Home Blog Page 4543

૧૧ ડિસેમ્બર ૨૦૨૦

૧૧ ડિસેમ્બર ૨૦૨૦

અભિનય સમ્રાટ દિલીપ કુમાર

સર્વકાલીન શ્રેષ્ઠ અભિનેતા મુહમ્મદ યુસુફ ખાન યાને દિલીપ કુમાર આજે ૯૮ વર્ષના થશે. ૧૧ ડીસેમ્બર, ૧૯૨૨ના રોજ પેશાવરમાં તેમનો જન્મ. ‘શ્રેષ્ઠ અભિનેતા’નો ફિલ્મફેર એવોર્ડ તેમને ૯ વાર મળ્યો છે. ભારત સરકારે દિલીપ કુમારને ૧૯૯૧માં પદ્મભૂષણ, ૧૯૯૪માં દાદાસાહેબફાળકે એવોર્ડ અને ૨૦૧૫માં પદ્મવિભૂષણના ખિતાબથી નવાજ્યા છે. તેમની નિયુક્તિ રાજ્ય સભાના સભ્ય તરીકે પણ થઇ છે. પાકિસ્તાન સરકારે પણ દિલીપ કુમારને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નિશાન-એ-ઈમ્તીઆઝ’થી ૧૯૯૭માં નવાજ્યા હતા.

તેમના પિતા લાલ ગુલામ સરવર જમીનદાર હતા હતા, જેમના પેશાવર અને મહારાષ્ટ્રના દેવલાલીમાં ફળોના બગીચા હતા. દેવલાલીની બાર્નેસ સ્કૂલમાં યુસુફ ભણ્યા હતા. ૧૯૩૦ના દાયકામાં તેમનો પરિવાર મુંબઈમાં સ્થાયી થયો. ૧૯૪૨માં કામ શોધતા યુસુફનો ડૉ. મસાણીએ બોમ્બે ટોકીઝના માલિકણ દેવિકા રાણી સાથે પરિચય કરાવ્યો હતો, જેમણે યુસુફખાનને દિલીપ કુમાર નામ આપીને રૂ. ૧૨૫૦ના માસિક પગારે રાખ્યા હતા.

બોમ્બે ટોકીઝની ‘જવારભાઠા’ (૧૯૪૪)થી તેમણે કરિયરની શરૂઆત કરી હતી. સાંઇઠ વર્ષથી લાંબી તેમની કરિયરમાં તેમણે માત્ર ૬૦ જેટલી ફિલ્મો કરી છે. ચાલીસના દાયકામાં દિલીપ કુમારે ‘જુગનુ’, ‘શહીદ’, ‘અંદાઝ’, ‘શબનમ’ કરી; પચાસના દાયકામાં ‘જોગન’, ‘તરાના’, ‘આન’, ‘દાગ’, ‘અમર’, ‘ઉડનખટોલા’, ‘દેવદાસ’, ‘યહુદી’, ‘નયાદૌર’, ‘મધુમતી’, ‘પૈગામ’, ‘મુઘલ-એ-આઝમ’, ‘કોહિનૂર’ કરી. સાંઇઠના દાયકામાં ‘ગંગા જમુના’નું નિર્માણ પણ કર્યું. ‘લીડર’ ઠંડી રહી, ‘દિલ દિયા દર્દ લિયા’ પણ સફળ નહોતી, પછી ‘રામ ઔર શ્યામ’ હીટ ગઈ તો ‘સંઘર્ષ’ સાધારણ રહી. તેમનો ગ્રાફ સિત્તેરના દાયકામાં ‘દાસ્તાન’ અને ‘બૈરાગ’થી નીચો ઊતર્યો. વિરામ બાદ એંશીના દાયકામાં ‘ક્રાંતિ’ પછી ‘વિધાતા’ હીટ ગઈ, ‘શક્તિ’, ‘મશાલ’ અને ‘દુનિયા’ સાધારણ રહી, પણ ‘કર્મા’  હીટ થઇ. નેવુંના દાયકામાં ‘સૌદાગર’ હીટ થઇ, ‘કલિંગા’ બની જ નહીં અને છેલ્લી ડબલ રોલવાળી ‘કિલા’ નિષ્ફળ ગઈ.

