Home Blog Page 2990

BSFએ પાકિસ્તાની નાગરિકની ગુજરાત સરહદેથી ધરપકડ કરી

અમદાવાદઃ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની સરહદથી ભારતમાં પ્રવેશ કરવાના પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે, BSFના અધિકારીઓએ બુધવારની એની માહિતી આપી હતી. BSFના જણાવ્યા મુજબ આ શખસની ઓળખ દયારામ રૂપે થઈ છે. તે પાકિસ્તાનના નગરપારકર રહેવાસી છે.

BSF ગુજરાત ફ્રન્ટિયરએ એક જાહેરાતમાં કહ્યું હતું કે જવાનોએ મંગળવારે એક પાકિસ્તાની નાગરિકને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતા જોવા મળ્યો હતો. તે સરહદે લાગેલી તારની વાડને કૂદીને ભારતમાં પ્રવેશ કરી રહ્યો હતો, પરંતુ સરહદ પર તહેનાત જવાનોઓ તરત કાર્યવાહી કરી હતી. અધિકારીઓ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં સીમા ચોકી (BOP) નાદેશ્વરીની પાસે ગેટ પર ચઢ્યા પછી આરોપીને પકડી લેવામાં આવ્યો હતો.

અધિકારીઓએ કહ્યું હતું કે પાકિસ્તાની નાગરિક બનાસકાંઠા જિલ્લામાં BOP નાદેશ્વરીની પાસે ગેટથી નીચે ઊતર્યો, તેની BSFના જવાનો દ્વારા ધરપકડ કરી લીધો હતો.

24 માર્ચે BSFએ પંજાબમાં આતરરાષ્ટ્રીય સરહદે એક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું હતું. ઓસ્ટ્રિયા નિર્મિત પાંચ ગ્લોક પિસ્તોલ, 10 મેગેઝિન અને 91 રાઉન્ડ અલગ-અલગ કેલિબરની ગોળીઓ પણ જપ્ત કરવામાં આવી હતી. BSFના એક પ્રવક્તાએ કહ્યું હતું કે અમારા સૈનિકોએ ઘૂસણખોર કરી રહેલા દુષ્ટ ડ્રો પર ગોળીબાર કર્યો હતો અને ત્યાર બાદ એ વિસ્તારની તપાસ કરી હતી, જેમાં ખેતરમાંથી એક પેકેટ જપ્ત કર્યું હતું.

 

 

 

 

આઇસી15 ઇન્ડેક્સ 645 પોઇન્ટ વધ્યો

મુુંબઈઃ બેન્કિંગ ક્ષેત્રે અનિશ્ચિતતા હોવા છતાં બુધવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં વધારો નોંધાયો હતો. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15ના ઘટકોમાંથી અવાલાંશ, યુનિસ્વોપ, ઈથેરિયમ અને એક્સઆરપીમાં ત્રણથી છ ટકાનો વધારો નોંધાયો હતો. ડોઝકોઇન, શિબા ઇનુ અને ટ્રોન ચાર ટકા સુધી ઘટ્યા હતા.

કેનેડાનાં વંડરફાઇ, કોઇનસ્ક્વેર અને કોઇનસ્માર્ટ એ ત્રણ મોટાં ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જોએ ભેગાં મળીને એક મોટું નિયમનબદ્ધ એક્સચેન્જ બનવા માટેના આયોજનની જાહેરાત કરી છે. ત્રણેના કુલ યુઝર્સની સંખ્યા 16.5 લાખ હશે અને એના સંચાલન હેઠળની એસેટ્સનું મૂલ્ય 600 મિલ્યન ડોલર કરતાં વધારે હશે.

