Home Blog Page 33

લક્ષ્મી ભંડાર યોજનાના 30 લાખ લાભાર્થી અપાત્રઃ સુવેન્દુ અધિકારીનો દાવો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર દ્વારા મહિલાઓ માટે શરૂ કરાયેલી ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) યોજના “લક્ષ્મી ભંડાર”ના અંદાજે 30 લાખ લાભાર્થીઓ અયોગ્ય હતા.  આ એવા લોકો છે કે જેમનાં નામ મતદાર યાદીમાંથી કાયમી રીતે દૂર કરવામાં આવ્યા છે અથવા જેમણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સંબંધિત ટ્રિબ્યુનલમાં અથવા નાગરિકતા સુધારા કાયદા (CAA) હેઠળ નાગરિકતા માટે અરજી કરી નથી. નવી ભાજપ સરકાર હવે લક્ષ્મી ભંડાર યોજનાને સ્થાને “અન્નપૂર્ણા યોજના” શરૂ કરી રહી છે, જે 1 જૂનથી અમલમાં આવશે.

રાજ્ય વહીવટી મુખ્યાલયમાંથી યોજાયેલી વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે અમને લાગ્યું હતું કે લક્ષ્મી ભંડારના લાભાર્થીઓની યાદીની સંપૂર્ણ ચકાસણી થઈ ગઈ હશે, પરંતુ અમને અનેક ફરિયાદો મળી છે કે લગભગ 30 લાખ લોકો — જેમનાં નામ મતદાર યાદીમાંથી કાયમી રીતે દૂર કરવામાં આવ્યાં છે, જેમણે CAA હેઠળ નાગરિકતા માટે અરજી કરી નથી અથવા જેમણે કોઈ ટ્રિબ્યુનલમાં અપીલ નથી કરી — તેમને હજુ પણ પૈસા મળી રહ્યા છે. જ્યારે અમને ફોર્મ મળશે ત્યારે આ આંકડા વિશે વધુ સ્પષ્ટ માહિતી મળશે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં લક્ષ્મી ભંડાર યોજનાના લગભગ 2.2 કરોડ લાભાર્થીઓ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે જે લોકો હાલમાં લક્ષ્મી ભંડાર હેઠળ સહાય મેળવી રહ્યા છે, તેઓ અન્નપૂર્ણા યોજનાના ફોર્મ ભરીને મંજૂરી ન મળે ત્યાં સુધી સહાય મેળવતા રહેશે. સરકારનો મુખ્ય હેતુ અન્નપૂર્ણા યોજના શરૂ કરતાં પહેલાં લક્ષ્મી ભંડારમાંથી અયોગ્ય લોકોને દૂર કરીને સ્પષ્ટ યાદી તૈયાર કરવાનો છે.

તેમણે એવો પણ દાવો કર્યો કે મહિલાઓ માટે બનાવાયેલી આ યોજનાનો લાભ અનેક પુરુષોએ પણ લીધો છે. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું હતું કે રકિબુલ શેખ, જેમના પિતાનું નામ મન્સૂર શેખ છે અને જે બહરામપુરના રાધરઘાટ-1 ગ્રામ પંચાયતના રહેવાસી છે, તેમને પણ લક્ષ્મી ભંડારના પૈસા મળી રહ્યા હતા. ચકાસણીના અભાવને કારણે આવી ગેરરીતિઓ થઈ છે. મમતા બેનર્જીની આગેવાનીવાળી સરકારે 2021માં લક્ષ્મી ભંડાર યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ 25થી 60 વર્ષની મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવતા હતા, જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓને 1700 રૂપિયા મળતા હતા. હવે ભાજપ સરકારે અન્નપૂર્ણા યોજના હેઠળ આ સહાય વધારીને 3000 રૂપિયા કરી દીધી છે.

અમેરિકી સેનાનો ઈરાન પર વધુ એક હુમલો

નવી દિલ્હીઃ અમેરિકી સેનાએ બુધવારે ઈરાન વિરુદ્ધ આ સપ્તાહની બીજી ‘રક્ષાત્મક’ કાર્યવાહી કરી હતી. અમેરિકાનું કહેવું છે કે અધિકારીઓએ ઈરાનની સૈન્ય ગતિવિધિઓમાં આક્રમકતા હતી. બે અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે અમેરિકી સેનાએ ચાર ઈરાની ડ્રોનને તોડી પાડ્યા હતા અને એવા એક બેઝ પર હુમલો કર્યો, જ્યાંથી પાંચમો ડ્રોન લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી હતી. અધિકારીઓએ કહ્યું કે તેમને લાગ્યું હતું કે આ તમામ ડ્રોન હોર્મુઝ જળમાર્ગ માટે ખતરો બની શકે છે. સંવેદનશીલ સૈન્ય કાર્યવાહી અંગે ચર્ચા હોવાથી અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે માહિતી આપી હતી.

