Home Blog Page 35

અમદાવાદમાં ભાદરવા સાથે અષાઢી માહોલ જામ્યો

અમદાવાદ: ગુજરાતમાંથી ચોમાસુ ધીમે ધીમે વિદાય લઈ રહ્યુ છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના જુદા જુદા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે આગાહીના પગલે રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે અમદાવાદમાં 37.6 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું. ત્યારે આજે સાંજે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. જો કે, સાંજના સમયે શહેરમાં વધુ ટ્રાફિક થતો હોવાથી વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક થતા લોકોને રાહત મળી હતી. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક સુધી અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. મુશળધાર વરસાદે શહેરનાં મોટાભાગના વિસ્તારોની ભીંજવી દીધા છે. અમદાવાદના ગોતા, સાયન્સ સિટી, સરખેજ, પ્રહલાદ નગર, ઈસ્કોન, થલતેજ, બોપલ, ધુમા, જોધપુર, શિવરંજની, શીલજ સહિત એસજી હાઈવેના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી

26 સપ્ટેમ્બરના ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 27 સપ્ટેમ્બરના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગરમાં અને 28 સપ્ટેમ્બરના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

પાટણમાં ભોજનની ગુણવત્તા સુધારવાની માંગ સાથે વિદ્યાર્થીઓનો વિરોધ

પાલનપુર ખાતે આવેલી આદિજાતિ કમિશનરની કચેરી પાસે વિદ્યાર્થીઓ અને પોલીસ સામે સામે આવ્યા હતા. આંદોલન ઉગ્ર બનતા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરવાની ફરજ પડી હતી. વાત એમ છે કે પાટણ ખાતે આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં બે દિવસ પહેલાં ભોજનમાંથી દેડકો નિકળતાં હોબાળો મચ્યો હતો. જે મુદ્દે હોબાળો થતા ભોજનની ગુણવત્તામાં સુધારો કરવા બાબતે આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ તેમછતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં આજે છાત્રાલયના વિદ્યાર્થી અને એનએસયુઆઇના નેતાઓ પાલનપુર ખાતે આવેલી આદિજાતિ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરી હતી.

આંદલન ઉગ્ર બનતા પોલીસ અને વિદ્યાર્થીઓ સામે સામે આવ્યા હતા. જેથી પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. સમગ્ર મામલે પોલીસે 30 જેટલા વિદ્યાર્થીની અટકાયત કરી હતી. પાલનપુર તાલુકા પી.આઇએ જણાવ્યું હતું કે આજે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા સારી ન હોવાથી તેને લઇને વિદ્યાર્થીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઇ નિવેડો ન આવતાં આજે એનએસયુઆઇનાના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થી દ્વારા તાળાબંધી અને ઘેરાવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમને સમજાવવામાં આવ્યા હતા અને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમછતાં તેમણે તાળાબંધીનો પ્રયાસ કર્યો હતો જેને લઇને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

 

પાલનપુરમાં મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં કુમાર છાત્રાલયનું સંચાલન કરવામાં આવે છે. જ્યાં વારંવાર હલકી ગુણવત્તાનું ભોજન તેમજ રહેવામાં પડતી અગવડોની રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં ભોજનાલયમાં 22 સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થીઓને ભોજનમાં દેડકો જોવા મળતા હોબાળો થયો હતો. સંચાલકો ફરિયાદ ધ્યાને ન લેતા હોવાથી વિદ્યાર્થીઓએ રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપી ન્યાયની માગ કરી હતી.

દિવંગત ગાયક પંડિત જસરાજના પત્ની મધુરા પંડિતનું 86 વર્ષે નિધન

મુંબઈ: પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી સહિતના એક ડઝનથી વધુ પ્રતિષ્ઠિત પુરસ્કારો જીતનાર પંડિત જસરાજના પત્ની અને ફિલ્મ નિર્માતા મધુરા જસરાજનું બુધવારે નિધન થયું છે. મધુરા જસરાજ ફિલ્મ નિર્માતા, લેખક અને સંગીત પ્રેમી પણ હતા. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડાઈ રહ્યા હતાં. મધુરા પંડિતના નિધનના સમાચારથી બોલિવૂડમાં શોકની લહેર છે અને બધા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યાં છે.

