Home Blog Page 2820

નેટફ્લિક્સ ઇન્કના શેરધારકોએ એક્ઝિક્યુટિવ્ઝ પે પેકેજને અટકાવ્યું

કેલિફોર્નિયાઃ નેટફ્લિક્સ ઇન્કના શેરહોલ્ડરોએ કંપનીના એક્ઝિક્યુટિવ્ઝના પે પેકેજીસને આપેલો ટેકો પરત લીધો છે, તેમણે નોન-બાઇન્ડિંગ મત દ્વારા પ્રસ્તાવિત વળતરનો અસ્વીકાર કર્યો હતો, જેમાં તેમણે હોલિવૂડના લેખકોની હડતાળનો ટેકો લીધો હતો.

રાઇટર્સ ગિલ્ડ ઓફ અમેરિકા વેસ્ટે રોકાણકારોને કંપનીના ટોચના એક્ઝિક્યુટિવ્ઝને વળતરની વિરુદ્ધ મત આપવા માટે અરજ કરી હતી, તેમણે એ માટે દલીલ કરી હતી કે આ પ્રકારનો મત હડતાળ દરમ્યાન આપવો યોગ્ય નથી, જે પાંચમા સપ્તાહમાં પ્રવેશી છે. કંપનીના એક્ઝિક્યુટિવ પગારની ચુકવણીનો મુદ્દો રોકાણકારોએ ઘણા લાંબા સમયથી ઉઠાવ્યો છે, ત્યારે વળતરનું માળખું એ હડતાળની તુલનાએ વધુ મમતનો મુદ્દો છે, એમ રાઇટર્સ ગિલ્ડના પ્રમુખ મેરેડિથ સ્ટીહમે જણાવ્યું હતું.

યુનિયને NBCયુનિવર્સલ પેરેન્ટ કોમકાસ્ટ કોર્પ.ને આવો જ એક પત્ર મોકલ્યો છે, જેની વાર્ષિક શેરહોલ્ડરોની બેઠક સાત જૂને યોજાવાની છે. સ્ટીહમે લખ્યું હતું કે કંપની ગયા વર્ષે ટોચના અધિકારીઓને 166 મિલિયન ડોલરનું વળતર આપી શકે છે, તો કંપની વધુ વળતરની માગ કરતા રાઇટર્સને 68 મિલિયન ડોલરનું વળતર તો આપી જ શકે છે.

કંપનીના શેરધારકોએ મત આપીને એક્ઝિક્યુટિવ્સનું વળતર અટકાવી દીધું છે.કંપનીએ કહ્યું હતું કે મતોના પરિણામને નિયામકને મોકલી આપવામાં આવ્યું છે. ગયા વર્ષે કંપનીના એક્ઝિક્યુટિવ પે પેકેજને માત્ર 27 ટકા શેરહોલ્ડરોના મત મળ્યા હતા. વળી, કંપનીએ ગયા વર્ષે સહ-ચીફ એક્ઝિક્યુટિવ્સ માટેની પગારની મર્યાદા અને તેમની કામગીરીને આધારે બોનસની નીતિમાં ઘણા ફેરફાર કર્યા હતા.

 

 

 

 

મહારાષ્ટ્ર એસએસસી પરીક્ષામાં 93.83% વિદ્યાર્થી પાસ થયા; છોકરીઓએ ફરી બાજી મારી

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ મહિનામાં લેવામાં આવેલી 10મા ધોરણ (એસએસસી)ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. રાજ્યનું કુલ પરિણામ 93.83 ટકા આવ્યું છે. એમાં કોકણ વિભાગની ટકાવારી સૌથી વધારે છે – 98.11 ટકા. સૌથી ઓછી ટકાવારી નાગપુર બોર્ડની છે – 92.5 ટકા. આ વખતની પરીક્ષામાં કુલ 14,34,898 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

પરીક્ષાનું પરિણામ ઈન્ટરનેટ પર આજે જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ વખતની પરીક્ષામાં પણ છોકરીઓએ બાજી મારી છે. છોકરાઓ કરતાં છોકરીઓ વધારે સંખ્યામાં પાસ થઈ છે. આ ટકાવારી 95.87 ટકા છે. રાજ્યભરમાં આ વખતે 15 લાખ, 77 હજાર, 256 વિદ્યાર્થીઓએ દસમા ધોરણની પરીક્ષા આપી હતી. એમાં 8 લાખ, 44 હજાર, 116 છોકરાઓ અને 7 લાખ, 33 હજાર, 067 છોકરીઓ હતી. રાજ્યમાં 5,033 કેન્દ્રોમાં દસમા ધોરણની પરીક્ષા લેવામાં આવી હતી.

