Home Blog Page 36

અદાણીનો બોમ્બાર્ડિયરના ચીફ સાથે ઉડ્ડયન ક્ષમતાઓ વધારવા વિચારવિમર્શ

અમદાવાદઃ અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી અને બોમ્બાર્ડિયર ઇન્કના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એરિક માર્ટેલ વચ્ચે ખાસ મુલાકાત યોજવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારતની ઉડ્ડયન ક્ષમતાઓને વધારવાના હેતુથી ટ્રાન્સફોર્મેંટિવ પાર્ટનરશિપ અંતર્ગત વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો, જેમાં ડિફેન્સ સેક્ટર, ઉડ્ડયન સેવાઓ, તેની જાળવણી, સમારકામ સહિતના વિષયો અંગે ચર્ચા થઈ હતી. ગૌતમ અદાણીએ એરિક માર્ટેલના સાથેની મુલાકાત વિશે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. 

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ પરની પોસ્ટમાં એરિક માર્ટેલ સાથે થયેલી ચર્ચાઓ અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ભારતના ઉડ્ડયન ક્ષેત્રની વૃદ્ધિને વેગ આપવા તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે  એકસાથે મળીને અમે મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

ભારત વિદેશી MRO (મેઇનટેનન્સ, રિપેર, ઓવરહોલ) સેવાઓ પર નિર્ભરતા ઘટાડવા સતત પ્રયાસો કરી રહ્યું છે, જેમાં એરલાઇન્સ સામે વધુ ઓપરેશનલ ખર્ચ અને તેના માટે વધુ સમય લેતી સેવાઓ જેવા પડકારો સામેલ છે. ગૌતમ અદાણીએ આ પડકારોને ધ્યાને લઈ મજબૂત સ્થાનિક MRO ઇકોસિસ્ટમ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

અદાણી ગ્રુપની પેટા કંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. કંપનીની વેબસાઇટ અનુસાર  તે વૈશ્વિક સ્તરે અત્યાધુનિક સંરક્ષણ, એરોસ્પેસ અને સુરક્ષા ઉકેલો લાગુ કરીને ભારતની સૈન્ય ક્ષમતાઓ વધારવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ ‘આત્મનિર્ભર ભારત’ પહેલને અનુરૂપ વિશ્વ-કક્ષાના ઉચ્ચ-તક્નિકી સંરક્ષણ ઉત્પાદનના હબ તરીકે ભારતને વિકસાવવાનો હેતુ ધરાવે છે.

સ્થાનિક MRO સેવા ક્ષમતાઓ વિકસાવવાથી એરલાઇન્સનો ઓપરેશનલ ખર્ચ ઘટશે, ટર્નઅરાઉન્ડ ટાઇમ ઝડપી બનશે અને એરક્રાફ્ટ મેઇનટેનન્સ અને સેવાઓમાં ભારત હબ બની ઊભરી શકે છે. એટલું જ નહીં, વિદેશી સેવા પ્રદાતાઓ પરની નિર્ભરતા ઘટશે અને ઉડ્ડયન સંબંધિત ક્ષેત્રોમાં સ્વદેશીને વધુ પ્રોત્સાહન મળશે.

 

વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રે જાણીતી કંપની બોમ્બાર્ડિયર એરક્રાફ્ટ ડિઝાઇન અને ઉત્પાદનમાં વિશેષ કુશળતા ધરાવે છે. ‘ચેલેન્જર’ અને ‘ગ્લોબલ’ એરક્રાફ્ટ માટે જાણીતી બોમ્બાર્ડિયરે નવીનતા અને વિશ્વસનીયતા માટે આગવી પ્રતિષ્ઠા ઊભી કરી છે. કંપનીનાં ઉત્પાદનોનો ઉપયોગ નાગરિક અને લશ્કરી કામગીરીમાં વ્યાપકપણે થાય છે. કંપની પાસે વિશેષ-મિશન ભૂમિકાઓ માટે ઉકેલો વિકસાવવાનો અનુભવ પણ છે.

 

 

કોણ છે મોહસીન અખ્તર મીર? ઉર્મિલા માતોંડકર પતિથી થઈ રહી છે અલગ

બૉલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરના ચાહકો માટે એક નિરાશાજનક ખબર આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઉર્મિલા માતોંડકર પોતાના પતિ મોહસિન અખ્તર મીર સાથે તલાક લેવા જઈ રહ્યાં છે. અભિનેત્રીએ મોડલ મોહસિન અખ્તર મીર સાથે લગ્નના આઠ વર્ષ બાદ તલાક અરજી કરી છે. મુંબઈની એક કોર્ટના એક સુત્ર અનુસાર 50 વર્ષીય અભિનેત્રીએ તલાક માટે અરજી કરી છે.

ઉર્મિલા માતોંડકરે માર્ચ 2016માં કશ્મીરી વ્યવસાયી અને મોડલ સાથે લગ્ન કર્યા હતા. દપંતીના લગ્ન કેટલાક કારણોસર ખુબ ચર્ચામાં પણ રહ્યાં. જેમાં અલગ-અલગ ધર્મનો મુદ્દો અને તેમના વચ્ચે 10 વર્ષનો એજ ગેપ હોવાને કારણે પણ ચર્ચાને વેગ મળ્યો હતો. લગ્નના આઠ વર્ષ બાદ ડિવોર્સ લેવા જઈ રહેલા દંપતીમાંથી કોઈનું પણ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. તેમના અલગ થવાનું કારણ પણ હજી અસ્પષ્ટ છે.

કોણ છે મોહસીન અખ્તર મીર?

મોહસીન એક મોડલ અને બિઝનેસમેન છે. મોડલિંગ અને એક્ટિંગમાં કરિયર બનાવવા માટે તે 21 વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા હતાં. આ પછી વર્ષ 2007માં મોહસીન મિસ્ટર ઈન્ડિયા સ્પર્ધામાં સેકન્ડ રનર અપ પણ રહ્યા. મોહસીનને પહેલો બ્રેક પ્રીતિ ઝિન્ટા સાથે કોમર્શિયલ વિજ્ઞાપનમાં મળ્યો હતો. 2009 માં તેણે ફિલ્મ ‘ઇટ્સ અ મેન્સ વર્લ્ડ’ માં પોતાના અભિનયની શરૂઆત કરી, ત્યારબાદ તેણે ફરહાન અખ્તરની ‘લક બાય ચાન્સ’માં એક નાનકડી ભૂમિકા ભજવી.

બોલિવૂડમાં સફળ કરિયર ન બનાવી શકવાને કારણે મોહસીન પડદા પર વધારે જોવા ન મળ્યા અને આ પછી તેણે સ્ક્રીનથી દૂર થઈને કાશ્મીરમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. ઉર્મિલા અને મોહસીન 2014માં ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની ભત્રીજીના લગ્ન દરમિયાન મળ્યા હતા અને બંને વચ્ચે નિકટતા વધવા લાગી હતી. ત્યારબાદ તેઓએ 2016 ના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા. તમને જણાવી દઈએ કે બંનેની ઉંમરમાં લગભગ 10 વર્ષનો તફાવત છે.

શું એલોન મસ્ક મેલોનીને કરી રહ્યા છે ડેટ ? વાયરલ તસવીરે ધૂમ મચાવી

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્કના એક ફોટોએ ઈન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે. આ સાથે સોશિયલ મીડિયા પર અટકળોનું બજાર પણ ગરમ થઈ ગયું છે. લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ઇલોન મસ્ક અને મેલોની એકબીજાને ડેટ કરી રહ્યા છે. વાયરલ તસવીર ન્યૂયોર્કમાં આયોજિત એક એવોર્ડ સમારોહની છે. એલોન મસ્કે ન્યૂયોર્કમાં આયોજિત સમારોહમાં જ્યોર્જિયા મેલોનીને એટલાન્ટિક કાઉન્સિલ ગ્લોબલ સિટીઝન એવોર્ડ સાથે અર્પણ કર્યો હતો. આ સમય દરમિયાન ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેઓ એકબીજાને ડેટ કરવા વિશે અનુમાન લગાવવાનું શરૂ કર્યું.

ટેસ્લાના એક ફેન ક્લબે પણ મસ્ક અને મેલોનીની તસવીર શેર કરી અને પૂછ્યું, શું તમને લાગે છે કે બંને એકબીજાને ડેટ કરશે? આનો જવાબ ખુદ એલોન મસ્કે આપ્યો હતો. તેણે કહ્યું કે અમે ડેટિંગ નથી કરી રહ્યા. એલોન મસ્ક જૂન 2023 માં પ્રથમ વખત જ્યોર્જિયા મેલોનીને તેના સત્તાવાર નિવાસસ્થાન રોમમાં મળ્યા હતા. આ પછી પણ બંને ઘણી વાર મળ્યા છે. એવોર્ડ સમારંભ દરમિયાન મસ્કે મેલોનીની ભરપૂર પ્રશંસા કરી હતી. તેણે મેલોનીને સાચા, અધિકૃત અને પ્રામાણિક ગણાવ્યા હતા.

જ્યોર્જિયા મેલોનીએ આભાર કહ્યું

એલોન મસ્કે વધુમાં કહ્યું કે, આ એવોર્ડ એવી વ્યક્તિને આપવો એ સન્માનની વાત છે જે બહાર કરતા અંદરથી વધુ સુંદર છે. રાજકારણીઓ વિશે આ હંમેશા કહી શકાય નહીં. મેલોનીએ ઈટાલીના વડાપ્રધાન તરીકે શાનદાર કામ કર્યું. મેલોનીએ પણ મસ્કની ખૂબ પ્રશંસા કરવા બદલ આભાર માન્યો.