દરમિયાન, સ્વીડનની એસઈબી બેન્ક અને ફ્રાન્સની ક્રેડિટ એગ્રિકોલ બેન્કે પબ્લિક બ્લોકચેઇન પર આધારિત નવું ડિજિટલ બોન્ડ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.68 ટકા (645 પોઇન્ટ) વધીને 38,982 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,337 ખૂલીને 39,265ની ઉપલી અને 38,122 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

APSEZએ કાર્ગો પરિવહન સંચાલનના 339 MMTનો નવો વિક્રમ સ્થાપ્યો

અમદાવાદઃ અદાણી ગ્રુપની એક પાંખ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ માર્ચ, ૨૦૨૩માં કુલ ૩૨0 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું પરિવહન કર્યું છે, જે વર્ષથી વર્ષ ૯.૫ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જુલાઈ, ૨૦૨૨ બાદ પ્રથમ વખત વોલ્યુમે ૩૦-MMTના ઉત્સાહપ્રેરક આંકને વટાવ્યો છે. નાણાં વર્ષ-૨૩ (એપ્રિલ ૨૨-માર્ચ ૨૩)માં અદાણી પોર્ટ અને સેઝએ ૩૩૯ MMT સાથે પોતાના પોર્ટ કાર્ગો વોલ્યુમનો વિક્રમ સ્થાપ્યો છે, જે ઉત્તરોત્તર ૯ ટકાની નોંધપાત્ર વૃદ્ધિ છે. છેલ્લાં વર્ષોથી ભારતના તમામ કાર્ગો વોલ્યુમની વૃદ્ધિને પાછળ છોડી અદાણી પોર્ટ્સ તેનો બજારહિસ્સો સતત વધારી રહ્યું છે.

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના મુખ્ય કારોબારી અધિકારી અને કંપનીના ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે કાર્ગો વોલ્યુમમાં થયેલો આ સુધારો અમારા ગ્રાહકોના અમારા ઉપરના ભરોસાનો પુરાવો છે. એટલું જ નહીં, પરંતુ ગ્રાહકોના સંતોષને બરકરાર રાખવા અને તેમની સેવાઓને બહેતર બનાવવા માટે સુધારેલ કાર્યક્ષમતામાં નિરંતર સુધારો અને તક્નિકી સંકલનનો ઉપયોગ કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. APSEZનું ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટ તેના તમામ નજીકના હરીફોને પાછળ છોડી રાષ્ટ્રનું સૌથી મોટું બંદર બની રહ્યું છે.

ભારતમાં APSEZ દ્વારા નિયંત્રિત એકંદર કન્ટેનર વોલ્યુમ વધીને ૮.૬ MTU (ઉત્તરોત્તર ૫ ટકા) થયું છે, જેમાં ફક્ત મુંદ્રામાં ૬.૬ MTEUના વોલ્યુમનો સમાવેશ થાય છે. વર્ષમાં હેન્ડલ કરાયેલા કુલ કાર્ગોના ૧૫૫ MMT સાથે તે ભારતનું સૌથી મોટું બંદર બની રહ્યું છે અને લોજિસ્ટિક્સ બિઝનેસ ક્ષેત્રમાં પણ વિક્રમી વર્ષ રહ્યું હતું. વર્ષમાં હેન્ડલ કરાયેલા કન્ટેનર રેક્સે ૫,૦૦,૦૦૦ TEUs (ઉત્તરોત્તર ૨૪ ટકા)ને પાર કરીને એક નવું સીમાચિહન હાંસલ કર્યું છે, જ્યારે બલ્ક કાર્ગોનું પરિવહન ૧૪ MMT કરતાં વધ્યું હતું, જે ઉત્તરોત્તર ૬૨ ટકાનો ઉછાળો દર્શાવે છે.

વધુમાં, ગત નાણાકીય વર્ષમાં APSEZએ ડોક કરેલાં જહાજો (૬૫૭૩), રેક્સ સર્વિસ (૪૦,૪૮૨) તથા ટ્રક, ટ્રેઇલર્સ અને ટેન્કર્સ હેન્ડલ (૪૮,૮૯,૯૪૧)ની ગણતરીએ પણ કેટલાંક નવા સીમાચિહનો સ્થાપ્યાં છે. અદાણી પોર્ટ્સે તેના વિવિધ બિઝનેસ એકમોમાં ૩૦૬૮ ગ્રાહકોને અજોડ સેવા આપી છે. APSEZ તેનાં તમામ બંદરો પર કાર્ગો વૈવિધ્યકરણ પર સતત કામ કરી રહ્યું છે.

