Home Blog Page 402

ઇન્ડિગો ફ્લાઇટ સંકટનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઈન ઇન્ડિગોની ફ્લાઇટ્સ મોટા પાયે રદ થવાને મામલે હવે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવવામાં આવ્યાં છે. સુપ્રીમ કોર્ટના વકીલ નરેન્દ્ર મિશ્રાએ મુખ્ય ન્યાયાધીશ (CJI)ને પત્ર લખી આ સંકટ પર સ્વતઃ સંજ્ઞાન લેવા અને કેસમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. પત્ર મારફતે દાખલ કરેલી પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ડિગોએ છેલ્લા કેટલાક દિવસોમાં 2000થી વધુ ફ્લાઇટ રદ કરી અને ગંભીર વિલંબ સર્જ્યો, જેથી લાખો મુસાફરો દેશભરના એરપોર્ટ્સ પર ફસાઈ ગયા અને એક પ્રકારનું માનવીય સંકટ ઊભું થયું છે.

એરપોર્ટ્સ પર કલાકો સુધી ફસાયેલા લોકો

વકીલ નરેન્દ્ર મિશ્રાએ આને મુસાફરોના મૌલિક અધિકારો, ખાસ કરીને કલમ 21 (જીવન અને માન-મર્યાદાના અધિકાર)નું ગંભીર ઉલ્લંઘન ગણાવી સુપ્રીમ કોર્ટ પાસે તરત કાર્યવાહી કરવાની અપીલ કરી છે. તેમની વિગતવાર યાચિકામાં કહેવામાં આવ્યું છે કે દેશભરમાં ઇન્ડિગોની ફ્લાઇટ્સ સતત ચોથા દિવસે (5 ડિસેમ્બર 2025) પણ અસરગ્રસ્ત રહી છે. છ મોટાં મેટ્રો શહેરોમાં એરલાઈનનો ઓન-ટાઈમ પરફોર્મન્સ 8.5 ટકા સુધી ઘટી ગયો. હજારો મુસાફરો (જેમા વૃદ્ધ, બાળકો, દિવ્યાંગ અને બીમારીથી પીડાતા લોકો પણ સામેલ છે) એરપોર્ટ્સ પર કલાકો સુધી રાહ જોઈ રહ્યા હતા.

 ઇન્ડિગોની ખોટી યોજના અને રોસ્ટરિંગથી વ્યવસ્થા ઠપ

એરપોર્ટ્સ પર ખાવા-પીવાના, આરામ, કપડાં, દવાઓ અને રહેવાની મૂળભૂત સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી નહોતી, જ્યારે એરલાઈન પોતે માને છે કે તેના પાસે પૂરતી વ્યવસ્થા નહોતી. ઘણા કેસોમાં તો તાત્કાલિક તબીબી જરૂરિયાતોની પણ અવગણના કરવામાં આવી. યાચિકામાં કહેવામાં આવ્યું છે કે ઇન્ડિગોએ નવી ફ્લાઇટ ડ્યૂટી ટાઈમ લિમિટેશન (FDTL) ફેઝ-2 અમલમાં ગંભીર ભૂલ કરી. આ નિયમ પાઇલટ્સની સુરક્ષા અને થાકને ધ્યાનમાં રાખી લાગુ થયો હતો, પરંતુ એરલાઈનની ખોટા પ્લાનિંગ અને રોસ્ટરિંગને કારણે આખું ઓપરેશન બગડી ગયું. તેને ગંભીર મેનેજમેન્ટ અને મુસાફરો પ્રત્યે અન્યાય ગણાવવામાં આવ્યો છે.

