Home Blog Page 30

Opinion: શું અર્વાચીન ટ્રેન્ડથી લોકો ભૂલ્યા પરંપરાગત ગરબાનું ભાન?

નવરાત્રિ એટલે મા જગદંબાની આરાધનાનું પાવન પર્વ. આ તહેવારની ગુજરાત સહિત દેશ વિદેશના લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. નવરાત્રિના નવ દિવસ યુવાનો માતાજીના ગરબાના તાલે જુમીને તો વડીલો માતાજીની પૂજા અર્ચના કરી માતાને રીઝવવાનો પ્રયાસ કરે છે. પહેલાના સમયમાં શેરીના ચોકમાં ગરબાનું આયોજન થતું, જ્યાં દુર્ગા સ્વરૂપા દીકરીઓ ગરબાની રમઝટ બોલાવતી. હવેના સમયમાં મોટા પાર્ટી પ્લોટમાં DJના તાલે ગરબાની જમાવટ થાય છે.

આમ તો પરિવર્તન એ સંસારનો નિયમ છે, પણ ભૂલાતી સંસ્કૃતિ એ ક્યાંનો ન્યાય છે? DJની મહેફીલમાં માતાની આરાધના થાય ખરી? ચાચરના ચોકમાં ગુંજતી તાળી હિન્દી ગીતના હલ્લા ગુલ્લા નીચે દબાઈ જાય છે?

આ વખતેના ઓપિનિયન વિભાગમાં અમે પૂછ્યું કે શું વધતા અર્વાચીન ગરબાના ટ્રે્ન્ડથી લોકો પારંપરિક ગરબાનું મહત્વ ભૂલી રહ્યા છે? આવો જાણીએ, આ મુદ્દે શું લોકોનો મત..

પ્રો.ડૉ.સ્મિતા જોશી, જાણીતા સમાજશાસ્ત્રી

સમય સાથે પરિવર્તન સંસારનો નિયમ છે. ત્યારે બીજા કલ્ચરને અપનાવીને વિચિત્ર ગાયન પર ડાન્સ કરવો એ અમુક અંશે આપણે પરિવર્તનમાની સ્વીકાર પણ કરી શકીએ, પરંતુ એક રિપોર્ટ પ્રમાણે જોવા મળ્યું છે કે નવરાત્રિ બાદ ગર્ભપાતના કેસોમાં ઉછાળો જોવા મળે છે. એટલે કે નવરાત્રિના સમયે દીકરી સાથે છેડતી કરવી અને એમની સાથે અભદ્ર વર્તન કરવા જેવા કિસ્સા પણ જોવા મળે છે. આ ઉપરાંત છોકરીના ખાવામાં નશીલા પદાર્થ નાખી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરવું એ ક્યાં માતાજીની આરાધના છે? નવરાત્રિના દિવસો એટલે ચોમાસાની સીઝન પૂર્ણ થયા બાદ જ્યારે ખેતરોની માટી ભીની હોય અને ખેડૂતો આરામમાં હોય ત્યારે સાથે મળી માતાજીનો ભક્તિ ભાવથી આરાધના કરવી. પરંતુ હાલના સમયમાં મોંઘા પાસ, ચણીચોલી અને DJના તાલે ગરબા રમવાને ઉત્સવ માને છે પરંતુ આમાં ક્યા માતાજીના આરાધના છે?

નિશીત ભાટી, ગરબા આયોજક અને ગાયક કલાકાર

પારંપરીક ગરબા વચ્ચે અર્વાચિન થીમ પર નાચવું એકદમ અયોગ્ય છે. અત્યારે આપણે આપણી સંસ્કૃતિ ભુલી રહ્યા છીએ. આપણ ગરબા અને સમાજ વચ્ચે વિકૃતિ આવી રહી છે. પહેલાના સમયમાં ગરબાનું આયોજન થતુ, ત્યારે એક ગરબીની ફરતે ગરબા રમાતા અને આ આયોજન શેરી કે ચોકમાં થતું હતું. અને હાલના સમયમાં પાર્ટીપ્લોટમાં ગરબીને ફરતે ગરબા રમતા નથી. લોકોને માતાજીની આરાધના કરતા વધારે DJ સોગ પર નાચવું ગમે છે. ધીમે-ધીમે આ શેર ગરબાનું મહત્વ ઘટી રહ્યું છે. જ્યાં નાની નાની બાળાઓ પ્રાચીન ગરબાની તાલે ગરબા ઘૂમે, પછી આઠમના દિવસે નાની-નાની ગોયણી જમાડવામાં આવે. આ સંસ્કૃતિ ભૂલી લોકો મોંઘા પાસ અને સારા ગાયક કલાકારો પાછળ દોડી રહ્યા છે. આજ કાલના લોકોને ગરબાની જગ્યા પર ફિલ્મી ગીત પર ગરબા રમવા પસંદ આવે છે. આ સંસ્કૃતિને જાળવવા માટે જ અમે દર વર્ષે પારંપરિક ગરબાનું આયોજન કરીએ છીએ.

દિનેશભાઈ, ચેરમેન, પદમાવતી સોસાયટી, અમદાવાદ

સામાન્ય રીતે નવી જનરેશનના લોકો અર્વાચીન ગરબા તરફ વળ્યા છે. પરંતુ જુની રૂઢીના લોકોને તો શેરી ગરબા જ ગમે છે. જ્યારે વાત અર્વાચીન ગરબાની થાય તો જૂની પ્રથા સાથે એક નવો ઉમેરો થયો છે, જેમાં કોઈ વાંધો નથી. અમારી સોસાયટીમાં અમે દર વર્ષે પ્રાચીન ગરબાનું જ આયોજન કરીએ છીએ. જેમાં સૌ પ્રથમ માતાજીની આરતી થાય, જે બાદ લોકો  પારંપરિક ગરબા કરે. જ્યારે ગરબાના અંતે એક નાનો એવો ડાન્સ માટે રાઉન્ડ પણ ગોઠવીએ છીએ. આમ તો પાર્ટીપ્લોટમાં જવાનું ટાળવું જોઈએ. કેમ કે કેટલીક વખત દીકરીઓ સાથે છેડતી અને મારામારી થવાની શક્યતા રહે છે, જેથી પાર્ટી પ્લોટ જવાનું ટાળવું જોઈએ. જ્યારે પાર્ટી પ્લોટના સંચાલક સારો હોય અને આયોજન સારું હોય, ત્યારે આવી ઘટના બનવાની શક્યતા ઓછી રહે છે.

તિક્ષિતા પટેલ, ગરબા પ્રેમી

પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબાની વચ્ચે જ્યારે પસંદ કરવાની વાત આવે, ત્યારે મને પ્રાચીન ગરબા વધુ પસંદ આવે છે. મને પાર્ટી પ્લોટ કરતા વધુ શેર કે ચોકના નાકા પર થાત સામાન્ય ગરબા રમવા જ ગમે છે. મને શેરી ગરબા ગમે કેમ કે ત્યાં આપણા પરિવાર અને મિત્રો હોય છે. એમાં પણ શેરી ગરબામાં પ્રાચીન ગરબા ગીતો પર રમવાનું હોય એટલે વધુ મજા ત્યારે આવે. આમ તો બંને ગરબામાં મને કોઈ પણ વાંધો લાગતો નથી કેમ કે સમય સાથે તહેવાર ઉજવવાની પ્રથા બદલી છે. હા ફેશન પાછળ કેટલી વિકૃતિને મોકળુ મેદાન મળ્યું છે, પણ આપણી સલામતી આપણા હાથમાં જ હોય છે. જ્યારે પાર્ટી પ્લોટનું આયોજન અને સંચાલન સારું હોય ત્યારે આવી ઘટના બનવાની શક્યતા ઓછી હોય છે.

(તેજસ રાજપરા – અમદાવાદ)

આતંકવાદીઓ હથિયાર છોડે અથવા મરવા તૈયાર રહેઃ ગૃહપ્રધાન

જમ્મુઃ ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને હથિયાર છોડવા અને સરકારથી વાતચીત માટે આગળ આવવા આહવાન કર્યું છે. પાકિસ્તાનની સાથે કોઈ સંવાદ કે સરહદ પાર વેપાર નહીં થાય. આગામી સપ્તાહે થનારા ત્રીજા તબક્કાના મતદાન પહેલાં શાહ અહીં પાંચ સભી સંબોધશે.શાહે અહીં કોંગ્રેસ, નેશનલ કોંગ્રેસ અન્ PDP પર હુમલો કર્યો હતો. આ ત્રણ વંશવાદી પાર્ટીઓ આતંકવાદ માટે જવાબદાર છે, જેને ભાજપે ખતમ કર્યો છે અને રાજ્યમાં ફરીથી એને પરત ફરવા નહીં દેવાય.

ભાજપની સરકાર બનવા પર જમ્મુ-કાશ્મીરને આતંકવાદ મુક્ત બનાવવાનું વચન છે અને શાહે આરોપ લગાવતાં કહ્યું હતું કે નેશનલ કોંગ્રેસ- કોંગ્રેસનું ગઠબંધ સત્તામાં આવશે તો પાકિસ્તાનનો એજન્ડા લાગુ કરશે. તેમણે ભાજપના ઉમેદવારોના ટેકામાં ચેનાની અને ઉધમપુર વિધાનસભા વિસ્તારોમાં સભાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે વિશ્વની નજર જમ્મુ-કાશ્મીર ચૂંટણી પર છે. જો બંધારણના આર્ટિકલ 370ની મોટા ભાગની જોગવાઈઓને રદ કર્યા પછી ચૂંટણી પહેલી વાર થઈ રહી છે. સરકારે ભાજપના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખરજીના સપનાને ઓગસ્ટ 2019માં પૂરું કર્યું છે. તેમણે સૂત્ર આપ્યું હતું કે એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન ના ચાલે. જેથી આર્ટિકલ 370ને દૂર કરવામાં આવી હતી.

રાજ્યમાં જે પણ આતંક ફેલાવશે, તેમને ફાંસી પર લટકાવવામાં આવશે. જો આતંકવાદીઓ હથિયાર છોડવા અને સરકારથી વાતચીત કરવા તૈયાર રહે. જો તેઓ આવું નહીં કરે તો સુરક્ષા દળોના હાથે મરવા તેઓ તૈયાર રહે, એમ તેમણે કહ્યું હતું.

સિક્યોરિટી ગાર્ડે મહિલાને માર્યો ધક્કો માર્યો, કોન્સર્ટની વચ્ચે અરિજીતે ચાહકની માફી માંગી

અરિજીત સિંહ હાલ યુકેમાં છે. પ્રવાસ પર છે અને તેમના તાજેતરના શોમાંથી એક વિડિયો ઓનલાઈન સામે આવ્યો છે અને ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ગાયક તેની મહિલા ફેન્સની માફી માંગતો અને સિક્યોરિટી ગાર્ડથી તેનો બચાવ કરતો જોવા મળે છે. જ્યારે એક મહિલા સ્ટેજની નજીક જવાનો પ્રયાસ કરતી જોવા મળી, ત્યારે ગાર્ડે તેને ગળાથી ધક્કો માર્યો અને પ્રખ્યાત ગાયક અરિજિતે આ બધું જોયું. અરિજીત સિંહના આ વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા અને બધાનું ધ્યાન ખેંચ્યું.

અરિજીત સિંહે મહિલાની માફી કેમ માંગી?

પર્ફોર્મન્સ અધવચ્ચે જ બંધ કરીને, અરિજિત સિંહે તેની મહિલા ચાહકની માફી માંગી છે કારણ કે તે સમયે તેણીને મદદ કરી શકી ન હતી. જ્યારે ગાયકે સુરક્ષા ગાર્ડને છોકરીને રોકતો જોયો તો તેણે તેને આગળ આવવાનો ઈશારો કર્યો. આ હોવા છતાં, રક્ષકો તેને ગળાથી પકડીને રોકે છે. ગીત બંધ કરતાં અરિજિતે કહ્યું, ‘મૅડમ, હું ખરેખર દુઃખી છું. હું ઈચ્છું છું કે હું તમારી સુરક્ષા માટે ત્યાં હોત, જે થયું તે યોગ્ય ન હતું… હું તમારી માફી માંગુ છું. તાજેતરમાં બ્રિટિશ સિંગર એડ શીરન પણ અરિજિત સિંહ સાથે લંડનમાં તેના એક કોન્સર્ટમાં સામેલ થયો હતો. તેઓએ તેમના સાથેના સમયની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

અરિજીત સિંહ બીજી વખત ફરી ચર્ચામાં આવ્યા

અરિજીત સિંહે વધુમાં કહ્યું કે, ‘કોઈને આ રીતે પકડીને મહિલાની ગરદન તરફ ઈશારો કરવો યોગ્ય નથી.’ તે પછી તે પ્રેક્ષકોને શાંત રહેવા માટે કહે છે. સોશિયલ મીડિયા પર તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને ઘણા લોકો તેને એક શિષ્ટ વ્યક્તિ તરીકે વખાણ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં કેપ્શનમાં લખ્યું છે કે, ‘એ વાજબી નથી જ્યારે @arijitsingh એ છોકરીને ગળાથી પકડી રાખવા માટે સુરક્ષા કર્મચારીઓને રોક્યા… #UKConcert.’ આ પહેલા યુ.કે. મ્યુઝિકલ કોન્સર્ટ દરમિયાન જ્યારે અરિજિત ‘એ દિલ હૈ મુશ્કિલ’નું ટાઈટલ સોંગ ગાઈ રહ્યો હતો, ત્યારે તેના એક પ્રશંસકે સ્ટેજ પર ફૂડ મૂક્યું, પછી તેણે ફૂડ ઉપાડ્યું અને કહ્યું, ‘મને માફ કરજો, આ મારું મંદિર છે. તમે અહીં ખોરાક રાખી શકતા નથી.’

IIFA 2024: 150 ડાન્સર્સ સાથે સ્ટેજ પર ઉતરશે રેખા, 22 મિનિટનું આપશે પરફોર્મન્સ

બોલિવૂડનો સૌથી પ્રતિષ્ઠિત અને ગ્લેમરસ એવોર્ડ શો IIFA 2024 આજથી શરૂ થયો છે. 3 દિવસ સુધી ચાલનારા આ એવોર્ડ સમારોહમાં ભાગ લેવા માટે બોલિવૂડ સ્ટાર્સ પણ અબુ ધાબી પહોંચ્યા છે. ગત રોજ અહીં શાહરૂખ ખાનની એન્ટ્રીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હવે રેખા પણ આઈફા 2024માં ધમાલ મચાવવા માટે તૈયાર છે. દિગ્ગજ અભિનેત્રી રેખા 22 મિનિટનું ડાન્સ પરફોર્મન્સ આપવા જઈ રહ્યા છે. આટલું જ નહીં રેખાની પાછળ 150થી વધુ બેકગ્રાઉન્ડ ડાન્સર જોવા મળશે. એવોર્ડ શો 27 સપ્ટેમ્બરથી એટલે કે આજથી શરૂ થયો છે અને 29 સુધી ચાલશે. આ ત્રણ દિવસીય એવોર્ડ સેરેમનીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પોતાની પ્રતિભા દર્શાવતા જોવા મળશે.

રેખા, જે તેના સમયના સુપરસ્ટાર હિરોઈન હતા, તેમણે બોલિવૂડને ઘણી શાનદાર અને સુપરહિટ ફિલ્મો આપી છે. રેખાની ઘણી ફિલ્મોમાં અભિનય આજે પણ ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. રેખાના ઘણા પાત્રો આજે પણ લોકો ભૂલી શક્યા નથી. વર્ષ 2018 માં, રેખાએ આઈફા એવોર્ડ્સમાં તેનું સુપરહિટ ગીત ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ રજૂ કર્યું હતું. આ ડાન્સ પરફોર્મન્સે લોકોના દિલ જીતી લીધા હતા. આ ઉંમરે પણ રેખાનો જુસ્સો ઓછો થયો નથી. હવે રેખા અબુ ધાબીમાં તેના 22 મિનિટના ડાન્સ પરફોર્મન્સથી ફરી એકવાર લોકોના દિલ જીતવા માટે તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by IIFA Awards (@iifa)

શાહરૂખ ખાન અબુ ધાબી પહોંચ્યા

બૉલિવૂડની મોટા ભાગની હસ્તીઓ અબુ ધાબી પહોંચી છે.શાહરૂખ ખાન પણ અબુ ધાબીમાં પહોંચ્યા છે.એરપોર્ટ પરથી શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન પોતાની સિક્યોરિટી સાથે એન્ટર થયા હતા. શાહરૂખ ખાનને જોઈને ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. હવે અબુ ધાબીમાં બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો શરૂ થઈ ગયો છે. બોલિવૂડ સ્ટાર્સ આ એવોર્ડ શોને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. હવે અહીં 3 દિવસ સુધી ખૂબ જ મજા આવશે.

કર્ણાટકમાં CBIને તપાસ કરવા સીધી મંજૂરી નહીં

બેંગલુરુઃ કર્ણાટકમાં પણ CBIને હવે તપાસની સીધી મંજૂરી નહીં મળે. રાજ્યથી મંજૂરી મળ્યા પછી CBI તપાસ કરી શકશે. આ પહેલાં મોટા ભાગનાં બિન ભાજપ શાસિત કેટલાંક રાજ્યો આવી રીતે CBIના આવવા પર તપાસ લગાવી ચૂકી છે. કર્ણાટકના આ નિર્ણય પછી વિવાદ જોવા મળી રહ્યો છે, કેમ કે ટાઇમિંગને લઈને વિવાદની સ્થિતિ છે.

કર્ણાટક સરકારે રાજ્યમાં કેસોની તપાસ કરવા માટે CBIને આપેલr સંમતિ પરત લેવાનો નિર્ણય લીધો છે. હવે કેન્દ્રીય તપાસ એજન્સી રાજ્ય સરકારની પરવાનગી વગર કર્ણાટકમાં પ્રવેશ કરી શકશે નહીં.

CM સિદ્ધારમૈયાની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠક પછી કાયદા અને સંસદીય કાર્ય પ્રધાન એચ. કે. પાટીલે જણાવ્યું હતું કે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબલિશમેન્ટ એક્ટ, ૧૯૪૬ હેઠળ કર્ણાટક રાજ્યમાં ગુનાહિત કેસોની તપાસ માટે  CBIને સામાન્ય સંમતિ આપતું નોટિફિકેશન પરત લઇ લેવામાં આવ્યું છે.

આ નોટિફિકેશન એટલા માટે પરત લેવામાં આવ્યું છે, કારણ કે એક બાબત સ્પષ્ટ છે કે CBI અથવા કેન્દ્ર સરકાર પોતાનાં સાધનોનો ઉપયોગ કરતી વખતે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતી નથી. તેથી અમે દરેક કેસની સમીક્ષા કર્યા પછી સંમતિ આપીશું. સામાન્ય સંમતિ પરત લઈ લેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે અમે રાજ્યમાં CBIના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છીએ.

પત્રકારોએ તેમને સવાલ કર્યો કે શું MUDA કેસમાં CM સિદ્ધારમૈયાને બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે? તો તેમણે જણાવ્યું હતું કે કોર્ટે આ કેસમાં લોકાયુક્ત પોલીસને તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

એક અન્ય પત્રકારે પૂછ્યું હતું કે શું ભાજપ દ્વારા કર્ણાટક મહર્ષિ વાલ્મીકિ અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ ફંડમાં હેરાફેરીના કેસની CBI તપાસ કરાવવાની માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે? તો તેના જવાબમાં પ્રધાને જણાવ્યું હતું કે આ કેસ સાથે આ બાબતને કોઇ લેવા-દેવા નથી, કારણ કે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

 

વાસ્તુ: નવરાત્રીમાં મધ્યરાત્રી પછી ચંદ્રના પ્રકાશથી દુર રહેવું

માણસની ભૂખ જયારે હદ વટાવે ત્યારે સિદ્ધાંતો અને સંસ્કૃતિ બંને નેવે મુકાય. સ્વાર્થ જાગે અને સમાજને નુકશાન થાય. જે સમાજ પોતાના હક માટેની લડાઈ ન લડી શકે તે વિદેશી આક્રમણનો સામનો કરી શકશે? માનસિક રીતે નાપુન્શક થતો સમાજ એ દેશ માટે લાલ બત્તી સમાન ગણાય. જે દેશમાં નિરાકારની પૂજાનો મહિમા છે ત્યાં ઉત્સવના નામે ઘોંઘાટ, અંગ પ્રદર્શન, વ્યભિચાર વિગેરે ફેલાય ત્યારે વિચાર આવે કે ક્યાંક કશુક તો ખોટું થયું. અને આધુનિક થવાની દોડ એક એવી દિશા તરફ વળી ગઈ જ્યાંથી પાછા આવવામાં હવે મોડું થઇ ગયું છે. કડક કાયદા અને કેટલાક નિયમો જ આ દિશા બદલવામાં મદદ કરી શકે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: સવારમાં ઉઠીએ ત્યારથી સાંજ સુધીમાં અનેક રીલ્સ ધર્મ બચાવો વિશે આવે છે. પણ શું એની ભયભીત થવા સિવાય કોઈ અસર છે ખરી? બધા સરકારના ભરોસે બેસી ગયા છે. અંતરિયાળ જગ્યાઓએ શું ચાલે છે એ સરકારને થોડી ખબર પડવાની છે? વળી જે ઘટના બની છે એને રોકી તો નહિ જ શકાય. શું એના માટે સમાજમાં જાગૃતિ લાવવી જરૂરી નથી. અમારી સોસાયટીમાં કોમન પ્લોટમાં કમિટી વાળા પોતાની અંગત તાંત્રિક વિધિઓ કરાવે છે. એ પણ સોસાયટી ફંડ માંથી. આ વરસે ફરજીયાત ફંડ ઉઘરાવે છે. અને જો કોઈ વિરોધ કરે તો ધમકીઓ આપે છે. સોસાયટીની દીવાલો પર જાહેરાતો લગાવવામાં આવે છે. એમાંથી આવેલા પૈસાનો કોઈ હિસાબ નથી. જો એ લોકો ફંડ ભેગું કરે છે તો સોસાયટીનો પ્લોટ વાપરવાનું ભાડું એમણે આપવું જોઈએ. વળી આ પૈસાનો કોઈ હિસાબ એ લોકો આપતા નથી. નવરાત્રીમાં બાર વાગ્યા સુધીનો નિયમ છે પણ એ લોકો પોતાની અંગત ઓળખાણથી મોટા માથાઓને ગરબા કરવા બોલાવીને આખી રાત ઘોંઘાટ કરે છે. અમને વૃદ્ધોને તકલીફ પડે એનો વિચાર નથી કરતા. એક સ્ત્રીએ તો અમે રજૂઆત કરતા અમને એવું પણ કહ્યું હતું કે સરકાર અમારા ખીસામાં છે. મને વિશ્વાસ છે કે એ ખોટું બોલે છે. પણ શું થાય? બધા દબાઈને બેસી ગયા છે.

અમે સ્વતંત્રતા માટે લાઠીઓ ખાધી. અને હવે આવા લોકોનો ત્રાસ સહન કરવો પડે છે. પહેલા આવું નહતું. બીજા રાજ્યના લોકો આપણા રાજ્યમાં વેપાર કરવા આવે છે. એમના હાથમાં સત્તા આવે તો આવું જ થાય. પણ કોરોના સમયમાં ચૂંટણી કરીને એ લોકો ઘુસી ગયા છે. મોટા રાજકારણીઓ અને કમિશ્નરની ધમકીઓ આપે છે. ક્યારેક વિચાર આવે છે કે અંગ્રેજો સારા હતા. એમના સમયમાં અનુશાસન તો હતું. કોઈ પોતાના જ લોકોને રંજાડે એવું નહતું. વળી કયો ધર્મ ઘોંઘાટને પ્રમોટ કરે છે? કયા ધર્મમાં અંગ પ્રદશન અને ઉદ્ધતાઈ વિશે વાત કરવામાં આવી છે? શું ઈશ્વર પણ આવા લોકોની સાથે છે? સાચે જ દુખ થાય છે કે ક્યાં આવા લોકોની વચ્ચે આવી ગયા?

જવાબ: જયારે આકાશવાણી થઇ પછી કંસે દેવકીને જેલમાં પૂરી દીધી. પણ એ સારો માણસ બની ગયો. ભગવાને એનો વધ કરવાનો હતો. તેથી નારદમુની એની પાસે ગયા. એમના હાથમાં કમળનું ફૂલ હતું. એમણે કંસને પૂછ્યું કે આ ફૂલની આઠમી પાંખડી કઈ? કંસે કહ્યું કે એ તો કેવી રીતે ખબર પડે? એટલે નારદ મુનીએ સમજાવ્યું કે કુદરતનું ચક્ર પણ આ જ રીતે કામ કરે છે. કયા જન્મનો આઠમો દીકરો એ વાત ક્યાં થઇ છે? બની શકે કે આગળના જન્મમાં સાત દીકરા જન્મી ચુક્યા હોય. કંસ ગભરાયો. ડર હંમેશા માણસને ખોટું કરવા પ્રેરે છે. કંસ વધારે ખરાબ બની ગયો. એના કુકર્મો વધતા ગયા. અને અંતે એનો પાપનો ઘડો છલકાઈ ગયો. એનો વધ થયો. માનસ જયારે વધારે કુકર્મ કરે ત્યારે જ એનો વિનાશ થાય છે.

તમારી સોસાયટી માટે પણ આ વાત લાગુ પડે છે. જે લોકો અત્યારે તોફાન કરે છે. એમને પોતાના ભવિષ્યની ચિંતા જ નથી. જાહેરમાં તાંત્રિક વિધિ ન જ થઇ શકે. જે લોકો અભાવમાં ઉછર્યા હોય એમને જ અન્યનું છીનવી લેવાની ઈચ્છા થાય. આ લોકો જે રીતે તમને બધાને છેતરી રહ્યા છે એ જ બતાવે છે કે એમનો ઉછેર બરાબર નથી. નાનપણમાં જે વસ્તુઓ નથી મળી એ મેળવવા એ લોકો કોઈ પણ હદ પાર કરી રહ્યા છે. દુ:ખદ બાબત એ છે કે લોકો દબાઈને બેસી ગયા છે. પણ એ હાલત ઘણી બધી જગ્યાએ છે. જે વ્યક્તિ પોતાના હકની લડાઈ ભૂલી જાય છે એ પણ ગુનેહગાર છે.

તમારી પેઢીએ દેશ માટે જે કર્યું એના માટે તમને સાચું સન્માન નથી મળ્યું એ દુ:ખદ બાબત છે. પણ એ વાત સત્ય છે કે જો તમે એ વાત સતત નવી પેઢી સુધી પહોંચાડી હોત તો તમારી ખુમારી વારસામાં સચવાઈ રહી હોત. તમારા બધા સ્વજનો વિદેશમાં છે. જે દેશમાં બાળક જન્મે ત્યારથી માબાપ એની આંખમાં વિદેશના સપના આંજે એ દેશમાં દેશપ્રેમ જગાડવો મુશ્કેલ છે. તમારી આખી વાત વાંચીને મન હચમચી ગયું. તમે એ સોસાયટીના ગુંડાઓ સામે ટકી રહ્યા છો એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. એમણે તમને જે પ્રકારે ધમકીઓ આપી છે અને તમને કોઈ સારો પ્રતિભાવ નથી મળતો એ જોતા લાગે છે કે આવી સોસાયટીમાં ન રહેવાય. તમે જેટલા લોકોને ઓળખો છો એમને સાચી માહિતી આપતા રહો જેથી સોસાયટીમાં કોઈ અન્ય માણસ આવીને ન ફસાય. જે લોકો ત્યાં રહીને સહન કરે છે એમણે પોતાની સજા જાતે જ નક્કી કરી છે. પણ નવા લોકોને ફસાવા ન જ દેવાય.

એ લોકો પૈસા લઈને સોસાયટીમાં અન્ય તોફાની તત્વોને તહેવારોમાં આવવા દે છે. એના માટે તમે ફરિયાદો કરી છે. પણ એ લોકો પૈસા આપીને પતાવી દે છે. પણ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરો. સરકાર આ વખતે આવી બાબતોને રોકવા માંગે છે. કોઈ પણ સોસાયટીમાં ફરજીયાત ફંડ પણ ન હોય અને જે કોઈ પૈસા આપે એને સોસાયટીમાં આવવા પણ ન જ દેવાય. એ લોકો જો સાચે જ સરકારમાં કોઈને ઓળખાતા હશે તો એમનું નામ વટાવવા માટે ઠપકો મળશે. અને જો ખાલી ખાલી નામ વટાવતા હશે તો ખુલ્લા પડી જશે.

આ ઉપરાંત મહામૃત્યુંન્જય મંત્ર જાપ કરો. નવરાત્રી દરમિયાન અનુષ્ઠાન કરો. એમાં ખરેખર ખુબ શક્તિ છે. કર્મના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખો. ઈતિહાસ સાક્ષી છે કે આવા લોકોનો અંત ખુબ ભયાનક આવ્યો છે.

સુચન: નવરાત્રી દરમિયાન મધ્યરાત્રી બાદ ચંદ્રના પ્રકાશમાં ન રહેવું જોઈએ. જેમ સવારના સૂર્યની ઉર્જાનું મહત્વ છે. તે જ રીતે ઉગતા ચંદ્રના પ્રકાશનું પણ મહત્વ છે. 12 વાગ્યા પછીનો સૂર્ય પ્રકાશ અને 12 વાગ્યા પછીનો ચંદ્ર પ્રકાશ યોગ્ય ઉર્જા નથી આપતા. તેથી મધ્યરાત્રી પછી ચંદ્રના પ્રકાશથી દુર રહેવું જોઈએ.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

આ બચૂકડાં બિયાં છે બડાં ગુણકારી

આહાર-વિહારની કૉલમમાં આ વખતે વાંચો, કેટલાક વાચકમિત્રોના સવાલના જવાબ:

પ્રશ્ન: બજારમાં મળતાં અલગ અલગ પ્રકારનાં સીડ્સ ખરેખર ફાયદાકારક છે?

– શિલ્પા રૂપારેલ (ભાવનગર)

ઉત્તર: બજારમાં મળતાં સનફ્લાવર સીડ્સ, ફ્લેક્સ સીડ્સ, વૉટરમેલન સીડ્સ, પમ્પકિન સીડ્સ, ચિયા સીડ્સ, તલ, વગેરે ઓમેગા-૩  તેમ જ ઓમેગા-6  ફૅટી ઍસિડનાં સ્રોત છે, જે તમારું મેટાબોલિઝમ નિયમિત કરવા ઉપરાંત હાડકાંની તંદુરસ્તી માટે ઉપયોગી છે. સીડ્સમાં રહેલાં ફાઈબર તમારા કૉલેસ્ટરોલને કન્ટ્રોલમાં રાખવામાં મદદરૂપ થશે તો વિટામિન ઈ, જે તથા વિટામિન કે વાળ અને સ્કિનનું ડેમેજ અટકાવશે.

અમુક પ્રકારનાં સીડ્સ (જેમ કે સનફ્લાવર સીડ્સ તેમ જ ફ્લેક્સ સીડ્સ)માં આલ્ફા લિપોલિક ઍસિડ જેવા એસેન્શિયલ ફૅટી ઍસિડ પણ મળે છે, જે હૃદય માટે સારા છે. આ કારણે કેટલાક ડૉક્ટર્સ હાર્ટ પેશન્ટ માટે સનફ્લાવર ઑઈલનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

તકમરિયાં એટલે કે ચિયા સીડ્સનો દરરોજ એક ચમચી જેટલો વપરાશ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કૉલેસ્ટરોલ ઘટાડવા ઉપરાંત હાડકાં તથા સ્નાયુઓને મજબૂત કરવા માટે ઉપયોગી બનશે. ચિયા સીડ્સની પ્રકૃતિ પ્રવાહીમાં ફૂલવાની હોવાથી એના ઉપયોગથી ભૂખ ઓછી લાગે છે આથી વજન કન્ટ્રોલ કરવામાં પણ એ કામ આવશે. કહેવાય છે કે ચિયા સીડ્સમાં પાલક કરતાં પણ વધુ આયર્ન અને ઑરેન્જ કરતાં પણ વધુ વિટામિન સી  મળે છે. એનો ઉપયોગ દૂધ અથવા પાણીમાં પલાળીને કરવો. જાંબુનાં બિયાંનો પાવડર પણ ખનિજ તત્ત્વોથી ભરપૂર છે અને ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ માટે એનો ઉપયોગ ઔષધિ સમાન છે. આમ એક સમયે ફ્રૂટમાંથી ફેંકી દેવામાં આવતાં આ સીડ્સનું મહત્ત્વ લોકો સમજી રહ્યા છે અને એનો ઉપયોગ પણ કરી રહ્યા છે.

પ્રશ્ન: મારાં મમ્મીને ડાયાબિટીસ છે. આ વ્યાધિ વારસાગત હોવાનું કહેવાય છે તો મને ડાયાબિટીસ ના આવે એની માટે મારે શું કરવું જોઈએ?

– કૃતિ ગણાત્રા (અમદાવાદ)

ઉત્તર: તમારાં માતા-પિતામાંથી કોઈ એકનેય ડાયાબિટીસ છે તો તમને પણ ભવિષ્યમાં ડાયાબિટીસ થવાના ચાન્સ છે, પરંતુ ફૅમિલીમાં જેમને ડાયાબિટીસ છે એ કયા પ્રકારનું છે એ જાણવું જરૂરી છે એટલે કે ટાઈપ વન  (ઈન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલિટસ) છે કે પછી ટાઈપ ટુ  (નૉન-ઈન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલિટસ) છે એના પર આધાર રાખે છે. અગર ટાઈપ ટુ ડાયાબિટીસ છે તો એવાં સ્ત્રી-પુરુષનાં બાળકોને ડાયાબિટીસ વારસાગત મળવાના ચાન્સ છે, પરંતુ હા, આ પ્રકારના ચાન્સને નિવારવા માટે આહાર તેમ જ લાઈફસ્ટાઈલ ચેન્જિસ પણ એટલાં જ અસરકારક સાબિત થઈ શકશે.

તમારી આહારની નિયમિતતા તેમ જ હેલ્ધી ફૂડ હૅબિટ, જંક ફૂડ-ફાસ્ટ ફૂડનું ઓછું પ્રમાણ, વેઈટ કન્ટ્રોલ કરવા માટે નિયમિત કસરત-યોગ જેવી શારીરિક પ્રવૃત્તિનો દૈનિક જીવનમાં સમાવેશ કરવો જરૂરી છે. વધુપડતી મીઠાઈ, ચૉકલેટ્સ, કોલ્ડ ડ્રિન્ક્સ, બહારના જ્યુસ અને ફૅટ્ટી પ્રોડક્ટ્સનો ઉપયોગ ઘટાડવો. રેસાયુક્ત ખાદ્ય પદાર્થો, જેવા કે બધા જ પ્રકારનાં કઠોળ (બાફેલાં કે ફણગાવેલાં), સૅલડ, ફ્રૂટ્સ, સીડ્સ, વગેરેનો નિયમિત આહારમાં ઉપયોગ કરવાથી તમે ડાયાબિટીસની શક્યતા ઘટાડી શકશો.

પ્રશ્ન: કયા પ્રકારનું નમક (મીઠું) વાપરવું સલાહભર્યું છે? દરિયામાંથી મળતું મીઠું કે પછી સિંધવ નમક (રૉક સૉલ્ટ)?

– હેતલ પટેલ (રાજકોટ)

ઉત્તર: આમ જોવા જઈએ તો નમક અને ખાંડ એ બન્ને ધીમાં ઝેર છે એવી માન્યતા છે આથી આ બન્નેનો ઉપયોગ સંયમિત થાય એ જરૂરી છે. એના વધુપડતા ઉપયોગથી હૃદય, કિડની, મગજ, વગેરેને લગતા રોગો થઈ શકે. અલબત્ત, આપણે એ બાબત પણ સ્વીકારવી જ રહી કે નમક એ સ્વાદ વધારવા માટેનું તેમ જ ભોજનને સ્વીકાર્ય બનાવવા માટેનું મહત્ત્વનું માધ્યમ છે.

આયુર્વેદના મતે પણ નમકનો ભોજનમાં યથાયોગ્ય ઉપયોગ થાય એ જરૂરી છે. અત્યારે નમકના ઉપયોગને મુદ્દે ઘણા વિવાદ થાય છે. મારા મત પ્રમાણે સિંધાલૂણ એટલે કે સિંધવ નમક, જેને આપણે રૉક સૉલ્ટ તરીકે ઓળખીએ છીએ એમાં પચવામાં ભારે ગણાતા એવા ખોરાકને પણ પચાવવાની ક્ષમતા છે. ફરાળી વાનગીઓ મોટા ભાગે પચવામાં ભારે હોય છે આથી આવી વાનગીમાં રૉક સૉલ્ટનો ઉપયોગ કરી શકાય. ભારે કઠોળમાં પણ આ સૉલ્ટ વાપરી શકાય. બાકી, આયોડાઈઝ્ડ સમુદ્ર નમકનો ઉપયોગ નિયમિત રીતે કરી શકો. હવે તો આયોડિનની સાથે આ પ્રકારનાં નમકમાં આયર્ન, ફોલેટ તેમ જ વિટામિન બી-૧૨  પણ ફોર્ટિફાઈડ કરેલાં હોય છે એટલે એની ઊણપથી બચી શકાય.

કોઈ પણ પ્રકારનું નમક વાપરો એ નિયંત્રિત માત્રામાં વાપરવું જરૂરી છે. ટેબલ સૉલ્ટ એટલે કે કાચું નમક બને ત્યાં સુધી ન વાપરવું એ સલાહભર્યું છે. નમક એ પાચનમાં મદદ કરે છે. આ ઉપરાંત, એમાં ઘણા પ્રકારના માઈક્રોમિનરલ્સ હોય છે, જે એક પ્રકારનાં જરૂરી પોષક તત્ત્વો છે. એના દ્વારા આઈબીએસ (આંતરડાને લગતી બીમારી), ન્યુરોલૉજિકલ ડિસીઝ, પગ તૂટવા, માસિક સમયે વધુપડતો દુખાવો, વગેરે તકલીફ નિવારી શકાય છે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

World Tourism Day 2024: આ દેશમાં મુસાફરી બિલકુલ Free છે

વિશ્વને પર્યટનનું મહત્વ જણાવવા માટે દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ પ્રવાસન દિવસ’ (World Tourism Day) ઉજવીએ છીએ. જીવનમાં જેટલું શિક્ષણનું મહત્વ છે, પ્રવાસનું પણ એટલું જ મહત્ત્વ છે, કારણ કે આ સમય દરમિયાન આપણને ઘણી બાબતોને નજીકથી જાણવાનો મોકો મળે છે. જો કે મોટાભાગના લોકો મુસાફરીના શોખીન હોય છે, પરંતુ કેટલીકવાર પૈસાના કારણે તેમની યોજનાઓ મુલતવી રાખે છે.

આજે અમે તમને યૂરોપના એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાંના નાગરિકો સાથે દુનિયાભરના પર્યટકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્રીમાં જઈ શકે છે. એટલું જ નહીં આ દેશની ગણતરી વિશ્વના સૌથી ધનિક દેશોમાં થાય છે. અહીં ઘણા પ્રખ્યાત પર્યટન સ્થળો છે. ચાલો આ દેશ વિશે વધુમાં જાણીએ.

આ દેશમાં જાહેર પરિવહન સેવા બિલકુલ મફત છે

અમે જે દેશની વાત કરી રહ્યા છીએ તેનું નામ લક્ઝમબર્ગ છે. આ દેશની ગણતરી યુરોપના સૌથી મોંઘા દેશોમાં થાય છે, પરંતુ તેમ છતાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું બિલકુલ ફ્રી છે. કારણ કે સમગ્ર વિશ્વમાં આ પહેલો દેશ છે જ્યાં તમામ પ્રકારની જાહેર પરિવહન સેવાઓ બિલકુલ ફ્રી રાખવામાં આવી છે. જેમાં બસ, ટ્રેન અને ટ્રામનો સમાવેશ થાય છે.

અહીં ઉપલબ્ધ મફત જાહેર પરિવહન સેવા દેશના નાગરિકોને જ નહીં પરંતુ અહીં આવતા પ્રવાસીઓને પણ મફતમાં આપવામાં આવે છે. એટલે કે, જો તમે આ દેશની મુલાકાતે આવી રહ્યા છો, તો તમે કોઈપણ ટેન્શન વિના અને એક પણ રૂપિયો ચૂકવ્યા વિના મુસાફરી કરી શકો છો.

પ્રથમ વર્ગમાં મુસાફરી કરવાના નિયમો

લક્ઝમબર્ગ સરકારે દેશની અંદર તમામ જાહેર પરિવહનને મફત કરી દીધું છે, જેમાં ટ્રેન, બસ, ટ્રામ અને ફ્યુનિક્યુલર રેલ્વે પણ સામેલ છે. પરંતુ જો મુસાફર પ્રથમ શ્રેણીમાં મુસાફરી કરવા માંગે છે તો તેના માટે એમૂક નિશ્ચિત રકમ ચૂકવવી પડે છે. ફર્સ્ટ ક્લાસમાં ટ્રાવેલ કરવા માટે ટ્રેનની ટિકિટ ખરીદવી પડે છે.

નોંધનીય છે કે સાર્વજનિક પરિવહનમાં સામાન અને પાલતુ પ્રાણીઓ માટે પણ કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી. તમને જણાવી દઈએ કે દેશમાં વધતા પ્રદૂષણને રોકવા માટે લક્ઝમબર્ગ સરકારે પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે સરકાર ઈચ્છતી હતી કે નાગરિકોએ ઓછામાં ઓછું તેમની કારમાં મુસાફરી ઓછી કરવી જોઈએ અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવો જોઈએ.

લક્ઝમબર્ગમાં શું પ્રખ્યાત છે

લક્ઝમબર્ગ તેના સમૃદ્ધ ઇતિહાસ અને અદભૂત કિલ્લાઓ માટે વિશ્વભરમાં જાણીતું છે. આ સાથે આ દેશની ગણતરી સૌથી અમીર દેશોમાં થાય છે. દર વર્ષે આ દેશમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. અહીં લે ચેમિન ડે લા કોર્નિશ, ન્યુમુન્સ્ટર અબે, ધ બૉક એન્ડ કેશમેટ્સ,ધ ગ્રન્ડ ડ્રિસ્ટ્રીક્ટ, લા પાસરેલ, લક્ઝમબર્ગ નેશનલ મ્યુઝિયમ અને લક્ઝમબર્ગ સિટી મ્યુઝિયમ ખૂબ પ્રખ્યાત છે. લક્ઝમબર્ગના ગ્રાન્ડ ડચીના ઉત્તર ભાગમાં આવેલા વિઆન્ડેન કેસલને જોવા માટે દુનિયાભરના પ્રવાસીઓ આવે છે.

શું લક્ઝમબર્ગ ભારતીયો માટે મફત છે?

લક્ઝમબર્ગની સરકારે હજુ સુધી ભારતમાંથી આવતા પ્રવાસીઓને ફ્રી વિઝાની સુવિધા આપી નથી. કોઈ પણ ભારતીય આ દેશની મુલાકાત ઈચ્છતો હોય તો તેણે લક્ઝમબર્ગ જવા માટે વિઝા લેવા પડે છે. તમને જણાવી દઈએ કે, લક્ઝમબર્ગમાં ફરવા માટે ભારતીયોને શેંગેન વિઝાની જરૂર પડે છે, પરંતુ એક શરત એવી પણ છે કે તમે આ દેશમાં માત્ર 90 દિવસ જ રહી શકો છો.