 

 

 

 

 

 

 

મીડિયાને લઈને સુપ્રીમ કોર્ટની સરકારને ટકોર

સુપ્રીમ કોર્ટે બુધવારે કેરળ હાઈકોર્ટના આદેશને પડકારતી મીડિયા વનની અરજીને મંજૂરી આપી હતી જેણે ન્યૂઝ ચેનલનું લાઇસન્સ રદ કરવાના સૂચના અને પ્રસારણ મંત્રાલયના આદેશને સમર્થન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે માહિતી અને પ્રસારણ મંત્રાલયને ચાર સપ્તાહની અંદર ચેનલને રિન્યુઅલ લાયસન્સ આપવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે વચગાળાના આદેશ સુધી નવીકરણ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. આ દરમિયાન કોર્ટે પ્રેસની સ્વતંત્રતા પર મોટી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે સમાજની કામગીરી માટે મુક્ત પ્રેસ મહત્વપૂર્ણ છે.

સુપ્રીમ કોર્ટે બુધવારે એક મલયાલમ ન્યૂઝ ચેનલ સાથે સંબંધિત કેસની સુનાવણી દરમિયાન ગંભીર ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મીડિયા માટે સ્વતંત્ર રહેવું જરૂરી છે અને સરકારની નીતિઓની ટીકાને રાષ્ટ્ર વિરોધી કહી શકાય નહીં. આ સાથે જ મીડિયાને સલાહ આપતા કોર્ટે કહ્યું કે સત્ય રજૂ કરવાની જવાબદારી પ્રેસની છે. લોકશાહી મજબૂત રહે તે માટે મીડિયાનું સ્વતંત્ર રહેવું જરૂરી છે. તેમની પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવતી નથી કે તેઓ માત્ર સરકારનો પક્ષ લે.

મજબૂત લોકશાહી માટે સ્વતંત્ર પ્રેસ જરૂરી

કેન્દ્ર સરકારે મંત્રાલય દ્વારા સુરક્ષા મંજૂરીના અભાવને કારણે મલયાલમ ન્યૂઝ ચેનલના પ્રસારણ લાયસન્સનું નવીકરણ કરવાનો ઇનકાર કર્યો હતો જેને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે સીલબંધ પરબીડિયામાં રિપોર્ટ દાખલ કરવો ન્યાય અને તેના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. મજબૂત લોકશાહી માટે સ્વતંત્ર પ્રેસ જરૂરી છે. અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને હવામાં ટાંકી શકાય નહીં. તેની પાછળ નક્કર કારણો હોવા જોઈએ.

તપાસના અહેવાલ સામે સંપૂર્ણ મુક્તિનો દાવો નહીં

કોર્ટે કહ્યું કે સરકાર મીડિયાના તપાસ અહેવાલ સામે સંપૂર્ણ મુક્તિનો દાવો કરી શકે નહીં, જ્યારે આ પ્રકારના અહેવાલ લોકો અને સંસ્થાઓના અધિકારો સાથે સંબંધિત છે. લોકોને તેમના અધિકારોથી વંચિત રાખવા માટે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે ચેનલની અરજી પર વચગાળાનો ચુકાદો આપતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયને ચાર સપ્તાહની અંદર લાઇસન્સ રિન્યુ કરવાનો આદેશ આપ્યો છે.

શહેરમાં કાર્તિક સ્વામી મંદિરમાંથી કાવડ યાત્રા કાઢવામાં આવી

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર વિસ્તારના શ્રી બાલાજી મુરુગન દેવસ્થાનમ સંચાલિત કાર્તિક સ્વામી મંદિરનો 57મો ઉતરીમ મહોત્સવ ઊજવવામાં આવ્યો. આ મહોત્સવના ભાગરૂપે એક વિશાળ કાવડ યાત્રા નીકળી હતી.

અમદાવાદ શહેરમાં અનેક સમાજના લોકો વર્ષોથી રહે છે. પોતાના તહેવાર, ઉત્સવો ધામધૂમથી ઊજવે છે. ખોખરા હાટકેશ્વર સહિત અમદાવાદના ઘણા વિસ્તારોમાં દક્ષિણ ભારતના લોકો વસે છે.

હાટકેશ્વર વિસ્તારના કાર્તિક સ્વામી મંદિરના ઉત્સવમાં દક્ષિણ ભારતના લોકો પરંપરાગત પહેરવેશ સાથે જોડાયા હતા. આ કાવડ યાત્રામાં ભાવિક ભક્તો દૂધ અને જળ ભરેલા કુંભ, ખભા પર કાવડ લઈ મોરપીંછ સાથે સમગ્ર વિસ્તારમાં પ્રદક્ષિણા કરી જ્યાં સૌએ સ્વાગત કર્યું હતું.. કલરફૂલ કાવડ યાત્રાનો નજારો અદભુત લાગતો હતો..