મુર્શિદાબાદમાં બાબરી જેવી મસ્જિદની આધારશિલા મુકાશે: હુમાયુ કબીર

કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડ થયેલા વિધાનસભ્ય હુમાયુ કબીર આજે મુર્શિદાબાદના બેલડાંગામાં બાબરી મસ્જિદની તર્જ પર બનનારી નવી મસ્જિદની આધારશિલા મૂકવાના છે. હુમાયુના સમર્થકો સવારથી જ માથા પર ઈંટો લઈને મસ્જિદના નિર્માણસ્થળે પહોંચવા લાગ્યા છે. બેલડાંગા અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં કેન્દ્રીય સશસ્ત્ર દળ, રેપિડ એક્શન ફોર્સ, BSF સહિત 3000થી વધુ સુરક્ષા કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

મસ્જિદની તૈયારીઓ અંગે હુમાયુ કબીરે મિડિયાથી વાત કરતાં કહ્યું હતું કે બધું એકદમ ઠીક છે. 12 વાગવા દો, અને 12 વાગ્યે અહીં કુરાન પઠન શરૂ થશે. ત્યાર બાદ શિલાન્યાસ એટલે કે પાયો મૂકવામાં આવશે. મને પ્રશાસન તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.

કલકત્તા હાઈકોર્ટ દ્વારા બંગાળ સરકારને મહત્વના નિર્દેશ

કલકત્તા હાઈકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતાં બંગાળ સરકારને આ કાર્યક્રમને લઈને કોઈ પણ સાંપ્રદાયિક અશાંતિ ન ફેલાય તે માટે તમામ જરૂરી પગલાં લેવાની સૂચના આપી છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સુજોય પાલની અધ્યક્ષતા હેઠળની બેન્ચે પોતાના આદેશમાં જણાવ્યું કે રાજ્યએ એ વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાને કડક રીતે જાળવી રાખવી જોઈએ અને લોકોને સુરક્ષિત રાખવા માટેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ.

ભારે સુરક્ષા દળો તહેનાતરાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સુરક્ષા અનેક સ્તરો પર ગોઠવવામાં આવી છે. CISFની 19 કંપનીઓ વિસ્તારમાં તહેનાત છે, જ્યારે રેપિડ એક્શન ફોર્સની યુનિટ્સ અને સ્થાનિક પોલીસ રેજીનગર અને આજુબાજુના વિસ્તારોમાં મુકાયેલી છે.

કબીર પાસે શુક્રવાર સાંજના સમયે રેજીનગર પોલીસ સ્ટેશનમાં અનેક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી, તેમ છતાં દિવસ દરમિયાન તેઓ તૈયારીઓનું નિરીક્ષણ કરતા રહ્યા હતા. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે હાજર લોકોને લગભગ 30,000 બિરયાનીના પેકેટનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેમણે ભારપૂર્વક કહ્યું કે કાર્યક્રમ શાંત અને બિનરાજકીય રહેશે. આ વિસ્તારમાં વિવિધ ધાર્મિક જૂથોના સમર્થનનો દાવો કરતાં તેમણે કહ્યું હતું કે અહીં કોઈ ભાષણ નહીં થાય, કોઈ પાર્ટીનો ઝંડો નહીં હોય, કોઈ રાજકીય વાત નહીં થાય. બે કલાક સુધી કુરાનનું પઠન થશે. આ કોઈ નવી વાત નથી.

સ્મૃતિના હાથમાં ન દેખાઈ સગાઈ રિંગ, શું તૂટ્યો સંબંધ?

સ્મૃતિ મંધાનાના પલાશ મુછલ સાથેના લગ્ન મુલતવી રાખ્યા પછી ક્રિકેટરે તેની પહેલી પોસ્ટથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા, જેમાં તેના હાથમાંથી સગાઈની રિંગ જોવા મળી નહીં.

