Home Blog Page 2991

કેરળ ટ્રેન અગ્નિકાંડ: આરોપી શાહરૂખ સૈફી રત્નાગિરીમાંથી પકડાયો

રત્નાગિરી (મહારાષ્ટ્ર): કેરળના કોઝીકોડ શહેર નજીક એક ટ્રેનમાં મગજના ફરેલ એક પ્રવાસીએ કેટલાક સહપ્રવાસીઓ પર પેટ્રોલ નાખીને આગ લગાડવાની બનેલી ઘટનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી શાહરૂખ સૈફીની ધરપકડ કરી છે. કેરળ પોલીસની સ્પેશિયલ ટૂકડીએ મહારાષ્ટ્ર પોલીસના આતંકવાદ-વિરોધી દળના જવાનોની મદદથી સૈફીને રત્નાગિરી રેલવે સ્ટેશને પકડી લીધો છે. કહેવાય છે કે સૈફી ઉત્તર પ્રદેશના નોઈડાનો રહેવાસી છે.

કેરળના કોઝીકોડ રેલવે સ્ટેશન પાસે એ ભયાનક ઘટના બની હતી. શાહરૂખ સૈફ ગયા રવિવારે રાતે લગભગ દસ વાગ્યાના સુમારે અલપૂઝા-કન્નૂર એક્સપ્રેસના ડી-2 કોચમાં ઘૂસ્યો હતો. ટ્રેન કોઝીકોડ સ્ટેશનની નજીક હતી ત્યારે એણે ટ્રેનમાં પ્રવાસ કરતા લોકો પર પેટ્રોલ નાખ્યું હતું અને એમને સળગાવ્યા હતા. પરિણામે ટ્રેનમાં મોટા પાયે નાસભાગ મચી ગઈ હતી. આગથી ગભરાઈને અમુક પ્રવાસીઓએ દોડતી ટ્રેનમાંથી છલાંગ મારી હતી. એમાં એક નાના બાળક અને બે નાગરિકનું મરણ નિપજ્યું હતું. ગુનો કરીને સૈફી ભાગી ગયો હતો. ત્યારબાદ પ્રવાસીઓએ કરેલા વર્ણનના આધારે પોલીસે હુમલાખોર આરોપીનું રેખાચિત્ર તૈયાર કર્યું હતું અને રિલીઝ કર્યું હતું. એને પકડવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. પોલીસને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ગુનો કરતી વખતે આરોપી પોતે પણ આંશિક રીતે દાઝ્યો હતો. પોલીસે કહ્યું કે સૈફી સારવાર માટે હોસ્પિટલ શોધતો હતો. પોલીસને બાતમી મળતાં જ સતર્ક પોલીસીઓએ એને રત્નાગિરી રેલવે સ્ટેશનેથી ઝડપી લીધો હતો. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ માટે મહારાષ્ટ્ર પોલીસ, રેલવે પોલીસ અને એનઆઈએ એજન્સીઓનો આભાર માન્યો છે.

ચીનને અમેરિકાનો જવાબઃ અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે

વોશિંગ્ટનઃ અમેરિકાએ ચીનના નાગરિક મામલોના મંત્રાલયના અરુણાચલ પ્રદેશની 11 જગ્યાઓનાં નામ બદલવા પર આકરી પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ ભારતને ટેકો આપતાં કહ્યું હતું કે અમેરિકા અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગના રૂપે માન્યતા આપે છે. અને ક્ષેત્રીય દાવાઓ હેઠળ સ્થાનિક વિસ્તારોનાં નામ બદલવા માટે કોઈ પણ એકતરફી પ્રયાસનો આકરો વિરોધ કરે છે. વાસ્તવમાં ચીન અરુણાચલ પ્રદેશના આ ક્ષેત્રને દક્ષિણી તિબ્બતનો હિસ્સો જણાવીને એના પર દાવો કરે છે.

વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ કૈરિન જ્યાં પિયરેએ કહ્યું હતું કે અમેરિકા અરુણાચલ પ્રદેશને લાંબા સમયથી ભારતનું અભિન્ન અંગ તરીકે માન્યતા આપતું રહ્યું છે. અમે વિસ્તારોના નામ બદલીને ક્ષેત્રીય દાવાઓને આગળ વધારવાના કોઈ પણ એકતરફી પ્રયાસનો આકરો વિરોધ કરીએ છીએ.

અરુણાચલ પ્રદેશનાં કેટલાંક સ્થળોનું ચીન દ્વારા પુનઃ નામકરણ કરવાની વચ્ચે ભારતે મંગળવારે કહ્યું હતું કે એ રાજ્ય ભારતનું અભિન્ન અને અતૂટ હિસ્સો છે અને મનઘડંત નામ રાખવાથી એ હકીકત નહીં બદલાઈ જાય. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે અમે એવી ન્યૂઝ જોયા છે. આવું પહેલી વાર નથી થયું. જ્યારે ચીને આવા પ્રયાસ કર્યા છે. અમે ચીનના પ્રસ્તાવને ફગાવીએ છીએ.

હાલમાં ચીને અરુણચલ પ્રદેશ માટે ચીની, તિબ્બતી અને પિનયિન અક્ષરોમાં નામોની ત્રીજી યાદી જારી કરી છે. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશ માટે જારી કરવામાં આવેલી ભૌગોલિક નામોની એ ત્રીજી યાદી છે. અરુણાચલમાં છ સ્થળોના નામોની પહેલી યાદી 2017માં અને 15 સ્થળોની બીજી યાદી 2021માં જારી કરી હતી.

ચીન દ્વારા અરુણાચલ પ્રદેશનાં કેટલાંક સ્થળોના પુનઃ નામકરણ એવી સમયે આવ્યું છે, જ્યારે પૂર્વ લદ્દાખમાં મે,2020માં બેને દેશોની વચ્ચે ઘર્ષણ હજી સુધી સમાપ્ત નથી થયું.

 

 

 

સાવરકરવિરોધી ટિપ્પણી માટે રાહુલ ગાંધી માફી માગેઃ ગડકરી

નાગપુરઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને હિન્દુત્વ વિચારક દિવંગત વી. ડી. સાવરકર પર તેમની ટીકાત્મક ટિપ્પણી માટે માફી માગવા કહ્યું હતું. કોઈને પણ તેમનું (સાવરકરનું) અપમાન કરવાનો અધિકાર નથી. તેમણે નાગપુરના શંકરનગરમાં સાવરકર ગૌરવ યાત્રા હેઠળ આયોજિત એક સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે રાહુલ ગાંધીએ મહેસૂસ કરવું જોઈએ કે તેમને કંઈક ગેરસમજને કારણે સાવરકરનું અપમાન કર્યું છે.

ભાજપના નેતાએ કહ્યું હતું કે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે મોટું દિલ બતાવવું જોઈએ અને પોતાના ગુના માટે માફી માગવી જોઈએ. તેમણે કહ્યું હતું કે તેમણે સાવરકરનું અપમાન કરવાનો અધિકાર કોઈ આપ્યો?  કોઈ પણ સાવરકરનું અપમાન સહન નહીં કરે. તેમણે હળવા અંદાજમાં ગાંધીનો આભાર માટે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ યાત્રા દ્વારા દેશના યુવાઓને સાવરકરના જીવન અને સંદેશ વિશે જાણવાની તક આપી છે.

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે સાવરકરની દયા અરજીનો મુદ્દો ઉઠાવીને સતત તેમના પર નિશાન સાધ્યું હતું. તેમણે હાલમાં લોકસભામાં તેમની અયોગ્યતા પછી કહ્યું હતું કે મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે અને ગાંધી કોઈનાથી માફી નથી માગતા. ભાજપ અને મહારાષ્ટ્રના મુક્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ હિન્દુત્વ વિચારકનું સન્માન કરવા અને તેમની સામે ગાંધીની ટીકાનો મુકાબલો કરવા માટે રાજ્યમાં સાવરકર ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે.

 

 

 

ભીતરના અવકાશમાં

મનુષ્યની પૂર્ણ શક્તિઓ અમાપ છે તેને માપી શકાય નહી. મનુષ્યનો સ્વભાવ અને અણુની રચનામાં ઘણું સામ્ય છે. અણુના કેન્દ્રમાં હકારાત્મકતા (ઘન ભાર) છે. જ્યારે નકારાત્મક કણો પરિધિ માં હોય છે. તે જ રીતે માણસમાં રહેલી નકારાત્મકતા એ એનો મૂળ સ્વભાવ નથી એ નકારાત્મકતા ફક્ત બહારની જ હોય છે. પરંતુ જ્યારે વ્યક્તિ કેન્દ્રિત હોય, પોતાના સ્વમાં સ્થિત હોય ત્યારે તે ખૂબ જ શાંત, સ્થિર અને ખુશહાલ હોય છે. હિંસા મનુષ્યનો સ્વભાવ નથી. પરંતુ તે દર્શાવે છે કે વ્યક્તિ મૂળ સ્વભાવ થી હટી ગઈ છે.

આપણે કઈ રીતે જાણી શકીએ કે આપણને જે જ્ઞાન છે તે સાચું છે કે નહિ? અરે, 10000 વર્ષ પહેલા પણ લોકો જાણતા હતા કે ગુરુના ગ્રહને ૧૨ ઉપગ્રહો છે. તેઓ વ્યક્તિગત તરીકાઓ જેમ કે અંતઃસ્ફૂરણા, મનને શાંત કરવું અને એ દ્વારા જાણકારી હાંસલ કરવી. જ્યારે મન શાંત હોય ( એટલે કોઈ વ્યક્તિ સૂતી હોય છતાં પણ સજગ હોય) ત્યારે મનમાં હેતુ ઉદ્દભવે છે અને તેની સાથે અંતઃસ્ફૂરણા, જ્ઞાન તેમજ પ્રેરણા ઉદ્દભવે છે.આજ માર્ગને અપનાવીને પ્રાચીન કાળથી મનુષ્યએ બ્રહ્માંડનું જ્ઞાન હાંસિલ કર્યું હતું. અને તેની સાથે ગાણિતિક તકનિક પણ વિકસાવી જે આજે પણ ખૂબ જ પ્રચલિત છે.

પ્રાચીન કાળથી ચાલી આવતા પંચાંગમાં ગ્રહણ ક્યારે થશે તેની સ્પષ્ટ માહિતી મળે છે. આમ જ્યોતિષ વિજ્ઞાન અને ખગોળ વિજ્ઞાનનો આજ રીતે ઉદ્દભવ થયો હતો.પ્રાચીન કાળથી માણસ જાણતો હતોકે સૂર્ય, સૂર્યમાળાના કેન્દ્રમાં છે અને બાકીના ગ્રહો તેની ચારે બાજુ ફરતા છે જે અંતઃ સ્ફુરણા થી જાણતો હતો. તે જ રીતે મનુષ્ય એ પણ જાણતો હતો કે તેના શરીરનો પ્રત્યેક કોષ જીવંત છે અને મન શાંત છે. આ અવસ્થા એ સમાધિ અવસ્થા છે.

આપણે પણ વર્ષ માં બે ત્રણ દિવસ મૌનમાં રહીને આપણા વિચારો,લાગણીઓનું અવલોકન કરીશું તો સમજાશે કે મૌન શું છે? વિચારોની માયાજાળ થી મુક્તિ એ અંતઃ સ્ફુરણાના પાયામાં છે અને અંતઃ સ્ફુરણા એ નવા આવિષ્કારનો જ ભાગ છે.

