Home Blog Page 32

સુરતથી રાજકોટ આરોપી લઈ જતી પોલીસની ગાડીને નડ્યો અકસ્માત

રાજકોટ જિલ્લા પોલીસને સુરતથી આવતી વખતે અકસ્માત નડ્યો. LCB પોલીસની ટીમ સુરતથી આરોપીને લઈ જઈ રહ્યા હતા. આરોપીને રાજકોટ લાવતી વખતે નાના બોરસરા ગામ નજીક આઈશર ટેમ્પાએ પોલીસની કારને પાછળથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એક પોલીસકર્મીનું મોત નીપજ્યું છે, જ્યારે એક આરોપી સહિત ત્રણ પોલીસકર્મી ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

સુરતના નાના બોરસરા ગામ નજીક રાજકોટ પોલીસની કાર અને આઈશર ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે લોકો એકઠા થયા હતા અને પોલીસ કારમાં બેઠેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એક પોલીસકર્મીનું મોત અને ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તેમને અંકલેશ્વરની જયાબા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતની ઘટનામાં પોલીસકર્મી દિગ્વિજયસિંહ રાઠોડનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ પોલીસકર્મી ઘનશ્યામસિંહ મહિપતસિંહ જાડેજા, દિવ્યેશ દેવાયતભાઈ સુવા, અરવિંદસિંહ દાનુભા જાડેજા સહિત એક આરોપી વિજય ઉર્ફે વાજો કાનજીભાઈ પરમાર ઈજાગ્રસ્ત થયા છે.

સપ્ટેમ્બર એક્સપાયરીના દિવસે સેન્સેક્સ 85,5000ને પાર

અમદાવાદઃ સપ્ટેમ્બર એક્સપાયરીના દિવસે શેરોમાં તેજીની આગેકૂચ થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી નવા શિખરે બંધ થયા હતા. નિફ્ટી બેન્ક પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સ 666 અને નિફ્ટી 212 પોઇન્ટ ઊછળ્યા હતા.  ITCની આગેવાની હેઠળ શેરોમાં તેજી આગળ વધી હતી. ITCનું માર્કેટ કે રૂ. 6.5 લાખ કરોડને પાર થયું હતું. છેલ્લા છ દિવસોમાં BSEની કંપનીઓમાં પૈસા લગાવનારા રોકાણકારોની કુલ સંપત્તિ રૂ. 10 લાખ કરોડથી વધુ વધી છે.

BSE સેન્સેક્સ 666.25 પોઇન્ટ ઊછળી 85,836.12ના મથાળે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ 211.90 પોઇન્ટ વધી 26,216.05ના સ્તરે બંધ થયો હતો. NSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર ગઈ કાલે FIIએ રૂ. 973.94 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી, જ્યારે DIIએ રૂ. 1778.99 કરોડના શેરોની ખરીદી કરી હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.73 લાખ કરોડનો વધારો થયો હતો

US ફેડરલે પાછલા સપ્તાહમાં વર્ષો પછી વ્યાજદરોમાં કાપ મૂક્યા પછી શેરબજારોમાં લાલચોળ તેજી થઈ રહી છે. ફેરલ રિઝર્વે જે વ્યાજકાપ કર્યો હતો,  બજારની અપેક્ષા કરતાં વધુ હતું. એવું માનવામાં આવે છે કે વ્યાજદર ઘટવાથી બજારમાં પહેલેથી વધુ પૈસા આવે છે, જેથી શેરબજારને બુસ્ટ કરી શકે છે. શોર્ટથી મિડિયમ ટર્મમાં વિદેશી રોકાણકારો તરફથી શેરોની ખરીદીમાં વધારો થવાની શક્યતા છે.

આ સાથે શેરબજારમાં તેજી આવવાનું એક કારણ મ્યુચ્યુઅલ ફંડોની SIP દ્વારા પ્રતિ મહિને રૂ. 20,000 કરોડથી વધુનું મૂડીરોકાણ આવી રહ્યું છે. આ સિવાય એક રિપોર્ટ અનુસાર મ્યુચ્યુઅલ ફંડો પાસે હાલ રૂ. 1.86 લાખ કરોડ કેશ રિઝર્વ છે.સપ્ટેમ્બરમાં ઘરેલુ રોકાણકારો અત્યાર સુધી રૂ. 15,000 કરોડનું રોકાણ કરી ચૂક્યા છે.