ભારતીય ક્રિકેટ ટીમની ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 23 નવેમ્બર, 2025 ના રોજ ગાયક-સંગીતકાર પલાશ મુછલ સાથેના લગ્ન મુલતવી રાખ્યા પછી સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ કરી હતી. જોકે, ચાહકો સ્મૃતિની ગુમ થયેલી સગાઈની રિંગ તરફ આકર્ષાયા હતા, જે તેના હાથમાં દેખાતી નહોતી. લગ્ન મુલતવી રાખ્યા પછી સ્મૃતિ મંધાનાનો સોશિયલ મીડિયા પર આ પહેલો વીડિયો હતો અને તે હવે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

5 ડિસેમ્બર, 2025 ના રોજ, સ્મૃતિએ તેના લગ્ન મુલતવી રાખ્યા પછી તેની પહેલી પોસ્ટ શેર કરી, અને નવી લગ્ન તારીખ વિશે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. ટૂથપેસ્ટ બ્રાન્ડ કોલગેટ સાથેની પેઇડ પાર્ટનરશિપ પોસ્ટમાં, વર્લ્ડ કપ વિજેતા ઉપ-કેપ્ટને ફાઇનલ મેચ જીત્યા પછી પોતાની લાગણીઓ વ્યક્ત કરી. જો કે, ચાહકોએ તરત જ તેની આંગળીમાંથી ગુમ થયેલી સગાઈની વીંટી જોઈ, જ્યારે કેટલાકને આશ્ચર્ય થયું કે શું આ વીડિયોસગાઈ અથવા પ્રપોઝલ દિવસ પહેલા શૂટ કરવામાં આવ્યો છે. એક ચાહકે ટિપ્પણી કરી, “તે ઉદાસ કેમ લાગે છે? તે હસતી હોય છે, પરંતુ તેનો અવાજ અને તેની આંખો ઉદાસ લાગે છે, અને તેણે તેની સગાઈની રિંગ પહેરી નથી.” બીજાએ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું કે તેના હાથમાં મહેંદી નહોતી, એટલે કે તે તેની સગાઈ પહેલા શૂટ કરવામાં આવ્યુ હશે.

 

View this post on Instagram

 

A post shared by Smriti Mandhana (@smriti_mandhana)

તાજેતરમાં, ઘણા અહેવાલોમાં જણાવાયું હતું કે ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના 7 ડિસેમ્બર, 2025 ના રોજ સંગીતકાર પલાશ મુચ્છલ સાથે લગ્ન કરશે. જોકે, સ્મૃતિના ભાઈ શ્રવણ મંધાનાએ આ દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની એક મુલાકાતમાં શ્રવણે જણાવ્યું હતું કે તેમને આ અફવાઓ વિશે કોઈ જાણકારી નથી, પરંતુ લગ્ન હજુ પણ મુલતવી રાખવામાં આવ્યા છે.

સ્મૃતિ અને પલાશના લગ્ન ક્રિકેટરના વતન સાંગલીમાં થવાના હતા, પરંતુ તેના પિતા શ્રીનિવાસ મંધાનાને તબીબી કટોકટીના કારણે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં લગ્ન અચાનક મુલતવી રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. એક દિવસ પછી, સ્મૃતિ મંધાનાના વરરાજાને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નેશનલ હેરાલ્ડ કેસમાં ઉપ મુખ્‍ય મંત્રી ડી. કે. શિવકુમારને નોટિસ

નવી દિલ્હીઃ દિલ્હીની પોલીસની આર્થિક ગુનાઓની શાખાએ નેશનલ હેરાલ્ડ કેસમાં કર્ણાટકના ઉપ મુખ્‍ય મંત્રી ડી.કે. શિવકુમારને નોટિસ જારી કરી છે. શિવકુમારને 19 ડિસેમ્બર સુધીમાં નાણાકીય તથા લેવડદેવડ સંબંધિત માહિતી અને દસ્તાવેજો જમા કરવા કહેવામાં આવ્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ મામલો ત્રીજી ઓક્ટોબરે નોંધાયો હતો, જેમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ આરોપ છે કે તેમણે યંગ ઇન્ડિયન મારફતે એસોસિયેટેડ જર્નલ્સને છેતરપિંડીથી હાંસલ કરવાનું કાવતરું રચી. આ FIR EDના હેડક્વાર્ટર તપાસ વિભાગની ફરિયાદ પર આધારિત છે.