કેબિનેટ બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના રાજ્ય ટેલિવિઝનના એક રિપોર્ટને ફગાવી દીધો હતો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાનને એક અનૌપચારિક ડ્રાફ્ટ મળ્યો છે, જેમાં એક મહિનાની અંદર યુદ્ધ પૂર્વના સ્તરે કોમર્શિયલ શિપિંગ ફરી શરૂ કરવાની વાત હતી. આ ઉપરાંત આ ડ્રાફ્ટમાં ઈરાન અને ઓમાન મળીને જળમાર્ગના ટ્રાફિક મેનેજમેન્ટની જવાબદારી સંભાળશે, એવો પણ દાવો કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે કોઈ એક દેશ આ જળમાર્ગ પર નિયંત્રણ નહીં રાખે. ટ્રમ્પે ઓમાન અંગે ચેતવણીભર્યા અંદાજમાં ટિપ્પણી કરી હતી, જ્યારે અમેરિકા અને ઓમાન વચ્ચે દાયકાઓ જૂના સૈન્ય અને આર્થિક સંબંધો છે.

હોર્મુઝ જળમાર્ગ પર કોઈનું નિયંત્રણ નહીં

ટ્રમ્પે કહ્યું હતું કે કોઈ પણ આ જળમાર્ગ પર નિયંત્રણ નહીં કરે. આ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્ર છે અને ઓમાન પણ અન્ય દેશોની જેમ જ વર્તન કરશે, નહીં તો અમારે તેમને ઉડાવી દેવા પડશે. તેઓ આ વાત સમજે છે અને બધું ઠીક રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે તેમને હાલ ઈરાન સાથે થયેલા કરારથી સંતોષ નથી. એ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા ઈરાન પર લાગેલા પ્રતિબંધોમાં છૂટછાટ આપવા અંગે કોઈ ચર્ચા કરી રહ્યું નથી. વ્હાઇટ હાઉસમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું કે ઈરાન સમજૂતી કરવા માગે છે.

સુવિચાર – ૨૮ મે ૨૦૨૬

પંચાંગ 28/05/2026

૨૮ મે ૨૦૨૬

રાજસ્થાનની SRH ને 47 રને કચડીને ક્વોલિફાય-2 માં એન્ટ્રી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) હવે તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે ત્યારે પ્લેઓફની મેચોમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે. બુધવારે ન્યૂ ચંદીગઢના મુલ્લાંપુર સ્ટેડિયમમાં રમાયેલા હાઈ-વોલ્ટેજ એલિમિનેટર મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 47 રનથી કારમી હાર આપીને શાનદાર જીત મેળવી છે. આ મેચની શરૂઆતથી જ રાજસ્થાનની ટીમ ફ્રન્ટફૂટ પર જોવા મળી હતી અને ત્રણેય ડિપાર્ટમેન્ટમાં હૈદરાબાદ પર સંપૂર્ણ દબદબો બનાવી રાખ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 243 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કર્યો હતો. જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની મજબૂત બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી અને ટીમ માત્ર 196 રન જ બનાવી શકી હતી. આ હાર સાથે જ હૈદરાબાદની સફર આ સિઝનમાં અહીં જ સમાપ્ત થઈ ગઈ છે.

 

વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ જુરેલનું બેટિંગ વાવાઝોડું

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ મેદાન પર રનનો અંબાર લગાવી દીધો હતો. આ હાઈ-સ્કોરિંગ મેચમાં યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Suryavanshi) શરૂઆતથી જ હૈદરાબાદના બોલરો પર આક્રમણ કર્યું હતું. વૈભવે માત્ર 29 બોલમાં 97 રનની યાદગાર અને ઐતિહાસિક ઇનિંગ રમીને ઘણા મોટા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા હતા. તેની આ વિસ્ફોટક ઇનિંગના કારણે એક સમયે રાજસ્થાનનો સ્કોર 270 ને પાર જાય તેવું લાગી રહ્યું હતું. વૈભવ ઉપરાંત મિડલ ઓર્ડરમાં ધ્રુવ જુરેલે પણ તોફાની બેટિંગ કરી હતી અને માત્ર 21 બોલમાં 50 રનની શાનદાર અડધી સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.

તબાહ થઈ ગઈ હૈદરાબાદની બેટિંગ, સ્ટાર ખેલાડીઓ ફ્લોપ

244 રનના વિશાળ અને મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી. ટીમની શરૂઆત એટલી ખરાબ રહી કે ઓપનર અભિષેક શર્મા ખાતું ખોલાવ્યા વિના જ શૂન્ય રને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ત્યારબાદ મોટા સ્કોરની આશા જગાવનારા ઇશાન કિશન અને ટ્રેવિસ હેડ જેવા વિસ્ફોટક બેટ્સમેનો પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા.

મિડલ ઓર્ડરમાં હેનરિક ક્લાસેન ટીમની છેલ્લી આશા હતો, પરંતુ રાજસ્થાનના બોલર યશરાજ પુંજાએ ક્લાસેનને આઉટ કરીને મેચને સંપૂર્ણપણે રાજસ્થાન રોયલ્સ તરફ નમાવી દીધી હતી. હૈદરાબાદની ટીમ નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી અને આખી ટીમ નિર્ધારિત ઓવરો પૂરી થાય તે પહેલા જ 196 રન પર સમેટાઈ ગઈ હતી.

ક્વોલિફાય-2 માં ગુજરાત ટાઇટન્સ સામે ટક્કર

એલિમિનેટર મેચમાં આ ધમાકેદાર જીત સાથે રાજસ્થાન રોયલ્સે ક્વોલિફાયર-2 માં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. હવે રાજસ્થાનનો આગામી મુકાબલો ગુજરાત ટાઇટન્સ (GT) સામે થશે. આ રોમાંચક મેચમાં જે પણ ટીમ જીત મેળવશે, તે ટીમ રવિવારે અમદાવાદના મેદાન પર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે આઈપીએલ 2026 ના ટાઇટલ એટલે કે ટ્રોફી માટે ફાઇનલ જંગ રમશે.

11 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ

દેશના મોટાભાગના વિસ્તારો અત્યારે ભીષણ ગરમી અને આકરી લૂનો સામનો કરી રહ્યા છે, ત્યારે સામાન્ય જનજીવન માટે હવામાન વિભાગ તરફથી એક ખૂબ જ રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, દેશના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવવા જઈ રહ્યો છે. દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ સહિત દેશના આશરે 11 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને કરા પડવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ અણધાર્યા હવામાન પલટાને કારણે ઘણી જગ્યાએ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની પણ શક્યતા છે, જેનાથી તાપમાનમાં મોટો ઘટાડો નોંધાશે.

દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશમાં વરસાદી માહોલ

દેશના પાટનગર દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો (NCR) માં છેલ્લા કેટલાક દિવસોથી સૂર્યદેવ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. પરંતુ 28 May થી અહીં હવામાનનો મિજાજ સંપૂર્ણપણે બદલાઈ જશે. હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં ગરજ-ચમક સાથે વરસાદી ઝાપટાં પડશે અને ધૂળભરી આંધી ચાલવાની પૂરેપૂરી સંભાવના છે.

બીજી તરફ, ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં પણ કુદરત મહેરબાન થશે. યુપીના લખનૌ, વારાણસી, પ્રયાગરાજ, કાનપુર અને ગોરખપુર સહિતના મોટા પ્રદેશોમાં 28 થી 31 May દરમિયાન તેજ વાવાઝોડું ત્રાટકશે અને ભારે વરસાદ થવાનું અનુમાન છે. આ દરમિયાન હવામાન વિભાગે પૂર્વાંચલ અને આસપાસના વિસ્તારોમાં વીજળી પડવાની તેમજ કરા પડવાની કડક ચેતવણી પણ જાહેર કરી છે.

બિહાર અને રાજસ્થાનમાં વાવાઝોડાની એન્ટ્રી, ઓરેન્જ એલર્ટ જાહેર

બિહારમાં પણ હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. રાજ્યના કટિહાર, પૂર્ણિયા અને પૂર્વ ચંપારણ સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને તીવ્ર પવનનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પવનની ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જે સામાન્ય જનજીવનને પ્રભાવિત કરી શકે છે.

રાજસ્થાનમાં સક્રિય થઈ રહેલા નવા પશ્ચિમી વિક્ષોભ (Western Disturbance) ના કારણે રણપ્રદેશના હવામાનમાં પલટો આવશે. જયપુર, જોધપુર, અજમેર, બીકાનેર અને કોટા સંભાગમાં જોરદાર ધૂળની ડમરીઓ ઉડવાની સાથે વરસાદી માહોલ સર્જાશે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા હવામાન વિભાગે રાજસ્થાનના અનેક જિલ્લાઓ માટે ‘ઓરેન્જ એલર્ટ’ (Orange Alert) જાહેર કર્યું છે.

પહાડી વિસ્તારો અને દક્ષિણ ભારતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી

પહાડી રાજ્યો એવા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આગામી દિવસોમાં વાતાવરણ ખુશનુમા બની જશે. શિમલા, કુલ્લુ, મંડી, ચમોલી અને રાનીખેત જેવા પ્રખ્યાત પ્રવાસન સ્થળો પર ભારે પવન સાથે વરસાદ અને ઓલાવૃષ્ટિ થવાની સંભાવના છે, જેનાથી અહીં ઠંડક પ્રસરી જશે.

મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં પણ ગરમીનો પ્રકોપ ચરમસીમાએ છે, જ્યાં નાગપુર અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાનનો પારો 46 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જો કે, વિદર્ભના લોકોને પણ 29 May થી વરસાદ અને ગરજ-ચમક સાથે ગરમીમાંથી મોટી રાહત મળવાની આશા છે. અહીં પણ યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત પૂર્વત્તર રાજ્યો જેવા કે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં ભારેથી અતિભારે વરસાદ અને વીજળીના કડાકા સાથે તોફાન આવવાની આશંકા છે. દક્ષિણ ભારતના તેલંગાણામાં પણ ભીષણ ગરમીના દોર બાદ હવે પ્રી-મોન્સૂન (Pre-Monsoon) વરસાદ દસ્તક દેવા જઈ રહ્યો છે. હૈદરાબાદ સહિત આસપાસના જિલ્લાઓમાં 28 May થી હળવા વરસાદી ઝાપટાં શરૂ થવાની પૂરેપૂરી સંભાવના છે.

સીએમ બન્યા બાદ વિજયની પીએમ મોદી સાથે પ્રથમ મુલાકાત

તમિલનાડુની સત્તાના સૂત્રો હાથમાં લીધા બાદ મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે બુધવારે દેશની રાજધાની નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રથમ ઔપચારિક મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ પીએમ મોદી સાથેની આ તેમની પહેલી મુલાકાત હોવાથી રાજકીય વર્તુળોમાં આ બેઠક પર ભારે નજર હતી. આશરે 20 મિનિટ સુધી ચાલેલી આ ગંભીર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી વિજયે તમિલનાડુના હિતોને સ્પર્શતા અનેક મહત્વના મુદ્દાઓ વડાપ્રધાન સમક્ષ ઉઠાવ્યા હતા અને એક વિસ્તૃત આવેદનપત્રપણ સોંપ્યું હતું. આ બેઠકમાં મુખ્યત્વે કર્ણાટકના વિવાદાસ્પદ મેકેદાતુ ડેમ પ્રોજેક્ટ અને તમિલનાડુના રાજ્ય ગીતનો મુદ્દો છવાયેલો રહ્યો હતો.

‘અન્ય રાજ્યોની સંમતિ વિના મેકેદાતુ પ્રોજેક્ટને મંજૂરી ન આપો’

મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે પ્રધાનમંત્રી મોદીને વિનંતી કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા તમિલનાડુ, કેરળમ અને પુડુચેરીની લેખિત સંમતિ વિના કર્ણાટકના પ્રસ્તાવિત મેકેદાતુ ડેમ પ્રોજેક્ટને કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં ન આવે. તેમણે આ વિનંતી પાછળ ત્રણેય રાજ્યોના કરોડો ખેડૂતોની આજીવિકા અને પાણીની સુરક્ષા અંગે ઊભી થનારી ગંભીર ચિંતાઓને મુખ્ય આધાર ગણાવી હતી.

મુખ્યમંત્રીએ પીએમ મોદી સમક્ષ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, “કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર દ્વારા મેકેદાતુ ડેમ પ્રોજેક્ટ માટે ભૂમિપૂજનનું આયોજન કરવાની જે જાહેરાત કરવામાં આવી છે, તે કાવેરી જળ વિવાદ ટ્રિબ્યુનલના (CWDT) અંતિમ ચુકાદા અને સુપ્રીમ કોર્ટના આદેશોનું સરેઆમ ઉલ્લંઘન છે.” તેમણે પીએમ મોદીને વિનંતી કરી કે તેઓ કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય અને કેન્દ્રીય જળ આયોગને (CWC) સ્પષ્ટ સૂચના આપે કે નીચલા પ્રદેશના રાજ્યોની સહમતિ વિના આ પ્રોજેક્ટને આગળ વધારવામાં ન આવે.

પેટ્રોલ-ડીઝલની સંગ્રહખોરી સામે CMની લાલ આંખ

ગાંધીનગર: બુધવારે યોજાયેલ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) અનેક મોટા આદેશ કર્યા છે. કેબિનેટ બેઠક (Cabinet Meeting) દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યના મહત્વના મુદ્દાઓને લઈને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી. ખાસ કરીને પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતા, પ્રિમોન્સૂન કામગીરી અને સરકારી કામકાજની ગુણવત્તા અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રીએ અધિકારીઓને દરેક વિભાગમાં અસરકારક સમીક્ષા કરીને તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યા હતા.આ બેઠક દરમિયાન રાજ્યમાં પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel) ની સ્થિતિ અંગે વિશેષ સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી કે, સંગ્રહખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરનાર તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે. લોકો અને ખેડૂતોને ઈંધણની અછતનો સામનો ન કરવો પડે તે માટે સતત દેખરેખ રાખવા પણ અધિકારીઓને કહેવામાં આવ્યું હતું.

આ સાથે વાવેતરની સિઝન નજીક આવતા મુખ્યમંત્રીએ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે અને DAP ખાતરની સપ્લાયમાં કોઈ વિક્ષેપ ન આવે તેની આગોતરી તૈયારી કરવા ભાર મૂક્યો હતો. ખેડૂતોને સમયસર ખાતર અને ઇંધણ મળી રહે તે માટે તંત્રને સક્રિય રીતે આયોજન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત પ્રિમોન્સૂન કામગીરીની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. વરસાદી મોસમ પહેલાં રસ્તા, ડ્રેનેજ અને અન્ય આવશ્યક સુવિધાઓની કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે વિભાગોને રિપોર્ટ તૈયાર કરીને રજૂ કરવા આદેશ અપાયા હતા. મુખ્યમંત્રીએ વરસાદ દરમિયાન લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આગોતરા આયોજનને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું.

ગુજરાતમાં ઇબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ, વડોદરાનો યુવક સિવિલમાં દાખલ

અમદાવાદ: ગુજરાતમાં ઇબોલા વાયરસ (Ebola Virus)નો પ્રથમ શંકાસ્પદ કેસ (Case) નોંધાયો છે. વડોદરા (Vadodara)ની વ્યક્તિને અમદાવાદ સિવિલ હોસ્ટિલ (Civil Hospital)માં દાખલ કરવામાં આવ્યો છે. જેના સેમ્પલ લેબમાં મોકલવામાં આવશે. આફ્રિકન (South Africa) દેશો યુગાન્ડા, દક્ષિણ સુદાન અને કોંગોમાં જીવલેણ ઇબોલા વાઇરસ (Ebola Virus)ના કેસોમાં વધારો થયો છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું (AMC) આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. તકેદારીના ભાગરૂપે પ્રશાસન દ્વારા શહેરમાં તમામ જરૂરી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આફ્રિકન દેશોમાંથી અમદાવાદ (Ahmedabad) આવેલા 11 જેટલા મુસાફરોને હાલ તેમના ઘરે જ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.લક્ષણો નહીં, છતાં સાવચેતી 

આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર, આ તમામ મુસાફરો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહે છે. હાલમાં આમાંથી એકપણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો દેખાયા નથી. તેમજ તેઓ ત્યાં કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. જોકે, સાવચેતીના પગલે હવે પછી આ ત્રણ દેશોમાંથી આવનારા તમામ મુસાફરો માટે હોમ આઇસોલેશન ફરજિયાત રહેશે. આ ઉપરાંત, કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે એસવીપી (SVP) હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરેન્ટાઇન કરવા માટે અલગથી 30 બેડનો વિશેષ વોર્ડ તૈયાર કરી દેવાયો છે.સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ફરજિયાત

ઇબોલા વાઇરસ (EVD)ને કારણે વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય કટોકટીની આંતરરાષ્ટ્રીય ચિંતા (PHEIC) ઊભી થઈ છે. આ જોખમને ઘટાડવા માટે સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલ (DGCA) અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન (MOCA) દ્વારા એરપોર્ટ પર તમામ એરલાઇન્સ માટે કડક નિયમો લાગુ કર્યા છે.  જેના અંતર્ગત એરપોર્ટ પર પ્રવેશતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (SDF) ભરવું ફરજિયાત રહેશે. એરપોર્ટ પર ભીડ ટાળવા અને સંક્રમણનું જોખમ ઘટાડવા માટે ફ્લાઇટ લેન્ડ થાય તે પહેલાં જ પ્લેનમાં આ અંગેની જાહેરાત કરીને ફોર્મ ભરાવી લેવામાં આવશે.