(પ્રજ્ઞેશ વ્યાસ)

કોલકાતા ટીમે ઐયરની જગ્યાએ જેસન રોયને કરારબદ્ધ કર્યો

કોલકાતાઃ આઈપીએલની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે તેના ઈજાગ્રસ્ત રેગ્યૂલર કેપ્ટન શ્રેયસ ઐયરની જગ્યાએ ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયને કરારબદ્ધ કર્યો છે. બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકીબ અલ-હસન પણ આ વખતની સ્પર્ધામાંથી ખસી જતાં કોલકાતા ટીમે જેસન રોયને પસંદ કર્યો છે.

રોય ટીમ માટે 9 એપ્રિલની મેચથી ઉપલબ્ધ થશે. એ દિવસે કોલકાતા ટીમનો મુકાબલો ગુજરાત ટાઈટન્સ સામે થશે. બે વખત ચેમ્પિયન બનેલી કોલકાતા ટીમનો કેપ્ટન ઐયર પીઠની ઈજાને કારણે આખી આઈપીએલ-2023માં રમી શકવાનો નથી.

બીકોમ પેપર લીકઃ ભાવનગરની કોલેજના પ્રિન્સિપાલની ધરપકડ

ભાવનગરઃ ગુજરાત પોલીસે કથિત રીતે બીકોમ પેપર લીક મામલામાં ભાવનગરની એક કોલેજના પ્રભારી પ્રિન્સિપાલ અને અન્ય બે વિદ્યાર્થીની ધરપકડ કરી છે. પોલીસે આ સંબંધમાં આરોપી પ્રિન્સિપાલ અને ત્રણ વિદ્યાર્થીઓ સહિત ચાર લોકોની સામે FIR નોંધ્યો હતો. પોલીસે ગઈ કાલે પ્રિન્સિપાલની પૂછપરછ કરવા માટે અટકાયત કરી હતી.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU) દ્વારા પેપરલીક સંબંધમાં રવિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદની તપાસ દરમ્યાન પોલીસે જી. એલ. કાકડિયા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ (GJKCCM)ના પ્રભારી પ્રિન્સિપાલ અમિત ગલાનીની પૂછપરછ કરવા માટે અટકાયતમાં લીધા હતા. પ્રિન્સિપાલની સાથે-સાથે GLKCCMના બે વિદ્યાર્થી- અજય લાડુમોર અને વિવેક મકવાણાની પણ ધરપકડ કરી છે.

નીલમ બાગ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી. ડી. પરમારે જણાવ્યું હતું કે કોવિડ19 ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી અમે ઔપચારિક રૂપે મંગળવારે સાંજે છ કલાકે ત્રણેની ધરપકડ કરી લીધી છે. અમે તેમને મેજિસ્ટ્રેટની સામે હાજર કરીશું. MKBUના રજિસ્ટ્રાર કૌશિક ભટ્ટની ફરિયાદને આધારે નોંધાવાયેલા FIRમાં GLKCCMની વિદ્યાર્થિની સૃષ્ટિને પણ આરોપી બનાવવામાં આવી છે. ચારે આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 406,409, 120B, 114 અને 34 અને સૂચના ટેક્નિકલ અધિનિયમની કમ 72 અને 72A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

FIR અનુસાર પ્રિન્સિપાલ અમિત ગલાનીએ બપોરે 3.30 કલાકે MKBU દ્વારા આયોજિત પરીક્ષા શરૂ થવાના કેટલાક કલાકો પહેલાં બીકોમના છઠ્ઠા સેમિસ્ટરના ફાઇનાન્સ અકાઉન્ટ XII ( મેનેજમેન્ટ અકાઉન્ટિંગ II)ના પ્રશ્નપત્રોનું એક પેકેટ ગેરકાયદે રીતે ખોલી દીદું હતું. ત્યાર બાદ તેણે મોબાઇલ ફોનથી પ્રશ્નપત્રનો ફોટો ખેંચીને સૃષ્ટિ બોરદાને આપ્યું હતું. બોરદાએ એ પેપર મકવાણાને ગલાનીના ફોનથી પ્રશ્નપત્રોનો ફોટો ક્લિક કરવા માટે કહ્યુ હતું. ત્યાર બાદ એ પેપર સોશિયલ મિડિયા પર વાઇરલ થયું હતું.