મુંબઈમાં આ વખતે એસએસસીમાં 93.66 ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં છે. પાસિંગ ટકાવારીની દ્રષ્ટિએ રાજ્યમાં તમામ શૈક્ષણિક બોર્ડમાં મુંબઈ બોર્ડનું સ્થાન ચોથું રહ્યું છે. મુંબઈમાં 979 શાળાઓએ 100 ટકા રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. મુંબઈ વિભાગમાં 6 વિદ્યાર્થીને 100 ટકા માર્ક્સ આવ્યાં છે. મુંબઈમાં આ વખતે 3 લાખથી વધારે વિદ્યાર્થીઓએ દસમા ધોરણની પરીક્ષા આપી હતી.

નીચેની લિન્ક પર પરિણામ જોઈ શકાશેઃ 

mahresult.nic.in

 

https://ssc.mahresults.org.in

 

http://sscresult.mkcl.org

 

 

શહેરમાં ધૂસણખોરી કરતા 18 બાંગ્લાદેશીઓની SOG ટીમે કરી ધરપકડ..

Gujarat: અમદાવાદમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર 18 બાંગ્લાદેશી શખ્સોને SOGની ટીમે ઝડપી પાડ્યાં છે. જેમને હાલ એસઓજી કચેરીમાં રાખવામાં આવ્યા છે. તમામ લોકો પાસેથી બાંગ્લાદેશી હોવાના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. બાંગ્લાદેશી યુવકો અમદાવાદમાં કેમ આવ્યા છે તે મામલે એસઓજીએ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ચંડોળા તળાવ અને તેની આસપાસમાં રહેતા કેટલાક લોકો બાંગ્લાદેશી છે. જે બોગસ ડોક્યુમેન્ટ બનાવીને અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે રહે છે. રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે શહેરમાં કોઇ અનઇચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઇ છે.

બાંગ્લાદેશની બોર્ડર ખુલ્લી હોવાના કારણે ત્યાંના લોકો રોજીરોટી માટે ભારતમાં આવી જતાં હોય છે અને ત્યાર બાદ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને રહેતા હોય છે.  બાંગ્લાદેશીઓ ગુજરાતમાં મોટી સંખ્યામાં રોજીરોટી મેળવવા આવે છે. અમદાવાદ એસઓજી દ્વારા સ્પેશિયલ તપાસમાં અમદાવાદમાં વસવાટ કરતાં 18 બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. બાંગ્લાદેશના એજન્ટો દ્વારા રૂપિયા 6થી લઇને દસ હજાર સુધીની રકમ લઈને બોર્ડર ક્રોસ કરીને પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં ઘૂસાડવાનું ષડયંત્ર પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

હાલ પોલીસે શહેરમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરનાર બાંગ્લાદેશી નાગરિકોને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બાંગ્લાદેશી ઘૂસણખોરો ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે નહી તે અંગે પણ પોલીસે તપાસ ચાલુ કરી છે.

બનાસ ડેરીના ચેરમેન બન્યા શંકર ચૌધરી

Gujarat: બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. શંકર ચૌધરી બનાશ ડેરીના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે. જયારે ભાવાભાઈ રબારીની નિમણૂંક વાઇસ ચેરમેન પદ પર કરવામાં આવી છે.  નિયામક મંડળીની બેઠકમાં આ નામની જાહેરાત કરવામાં આવી હતી. બનાસ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે બનાસડેરીમાં ચેરમેન-વાઇસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ચેરમેન પદ પર રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઇસચેરમેન પર ભાવાભાઈ રબારીને રિપીટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે બંને અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેન પદે ચૂંટાયા છે. આમ, શંકર ચૌધરી અને ભાવભાઈ રબારી પોતાના હોદ્દાઓ પર યથાવત રહેશે.

ઉલ્લેખનીય છે કે બનાસડેરીના નિયામક મંડળના પ્રથમ ટર્મના ચેરમેન શંકર ચૉધરી અને વાઇસ ચેરમેન ભાવભાઈ રબારીની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બનાસડેરીમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં 16 ડિરેક્ટર ની હાજરીમાં અને પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.

નોંધનીય છે કે બનાસ ડેરીની સ્થાપના સ્વ. ગલબા ભાઈ નાનજી ભાઇ પટેલે કરી હતી. તે વખતે તેઓ ચેરમેન હતા. ત્યારબાદ દલુંભાઈ દેસાઈ ચેરમેન બન્યા. ત્યાર પછી પરથી ભાઈ ભટોળ ચેરમેન બન્યા જે  22 વર્ષ સુધી ચેરમેન રહ્યા હતા. જ્યારે છેલ્લા 7 વર્ષથી શંકર ભાઈ ચૌધરી ચેરમેન પદ પર છે. ડેરીમાં ચેરમેન ઉપરાંત 16 ડિરેકટરો છે.

બ્રિજભૂષણની વિરુદ્ધ બે FIR: છેડતી સહિત અનેક ગંભીર આરોપ

નવી દિલ્હીઃ મહિલા પહેલવાનોના યૌન ઉત્પીડનના આરોપોનો સામનો કરી રહેલા રેસલર ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની વિરુદ્ધ દિલ્હીના કોનોટ પ્લેસ સ્ટેશનમાં બે FIR નોંધવામાં આવી છે. તેમની સામે બે FIRમાં યૌન શોષણની માગ-છેડતીના કમસે કમ 10 કેસોની ફરિયાદ છે. આ ફરિયાદોમાં 10 એવા કેસોનો ઉલ્લેખ છે, જેમાં છેડતીની ફરિયાદ છે. ટોચના પહેલવાનોએ 23 એપ્રિલે WFIના પ્રમુખની ધરપકડ કરવાની માગને લઈને આંદોલન શરૂ કર્યું હતું.

તેમની સામે નોંધાયેલી FIR મુજબ ખોટી રીતે ટચ કરવું, બહાનાથી છાતીની ઉપર હાથ રાખવાના પ્રયાસ કરવા અથવા હાથ મૂકવા, છાતીથી પીઠ સુધી હાથને લઈ જવા અને પીછો કરવો સામેલ છે. દિલ્હી પોલીસે 28 એપ્રિલે બે FIR નોંધી હતી. તેમની વિરુદ્ધ 21 એપ્રિલે ફરિયાદ નોંધવામાં આવી હતી.

તેમની વિરુદ્ધ FIRમાં IPCની કલમ 354 (મહિલાની ઇજ્જતને ભંગ કરવાના ઇરાદાથી તેના પર હુમલો અથવા બળ પ્રયોગ કરવો) 354A (યૌન ઉત્પીડન), 354D (પીછો કરવો) અને 34 (સામાન્ય ઇરાદો)ના અંતર્ગત કેસ નોંધ્યો છે. પહેલી FIRમાં છ વયસ્ક પહેલવાનોના આરોપ સામેલ છે, જેમાં WFIના સચિવ વિનોદ તોમરનું પણ નામ છે. આમાં યૌન ઉત્પીડનની ફરિયાદોમાં જે ઘટનાઓની વાત છે, એ 2012થી 2022ની વચ્ચે થઈ હતી.

બીજી બાજુ પહેલવાનોના યૌન ઉત્પીડનના આરોપી બ્રિજભૂષણ શરણ સિંહે પાંચ જૂને અયોધ્યામાં થનારી રેલીને સ્થગિત કરી દીધી છે. સાંસદે ફેસબુક પર લખેલી પોસ્ટમાં આ માહિતી આપી હતી.

 

 

 

 

 

 

દેશની એકતા, અખંડિતતા માટે દરેકે પ્રયાસ કરવા જોઈએઃ RSS વડા

નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે નાગપુરમાં RSSના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. ભારતની એકતા અને અખંડતા માટે દરેક જણે પ્રયાસ કરવા જોઈએ. વિશ્વમાં દરેક જગ્યાએ ઇસ્લામનું આક્રમણ થયું છે. એ સ્પેનથી મોંગોલિયા સુધી છવાયેલો છે. ધીમે-ધીમે ત્યાં લોકો જાગ્યા અને તેમણે આક્રમણકારીઓને પરાસ્ત કર્યા તો ઇસ્લામ પોતાના કાર્યમાં સંકોચાઇ ગયો. હવે વિદેશી ત્યાંથી ચાલ્યા ગયા, પરંતુ ઇસ્લામની પૂજા ક્યાં સુરક્ષિત ચાલે છે. અહીં (ભારત) સુરક્ષિત છે, એમ તેમણે કહ્યું હતું.  તેમણે હિન્દુ-મુસ્લિમ એકતાની વાત કરી હતી. તેમણે વિવાદને બદલે સંવાદનો રસ્તો અપનાવવાની અપીલ કરી હતી.

તેમણે કહ્યું હતું કે દેશની સરહદ પર દુશ્મનોને પોતાની શક્તિ બતાવવાને બદલે આપણે આપસમાં લડી રહ્યા છે. સંઘના શિક્ષા વર્દ (સત્તાવાર તાલીમ શિબિર)ના વિદાય સમારંભને સંબોધિત કરતાં  તેમણે કહ્યું હતું કે વૈશ્વિક આર્થિક સંકટ અને પછી કોવિડ19 રોગચાળા બધા દેશોની વચ્ચે સારો તાલમેલ રહ્યો હતો. 