BSE એક્સચેન્જ પર કુલ 4081 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1698 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2279 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 104 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 327 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 262 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

 

 

Monsoon Update: 24 કલાકમાં 181 તાલુકામાં નોંધાયો વરસાદ

ગુજરાતમાં ચોમાસાની વિદાય વેળાએ ફરી એક વખત મેઘ મહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે સામાન્યથી ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે. ત્યારે સૂત્રની માહિતી પ્રમાણે આગામી 3 ઓક્ટોબર સુધીમાં ગુજરાત માથી ચોમાસુ વિધીવત રીતે વિદાય પણ લેવાનું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં નોંધપત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત અમરેલીના લીલીયામાં 3.5 ઇંચ વરસાદ, સુરત શહેરમાં પણ 3.5 ઇંચ વરસાદ, વડોદરામાં 3.5 ઇંચ વરસાદ અને નવસારીમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 57 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 27 સપ્ટેમ્બરના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગરમાં અને 28 સપ્ટેમ્બરના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બંગાળ તેમજ અરબ સાગરના ભેજના કારણે મુંબઈ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી સિસ્ટમ સક્રિય રહેશે. આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. આ દરમિયાન કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આ સિવાય દાહોદ, પંચમહાલ, વડોદરા, અમરેલી, ભાવનગર અને બનાસકાંઠામાં પણ વરસાદની શક્યતા રહેશે.

 

અમદાવાદ મેટ્રોમાં મુસાફરોને નવા કાર્ડને લઈ ભોગવવી પડી હાલાકી

અમદાવાદામાં મેટ્રો ટ્રેનની સુવિધાનો વ્યાપ ધીરે ધીરે આગળ વધી ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. પરંતુ હવે એજ મેટ્રોનાં કારણે લોકો હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. વાત એમ છે કે મેટ્રો ટ્રેનના ફેઝ 2ના શરૂ થયા બાદ મેટ્રોના જુના કાર્ડ કોઈને જાણ કર્યા વગર બંધ કરી દેવામાં આવ્યા છે. અને નવા નેશનલ કાર્ડ લોન્ચ કરી દીધા છે.

મેટ્રોની વ્યાપ સાથે વપરાસ પણ ધીમે ધીમે વધી રહ્યો છે. લાખો લોકો દિવસ દરમિયાન મેટ્રો સુવિધાનો લાભ લેતા હશે. ત્યારે હયાત કાર્ય ઓચંતા બંધ કર્યા બાદ નેશનલ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલના કાર્ડમાં બેલેન્સ પૂર્ણ થયા બાદ તેમાં રીચાર્જ થઈ શકતુ નથી. ફરજિયાત નવા કાર્ડ ખરીદો અથવા ટિકિટ વિન્ડો પર જાઓ અને ટિકિટ લઈને બેસો. લોકો આ નવા કાર્ડ ખરીદવા તૈયાર પણ છે પરંતુ નવા કાર્ડની બજારમાં અછત છે. જેના કારણે લોકોને નવા કાર્ડ મળતા નથી. નવા કાર્ડ નહિ મળતાં હોવાના કારણે લોકો ફરજિયાત ટિકિટ માટે રાહ જોવી પડી રહી છે. સ્થિતિ એ હદે ખરાબ છે કે વસ્ત્રાલથી થલતેજ મેટ્રોમાં પહોંચો તો આશરે 30 મિનિટ જેવો સમય લાગે છે. અને આ મુસાફરી માટે ટિકિટ લેવા માટે 20 મિનિટ ટિકિટ લેવામાં બગડે છે. ઘણી વખત તો લોકોને ટિકિટ લેવા 45 મિનિટ જેવો સમય લાગી જાય છે. દરરોજ નોકરિયાત અને વિદ્યાર્થીઓ મેટ્રોમાં મુસાફરી કરે છે. હવે આ લોકોને સમયસર ઓફિસ કે કોલેજ પહોંચવાનું હોય પણ મેટ્રો અવ્યવસ્થાનાં કારણે તકલીફ નો સામનો લોકો કરી રહ્યા છે.