૧૯૮૦માં એ મુંબઈના શેરીફ બન્યા હતા. તેમના પર હૃદય રોગના બે મોટા હુમલા થયા છે. તેમને તેમની યાદદાસ્ત વારંવાર દગો દે છે. તેમનું જીવન ચરિત્ર ‘સબસ્ટન્સ એન્ડ શેડોઝ’ અદભુત પુસ્તક બન્યું છે.

(નરેશ કાપડીઆ-સુરત)

મનોબળની શક્તિ પર કાબૂ

(બી.કે.શિવાની)

જ્યારે આપણું મનોબળ નબળું પડે ત્યારે આપણી અંદર કંઈ ખામી કે કમીનો અનુભવ થાય છે. અત્યારે બજારમાં મંદીનો માહોલ છે, ધંધો પણ ઓછો ચાલી રહ્યો છે તેમ છતાં પણ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. પરંતુ જયારે બધું બરોબર હોવા છતાં પણ જો આપણો ઉત્સાહ, મનની સકારાત્મક અવસ્થાનું પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે એમ સમજો કે, આપણે પરિસ્થિતિના સંપૂર્ણપણે પ્રભાવમાં આવી ગયા છીએ. અને પછી આપણું જીવન નિરાશાઓથી ભરાઈ જશે.

પરદેશમાં એક ભાઈને ઘણી બધી દુકાનો એટલે કે મોર્લ્સ હતાં. તેમની ઘણું બધું ધન હતું કે તેમની પાછળ ઘણી પેઢીઓ એશ-આરામથી જીવી શકે તેમ હતી. પણ તે ભાઈ આજની વર્તમાન પરિસ્થિતિને કારણે એટલા બધા હતાશ થઈ ગયા છે કે, મનમાં લાગેલ તે સદમાને દુર કરવા તેમને દવાનો સહારો લેવો પડી રહ્યો છે. મનોચિકિત્સક ડોક્ટર પાસે જવું પણ પડે છે. પહેલા કરતા તેમની આવક જરૂર ઓછી થઈ ગઈ, પણ તેમના મન પર તેની અસર પાડી તેણે વધુ નુકસાન કર્યું. પરિસ્થિતિતો આજે નહિ તો કાલે જરૂર ઠીક થઈ જશે. મોર્લ્સ પણ પહેલાની જેમ ધોમધોકાર ચાલવા લાગશે, પરંતુ આ વિપરીત પરિસ્થિતિમાં પણ જો મન સ્વસ્થ રહેશે તો, હંમેશા શાંતિનો અનુભવ થશે. પ્રતિકૂળ સંજોગોમાં પણ જો આપણે મન ઉપર ધ્યાન રાખી સકારાત્મક સંકલ્પો કરીને તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધીએ, તો અનેક પ્રકારની ગંભીર માનસિક બિમારીઓમાંથી બચી શકાય છે. તેની સામે આર્થિક નુકસાન તે કોઈ મોટી વાત નથી. 

ઘણીવાર આપણે એવું સમજીએ છીએ કે, જેમ જેમ મારી આર્થિક સ્થિતિ સારી થતી જશે તેમ તેમ મારી માનસિક સ્થિતિ પણ સારી થઇ જશે. પરંતુ સમજવાની વાત તો એ છે કે, જો એક-બે વર્ષ એ આર્થિક સંકટ રહ્યું અને તેટલો સમય આપણે ડિપ્રેશનમાં રહ્યા તો તેની અસર આપણા તન-મન ઉપર જરૂર પડશે. જે આપણને નબળા બનાવી દેશે. તેમજ બ્લડપ્રેશર જેવી બીમારી સારી થયા પછી પણ તેનો પ્રભાવ સારો છોડીને જાય છે. જેના પરિણામે આપણા સંબંધોમાં પણ અંતર થઇ જાય છે. 

વર્તમાન સ્થિતિમાં એક ભાઈને છેલ્લા એક વર્ષથી કોઈપણ આવક નથી. પણ આશ્ચર્યની વાત એ છે કે તેમને જોઈને એવું નથી લાગતું કે તેને કોઈ તકલીફ હોય. તેમને ખબર છે કે આ પરિસ્થિતિ તો આજે નહીં તો કાલે જરૂર સારી થઈ જશે. આજે ધંધામાં ભલે કોઈ આવક નથી. પરંતુ તે અંગે હું હમણાં કંઈ વિચારતો નથી. હું અત્યારે મારા પરિવાર સાથે આ સમય સારી રીતે પસાર કરી રહ્યો છું. તેમને ત્રણ દીકરીઓ છે. તેમણે સમગ્ર જીવનમાં પરિવાર સાથે બેસીને સમય પસાર કર્યો જ નથી, એટલે અત્યારે પરિવારને સમય ફાળવી રહ્યાં છે. આજે તે તેમની દીકરીઓની સાથે નીકટતાનો અનુભવ કરી રહ્યાં છે. સાચે જ પરિવાર સાથે સમય વિતાવીને તેમણે ખૂબ આનંદ પ્રાપ્ત કર્યો. આનું કારણ તો માત્ર એ જ છે કે આ પરિસ્થિતિમાં પણ તેઓ માનસિક રૂપે હતાશ ન થયા. વર્તમાન પરિસ્થિતિમાં ઘણા પોતાના પરિવાર અને સ્વજનોથી દૂર થઈ ગયા અને ઘણા પોતાના પરિવારની એકદમ નજીક આવી ગયા.  

ઘણાં લોકોને એમ થાય છે કે મનના વિચારોને કાબુમાં રાખવા બહુ અઘરું કામ છે. આપને એક વાત હંમેશાં ધ્યાનમાં રાખવી જોઈએ કે, સાનુકૂળ અથવા વિપરીત કોઈપણ પરિસ્થિતિમાં આપણે મનના સંકલ્પો ઉપર ધ્યાન રાખવું જોઈએ. એવું નહીં કે જ્યારે પરિસ્થિતિઓ વિપરીત આવે ત્યારે જ મન ઉપર ધ્યાન રાખવું છે. તે સમયે મનને કંટ્રોલ કરવામાં વધુ મહેનત લાગશે. પણ જ્યારે બધુ બરાબર હોય ત્યારે આ વાત બહુ સરળ લાગશે. પરિસ્થિતિ તો આવશે ને જશે. સવારે ઉઠીને સ્વયં સાથે વાતો કરવાનું શરૂ કરીએ. આપણે દરરોજ સકારાત્મક વિચારો કરીએ. મનમાં ક્યારેય નકારાત્મક વિચારો ન લાવીએ.

ધારો કે આપના કોઈ મિત્રની નોકરી જતી રહે તો તમે તેની સાથે કેવી રીતે વાત કરશો? આ સ્થિતિમાં તમે તમારી પોતાની સાથે કેવી વાત કરવી જોઈએ? આવા સમયે સકારાત્મક વિચારોવાળી સહાનુભૂતિપૂર્વકની વાતો કરવાની હોય. આપણે મિત્રને એમ કહીએ કે બધું સારું જ થઈ જશે. તમે ચિંતા ન કરો. તમારું પોતાનું ધ્યાન રાખો. જો આપણે બીજાને એમ કહી શકીએ છીએ કે ચિંતા ના કરો, તો શું આપણે તેમ કરી શકીએ છીએ? પરંતુ આપણે એમ વિચારીએ છીએ કે સંજોગો જ એવા છે. આવા સંજોગોમાં હું કેવી રીતે સ્વસ્થ રહી શકું? આવા સંજોગોમાં પણ આપણે પોતાની સાથે વાતો કરીએ, સકારાત્મક ચિંતન કરીએ તો આપણે વિપરીત પરિસ્થિતિઓમાં પણ મનને સ્થિર રાખી શકીએ છીએ. 

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

             

રાશિ ભવિષ્ય 11/12/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે, ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.

પંચાંગ 11/12/2020

સીબીએસઈ-બોર્ડ પરીક્ષા 2021ના માર્ચમાં યોજવી ફરજિયાત નથી

નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંકે કહ્યું છે કે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને આવતા વર્ષે સીબીએસઈ બોર્ડ પરીક્ષા આપવાની તૈયારી કરવા માટે પર્યાપ્ત સમય આપવામાં આવશે.

નિશાંકે સ્પષ્ટતા કરી છે કે પરીક્ષાઓ આવતા વર્ષના માર્ચમાં જ યોજવાનું ફરજિયાત નહીં હોય.

ઉલ્લેખનીય છે કે દેશભરના અનેક માતા-પિતા કે વાલીઓએ સિનિયર સેકન્ડરી બોર્ડને વિનંતી કરી છે કે આ વર્ષ કોરોના વાઈરસ રોગચાળાને કારણે બગડી ગયું હોવાથી 2021ના વર્ષ માટેની બોર્ડ પરીક્ષાઓ મે મહિનામાં યોજવી જોઈએ. તેથી નિશાંકે કહ્યું છે કે વિદ્યાર્થીઓને પરીક્ષાઓ આપવા માટે તૈયારી કરવા પૂરતો સમય અપાશે. સીબીએસઈ બોર્ડમાં પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખ અને કોઈ પણ એન્ટ્રન્સ પરીક્ષાની તારીખો ટકરાય નહીં એનું ધ્યાન રખાશે.

મોદીએ કરી નવા સંસદભવન માટે શિલારોપણ વિધિ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર, ગુરુવારે નવી દિલ્હીમાં સંસદભવન સંકુલમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નવા સંસદભવન બિલ્ડિંગનું ભૂમિપૂજન કર્યું હતું અને ત્યારબાદ શુભ મુહૂર્તમાં શિલાન્યાસ વિધિ સંપન્ન કરી હતી.

ટાટા ગ્રુપની ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ નવું સંસદભવન બાંધશે. આ ભવન રૂ. 971 કરોડના ખર્ચે અને 64,500 સ્ક્વેર મીટર ક્ષેત્રફળમાં બાંધવામાં આવશે. તે સુરક્ષાને લગતી અનેક અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે.આ શુભ અને ઐતિહાસિક પ્રસંગે લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તથા અન્ય કેન્દ્રીય પ્રધાનો, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, સંસદસભ્યો તથા અનેક દેશોના રાજદૂતો, ટાટા ટ્રસ્ટના ચેરમેન રતન ટાટા ઉપસ્થિત રહ્યાં હતાં.પીએમ મોદીએ બાદમાં સંબોધનમાં કહ્યું હતું કે દેશ જ્યારે તેનો 75મો આઝાદીદિવસ ઉજવશે ત્યારે એ પર્વની સાક્ષાત પ્રેરણાસમાન આપણી સંસદની નવી ઈમારત બનીને તૈયાર થઈ ગઈ હશે.

ચણાના લોટ અને બટાટાનો હાંડવો

ચણાના લોટ, રવો અને બાફેલા બટાટાનો ઈન્સ્ટન્ટ બની જતો આ હાંડવો સ્વાદિષ્ટ પણ છે.

સામગ્રીઃ

  • 1 કપ રવો
  • 1 કપ ચણાનો લોટ
  • 2 બટેટા બાફીને છીણેલા
  • ½ કપ દહીં
  • 1 ગાજર ખમણેલું
  • 1 ટી.સ્પૂન ચિલી ફ્લેક્સ
  • 1 ટી.સ્પૂન આદુ ખમણેલું
  • 1 ટી.સ્પૂન માખણ
  • ¼ ટી.સ્પૂન હળદર
  • ¼ ટી.સ્પૂન મરચાં પાવડર
  • 2-3 લીલા મરચાં ઝીણાં સુધારેલા
  • ચપટી હીંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ટે.સ્પૂન કોથમીર ધોઈને ઝીણી સુધારેલી

વઘાર માટેની સામગ્રીઃ

  • ½ ટી.સ્પૂન ઈનો સોડા પાવડર
  • 2 ટે.સ્પૂન તેલ
  • ½ ટી.સ્પૂન રાઈ
  • 1 ટી.સ્પૂન તલ
  • 5-6 કળીપત્તા
  • 2 ચપટી મરચાં પાવડર

રીતઃ

એક બાઉલમાં ચણાના લોટ, રવો, ચિલી ફ્લેક્સ, ખમણેલું આદુ, ઝીણાં સુધારેલા લીલા મરચાં, હીંગ, મરચાં પાવડર તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવી લો. ત્યારબાદ તેમાં દહીંને વલોવીને મિક્સ કરી લો. જરૂર હોય તો પાણી ઉમેરીને ઢોકળાના ખીરા જેવું ખીરુ બનાવવું. આ મિશ્રણને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.

