું તો પપ્પાના બેડની બાજુમાં બેઠી હતી ત્યાં એક આધેડ ઉંમરના કોરોનાદર્દીને દાખલ કરવામાં આવ્યો. હૉસ્પિટલનો સ્ટાફ ઍક્ટિવ થઇ ગયો. મારા મનની પીડા સજાગતામાં  બદલાઈ ગઈ. ત્યાં મને કોઈના રડવાનો અવાજ સંભળાયો. મેં જોયું તો પેલા દર્દીની દીકરી રડી રહી હતી, ઉંમર કદાચ એની મારા જેટલી જ હશે. તેના પિતા દૂરથી સમજાવતા હતા કે, ધીરજ રાખ, હું થોડા જ દિવસોમાં સાજો થઈ જઈશ. આ દર્દીના શબ્દો સાંભળી મને વિચાર આવ્યો કે કદાચ ભગવાને જ મારા પપ્પાને એક્સિડન્ટથી બચાવ્યા હશે અને અત્યારે હું એમના ચહેરા પર આ હાસ્ય પણ ભગવાનના કારણે જ જોઈ શકતી હોઈશ. પછી હું એક ફિક્કુ હાસ્ય કરીને હૉસ્પિટલમાં રહેલા મંદિર પાસે જઈ બન્ને હાથ જોડી બસ પ્રાર્થના કરવાં લાગી. ખરેખર- શ્રદ્ધા અને પ્રાર્થના જેવી સંજીવની આ જગતમાં બીજે ક્યાંય નથી.

 


(4) વરહ હાયરા છીએ… જિંદગી નહીં

(વૈશાલી રાડિયા, જામનગર)

 

વ્યવસાયે હું ઉચ્ચ પ્રાથમિક શિક્ષિકા એટલે શરૂઆતમાં પછાત વિસ્તારમાં હાલાકી સાથે કવૉરન્ટાઇન થયેલા લોકોની મુલાકાતો સાથે સાથે ફરજના ભાગ રૂપે મારા વિદ્યાર્થીઓનો ફોનથી થતો સંપર્ક. ધીમે ધીમે એ નિર્દોષ બાળકો સાથેના ફોનમાં અમુક બાળકોનો પ્રેમ, તેમના વાલીઓના શબ્દો હૃદયતાર ઝણઝણાવતા રહ્યા….

‘ટીચર, તમને સારું તો છેને? અમને હવે ગમતું નથી!’

લૉકડાઉનની દૂરતાએ અહેસાસ આપ્યો કે પ્રેમ, લાગણીઓ, હૃદયની ઊર્મિઓ, નિર્દોષતાને લૉકડાઉન નથી લાગ્યું. એમ તો હું વર્ષોથી બાળકો સાથે લાગણીથી સંપર્કમાં તેમ છતાં નિયમિત દિવસોમાં અમુક બાળકો તરફ મારું ધ્યાન ફક્ત સારા કે નબળા વિદ્યાર્થી તરીકે રહેતું એમાંથી કોઈને ભવિષ્યના બિઝનેસમેન, પરિવારપ્રેમી, માયાળુ આત્મા ખાસ તો એની અંદરના સારા માણસને ઓળખી કે ભણવામાં નબળા હશે પણ એનામાં બીજા ઘણા ગુણ છે જેને મારે આ કોરોનાકાળ પછીના સમયમાં વિકસાવવાના છે. લૉકડાઉનના કપરા સમયમાં મોટા બિઝનેસ કે સારી નોકરીવાળાને પણ રોદણાં રડતાં અને ડાઉન થતાં જોયાં. એક દિવસ, મારા એક વિદ્યાર્થીની માતા, જે રસ્તા પર શાકભાજી વેચે છે એમને ફોનમાં મેં કહ્યું, ‘આ સમયમાં હિંમત રાખજો!’ ત્યારે એમનો જવાબ હતો, ‘બેન, વરહ હાયરા છીએ કાંઈ જિંદગી થોડી હાયરા છીએ?’ એમની ખુમારીથી મારા અંતરના તાર ઝણઝણી ઊઠ્યા અને એ શબ્દો સોંસરવા હૈયામાં ઊતરી ગયાઃ એક અભણ સ્ત્રી મને જિંદગીનો મોટો પાઠ ભણાવી ગઈ! બસ, એટલી ખુમારી હૈયે અમે રાખી છે… કપરા સંજોગોમાંય સુરત હસતી રાખી છે.

 

(5) ભીતરના તપની અવિરત યાત્રા

(શ્રદ્ધા ભટ્ટ, રાજકોટ)

 

ઠંડીગાર નિરાશામાં આશાનું એક નાનુંસરખું તણખલુંયે હૂંફ પૂરવા સક્ષમ હોય છે એનો અનુભવ મને મળ્યો પ્રકૃતિ પાસેથી. ફળિયે હીંચકે બેઠી હોઉં તો નજર સામે ડેઝર્ટ રોઝનો પ્લાન્ટ આવ્યા કરે એમ એને ગોઠવ્યો છે. એનાં ફૂલોનો ઊઘડતો ગુલાબી રંગ હીંચકાના લયની સાથે લય મેળવતો હસ્યા કરે, ને હું જોયા કરું. મન સાવ લાગણીશૂન્ય બની ફૂલ ખીલવાની એ ક્રિયાને ફક્ત એક ઘટના તરીકે જોઇ રહ્યું હતું. અને અચાનક જ અસલામત ભવિષ્યની કલ્પનાએ મન પર કબજો જમાવ્યો.  હીંચકાનો લય, ફૂલનું ગુલાબી હાસ્ય, મનની એ સ્થિર અવસ્થા – બધું જ વેરવિખેર થઈ ગયું. સ્થિતપ્રજ્ઞ અવસ્થા પર વિષાદનો પડછાયો મારી પર સવાર થઈ રહ્યો.

અચાનક મને શું સૂઝ્યું, તે હું ઊભી થઈ અને એ છોડ પાસે ગઈ. સૌથી મોટી ડાળીમાં બે લાંબી પતલી શિંગ આવેલી. આ શીંગ ફૂટે અને એમાંથી નાનાં હલકાં બી નીકળે, જે હવાની સાથે  દૂર દૂર વહી, યોગ્ય જગ્યા મળતાં છોડમાં પરિવર્તિત થાય! મે મહિનાનો આકરો તાપ અને એમાંય મારી આ અનિશ્ચિત સમયને લીધે નિરાશાજનક માનસિક સ્થિતિ. ક્યારેક દિવસો સુધી પૂરતું પાણી ન આપ્યું હોય તો ક્યારેક એક દિવસમાં ત્રણ વાર પાણી આપી નવડાવી દીધો હોય એને. છતાં એ અડીખમ ઊભો રહેલો. પાણીની ઓછી વધુ થતી માત્રામાં એનાં અમુક પર્ણો પીળા થઈને ખરીય પડેલાં. અઠવાડિયા સુધી તાજા રહેલાં ફૂલો બે દિવસમાં કરમાઈ જતાં છતાં એ ઊભો હતો, અડીખમ. તે દિવસે, છોડ પરની એ નાની એવી શિંગ મને બહુ મોટો પાઠ શીખવી ગઈ! પ્રતિકૂળ પરિસ્થિતિમાં શ્રદ્ધાની આંચ પર તપાવેલું મનોબળ કોઈને ય નવજીવન આપવા સક્ષમ હોય છે! તે દિવસથી શરૂ થયેલી મારી ભીતરના તપની યાત્રા આજ દિન સુધી અવિરત ચાલુ છે.

 


(6) ડરની આગળ જીત છે…

(સુનીલ ગોહિલ, ભાવનગર)

 

વ્યવસાયે હું  શિક્ષક. લૉકડાઉન જાહેર થયું એ પછી નવરા બેઠાં શું કરવું, કયા સમય પસાર કરવો એ સમસ્યા હતી. ટીવી ચાલુ કરો તો કોરોનાની મોંકાણના જ સમાચાર. પછી ઑનલાઇન ભણાવાનું શરૂ કર્યું. હકીકતમાં ઑનલાઇન ભણાવવાનું એ હાસ્યાસ્પદ મીમ જેવું છે. ન તો બાળકોને રસ ન તો શિક્ષકને. એક રાત્રે મારા પપ્પાને 103 ડિગ્રી તાવ ચડયો ને ઉધરસ આવવા લાગી. એ મારા પપ્પા ડાયાબિટિક છે ને કિડનીમાં પણ તકલીફ છે. મેં પારિવારિક ડૉક્ટરને ફોન કરી સલાહ અને દવા લખી આપવા કહ્યું, પણ તેમણે કોરોના રિપોર્ટ કરાવવા કહ્યું. તકલીફ એક જ હતીઃ મનમાં જબરજસ્ત ડર. કોરોનાનો. જાણે વ્યક્તિને એઇડ્સ ન હોય. આપણે પણ ભણેલાગણેલા હોવા છતાં, કોરોનાનાં લક્ષણ ખબર હોવા છતાં અફવામાં માનીએ છીએ. અમે પણ કંઈ એવું જ કરી બેઠાં. હકીકતમાં પપ્પાના શ્વેતકણ વધી ગયા હોવાથી તાવ-ઉધરસ-કફ થયાં હતાં. અગાઉ રિપોર્ટ કરાવેલો એમાં હતું જ અમારી સાથે. છેવટે નેગેટિવ રિપોર્ટ આવ્યો ત્યારે ઘરપત થઈ, પણ મિત્રો એ બે દિવસ જે અમે કાઢ્યા છે એવા જિંદગીમાં ક્યારેય કાઢ્યા નથી. આના પરથી એક તારણ પણ આવ્યોઃ જેટલાં મૃત્યુ કોરોનાથી નથી થતાં એટલા એના ડરને લીધે થાય છે. એટલું જ કહીશ કે, ડરો નહીં જાગ્રત બનો… અને સાચી માહિતીની આપ– લે કરો.

 


(7) 201 પરિવારની હૂંફ…

(સાહિલ (હર્ષલ બક્ષી) વડોદરા)

 

તીવ્ર ગતિ એ પોલીસવાન સોસાયટીના ગેટ પાસે આવી ને એફ ટાવર પાસે થોભી. ધડાધડ પોલીસ પલટન ઊતરી અને પાછળ દોડતા દોડતા આવી રહેલા સોસાયટીના ચોકીદારને પ્રશ્નો પૂછવા લાગી… ૨૦ મિનિટમાં તપાસ પૂર્ણ કરી પોલીસ નીચે ઊતરી. અર્ધા કલાકમાં ડૉક્ટરની ટીમ આવી અને પાંચમા માળે રહેતા પરિવારને તપાસી ને એમને, સિકયુરિટીને અને અમને જરૂરી સૂચના આપી રવાના થઈ. બીજા દિવસે કોર્પોરેશનની ટીમ આવી ને લાલ કલરનું લેબલ પેલા ફ્લૅટ પર મારી ગઈ અને એ પણ પૂરા ૧૮ દિવસ માટે. અમે જે તે ટાવરના સભ્યોને કવોરેન્ટાઈન થયેલા પરિવારની જરૂરિયાત વિશે સમજાવ્યું અને ભોગ બનેલા પરિવારને પણ હૈયાધારણ આપી કે સોસાયટી તમારી સાથે છે. ચિંતા કરશો નહિ. સમગ્ર સોસાયટીને સેનિટાઈઝ કરાવી… એ પરિવારની વાપસી દુબઈથી લૉકડાઉનના થોડા દિવસ પહેલા જ થઈ હતી પણ કોઈ જ બીમારી ના હોવાથી ૧૮ દિવસ હેમખેમ પસાર થઈ ગયા.

હા, આ મારી સોસાયટી અને હું સાહિલ. એનો એકમેવ સેક્રેટરી આ સોસાયટીનો. થોડોઘણો હું કલા અને સાહિત્યનો જીવ. એટલે જ આપણી ભાતીગળ ગરબા કલામાં પારંગત એવી શ્રાવણીને મારું સમગ્ર જીવન અર્પણ કરી બેઠો. શ્રાવણી કામકાજમાં ખૂબ જ ચોકસાઈવાળી અને ૨૦થી પણ વધારે વર્ષોના સહજીવનથી મને પણ ઘણી બાબતોમાં ખુશી ખુશી ચોકસાઈ રાખવી ગમવા લાગી. સલોની એટલે અમારો વહાલનો દરિયો હવે કૉલેજના પ્રથમ પગથિયાં પર ડગ માંડવા ને સક્ષમ થઈ ગઈ હતી. પર્યાવરણ સાથે પ્રેમ એટલે સલોની એ તે વિશે ભણવાનું શરૂ કર્યું. શ્રાવણીએ પણ બાળપણને પાછું માણવા નાનાં ભૂલકાંની શાળામાં નોકરી શરૂ કરી હતી. આમ માતા-પિતા, શ્રાવણી અને અમારા બધાંની લાડલી એવી સલોની એમ પાંચ જણનો પરિવાર તથા સોસાયટીના ૨૦૦ પરિવારની હૂંફથી જિંદગી રંગેચંગે ઉજવાતી હતી… ત્યાં જ આ લૉકડાઉન આવ્યું અને બધું એકદમ ઠપ્પ. હું એટલે કે સાહિલ દિવસે પોતાની પર્સનલ, પ્રોફેશનલ અને સામાજિક જવાબદારી નિભાવવામાં રત છે અને રાત્રે વેબસિરીઝ જોઈને, લુડો રમીને અંબાણી ગ્રુપને એની નેટ વર્થ વધારવામાં મદદ કરે છે. આમ અચાનક આવેલા લૉકડાઉનમાં પણ શ્રાવણી અને સલોનીના સાથથી અને પરિવારની હું જરા પણ વિચલિત નથી, ભ્રમિત નથી.

 


(8) દુઃખ હી સુખ કા જ્ઞાન!

(હરસુખ પીઠડિયા, પુણે)

 

બે વર્ષથી ટાટા મોટર્સમાંથી રિટાયર થઇ ગયો છું. હું અને કલ્પના, મારી પત્ની પુણેમાં રહીએ છીએ, જ્યારે અમારો પુત્ર-પુત્રવધૂ તથા એક વરસની પુત્રી સાન હોઝે (કેલિફોર્નિયા). લૉકડાઉનની પહેલાં ત્રણ મહિના અમે અમેરિકા હતાં. ફેબ્રુઆરીમાં પુણે પરત આવ્યાં. માર્ચમાં લૉકડાઉનનો પ્રારંભ થયો. એ રીતે જોતાં 9 મહિનાથી અમે સોશિયલ ડિસ્ટંન્સિંગનું પાલન કરી રહ્યાં છીએ. મે અને જૂન મહિનામાં અનુક્રમે મારાં સાસુ અને સસરા આ મનોહારી દુનિયાને ચીરવિદાય કરી ગયાં. અંતિમવિધિ બીજા રાજ્યમાં હોવાથી જઈ ન શક્યા, કિંતુ વિડિયો કૉલથી સંતોષ માન્યો. જો કે સસરાના અંતિમવિધમાં જઈ શક્યાં. આ ઉપરાંત બે મિત્ર અને અમારી કોલોનીના ત્રણ રહેવાસી પણ ગુમાવ્યા. -પણ આ પરિસ્થિતિમાં મિત્ર, પરિવાર, અમારું સત્સંગમંડળ, ભજનમંડળ, ફોન,ઈંટરનેટ, ફેસબુક, વોટ્સએપ, ઝૂમ અને ગૂગલ મીટથી જોડાયેલાં રહ્યાં. ઘરકામ મેં શીખી લીધું, રસોડામાં કયું વાસણ ક્યાં રહે છે એ જાણી લીધું.! લૉકડાઉનમાં એક નવું ભજન લખ્યુઃ યે હૈ બોમ્બે મેરી જાનના ઢાળમાં… અય દિલ તૂ દિલ સે ભજ લે યહાં…કભી દોહે, કભી નગમેં, કભી ગરબે મેરી જાન! અંતે, હશમતસાહેબને યાદ કરી આ લૉકડાઉનની વાત પૂરી કરું છુઃ સુખ કે અંદર સુખ કી જ્યોતિ, દુઃખ હી સુખ કા જ્ઞાન!

 


(9) પપ્પાને જડી કોરોનાની રામબાણ ઔષધિ

(સંધ્યા કાર, અમદાવાદ)

 

સાંજનો સમય એટલે સુગંધનો સમય. રસોડામાં બનતી વાનગીઓની એ અદ્રશ્ય સોડમ, જે આપણા શરીરને રસોડા તરફ દોરી જઈ મમ્મીને પૂછવા મજબૂર કરી દે કે “મમ્મી, શું બનાવ્યું છે?” પણ, ૧૯ માર્ચની સાંજે આ ઘટના ઘટી જ નહીં. એને બદલે જનતા કર્ફ્યું અને લૉકડાઉન જેવા બે શબ્દના જન્મ થયા. હાલની બોલચાલની ભાષા મુજબ બન્ને શબ્દો ટ્રેન્ડમાં આવ્યા. પછી તો દીનચર્યામાં ધરમૂળથી પરિવર્તન આવ્યું. ૨૧ દિવસના પ્રથમ લૉકડાઉન અને ત્યાર બાદ લૉકડાઉનમાં થોડા થોડા અંશે વધારો કરવાની અપીલમાં શાહરૂખખાન દ્વારા બોલાયેલ ખૂબ પ્રખ્યાત સંવાદ યે તો સિર્ફ ટ્રેલર હેં, પિક્ચર અભી બાકી હે મેરે દોસ્તની યાદ અપાવી દીધી. લોકડાઉનના પ્રથમ ચરણના દિવસોમાં પરિવારના પ્રત્યેક સભ્યોએ ખૂબ ધીરજ અને હિંમત બતાવી. કેરમ, લૂડો અને પત્તાંની રમતો પરની ધૂળ ઊડી, પપ્પાના પ્રાણાયામ પરિવારના પ્રાણાયામ બન્યા. સવાર-સાંજની આરતી સમા રામાયણ, મહાભારત સિરિયલ દીનચર્યામાં ઉમેરાઈ ગઈ. સવારની ચાના સામ્રાજ્યમાં ઉકાળાએ ઊંડાણપૂર્વક પગપેસારો કર્યો. ચા બનાવવાની પ્રક્રિયામાં ચાની ભૂકીની સંપૂર્ણ બાદબાકી સાથે માત્ર ગરમ પાણીમાં તુલસી, અરડૂસી, ગળો અને મધના ઉમેરા સાથે ચા હવે ઉકાળાનું સ્વરૂપ બની ગઈ. મમ્મીની નીતનવી વાનગી ધીરેધીરે સાદી રસોઈમાં બદલાઈ ગઈ. ધ્વનિપ્રદૂષણમાંથી પ્રદૂષણ છૂટું પડતાં રાત્રે ઘડિયાળની ટક-ટક, સવારે ચકલીઓની ચક-ચક ફરીથી જીવંત બની. આ પ્રથમ ચરણની વાત હતી. હવે, એ હિંમત બતાવી કે દેખાડી એ વ્યક્તિગત અને જાણવા જેવો વિષય છે. લૉકડાઉન ચરણબદ્ધ આગળ વધતું રહ્યું ત્રીજા ચરણમાં હવે પછી એક નવા વણનોતર્યા મહેમાન કોરોનાએ ઘરમાં તેનો પ્રવેશ-નિષેધ હોવા છતાં ઘરફોડી કરી પરિવારના કરોડરજ્જુ સમાન વ્યક્તિ મારા પિતાને પોતાના સકંજામાં લઈ લીધા. હવેનો સમય ‘કોરોના કસોટીકાળના’ સમયરૂપે પરિવારના સૌ સભ્યો પર માનસિક પ્રભાવ જમાવવા લાગ્યો. આ અજાણ્યા શત્રુનો સામનો કરવાની એક રામબાણ ઔષધિ મારા પિતાએ જણાવીઃ ધીરજ-હિંમત-આત્મવિશ્વાસ. આ ત્રણના મિશ્રણથી બનેલી એક આશા. બસ, આ જ આશાએ અમારા સંપૂર્ણ પરિવારને કોરોનાની કસોટીમાં ઉત્તીર્ણ કર્યા, જેમાં આપણા કોરોના વૉરિયર્સનો સહકાર ધન્યવાદને પાત્ર છે.

 


(10)આજે છાતી ગદગદ ફૂલે છે…
(હીતેશ શાહ, મુંબઈ)   

ણાં વર્ષો પછી આ વર્ષે ફેબ્રુઆરીમાં હું, મારી પત્ની, મારો પુત્ર અને પુત્રી માત્ર ત્રણ દિવસના વેકેશન પર ગયાં, કારણ પુત્ર-પુત્રી બંને મેડિકલ ભણે છે, રેસિડન્ટ ડોક્ટર હોવાને નાતે રાત-દિવસ હૉસ્પિટલમાં રહેવું પડે છે. મુંબઈ પાછા ફર્યાના બાદ થોડા જ સમયમાં ભારતમાં કોવિડ-૧૯ના દર્દીની સંખ્યા વધવા લાગી અને 24 માર્ચે પ્રધાન મંત્રીશ્રીએ પ્રથમ લૉકડાઉનની જાહેરાત કરી. મારો પુત્ર ઓર્થોપીડિક સર્જન છે તે સરકારી હૉસ્પિટલમાં સેવા આપી રહ્યો છે, જ્યારે પુત્રી પ્રાઈવેટ હૉસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટિના છેલ્લા વર્ષમાં રેસિડેન્સી કરી રહી છે. એ બંને હૉસ્પિટલમાં આ સમયમાં સારવાર કરી રહ્યાં હતાં અને અમારા જીવ અધ્ધર રહેતા હતા.આ દરમિયાન સરકારી ફરમાન આવ્યું કે દરેક ડૉક્ટરે ફરજિયાત હૉસ્પિટલમાં તથા કોવિડ સેન્ટરોમાં હાજર‌ રહેવું પડશે નહીતર ડોક્ટરોનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. મેં મારા પુત્ર અને પુત્રીને કહ્યું કે ભલે રજિસ્ટ્રેશન રદ થાય, પણ તમે બંને ઘરે જ રહો- જાન છે તો જહાં છે. ત્યારે બંનેએ કહ્યું કે, ‘પપ્પા, અમે જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતાં હતાં ત્યારે તમે જ અમને શીખ આપેલી કે અમારા વ્યવસાયમાં દર્દીને સૌથી વધુ મહત્વ આપજો. અને આજે તમે કેમ આમ કહો છો?’ મેં એમને કહ્યું કે એક તો કોરોનાનો ડર બીજ, ડૉક્ટરો પર થતા હુમલા અને એમની સાથે અમાનવીય વર્તન અમને સતાવે છે. ત્યારે એમનો જવાબ હતોઃ ‘અમે તો અમારી ફરજ બજાવતાં રહીશું અને તમારા સિદ્ધાંતોને અનુસરીને કાર્ય કરતા રહીશું. પપ્પા, લોકડાઉન છે પરંતુ ખમીર ડાઉન નથી.’ -અને આજે પ્રથમ લૉકડાઉનના છ મહિના પૂરા થાય છે ત્યારે મોટા ભાગના લોકો હેલ્થવર્કરોને બિરદાવી રહ્યા છે, સરકાર પણ હેલ્થવર્કરોનું ધ્યાન રાખી રહી છે ત્યારે મુખ પર સ્મિતલહેર  ફરકી જાય છે… અને સંતાનોનાં મુખ પર સંતોષની લાગણીનાં દર્શન થાય છે ત્યારે છાતી ગજગજ ફૂલે છે.

વિચારો અને આદતોનું પરિવર્તન

(બી.કે. શિવાની)

સવારે મોડા ઉઠવાની સાથે નકારાત્મક વિચારોની શૃંખલા શરૂ થઈ જતી નથી, કે આ ફક્ત મોડા ઉઠવા સાથે સંબંધિત નથી, બીજા અન્ય ઘણાં કારણો પણ હોય છે. ધારો કે ઓફિસમાં કોમ્પ્યુટર ખરાબ થઈ ગયું. જેમાં મારી ઘણી બધી અગત્યની માહિતીઓ છે. જેના પરિણામે ઓફિસના અન્ય કર્મચારીઓ પણ નકારાત્મક વિચારો કરવા લાગે છે. આવા  સમયે આપણે એક મિનિટ મૌન રહી શાંતિથી સૌને એમ કહીએ કે, ચાલો કોમ્પુટર જ ખરાબ થયું છે ને? કંઈ વાંધો નહિ, it’s ok. હવે સંજોગોવશાત અત્યારે કોમ્પ્યુટર બગડી ગયું છે તો હવે આપણે આવા સમયે બીજું શું કરી શકીએ? તેના વિશે સારું-ખોટું વિચારીએ છીએ. આવી રીતે સમગ્ર દિવસ દરમિયાન અનેક પ્રસંગો બનતા જાય અને આપનામાં ધીરે-ધીરે સકારાત્મક વિચારો બાબતે જાગૃતિ આવતી જશે કે, મનમાં કેવા પ્રકારના વિચારો (સંકલ્પ) કરવા તે મારા હાથમાં છે. આપણે જેવા સંકલ્પો કરીશું તેવી જ અનુભૂતિ આપણને થશે. અર્થાત જો આપણે સકારાત્મક વિચારો કરીશું, તો શાંતિ અને ખુશીનો અનુભવ થશે અને જો નકારાત્મક વિચારો કરીશું, તો ટેન્શનનો અનુભવ ચોક્કસ થશે.

બહારી પરિવર્તન લાવવાના બદલે આપને આપણી ભીતર આંતરિક પરિવર્તન પહેલા લાવીએ તે ખુબ જરૂરી છે. જો મને અત્યારે દુઃખની લાગણી અનુભવાય છે, તો મને અત્યારે એવું લાગશે કે તમે મારી સાથે આવું ખરાબ વર્તન કર્યું એટલે જ મને દુઃખ થયું છે. “તમે મારી સાથે આવો વર્તાવ કર્યો, વ્યવહાર કર્યો”  બસ આવા જ વિચારો હું મારા મનમાં કરું છું. પણ જો મારે આ પ્રકારની દુઃખની લાગણીઓમાંથી બહાર નીકળીને આવવું હોય તો, મારે એકાંતમાં બેસી શાંતિથી મારી જાત સાથે વાતો કરી મારા વિચારોની ગુણવત્તા બદલવી પડશે. જેમ- જેમ હું મારા વિચારોની ગુણવત્તા બદલતી જઈશ તેમ-તેમ હું બીજાના પ્રત્યે પણ સકારાત્મક વિચાર કરવાના શરૂ કરીશ અને બીજા વ્યક્તિઓ પ્રત્યે મારો દ્રષ્ટિકોણ બદલાતો જશે.

આમ આવી રીતે આપણે આપણા વિચારોની ગુણવત્તાને બદલી શકીએ છીએ. સામેવાળી વ્યક્તિ જેવી છે તેવી જ છે. પરિસ્થિતિઓ પણ જેવી છે તેવી જ છે. પરંતુ મારો તેમના પ્રત્યેનો દ્રષ્ટિકોણ કેવો છે? તે દ્રષ્ટિકોણના આધારે હું મારા મનમાં હવે તે પ્રકારના જ વિચારો કરું છું. દિવસ દરમિયાન હું પોતે કેવો અનુભવ કરું છું? તેનો મૂળ આધાર મારા પોતાના વિચારો ઉપર જ રહેલ છે. ધારો કે, મારી આજુબાજુના  લોકો ખરાબ પ્રકૃતિના છે. હું વિચારું કે, અહીં તો બધા ખરાબ જ લોકો છે તો શું એમના કારણે હું જિંદગીભર દુઃખમાં રહું? શું હું તે બધાં લોકોને બદલી શકું? નહીં, તે તો શક્ય નથી. પણ જો હું મારા જીવનમાં ખુશીનો અનુભવ કરવા ઈચ્છું, તો મારે પોતે સકારાત્મક સંકલ્પ કરવા પડશે. કે મારી આજુબાજુના તમામ લોકો ખૂબ જ સારા છે. પણ જો તે લોકો માટે મારા વિચારો નકારાત્મક હશે, તો મને મારી આસપાસના લોકો પણ ખરાબ જ દેખાશે. લોકો તો જેવા છે તેના તે જ છે, પરંતુ હવે મારો દ્રષ્ટિકોણ અને મારા વિચારો એ નક્કી કરશે કે તેમની સાથે રહેવા છતાં પણ હવે મારે ખુશ રહેવું છે કે નહીં?

મારા મનમાં જે અનુભૂતિ હું કોઈ વ્યક્તિના પ્રત્યે અથવા કોઈ પણ પરિસ્થિતિ અંગે ઉત્પન્ન કરું છું, તો તે પ્રમાણે મારી વૃત્તિઓ બનતી જાય છે.

આપણે એમ વિચારીએ છીએ કે, કોઈએ મને દુઃખ આપ્યું. ખરેખર તો કોઈ મને દુઃખ આપતું જ નથી. આવા વિચારો મેં પોતે જ મારી અંદર ઉત્પન્ન કર્યા. બંને પ્રકારના વિચારોની બાબતમાં ઘણું બધું અંતર છે. કોઈ વ્યક્તિ પ્રત્યે મારા મનમાં ગુસ્સા કે નફરતનો વિચાર કર્યો, ત્યારે મને મનની અંદર કેવું અનુભવ્યું? વ્યક્તિ તો એક જ છે. પરંતુ એક વ્યક્તિ તેના માટે સારા સકારાત્મક વિચાર કરે છે અને બીજી વ્યક્તિ નકારાત્મક વિચાર કરે છે.  એક જ વ્યક્તિ માટે અલગ-અલગ લોકો અલગ-અલગ પ્રકારની અનુભૂતિ કરી શકે છે. હું કોઈ વ્યક્તિ અંગે જે પ્રકારે વિચારું છું તે પ્રકારની મારી વૃત્તિ તેના પ્રત્યેની બનતી જાય છે.

મારી કોઈ વ્યક્તિ પ્રત્યે જેવી વૃત્તિ હશે તે પ્રમાણે હું તેની સાથે વાતચીત તથા વ્યવહાર કરીશ. જે લોકો મને સારા લાગે છે, તેમની સાથે હું હંમેશા સારી રીતે વાત કરીશ. જો તે વ્યક્તિ ગુસ્સો કરે છે તો પણ હું તેને સમજવા પ્રયત્ન કરીશ અને સ્નેહથી વાતચીત કરીશ. જ્યારે હું કોઈ ક્રિયા વારંવાર કરૂ તો મારી વૃત્તિ પણ તેવી બનતી જાય છે. ધારો કે કોઈ વ્યક્તિ સાથે હું વારંવાર ગુસ્સાથી વાત કરું છું, તો મારી તે પ્રકારની ગુસ્સાની ટેવ બની જશે. અને હવે જ્યારે પણ મારે તે વ્યક્તિની સાથે વાત કરવાની થશે ત્યારે હું તેની સાથે ગુસ્સાથી જ વાત કરીશ. અને આમ ધીરે-ધીરે મારો સ્વભાવ ગુસ્સાવાળો બનતો જશે. ત્યારબાદ હું કોઈની પણ સાથે વાત કરીશ તો ગુસ્સાથી કરીશ. હવે મારો આંતરિક સંસ્કાર વાત વાતમાં ગુસ્સો કરવાનો થઈ જશે. ઓફિસમાં હું એમ સમજીશ કે ગુસ્સો કરવાથી મારા બધાં કામ થઈ જાય છે. પરિણામે હું બધાં સાથે ગુસ્સાથી કામ કરીશ. જ્યારે સાંજે હું ઘેર પાછો આવીશ ત્યારે પરિવાર તથા બાળકો સાથે કેવી રીતે વાત કરીશ? જરૂર ગુસ્સાથી વાત કરીશ.

આમ ગુસ્સો કરવાની મારી ટેવ હવે મારા વ્યક્તિત્વનો એક ભાગ બની ગઈ. હું જે પ્રકારે વિચારીશ, તે પ્રમાણેનું મારું વ્યક્તિત્વ બનશે. આપણે આખો દિવસ બીજા શું કરે છે? તેને જ જોતા રહીએ છીએ. અને તેની ટીકા કરતા રહીએ છીએ. પરંતુ આમ કરવાથી મારું સમગ્ર વ્યક્તિત્વ ખરાબ બનતું જાય છે. પરિણામે આવા પ્રકારના વિચારો કરવાની મારી એક ખરાબ ટેવ બની જાય  છે. ચાલો, હવે આપને આપણી કુટેવો ને આદતોમાં પરિવર્તન લાવીએ.

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

પંચાંગ 09/10/2020

(મયંક રાવલ)

મુરલીધરન પાસે ભારતીય નાગરિકત્વ છે

કોલંબોઃ મુુથૈયા મુરલીધરન શ્રીલંકાના વિશ્વ વિક્રમધારક ઓફ્ફ-સ્પિન બોલર છે. ક્રિકેટના ઈતિહાસમાં મહાનતમ બોલરોમાં એમની ગણતરી કરાય છે. એમણે 800 ટેસ્ટ વિકેટ અને 534 વન-ડે ક્રિકેટ વિકેટો લીધી હતી. આને કારણે આ બંને ફોર્મેટની ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર એ બન્યા છે. પ્રતિ ટેસ્ટ 6 વિકેટની એ એવરેજ ધરાવે છે.

શ્રીલંકામાં ક્રિકેટની રમતને મજબૂત બનાવવામાં મુરલીધરનનો મોટો ફાળો રહ્યો છે. એમની ટેલેન્ટે શ્રીલંકાને રમતગમત ક્ષેત્રે નામના અપાવી, સાથોસાથ, શ્રીલંકામાં બહુમતી સિંહાલી અને લઘુમતી તામિલ લોકો વચ્ચેની વંશીય સમસ્યાને દૂર કરી અને શ્રીલંકાના સમાજમાં એકતા પણ લાવી આપી.

આ મુરલીધરનના ભારત દેશ સાથે ઘેરો સંબંધ છે એ ઘણા જાણતા નહીં હોય.

મુરલી શ્રીલંકા અને ભારત, એમ બંને દેશનું નાગરિકત્વ ધરાવે છે. એમની પાસે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઈન્ડિયા (OCI) છે, એનો મતલબ એ કે એમને ભારત આવવા માટે વિઝાની જરૂર રહેતી નથી.

મુરલીધરનને આ વિશેષ દરજ્જો અપાયો એનું કારણ એ છે કે એમનો પરિવાર મૂળ ભારતનો છે.

એમના દાદા પેરિયાસ્વામી સિનાસ્વામી દક્ષિણ ભારતના વતની હતા. એ 1920માં મધ્ય શ્રીલંકામાં ચાની ખેતી કરવા ગયા હતા. એ ત્યાં લાંબા સમય સુધી સ્થાયી રહ્યા હતા. એ દરમિયાન જ મુરલીધરનના પિતા મુથૈયાનો ત્યાં જન્મ થયો હતો. સિનાસ્વામી ત્યારબાદ ભારત પાછા ફર્યા હતા અને તામિલનાડુના તિરુચિરાપલ્લીમાં વસ્યા હતા. જ્યારે મુથૈયા શ્રીલંકાના કેન્ડી શહેરમાં જ રહ્યા હતા. ત્યાં એમણે આગળ જતાં બિસ્કીટના ધંધામાં ઝંપલાવ્યું હતું અને એમાં સફળ થયા હતા.

પિતા મુથૈયા અને માતા લક્ષ્મીનાં પરિવારમાં 1972ની 17 એપ્રિલે કેન્ડીમાં મુરલીધરનનો જન્મ થયો હતો.

2005માં મુરલીધરને ચેન્નાઈની વતની મધીમલાર રામમૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. મધીમલારનાં માતાપિતા ડોક્ટર છે અને ચેન્નાઈમાં એમની હોસ્પિટલ છે.

એક કલ્પના કરી જુઓ કે, મુરલીધરન ભારતમાં જ રહ્યા હોત અને ભારત વતી ક્રિકેટ રમ્યા હોત તો એ અને લેગસ્પિનર અનિલ કુંબલેની જોડી કેવો તરખાટ મચાવત?

ચોથી ઔદ્યોગિક ક્રાંતિના નેતૃત્વ માટે જિયોની રચના

નવી દિલ્હીઃ અબજોપતિ ભારતીય અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ગુરુવારે કહ્યું હતું કે ત્રણેય ઔદ્યોગિક ક્રાંતિઓ ચૂકી જનારા ભારત પાસે એની IT ક્ષેત્રની ક્ષમતાઓ, અલ્ટ્રા-હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને પોસાય તેવા સ્માર્ટફોનના ઉત્પાદનનું યોગ્ય સંયોજન કરવામાં આવે તો ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવાની ઊજળી તકો રહેલી છે.

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું નેતૃત્વ કરતા સૌથી શ્રીમંત ભારતીય અંબાણીએ કહ્યું હતું કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવા માટેનાં જરૂરી ચાવીરૂપ તત્ત્વો પૂરાં પાડી શકાય એ માટે તેમના ગ્રુપ દ્વારા ટેલિકોમ અને ડિજિટલ યુનિટ જિયોની રચના કરવામાં આવી હતી.

ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં પ્રવેશ

ટીએમ ફોરમ્સ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વર્લ્ડ સિરિઝમાં બોલતાં અંબાણીએ કહ્યું હતું કે  આપણે જ્યારે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે ભારત પાસે જેતે ક્ષેત્રના અગ્રણીઓ સાથે તાલ મિલાવવાની જ નહીં, પરંતુ વૈશ્વિક આગેવાન તરીકે ઊભરવાની તક રહેલી છે.

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ડિજિટલ અને ફિઝિકલ ટેક્નોલોજીના કન્વર્ઝન્સ દ્વારા સંચાલિત થઈ રહી છે, જેમાં ડિજિટલ કનેક્ટિવિટી,  ક્લાઉડ અને એજ્ડ કમ્પ્યુટિંગ,  IoT અને સ્માર્ટ ડિવાઇસિઝ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, બ્લોકચેઇન, AR/VR  (ઓગમેન્ટેડ રિયાલિટી/વર્ચ્યુઅલ રિયાલિટી) અને જિનોમિક્સનો સમાવેશ થાય છે. આ ક્રાંતિમાં સહભાગી થવા માટે અલ્ટ્રા-હાઇ-સ્પીડ કનેક્ટિવિટી, પોસાય તેવા સ્માર્ટ ડિવાઇસિસ અને ટ્રાન્સફોર્મેશનલ ડિજિટલ એપ એમ ત્રણ પાયાની જરૂરિયાતો રહેલી છે. જિયોની કલ્પના આ સફર ખેડવા માટે કરવામાં આવી છે.

જિયોએ 4G નેટવર્ક માત્ર ત્રણ વર્ષમાં જ તૈયાર કર્યું

જિયો આવી એ પહેલાં ભારત 2G ટેક્નોલોજીમાં અટવાયેલું હતું. જિયો ઇચ્છતી હતી કે ભારતની ડેટા સાથે જોડાયેલી પીડા સમાપ્ત થાય અને એક ડિજિટલ ક્રાંતિનો જન્મ થાય, અમે વર્લ્ડ-ક્લાસ, ઓલ-આઇપી, ફ્યુચર પ્રૂફ ડિજિટલ નેટવર્ક તૈયાર કર્યું છે, જે મહત્તમ સ્પીડ આપે અને ભારતમાં શ્રેષ્ઠ નેટવર્ક કવરેજ આપે.

જ્યાં ભારતીય ટેલિકોમ ઉદ્યોગને તેનું 2G નેટવર્ક તૈયાર કરતાં 25 વર્ષ લાગ્યા ત્યાં જિયોએ તેનું 4G નેટવર્ક માત્ર ત્રણ વર્ષમાં જ તૈયાર કર્યું હતું. મોટા પાયે ડેટાનો વપરાશ સ્વીકૃત થાય એ માટે અમે વિશ્વના સૌથી ન્યુનતમ ડેટા દરો લોન્ચ કર્યા તથા જિયોના ગ્રાહકો માટે વોઇસ સર્વિસ તદ્દન નિઃશુલ્ક કરી નાખી અને  જિયો ફોને સ્માર્ટફોન સસ્તા બનાવી દીધા છે.

600 ટકાનો તોતિંગ ગ્રોથ

આ પરિસ્થિતિએ એક વર્ષ કરતાં ઓછા સમયમાં 10 કરોડ ભારતીયો માટે અસીમિત સંભાવનાઓ ધરાવતા વિશ્વમાં ડોકિયું કરવાની બારી ખોલી આપી. જિયો આ સાથે સંખ્યાબંધ મોબાઇલ એપ્સ એકદમ સસ્તા દરે ઓફર કરે છે. તેના પરિણામે જિયો દર સેંકડે સાત ગ્રાહકો ઉમેરતું ગયું અને ભારતનો દર મહિને ડેટા વપરાશ જે 0.2 બિલિયન GB હતો, એ વધીને 1.2 બિલિયન GB થઈ ગયો, આમ 600 ટકાનો તોતિંગ ગ્રોથ થયો હતો.

“આજે ભારત છ એક્સાબાઇટ ડેટા દર મહિને ઉપયોગ કરે છે,  જિયો આવ્યું એ પહેલાંના સ્તર કરતાં 30 ગણો વધારે અને એ પણ માત્ર ચાર જ વર્ષમાં શક્ય બન્યું છે, આપણે માત્ર ચાર વર્ષમાં મોબાઇલ ડેટા કન્ઝમ્પ્શનમાં 155મા નંબરેથી સીધા વિશ્વમાં પહેલા નંબરે આવી ગયા છીએ.

5G સેવાઓ શરૂ કરવા માટે પણ જિયો તૈયારી

ભારત એડ્વાન્સ્ડ ટેક્નોલોજી અપનાવવા તૈયાર નથી એવી બહુ પ્રસિદ્ધ માન્યતાને જિયોએ ભૂંસી નાખી છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં આપણો દેશ અગ્રણી ભૂમિકા અદા કરશે. કનેક્ટિવિટીમાં આપણી આગેવાનીનો વિસ્તાર કરતાં જિયો 50 મિલિયન ઘરો અને પ્રીમાઇસિસમાં હાઇ-સ્પીડ અને લો-લેટેન્સી ધરાવતું ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક નાખવા જઈ રહ્યું છે. એ સાથે સમગ્ર ભારતમાં 5G સેવાઓ શરૂ કરવા માટે પણ જિયો તૈયારી કરી રહ્યું છે.

ગ્રુપની ડિજિટલ સોલ્યુશન્સ પૂરા પાડતી પેટા કંપની જિયો પ્લેટફોર્મ્સ ક્લાઉડ કોમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલિટિક્સ, AI અને મશીન લર્નિંગ, બ્લોક ચેઇન, AR/ VR અને IoT જેવા ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ ક્ષમતાઓ હાંસલ કરી રહી છે. “આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જિયો પ્લેટફોર્મ્સ વિવિધ ઉદ્યોગ સમૂહો માટે આકર્ષક ઉકેલોનું સર્જન કરી શકાય એવી પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે, એ ઉપરાંત ટેલિકોમ, મિડિયા અને એન્ટરટેઇનમેન્ટ, ન્યુ કોમર્સ, ફાઇનાન્સિયલ સર્વિસીઝ,  એજ્યુકેશન, હેલ્થકેર અને એગ્રીકલ્ચર વગેરે ક્ષેત્રો માટે અનોખી ઇકોસિસ્ટમ તૈયાર કરી રહ્યું છે એમ તેમણે કહ્યું હતું.

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અભૂતપૂર્વ મૂલ્ય અને સમૃદ્ધિનું સર્જન કરવાની અનોખી તક પૂરી પાડી રહી છે અને આપણે આવનારી પેઢીને જરૂરી ટેક્નોલોજી અસ્ક્યામતો તૈયાર કરવી જ જોઈએ. ડિજિટલ ઇકોસિસ્ટમમાં જે બિનકાર્યક્ષમતાઓ છે તેને ઉખાડી ફેંકી દેવી જોઈએ. રૂઢિગત પ્રણાલિઓને તોડી અને જીતી શકાય તેવી સહભાગિતા રચવી જોઈએ. તો જ આપણે સાચા અર્થમાં ડિજિટલ સોસાયટી બનાવી શકીશું અને તેને જાળવી શકીશું,  એમ તેમણે ઉમેર્યું હતું.

‘આજતક’ ચેનલને રૂ. 1 લાખનો દંડ કરાયો

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસને સનસનીખેજ બનાવવા અને આ કેસનું અસંવેદનશીલ રિપોર્ટિંગ કરવા બદલ ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (NSBA)એ ઇલેક્ટ્રોનિક ન્યૂઝ ચેનલો- આજતક, ઝી ન્યૂઝ, ન્યૂઝ 24 અને ઇન્ડિયા TVને માફી માગવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત NSBAએ દિવંગત સુશાંત સિંહ રાજપૂત સંબંધિત ફેક ટ્વીટ્સ કરવા બદલ આજતક ચેનલને એક લાખનો દંડ ફટકાર્યો છે.

સેલ્ફ-ગવર્નિંગ ઓથોરિટીએ આજતક, ઝી ન્યૂઝ અને ન્યૂઝ 24 ચેનલોને અસંવેદનશીલ ટેગ લાઇન્સ ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં પ્રાઇવસી અને મૃતકની ગરિમાને પ્રભાવિત કરવાનો પ્રભાવ હતો.

આ સાથે આજતકની સાથે ઇન્ડિયા TVને રાજપૂતના મૃતદેહના ફોટા બતાવવા માટે કસૂરવાર માલૂમ પડી છે એણે કહ્યું છે કે સમાચારનો રિપોર્ટ બતાવવો એ ન્યૂઝ ચેનલનું કર્તવ્ય છે. જે જાહેર હિતમાં હોઈ શકે અને જે વ્યક્તિઓ પર રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે, જેથી તેને આ પ્રકારના મિડિયા અહેવાલોથી ન્યાય મળી શકે. ન્યૂઝને રજૂ કરવા એટલા જ જરૂરી છે, જેથી મૃતકોની પ્રાઇવસીનું ઉલ્લંઘન ના થવું જોઈએ અને એક દુઃખદ ઘટનાને સનસનીખેજ ના બનાવવી જોઈએ. એ મહત્ત્વનું છે કે મૃતકોના ન્યૂઝને મિડિયાના સનસીખેજને આધીન ના હોવું જોઈએ.

આજતકના ટેગલાઇન હિટ વિકેટનો હવાલો આપતાં ઓથોરિટીએ કહ્યું હતું કે એવું લાગે છે કે સવાલ સુશાંત સિંહ રાજપૂતને પૂછવામાં આવી રહ્યા છે, જે હવે હયાત નથી. એટલા માટે ટેગલાઇન આક્રમક છે, જે પ્રાઇવસીનું ઉલ્લંઘન કરે છે અને મૃતકની ગરિમાને પ્રભાવિત કરે છે.

આ ઉપરાંત ઝી ન્યૂઝને ‘પટના કા સુશાંત મુંબઈ મેં ફેઇલ ક્યું?’ ટેગલાઇન ચલાવવા બદલ ઓથોરિટીએ. સવાલ કર્યો હતો. આ જ રીતે ન્યૂઝ 24 દ્વારા ચલાવવામાં આવેલી ટેગલાઇન આક્રમક અને મૃતકની ગરિમાને પ્રભાવિત કરે છે.

ઓથોરિટીએ નોંધ્યું હતું કે એ સાચું છે કે મિડિયાને બોલવાનો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે. એ પણ સંદેહ નથી કે જ્યારે મશહૂર એક્ટર સુશાંત સિંહ રાજપૂત જેવું વ્યક્તિત્વ આત્મહત્યા કરે છે ત્યારે એ મોટા ન્યૂઝ બની જાય છે અને એ ચર્ચાનો વિષય પણ બને છે અને એની ફરિયાદો અને વાર્તાઓ એની આસપાસ ઘૂમે છે, પણ જે રીતે ચેનલો પર આને લગતા કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે એ હતોત્સાહજનક છે.  ભાષણ અને અભિવ્યક્તિ સ્વતંત્રતામાં કોમ્પ્રોમાઇઝ ના કરી શકાય, પણ જે રીતે આ ન્યૂઝને સનસનીખેજ બનાવવામાં આવ્યા અને ચગાવવામાં આવ્યા એ દુઃખદ છે.

જોકે આજતક, ઝી ન્યૂઝ અને ન્યૂઝ 24એ ટેગલાઇન વગર ન્યૂઝ ચલાવ્યા હોત એ પ્રાઇવસી, સનસનીખેજ અને મૃતકની ગરિમાની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન ના થાત.