માજમાં ધર્મ અને પંથથી જોડાયેલા કેટલાય વિવાદ છે. આપણે ભૂલી રહ્યા છે કે આપણે એક દેશ છીએ કેટલાક ધર્મ ભારતની બહાર હતા અને તેમની સાથે યુદ્ધ થયાં હતાં, પણ આપણે આપસમાં લડી રહ્યા છીએ. આપણે અભિમાન અને બોજને કારણે એકજૂટ થવાથી ડરીએ છીએ. કોઈ અલગ-અલગ ઓળખ નથી. ભારતની અંદર પોતપોતાની ઓળખ સુરક્ષિત છે. આપણી વિવિધતામાં વિભાજન નહીં, પણ એકતા છે, એમ તેમણે કહ્યું હતું.   

 

 

 

 

 

અમેરિકા ગજાવે છે મુઘલ-એ-આઝમ….

આજકાલ ન્યુ યૉર્કના ટાઈમ્સ સ્ક્વેરનો એક વિડિયો વાઈરલ થયો છે, જેમાં મ્યુઝિકલ પ્લે મુઘલ-એ-આઝમની અમુક અભિનેત્રી અનારકલી સૂટમાં ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’ ગીત પર નૃત્ય કરી રહી છે. ઓયસ્સ, છ-છ એશિયન દેશોમાં 200થી વધુ શો બાદ રંગકર્મી ફિરોઝ અબ્બાસ ખાન મુઘલ-એ-આઝમ સાથે હાલ નૉર્થ અમેરિકાની ટૂર પર છે. દંતકથા સમી પ્રેમકથા, ભારતના ભવ્ય વારસા સમું કથક નૃત્ય અને શુદ્ધ શાસ્ત્રીય સંગીત રજૂ કરતું, દોઢસોથી વધુ કલાકારકસબીના કાફલાવાળું આ નાટક આજથી (2 જૂનથી) શરૂ થનારા વીકએન્ડમાં ન્યુ યૉર્કમાં અને છેક ઑગસ્ટ સુધી અમેરિકાનાં 13 જેટલાં શહેરમાં ભજવાશે.

(ન્યુ યૉર્કના થિએટરમાં જાહેરાત)

થોડા જ સમય પહેલાં મુંબઈમાં નવનિર્મિતિ, વિશ્વ કક્ષાના ઑડિટરિયમ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ફિરોઝભાઈના ડિરેક્શનમાં તૈયાર થયેલા ‘ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલઃ સિવિલાઇઝેશન ટુ નેશન’ના હાઉઝફુલ શો કર્યા. તે પછી અમેરિકાની દિશામાં ગગનગામી થઈ રહેલા વિમાનમાં બેસતાં પહેલાં ફિરોઝભાઈએ તાજા કલિંગરના રસની ચુસકી લેતાં ચિત્રલેખા સાથે ગોઠડી માંડી. પ્રસ્તુત છે એના અંશઃ

છ ઑક્ટોબર, ૧૯૫૮ના મુંબઈમાં જન્મેલા ફિરોઝભાઈને પહેલો સવાલઃ “ફિરોઝભાઈ, ફિરોઝભાઈ… ગુજરાતી સાથે તમારું ઓળખાણ કેવી રીતે થયું?”

(ફિરોઝ અબ્બાસ ખાન)

જવાબ આપતાં ફિરોઝભાઈ કહે છેઃ “મુંબઈમાં અમારા પડોશી હતા રાસબિહારી દેસાઈ. ગાયક બેલડી રાસબિહારી-વિભા દેસાઈ નહીં, પણ અવ્વલ દરજ્જાના બાંસુરીવાદક-સ્વરકાર રાસબિહારી દેસાઈ. એમની નાગર બોલીવાળી ગુજરાતી સતત મારા કાન પર ગુંજતી. ગુજરાતી ભાષા-સંગીતનો પરિચય કરાવ્યો રાસબિહારીભાઈએ.”

સ્કૂલિંગ બાદ રંગભૂમિનું કાશી ગણાતી મુંબઈની ‘નરસી મોનજી કૉલેજ’થી ફિરોઝભાઈની નાટચકારકિર્દી શરૂ થઈ. આમ તો એમણે ઍડ્મિશન લીધેલું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા, પણ તરત જ એમને નાટકનો ચેપ લાગી ગયો. અહીં એમને મળ્યા દિગ્દર્શક મહેન્દ્ર જોશી, પરેશ રાવલ, શફી ઈનામદાર તથા ચંદ્રકાંત (ચંદુ) શાહ, વગેરે. ૧૯૭૮માં ‘ઈપ્ટા’ના નેજા હેઠળ ભજવાયેલું ‘નૌશિલ મહેતા આત્મહત્યા કરતે હૈ’ એ એમનું પહેલું નાટક. આ જ નાટક પછી ગુજરાતીમાં ભજવાયું, ‘નૌશિલ મહેતા આત્મહત્યા કરે છે.’ નૌશિલ મહેતા લિખિત આ નાટક (હિંદી-ગુજરાતી)માં નૌશિલ મહેતા બનેલા ફિરોઝભાઈ. બન્નેના ડિરેક્ટર મહેન્દ્ર જોશી.

એ દિવસો યાદ કરતાં ફિરોઝભાઈ કહે છેઃ “નરસી મોનજી કૉલેજમાં મહેન્દ્ર જોશીને અને પૃથ્વી થિયેટર્સમાં શશી કપૂરનાં પત્ની જેનિફર કેન્ડલને મળ્યો એને મારા જીવનનો નાટ્યાત્મક વળાંક ગણું છું. આરંભનાં ઘણાં વર્ષ મેં ઍક્ટિંગ જ કરી. મહેન્દ્ર જોશી, મેં અને ચંદુ શાહ (બોસ્ટનવાળા)એ મળીને એક થિયેટરકંપની પણ શરૂ કરેલીઃ ‘અવાંતર,’ જેમાં ગીત-સંગીતના જશન જેવું ‘ખેલૈયા,’ ‘તોખાર’ અને હિંદીમાં ‘એકશફ,’ ‘નીલા કમરા,’ ‘આખરી બિસાત’ જેવાં નાટક કર્યાં. ૧૯૮૩માં જેનિફર કપૂર સાથે મળીને પૃથ્વી થિયેટર ફેસ્ટિવલનું આયોજન કર્યું એ અનુભવ મારા માટે યાદગાર રહ્યો.”

આ બધા વચ્ચે એમની મુલાકાત કુમુદ-અરવિંદ પટવાનાં પુત્રી, અભિનેત્રી સોનિયા સાથે થાય છે. સૅન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણતાં સોનિયા એ વખતે લાભશંકર ઠાકર લિખિત, કાંતિ મડિયા દિગ્દર્શિત ‘પીળું ગુલાબ અને હું નાટક’માં કામ કરતાં. મુલાકાત પ્રણયમાં પલટાઈ અને બન્ને પરણી ગયાં.

(ખેલૈયામાં પરેશ રાવલ-ફિરોઝ અબ્બાસ ખાન)

જેનિફર કેન્ડલના અવસાન બાદ પૃથ્વી થિયેટરનું સંચાલન કરનારા ફિરોઝભાઈએ ૧૯૯૦માં પૃથ્વી માટે પહેલું નાટયદિગ્દર્શન કર્યું- પીટર શેફરનું ‘ધ રૉયલ હન્ટ ઑફ ધ સન.’ એ પછી, ‘ઑલ ધ બેસ્ટ,’ ‘એવા મુંબઈમાં ચાલ જઈએ,’ ‘સાલ ગિરાહ,’ ફારુક શેખ-શબાના આઝમી અભિનિત ‘તુમ્હારી અમ્રિતા,’ ‘સેલ્સમૅન રામલાલ,’ ‘મહાત્મા વર્સિસ ગાંધી’ અને હાલ અમેરિકાની રંગભૂમિ ગજાવી રહેલું ‘મુઘલ-એ-આઝમ.’ ત્યાર બાદ આવું જ મ્યુઝિકલ ‘રૌનક ઔર જસ્સી’ ભજવ્યું.

આ દરમિયાન ફિરોઝભાઈએ ફિલ્મઅભિનેતા અનિલ કપૂરની નિર્માતા તરીકે પહેલી ફિલ્મ ‘ગાંધીઃ માય ફાધર’ (૨૦૦૭)નું લેખન-દિગ્દર્શન પણ કર્યું, જેમાં ગાંધીજીની ભૂમિકા ભજવનાર દર્શન જરીવાલાને નૅશનલ એવૉર્ડ મળેલો, જ્યારે બેસ્ટ ફિલ્મ તથા બેસ્ટ સ્ક્રીનપ્લે એમ બે નેશનલ એવૉર્ડ્સ ફિરોઝભાઈને મળ્યા. એ પછી એમણે સર્જી પોલિટિકલ સૅટાયર ફિલ્મ ‘દેખ તમાશા દેખ.’