10 મિનિટ બાદ મિશ્રણમાં બાફીને ખમણેલા બટેટા, ખમણેલું ગાજર તેમજ ઝીણી સમારેલી કોથમીર મિક્સ કરી દો. હવે તેમાં ½ ટી.સ્પૂન ઈનો સોડા પાવડર મિક્સ કરીને એકબાજુ રાખો.

બીજી બાજુ પેનમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ તતડાવો. ત્યારબાદ તલ નાખીને કળીપત્તા પણ વઘારમાં નાખી દો. હવે હાંડવાનું મિશ્રણ હળવેથી પેનમાં રેડીને એકસરખું ફેલાવી દો. ઉપર 2 ચપટી મરચાંની ભૂકી છાંટીને પેન ઢાંકી દો. ગેસની આંચ મધ્યમ રાખવી.

 

4-5 મિનિટ બાદ ચેક કરીને હાંડવાને હળવેથી ઉથલાવી દો. પેનને ફરીથી ઢાંકીને 4-5 મિનિટ બાદ ચેક કરો હાંડવો તૈયાર થવા આવ્યો હોય તો ઉપર 1 ટે.સ્પૂન માખણ નાખીને ફરીથી 1 મિનિટ થયા બાદ ગેસ બંધ કરીને હાંડવો નીચે ઉતારી લો. હાંડવાના પીસ કરીને ટોમેટો સોસ જોડે પીરસો.

હાંડવાને બદલે તમે પૂડલા પણ ઉતારી શકો છો.

અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા ઈમરાનનો વિપક્ષને પડકાર

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને દેશના વિરોધ પક્ષોને પડકાર ફેંક્યો છે કે તેમની સરકારને પાડી દેવા માટેનો બંધારણીય રસ્તો સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવાનો છે. પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (પીડીએમ) જો ઈચ્છતો હોય તો એમ કરી શકે છે.

આજે સિયાલકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં ઈમરાન ખાને કહ્યું હતું કે મારી સરકાર ક્યારેય પણ રાષ્ટ્રીય સ્તરે વાટાઘાટ કરવામાં પીછેહઠ કરતી નથી, કારણ કે સંસદ જ એ માટેનું શ્રેષ્ઠ મંચ છે. ત્યાં હું તમામ સવાલોના જવાબ આપીશ.

દેશની તમામ વિધાનસભાઓમાંથી વિરોધ પક્ષો દ્વારા રાજીનામા આપવાની પીડીએમના પ્રમુખ મૌલાના ફઝલુર રેહમાને કરેલી હાકલની ઈમરાન ખાને ટીકા કરી છે અને કહ્યું કે જો તેઓ રાજીનામા આપશે તો અમે તમામ ખાલી બેઠકો પર પેટા-ચૂંટણી યોજીશું અને પછી જે પરિણામ આવશે એમાં અમે વધારે શક્તિશાળી બનીશું. જો તેઓ મારી સરકારને પાડી નાખવા ઈચ્છે છે તો વિધાનસભાઓમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે. તે છતાં હું ફરી કહીશ કે હું વાટાઘાટ કરવા માટે તૈયાર છું.

ઈંગ્લેન્ડની ટીમ ભારત આવશેઃ અમદાવાદમાં ડે-નાઈટ ટેસ્ટ રમશે

મુંબઈઃ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આવતા વર્ષના આરંભમાં જ ભારતના પ્રવાસે આવવાની છે. તે ભારતમાં પહેલી જ વાર ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે. આ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાન પર રમાશે – અમદાવાદના મોટેરાસ્થિત સરદાર પટેલ સ્ટેડિયમમાં. આ સ્ટેડિયમની ક્ષમતા 1,10,000 દર્શકોની છે.

ઈંગ્લેન્ડ ટીમ ભારતમાં ચાર-ટેસ્ટ મેચ રમશે, જે સિરીઝનો આરંભ પાંચમી ફેબ્રુઆરીથી થશે. પહેલી બે ટેસ્ટ ચેન્નાઈમાં રમાશે અને ત્યારબાદ ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાશે. ત્રીજી ટેસ્ટ ડે-નાઈટ હશે, ચોથી દિવસની મેચ હશે.

ટેસ્ટ સિરીઝ બાદ બંને ટીમ પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમશે, જે અમદાવાદમાં જ રમાશે. ત્યારબાદ બંને ટીમ પુણે જશે જ્યાં ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમશે.