એશિયામાં સૌથી વધુ મોંઘવારી દર પાકિસ્તાનમાં

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન માટે મુસીબતો બેટેલિયનમાં આવી રહી છે. અહીં મોંઘવારીનો દર રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. પાકિસ્તાનમાં મેમાં મોંઘવારીનો દર 38 ટકાએ પહોંચ્યો છે, જે શ્રીલંકાને પાછળ છોડીને એશિયામાં સૌથી વધુ મોંઘવારીનો દર નોંધાયો છે. શ્રીલંકામાં મોંઘવારીનો દર હાલમાં 25.2 ટકાએ આવી ગયો છે. આટલી ખરાબ સ્થિતિને કારણે શાહબાઝ સરકાર IMFની શરતો પૂરી કરવામાં નિષ્ફળ નીવડે એવી શક્યતા છે.

પાકિસ્તાન પર નાદાર થવાનું સંકટ ઝળૂંબી રહ્યું છે. વિદેશી દેવાંને કારણે અર્થતંત્રની હાલત ખસ્તા થઈ રહી છે. પાકિસ્તાનનો વિદેશી કરન્સી ભંડાર અત્યાર સુધી સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. મેમાં પાકિસ્તાનનો મોંઘવારીનો દર 38 ટકાએ પહોંચ્યો હતો. પાકિસ્તાનમાં દૂધથી માંડીને જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતો સાતમા આસમાને છે. પાકિસ્તાન પાસે કર્મચારીઓને પગાર આપવા માટે પણ ફંડ ઓછું પડી રહ્યું છે. ઇમરાન ખાનની ધરપકડ પછી બગડેલી સ્થિતિએ મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.

જૂનના અંતમાં IMFની ફાઇનાન્સ ફન્ડિંગનો પ્રોગ્રામ ખતમ થવાનો છે, જેથી પાકિસ્તાન પર નાદાર થવાનું જોખમ ઝળૂંબી રહ્યું છે. IMF મિશનના પ્રમુખ નાથન પોર્ટે કહ્યું હતું કે પાકિસ્તાન સરકાર અને IMFની વચ્ચે વાટાઘાટ મુશ્કેલ થઈ ગઈ છે. પાકિસ્તાનની હાલની રાજકીય સ્થિતિને લઈને તેમણે આશા વ્યક્ત કરી હતી કે કાયદાનું પાકિસ્તાનને એને ઉકેલી લેશે. IMFએ પાકિસ્તાનને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે જો પાકિસ્તાન શરતો પૂરી નહીં કરે તો એને કોઈ આર્થિક મદદ કરવામાં નહીં આવે.