સુરતમાં ટ્રાફિક નિયમોનું ભંગ કરનાર સામે તંત્રની લાલ આંખ

સુરત: ટ્રાફિક મેનેજમેન્ટ કરવાના સારા પ્રયત્નોને પગલે સુરતના વખાય થઈ રહ્યા છે. ત્યારે હવે શહેરમાં લોકોને ટ્રાફિક નિયમો પાલન કરવા માટે તંત્ર એક્શન મોડમાં આવી ગયા છે. પાછલા ત્રણ દિવસની ડ્રાઈવમાં 1500 લોકોને ઇ-મેમો આપવામાં આવ્યો છે. રોંગ સાઈડ વાહન ચલાવનારને રૂપિયા 3000નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત વારંવાર નિયમો તોડ્તા લાયસન્સ રદ કરાયા છે.

સુરતમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે તંત્રએ ત્રણ દિવસની ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં સિગ્નલ તોડવાથી લઈ ઓવર સ્પીડિંગ, રોંગસાઈડ વાહન ચલાવવા જેવા નિયમ ભંગને લઈ દંડ આપવામાં આવ્યો હતો. પોલીસ વાહનો પર સ્પીડગનથી સતત નજર રાખવામાં આવી રહી છે. રોંગ સાઈડ વાહન હાકરનારને રૂપિયા 3000નો દંડ ફટકારવામાં આવી છે. વારંવાર નિયમ તોડનારના લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ખાસ ડુમસ રોડ પર રેસ લગાવતા વાહનો ચાલાક પર બાજ નજર રાખવામાં આવી છે. સુરતમાં ટ્રાફિકના નિયમો ભંગ કરનારા સાવધાન થઈ જાવ નહીતર તમારા પણ લાયસન્સ રદ થઈ શકે છે.

સુરત આરટીઓ વાહનના નિયમો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે, આવા વાહન ચાલકોનું લાયસન્સ રદ કરવા માટે આરટીઓ મહેનત કરી રહી છે. તાજેતરમાં 75થી વધુ વખત ટ્રાફિકના નિયમો તોડનારાને તેડુ મોકલ્યું હતુ. આ કાર્યવાહીમાં 55 વાહન ચાલકોને RTOનું તેડું આવ્યું હતુ જેમાં 100થી વધુ વખત નિયમ તોડનારા 8 વાહનચાલકો હતા. 75થી વધુ વખત નિયમો તોડનારા 22 વાહનચાલકો હતા. 70 થી વધુ વખત નિયમોનું ભંગ કરનારા 25 વાહન ચાલકો હતા.

કોર્ટે CM સિદ્ધારમૈયા સામે FIR નોંધવા આપ્યો આદેશ

બેંગલુરુઃ કર્ણાટકના CM સિદ્ધારમૈયાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જન પ્રતિનિધિ કોર્ટે CM સિદ્ધારમૈયાની વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે મૈસુર લોકાયુક્ત પોલીસ મામલાની તપાસ કરે અને ત્રણ મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

જજ સંતોષ ગજાનન ભટએ કહ્યું હતું કે હાઇકોર્ટે પણ ચુકાદામાં CM સિદ્ધારમૈયાની વિરુદ્ધ તપાસ કરવાની વાત કહી છે. એ સ્પષ્ટ છે કે દેવરાજ નામના જે વ્યક્તિ પાસેથી ખરીદી ગઈ છે, એ જમીનનો અસલી માલિક નથી. MUDA કેસમાં 24 સપ્ટેમ્બરે સિદ્ધારમૈયાની અરજી હાઇ કોર્ટે ફગાવી દીધી હતી. હાઇ કોર્ટે કહ્યું હતું કે જમીન કૌભાંડમાં સિદ્ધારમૈયા પર કેસ ચાલશે. કર્ણાટક હાઇકોર્ટે રાજ્યપાલના આદેશને પડકારતી CM સિદ્ધારમૈયાની અરજી પર ચુકાદો આપ્યો હતો. મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની ફાળવણી મામલે CM સિદ્ધારમૈયાની વિરુદ્ધ તપાસ માટે રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે મંજૂરી આપી હતી. રાજ્યપાલની આ મંજૂરી મળ્યા પછી હાઇ કોર્ટમાં સિદ્ધારમૈયા તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી.

બીજા પક્ષના વકીલનું કહેવું હતું કે જો લોકાયુક્તની કાર્યવાહીથી તેઓ સંતુષ્ટ ના થયા તો CBI તપાસની માગ કરી શકે છે, જ્યારે CMની આશા ખંડપીઠ પર ચોંટેલી છે. CM કેમ્પે એ સ્પષ્ટ કર્યું છે કે જો ડબલ બેન્ચથી પણ રાહત ના મળી તો સુપ્રીમ કોર્ટનો દ્વાર ખટખટાવવામાં આવશે અને ત્યાં સુધી સિદ્ધારમૈયા રાજીનામું આપવાના મૂડમાં નથી.

 

 

 

 

અમેરિકાની ચૂંટણીઃ આ જાણી લો…

વિશ્વ આખાની નજર આજકાલ અમેરિકાની ચૂંટણી પર છે. હોવી સ્વાભાવિક ય છે, કેમ કે આંતરરાષ્ટ્રીય તખ્તે કાયમ જગત જમાદારની ભૂમિકામાં રહેતા અમેરિકામાં ઘરઆંગણે શું સ્થિતિ છે એ જાણવામાં જગતને રસ હોય જ. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે કે જો આ ચૂંટણી એ હારી જશે તો વર્ષ 2028ની ચૂંટણી નહીં લડે. અર્થાત, ટ્રમ્પભાઇ માટે આ ‘કરો યા મરો’ નો જંગ છે. એની સામે, અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ બનવાનું માન મેળવવા કમલા હેરીસ પણ કોઇ કચાશ નહીં છોડે એ દેખીતું છે.

આમ તો આપણે ત્યાં કે ફોર ધેટ મેટર બીજા કોઇપણ દેશમાં ચૂંટણી વખતે પ્રતિસ્પર્ધી ઉમેદવારો એકબીજા પર આક્ષેપબાજીમાં તૂટી પડે એવું જ અમેરિકામાં પણ ચાલી રહ્યું છે એટલે એમાં કાંઇ નવું નથી. ફરક ફક્ત ચૂંટણી પધ્ધતિમાં છે, પ્રચારની પધ્ધતિ તો લગભગ બધે એકસમાન જ હોય છે!

હમણાં અમેરિકાની બન્ને મુખ્ય પાર્ટી, ડેમોક્રેટીક અને રિપબ્લિકનના કમ્પેઇન સાથે જોડાયેલી બે પોલિટીકલ એક્સપર્ટ્સ ગુજરાત-ભારતની મુલાકાતે હતી. ડેમોક્રેટ્સમાંથી દેશેકા રફિન અને રિપબ્લિકન્સમાંથી એલિસન વિલિયમ્સ. એકબીજાથી તદ્દન વિરોધી વિચારધારા ધરાવતી હોવા છતાં, અમેરિકામાં એમના પ્રમુખપદના ઉમેદવારો એકબીજા પર ખુલ્લેઆમ બોલતાં હોવા છતાં આ માનુનીઓ અમેરિકાથી ભારત સાથે સફર કરી રહી હતી! દેશના વિવિધ પોલિસી મેકર્સ-જૂથના લોકોને સાથે મળી રહી હતી!

(ડાબે: એલિસન વિલિયમ્સ- જમણે: દેશેકા રફિન )

એટર્ની અને પોલિટીકલ એક્સપર્ટ તરીકેનો વીસ વર્ષનો અનુભવ અનુભવ ધરાવતી દેશેકા રફિન ગુગલના કમ્યુનિટી એન્ગેજમેન્ટ વિભાગની ગ્લોબલ હેડ છે. અગાઉ ઓબામા ફોર અમેરિકા, હિલેરી ફોર અમેરિકા જેવા કેમ્પેઇનમાં સક્રિય ભાગ લઇ ચૂકી છે. રિપબ્લિકનનો ગઢ ગણાતી અલબામા અને જ્યોર્જિયાની બે સેનેટ બેઠકને ડેમોક્રેટીકની બેઠક બનાવવામાં એનો ફાળો છે. તો, એલિનસ વિલિયમ્સ સ્ટ્રેટેજિક પ્લાનિંગ કન્સલ્ટન્ટ છે અને અર્કાન્સસના ભૂતપૂર્વ ગવર્નર સાથે મહત્વના વિષયો પર કામ કરી ચૂકી છે. આ રાજ્યના મહિલા કમિશનનું નેતૃત્વ કરીને વર્કફોર્સમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવામાં એનું મહત્વનું યોગદાન છે.

અમદાવાદમાં એમની સાથે અમેરિકાની ચૂંટણીના વિવિધ પાસાં અંગે જે લંબાણપૂર્વક ચર્ચા થઇ એમાંથી તારવેલા કેટલાક મુદ્દાઓ આ રહ્યાઃ

એકઃ કમલાએ પાસાં પલટ્યાં 

હરીફ હોવા છતાં રિપબ્લિકન એક્સપર્ટ એલિસન વિલિયમ્સ નિખાલસતાથી સ્વીકારે છે કે, કમલા હેરીસની એન્ટ્રીથી બાજી બદલાઇ છે. બાઇડન અને ટ્રમ્પ વચ્ચે જે તફાવત હતો (જેમાં ટ્રમ્પ ખાસ્સા આગળ હતા) એ ઘણો ઘટ્યો છે. સામે પક્ષે, રફિન આશાવાદ સેવે છે કે કમલાના આગમનથી મહિલા મતદારો ડેમોક્રેટ્સ તરફ ઝુકશે. હેરીસને કેમ્પેઇન માટે ખૂબ ઓછો સમય મળ્યો હોવા છતાં એની મહિલા મતદારો પર અપીલ અને એનું ‘વુમન ઓફ કલર (એટલે કે નોન-વ્હાઇટ મહિલા) હોવું’ એ ફેક્ટર અસર કરશે જ. અલબત્ત, દેશેકા રફિન વ્યક્તિગત રીતે અન્ય ડેમોક્રેટ્સની જેમ મિશેલ ઓબામાથી પ્રભાવિત હોવા છતાં કહે છે કે, ‘ડેમોક્રેટ્સમાંથી ઘણા મિશેલને ઉમેદવાર જોવા માગતા હતા, પણ ખુદ મિશેલે જ કમલાને ટેકો જાહેર કર્યા પછી પાર્ટીમાં આંતરિક રીતે એ મુદ્દો જ નથી.’

બેઃ ટ્રમ્પ પર હુમલા અને સહાનુભૂતિ

બે વખત હુમલાનો સામનો કરી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પ બેબાક વક્તા છે. સાથે એટલા જ લોકપ્રિય છે, ખાસ કરીને જમણેરી સમર્થકોમાં. હુમલાના બનાવ પછી સમર્થકો ટ્રમ્પને સહાનુભૂતિનો લાભ મળશે એવી આશા જરૂર રાખે છે, પણ ફક્ત એ એક જ બાબત પર મદાર રાખીને નથી બેઠા. એલિસન વિલિયમ્સના મતે, સહાનુભૂતિના કારણે ટ્રમ્પની લોકપ્રિયતા વધી છે, પણ રિપબ્લિકન્સના કાર્યકરો પાર્ટીની લોકપ્રિયતા પર મત મેળવવા ય એટલી જ મહેનત કરી રહ્યા છે.

ટ્રમ્પની લોકપ્રિયતાની સાથે એમની એન્ટી-મુસ્લિમ ઇમેજની વાત નીકળતાં એલિસન સ્પષ્ટતા કરે છે કે, ‘ટ્રમ્પ એન્ટી-મુસ્લિમ નહીં, એન્ટી-ટેરેરીઝમ છે.’ ટ્રમ્પ ત્રાસવાદ સામે સખત વલણ અપનાવે છે, આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર શબ્દો ચોર્યા વિના બોલે છે, તડ ને ફડ કરે છે એટલે લોકોને ગમે છે.

ત્રણઃ મુદ્દાઓ અને વિદેશનીતિ શું અસર કરે છે?

આપણને અહીં બેઠાં બેઠાં અમેરિકાની ચૂંટણી એટલે ટ્રમ્પ અને હેરીસના નિવેદનો એટલું જ દેખાય, પણ અમેરિકામાં ગ્રાઉન્ડ પર ફક્ત નિવેદનો કામ નથી કરતા. મુદ્દાઓ પણ નિર્ણાયક હોય છે. બન્ને એક્સપર્ટ્સ સ્વીકારે છે કે, આ ચૂંટણીમાં ઇકોનોમી, બેરોજગારી, વિમેન રિપ્રોડક્ટીવ હેલ્થ અને ઇમિગ્રેશન પોલિસી જેવા મુદ્દાઓ ચર્ચામાં છે અને બન્ને પાર્ટી એના પર ફોકસ કરી રહી છે.

સરપ્રાઇઝીગલી, વિદેશનીતિનો મુદ્દો અમેરિકનો માટે એટલો મહત્વનો નથી. ડેમોક્રેટ્સ કે રિપબ્લિકન્સની વિદેશનીતિ શું છે એની સાથે મતદારોને ખાસ લેવાદેવા નથી. રફિન અને એલિસન બન્નેના મતે, આ મુદ્દો ખાસ ચર્ચામાં પણ નથી. હા, આમ છતાં ઇઝરાયેલ-ગાઝા સંઘર્ષમાં અમેરિકાનું સ્ટેન્ડ અને ટ્રમ્પનું વલણ થોડાઘણા અંશે અમેરિકનોને પ્રભાવિત કરી શકે ખરું.

ચારઃ પોપ્યુલર વોટ વર્સિસ ઇલેક્ટોરલ

અમેરિકાની ચૂંટણી એટલી અટપટી છે કે ઘણા રાજકીય સમીક્ષકો ગોથાં ખાઇ જાય છે. અત્યારે ટ્રમ્પ કે હેરીસ બેમાંથી લોકપ્રિયતામાં કોઇ આગળ હોય એનો મતલબ એ નથી કે ચૂંટણીમાં એ જ જીતશે! જાણી લો કે, અમેરિકન ચૂંટણીમાં પોપ્યુલર વોટ અને ઇલેક્ટોરલ વોટ એ બે અલગ ચીજ છે. જૂદા જૂદા રાજ્યમાં ઇલેક્ટોરલ વોટ્સની ગણતરીના આધારે પ્રમુખપદનો વિજેતા નક્કી થાય છે એટલે ઘણીવાર બને કે, લોકપ્રિય ઉમેદવાર હારી પણ જાય. વર્ષ 2000ની ચૂંટણીમાં જ્યોર્જ બુશ અને અલ ગોર વચ્ચેની લડાઇમાં અલ ગોર લોકપ્રિયતામાં ખૂબ આગળ હતા, પણ પ્રમુખ બુશ બન્યા. એ જ રીતે, વર્ષ 2016માં ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટનમાંથી લોકપ્રિયતાની રેસમાં હિલેરી ક્યાંય આગળ હતા, પણ જીત્યા ટ્રમ્પ. પેન્સિલવેનિયા, મિશિગન, નવાડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, ફ્લોરિડા જેવા સ્વિંગ સ્ટેટ્સ ગણાતા રાજ્યોના ઇલેક્ટોરલ્સ પ્રમુખપદની જીત નક્કી કરે છે.