(મુધલ-એ-આઝમમાં પ્રિયંકા બર્વે)

ફરી પાછા ‘મુઘલ-એ-આઝમ’ પર પાછા ફરીએ તો, નાટકનું નિર્માણ કર્યું છે શાપુરજી પાલનજીએ. ૧૯૬૦ના દશકમાં આવીને ઈતિહાસ સર્જી ગયેલી ફિલ્મના નિર્માતા પણ શાપુરજી પાલનજી જ હતા. બ્રૉડવે સ્ટાઈલના આ મ્યુઝિકલ સાથે કેવાં નામ જોડાયેલાં છે? મનીષ મલ્હોત્રાની વસ્રસજ્જા, કથક નૃત્યનાં સંયોજક મયૂરી ઉપાધ્યાય, લાઈટિંગ-પ્રોજેક્ટિંગ ડિઝાઈન કર્યાં છે ન્યુ યૉર્કના નીલ પટેલે. એમની સાથે જોડાયાઃ એવૉર્ડ-વિનિંગ ડેવિડ લેન્ડર તથા જોન નરુન. સોલી કાપડિયા, પીયૂષ કનોજિયા, વગેરે.

અમેરિકાના ભારતીય નાટ્યપ્રેમીઓ, જજો જોવા આ ઐતિહાસિક નાટક…. અને આશા રાખીએ કે મુંબઈ આવીને ફિરોઝભાઈ એ દોબારા ભજવે.

સોળે સાન ને વીસે દસ ભાષાનું જ્ઞાન!

ભાષાના અભ્યાસ અને તેની જાણકારી હોવાની બાબતમાં દુનિયાના અન્ય લોકોની સરખામણીમાં એક અબજ કરતાં વધુ ભારતીયો હંમેશા મુઠ્ઠી ઉચેરા સાબિત થયા છે. દરેક સરેરાશ ભારતીય ઓછામાં ઓછી બે, અને કરોડો ભારતીયો ઓછામાં ઓછી ત્રણ ભાષા કડકડાટ જાણે છે. વિશ્વમાં બાકી દેશોના નાગરિકો આપણી આ આવડત જોઈને ઘણી વાર અચરજમાં સરી પડતાં હોય છે. બે ભાષા જાણતા લોકોને અંગ્રેજીમાં બાય-લિંગ્વલ અને બે કરતાં વધુ ભાષા જાણતા લોકોને મલ્ટી-લિંગ્વલ કહેવાય છે.

ભાષાઓ ક્ષેત્રે અન્ય એક શબ્દ પણ પ્રચલિત છે – હાયપરપોલિગ્લોટ (Hyperpolyglot). જે લોકો છ અથવા તેથી વધારે ભાષા લખી, વાંચી, બોલી અને સમજી શકતા હોય તેને હાયપરપોલિગ્લોટ કહેવાય છે. આ વાત છે ગુજરાતના સૌથી યુવા વયના હાયપરપોલિગ્લોટ રાજમાન નકુમની, જે બે-પાંચ નહિ પણ પૂરી દસ ભાષા જાણે છે!

હાલ ગોંડલ ખાતે ગુજરાત પોલિસમાં સીઆઇડી (ક્રાઇમ) વિભાગમાં ફરજ બજાવતા પોલિસ ઇન્સપેટક્ટર કપિલ નકુમના વીસ વર્ષના પુત્ર રાજમાન છેલ્લા પાંચ વર્ષથી સતત વિવિધ ભાષાઓનો અભ્યાસ કરી રહ્યા છે. ચિત્રકળા, ગિટાર તેમજ માર્શલ આર્ટમાં રસ અને આવડત ધરાવતા રાજમાન કઈક નવું શીખે જેનાથી તેમને કારકિર્દીમાં પણ ફાયદો થાય અને તેમની બુદ્ધિક્ષમતા પણ વધારે તેજ બને તેવા હેતુથી કપિલભાઇએ તેમને નવી ભાષા શીખવા સૂચન કર્યું હતું અને પિતાની વાત અનુસરીને રાજમાને રાજકોટમાં ફ્રેન્ચ ભાષા શીખવાની શરૂઆત કરી. નવી ભાષા શીખવા માટે સામાન્ય કરતાં ઘણા ઓછા સમયમાં (બેથી અઢી મહિનામાં) પરીક્ષા આપવા જેટલું ફ્રેન્ચ શીખી લીધા પછી અમદાવાદમાં ‘આલિયાન્સ ફ્રોન્સેસ’ ખાતે ફ્રાન્સ શિક્ષણ મંત્રાલય દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થયા.