શું રાહુલ ગાંધી પાસે છે બેવડી નાગરિકતા?

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને ફરી એક વાર સવાલો ઊભા થયા છે. કેટલીય વાર તેમની નાગરિકતાને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અલાહાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચે ગૃહ મંત્રાલય પાસે રાહુલ ગાંધીની નાગરિકતા પર સ્પષ્ટીકરણ માગ્યું છે.

અલાહાબાદની હાઇકોર્ટની લખનૌ બેન્ચમાં કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતાની બ્રિટિશ નાગરિકતાને લઈને એક જનહિત અરજી પર સુનાવણી થઈ. એ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને CBI તપાસ કરાવવામાં આવે. આ અરજી પર સુનાવણી કરતાં જસ્ટિસ રાજન રોય અને જસ્ટિસ ઓમ પ્રકાશ શુક્લાની બેન્ચે ASG સૂર્યભાણ પાંડેને નિર્દેશ આપતાં કહ્યું હતું કે તેઓ મામલે ગૃહ મંત્રાલય પાસેથી માહિતી મેળવે.આ અરજી કર્ણાટકના ભાજપના કાર્યકર્તા એસ વિઘ્નેશ શિશિરે દાખલ કરી છે. જૂનમાં રાયબરેલી લોકસભાથી ચૂંટણીને પડકારતાં અલાહાબાદ હાઇકોર્ટની લખનૌ ખંડપીઠમાં ત્રણ મહિના પહેલાં આ જનહિત અરજી દાખલ કરી હતી, એમાં કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી ભારતના નહીં, પણ બ્રિટનના નાગરિક છે. એને આધારે રાહુલ ગાંધીનું ચૂંટણીનું ફોર્મ રદ કરવાની માગ કરી હતી.

હાઇકોર્ટની લખનૌ બેન્ચે રાહુલ ગાંધીની નાગરિકતાના વિવાદ પર સિટિઝનશિપ એક્ટ હેઠળ કેન્દ્ર સરકારથી કરવામાં આવેલી ફરિયાદ પર કાર્યવાહીની વિગતો માગી છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધીની પાસે બેવડી નાગરિકતા છે. બેવડી નાગરિકતાને કારણે તેઓ ચૂંટણી ના લડી શકે અને સાંસદ પણ ના બની શકે.

 

 

 

 

 

 

 

 

 

જન્મ-મૃત્યુ નોંધણી અને બર્થ ડેટમાં સુધારો સરળ બનશે

રાજ્ય સરકારે જન્મ અને મૃત્યુ સમયે નોંધાયેલા નામ તથા બર્થ ડેટમાં ફેરફાર કરવા માટે એક પરિપત્ર જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ જન્ય અને મૃત્યુની નોંધણી અને બર્થ ડેટમાં સુધારો કરવાની પ્રક્રિયા સરળ બનશે. તેમજ જન્મ અને મરણના રજિસ્ટરમાં નામ તથા જન્મ તારીખ સુધારણા માટેની અરજી પર નિર્ણય કરતી વખતે જન્મ અને મરણ નોંધણીના સંબંધિત રજિસ્ટ્રારે આ બાબતોની નોંધ લેવી પડશે.

