ગુજરાતમાં સ્કૂલ-કોલેજો 23 નવેમ્બરથી શરૂ થશે: શિક્ષણપ્રધાન

અમદાવાદઃ ગુજરાત સરકારે દિવાળી પછી રાજ્યમાં શિક્ષણ પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટની બેઠક બાદ આ જાહેરાત કરી હતી કે દિવાળી પછી માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, શાળાઓ અને કોલેજો શરૂ થશે, પરંતુ સંસ્થાઓએ વાલીઓની લેખિત સંમત્તિ મેળવવી પડશે. વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણવામાં આવશે નહીં. કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણકાર્ય શરૂ થશે. આ પ્રસંગે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણાશે નહીં. આ ઉપરાંત ઓનલાઇન શિક્ષણકાર્ય પણ ચાલુ જ રહેશે. આ વર્ષે ગુજરાતની સ્કૂલોમાં દિવાળી વેકેશન બે અઠવાડિયાં વહેલું 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી રાખવામાં આવ્યું છે.
તબક્કાવાર શિક્ષણકાર્ય શરૂ થશે

શિક્ષણપ્રધાનની જાહેરાત પ્રમાણે 23 નવેમ્બરથી રાજ્યમાં ધોરણ-9થી ધોરણ-12 સુધીના વર્ગો શરૂ થશે. કોલેજ અને યુનિવર્સિટીની વાત કરીએ તો અનુસ્નાતક કક્ષાના વર્ગો શરૂ થશે. આ ઉપરાંત સ્નાતક કક્ષાએ ફક્ત અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ થશે. આ ઉપરાંત મેડિકલ અને પેરામેડિકલના વર્ગો શરૂ થશે. ઇજનેરી શાખાની વાત કરીએ તો માત્ર અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે તેમજ ITI અને પોલિટેકનિકના વર્ગો શરૂ થશે.

ઓડ-ઇવનનો વિકલ્પ

શિક્ષણપ્રધાનની જાહેરાત પ્રમાણે સ્કૂલોને ઓડ-ઇવન ફોર્મ્યુલા અપનાવવાની સૂચના આપવામાં આવી છે. જે પ્રમાણે એક દિવસ એક ધોરણના વિદ્યાર્થીઓને અને બીજા દિવસે બીજા ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવી શકાય છે. આ ઉપરાંત એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણાશે નહીં. એટલે કે જે વિદ્યાર્થીઓ સ્કૂલે આવવા માગે છે તે આવી શકે છે, તેમને ફરજ નહીં પાડવામાં આવે

સરકારની માર્ગદર્શિકાનું પાલન ફરજિયાત

સ્કૂલો શરૂ થયા બાદ કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. સ્કૂલ શરૂ કરતાં પહેલાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું થર્મલ ગન વડે તાપમાન માપવાનું રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે એ રીતે બેસાડવા પડશે. વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં સાબુથી હાથ ધોવાની પણ વ્યવસ્થા કરવાની રહેશે. આ તમામ વસ્તુનું ફરજિયાત પાલન થાય છે કે નહીં તેની જવાબદારી સ્કૂલના આચાર્યની રહેશે. ધોરણ 9થી 12ના વર્ગો શરૂ થયા બાદ અન્ય વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. સ્કૂલ દરમિયાન જો કોઈ બાળક બીમાર પડે તો તેને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવાનો રહેશે.

વાલીઓએ સહમતીપત્ર આપવું પડશે

જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવીને અભ્યાસ કરવા માગે છે તેમના વાલીઓએ સ્કૂલોને લેખિતમાં સહમતી આપવાનું રહેશે. આ સહમતી પત્ર પર સ્કૂલો અને વિદ્યાર્થીઓના વાલીઓએ કયા-કયા નિયમોનું પાલન કરવાનું રહેશે એ પણ લખેલું હશે. આ સાથે એવી પણ સૂચના છે કે સ્કૂલો વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવવા માટે દબાણ નહીં કરી શકે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]