એક નવી ભાષા શીખવાનો કશુંક અસમાન્ય જ્ઞાન મેળવ્યું હોવાનો તેમને અપાર રોમાંચ હતો. ફ્રેન્ચની પરીક્ષા પાસ કર્યા પછી તેમણે બીજી બે ભાષા શીખવાનું શરૂ કર્યું. સવારે સ્પેનિશ શીખતા અને બપોરે જર્મન. યુરોપની અન્ય ભાષાઓની સરખામણીમાં જર્મન ભાષા શીખવી મુશ્કેલ ગણાય છે, પરંતુ રાજમાને તો જર્મન અને સ્પેનિશ બંને ભાષા સાથે શીખવાનું બીડું ઝડપ્યું. બંને એકબીજા કરતાં તદ્દન જુદી ભાષા હતી પણ જે વસ્તુ આપણે મનથી શીખી રહ્યા હોય ત્યાં કોઈ અવરોધ ક્યાં આવે છે? રાજમાને આ બંને ભાષા પર પણ પ્રભુત્વ મેળવ્યું અને તેની પણ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય પરીક્ષાઓ આપી.

ત્રણ ભાષા શીખ્યા પછી હવે રાજમાનને ભાષાઓ શીખવામાં મજા આવવા લાગી હતી. બરાબર એ જ સમયે 2020માં કોવિડ મહામારીનો આતંક ફેલાયો હતો. ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ હતો અને ઘણો નવરાશનો સમય પણ હતો એટલે એમણે ઇટાલીયન અને પોર્ટુગીઝ ભાષા પર હાથ અજમાવવાનું નક્કી કર્યું. આ બંને ભાષા ઇન્ટરનેટના માધ્યમથી તેમણે પોતાની રીતે જ શીખી અને 2021માં એક પ્રોફેસરની મદદથી ભણીને પરીક્ષા પાસ કરી. છ ભાષાઓના જ્ઞાન સાથે રાજમાન હવે હાયપરપોલિગ્લોટ બની ગયા હતા પણ તેમને આટલાથી સંતોષ નહોતો.

રાજમાને યુરોપિયન ભાષાઓમાં નિષ્ણાત બન્યા બાદ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો. સંસ્કૃતનો અભ્યાસ કરવાની સાથોસાથ તેઓ કોઈ એવી ભાષા શીખવા માંગતા હતા જે વધુ પડકારજનક હોય. યુરોપની તમામ ભાષાઓ એક સરખી લિપિ વડે રચાયેલી છે અને સંસ્કૃત પણ હિન્દી દેવનાગરી લિપિમાં લખાય છે. અંગ્રેજી અને હિન્દી જાણતા લોકો માટે આ ભાષાઓ નવી છે, પણ લિપિ તો જાણીતી જ છે ને! પરિણામે રાજમાન એવી કોઈ ભાષા જાણવા માંગતા હતા જેમાં તેમણે સાવ એકડ એકથી શરૂઆત કરવાની હોય. પુસ્તક હાથમાં આવે અને એક પણ શબ્દ ભાંગ્યો-તૂટ્યો પણ વાંચી ન શકાય એવી ભાષા. ચાઇનીઝ ભાષામાં ખાસ રસ નહોતો, એટલે તેમણે ત્રણ વિકલ્પ: જાપાનીઝ, કોરિયન અને રશિયન પૈકી રશિયન શીખવાનો નિર્ણય લીધો. રાજમાન રશિયન નાગરિક પાસેથી જ ઓનલાઈન શિક્ષણ મેળવીને રશિયન શીખ્યા.

હજુયે ભારતીય ભાષાઓમાં રાજમાન કોઈ દ્રવિડિયન ભાષા શીખવાનો રસ ધરાવે છે.  કારકિર્દીમાં તેમને આ તમામ ભાષાઓ અને તેના માન્ય પ્રમાણપત્રો ખૂબ ઉપયોગી સાબિત થવાના છે તે રાજમાન અને તેનો પરિવાર બરાબર સમજે છે.

દસ-દસ ભાષાઓના જાણકાર હોવા બદલ રાજમાન સૌથી વધુ અમદાવાદની એચ.કે. ઇન્સ્ટીટ્યુટના યાજ્ઞિક સરના આભારી છે, જોકે વિવિધ ભાષાઓ શીખવનારા તેમના તમામ પ્રોફેસર્સ મનોજભાઇ રામાણી, જાનકી મેડમ અપૂર્વા મહેતા, મિ.યેન, અભિષેક ત્રિવેદી વગેરેને પણ તે અચૂક યાદ કરે છે.

રાજમાનને વિવિધ ભાષામાં કડકડાટ બોલતા સાંભળવો હોય તો કરો ક્લિકઃ https://youtu.be/SG-HIuOSkgk

(જેલમ વ્હોરા)

શું વાસ્તુ દોષ હોય તો વ્યક્તિ નકારાત્મક બની શકે?