ગુજરાત સરકારે જન્મ-મરણ અંગે સેન્ટ્રલ ગવર્નમેન્ટની એડવાઈઝરી હતી એ એડોપ્ટ કરી હતી. જેમાં કેટલાક નિયમો અને કેટલીક મહત્વની બાબતો ઉમેરવાની બાકી હતા. તેમજ જન્મ અને મરણ અંગે બીજી નાની-મોટી એડવાઈઝરી ભેગી કરીને આ પરિપત્ર બનાવામાં આવ્યો છે. જેથી લોકોને થતી નાની-મોટી તકલીફ દૂર થાય અને ઝડપથી નિરાકરણ આવી શકે. મળતી માહિતી અનુસાર નામ સુધારણાની અરજીનો નિર્ણય કરતી વખતે સંબંધિત રજિસ્ટ્રારે અરજદારની અન્ય ઓળખની વિગતો પિતાનું નામ, છેલ્લું નામ, અટક કે જન્મ તારીખ અથવા કોઈ એક કે તેમાંની કેટલીક વિગતો બદલવાની માંગ કરી છે કે નહીં તે બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે. સંબંધિત રજિસ્ટ્રારે અરજી સાથે આપેલા ફોટો આઈડી કે અન્ય ઓળખના દસ્તાવેજોને ધ્યાનમાં રાખવાના રહેશે.  અરજદારે આપેલા પુરાવાની ખરાઇ કર્યા બાદ, રજિસ્ટ્રારને સત્યતાની ખાતરી થાય તો નામમાં ફેરફારના સંદર્ભે ‘ઉર્ફે’ શબ્દનો ઉપયોગ કરી શકે છે અને જન્મ નોંધણીની નોંધની કોલમમાં જરૂરી નોંધ કર્યા પછી જન્મના પ્રમાણપત્રમાં બન્ને નામો લખવાનાં રહેશે. જો અરજદારને ‘ઉર્ફે’ શબ્દનો સ્વીકાર ન હોય તો, અરજદાર દ્વારા આપવામાં આવેલા પુરાવાની ફરી ખરાઇ કર્યા બાદ રજિસ્ટ્રારે કરવાના થતા ફેરફાર જન્મ રજિસ્ટરના જન્મ નોંધણીની નોંધની કોલમમાં બન્ને નામનો ઉલ્લેખ સુધારાની તારીખ સાથે કરવાનો રહેશે.

Jigra Trailer: ભાઈને બચાવવા જમીન-આકાશ એક કરતી જોવા મળશે આલિયા

મુંબઈ: આલિયા ભટ્ટ અને વેદાંગ રૈનાની ફિલ્મ ‘જીગરા’ની ખૂબ જ ચર્ચા છે. ધર્મા પ્રોડક્શન્સે આગામી ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડી નથી. તેના પોસ્ટર હોય કે ગીત રિલીઝ, નિર્માતાઓએ ‘જીગરા’ માટે ખૂબ જ આતુરતા ઉભી કરી છે.ત્યારે હવે ધર્માએ આખરે ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર શેર કર્યું છે. આલિયા અને વેદાંગ ફિલ્મમાં ભાઈ અને બહેનની ભૂમિકા ભજવતા જોવા મળે છે અને ‘ગલી બોયઝ’ અભિનેત્રી ‘જીગ્રા’ના ટ્રેલરમાં તેના નાના ભાઈની સુરક્ષા કરતી જોવા મળે છે.

‘જીગરા’નું ટ્રેલર આલિયા ભટ્ટના ફોનથી શરૂ થાય છે. તે ફોન કોલ દ્વારા તેના ભાઈને પકડવાનો પ્રયાસ કરે છે. જો કે, જ્યારે તેને જેલની સજા થાય છે ત્યારે તેની સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. બાદમાં કોરિયન જેલમાં ઘૂસવા અને તેના ભાઈને પરત લાવવા માટે લશ્કરી તથા શારીરિક રીતે તાલીમ આલિયા લે છે. તે પોતાના ભાઈને બચાવવા માટે અથાક પ્રયાસો કરતી દેખાઈ છે. ટ્રેલરના અંતે એક સંવાદ સાંભળવા મળે છે, જેમાં આલિયા કહે છે “મેંને કભી નહીં કહા મેં સહી ઈન્સાન હું, મેં સિર્ફ અંકુર કી બહેન હું”

ફિલ્મની સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશનમાં લાગી ગઈ છે. આલિયા ભટ્ટ તાજેતરમાં જ પોતાની ફિલ્મના પ્રમોશન માટે વેદાંગ રૈના અને નિર્માતા કરણ જોહર સાથે ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં જોવા મળી હતી. આ સિવાય તે ‘દેવરાઃ પાર્ટ 1’ અને ‘જીગરા’ની રિલીઝ પર જુનિયર એનટીઆર સાથે વાત કરતી જોવા મળી હતી.