મધુરા પંડિત અને પંડિત જસરાજ

મધુરા પંડિતનુંકલાના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન

જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજની પત્ની અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શાંતારામના પુત્રી મધુરા પંડિત પણ વિવિધ ક્ષેત્ર સક્રિય હતાં. મધુરા પંડિત એક લેખક અને ફિલ્મ નિર્માતા હતાં. આ સાથે જ તેઓ કોરિયોગ્રાફર તરીકે પણ સક્રિય હતાં. મધુરા પંડિતે 2009માં ‘સંગીત માર્તંડ પંડિત જસરાજ’ નામની ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. આ સિવાય તેમણે તેમના પિતા વી. શાંતારામનું જીવનચરિત્ર અને બીજી ઘણી નવલકથાઓ પણ લખી હતી. તેમજ તેણીએ મરાઠી ફીચર ફિલ્મ ‘આઈ તુજા આશીર્વાદ’ પણ ડિરેક્ટ કરી હતી. આ સિવાય તેમણે અનેક મ્યુઝિક આલ્બમ દ્વારા પોતાની કલ્પનાને આકાર આપ્યો હતો. મધુરા પંડિતે ઘણા પુસ્તકો પણ લખ્યા હતા.

મધુરા પંડિતે કલાના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. મધુરાએ ભારતીય શાસ્ત્રીય સંગીતની જાળવણી અને પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી. બુધવારના રોજ લાંબી બિમારી બાદ તેમનું અવસાન થયું. આ જાણકારી તેમની પુત્રી દુર્ગા જસરાજે આપી છે.

પંડિત જસરાજ કોણ હતા?

પંડિત જસરાજ મેવાતી ઘરાનાના અદભૂત ગાયક હતા. પંડિત જસરાજ ભારત સહિત સમગ્ર વિશ્વમાં સંગીત જગતમાં ખૂબ પ્રખ્યાત હતા. કેનેડાના ટોરોન્ટો શહેરની એક યુનિવર્સિટીમાં પંડિત જસરાજના નામે સ્કોલરશિપ પણ ચાલે છે. તેમજ અમેરિકાના ન્યુયોર્કમાં એક મ્યુઝિક હોલનું નામ પણ ‘પંડિત જસરાજ ઓડિટોરિયમ’ રાખવામાં આવ્યું છે. પંડિત જસરાજ સંગીતની દુનિયામાં ચમકતા સિતારા રહ્યા છે. પંડિત જસરાજને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, પદ્મશ્રી, કાલિદાસ સન્માન, સંગીત નાટક અકાદમી રત્ન સભ્યપદ, કાંચી કામકોટીનું ‘અસ્થાના વિધાનમ’, મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, પંડિત જસરાજને શાંતિનિકેતનનું માનદ પદવી ‘દેશીકોત્તમ’, ઉસ્તાદ હાફિઝ અલી ખાન એવોર્ડ, પંડિત દીનાનાથ મંગેશકર એવોર્ડ, ડાગર ઘરાના એવોર્ડ, આદિત્ય વિક્રમ બિરલા એવોર્ડ, પંડિત ભીમસેન જોશી લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, સુમિત્રા ચત્રમ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અને ઉસ્તાદ અલી ખાન એવોર્ડ મળ્યો છે.

માતા મધુરા પંડિત સાથે દુર્ગા પંડિત

મધુરા અને પંડિત જસરાજના લગ્ન વર્ષ 1962માં થયા હતા. અગાઉ ઓગસ્ટ 2020માં પંડિત જસરાજનું 90 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. જસરાજ શાસ્ત્રીય ગાયક હતા જેમને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. જસરાજ અને મધુરા પંડિતની પુત્રી દુર્ગા સંગીતકાર અને અભિનેત્રી છે. જ્યારે પુત્ર શરંગ દેવ સંગીત નિર્દેશક છે.