ઉપમુખ્‍ય મંત્રીએ જે દસ્તાવેજો જમા કરવાની માગ કરવામાં આવી છે, તેમાં નાણાકીય વિગત, ઇન્કમ ટેક્સ રિટર્ન અને દાન સંબંધિત પ્રમાણપત્રો સામેલ છે. પોલીસે તેમનાં રાજકીય જોડાણો, કોંગ્રેસ સાથેના સંબંધો તથા તેમના અથવા તેમની સાથે જોડાયેલી સંસ્થાઓ દ્વારા યંગ ઇન્ડિયનને આપવામાં આવેલાં નાણાંનું વિગતવાર વર્ણન માગ્યું છે. તપાસકર્તાઓએ પણ તપાસ કરી રહ્યા છે કે નાણાં ટ્રાન્સફર કરવાનો હેતુ શો હતો, શું આ ટ્રાન્સફર કોઈ ત્રીજા પક્ષના આદેશ પર કરવામાં આવ્યા હતા અને એ નાણાંનો અંતિમ ઉપયોગ શું થયો તેની જાણકારી હતી કે નહીં.

નેશનલ હેરાલ્ડ કેસમાં સેમ પિત્રોડા, ગાંધી પરિવારમાંનાં નામ સામેલ

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો, તેમના છ અન્ય સહયોગીઓ અને વ્યાવસાયિક સંસ્થાઓ વિરુદ્ધ એસોસિયેટેડ જર્નલ્સને છેતરપિંડીથી હાંસલ કરવાની આરોપિત અપરાધિક કાવતરાના કેસમાં FIR નોંધવામાં આવી હતી. એ સમયે એસોસિયેટેડ જર્નલ્સ કોંગ્રેસની માલિકીની સંસ્થા હતી અને તેની સંપત્તિ લગભગ 2000 કરોડ રૂપિયા હતી.

આ હસ્તાંતરણ યંગ ઇન્ડિયન મારફતે કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધી પરિવારની 76 ટકા હિસ્સેદારી હતી.

દિલ્હી પોલીસની 3 ઓક્ટોબરની FIR EDનું મુખ્યાલય તપાસ એકમ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ પર આધારિત છે, જેમાં 2008થી 2024 સુધી ચાલેલી નેશનલ હેરાલ્ડ મની-લોન્ડરિંગ કેસની તપાસના વિગતવાર નિષ્કર્ષ રજૂ કરવામાં આવ્યા છે. સોનિયા અને રાહુલ ગાંધી ઉપરાંત, દિલ્હી પોલીસ દ્વારા નોંધાયેલી FIRમાં ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડા સહિત અન્ય ત્રણ વ્યકિતઓનાં નામ સામેલ છે.

ગુલકંદ – ૦૬ ડિસેમ્બર ૨૦૨૫

મરચાંના ડિસ્કો ભજીયા

શિયાળાની કડકડતી ઠંડીમાં સાંજે ગરમાગરમ મરચાંના ડિસ્કો કુરકુરા ભજીયા ખાવા મળે તો મરચાંના ભજીયાના ચાહકોને તો જલસો થઈ જાય! આ ડિસ્કો ભજીયા પૂનાનું પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે, જે ઘરે પણ બનાવી શકાય છે!

સામગ્રીઃ

  • લાંબા લીલાં મરચાં 100 ગ્રામ
  • ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • અજમો ½ ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • ચણાનો લોટ 1½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ તળવા માટે
  • ચાટ મસાલો 1 ટે.સ્પૂન
  • કાંદો 1

રીતઃ મરચાંને ધોઈને કપડાં વડે કોરા કરી લો.

ચણાના લોટમાં ધાણાજીરૂ, હીંગ, હળદર, સ્વાદ મુજબ મીઠું તેમજ અજમો હાથેથી થોડો મસળીને ઉમેરો અને થોડું થોડું પાણી નાખીને મધ્યમ ઘટ્ટ ખીરું બનાવી લો.

કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે આખા મરચાંને આ ચણાના લોટના ખીરામાં ડુબાળીને તેલમાં હળવેથી નાખીને સોનેરી રંગના તળી લો અને એક થાળીમાં કાઢી લો.