 

 

 

 

 

ભારત રામરાજ્ય તરફ આગળ વધી રહ્યું છેઃ સંરક્ષણપ્રધાન

નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારત રામરાજ્યની દિશામાં આગળ વધી રહ્યું છે અને સરકાર ખેડૂતો, મજૂરો, મહિલાઓ તથા યુવાઓના કલ્યાણ માટે દરેક સંભવ પ્રયાસ કરી રહી છે. તેમણે એક પુસ્તક વિમોચન સમારોહને સંબોધિત કરતાં કહ્યું હતું કે સરકાર ભગવાન રામ દ્વારા બતાવવામાં આવેલા આદર્શોને માર્ગે ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે મને એ જણાવતાં આનંદ થઈ રહ્યો છે આપણે ભગવાન રામ દ્વારા નિર્ધારિત આદર્શોને માર્ગે ચાલવા માટે સક્ષમ છે. અમે ખેડૂતો, મજૂરો, વેપારીઓ, વિદ્યાર્થીઓ, યુવાઓ અને મહિલાઓના કલ્યાણ માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.

સિંહ ભૂતપૂર્વ અધિકારી ધીરજ ભટનાગર દ્વારા રામચરિતમાનસના સરળ હિન્દી કાવ્યાનુવાદના વિમોચન સમારોહમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું તમને અસમંજસમાં મૂકવા નથી ઇચ્છતો. હું એમ નહીં કહું કે અમે દેશમાં રામ રાજ્યનો પ્રારંભ કર્યો છે, પરંતુ એ દિશામાં આગળ વધી ચૂક્યા છીએ. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર હેઠળ વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે.

તેમણે કહ્યું હતું કે જ્યારે પણ ભારત આંતરરાષ્ટ્રીય મંચો પર બોલતું હતું, ત્યારે એને ગંભીરતાથી કોઈ નહોતું લેતું, પણ આજે ભારતનું કદ વધ્યું છે. ભારતનું સન્માન વધ્યું છે. આજે ભારત જ્યારે પણ આંતરરાષ્ટ્રીય મંચો પર કંઈક કહે છે તો વિશ્વ એને સાંભળે છે. સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે ભગવાન રામની જીવનગાથાએ સરકાર માટે એક માર્ગદર્શક તરીકે કામ કર્યું છે.

 

 

 

કેરળ ટ્રેન અગ્નિકાંડ: આરોપી શાહરૂખ સૈફી રત્નાગિરીમાંથી પકડાયો

રત્નાગિરી (મહારાષ્ટ્ર): કેરળના કોઝીકોડ શહેર નજીક એક ટ્રેનમાં મગજના ફરેલ એક પ્રવાસીએ કેટલાક સહપ્રવાસીઓ પર પેટ્રોલ નાખીને આગ લગાડવાની બનેલી ઘટનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી શાહરૂખ સૈફીની ધરપકડ કરી છે. કેરળ પોલીસની સ્પેશિયલ ટૂકડીએ મહારાષ્ટ્ર પોલીસના આતંકવાદ-વિરોધી દળના જવાનોની મદદથી સૈફીને રત્નાગિરી રેલવે સ્ટેશને પકડી લીધો છે. કહેવાય છે કે સૈફી ઉત્તર પ્રદેશના નોઈડાનો રહેવાસી છે.

કેરળના કોઝીકોડ રેલવે સ્ટેશન પાસે એ ભયાનક ઘટના બની હતી. શાહરૂખ સૈફ ગયા રવિવારે રાતે લગભગ દસ વાગ્યાના સુમારે અલપૂઝા-કન્નૂર એક્સપ્રેસના ડી-2 કોચમાં ઘૂસ્યો હતો. ટ્રેન કોઝીકોડ સ્ટેશનની નજીક હતી ત્યારે એણે ટ્રેનમાં પ્રવાસ કરતા લોકો પર પેટ્રોલ નાખ્યું હતું અને એમને સળગાવ્યા હતા. પરિણામે ટ્રેનમાં મોટા પાયે નાસભાગ મચી ગઈ હતી. આગથી ગભરાઈને અમુક પ્રવાસીઓએ દોડતી ટ્રેનમાંથી છલાંગ મારી હતી. એમાં એક નાના બાળક અને બે નાગરિકનું મરણ નિપજ્યું હતું. ગુનો કરીને સૈફી ભાગી ગયો હતો. ત્યારબાદ પ્રવાસીઓએ કરેલા વર્ણનના આધારે પોલીસે હુમલાખોર આરોપીનું રેખાચિત્ર તૈયાર કર્યું હતું અને રિલીઝ કર્યું હતું. એને પકડવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. પોલીસને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ગુનો કરતી વખતે આરોપી પોતે પણ આંશિક રીતે દાઝ્યો હતો. પોલીસે કહ્યું કે સૈફી સારવાર માટે હોસ્પિટલ શોધતો હતો. પોલીસને બાતમી મળતાં જ સતર્ક પોલીસીઓએ એને રત્નાગિરી રેલવે સ્ટેશનેથી ઝડપી લીધો હતો. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ માટે મહારાષ્ટ્ર પોલીસ, રેલવે પોલીસ અને એનઆઈએ એજન્સીઓનો આભાર માન્યો છે.

ચીનને અમેરિકાનો જવાબઃ અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે

વોશિંગ્ટનઃ અમેરિકાએ ચીનના નાગરિક મામલોના મંત્રાલયના અરુણાચલ પ્રદેશની 11 જગ્યાઓનાં નામ બદલવા પર આકરી પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ ભારતને ટેકો આપતાં કહ્યું હતું કે અમેરિકા અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગના રૂપે માન્યતા આપે છે. અને ક્ષેત્રીય દાવાઓ હેઠળ સ્થાનિક વિસ્તારોનાં નામ બદલવા માટે કોઈ પણ એકતરફી પ્રયાસનો આકરો વિરોધ કરે છે. વાસ્તવમાં ચીન અરુણાચલ પ્રદેશના આ ક્ષેત્રને દક્ષિણી તિબ્બતનો હિસ્સો જણાવીને એના પર દાવો કરે છે.

વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ કૈરિન જ્યાં પિયરેએ કહ્યું હતું કે અમેરિકા અરુણાચલ પ્રદેશને લાંબા સમયથી ભારતનું અભિન્ન અંગ તરીકે માન્યતા આપતું રહ્યું છે. અમે વિસ્તારોના નામ બદલીને ક્ષેત્રીય દાવાઓને આગળ વધારવાના કોઈ પણ એકતરફી પ્રયાસનો આકરો વિરોધ કરીએ છીએ.

અરુણાચલ પ્રદેશનાં કેટલાંક સ્થળોનું ચીન દ્વારા પુનઃ નામકરણ કરવાની વચ્ચે ભારતે મંગળવારે કહ્યું હતું કે એ રાજ્ય ભારતનું અભિન્ન અને અતૂટ હિસ્સો છે અને મનઘડંત નામ રાખવાથી એ હકીકત નહીં બદલાઈ જાય. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે અમે એવી ન્યૂઝ જોયા છે. આવું પહેલી વાર નથી થયું. જ્યારે ચીને આવા પ્રયાસ કર્યા છે. અમે ચીનના પ્રસ્તાવને ફગાવીએ છીએ.

હાલમાં ચીને અરુણચલ પ્રદેશ માટે ચીની, તિબ્બતી અને પિનયિન અક્ષરોમાં નામોની ત્રીજી યાદી જારી કરી છે. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશ માટે જારી કરવામાં આવેલી ભૌગોલિક નામોની એ ત્રીજી યાદી છે. અરુણાચલમાં છ સ્થળોના નામોની પહેલી યાદી 2017માં અને 15 સ્થળોની બીજી યાદી 2021માં જારી કરી હતી.

ચીન દ્વારા અરુણાચલ પ્રદેશનાં કેટલાંક સ્થળોના પુનઃ નામકરણ એવી સમયે આવ્યું છે, જ્યારે પૂર્વ લદ્દાખમાં મે,2020માં બેને દેશોની વચ્ચે ઘર્ષણ હજી સુધી સમાપ્ત નથી થયું.