આપણા રોજબરોજના સામાન્ય જીવનમાં ઘણા બધા વિચારો અને ઉત્તેજનાઓ ઉભરાતા હોય છે પરંતુ તેના પર ધ્યાન કે અવરોધ હોતો નથી. આજે બાળકોમાં ધ્યાનની ઉણપ સિંડ્રોમની સમસ્યા ખૂબ જ વર્તાય છે અને માટે જ વસ્તુ કે પરિસ્થિતિને ખાળવાની ક્ષમતા ગુમાવી બેઠા છે. જ્યારે તમે શાંત હોવ છો ત્યારે તમારી બુદ્ધિમત્તા ગુમાવતા નથી પરંતુ તેથી વિપરિત તમારી બુદ્ધિ તીક્ષ્ણ બને છે અને ધ્યાનનો વ્યાપ વધે છે. ધ્યાન અથવા એવી જ કોઈ આત્મવિકાસ લક્ષી પ્રક્રિયા ધારણા ધારણ કરવાની ક્ષમતા વધારે છે અને તેના પરિણામ સ્વરુપ આપની અભિવ્યક્તિને વધારે નિખારે છે. એક અભિગમ તનાવ થી મુક્ત થવાનો છે અને બીજો અભિગમ એ છે કે તનાવનો પ્રવેશ જ ન થાય. આ બીજા અભિગમ માટે આપણે આપણી આસપાસ ઘટતી ઘટનાઓ પ્રતિ આપણી અભિવ્યક્તિમાં પરિવર્તન લાવવું જરુરી છે.

આપણે ગરમી કે દાહકતાને હસતા હસતા સહન કરીએ. એક આરામદાયક અભિગમ અપનાવીએ અને તે પણ ખૂબ જ આત્મવિશ્વાસ પૂર્વક. વ્યક્તિએ મનને એવું કેળવવું જોઈએ કે તનાવ આપણા મનમાં પ્રવેશી શકે જ નહિ. પરંતુ તનાવ હોય જ નહિ તે શક્ય જ નથી. કંઈ પણ રીતે તનાવ થઈ શકે છે પણ તે તનાવને ખાળતા શીખવું જોઈએ. તમે જો સહજતાથી તમારી આસપાસના વાતાવરણ અને પરિસ્થિતિનો સામનો કરો છો તો મારા મતે તમારી શક્તિનો પૂર્ણ પણે ઉપયોગ થયો ગણાશે. જ્યારે તમારામાં પૂર્ણ શક્તિ વ્યાપ્ત હોય છે ત્યારે કંઈ પણ તમને વિચલિત કરી શક્તુ નથી અને એ જ તમારા મુખ પર સ્મિત અને આત્મવિશ્વાસ આણે છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

કોરાનાના 4431 નવા કેસો, 11નાં મોત

 નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 4431 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 11 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,33,719 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,916 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,79,712 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2508 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 23,091એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.05 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.76 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,31,086 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.21 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.09 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 2.03 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,16,373 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1979 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

મુંબઈ એરપોર્ટના બંને રનવે બીજી મેએ કામચલાઉ બંધ રખાશે

મુંબઈઃ અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના સત્તાવાળાઓએ જાહેરાત કરી છે કે આવતી બીજી મેએ એરપોર્ટના બંને રનવે છ કલાક માટે કામચલાઉ બંધ રાખવામાં આવશે. ચોમાસા પૂર્વે સારસંભાળનું કામ હાથ ધરવાનું હોવાથી બંને રનવે પર વિમાન સેવા બંધ રખાશે.

જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે એરપોર્ટના બંને રનવે બીજી મેના મંગળવારે સવારે 11 વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. તે સમયગાળા દરમિયાન ચોમાસા પૂર્વે જાળવણીની તાકીદની યોજના અંતર્ગત કામકાજ હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી તમામ એરલાઈન્સ અને એવિએશન સત્તાવાળાઓ સાથે સહયોગમાં હાથ ધરવામાં આવશે. મુંબઈ એરપોર્ટના સત્તાવાળાઓએ આની જાણ છ મહિના પહેલાં જ સંબંધિત લોકોને કરી દીધી હતી. તમામ વિમાનસેવાઓ બીજી મેએ સાંજે પાંચ વાગ્યા બાદ રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પને જામીન મળ્યા, ફ્લોરિડા પાછા જતા રહ્યા

ન્યૂયોર્કઃ પોર્ન ફિલ્મોની અભિનેત્રીને ગેરકાયદેસર રીતે પૈસા આપવાના પ્રકરણમાં ધરપકડ કરાયા બાદ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જામીન અરજીને અહીંના મેનહટન શહેરની કોર્ટે મંજૂર ગઈ કાલે રાખી હતી. સુનાવણી બાદ ટ્રમ્પ ફ્લોરિડા પાછા જતા રહ્યા હતા.