તળેલા મરચાં ઠંડા થાય એટલે ચપ્પૂ વડે તેને 1 સેં.મીના ટુકડામાં ગોળ કટ કરી લો.

કટ કરેલાં મરચાંને ફરીથી તેલમાં ક્રિસ્પી તળી લો.

આ તળેલા ડિસ્કો મરચાં ભજીયાને પ્લેટમાં સર્વ કરી તેની ઉપર ચાટ મસાલો, ઝીણો સમારેલો કાંદો તેમજ કોથમીર ભભરાવીને પીરસો.

૦૬ ડિસેમ્બર ૨૦૨૫

પંચાંગ 06/12/2025

અમિત શાહ ગુજરાત મુલાકાતે, અનેક વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં 3 દિવસમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.  5થી લઈને 7 ડિસેમ્બર 2025 સુધી વિવિધ લોકાર્પણ કાર્યક્રમો યોજાશે.

5 ડિસેમ્બરે ગાંધીનગરમાં કોર્પોરેશનના વિવિધ લોકાર્પણ કાર્યક્રમો છે. જેમાં કોર્પોરેશન સંચાલિત તળાવો અને બગીચાઓનો ઉદ્ધાટન સમારોહની સાથે વિવિધ કાર્યક્રમોમાં શાહ લોકો સાથે સંવાદ કરશે. 6 ડિસેમ્બરે બનાસકાંઠામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ ઉપરાંત બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટની મુલાકાત લેશે. બનાસકાંઠાના મહિલા દૂધ ઉત્પાદકો સાથે પણ સંવાદ કરશે. 7 ડિસેમ્બરે અમદાવાદમાં વિવિધ લોકાર્પણ કરશે.

થલતેજમાં 861 EWS આવાસનું અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે. સરખેજ અને બોડકદેવમાં વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ થશે. ગોતામાં મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્ક, અને વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ કરશે. જયારે નવા  વાડજમા 350 EWS આવાસનું ઉપરાંત સાથે જ ગોતામાં વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. UPના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન આધારિત પુસ્તકનું વિમોચન થશે. તેમજ BAPS દ્વારા આયોજિત પ્રમુખ વરણી અમૃત મહોત્સવમાં અમિત શાહ ભાગ લેશે.

ગુજરાતની અર્થવ્યવસ્થા નવી ઊંચાઈએ, 8.42 ટકાના વૃદ્ધિ દર સાથે મોખરાનું રાજ્ય

ગુજરાતની માથાદીઠ આવકે પહેલી વખત રૂપિયા 3 લાખ પાર કરી,  જે રાજ્યની સર્વગ્રાહી પ્રગતિ અને મજબૂત આર્થિક પાયા તરફ ઈશારો કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૃષ્ટિ અને ગુજરાતમાં તેમણે શરૂ કરેલા વિકાસ મોડેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મળતી ગતિએ રાજ્યની અર્થવ્યવસ્થાએ ઐતિહાસિક સિદ્ધિઓ નોંધાવી છે.

 કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આર્થિક આંકડાઓ મુજબ, સપ્ટેમ્બર 2025માં પૂર્ણ થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં દેશનો GDP વૃદ્ધિદર 8.2% રહ્યો છે, જેમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ગુજરાત આજે દેશની સૌથી ઝડપી વિકસતી અને મજબૂત અર્થવ્યવસ્થાઓમાં ગણાય છે. આ જ કારણે તેને ભારતનું ગ્રોથ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે.

2023-24ના આર્થિક વર્ષમાં રાજ્યનું કુલ ઘરેલું ઉત્પાદન (GSDP) રૂપિયા 24.62 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. આ પ્રદર્શન સાથે ગુજરાત મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક પછી ભારતના ટોચના પાંચ સૌથી મોટા અર્થતંત્રમાં સ્થાન ધરાવે છે.

