Home Blog Page 2730

સપ્લાય ચેઇનમાં પડેલા વિક્ષેપથી ફળો, શાકભાજીની કિંમતો આસમાને

નવી દિલ્હીઃ દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં ફળો અને શાકભાજીની કિંમતો આસમાને પહોંચી છે. ટામેટાં અને ડુંગળીની કિંમતોમાં પહેલેથી નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે હવે આદું અને લીલાં મરચાં સહિત લીલાં શાકભાજીની કિંમતોમાં ખાસ્સોએવો વધારો થયો છે, જેનાથી સામાન્ય લોકોનું બજેટ બગડી ગયું છે. કેટલાંય શહેરોમાં ટામેટાંની કિંમત પ્રતિ કિલોએ રૂ. 150 પહોંચી છે. લીલાં મરચાં અને આદુંની કિંમત પ્રતિ કિલોએ ક્રમશઃ રૂ. 350-400 અને રૂ. 320-350એ પહોંચી છે.

આ સાથે દેશનાં અનેક શહેરોમાં ફ્લાવર રૂ. 80 અને ભીંડાની કિમત રૂ. 90એ પહોંચી છે. શાકભાજીની મોંઘવારીથી દરેક ઘરનું બજેટ બગડી ગયું છે. શાકભાજીની આકાશને આંબતી કિંમતોથી ના માત્ર ગૃહિણીઓને બલકે રેસ્ટોરાં અને હોટેલવાળા પણ મોંઘવારીનો માર અનુભવી રહ્યા છે.  જે ટામેટાં  એક મહિના પહેલાં રૂ. 10.15માં મળતા હતા, એની કિંમતો હવે રૂ. 140એ પહોંચી છે. દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં  પડેલા ભારે વરસાદને કારણે શાકભાજીના સપ્લાય ચેઇનમાં વિક્ષેપ પડતાં મથકોએ શાકભાજીની આવકોમાં ઘટાડો થયો છે, જેને પગલે કિંમતોમાં વધારો થયો છે. આ કિંમતોમાં ઘટાડો  હવે 15 ઓગસ્ટ પછી માલની આવકો વધતાં થશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

હાલ વરસાદને કારણે શાકભાજીની આવકોમાં ભારે ઘટાડો થયો છે, જ્યારે બીજી બાજુ ભારે વરસાદને પગલે ચોમાસુ પાક પર પણ પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત માલસામાનના ટ્રાન્સપોર્ટેશન પર પણ અસર થઈ છે. જેને પગેલ સ્થાનિક બજારમાં શાકભાજી કિંમતો વધી છે, એમ તેમણે કહ્યું હતું. આઝાદપુર ટામેટા એસોસિયેશનના અધ્યક્ષ કૌશિકે જણાવ્યું હતું કે વરસાદને કારણે ઉત્પાદક કેન્દ્રોમાં પુરવઠા સાંકળમાં વિક્ષેપ પડતાં શાકભાજીની કિંમતોમાં વધારો થયો છે.

 

 

મુંબઈ-આગ્રા હાઈવે પર ભીષણ અકસ્માતમાં 12નાં મરણ

ધુળે (મહારાષ્ટ્ર): આજે સવારે મુંબઈ-આગ્રા હાઈવે પર એક કન્ટેનર ટ્રક અનેક વાહનો સાથે અથડાતાં 12 જણનાં મરણ થયા છે અને બીજાં 28 જેટલા લોકોને ઈજા થઈ છે. મહારાષ્ટ્ર હાઈવે પોલીસના જણાવ્યા મુજબ, તે અકસ્માત આજે સવારે લગભગ 10.45 વાગ્યે મુંબઈ-આગ્રા હાઈવે પર ધુળે જિલ્લાના પળાસનેર ગામ નજીક બન્યો હતો. ટ્રકમાં બ્રેક ફેઈલ થઈ ગઈ હતી જેને કારણે ડ્રાઈવર સ્ટિયરિંગ પરનો અંકુશ ખોઈ બેઠો હતો. ટ્રકે બે મોટરસાઈકલ, એક કાર તથા એક અન્ય કન્ટેનર ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. તે ટ્રક બાદમાં હાઈવે પરની એક હોટેલમાં ઘૂસી ગઈ હતી અને ઊંધી વળી ગઈ હતી.

અકસ્માતમાં ભોગ બનેલાઓમાંના કેટલાક બસ સ્ટોપ પર બસની રાહ જોતાં ઊભાં હતાં. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રક મધ્ય પ્રદેશમાંથી ધુળે તરફ જતી હતી.

કેનેડામાં ભારતીય અધિકારીઓની સુરક્ષાને ગંભીરતાથી લઈશું: વિદેશપ્રધાન

ઓટાવાઃ કેનેડામાં આઠ જુલાઈએ ખાલિસ્તાનો પોસ્ટરો સાથે દેખાવો કરવાના છે, જે બાબતને કેનેડાની સરકારે ગંભીરતાથી લીધી છે અને જે મુદ્દે સરકાર ભારતીય અધિકારીઓ સાથે સંપર્કમાં છે, એમ કેનેડાના વિદેશપ્રધાન મેલાની જોલીએ કહ્યું હતું. આ ખાલિસ્તાનીઓ કેટલાક ભારતીય નેતાઓનાં નામ અને ફોટાઓ સાથે દેખાવો કરવાના છે. આ દેખાવો કંઈ પૂરા સમાજ દ્વારા નહીં, પણ કેટલાક ચળવળકારો દ્વારા થવાના છે, જેની સરકારે નોંધ લીધી છે.  

વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે ભારતે કેનેડા, બ્રિટન અને અમેરિકા જેવા ભાગીદાર દેશોને ખાલિસ્તાનીઓની વિચારધારાને ખાળવા અને તેમને પ્રોત્સાહન નહીં આપવા નિર્દેશ આપ્યા છે, કેમ કે આ દ્વિપક્ષી સંબંધો માટે સારી નિશાની નથી. તેમણે કહ્યું હતું કે આ મુદ્દાઓ ત્યાં સરકારની સામે ઉઠાવવામાં આવશે અને કાર્યવાહી કરવા જણાવવામાં આવશે. અમે કેનેડા, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા ભાગીદાર દેશોને વિનંતી કરી છે કે તેઓ ખાલિસ્તાનીઓને કે તેમની ચળવળ માટે જગ્યા ના આપે, કેમ કે જ્યાં પણ ખાલિસ્તાની કામગીરી થાય છે- એ કટ્ટરપંથી વિચારધારા ના તો અમારા માટે સારી છે અને ના તો તેમના માટે સારી છે અને ના અમારા દ્વિપક્ષી સંબંધો માટે સારી છે, એમ તેમણે કહ્યું હતું.

ભારત એ સરકારો સમક્ષ ખાલિસ્તાની પોસ્ટરોનો મુદ્દો ઉઠાવશે અને તેમના દેખાવો ના થાય એ માટે વિનંતી કરશે, એમ તેમણે કહ્યું હતું. ઓટાવામાં ભારતના હાઇ કમિશનર સંજયકુમાર વર્મા અને ટોરેન્ટોમાં કાઉન્સિલ જનરલ અપૂર્વ શ્રીવાસ્તવના ફોટા છે અને એ ફોટા ઉપર ટોરોન્ટોમાં શહીદ નિજ્જરના હત્યારા શબ્દો દેખાય છે.

 

 

 

અમેરિકામાં ફિલ્મના સેટ પર શાહરૂખ ગંભીર રીતે જખ્મી થયો; ઓપરેશન કરવું પડ્યું

લોસ એન્જેલીસ/મુંબઈઃ બોલીવુડનો ‘કિંગ ખાન’, ‘બાદશાહ ખાન’, સુપરસ્ટાર શાહરૂખ ખાનને અમેરિકાના લોસ એન્જેલીસ શહેરમાં કોઈક શૂટિંગ કરતી વેળા ગંભીર ઈજા થઈ છે. અખબારી અહેવાલો અનુસાર, શાહરૂખ એના નાક પર પાટો બાંધેલી હાલતમાં દેખાયો હતો. એ હવે ભારત પાછો આવી ગયો છે અને મુંબઈસ્થિત એના ઘરમાં સ્વસ્થ થઈ રહ્યો છે. જોકે હજી સુધી શાહરૂખ કે એની ટીમ તરફથી તે અકસ્માત અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

(ફાઈલ તસવીર)

ETimesના અહેવાલ મુજબ, શાહરૂખ લોસ એન્જેલીસમાં કોઈક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરવા ગયો હતો. ત્યાં એને નાક પર ઈજા થઈ હતી. એને લોહી વહેવા લાગ્યું હતું અને એને તત્કાળ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. એની ટીમના સભ્યોને ડોક્ટરોએ જણાવ્યું હતું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને લોહી વહેતું રોકવા માટે શાહરૂખની મામુલી સર્જરી કરવાની જરૂર છે. બાદમાં શાહરૂખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. શાહરૂખ નાક પર પાટો બાંધેલી હાલતમાં જોવા મળ્યો હતો અને તે હવે ભારત પાછો ફર્યો છે.

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં 31 વર્ષ પૂરા કરનાર શાહરૂખ આ વર્ષના જાન્યુઆરીમાં પઠાણ ફિલ્મમાં જોવા મળ્યો હતો. તેની નવી ફિલ્મ આવી રહી છે જવાન, જે 7 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની છે. તે એક્શન-પેક્ડ ફિલ્મમાં એની સાથે દક્ષિણી ફિલ્મોની અભિનેત્રી નયનતારા અને અભિનેતા વિજય સેતુપતિ પણ છે. તદુપરાંત રાજકુમાર હિરાની દિગ્દર્શિત ફિલ્મ ડંકીમાં પણ શાહરૂખે મુખ્ય ભૂમિકા ભજવી છે. એમાં તેની હિરોઈન છે તાપસી પન્નૂ. ડંકીની રિલીઝ તારીખ હજી જાહેર કરવામાં આવી નથી.

AMCએ ભૂવા પડવાની સંભાવના વ્યક્ત કરી કે આપી ચેતવણી?

અમદાવાદઃ સ્માર્ટ સિટી અમદાવાદમાં ચોમાસાની ઋતુ હોય કે ના હોય જે વિસ્તારમાં રોડ પર પાણી, ગટર, વીજળી અને ગેસની લાઇનો માટે ખોદકામ થાય એટલે જોખમ. પુરાણ વ્યવસ્થિત કર્યા પછી પણ ભૂવા પડી જાય. એમાંય જો ચોમાસું જામે અને સતત વરસાદ પડે તો જે વિસ્તારમાં માર્ગો પર કામ થયું હોય ત્યાં વિશાળ ભૂવા પડવાની સંભાવના વધી જાય. દર વર્ષે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં અનેક જગ્યાએ રોડ બેસી જાય છે. મોટાં વાહનો ઊતરી જાય એટલા વિશાળ ભૂવા પડે છે.

આ વર્ષે જે વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કે અન્ય એજન્સીઓએ જે માર્ગો પર કામ કર્યુ છે. આ ઉપરાંત જે વિસ્તારમાં કામ ચાલી રહ્યું છે ત્યાં ‘બેનર્સ ‘લગાડ્યાં છે. આ બેનર્સમાં કોર્પોરેશને જાહેર જનતાને ચેતવણી આપી છે કે આ રોડ ઉપર તાજેતરમાં ઊંડું ખોદકામ થયેલું હોવાથી વરસાદની ઋતુમાં સેટલમેન્ટ થવાની (રસ્તો બેસી જવાની) સંભાવના છે. જેથી રાહદારીઓએ સાવચેતી રાખી અવરજવર કરવી.

નાનાં બાળકો જ્યારે થોડી જોખમી રમતો રમે ત્યારે મોટેથી બૂમો પાડે, વાગે-કરે એના ભોગ. નગરજનો માથું ખંજવાળે છે- આ સૂચના છે, ચેતવણી છે કે સંભાવના.

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં કામ પૂર્ણ થયાને પુરાણ કર્યા પછી આવાં બેનર્સ લગાડ્યાં છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં અધૂરા કામમાં પણ ચેતવણીઓ મૂકવામાં આવી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

સરકારે પાંચ વધુ ચિપઉત્પાદકોને ઉત્પાદન માટે મંજૂરી આપી

નવી દિલ્હીઃ સેમીકન્ડક્ટરના ઉત્પાદન માટે PLI સ્કીમ હેઠળ અમેરિકાસ્થિત માઇક્રોન ટેક્નોલોજીને મંજૂરી આપ્યા બાદ સરકારે આ યોજના હેઠળ વધુ પાંચ ચિપ ઉત્પાદક કંપનીઓની અરજીને મંજૂરી આપી છે. દેશમાં 6Gના એલાયન્સને લોન્ચ કરતાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતને વિશ્વની મોટી-મોટી કંપનીઓ તરફથી સેમીકન્ડક્ટર સ્કીમ વિશે પૃચ્છા થઈ રહી છે.

અમેરિકા, યુરોપ અને દક્ષિણ-એશિયાની મોટી-મોટી સેમીકન્ડક્ટર કંપનીઓ સેમીકન્ડક્ટર યોજનામાં રસ બતાવી રહી છે. મને એ જણાવતાં આનંદ થાય છે કે આ યોજના હેઠળ પાંચ કંપનીઓને પસંદ કરવામાં આવી છે, આ કંપનીઓએ સેટેલાઇટ કોમ્યુનિકેશન અને ટેલિકોમ માટેની ચિપને ડિઝાઇન માટે એક સારો પ્રસ્તાવ મૂક્યો છે, એમ તેમણે કહ્યું હતું.

ગયા સપ્તાહે ગુજરાત સરકારે અમદાવાદના સાણંદ જિલ્લામાં 2.75 અબજ ડોલરનો સેમીકન્ડક્ટરનું ઉત્પાદન અને પરીક્ષણની સુવિધા સ્થાપવા માટે માઓઇક્રોન સાથે કરાર કર્યા હતા. અમને વિવિધ કંપનીઓ પાસેથી પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે, કેમ કે હવે ભારત સેમીકન્ડક્ટરનું હબ બનવાનું સપનું ટૂંક સમયમાં સાકાર થશે, એમ તેમણે કહ્યું હતું.

દેશમાં વિશ્વની તુલનાએ 5G નેટવર્ક ઝડપથી સ્થપાઈ રહ્યું છે અને દેશ વૈશ્વિક સ્તરે ટોચની 5G ઇકોસિસ્ટમ બની જશે. વળી, ભારત વિશ્વ વ્યાપી રીતે બે 5G ઇકોસિસ્ટમ ધરાવતો દેશ બનશે.

6Gના ડેવલપમેન્ટ વિશે તેમણે કહ્યું હતું કે દેશમાં 6G માટે 200 પેન્ટન્ટ છે. સરકારે સોમવારે 6G એલાયન્સ -6G ટેક્નોલોજી માટે એક મંચ તૈયાર કર્યો છે. દેશ પહેલાં ટેક્નોલોજી આયાતકાર હતો, પણ હવે દેશ ટેક્નોલોજીનો નિકાસકાર બની રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું. અમેરિકા અને યુરોપ સહિત અનેક દેશો હવે ટેલિકોમ ઇક્વિપમેન્ટની આયાત કરવા માટે ભારત તરફ નજર દોડાવી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

કાળા અક્ષરને કૂહાડે કાપે

      કાળા અક્ષરને કૂહાડે કાપે

 

મૂળભૂત રીતે આ કહેવત અભણ માણસ માટે વપરાય છે. છાપકામ કાળી સહીમાં થાય છે એટલે કાળા અક્ષર એવો શબ્દપ્રયોગ થયો હશે. આ લખાણ ઉકેલી ન શકે તેવા અણઘડ માણસ માટે કાળા અક્ષરને કુહાડે કાપવા એ કહેવત પ્રયોજાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

સોફ્ટવેર એન્જિનિયરે ઓનલાઇન ગેમની લતમાં રૂ. 70 લાખ ગુમાવ્યા

બેંગલુરુઃ ઓનલાઇન ગેમની લત કેટલી મોંઘી પડી છે, એનો અંદાજ શહેરના એક સોફ્ટવેર એન્જિયરની સ્થિતિથી લગાવી શકાય છે. આ સોફ્ટવેર એન્જિનિયરે ઓનલાઇન ગેમના ચક્કરમાં રૂ. 70 લાખ ગુમાવી દીધા છે. બલકે, તેને પત્ની અને બાળકોએ પણ છોડી દીધો હતો.આ મામલો શહેરના રમણનગર વિસ્તારનો છે. જોકે હવે સ્થિતિ ફરી સામાન્ય થઈ છે અને જિંદગી પાટે ચઢી છે.

રમણ નગરમાં રહેતા એક સોફ્ટવેર એન્જિનિયરને ઓનલાઇન રમી રમવાની લત લાગી ગઈ હતી. એમાં તેણે રૂ. 70 લાખ ગુમાવ્યા હતા. તેની પત્ની અને બે બાળકો તેને છોડીને ચાલ્યા ગયા હતા. હવે સાત મહિનાની સારવાર પછી તે પરિવારમાં પાછો ફર્યો છે.

એક મિડિયા કંપનીને મહિલાઓ માટે બનેલી હેલ્પલાઇનની એક અધિકારી રાની શેટ્ટી ઘટનાની માહિતી આપી હતી. રાનીના જણાવ્યા મુજબ સોફ્ટવેર એન્જિનિયરની પત્નીને ગયા વર્ષે ઓક્ટોબરમાં એ જાણીને આંચકો લાગ્યો હતો કે તેના પતિએ ઓનલાઇન ગેમ્બલિંગમાં પોતાની બચતના રૂ. 70 લાખ ગુમાવી દીધા છે. ત્યાર બાદ તે તેની માતા પાસે ચાલી ગઈ હતી.

એ પછી તેણે કાયદાકીય રીતે આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો અને કેઆર પુરમ પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં તેની પતિની ઓનલાઇન રમીની લત અને એને લીધે થયેલા નુકસાનની ફરિયાદ કરી હતી. સ્થાનિક પોલીસ સ્ટેશનને ઓક્ટોબરના અંતમાં સોફ્ટવેર એન્જિનિયરને બોલાવ્યો હતો અને એ પછી એને કાઉન્સેલિંગ માટે મોકલ્યો હતો. કાઉન્સેલિંગના સાત મહિના પછી હવે તે પૂરી રીતે બદલાઈ ગયો છે. તેને નિમહંસ પણ મોકલવામાં આવ્યો હતો, જ્યાં ટેક ડી-એડિક્શન થેરેપી ટેક્નિકથી જોડાયેલી લતની સારવાર કરવામાં આવી હતી.

 

 

 

 

 

‘નસીબ’ થી ફિલ્મોમાં આવી ‘ગુડ્ડી મારુતિ’    

નગીના, શોલા ઔર શબનમ, ખિલાડી, બીવી નંબર વન વિગેરે ફિલ્મોમાં કામ કરીને જાણીતી થનાર ગુડ્ડી મારુતિને વજન અને નસીબને કારણે જ ફિલ્મોમાં કોમેડિયન તરીકે કામ મળ્યું હતું. જાણીતા કોમેડિયન અને નિર્દેશક મારુતિ પરબની પુત્રી ગુડ્ડીનું અસલ નામ તાહીરા પરબ છે. તેની માએ પર્સીયન નામ રાખ્યું હતું. તેને બાળપણમાં લાડથી બધાં ગુડ્ડી બોલાવતા હતા. એનું વજન વધારે હોવાથી સ્કૂલમાં ‘મોટી’ તરીકે ચીડવવામાં આવતી હતી. એને ફિલ્મોમાં કામ કરવાની કોઈ ઈચ્છા ન હતી. સ્કૂલમાં હતી ત્યારે પિતા દેવ આનંદની ‘નવકેતન ફિલ્મ્સ’ માં કામ કરતાં હતા એટલે દિવાળીના સમયમાં સમય પસાર કરવા વિજય આનંદની ‘જાન હાજિર હૈ’ (૧૯૭૫) માં નાનકડી ભૂમિકા કરી હતી. ત્યારે પિતા એના કામથી ખુશ ન હતા.

ગુડ્ડીએ સારું કામ કર્યું ન હોવાનું માનતા હતા. એમનું કહેવું હતું કે કામ કરવું હોય તો સારું કરવું પડશે. પણ ગુડ્ડીને અભિનયમાં જવું ન હતું. એણે વાતને ગંભીરતાથી લીધી ન હતી. એ પછી છેક ૧૪ વર્ષની થઈ ત્યારે અચાનક નસીબથી પિતાના ફિલ્મી પરિવારના એક નિર્માતામિત્ર કમલ સદાનાની ફિલ્મ ‘સૌ દિન સાસ કે’ (૧૯૮૦) માં કામ કરવું પડ્યું. અશોકકુમારની આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું હતું. ફક્ત દેવેન વર્મા અને પ્રીતિ ગાંગુલી વચ્ચેનું એક ગીત અને કોમેડીના કેટલાક દ્રશ્યો બાકી હતા. ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું એ દરમ્યાનમાં અશોકકુમારની પુત્રી પ્રીતિએ વજન ઘટાડી નાખ્યું હતું. અને ફિલ્મમાં એના પર એક ગીત ‘મોટી પલ્લે પઇ ગઈ’ ફિલ્માવવાનું બાકી હતું. ગીતના શબ્દો એવા હતા કે જાડી છોકરી જ જોઈતી હતી ત્યારે કમલને ગુડ્ડી યાદ આવી ગઈ.

નિર્દેશક વિજય સદાનાએ એનો ઓડિશન લીધો અને પાસ થઈ ગઈ. પિતાએ એને કહ્યું હતું કે ફિલ્મોમાં કામ કરજે પણ મારું નામ ના ડૂબાડતી! એને ‘ગુડ્ડી મારુતિ’ નામ નિર્દેશક મનમોહન દેસાઇએ આપ્યું હતું. એમણે ‘નસીબ’ (૧૯૮૧) માં એને કામ આપ્યું અને તાહિરા નામ સાંભળ્યું ત્યારે બદલવા કહ્યું. પછી એનું લાડકું નામ ગુડ્ડી હોવાનું જાણી એ જ રાખવા કહ્યું. જ્યારે લોકો પૂછવા લાગ્યા કે આ ‘ગુડ્ડી’ કોણ છે? ત્યારે ‘મારુતીની છોકરી’ એમ કહેવાતું. અને આમ એનું નામ ‘ગુડ્ડી મારુતી’ પડી ગયું હતું. ગુડ્ડી જ્યારે ‘સનમ તેરી કસમ’ (૧૯૮૨) કરી રહી હતી ત્યારે પિતા મારુતિનું અવસાન થઈ ગયું અને પરિવારના ભરણપોષણની જવાબદારી એના પર આવી ગઈ હતી.

ગુડ્ડીએ વધારે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. એ મજબૂરીમાં પોતાનું વજન ઉતારવાનું વિચારી શકી નહીં. કેમકે વજન વધારે હોવાથી જ ફિલ્મોમાં કોમેડિયન તરીકે કામ મળતું હતું. અભિનેત્રી રેખાએ પણ સલાહ આપી હતી કે તું સુંદર હોવાથી વજન ઉતારીને હીરોઈન બની શકે એમ છે. ગુડ્ડીએ વિચાર્યું કે તેને હીરોઈન કે બીજી કોઈ ભૂમિકા નહીં મળે તો પછી કોમેડિયન તરીકે પણ કામ મળશે નહીં. પ્રીતિ ગાંગુલીએ વજન ગુમાવ્યું હતું એટલે તે કામ મેળવી શકી હતી. હવે એ વજન ગુમાવશે તો ફિલ્મો પણ ગુમાવશે. ગુડ્ડીની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેણે વજન ઉતારવાનું જોખમ લીધું ન હતું.

કોરાનાના 26 નવા કેસો, એકનું પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 26 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,94,351 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,908 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,60,975 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 33 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1468એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 50,747 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.26 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,39,897 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 466 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.