પાંચઃ મતદાનનું પ્રમાણ

અમેરિકનો એટલે ભણેલા-ગણેલા, લોકશાહીના સમર્થક અને જાગૃત મતદારો એવી ધારણા તમારા મનમાં હોય તો કાઢી નાખજો. રફિન અને એલિસન કહે છે એમ, આજે પણ ‘મતદારોની બેલેટ પેપર એક્સેસ’ (તમામ મતદારો સુધી બેલેટ પહોંચાડવાની પ્રક્રિયા) એ અમેરિકાની ચૂંટણીનો સૌથી મોટો પડકાર છે. અત્યાર સુધીની ચૂંટણીઓમાં સરેરાશ 55 થી 59 ટકા જ મતદાન નોંધાયું છે. એની સામે ભારતનો મતદાનનો રેકોર્ડ વધારે ઉજળો છે. અને હા, અમેરિકામાં પણ પુરુષો કરતાં મહિલાઓમાં મતદાનનું પ્રમાણ 4 થી 5 ટકા જેટલું વધારે છે.

 

છઃ કમ્યુનિકેશનના લાભ-ગેરલાભ

સોશિયલ મિડીયાના પ્રભાવથી દુનિયાના લગભગ કોઇ દેશની ચૂંટણી બચી શકી નથી, પણ અમેરિકા એમાં ય એક ડગલું આગળ છે. અગાઉની ચૂંટણીઓમાં રશિયાની દખલગિરીના આક્ષેપો જૂના નથી. આ વખતે તો પહેલીવાર ટ્વીટર (હવે એક્સ) જેવા પ્લેટફોર્મના માલિક અને વારંવાર ચર્ચામાં રહેતા એલોન મસ્કે ટ્રમ્પની ખુલ્લેઆમ તરફદારી કરીને એ હદ ય વટાવી દીધી છે. એલિસન વિલિયમ્સ કહે છે એમ, સોશિયલ મિડીયામાં ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતીનું પ્રમાણ વધવાથી રાજકીય પાર્ટીઓ માટે અસરકારક અને પરફેક્ટ કમ્યુનિકેશન એક પડકાર છે.

સાતઃ કમલાનું ‘ફોરેન ઓરિજિન’ ફેક્ટર

આપણાં ચશ્માથી અમેરિકન ચૂંટણી જોઇએ તો કમલા હેરીસના ભારતીય મૂળનું હોવું એ ચૂંટણીમાં બહુ મોટો મુદ્દો લાગે, પણ રફિન કે એલિસનના મતે કમલાનાં મૂળ એ અમેરિકનો માટે કોઇ મુદ્દો જ નથી! રફિન કહે છે એમ, કમલા ઇઝ અમેરિકન. ધેટ્સ ઇટ. એનાથી આગળ એ કોણ છે એ અમેરિકનો માટે મહત્વનું નથી. ઉલ્ટાનું, ‘વુમન ઓફ કલર’ તરીકેની એની ઓળખના કારણે નેટીવ અમેરિકન મતદારોનો ઝોક એના તરફ ઢળે એવા ચાન્સ વધારે છે. એનાં કૂળ કરતાં એનું કામ મેટર કરે છે, અમેરિકન મહિલાઓ માટે શું કરી શકે છે, એ પડકારોનો સામનો કરવા સક્ષમ છે કે કેમ એ વધારે મહત્વનું છે.

હા, સૌથી વધુ મહત્વનું ફેક્ટર છેઃ ડીબેટ. પરસ્પર વિરોધી વિચારધારના પ્રતીકો પણ એક મંચ પર આવીને ચર્ચા કરે, વિવિધ મુદ્દે પોતાનો મત રજૂ કરે એ પરંપરા અમેરિકાની ચૂંટણીની વિશેષતા છે. પરસ્પરની અસહમતિ છતાં સાથે ચાલવાની આ સ્વસ્થ પરંપરાના કારણે જ રફિન અને એલિસન એક સાથે પ્રવાસ કરે છે, એક સાથે ચર્ચામાં ભાગ લઇને પોતાનો મત રજૂ કરે છે. છૂટા પડતી વખતે આ મુદ્દે વાત નીકળી તો જવાબમાં બન્નેએ સરસ કહ્યુઃ ‘વિરોધી હોવા છતાં અમે સાથે છીએ કેમ કે, વી લવ અમેરિકા!’

છે ને આપણાવાળાઓએ ગાંઠે બાંધવા જેવી વાત?

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)   

આ ઐતિહાસિક વાવમાં બિરાજમાન છે માતા ભવાની

અહમદશાહ બાદશાહએ વસાવેલી ઐતિહાસિક નગરી એટલે આજનું અમદાવાદ. પહેલાંના સમયમાં કોટ વિસ્તારની અંદર શહેર અને બહાર ચારેય તરફ અનેક ગામડાં અને કસ્બા વસેલા હતા. ઝડપથી થતાં શહેરીકરણના કારણે આજે અનેક ગામડાંઓ શહેરમાં સમાઈ જઈને તેનો એક વિસ્તાર બની ગયા છે. એમાનું એક ગામ કસ્બો એટલે આજનો અસારવા વિસ્તાર. હાલ સરકારી કચેરીઓ, રેલવે યાર્ડ, સિવિલ હોસ્પિટલના જુદા-જુદા વિભાગ, જૂની મિલો, નાના-મોટાં ઉદ્યોગોથી અસારવા વિસ્તાર ધમધમી રહ્યો છે.

આ જ અસારવા વિસ્તારમાં પૌરાણિક મંદિર અને વાવ પણ આવેલા છે. અસારવાથી ચામુંડા બ્રિજ તરફના માર્ગ પરના તળાવને અડીને આવેલી માતા ભવાનીની વાવ એક આગવું જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. વાવમાં ટાંકેલી માહિતી અનુસાર માતા ભવાનીની આ વાવ 11મી સદીમાં તૈયાર કરવામાં આવી હતી. સોલંકી યુગમાં રાજા કરણે 1083 થી 1093 દરમિયાન આ કુવા, ઝરુખા સાથેની કલાત્મક બહુમાળી વાવ બનાવી હોવાનું અનુમાન છે. વાવની અંદર માતા ભવાની બિરાજમાન છે. આ સાથે અન્ય દેવી દેવતાઓ પણ બિરાજમાન છે. શિવલિંગ સાથે મહાદેવજી પણ આ ઐતિહાસિક વાવમાં છે. માતા ભવાનીની વાવની સૌથી મહત્વની બાબત એ છે કે અહીં નવરાત્રિએ વાવમાં આસ્થાથી ગરબાની માંડવીઓને સજાવવામાં આવે છે. દીપોત્સવના તહેવારોમાં પણ આખીય વાવને સજાવી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

બોટાદ જિલ્લામાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, મોટી દુર્ઘટના ટળી

રાજ્યમા થોડા દિવસો પહેલા સુરતના કીમ-કોલંબા સ્ટેશન વચ્ચે પ્રમોશનની લાલચમાં હાજરો લોકો જીવ જોખમમાં મુકી ટ્રેન ઉથલાવવાનું કાવતર સામે આવ્યું હતું. ત્યારે આજે ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાનો બનાવ પ્રકાશમાં છે. બોટાદના કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક પર કોઈએ મોડી રાત્રીના રેલવે ટ્રેક પર 4 ફૂટ ઊંચા લોખંડના પાટાનો ટુકડો ઊભો કરી દીધો હતો. જેના કારણે બોટાદના કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક પર મોડી રાત્રીના ઓખાથી ભાવનગર જતી ટ્રેનનું એન્જિન બંધ થયું હતું..

આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ પણ જાનહાની થઈ નથી. જ્યારે ટ્રેન સહીસલામત રીતે રેલવે ટ્રેક પર ઊભી રહી જતા હજારો જીવ બચ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાને લઈને રેલવે બોટાદ એસપી, ડીવાયએસપી, રેલવે અધિકારીઓ, રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રેન ઉથલાવાનો પ્રયાસ થયો હોય તેવી આશંકાએ તપાસ હાથ ધરી છે. રેલવે ટ્રેક પરથી લોખંડના ટુકડા મળ્યા હોવાની પ્રાથમિક વિગતો હાલ સામે આવી છે. હાલ બોટાદ પોલીસ, LCB, SOG સહિતની ટીમે આ બનાવ કઈ રીતે બન્યો તે અંગે ડોગ-સ્ક્વોડ અને ડ્રોન કેમેરાની મદદથી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર બોટાદ જિલ્લાના રામપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી 2 કિલોમીટરના અંતરે વહેલી સવારે પેસેન્જર ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટ્રેન જતી હતી, ત્યારે કોઈએ રેલવે ટ્રેકની વચ્ચે આશરે ચારેક ફૂટ લંબાઈનો જૂનો પાટાનો ટુકડો ઊભો કરી દીધો હતો. જેના લીધે ઓખા-ભાવનગર ટ્રેનનું એન્જિન અથડાતાં ટ્રેન ઊભી રહી ગઈ હતી. ત્યાર બાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા રાણપુર પોલીસને જાણ કરતા હાલ LCB, SOG સહિતની ટીમે આ અંગે તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે દેશમાં બે મહિનામાં ટ્રેનને પાટા પરથી ઉતારવાનો આ 23મો પ્રયાસ છે. અગાઉ 20 સપ્ટેમ્બરે સુરતમાં રેલવે ટ્રેકમાં છેડછાડ કરવામાં આવી હતી. ટ્રેનોને પાટા પરથી ઉતારવાના વધી રહેલા પ્રયાસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર રેલવે એક્ટમાં સુધારો કરવા જઈ રહી છે. આ અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે. આ અંતર્ગત અકસ્માતનું ષડ્યંત્ર રચવા બદલ રાજદ્રોહનો કેસ નોંધવામાં આવશે. આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ પણ હશે.

મતદાનની વચ્ચે ઉમર અબદુલ્લા, કોંગ્રેસની વચ્ચે મતભેદ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં છ જિલ્લાની 26 સીટો પર મતદાન જારી છે. સવારે 11 કલાક સુધી 24.10 ટકા મતદાન થયું હતું. આમાં 25.78 લાખ મતદાતાઓ મતદાન કરી શકશે. સીટ વહેંચણી અનુસાર NC 51 સીટો પર, કોંગ્રેસ 32 સીટો પર અને CPI (M) એક સીટ પર ચૂંટણી લડી રહી છે.

રાજ્યમાં મતદાનની વચ્ચે NCના ઉમર અબદુલ્લાએ રાહુલ ગાંધીને કાશ્મીર ચૂંટણી પ્રચાર ખતમ કરવા અને જમ્મુ પર ધ્યાન કેન્દ્રિત કરવા આગ્રહ કર્યો હતો. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે માત્ર કાશ્મીરમાં જ પ્રચાર કરવાને બદલે કોંગ્રેસે જમ્મુને પ્રાથમિકતા આપવી જોઈએ. જ્યાં એની પાસે મોટા ભાગની સીટો છે. મને આશા છે કે રાહુલ કાશ્મીરમાં એક-બે સીટો પર પ્રચાર કર્યા પછી જમ્મુ પર ધ્યાન કેન્દ્રિત કરશે. કોંગ્રેસ કાશ્મીરમાં શું કરશે એ મહત્ત્વનું નથી, પણ કોંગ્રેસ જમ્મુમાં શું કરે છે, એ મહત્ત્વનું છે.

તેમણે કહ્યું હતું કે અમે 10 વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ. પહેલા તબક્કાનું મતદાન સારું રહ્યું હતું. અમને બીજા તબક્કામાં પણ સારા મતદાનની અપેક્ષા છે. એ ઉત્સાહજનક રહ્યું છે.જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીમાં છ જિલ્લાના 26 મતવિસ્તારોમાં 239 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં 131 ઉમેદવારો કરોડપતિ છે અને 49 ઉમેદવારો પર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.  ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન પહેલી ઓક્ટોબરે થશે અને મતોની ગણતરી આઠ ઓક્ટોબરે પૂરી થશે.

 

વકફ બિલ પર દેશને ગુમરાહ કરવાનું ષડયંત્ર

નવી દિલ્હીઃ વકફ બિલ પર સૂચનો આપવાની સમયમર્યાદા ખતમ થઈ ચૂકી છે. સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ના સભ્ય અને ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સૂચનોને લઈને મોટો દાવો કર્યો છે.  વકફ સંશોધન બિલ પર JPCના વરિષ્ઠ સભ્ય નિશિકાંત દુબેએ JPCના અધ્યક્ષ જગદમ્બિકા પાલને પત્ર લખ્યો છે.

દુબેએ પાલને પત્ર લખીને ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે JPCને મળેલા સવા કરોડ પત્રોની ભાષા એક જેવી છે, જેમાં વકફ સંશોધન બિલને તત્કાળ અસરથી રદ કરવાની માગ કરવાની વાત કરવામાં આવી છે. આ સૂચનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા મોકલવામાં આવ્યા હોવાની આશંકા છે. એને આંતરરાષ્ટ્રીય સ્તરેથી કન્ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને દેશની અંદર માહોલ ખરાબ કરવાની આંતરરાષ્ટ્રીય કાવતરું રચવામાં આવી રહ્યું છે. આ પત્ર તેમણે રાષ્ટ્રીય અખંડતિતા પર જોખમ ગણાવ્યું હતું.

આની પાછળ આંતરરાષ્ટ્રીય ઇસ્લામિક સંગઠન છે, જે દેશની વ્યવસ્થા બરબાદ કરવા ઇચ્છે છે. ભાગેડુ ઇસ્લામિક કટ્ટરપંથી જાકિર નાઇક અને અમારા દેશના યુવાઓની વચ્ચે ભ્રમ ફેલાવીને વકફ સંશોધન બિલ દ્વારા સરકારની વિરુદ્ધ કરવાની યોજના છે, એમ તેમણે કહ્યું હતું.

જાકિર નાઇક JPCને સબમિશનથી ભરવામાં તેના નેટવર્કની કોઈ પ્રકારે મિલીભગત છે એની તપાસ કરવામાં આવવી જોઈએ.આ દેશની સુરક્ષાના મુદ્દે તરીકે જોવું જોઈએ. તેમણે આરોપ લગાવ્યો હતો કે વકફ સંશોધન બિલની વિરુદ્ધ ISI, ચીન અને જમાતે-એ-ઇસ્લામી બંગલાદેશ અને તાલિબાન જેવાં કટ્ટરપંથી સંગઠનો, વિદેશી અભિનેતાઓની સંડોવણી એક ગંભીર ચિંતાનો વિષય છે.