ભક્તિ ગીતો લોકો સુધી પહોંચાડવામાં તેમનો ફાળો રહ્યો. ઘણા ધાર્મિક ગીતો YouTube પર લોકપ્રિય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તે પંડિત જસરાજ હતા જેમણે પોતાના અવાજથી ભજનોને દરેક ઘર સુધી પહોંચાડવાનું શરૂ કર્યું હતું. પંડિત જસરાજે ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ અને ‘અચ્યુચત કેશવમ’ જેવા શ્લોકોને ગાયનમાં રૂપાંતરિત કરીને દરેક ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.

સાબરકાંઠામાં ભીષણ અકસ્માતમાં સાતનાં મોત, એક ઘાયલ

અમદાવાદઃ સાબરકાંઠામાં હિંમતનગર સહકારી જીન પાસે ગોઝારો અકસ્માત થયો છે. જેમાં શામળાજીથી અમદાવાદ પરત ફરી રહેલી કારના અકસ્માતમાં સાત લોકોનાં મોત થયાં છે. ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં સાત લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે અને એકની હાલત ગંભીર છે.

આ અકસ્માતમાં કાર પૂરઝડપે આવી રહી હતી ત્યારે અચાનક ટ્રેલરની પાછળ તેની ધડાકાભેર ટક્કર થઈ ગઈ હતી. જેમાં કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા તો બીજી બાજુ એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.

આ અકસ્માત થતાં જ હાઈવે પર પણ અફરા તફરી મચી ગઈ હતી. અહીં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને ભારે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. લોકો પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયાસ કરી રહ્યા હતા.

પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ઈનોવા ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. એ પછી 108 અને પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. તેમને આવીને કટર વડે ગાડીના દરવાજા તોડવા પડ્યા હતા. એ પછી મૃતકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા.

આ ઘટનાની જાણ થતા હિંમતનગર પોલીસનો કાફળો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ અકસ્માત અંગે ડેપ્યુટી SP એ કે પટેલે કહ્યું હતું કે સાંબરકાંઠા જિલ્લામાં હિંમતનગર હાઈવે પર આજે સવારે આ દુર્ઘટના બની છે. જેમાં શામળાજીથી અમદાવાદ પરત ફરતા સાત લોકોનાં મોત થયાં છે. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. જે ઈજાગ્રસ્ત છે તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યો છે.

 

મુંબઈ: સ્વરા ભાસ્કરના પતિ ફહાદ લડશે ચૂંટણી, આ સીટ પર બનશે ઉમેદવાર

મુંબઈ: અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ ઝિરાર અહેમદ પણ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સમાજવાદી પાર્ટીએ મહાવિકાસ અઘાડી પાસેથી ફહાદ અહેમદ માટે અણુશક્તિ નગર વિધાનસભા સીટની માંગણી કરી છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં અજિત પવારની એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકની જીત થઈ હતી. વિદ્યાર્થી નેતા ફહાદ અહેમદ 2022માં સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. હાલમાં તેઓ સમાજવાદી પાર્ટીના યુવા પ્રદેશ અધ્યક્ષ છે. જો MVA આ સીટ સપાને આપે છે તો ફહાદનો મુકાબલો નવાબ મલિકની પુત્રી સના મલિક સાથે થઈ શકે છે.

સપા મુંબઈમાં નવું નેતૃત્વ સ્થાપિત કરવા માંગે છે

મહાવિકાસ આઘાડી (MVA) આગામી વિધાનસભા ચૂંટણીમાં અણુશક્તિ નગરથી નવાબ મલિક સામે મજબૂત ઉમેદવાર ઊભા કરવાની તૈયારી કરી રહી છે. ગઠબંધને તેના સહયોગી પક્ષો માટે ચાર બેઠકો છોડી છે. સમાજવાદી પાર્ટીએ સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ માટે આ સીટ માંગી છે. માનવામાં આવે છે કે અબુ આઝમી સાથેના સંઘર્ષ વચ્ચે સમાજવાદી પાર્ટી ફહાદ અહેમદના રૂપમાં યુવા નેતૃત્વને મેદાનમાં ઉતારવા માંગે છે.

