અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા ઈમરાનનો વિપક્ષને પડકાર

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને દેશના વિરોધ પક્ષોને પડકાર ફેંક્યો છે કે તેમની સરકારને પાડી દેવા માટેનો બંધારણીય રસ્તો સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવાનો છે. પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (પીડીએમ) જો ઈચ્છતો હોય તો એમ કરી શકે છે.

આજે સિયાલકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં ઈમરાન ખાને કહ્યું હતું કે મારી સરકાર ક્યારેય પણ રાષ્ટ્રીય સ્તરે વાટાઘાટ કરવામાં પીછેહઠ કરતી નથી, કારણ કે સંસદ જ એ માટેનું શ્રેષ્ઠ મંચ છે. ત્યાં હું તમામ સવાલોના જવાબ આપીશ.

દેશની તમામ વિધાનસભાઓમાંથી વિરોધ પક્ષો દ્વારા રાજીનામા આપવાની પીડીએમના પ્રમુખ મૌલાના ફઝલુર રેહમાને કરેલી હાકલની ઈમરાન ખાને ટીકા કરી છે અને કહ્યું કે જો તેઓ રાજીનામા આપશે તો અમે તમામ ખાલી બેઠકો પર પેટા-ચૂંટણી યોજીશું અને પછી જે પરિણામ આવશે એમાં અમે વધારે શક્તિશાળી બનીશું. જો તેઓ મારી સરકારને પાડી નાખવા ઈચ્છે છે તો વિધાનસભાઓમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે. તે છતાં હું ફરી કહીશ કે હું વાટાઘાટ કરવા માટે તૈયાર છું.