આ કેસ એડલ્ટ ફિલ્મોની અભિનેત્રી સ્ટોર્મી ડેનિયલ્સ સાથે બાંધેલા સેક્સ સંબંધોની વાતો ગુપ્ત રાખવા માટે ટ્રમ્પે 2016માં પ્રમુખપદની ચૂંટણી દરમિયાન સ્ટોર્મીને ચૂકવેલા પૈસાને લગતો છે. ખટલા દરમિયાન કોર્ટે ટ્રમ્પ સામેના આરોપ માન્ય રાખ્યા હતા. ટ્રમ્પની સામે 34 ગંભીર ક્રિમિનલ આરોપ મૂકવામાં આવ્યા છે. કોર્ટે ટ્રમ્પને 1.22 લાખ ડોલરનો દંડ પણ ફટકાર્યો છે. આ પૈસા સ્ટોર્મી ડેનિયલ્સને ચૂકવવાનો કોર્ટે એમને આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન ત્રણ ઉદાહરણ આપવામાં આવ્યા હતા. એક, ટ્રમ્પે એમના ટ્રમ્પ ટાવરના સિક્યુરિટી ગાર્ડને મોઢું બંધ રાખવા માટે 30,000 ડોલર આપ્યા હતા. એક મહિલાને 150 હજાર ડોલર આપ્યા હતા અને પોર્ન સ્ટારને એક લાખ 30 હજાર ડોલર આપ્યા હતા.

વાહ ભાઈ વાહ! 0૫ એપ્રિલ, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! 0૫ એપ્રિલ, ૨૦૨૩

પાંચ એપ્રિલ ‘રાષ્ટ્રીય દરિયાઈ દિવસ’: બેટ દ્વારકા, શિયાળબેટને થાઈલેન્ડના ટાપુઓની જેમ હાઈ-ફાઈ બનાવાશે

ગુજરાતના તમામ બંદરો પાસે પોતાની આગવી વિશેષતાઃ સુરત – લોથલ બંદરનું છે ઐતિહાસિક મહત્વઃ દરિયાઈ જીવ સૃષ્ટિ જાણવા અને માણવા પિરોટન, પિશોત્રા, નરારા ટાપુમાં ઉમટે લાખો પર્યટકો

*******

સૌરાષ્ટ્રમાં આવેલા બેટ દ્વારકા અને શિયાળબેટ ટાપુઓને થાઈલેન્ડના ટાપુની જેમ હાઈ-ફાઈ બનાવાશે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આઈલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની બેઠકમાં નિર્ણય લેવાયો

*******

મેરીટાઈમ બોર્ડ દ્વારા ગુજરાતના બંદરોમાં થઈ રહ્યો છે વિકાસઃ વર્ષ ૨૦૨૩ના બજેટમાં નવલખી બંદરની ક્ષમતા વધારવા રૂ.૧૯૨ કરોડની ફાળવણી


પૃથ્વીના ૭૧ ટકા ભાગ પર મહાસાગરો છે. મહાસાગરો પૃથ્વીના વાતાવરણની સ્વચ્છતાની જાળવણી કરવાનું કામ કરે છે. જેમાં ભારત એ કુદરતી સંસાધનોથી ભરપૂર છે. આપણા દેશમાં પર્વતો, બારમાસી નદીઓ, બરફાચ્છાદિત પ્રદેશો, રણપ્રદેશો, ખીણો વગેરે આવેલા છે. આ ઉપરાંત આપણા દેશની સંસ્કૃતિ પણ હજારો વર્ષો જૂની છે. આપણા ગુજરાતની વાત કરીએ તો, સમગ્ર દેશમાં સૌથી વધુ એટલે કે ૧૬૬૪ કિ.મી.દરિયા કિનારો ઘરાવતું વિશેષ રાજ્ય એ ગુજરાત રાજય છે.

આટલા વિશાળ દરિયાકિનારાના લીધે જ ગુજરાતમાં દરિયાઈ ક્ષેત્રમાં વિકાસ માટે બંદરો અને વહાણવટા ક્ષેત્રનું પુનરુત્થાન માટે “ગુજરાત મેરી ટાઈમ બોર્ડ”ની સ્થાપના થઈ છે. જે અનેક નાના મોટા બંદરોનું વ્યવસ્થાપન સંભાળે છે. ગુજરાતના કંડલા, મુન્દ્રા, જાફરાબાદ, વેરાવળ એ મહત્વના વ્યાપારિક બંદરો છે તેમજ ગુજરાત પાસે નવ શિપયાર્ડ છે. ભાવનગર જિલ્લાના અલંગ ખાતે મોટા પ્રમાણમાં શીપ બ્રેકિંગ કરાય છે. છેલ્લી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં પણ અનેક વિદેશી કંપનીઓ સાથે બંદરના વિકાસ માટે એમ.ઓ.યુ. થયા હતા. આ ઉપરાંત તાજેતરમાં ગુજરાત સરકારે બહાર પડેલા વર્ષ ૨૦૨૩ના બજેટમાં મોરબી પાસેના નવલખી બંદરની ક્ષમતા વધારવા રૂ.૧૯૨ કરોડની ફાળવણી કરી છે. બંદરો અને વાહનવ્યવહાર વિભાગ માટે રૂ. ૩૫૧૪ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી જેનાથી પ્રવાસીઓની સગવડ વધશે અને પ્રદૂષણ- ટ્રાફિક જામ ઘટશે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, સોમનાથ, પોરબંદર, માધવપુર, જોડિયા, સિકકા, જામનગર, નવલખી સહિતના અનેક વિસ્તારોમાં દરિયો આવેલો છે. જેના કારણે અનેક લોકોને મત્સ્ય આધારિત રોજગારી મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા મત્સ્ય ઉદ્યોગ ફૂલેફાલે તે માટે અનેક યોજનાઓ-પ્રકલ્પો અમલમાં છે. માછીમારી પ્રવૃતિ હવે ઉદ્યોગ બન્યો છે. આપણી ઝીંગા, પ્રોન, લોબ્સ્ટર સહિતની માછલીઓની નિકાસ મોટી સંખ્યામાં વિદેશોમાં થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દૂરંદેશીભર્યા નેતૃત્ત્વમાં મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થયો છે. આ ઉપરાંત કોસ્ટલ એરિયાના વિકાસના ભાગરૂપે કોસ્ટલ રોડના નવનિર્માણની દિશામાં કામ થઈ રહ્યું છે. જે પૂર્ણ થતાં ગુજરાતના દરિયાઈ માર્ગના ક્ષેત્રે એક નવલું નજરાણું લોકોને પ્રાપ્ત થશે. આ કોસ્ટલ રોડના નિર્માણનો મુખ્ય હેતુ દરિયાના એક કિનારેથી બીજા કિનારા વચ્ચે સંપર્ક તૈયાર કરવાનો છે. જેના લીધે  સમય અને પૈસાની બચત થશે.

આ ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ, બંદર ઉદ્યોગ ઉપરાંત અનેક સ્ટ્રીટ વેન્ડર્સ દરિયાઈ ચીજ વસ્તુઓ જેવી કે શંખ, છીપલા, મોતીઓના ઘરેણા બનાવી તથા વેચીને  રોજગારી મેળવે છે. માધવપુર, દ્વારકા, કોવાયા, જામનગર સહિત અનેક સ્થળોએ દરિયાઈ પ્રાણીના સંવર્ધન ઉછેર કેન્દ્ર ચાલી રહ્યા છે. જે પૈકી માધવપુરનું દરિયાઇ કાચબા ઉછેર કેન્દ્ર પ્રખ્યાત છે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દરિયાકિનારે પ્રવાસીઓને આકર્ષવા ગાર્ડન, વોશ એરિયા, સીટીંગ અરેંજમેન્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક, ઊંટસવારી  વગેરે જેવી મનોરંજક સવલતોનું નિર્મણ કરાયું છે. સરકારના સઘન પ્રયાસોથી પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાની બાજુમાં આવેલા શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય સ્તરે ‘બ્લુ ફ્લેગ’નો દરજ્જો મળ્યો છે. હાલમાં શિવરાજપુર બીચ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દ્વારકાથી બેટ દ્વારકા જવા અત્યાર સુધી બોટમાં બેસીને જવાતું હતું પરંતુ હવે આ માર્ગે ‘સિગ્નેચર બ્રિજ’ બની રહ્યો છે. જેનાથી દ્વારકાધીશના દર્શનાર્થીઓને વધુ એક સુવિધા પ્રાપ્ત થશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આઈલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની બેઠક યોજાઇ હતી જેમાં સૌરાષ્ટ્રમાં આવેલા બેટ દ્વારકા અને શિયાળબેટ ટાપુઓને થાઈલેન્ડના ટાપુની જેમ હાઈ-ફાઈ બનાવી તેનો વિકાસ કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જામનગર પાસેના લોકપ્રિય પર્યટન સ્થળ પીરોટન અને નરારા ટાપુઓનો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં સમાવેશ થાય છે. હજારો પર્યટકો પફર ફીશ, સ્ટાર ફીશ, લોબસ્ટર,પરવાળા, ક્રેબ, ઝીંગા, કુકુંબર, ઓક્ટોપસ, પાપલેટ, ચુરમાઈ, શાર્ક, ઘોલ સહિતની અલભ્ય દરિયાઈ સૃષ્ટિને નિહાળી શકે તે માટે આ સ્થળોએ સરકારે ગાઈડની વિશેષ સુવિધા ઉભી કરી છે.

દરિયાઈ વિસ્તારમાં નાળીયેરી ખૂબ મોટા પ્રમાણમાં થતી હોવાથી નાળીયેરી આધારિત ઉદ્યોગો થકી પણ અનેક પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થઇ રહ્યું છે. ગુજરાતના નાળીયેરની અન્ય રાજ્યોમાં પણ નિકાસ થાય છે. તેમજ નાળીયેરના છોતરામાંથી વિવિધ બનાવટોનો અલગ ઉદ્યોગ વિકસ્યો છે.

સૌરાષ્ટ્રમાં એકપણ બારમાસી નદી નથી એટલે જ સૌરાષ્ટ્ર એ કાયમી અછતગ્રસ્ત વિસ્તાર છે. જેથી આ વિસ્તારમાં સરકારની ‘સૌની’ યોજના થકી પાણી પહોંચાડવામાં આવે છે તેમ છતાંય ભારત સરકાર અને ગુજરાત સરકારે ખારા પાણીને મીઠું પાણી બનાવવા માટે દરિયાઇ વિસ્તારોમાં ડિસેલીનેશન પ્લાન્ટ બનાવવાનું શરૂ કર્યુ છે. જેના થકી પીવાના પાણીની અછતની સમસ્યા દૂર થવાની સંભાવના છે. આમ, દરિયાઈ જીવસૃષ્ટિના સંવર્ધન માટે સરકાર દ્વારા સુયોજિત કામગીરી થઈ રહી છે. આ ઉપરાંત પાણી આધારિત વીજ ઉત્પાદન પણ થઇ રહ્યું છે. આ ઉપરાંત કોસ્ટલ હાઇવેના કામો પણ ચાલી રહયા છે. જેનાથી એક દરિયાઇ વિસ્તારથી બીજા દરિયાઇ વિસ્તારમાં ઓછા અંતરે પહોંચી શકાશે.

(આલેખન – પારૂલ આડેસરા, રિધ્ધિ ત્રિવેદી)

0૫ એપ્રિલ, ૨૦૨૩

0૫ એપ્રિલ, ૨૦૨૩