અબુ આઝમી 1995થી એસપીની કમાન સંભાળી રહ્યા છે

1995 થી તે અબુ આઝમીના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. ગત લોકસભા ચૂંટણી દરમિયાન અબુ આઝમી ઉત્તર-પૂર્વ મુંબઈ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને ટિકિટ મળી ન હતી. આ પછી આઝમીએ ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, જોકે તેમણે સપા છોડવાની ના પાડી દીધી હતી. તેઓ છેલ્લી ત્રણ ચૂંટણીમાં માનખુર્દ શિવાજી નગર વિધાનસભા બેઠક પરથી જીતતા રહ્યા. અબુ આઝમી વિદેશી મુસ્લિમોમાં ખૂબ જ લોકપ્રિય છે.

મહાયુતિમાં સીટોની વહેંચણી માટે ‘જેના ધારાસભ્ય તેની સીટ’ એવી ફોર્મ્યુલા બનાવવામાં આવી છે. આ ફોર્મ્યુલા મુજબ આ સીટ અજિત પવારની NCPને જશે. પરંતુ એવી ચર્ચા છે કે EDની કાર્યવાહીના કારણે નવાબ મલિકની ટિકિટ જોખમમાં છે. 2022માં EDએ નવાબ મલિક વિરુદ્ધ દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાના આરોપમાં કાર્યવાહી કરી હતી. મલિકને 17 મહિના જેલમાં રહેવું પડ્યું હતું. ઓગસ્ટમાં અજિત પવારે એક કાર્યક્રમમાં તેમની પુત્રી સના મલિકને પ્રવક્તા બનાવી હતી. સના મલિક એક આર્કિટેક્ચરલ ફર્મ પણ ચલાવે છે. એનસીપી 2024ની વિધાનસભા ચૂંટણીમાં અણુશક્તિ નગરથી તેમની પુત્રી સના મલિકને મેદાનમાં ઉતારી શકે છે.

કોણ છે ફહાદ અહેમદ?
1992માં ઉત્તર પ્રદેશના બહેરીમાં જન્મેલા ફહાદના પિતાનું નામ ઝિરાર અહેમદ છે. પોતાને સામાજિક કાર્યકર ગણાવતા ફહાદ અહેમદે વિદ્યાર્થી રાજકારણથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને એમ.ફિલની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેમણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે પોતાની ઓળખ બનાવી. તેઓ CAA કાયદા સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનમાં ચમક્યા હતા. સ્વરા ભાસ્કરે ટ્વિટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. જુલાઈ 2022 માં સમાજવાદી પાર્ટીમાં જોડાયા પછી, પાર્ટીએ તેમને મહારાષ્ટ્રમાં યુવજન સભાના અધ્યક્ષ બનાવ્યા. જાન્યુઆરી 2023 માં સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે કોર્ટમાં લગ્ન કર્યા હતાં.

મહેસાણામાં સુરક્ષાના ભાગ રૂપે વિવિધ સ્થળે ટ્રાફિક ડ્રાઈવ શરૂ

મહેસાણા: નવરાત્રિના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તહેવારને લઈ તંત્ર સાથે રાજ્યનું ગૃહ વિભાગ પણ એક્શમાં આવ્યું છે. ગૃહ વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેને ભાગ રૂપે આજે મહેસાણામાં પોલસનો મોટો કાફલો ખડકાય ગયો હતો. લાંઘણજ પોલીસ સ્ટેશનના પીઆઈ ટી.જે.દેસાઈ દ્વારા પોલીસ સ્ટાફને કડક સૂચના આપવામાં આવી છે. લાંઘણજ વિસ્તારના આંબલીયાસણ, ગોઝારીયા તેમજ અલગ અલગ જગ્યાએ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે.

ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન વાહનોમાં કાળા કાચ, લાયસન્સ, નંબર પ્લેટ જેવી વાહન નિયમોને વિરુધ ડ્રાઈવ કરનારા લોકોને દંડ પણ ફટકારવામાં આવ્યો. આ ઉપરાંત પીઆઈ ટી.જે.દેસાઈની હાજરીમાં જ પોલીસ સ્ટાફ દ્વારા ફોરવ્હીલ ગાડીમાં કરેલી ફીલ્મને ઉખેડવામાં આવી. આ સાથે જ નંબર પ્લેટ વગરના લોકોને, લાયસન્સ વગરના લોકોને અને તેમજ પૂરતા કાગળો ના હોય તેમને દંડ ફટકારી મેમો આપીને કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આગામી 3 ઓક્ટોબરથી રાજ્યમાં નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સુરક્ષાના ભાગરૂપે રાજ્યભરમાં પોલીસ દ્વારા સખ્ત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી નવરાત્રિ 11 ઓક્ટોબર સુધી ચાલશે અને આ દરમિયાન ગરબા રસિકો મન મુકીને ગરબા રમશે અને માં અંબાની આરાધના કરશે.

ત્યારે બીજી બાજું સુરતમાં પણ ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે તંત્રએ ત્રણ દિવસની ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં સિગ્નલ તોડવાથી લઈ ઓવર સ્પીડિંગ, રોંગસાઈડ વાહન ચલાવવા જેવા નિયમ ભંગને લઈ દંડ આપવામાં આવ્યો હતો. પોલીસ વાહનો પર સ્પીડગનથી સતત નજર રાખવામાં આવી રહી છે. રોંગ સાઈડ વાહન હાકરનારને રૂપિયા 3000નો દંડ ફટકારવામાં આવી છે. વારંવાર નિયમ તોડનારના લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ખાસ ડુમસ રોડ પર રેસ લગાવતા વાહનો ચાલાક પર બાજ નજર રાખવામાં આવી છે. સુરતમાં ટ્રાફિકના નિયમો ભંગ કરનારા સાવધાન થઈ જાવ નહીતર તમારા પણ લાયસન્સ રદ થઈ શકે છે.

નિફ્ટી 26,000ને પારઃ મિડકેપ, સ્મોલકેપમાં નફારૂપી વેચવાલી

અમદાવાદઃ સપ્ટેમ્બર એક્સપાયરી પહેલાં બજારમાં તેજી યથાવત્ છે. સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ઊંચાઈએ બંધ થયા હતા. નિફ્ટી સૌપ્રથમ વાર 26,000ને પાસ બંધ થયો હતો. નિફ્ટી સતત પાંચમા દિવસે તેજી સાથે બંધ થયો હતો. નિફ્ટી સતત ચોથા દિવસે રેકોર્ડ સ્તરે બંધ આવ્યો હતો. જોકે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં દબાણ જોવા મળ્યું હતું.

ઘરેલુ શેરબજાર બેતરફી ટૂંકી વધઘટ અથડાઈ ગયાં હતાં. ચીનમાં આર્થિક સુધારાના એલાન પછી મેટલ શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. એ સિવાય એનર્જી રિટેલ અને મેટલ ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. મિડકેપ ઇન્ડેક્સમાં એક તબક્કે 500 પોઇન્ટ તૂટ્યો હતો.વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો અને મુખ્ય એશિયાના બજારોમાં પણ મિશ્ર પ્રવાહ જોવા મળ્યા હતા. સેન્સેક્સ 256 પોઇન્ટ વધી 85,170ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 64 પોઇન્ટ વધી 26,005ના મથાળે બંધ થયો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 83,000 કરોડનો ઘટાડો થયો હતો.

NSE પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા મુજબ વિદેશી રોકાણકારો (FII)એ ગઈ કાલે ચોખ્ખી વેચવાલી કાઢી હતી. તેમણે રૂ. 2784.14 કરોડના શેર વેચ્યા હતા, જ્યારે ઘરેલુ રોકાણકારો (DII)એ ચોખ્ખી લેવાલી કાઢી હતી. તેમણે રૂ. 3868.31 કરોડના શેરોની લેવાલી કરી હતી.

સપ્ટેમ્બર એક્સપાયરીનો આવતી કાલે છેલ્લો દિવસ છે, એ પછી કંપનીઓના સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામો પર  અને રિઝર્વ બેન્કની દ્વિમાસિક ધિરાણ નીતિ પર બજારની નજર રહેશે.

BSE એક્સચેન્જ પર કુલ 4065 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1700 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2252 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 113 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 329 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 228 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

તહેવારો પહેલા કિંમતી ધાતુઓની કિંમતમાં તેજી

ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. જ્યારે આગામી સમયમાં દિવાળી અને પુષ્યનક્ષત્ર જોવા કિંમતી ધાતું ખરીદી કરવાના સારા મુહરત નજીક આવી રહ્યા છે. ત્યારે તહેવારો નજીક આવતાની સાથે સોના-ચાદીમાં તેજી તરખાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રિટેલ સોનાની કિંમતો 77000 પ્રતિ ગ્રામ સુધી પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આજે સોનીની કિંમતો ઓલ ટાઈમ હાઈ પર જોવા મળી રહી છે.

સોનાની કિંમતો વધવા પાછળ કેટલા વૈશ્વિક કારણો પણ જણાય રહ્યા છે. હાલ કોમેક્સ પર સોનાની કિંમતો 2680/ઔંસના નવા શિખર આસપાસ જોવા મળી રહી છે. જ્યારે mcx પર સોનાની કિંમતો 75000 આસપાસ જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે વૈશ્વિક સ્તરે અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં વધુ ઘટાડાની અપેક્ષા તેમજ અમેરિકી ડોલર ઈન્ડેક્સ નબળો પડતાં સ્પોટ ગોલ્ડ રેકોર્ડ ટોચ નોંધાવી રહ્યું છે. તદુપરાંત સ્થાનીય બજારોમાં કિંમતી ધાતુની આવક કરતાં માગ વધી છે. વૈશ્વિક સ્તરે ઉંચા ભાવોના કારણે આવક ઘટતાં સ્થાનિક બજારોમાં ભાવ ઉંચકાયા છે. ઈઝરાયલ-લેબનોન વચ્ચે યુદ્ધની સ્થિતિ કથળી રહી હોવાથી રોકાણકારો સેફ હેવન તરફ ડાયવર્ટ થયા છે. પરિણામે સોના-ચાંદીના ભાવ સતત ત્રણ દિવસથી નવી રેકોર્ડ ટોચ નોંધાવી રહ્યા છે. જ્યારે ચાંદી 87500-89500 પ્રતિ કિગ્રાની સપાટીએ ક્વોટ થઈ રહી છે. દેશભરમાં સોના-ચાંદીના ભાવમાં વૃદ્ધિ જોવા મળી છે. એમસીએક્સ ખાતે છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનથી સોનાની ચમક સતત વધી રહી છે, જ્યારે ચાંદી ઝાંખી પડતી નજરે ચડી છે. સ્થાનીય બજારમાં પણ ચાંદી છેલ્લા બે દિવસથી રૂ. 88000 પર સ્થિર રહી હતી.

કંગનાના નિવેદન પર રાહુલ ગાંધીએ PM મોદી પર સાધ્યું નિશાન

ભાજપ સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે તાજેતરની વિધાનસભા ચૂંટણી દરમિયાન ત્રણ કૃષિ કાયદાઓને ફરીથી લાગુ કરવાની વાત કરીને કોંગ્રેસને મોટી તક આપી છે. કંગનાના નિવેદન પર હંગામો અટકવાનો નામ નથી લઈ રહ્યો. એક પછી એક કોંગ્રેસના નેતાઓ કંગના તેમજ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરી રહ્યા છે. હવે આ હંગામામાં ખુદ રાહુલ ગાંધી પણ કૂદી પડ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરીને રાહુલ ગાંધીએ સમગ્ર મામલે વડાપ્રધાન મોદી પાસે જવાબ માંગ્યો છે. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો છે કે, સરકારની નીતિ કોણ નક્કી કરી રહ્યું છે? ભાજપના સાંસદ કે વડાપ્રધાન મોદી?

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના વીડિયો સંદેશમાં કહ્યું કે 700થી વધુ ખેડૂતોની શહીદી, ખાસ કરીને હરિયાણા અને પંજાબના ખેડૂતોની શહાદત છતાં શું ભાજપના લોકો સંતુષ્ટ નથી? તેમણે કહ્યું કે આ શહીદ ખેડૂતોનું સન્માન કરવું જરૂરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાને ત્યારે ખેડૂતોની યાદમાં બે મિનિટનું મૌન પણ પાળવા દીધું ન હતું.

ભાજપ ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી છે

રાહુલ ગાંધીએ કંગના રનૌતનું નામ લીધા વિના ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભાજપના લોકો ઘણીવાર સમાજમાં વિચારોની કસોટી કરતા રહે છે. પાર્ટીના કેટલાક નેતા બીજા નેતાને પહેલા એક વિચાર જાહેરમાં રજૂ કરવા કહે છે અને પછી તેને તેના પર પ્રતિક્રિયા જોવા માટે કહેવામાં આવે છે. આ કિસ્સામાં પણ એવું જ થયું. ભાજપના એક સાંસદે ખેડૂતો સાથે જોડાયેલા કાળા કાયદાને પાછા લાવવાની વાત કરી હતી.

રાહુલે પીએમ મોદી પાસેથી સ્પષ્ટતા માંગી હતી

આ પછી રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને સીધા સવાલો કર્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીજી કૃપા કરીને આ અંગે સ્પષ્ટતા કરો. શું તમે આવા નિવેદનોની વિરુદ્ધ છો અથવા તમારો આવો જ ઈરાદો છે? શું તમે ફરીથી કાળા કાયદાનો અમલ કરશો? આ સાથે રાહુલ ગાંધીએ ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું કે જો બીજેપી દ્વારા અમારા અન્ન પ્રદાતાઓ વિરુદ્ધ ફરી કોઈ ષડયંત્ર રચવામાં આવશે તો ભારતીય ગઠબંધન એક થશે અને તેને ક્યારેય સફળ થવા દેશે નહીં.

અમેરિકાઃ લોસ એન્જલસમાં બસ હાઈજેક

હાલમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચાર વચ્ચે બસ હાઇજેકની એક ઘટના સામે આવી છે. લોસ એન્જલસમાં એક બસને હાઇજેક કરવામાં આવી છે. પોલીસે હાઇજેક કરાયેલી બસને ચારે બાજુથી ઘેરી લીધી છે. બસના ડ્રાઈવર અને મુસાફરોને બસની અંદર રાખવામાં આવ્યા છે. ઓનલાઈન તસવીરો દર્શાવે છે કે SWAT ટીમ ઘટના સ્થળે હાજર છે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવર બારીમાંથી કૂદીને ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે બસને ઘેરી લીધી છે. પોલીસ પણ શંકાસ્પદ સાથે સતત વાત કરી રહી છે.

ડાઉનટાઉન લોસ એન્જલસમાં એક બંદૂકધારી બસ હાઇજેક કરે છે અને પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા મુસાફરોને બંધક બનાવે છે. આ ઘટના બુધવારે વહેલી સવારે બની હતી. અધિકારીઓએ સમગ્ર શહેરમાં તેજ ગતિએ બસનો પીછો કર્યો હતો. પોલીસના પીછો દરમિયાન એક સમય એવો આવ્યો કે જ્યારે વાહન વન-વે રોડ પર ખોટી દિશામાં ગયું. પોલીસે બસના ટાયર ફાટવા માટે સ્પાઇક સ્ટ્રિપ્સનો ઉપયોગ કર્યો હતો. આ કારણે બસ રોકાઈ ગઈ હતી અને તેનો માર્ગ બખ્તરબંધ વાહન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો.

જોકે, શરૂઆતમાં એ સ્પષ્ટ થયું ન હતું કે હાઇજેક કરાયેલી બસમાં કેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા. એવું લાગે છે કે ડ્રાઇવર સશસ્ત્ર અપહરણકર્તાના નિર્દેશનમાં બસ ચલાવી રહ્યો હતો, જે અગાઉની ગોળીબારની ઘટના સાથે કથિત રીતે જોડાયેલો હતો.