આર્થિક વિશ્લેષકોના જણાવ્યા મુજબ, વૃદ્ધિનું સાચું મૂલ્યાંકન કન્સ્ટન્ટ પ્રાઇસિસ પર થતું હોય છે, કારણ કે તે મોંઘવારીનો પ્રભાવ દૂર કરીને વાસ્તવિક આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. આ માપદંડ પર જોવામાં આવે તો 2012-13થી 2023-24 વચ્ચે ગુજરાતે સરેરાશ 8.42 ટકાનો વાસ્તવિક વૃદ્ધિદર હાંસલ કર્યો છે. જે રૂપિયા 10 લાખ કરોડથી વધુ GSDP ધરાવતા મુખ્ય રાજ્યોમાં સૌથી ઊંચો છે. ગુજરાતે કર્ણાટક (7.69%) અને તમિલનાડુ (6.29%) જેવા રાજ્યોને પાછળ મૂકીને આ આગવી સિદ્ધિ હાંસલ કરી છે. મોટા રાજ્યો સામાન્ય રીતે સ્ટ્રક્ચરલ મુદ્દાઓને કારણે ધીમા પડતા હોય છે, પરંતુ ગુજરાત પોતાના સશક્ત ઔદ્યોગિક માળખા, રોકાણમૈત્રી નીતિઓ અને ઉચ્ચ સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ઝડપી ગતિ જાળવી શક્યું છે.

GSDPના તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે રાજ્યની અર્થવ્યવસ્થા વિવિધ ક્ષેત્રોમાં થયેલી વિકાસગતિને કારણે મજબૂત બની છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે 2023-24માં રૂપિયા 7.43 લાખ કરોડનું યોગદાન આપ્યું છે, જે GSVAનો લગભગ એક-તૃતીયાંશ હિસ્સો બને છે. કન્સ્ટ્રક્શન અને યુટિલિટીઝ ક્ષેત્રનો ફાળો રૂપિયા 2.31 લાખ કરોડ રહ્યો, જ્યારે વેપાર, પરિવહન, નાણા, રિયલ એસ્ટેટ જેવા સેવા ક્ષેત્રોએ મળીને રૂપિયા 7.81 લાખ કરોડનું યોગદાન આપ્યું. કૃષિ, વન અને માછીમારી જેવા પરંપરાગત ક્ષેત્રોએ પણ રૂપિયા 3.69 લાખ કરોડનું ઉત્પાદન કરીને રાજ્યના સમાવેશી વિકાસને મજબૂત બનાવ્યો છે.

એક દાયકાની તુલનામાં જોવામાં આવે તો મૂળ કિંમતો પર ગુજરાતનું GSDP 2-11-12 રૂપિયા6.16 લાખ કરોડથી વધી 2023-24માં રૂપિયા 24.62 લાખ કરોડ થઈ ગયું છે. જે લગભગ ચાર ગણો વધારો છે અને રાજ્યની આર્થિક શક્તિને સ્પષ્ટ રીતે રજૂ કરે છે.

ગુજરાતે પ્રથમ વખત માથાદીઠ આવક રૂપિયા 3,00,957ના આંકને પાર કરી છે. આ સિદ્ધિ રાજ્યના વધતા ઉત્પાદન, શ્રમક્ષમતાના સ્તર અને આર્થિક પ્રવૃત્તિઓમાં વ્યાપક ભાગીદારી બતાવે છે. આ આંકડો મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યો કરતાં વધુ છે, જે ગુજરાતની આર્થિક કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે.

ઉચ્ચ વાસ્તવિક વૃદ્ધિદર, મજબૂત ઇકોનોમિક બેઝ અને ઉદ્યોગ–સેવા–કૃષિ ત્રણેય ક્ષેત્રોના સંતુલિત યોગદાન સાથે ગુજરાત આજે દેશના સૌથી તેજીયાર અને સ્થિર મુખ્ય અર્થતંત્રમાં સ્થાન પામ્યું છે. 8.42 ટકાની વાસ્તવિક વૃદ્ધિ સાથે રાજ્ય વિકાસ, સુશાસન અને વ્યૂહાત્મક અમલીકરણનું મોડેલ તરીકે ઉભર્યું છે.