Home Blog Page 2819

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિતે એએમએ યોજી યુવાનો માટે સ્પર્ધા અને પ્રદર્શન

“નીરુભાઈ દેસાઈ- એએમએ સેન્ટર ઓફ ક્લાઈમેટ મેનેજમેન્ટ”ના આશ્રય હેઠળ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા એએમએ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે “જળ સંરક્ષણ” પર એક પ્રદર્શન અને યુવા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પદ્મશ્રી ડૉ. એમ. એચ. મહેતા,  સેતુ એસ. શાહ, વિજય સોલંકી, અને  ચંદ્રમૌલી પાઠક દ્રારા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે જળ સંરક્ષણની આવશ્યકતા વિશે સંબોધન કરવામાં આવ્યું હતું.

આ નિમિત્તે પોસ્ટર બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં અપંગ માનવ મંડળના પચાસથી વધુ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને જળ સંરક્ષણ માટે સર્જનાત્મક વિચારો રજુ કર્યા હતા.  તેમાંથી શ્રેષ્ઠ પોસ્ટરો માટે ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા.

પ્રદર્શન સવારે ૧૧ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને એએમેએ દ્રારા ૩ જૂન, ૨૦૨૩ના રોજ બપોરે ૧૨વાગ્યાથી ૧:૦૦ વાગ્યા સુધી “વોટર કન્ઝર્વેશન” પર યુવાનો (૮ થી ૨૦ વર્ષ સુધીનાં) માટે વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કપિલ, ગાવસકર સહિત દિગ્ગજ ક્રિકેટરોનું મહિલા કુસ્તીબાજોને સમર્થન

નવી દિલ્હીઃ લૈંગિક શોષણના વિરોધમાં ન્યાય માટે આંદોલન કરી રહેલી મહિલા કુસ્તીબાજો પ્રત્યે એક તરફ કેન્દ્ર સરકાર દુર્લક્ષ સેવી રહી છે ત્યારે બીજી બાજુ, કુસ્તીબાજોને દેશભરમાંથી વધુ ને વધુ સમર્થન મળી રહ્યું છે. 1983માં પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ સ્પર્ધા જીતનાર કપિલ દેવ અને એમની ટીમના સાથીઓએ એક નિવેદન બહાર પાડ્યું છે. એમાં તેમણે માગણી કરી છે કે કુસ્તીબાજોની ફરિયાદ પર કેન્દ્ર સરકાર ત્વરિત ધ્યાન આપે.

કુસ્તીબાજોને ટેકો આપનાર આ ભૂતપૂર્વ ક્રિકેટરોમાં કપિલ દેવ, સુનીલ ગાવસકર, મદનલાલ, દિલીપ વેંગસરકર વગેરેનો સમાવેશ થાય છે. એમણે નિવેદનમાં એમ પણ લખ્યું છે કે, ‘મેડલવિજેતા કુસ્તીબાજો સાથે પોલીસોએ જે રીતે ગેરવર્તન કર્યું તે અસ્વસ્થ કરનારું છે. ખૂબ મહેનત કરીને જીતેલા મેડલ્સ ગંગા નદીમાં પધરાવી દેવાનો કુસ્તીબાજોને જે નિર્ણય લેવો પડ્યો  છે તે વેદનાદાયી છે.’

ક્રિકેટરોએ આંદોલનકારી કુસ્તીબાજોને વિનંતી કરી છે કે તેઓ સંયમ જાળવી રાખે. ‘તમે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેશો નહીં. તમારી ફરિયાદ સાંભળવામાં આવશે એવી અમને આશા છે. કાયદા પર વિશ્વાસ રાખવો જોઈએ.’

દેશના અગ્રગણ્ય મહિલા અને પુરુષ કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા અને ભાજપના સંસદસભ્ય બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ આંદોલને ઉતર્યાં છે. તેમણે બ્રિજભૂષણ વિરુદ્ધ જાતીય સતામણીના આરોપો કર્યા છે અને એમની પાસેથી રાજીનામું લઈ લેવાય એવી માગણી કરી છે.

વિશ્વ પર્યાવરણ દિવસની 50 મી વર્ષગાંઠ ઉજવાશે સાયન્સ સિટીમાં, યોજાશે આ કાર્યક્રમ

5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ, દર વર્ષે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની 50 મી વર્ષગાંઠ ઉજવાશે. નોંધનીય છે કે વર્ષ 1972માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે પર્યાવરણ દિવસની થીમ #BeatPlasticPollution રાખવામાં આવેલી છે. જેના થકી સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક પ્રદૂષણના નિકાલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

ગુજરાત સાયન્સ સિટીના સાયન્સ પોપ્યુલરાઈઝેશન વિભાગ દ્વારા અવારનવાર લોક જાગૃતિ માટે જુદા જુદા પ્રકારના વૈજ્ઞાનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસને લઈને ગુજરાત સાયન્સ સિટીમાં પણ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  જે અંતર્ગત 3 અને 4 જૂને ગુજરાત સાયન્સ સિટીના નોબલ ડોમમાંપ્લાસ્ટિકની વસ્તુઓના વિકલ્પ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવી અન્ય વસ્તુઓ અને પર્યાવરણને અનુકૂળ વસ્તુઓના 20 જેટલા સ્ટોલ્સનું પ્રદર્શન રાખવામાં આવશે. જેના થકી પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ માટે ગુજરાત સાયન્સ સિટી દ્વારા જુદા જુદા વિક્રેતાઓ અને સમૂહો પાસેથી પ્રદર્શનમાં ભાગ લેવા માટેની દરખાસ્તો પણ મંગાવવામાં આવી છે.

 

વધુમાં પર્યાવરણલક્ષી પ્રદર્શન ઉપરાંત સાયન્સ સિટીના ઓડિટોરિયમ ખાતે પર્યાવરણ દિવસની થીમ આધારિત વક્તવ્યનું પણ આયોજન કરેલ છે. વિશ્વ પર્યાવરણ દિવસ-2023ની ઉજવણી નિમિત્તે કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમામ પર્યાવરણ રસિકોને નિમંત્રણ છે.

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે વાવાઝોડાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં ફરી એક વાર વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે  પાંચ દિવસ વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે. સાબરકાંઠા અને બનાસકાંઠા તરફ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે.

વળી, અરબી સમુદ્રમાં 6થી નવ જૂનમાં ચક્રવાત ત્રાટકવાની સંભાવના છે. ત્યારે આજથી પાંચ દિવસ ગુજરતભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી પાંચ દિવસ 50 કિમીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.

જૂનના બીજા અઠવાડિયામાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં ત્રીજી કે ચોથી જૂનની આસપાસ લો પ્રેશર બનશે. હાલ અરબી સમુદ્રનું તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે, જે વાવાઝોડું બનવા માટેનું અનુકૂળ છે. લો પ્રેશર એરિયા બન્યા બાદ જો સિસ્ટમ વધારે મજબૂત બનશે તો તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગનાં ડિરેક્ટર ડો.મનોરમા મોહંતીએ આવી રહેલા વાવાઝોડાના સંકટ વિશે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. આવામાં ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી સંભાવનાઓ બની છે.

અરબી સમુદ્રમાં બનતા વાવાઝોડાનો ખતરો ગુજરાત સહિત મહારાષ્ટ્ર પર પણ રહેલો હોય છે. બીજી તરફ અનેક વખત એવું પણ બન્યું છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું આગળ વધે છે અને ગુજરાત પર આવવાને બદલે એ ઓમાન તરફ જાય છે. રાજ્ય પાસેથી પસાર થતાં વાવાઝોડા પણ સૌરાષ્ટ્ર અને બીજા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવી શકે છે..

રાજ્યમાં એકસાથે બે-બે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં તો વાવાઝોડું સક્રિય થવાનું છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનો અંદાજ છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય થાય તો તેની રાજ્યના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે.

 

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૨ જૂન, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૨ જૂન, ૨૦૨૩

એશિયામાં સૌથી વધુ મોંઘવારી દર પાકિસ્તાનમાં

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન માટે મુસીબતો બેટેલિયનમાં આવી રહી છે. અહીં મોંઘવારીનો દર રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. પાકિસ્તાનમાં મેમાં મોંઘવારીનો દર 38 ટકાએ પહોંચ્યો છે, જે શ્રીલંકાને પાછળ છોડીને એશિયામાં સૌથી વધુ મોંઘવારીનો દર નોંધાયો છે. શ્રીલંકામાં મોંઘવારીનો દર હાલમાં 25.2 ટકાએ આવી ગયો છે. આટલી ખરાબ સ્થિતિને કારણે શાહબાઝ સરકાર IMFની શરતો પૂરી કરવામાં નિષ્ફળ નીવડે એવી શક્યતા છે.

પાકિસ્તાન પર નાદાર થવાનું સંકટ ઝળૂંબી રહ્યું છે. વિદેશી દેવાંને કારણે અર્થતંત્રની હાલત ખસ્તા થઈ રહી છે. પાકિસ્તાનનો વિદેશી કરન્સી ભંડાર અત્યાર સુધી સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. મેમાં પાકિસ્તાનનો મોંઘવારીનો દર 38 ટકાએ પહોંચ્યો હતો. પાકિસ્તાનમાં દૂધથી માંડીને જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતો સાતમા આસમાને છે. પાકિસ્તાન પાસે કર્મચારીઓને પગાર આપવા માટે પણ ફંડ ઓછું પડી રહ્યું છે. ઇમરાન ખાનની ધરપકડ પછી બગડેલી સ્થિતિએ મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.

જૂનના અંતમાં IMFની ફાઇનાન્સ ફન્ડિંગનો પ્રોગ્રામ ખતમ થવાનો છે, જેથી પાકિસ્તાન પર નાદાર થવાનું જોખમ ઝળૂંબી રહ્યું છે. IMF મિશનના પ્રમુખ નાથન પોર્ટે કહ્યું હતું કે પાકિસ્તાન સરકાર અને IMFની વચ્ચે વાટાઘાટ મુશ્કેલ થઈ ગઈ છે. પાકિસ્તાનની હાલની રાજકીય સ્થિતિને લઈને તેમણે આશા વ્યક્ત કરી હતી કે કાયદાનું પાકિસ્તાનને એને ઉકેલી લેશે. IMFએ પાકિસ્તાનને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે જો પાકિસ્તાન શરતો પૂરી નહીં કરે તો એને કોઈ આર્થિક મદદ કરવામાં નહીં આવે.

 

 

 

સુરત બ્રિજનના હેલ્થ રિપોર્ટ માટે આટલા કરોડનો ખર્ચો, ત્રણ એજન્સીઓને સોપ્યું કામ

સુરત શહેરમાં 119 બીજો આવેલા છે. ત્યારે આગામી સમયમાં આ તમામ બ્રિજનું હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવશે જેની પાછળ સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ખર્ચો કરશે.

ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં 15 રિવર બ્રિજ, 28 ફ્લાય ઓવરબ્રિજ, 16 રેલવે ઓવરબ્રિજ અને 60 જેટલા ખાડી બ્રિજ આવેલા છે જેના હેલ્થ કાર્ડ તૈયાર કરવા માટે સુરત મહાનગરપાલિકા 4.34 કરોડ રૂપિયાનો ખર્ચો કરશે. જેના માટે ત્રણ એજન્સિઓને કામ આપવામાં આવ્યુ છે.

સુરત શહેરમાં આવેલા રિવર બ્રિજ, ફ્લાય ઓવર બ્રિજ, ખાડી બ્રીજ તથા રેલ્વે બ્રીજોના નિરીક્ષણ માટે મલ્ટી મીડિયા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ, કસાડ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને પંકજ એમ પટેલ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો સમાવેશ થાય છે.જો કે વિચારવા જેવી વાત એ પણ છે કે આ ત્રણેય કંપનીઓ અમદાવાદની છે.

આ ત્રણેય એજન્સી ચોમાસા પછી ઓક્ટોબર મહિનાથી આ કામની શરૂઆત કરશે. જે ટેન્ડર સુરત મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે તેમાં રીવર બ્રીજના નિરીક્ષણ માટે પ્રતિ ચોરસ મીટરનો ભાવ 40 રૂપિયા, ફ્લાય ઓવર બ્રિજ માટે પ્રતિ ચોરસ મીટર 35 રૂપિયા, રેલવે ઓવર બ્રીજ માટે પ્રતિ ચોરસ મીટર 35 રૂપિયા અને ખાડી બ્રિજ માટે પ્રતિ ચોરસ મીટર 22 રૂપિયાનો  નક્કી કરવામાં આવ્યો છે. આમ 4,34,11,900 રૂપિયાનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે. આ ત્રણેય એજન્સીને આ કામગીરી એક વર્ષમાં પૂરી કરવાની રહેશે અને ત્યારબાદ શહેરમાં આવેલા 119 બ્રિજમાંથી જે બ્રિજને સમારકામની જરૂર પડશે તે બ્રિજનો રિપોર્ટ આવ્યા અનુસાર સમારકામ કરવામાં આવશે. જો કે સુરતમાં અગાઉ 9 બ્રિજના હેલ્થ રિપોર્ટ તૈયાર થઈ ગયા છે માટે તેના હેલ્થ રિપોર્ટ નહીં બને. એજન્સીઓ દ્વારા 110 બ્રિજોનો હેલ્થ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

કેવું હશે સાબરમતીનું બુલેટ ટ્રેન હબ? આ રહી એની વિશેષતાઓ…

મુંબઈ અને અમદાવાદનાં લોકો આ બંને શહેર વચ્ચે દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ બુલેટ ટ્રેન યોજના માટે ભારત સરકારને જાપાનની સરકારનો સહયોગ પ્રાપ્ત થયો છે.

આ બહુપ્રતિક્ષિત મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર (બુલેટ ટ્રેન) યોજનામાં સાબરમતી એચએસઆર (હાઈ-સ્પીડ રેલ) ટર્મિનલ સ્ટેશન હશે. ભારતીય રેલવે, રેલવે મંત્રાલયની પેટાકંપની નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ સાબરમતી એચએસઆરને એક મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબના રૂપમાં વિકસિત કરવાનું નક્કી કર્યું છે. આ એચએસઆર લાઈનને ભારતીય રેલવે, મેટ્રો સ્ટેશન બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (બીઆરટીએસ) સાથે જોડી દેવામાં આવશે.

સાબરમતી એચએસઆર સ્ટેશનની આસપાસ વિવિધ ટ્રાન્સપોર્ટ સાધનો વચ્ચે નિરંતર કનેક્ટિવિટી અને એકીકરણ જળવાઈ રહે એ માટે આ સ્ટેશનની પૂર્વ બાજુએ એક મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ ભવન બનાવવાની યોજના છે. તેમાં ત્રણ ફૂટઓવર બ્રિજ (એફઓબી) છે, જે ટ્રાવેલેટર (પ્રવાસીઓ અને લગેજ માટે એરપોર્ટ પર હોય છે એવો ઘૂમતો પથ)થી સુસજ્જ હશે. આ એફઓબી હબ બિલ્ડિંગને સાબરમતી એચએસઆર સ્ટેશન, સાબરમતી રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને બીઆરટીએસ સ્ટેન્ડ સાથે જોડશે.

બુલેટ ટ્રેન યોજના સાથે સંકળાયેલા તમામ હિતધારકોની ભલામણથી સાબરમતી એચએસઆર સ્ટેશન માટે એક મલ્ટીમોડલ એકીકરણ યોજના ઘડવામાં આવી હતી અને જરૂરી ડિઝાઈન પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમ કે, રસ્તાઓને પહોળા કરવા, રોડ ભૂમિતિ અને જંક્શનોને નવું સ્વરૂપ આપવા, ટેબલ ટોપ રાહદારી ક્રોસિંગ વગેરે.

સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બિલ્ડિંગની વિશેષતાઓ જાણી લોઃ

  • હબ બિલ્ડિંગનું નિર્માણ ટ્વિન સ્ટ્રક્ચરના રૂપમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં ઓફિસો, કમર્શિયલ હેતુઓ માટેની તેમજ પ્રવાસીઓ માટે ઉપયોગી થાય એવી રીટેલ દુકાનો માટે જગ્યા નિર્ધારિત કરવામાં આવી છે.

પ્રસ્તાવિત હબ બિલ્ડિંગ HSR સ્ટેશન, પશ્ચિમ રેલવે સ્ટેશનોની બંને તરફ, મેટ્રો સ્ટેશન તથા બીઆરટીએસને એફઓબીથી કનેક્ટ કરશે.

એફઓબીનું વર્ણન નીચે મુજબ છેઃ

એફઓબી-1 હબ બિલ્ડિંગને સાબરમતી (મીટર ગેજ) રેલવે સ્ટેશન અને એચએસઆર સ્ટેશનોને જોડે છે. પ્રવાસીઓની સુવિધા માટે એફઓબીમાં ટ્રાવેલેટર બેસાડવામાં આવશે.

એફઓબી-2 હબ બિલ્ડિંગને એઈસી મેટ્રો સ્ટેશન અને બીઆરટીએસ સ્ટેન્ડને જોડે છે.

એફઓબી-3 એચએસઆર સ્ટેશનને સાબરમતી બ્રોડ ગેજ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ સાથે જોડે છે.

  • હબ બિલ્ડિંગ સુધી સહેલાઈથી પહોંચવા માટે ખાનગી કારો, ટેક્સીઓ, બસો, ઓટોરિક્ષાઓ, ટુ-વ્હીલર્સ માટે પર્યાપ્ત પાર્કિંગ જગ્યા ઉપરાંત ડેડિકેટેડ પિકઅપ અને ડ્રોપ-ઓફ બૅ બનાવવામાં આવી રહ્યા છે. આ સુવિધા એચએસઆર સ્ટેશનના પ્રભાવિત વિસ્તારમાં પ્રવાસીઓ અને ટ્રાફિકની અવરજવર સરળ બની રહે તેવા પ્રકારની હશે.
  • પાર્કિંગ સ્પેસમાં 1,300 વાહનો માટે પિક એન્ડ ડ્રોપ સુવિધા હશે.
  • કોનકોર્સ લેવલ પર પ્રવાસીઓ માટે આ સુવિધાઓ ઉપલબ્ધ હશેઃ ફૂડ કોર્ટ, રીટેલ દુકાનો, પ્રોવિઝન સ્ટોર્સ, લિફ્ટ/એસ્કેલેટર્સ, રેસ્ટરૂમ્સ.
  • હબ બિલ્ડિંગમાં પ્રવાસીઓ માટે એક સમર્પિત કોનકોર્સ ફ્લોર (ત્રીજા માળના સ્તરે) છે, જેમાં પ્રતીક્ષા એરિયા, રીટેલ દુકાનો અને રેસ્ટોરન્ટ જેવી અન્ય સુવિધા હશે.
  • કોનકોર્સ ફ્લોરની ઉપરના બિલ્ડિંગ બ્લોક્સને બ્લોક-A અને બ્લોક-B એમ બે અલગ બ્લોક્સમાં વિભાજીત કરવામાં આવી રહ્યા છે. જેમાં ઈન્ટરકનેક્ટિંગ ટેરેસ હશે.
  • ભારતીય રેલવે અને એચએસઆર વચ્ચે પ્રવાસીઓના આદાન-પ્રદાનન માટે હબ કોનકોર્સમાં ભારતીય રેલવે માટે ટિકિટ કાઉન્ટરની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.
  • દાંડી માર્ચ મ્યુરલઃ સાબરમતીના ઐતિહાસિક સંદર્ભનું સમ્માન કરવા માટે, આ ઈમારતના દક્ષિણી અગ્રભાગમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસન વખતે આદરેલા પ્રસિદ્ધ દાંડી કૂચ આંદોલનને દર્શાવતું સ્ટેનલેસ સ્ટીલનું એક મોટું મ્યૂરલ બનાવવામાં આવી રહ્યું છે.
  • ગ્રીન બિલ્ડિંગની વિશેષતાઓઃ હબ બિલ્ડિંગને વિવિધ ગ્રીન બિલ્ડિંગ સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી રહ્યું છે. એમાં છતો પર સોલર પેનલોની જોગવાઈ છે, વ્યાપક લેન્ડસ્કેપ ટેરેસ અને ઉદ્યાન છે, સક્ષમ જળ ફિક્સ્ચર્સ, ઊર્જા સક્ષમ એર કન્ડિશનિંગ અને પ્રકાશ ફિક્સ્ચર્સનો સમાવેશ થાય છે. સમગ્ર ઈમારતમાં કુદરતી પ્રકાશ પર્યાપ્ત પ્રમાણમાં ઉપલબ્ધ રહેશે અને આસપાસનાં દ્રશ્યો પણ જોઈ શકાશે.

વડા પ્રધાન મોદી આવતી 5 જૂને સુરતની મુલાકાતે આવવાના છે. ત્યારે તેઓ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનાની કામગીરીઓમાં પ્રગતિનું નિરીક્ષણ કરશે. તેઓ અંત્રોલીમાં બુલેટ ટ્રેનની કામગીરી નિહાળશે. બુલેટ ટ્રેન સૌથી પહેલાં બિલીમોરા-અંત્રોલી વચ્ચે દોડશે, વર્ષ 2026માં દેશની પ્રથમ બુલેટ ટ્રેનને દોડાવવાનું છે આયોજન છે.

WTCની ફાઇનલમાં ભારતના બોલિંગ આક્રમણને લઈને અસમંજસતા

લંડનઃ ઓસ્ટ્રેલિયા ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનો સામનો કરવા તૈયારી કરી રહ્યું છે, પણ એ અનિશ્ચિત છે કે જાડેજા કે સ્પિનર રવિચંદ્રન અશ્વિન ટીમ ઇન્ડિયાની ઇલેવન ટીમમાં સામેલ છે કે નહીં. સાત જૂને ટીમ ઇન્ડિયા સામે ઓવલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ વ્યવસ્થિત દેખાઈ રહી છે, જ્યારે ટીમ ઇન્ડિયાની બોલિગ આક્રમણને લઈને હજી અસમંજસતા છે.

ટીમ ઇન્ડિયાએ  હાલમાં બોર્ડર-ગાવસકર ટ્રોફીની શૃંખલામાં ત્રણ સ્પિનરોનો ઉપયોગ કર્યો હતો. એ સિરીઝમાં અશ્વિને (25) વિકેટ તો જાડેજાએ (22) વિકેટ લઈને ઉત્ત્ષ્ટ દેખાવ કર્યો હતો. ટીમ ઇન્ડિયાએ એ સિરીઝ 2-1થી જીતી લીધી હતી. જોકે જાડેજા અને અશ્વિન ન્યુ ઝીલેન્ડની સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં હારનારી ટીમ ઇન્ડિયામાં સામેલ થવા પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા. જોકે આ વખતે એ જોવું રસપ્રદ રહેશે કે ટીમ ઇન્ડિયાના પસંદગીકારો ટીમમાં બેઉ જણની પસંદ કરે છે કે કોઈ એકને તક આપે છે.

જોકે આ મેચમાં ટીમ ઇન્ડિયા વતી ઝડપી આક્રમણ માટે મોહમ્મદ શમી અને મોહમ્મદ શમી નવી બોલથી પ્રારંભ કરશે, જ્યારે ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ પણ શાર્દૂલ ઠાકુરની સાથે મેદાનમાં છે. ઓસ્ટ્રેલિયાના મદદનીશ કોચ ડેનિયલ વિટ્ટોરીએ ખુલાસો કર્યો હતો કે આ મેચમેં ટીમ ઇન્ડિયાની ટીમ કઈ હશે એને લઈને કોચિંગ ગ્રુપમાં ઘણો વિચારવિમર્શ તો હતો. મને લાગે છે કે જાડેજાને બેટિંગને કારણે રમાડવામાં આવશે અને તે છઠ્ઠા ક્રમે કેટલો સફળ થશે તે જોવું રસપ્રદ રહેશે?

 

 

ભૂતપૂર્વ ક્રિકેટર VVS લક્ષ્મણ IITGN વિદ્યાર્થીઓને મળ્યા, કરી આ વાત..

ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN)ના દસ વિદ્યાર્થીઓ 31 મે, 2023 ના રોજ અમદાવાદમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના ડિરેક્ટર VVS લક્ષ્મણને મળ્યા હતા. જેમાં વિદ્યાર્થિઓએ તેમની સાથે સીધો વાર્તાલાપ કર્યો અને તેમણે સામનો કરેલા પડકારોની અને વિશ્વની સૌથી અઘરી પ્રવેશ પરીક્ષાઓમાંની એક પાસ કરીને IITGN સુધી પહોંચવાની તેમની મુસાફરીની વાતો પણ સાંભળી.

જે વિદ્યાર્થીઓ ક્રિકેટના દિગ્ગજને મળ્યા તેઓ નમ્ર આર્થિક પૃષ્ઠભૂમિના છે અને તેઓ IITGN ખાતે સત્યરામ સ્કોલરશિપ અને Yuva Unstoppable NGO દ્વારા યુવા સ્કોલરશિપમેળવનારા છે. ‘સત્યારામ સ્કોલરશિપ’ની સ્થાપના IITGN ખાતે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ફિલન્થ્રોપિસ્ટ VVS લક્ષ્મણ દ્વારા વર્ષ 2016માં કરવામાં આવી હતી અને Yuva Unstoppable NGO દ્વારા તેને ફેસિલિટેટ કરવામાં આવી રહી છે. તે IITGNના જરૂરિયાતમંદ અને લાયક વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવે છે, અને તેઓ સંસ્થામાં તેમનો BTech પ્રોગ્રામ પૂર્ણ થાય ત્યાં સુધી શિષ્યવૃત્તિ સહાય મેળવે છે. ‘સત્યરામ સ્કોલરશિપ’ના બે પ્રાપ્તકર્તા વિદ્યાર્થીઓ ઉપરાંત, IITGNના BTech પ્રથમ વર્ષના વધુ દસ વિદ્યાર્થીઓને યુવા અનસ્ટોપેબલ મારફત દિગ્ગજ ક્રિકેટર દ્વારા ‘યુવા સ્કોલરશિપ’ એનાયત કરવામાં આવી હતી.

વાર્તાલાપ દરમિયાન, VVS લક્ષ્મણે જીવનમાં ઉતાર-ચઢાવના પોતાના અનુભવો અને નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા માટે કેટલા પ્રયત્નો કરવાની જરૂર પડે છે તે પણ શેર કર્યું.  તેમણે વિદ્યાર્થીઓને ધ્યાન કેન્દ્રિત કરવા અને સખત મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા કારણ કે IITGN ખાતે તેમના આગામી થોડા વર્ષો ખૂબ જ નિર્ણાયક બનવાના છે જે તેમની કારકિર્દીનો માર્ગ અને ભવિષ્ય નક્કી કરશે.

IITGN ખાતે સિવિલ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થી અને સત્યરામ સ્કોલરશિપ મેળવનારાઓમાંના એક આકાશ કુશવાહે જણાવ્યું કે, “સર VVS લક્ષ્મણ ખૂબ નમ્ર હતા અને જીવનના મૂલ્ય માટે ઊંડો આદર સ્થાપિત કર્યો. તેમણે અમને વધુ સિદ્ધિઓ માટે પ્રયત્ન કરવા માટે પ્રેરિત કર્યા. જયારે IITGN ખાતે સિવિલ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થી અને યુવા અનસ્ટોપેબલ દ્વારા યુવા સ્કોલરશિપમેળવનારાઓમાંના એક રવિ કુમાવતે કહ્યું, “સર VVS લક્ષ્મણે માતા-પિતાની જેમ અમારી સાથે વાતચીત કરી. તેમણે અમને કહ્યું કે સખત મહેનત તમને આત્મવિશ્વાસ આપશે અને તમને સફળતા તરફ દોરી જશે.

 

જયારે પ્રોફેસર શિવપ્રિયા કિરુબાકરન અને IITGNના રમતગમતના વડા પ્રોફેસર અભિજિત મિશ્રાએ, VVS લક્ષ્મણનો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ એનાયત કરીને સતત સહયોગ આપવા બદલ આભાર માન્યો. ઉપરાંત ક્રિકેટરને તેમની આગામી અમદાવાદની મુલાકાત દરમિયાન IIT ગાંધીનગરની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું.