મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નુની નવી ફિલ્મ આવી રહી છે ખેલકૂદના વિષય આધારિત રશ્મી રોકેટ. આ ફિલ્મનું શૂટિંગ ચાલુ છે અને એ માટે પોતે કરેલી તૈયારી વિશેની તસવીરો તાપસી સોશિયલ મિડિયા પર અવારનવાર શેર કરતી રહે છે. આજે એણે એક નવી તસવીર શેર કરી છે જેમાં એ પ્રેક્ટિસ ફિલ્ડ પર ફિટનેસ કસરત કરી રહી છે.
‘થપ્પડ’ અને ‘પિન્ક’ ફિલ્મોની અભિનેત્રી તાપસીએ આ પોસ્ટની કેપ્શનમાં લખ્યું છેઃ ‘ગેટ સેટ… #રશ્મીરોકેટ. આ એવું છે જેમાં ઘણું બધું પહેલી વાર હાંસલ કરવા મળવાનું છે.’ તસવીરમાં જોઈ શકાય છે કે તાપસીએ પર્પલ રંગનું સ્પોર્ટ્સ ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સ, ગુલાબી રંગના શૂઝ પહેર્યાં છે અને તે કોઈક રેસ દોડવાની તૈયારીમાં છે.
આ ફિલ્મના દિગ્દર્શક છે આકાશ ખુરાના. ફિલ્મમાં પ્રિયાંશુ પૈન્યુલીએ તાપસીનાં પતિનો રોલ કર્યો છે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થાય એવી ધારણા છે.
કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાની પોલીસે કહ્યું છે કે, એક આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન એબ્યુઝ (યૌન શોષણ) નેટવર્કની તપાસ પછી 46 બાળકોને બચાવી લેવામાં આવ્યાં છે અને આ સંદર્ભમાં 14 જણની ધરપકડ કરવામાં આવી છે. આ પીડિતોનું કથિત રીતે યૌન શોષણ અને શોષણના અન્ય રૂપો સહિત ગુનાઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ તપાસમાં અમેરિકામાંથી ત્રણ ધરપકડ થઈ છે અને યુરોપ, એશિયા, કેનેડા અને ન્યુ ઝીલેન્ડમાં સંદિગ્ધોની ઓળખ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારનો આ સૌથી મોટો મામલો છે. બધા પીડિત બાળકો 16 મહિનાથી 15 વર્ષની ઉંમરના હતા. પીડિતોમાંથી 16 જણને એક ચાઇલ્ડકેર કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે, એમ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે કહ્યું છે.
આ 14 શખસો પર કુલ 828 બાળકોના શોષણના આરોપ મૂકવામાં આવ્યા છે તેમજ ચાર પ્રાણીઓનું શોષણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સતાવાળાઓએ કહ્યું હતું કે આ લોકોના નેટવર્ક દ્વારા ઇમેજિસ અને ઓનલાઇન વિડિયો મૂકવામાં આવતા હતા. એક સૌથી ગંભીર કેસમાં એક શંકાસ્પદ વ્યક્તિ સામેલ હતી, જેણે ન્યુ સાઉથ વેલ્સના ચાઇલ્ડકેર સેન્ટરમાંથી કામ કર્યું હતું અને એમાં 30 બાળકો સુધી એની પહોંચ હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે તમામ ડિજિટલ મિડિયા પ્લેટફોર્મ્સને માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ લાવી દીધા છે. આ સાથે જ ઓનલાઇન ફિલ્મ્સ, ઓડિયો-વિઝ્યુઅલ પ્રોગ્રામ્સ અને ઓનલાઇન પ્લેટફોર્મ પરની કરન્ટ અફેર્સ સામગ્રીને પણ માહિતી-પ્રસારણના નિયંત્રણ હેઠળ લાવતો આદેશ જારી કર્યો છે. આ નિર્ણય સાથે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર અને ડિજિટલ મિડિયાને માહિતી-પ્રસારણ મંત્રાલયને આધીન બનાવી દીધા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષરવાળા એક વટહુકમમાં કેબિનેટ સચિવાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે બંધારણની કલમ 77ની ખંડ (3) દ્વારા સત્તાનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે નિયમાવલિ, 1961ને સંશોધિત કરતાં આ નિર્ણય લીધો છે. આ નિયમોને કેન્દ્ર સરકાર (એલોકેશન ઓફ બિઝનેસ) 357 એમેડમેન્ટ રુલ્સ, 2020 કહેવામાં આવી શકે છે અને એ એક વારમાં જ લાગુ થશે.
હાલમાં ડિજિટલ કન્ટેન્ટને અંકુશમાં રાખવા માટે કોઈ કાનૂન અથવા સ્વાયત્ત સંસ્થા નથી. પ્રેસ કમિશન પ્રિન્ટ મિડિયાના નિયમન, ન્યૂઝ ચેનલો માટે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન અને એડવર્ટાઇઝિંગના નિયમન માટે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે. ફિલ્મો માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન છે.
ગયા મહિને સુપ્રીમ કોર્ટે OTT પ્લેટફોર્મ્સ પર સ્વાયત્ત નિયમનની માગવાળી અરજીને લઈને કેન્દ્રની પ્રતિક્રિયા માગી હતી. કોર્ટે આ સંબંધે કેન્દ્ર સરકાર, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયાને નોટિસ મોકલી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્લેટફોર્મ્સને પગલે ફિલ્મમેકર્સ અને આર્ટિસ્ટ્સને સેન્સર બોર્ડનો ડર અને સર્ટિફિકેશન વગર કન્ટેન્ટ રિલીઝ કરવાની તક મળી ગઈ છે. OTT પ્લેટફોર્મ્સ પર ન્યૂઝ પોર્ટલ્સની સાથે-સાથે હોટસ્ટાર, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વિડિયો જેવા સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ્સ પણ આવે છે.
મંત્રાલયે કોર્ટને અન્ય કેસમાં જણાવ્યું હતું કે ડિજિટલ મિડિયાના નિયમનની જરૂર છે. મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે કોર્ટ મિડિયામાં હેટ સ્પીચને જોતા ગાઇડલાઇન્સ પણ જારી કરતાં પહેલાં એમિક્સ તરીકે એક સમિતિની નિમણૂક કરી શકે છે.
નવી દિલ્હીઃ રોહિત શર્માના નેતૃત્ત્વ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ ટીમે આઈપીએલ-2020માં વિજેતા ટ્રોફી હાંસલ કરી. દુબઈમાં ગઈ કાલે રમાઈ ગયેલી ફાઈનલમાં એણે દિલ્હી કેપિટલ્સને પાંચ-વિકેટથી હાર આપી હતી. રોહિત શર્માના નેતૃત્ત્વની આ સફળતા જોઈને ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે એવું મંતવ્ય વ્યક્ત કર્યું છે કે એને મર્યાદિત ઓવરોવાળી ફોર્મેટમાં ભારતની ટીમનો કેપ્ટન બનાવવો જોઈએ.
ગંભીરે એમ પણ કહ્યું છે કે જો રોહિતને ODI, T20I ટીમોનો કેપ્ટન બનાવીને એને તેની કાબેલિયત પુરવાર કરવાનો મોકો આપવામાં નહીં આવે તો એ ભારતનું જ નુકસાન ગણાશે.
ગંભીરે એમ પણ કહ્યું કે રોહિતે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ આઈપીએલ ટાઈટલ્સ અપાવ્યા છે જ્યારે વિરાટ કોહલીએ એના સુકાનીપદ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમને હજી સુધી એકેય વિજેતાપદ અપાવ્યું નથી. રોહિત અને વિરાટના નેતૃત્ત્વ કૌશલ્યમાં ઘણો ફરક છે. રોહિતે સાબિત કરી આપ્યું છે કે પોતે શ્રેષ્ઠ છે.
વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ માટે મુસીબતો ટોળામાં આવી છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે માઠા દિવસોની શરૂઆત થઈ છે. ટ્રમ્પ ચૂંટણી-2020 હારી ગયા છે. તેમનાં પત્ની મેલાનિયા તેમને છૂટાછેડા આપશે્ એવા અહેવાલ છે. આ બધાની વચ્ચે એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે સંસદની મંજૂરીથી ટ્રમ્પ ઇમ્પિચમેન્ટ કાર્યવાહી ચલાવવામાં આવે એવી વકી છે, પણ તેમની સામે ગુનાઇત મામલો નથી ચલાવી શકાતો.
કૌભાંડ કરવાનો આરોપ
ડોનાલ્ડ ટ્રમ્પ પર રાષ્ટ્રપ્રમુખપદે રહેતાં કૌભાંડ કરવાનો આરોપ છે. આ સિવાય તેમના પર ચોરી, બેન્ક સાથે છેતરપિંડી, મતદાતા સાથે છેતરપિંડી અને ચૂંટણીમાં ગેરરીતિ આચરવાનો આરોપ છે. આ આરોપોને લીધે તેમને નાણાકીય નુકસાન થવાની પણ શક્યતા છે અને એ તેમના વેપાર-ધંધા માટે સારું નહીં હોય. તેમના માટે આ સમાચાર એટલા માટે ખરાબ છે, કે એમણે બેન્કોના 30 કરોડ ડોલરનાં દેવાં ચૂકવવાના હજી બાકી છે.
મતદાતા સાથે છેતરપિંડી કરવાનો આરોપ તો તેમના પર વર્ષ 2018માં અમેરિકી એટર્નીએ લગાવ્યો હતો. તેમની સાથે તેમના સહયોગી માઇલ કોહેન પણ એમાં ગેરરીતિ માટે દોષી માલૂમ પડ્યા હતા. તે ઉપરાંત ટ્રમ્પ પર જાતીય શોષણનો પણ આરોપ છે.
અમદાવાદઃ ગુજરાત સરકારે દિવાળી પછી રાજ્યમાં શિક્ષણ પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટની બેઠક બાદ આ જાહેરાત કરી હતી કે દિવાળી પછી માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, શાળાઓ અને કોલેજો શરૂ થશે, પરંતુ સંસ્થાઓએ વાલીઓની લેખિત સંમત્તિ મેળવવી પડશે. વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણવામાં આવશે નહીં. કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણકાર્ય શરૂ થશે. આ પ્રસંગે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણાશે નહીં. આ ઉપરાંત ઓનલાઇન શિક્ષણકાર્ય પણ ચાલુ જ રહેશે. આ વર્ષે ગુજરાતની સ્કૂલોમાં દિવાળી વેકેશન બે અઠવાડિયાં વહેલું 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી રાખવામાં આવ્યું છે. તબક્કાવાર શિક્ષણકાર્ય શરૂ થશે
શિક્ષણપ્રધાનની જાહેરાત પ્રમાણે 23 નવેમ્બરથી રાજ્યમાં ધોરણ-9થી ધોરણ-12 સુધીના વર્ગો શરૂ થશે. કોલેજ અને યુનિવર્સિટીની વાત કરીએ તો અનુસ્નાતક કક્ષાના વર્ગો શરૂ થશે. આ ઉપરાંત સ્નાતક કક્ષાએ ફક્ત અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ થશે. આ ઉપરાંત મેડિકલ અને પેરામેડિકલના વર્ગો શરૂ થશે. ઇજનેરી શાખાની વાત કરીએ તો માત્ર અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે તેમજ ITI અને પોલિટેકનિકના વર્ગો શરૂ થશે.
ઓડ-ઇવનનો વિકલ્પ
શિક્ષણપ્રધાનની જાહેરાત પ્રમાણે સ્કૂલોને ઓડ-ઇવન ફોર્મ્યુલા અપનાવવાની સૂચના આપવામાં આવી છે. જે પ્રમાણે એક દિવસ એક ધોરણના વિદ્યાર્થીઓને અને બીજા દિવસે બીજા ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવી શકાય છે. આ ઉપરાંત એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણાશે નહીં. એટલે કે જે વિદ્યાર્થીઓ સ્કૂલે આવવા માગે છે તે આવી શકે છે, તેમને ફરજ નહીં પાડવામાં આવે
સરકારની માર્ગદર્શિકાનું પાલન ફરજિયાત
સ્કૂલો શરૂ થયા બાદ કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. સ્કૂલ શરૂ કરતાં પહેલાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું થર્મલ ગન વડે તાપમાન માપવાનું રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે એ રીતે બેસાડવા પડશે. વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં સાબુથી હાથ ધોવાની પણ વ્યવસ્થા કરવાની રહેશે. આ તમામ વસ્તુનું ફરજિયાત પાલન થાય છે કે નહીં તેની જવાબદારી સ્કૂલના આચાર્યની રહેશે. ધોરણ 9થી 12ના વર્ગો શરૂ થયા બાદ અન્ય વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. સ્કૂલ દરમિયાન જો કોઈ બાળક બીમાર પડે તો તેને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવાનો રહેશે.
વાલીઓએ સહમતીપત્ર આપવું પડશે
જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવીને અભ્યાસ કરવા માગે છે તેમના વાલીઓએ સ્કૂલોને લેખિતમાં સહમતી આપવાનું રહેશે. આ સહમતી પત્ર પર સ્કૂલો અને વિદ્યાર્થીઓના વાલીઓએ કયા-કયા નિયમોનું પાલન કરવાનું રહેશે એ પણ લખેલું હશે. આ સાથે એવી પણ સૂચના છે કે સ્કૂલો વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવવા માટે દબાણ નહીં કરી શકે.
નવી દિલ્હીઃ 2018ની નોંધાયેલા આત્મહત્યા માટે મજબૂર કરવાને લગતા એક કેસના સંબંધમાં મહારાષ્ટ્ર પોલીસે પકડેલા વરિષ્ઠ પત્રકાર અર્ણબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટે આજે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. મુંબઈ હાઈકોર્ટે ગોસ્વામીની જામીન અરજને નકારી કાઢ્યા બાદ ગોસ્વામીએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતાં મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, રાજ્ય સરકાર કોઈને ટાર્ગેટ ન બનાવે.
ન્યાયમૂર્તિઓ ડી.વાય. ચંદ્રચુડ અને ઈન્દિરા બેનરજીની બે-જજની બેન્ચે વિડિયો કોન્ફરન્સિંગ મારફત ગોસ્વામીની વચગાળાના જામીન અરજી પર સુનાવણી કરી હતી. ન્યાયાધીશોએ ટીવી એન્કર ગોસ્વામીની ધરપકડ કરવા બદલ મહારાષ્ટ્ર સરકારનો ઉધડો લીધો હતો. સુપ્રીમ કોર્ટે ગોસ્વામી તથા અન્ય બે આરોપીને વ્યક્તિગત રૂ. 50,000ના બોન્ડ પર વચગાળાના જામીન મંજૂર કર્યા છે અને પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે કે આદેશનું તત્કાળ પાલન કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે અરજદારોને કહ્યું છે કે એમણે તપાસમાં સહકાર આપવો અને સાક્ષીઓ સાથે કોઈ પ્રકારનો હસ્તક્ષેપ કરવો નહીં.
શિમલાઃ કોરોના વાઈરસે બોલીવૂડને એક વધુ આંચકો આપ્યો છે. એણે ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ના અભિનેતા હરીશ બંચટાનો જાન લીધો છે. બંચટાએ ફિલ્મમાં પાકિસ્તાની પોલીસ અધિકારીનો રોલ કર્યો હતો. એમના અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. એમનું આજે સવારે નિધન થયું હતું.
48 વર્ષીય બંચટા બોલીવૂડમાં 18-વર્ષથી કામ કરતા હતા. એમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ બજરંગી ભાઈજાનમાં એમણે કરેલા અભિનયની ઘણી પ્રશંસા કરાઈ છે. બંચટાએ સીઆઈડી, ક્રાઈમ પેટ્રોલ જેવી અનેક ટીવી સિરિયલોમાં પણ અભિનય કર્યો હતો.
હજી ગયા સોમવારે રાતે જ બંચટાની માતાનું કોરોનાને કારણે નિધન થયું હતું. મંગળવારે સાંજે કોરોના નિયમો અનુસાર બંચટાના પૈતૃક ગામમાં જૂજ લોકોની હાજરીમાં એમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હરીશ બંચટાને તાવ ચડ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંચટાને એક દીકરી છે, જે 9મા ધોરણમાં ભણે છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં દિવાળી, છઠ પૂજા, કાલી પૂજા વગેરે દરમ્યાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવાના કલકત્તા હાઇ કોર્ટના આદેશને જાળવી રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે દિવાળી સહિત ચાલી રહેલી તહેવારોની સીઝન દરમ્યાન પશ્ચિમ બંગાળમાં ફટાકડા પર પ્રતિબંધની વિરુદ્ધની એક અરજી ફગાવી દેતાં એમાં દખલ દેવાનો ઇનકાર કર્યો હતો. બે સભ્યોની ખંડપીઠના જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે જ્યાં જીવ સામે જોખમ હોય ત્યારે જીવનના રક્ષણથી મોટું કોઈ મૂલ્ય નથી. આ ખંડપીઠના અન્ય સભ્ય ઇન્દિરા બેનરજી છે. કોર્ટે કહ્યું હતું કે કોરોના રોગચાળા દરમ્યાન જીવનના રક્ષણથી વધુ મહત્ત્વપૂણ કંઈ નથી. હવે ખુદના જીવન જોખમમાં છે અને લોકોની સમસ્યા ઉકેલવા એકજૂટ થવું જોઈએ.
પશ્ચિમ બંગાળમાં દિવાળી, કાલી પૂજા અને છઠપૂજા દરમ્યાન ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના ગઈ પાંચમી નવેમ્બરે કલકતા હાઇકોર્ટે એક વિડિયો લિન્કના માધ્યમથી આપેલા આદેશને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આ સુનાવણી કરી હતી. કલકત્તા હાઈકોર્ટે આ પ્રતિબંધ કોરોના વાઇરસ રોગચાળાને ધ્યાનમાં લઈને મૂક્યો છે.
હાઇકોર્ટના આદેશ પછી કેટલીય જનહિત અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માગ કરવામાં આવી હતી. વળી મમતા સરકારે પણ લોકોને ફટાકડા ન ફોડવાની વિનંતી કરી છે.