આલિયાએ ફિલ્મ સાઈન કરવાની સ્ટોરી જણાવી
આલિયા ભટ્ટે ‘જીગરા’ જેવી ફિલ્મ સાઈન કરવા વિશે વાત કરી હતી. આલિયાએ કહ્યું,’જ્યારે જીગરા મારી પાસે આવી ત્યારે હું રાહાને લઈ ખૂબ જ પ્રોટેક્ટિવ ફીલ કરતી હતી. મને લાગ્યું કે મારે તેને સુરક્ષિત રાખવા માટે બધું જ કરવું પડશે અને જીગરાની થીમ કંઈક એવી જ છે, જ્યાં હું મારા પાત્ર માટે બાળકથી ઓછો ન હોય તેવા મારા ભાઈને બચાવવાનો પ્રયાસ કરી રહી છું.’

‘જીગરા’ આ ફિલ્મને ટક્કર આપશે
વાસન બાલા દ્વારા દિગ્દર્શિત ‘જીગરા’માં વેદાંગ રૈના પણ છે અને તે 11 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ આલિયાના પાત્રની સફર દર્શાવે છે, જે તેના ભાઈને જેલમાંથી બહાર કાઢવા માટે અસાધારણ પગલાં લે છે. તેનું નિર્માણ કરણ જોહર, અપૂર્વ મહેતા, આલિયા ભટ્ટ, શાહીન ભટ્ટ અને સૌમેન મિશ્રા દ્વારા કરવામાં આવ્યું છે.’જીગરા’ રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી અભિનીત ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ સાથે ટકરાશે.

કોર્ટે સંજય રાઉતને 15 દિવસની જેલની સજા સંભળાવી

મુંબઈઃ મુંબઈની શિવડી કોર્ટે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતને માનહાનિ કેસમાં દોષી ઠેરવ્યા છે. કોર્ટે રાઉતને 15 દિવસ જેલની સજા સંભળાવી છે. એ સાથે તેમના પર રૂ. 25,000નો દંડ પણ ફટકાર્યો છે.

ભાજપ નેતા કિરીટ સોમૈયાનાં પત્ની મેધા સોમૈયાએ તેમની સામે માનહાનિનો કેસ કર્યો હતો. મેધાએ તેમના પર રૂ. 100 કરોડના માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. મેધાની અરજી પર કોર્ટ સુનાવણી કરી હતી. કોર્ટે રાઉતની વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં શિવસેના સાંસદ દોષી માલૂમ પડ્યા હતા.  જેના પર મેટ્રોપોલિટન કોર્ટ મઝગાંવના મેજિસ્ટ્રેટે ચુકાદો આપતાં સંજય રાઉતને દોષિત ઠેરવતાં 15 દિવસ કેદ અને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

શું હતો મામલો?

ગત વર્ષે ભાજપના નેતા કિરીટ સોમૈયા અને તેમનાં પત્નીએ કોર્ટમાં અપીલ કરીને સંજય રાઉત સામે માનહાનિનો દાવો કર્યો હતો. કિરીટ સોમૈયાની પત્નીએ આરોપ મૂક્યો હતો કે મુંબઈના મીરા ભાયંદર વિસ્તારમાં પબ્લિક ટોઈલેટના નિર્માણ અને સારસંભાળ માટે 100 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપો તદ્દન ખોટા છે. તે સમયે તેમણે સંજય રાઉત સામે કેસ નોંધવાની માગ કરી હતી અને તેમને આરોપી બનાવ્યા હતા. તેમની સામે IPCની કલમ 499 હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો હતો. જોકે રાઉતના આરોપોને મેધાએ ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે તેમના પર લગાવવામાં આરોપો પાયાવિહોણા છે.

જોકે ફરિયાદમાં મેધાએ સ્વીકાર્યું હતું કે રાઉત મરાઠી ન્યૂઝપેપર સામનાના એક્ઝિક્યૂટિવ એડિટર છે અને ઉદ્ધવની શિવસેનાના મુખ્ય પ્રવક્તા પણ છે. કિરીટ સોમૈયાની પત્નીએ આરોપ મૂક્યો હતો કે 15 એપ્રિલ 2022એ તેમની વિરુદ્ધ માનહાનિ કરતાં નિવેદનો છાપવામાં આવ્યા હતા. જે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડિયા દ્વારા ફેલાવાયાં હતાં.

 

શું મનુ ભાકરની પિસ્તોલની કિંમત કરોડો રૂપિયા છે? પોતે જ કર્યો ખુલાસો

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે બે બ્રોન્ઝ મેડલ જીતનાર મનુ ભાકરની ચર્ચા હજુ પણ ચાલી રહી છે. તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતની પ્રથમ એથ્લેટ છે. આ એક મોટું કારણ છે કે તે આજે પણ સમાચારમાં રહે છે. આ સિવાય તે દરરોજ કોઈને કોઈ મોટી ઈવેન્ટમાં જોવા મળે છે. જ્યારથી મનુ ભાકરે ભારત માટે મેડલ જીત્યો છે ત્યારથી મીડિયા તેની જીવનશૈલી પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે. આ બધા સિવાય તેના વિશે કેટલીક અફવાઓ પણ ફેલાઈ રહી છે. તેમાંથી એક અફવા તેની પિસ્તોલની કિંમત વિશે છે.

મનુ ભાકરે મેડલ જીત્યા બાદ કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તેની પિસ્તોલ ખૂબ જ મોંઘી હતી, કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું હતું કે તેની પિસ્તોલની કિંમત કરોડો રૂપિયા છે. આ દરમિયાન ખુદ મનુ ભાકરે પોતાની પિસ્તોલની કિંમતને લઈને મોટી વાત કહી છે. જ્યાં તેણે તેની કિંમતનો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા છે. તમને જણાવી દઈએ કે મનુ એર પિસ્તોલનો ઉપયોગ કરે છે.

મનુની બંદૂકની કિંમત કેટલી છે?

જ્યારે મનુ ભાકરે તેની પિસ્તોલની કિંમત વિશે અફવાઓ સાંભળી ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહ્યું કે તેની પિસ્તોલની કિંમત કરોડો રૂપિયા નથી. આ લગભગ રૂ. 1.5 લાખથી 1.85 લાખમાં ઉપલબ્ધ છે. પિસ્તોલની કિંમતોમાં તફાવત તેમના મોડલ પર પણ આધાર રાખે છે. શું તમે નવી પિસ્તોલ કે સેકન્ડ હેન્ડ પિસ્તોલ ખરીદી રહ્યા છો કે પછી તમે તમારી પિસ્તોલ કસ્ટમાઇઝ કરી રહ્યા છો. તેણે એમ પણ કહ્યું કે એક લેવલ પર પહોંચ્યા પછી કંપનીઓ તમને પિસ્તોલ ફ્રીમાં આપે છે.

મનુને ટ્રોલ કરવામાં આવી હતી

મનુ ભાકરને પણ હાલના દિવસોમાં ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. વાસ્તવમાં, મેડલ જીત્યા પછી મનુ ભાકર ઘણી ઇવેન્ટ્સમાં તેના બંને બ્રોન્ઝ મેડલ સાથે જોવા મળી છે. ચાહકોનું માનવું છે કે તે પોતાના મેડલને લઈને વધુ પડતી પ્રચાર કરી રહી છે, જે યોગ્ય નથી. જો કે, મનુએ તેના ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. જ્યાં તેણે પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું કે પેરિસ 2024 ઓલિમ્પિકમાં મારા દ્વારા જીતવામાં આવેલા બે બ્રોન્ઝ મેડલ ભારતના છે. જ્યારે પણ મને કોઈ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવે છે અને આ મેડલ બતાવવાનું કહેવામાં આવે છે, ત્યારે હું તેને ગર્વથી બતાવું છું. મારી સુંદર સફર શેર કરવાની આ મારી રીત છે.