કળા અને સંસ્કૃતિની વાતો તો ઘણી થાય છે પણ શું આપણે સહુ એના માટે સક્રિય છીએ? અન્ય કોઈ દેશને તકલીફ પડે અને આપણે સપના જોવા લાગીએ કે હવે આપણે બધાથી આગળ નીકળી જઈશું એના કરતા આપણે સતત વિકાસશીલ રહીએ તો? શું અન્ય દુખી થાય તો જ આપણે સુખી થઇ શકીએ? કોઈના સાપેક્ષ વિના સુખી ન થવાય? થોડો સમય ઊંડા શ્વાસ લઈને વિચારો. જવાબ તરત જ મળી શકશે. એનું કારણ એ છે કે અન્યને દુખી જોવાની ઈચ્છા એને જ થાય જેને સુખની સાચી સમજણ નથી. જે સુખને સમજી જાય છે એને કોઈના પ્રમાણ લેવાની જરૂર જ નથી. સુખ એ આંતરિક અનુભૂતિ છે. એના માટે બહાર હવાતિયા ન  મારીએ તો ચાલે. સાચા સુખને પામવા માટેની ઉર્જા મળે છે ભારતીય વાસ્તુ નિયમો માંથી.

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે આપેલા આઈડી પર પૂછી શકો છો.

સવાલ: અમારી બાજુમાં એક ભાઈ રહે છે. એ પોતાની જાતને ઈશ્વરના અવતાર માને છે. વાત વાતમાં નરકમાં નાખવાની ધમકી આપે છે. નથી એમને શાસ્ત્રોનું જ્ઞાન કે નથી એમને જીવનનું ભાન. વ્યસન કરે છે, અપશબ્દો બોલે છે. અપમાનજનક વાતો પણ કરે છે. તો પણ એમને પૂજવા વાળા મળી રહે છે. આવા ઢોંગી પણાને રોકી ન શકાય? આવી નકારાત્મક વ્યક્તિ બનવા માટે કયા વાસ્તુ દોષ કામ કરે?

જવાબ: સહુથી પહેલા તો લોકો એ સમજવું પડશે કે જે પોતે જ વ્યસનનો ગુલામ છે એ અન્યને મુક્તિ ક્યાંથી આપશે? બીજી વાત કોઈ પણ વ્યક્તિ મહાન ત્યારે જ બને છે જયારે લોકો એને સ્વીકારે છે. લોકોએ આવા માણસને ભગવાનનું સ્વરૂપ માની લીધો એ એમની જ ભૂલ છે. કોઈ નરકમાં નંખાવવાની વાત કરે એટલે ડરી જવાનું? જે લોકો મોક્ષ આપાવવાની વાતો કરે છે એ પોતે મોક્ષને સમજે છે ખરા? અંધ શ્રદ્ધા હોય ત્યાં આવા લોકો ફાવે જ. તમે સમજો છો પણ તમે આ સ્થિતિ માટે લોક જાગૃતિ લાવવા પ્રયત્ન કર્યા? મોટા ભાગે આપણે ફરિયાદ જ કરીએ છીએ. પ્રયત્ન નહિ.

જયારે ઈશાનથી નૈરુત્યનો મોટો દોષ હોય ત્યારે વ્યક્તિને પોતાના ફાયદા માટે અન્યને છેતરવા ગમે. જોકે આ ઉર્જાને સુધારવા માટે તમારા પેલા પાડોશીએ પ્રયત્ન કરવો પડે. એને સુધરવું ગમશે?

સવાલ: નમસ્તે. મને ખબર છે તમે ફોનમાં વાત કરો ત્યારે નમસ્તે કહો છો. તમે ભારતીયતાનું સાચું સ્વરૂપ છો. મારી દીકરીને ભણવામાં આવે છે કે વાસ્તુ એ જ્યોતિષ શાસ્ત્રનો ભાગ છે. શું આ સાચું છે? મને વિશ્વાસ નથી આવતો.

જવાબ: જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહની વાત છે. જેમાં એક પણ ગ્રહનું નામ પૃથ્વી નથી. વાસ્તુમાં એક ગ્રહની વાત છે જેનું નામ પૃથ્વી છે. આ બંને શાસ્ત્રો પોત પોતાની રીતે અદ્ભુત છે. પણ આધિપત્યની ભાવનાના કારણે દરેકને પોતે શ્રેષ્ઠ છે અને અન્ય પોતાની નીચે છે એવું દર્શાવવું ગમે. તમને આવો વિચાર આવ્યો એ જ સારી વાત છે.

સુચન: વાસ્તુ શાસ્ત્ર એ પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. જાતકના નામ કે રાશિ પ્રમાણે ઘરનું દ્વાર ન મૂકી શકાય.

(આપના સવાલો મોકલી આપો vastunirmaan@gmail.com )

કોરાનાના 267 નવા કેસો, બેનાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 267 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,91,143 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,874 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,55,533 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 454 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3736એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,91,161 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.04 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,12,228 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 359 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.