ધોરણ 1 થી 8 નો કોર્સ બદલાશે, 19 પુસ્તકો નવા આવશે

ગાંધીનગર: શૈક્ષણિક વર્ષ 2025-26ના વિદ્યાર્થી માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત બોર્ડ હેઠળની સ્કૂલોમાં ધોરણ 1થી 8માં વિવિધ કોર્સમાં બદલાવ થવાની જાહેરાત કરવામાં આવી છે. નવા કોર્સને લઈ 19 પુસ્તકો રદ કરીને નવા લાગુ કરવામા આવશે. ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન સહિતના વિવિધ વિષયોના પુસ્તકો તમામ માધ્યમોમાં બદલાશે. જ્યારે ધો.12માં અર્થશાસ્ત્ર વિષયમાં પણ એક નવુ પ્રકરણ ઉમેરાતા આ વિષયનું પુસ્તક પણ બદલીને નવો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને ભણાવાશે.

ગુજરાત રાજ્યના પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી વિવિધ ધોરણમાં નવા પુસ્તકો લાગુ કરવામા આવનાર છે. જ્યારે હાલના પુસ્તકો રદ કરી તેના સ્થાને નવા પુસ્તકો સ્કૂલોમાં લાગુ થશે. પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ ધો.8 માં ગણિત(દ્વિભાષી) તમામ માધ્યમમાં, ધો.3 અને 6 માં ગણિત તમામ માધ્યમમાં, ધો.6 માં અંગ્રજી દ્વિતિય ભાષા ગુજરાતી માધ્યમમાં તથા ધો.7માં અનિવાર્ય સંસ્કૃતમ અને 2 તથા ગણિત, વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાન અને સર્વાંગી શિક્ષણ વિષયના પુસ્તકો નવા લાગુ થશે. ધો.8 માં વિજ્ઞાન દ્વિભાષી તમામ માધ્યમમાં અને ગુજરાતી પ્રથમ ભાષા ગુજરાતી માધ્યમમાં બદલાશે. આ ઉપરાંત ધો.3 માં પર્યાવરણ તમામ માધ્યમમાં અને ધો. 6 માં વિજ્ઞાનનું પુસ્તક તમામ માધ્યમમાં બદલાશે. ધો. 7 માં મરાઠી પ્રથમ ભાષાનું પુસ્તક મરાઠી માધ્યમમાં અને ધો.1 માં તથા ધો.2 માં ગુજરાતી વિષયનું પુસ્તક ગુજરાતી માધ્યમમાં બદલાશે. ધો.1 અને 2 માં ગુજરાતી દ્વિતિય ભાષાનું પુસ્તક અન્ય માધ્યમોમાં બદલાશે. આ ઉપરાંત ધો.12 માં અર્થશાસ્ત્રનું પુસ્તક આગામી વર્ષથી સ્કૂલોમાં નવુ ભણાવાશે. હાલના પુસ્તકમાં પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સરક્ષણ નામનું પ્રકરણ નવું ઉમેરાયુ છે. આમ ધો. 1 થી 8 માં 19અને ધો.12 માં એક સહિત કુલ 20 પુસ્તકો રદ કરીને આગામી વર્ષથી નવા ભણાવાશે. કેટલાક વિષયોમાં નવો કોર્સ લાગુ કરવામાં આવ્યો છે. જો કે ધો.3 અને 6 માં ગણિત તથા વિજ્ઞાન અને પર્યાવરણમાં એનસીઈઆરટી દ્વારા જો નવા પુસ્તકો ગુજરાતી માધ્યમમાં પ્રસિદ્ધ કરાશે તો જ આગામી વર્ષથી પુસ્તકો બદલાશે. એનસીઈઆરટી દ્વારા ધો. 3 અને 6 માં બે વિષયમાં નવા પુસ્તકો લાગુ કરવામાં આવનાર છે. જ્યારે ધો.8 માં ગણિત અને વિજ્ઞાન વિષયનું પુસ્તક હવે દ્વિભાષી એટલે કે અંગ્રેજી અને ગુજરાતી શબ્દાર્થ સાથે તૈયાર થનાર છે.હાલ ધો.6 અને 7માં દ્વિભાષી ભણાવાય છે.