Home Blog Page 2669

RRTS પ્રોજેક્ટ માટે પૈસા નહીં, તો જાહેરાતનું બજેટ સીઝ કરાશેઃ સુપ્રીમ

નવી દિલ્હીઃ દિલ્હી સરકારના જાહેરાતનો ખર્ચ જોઈને સુપ્રીમ કોર્ટ પણ અચંબામાં પડી ગઈ હતી. સરકારે છેલ્લાં ત્રણ વર્ષોમાં જાહેરાત પાછળ રૂ. 1073 કરોડ ખર્ચી નાખ્યા હતા. દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવેટમાં દાખલ કરીને આમ જણાવ્યું છે. આ એફિડેવિટ જોઈને જસ્ટિસ લાલપીળા થઈ ગયા હતા. જે પછી તેમણે સરકાર તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટ મનુ સિંઘવીને સીધી ચેતવણી આપતાં ધમકાવી કાઢ્યા હતા.

વાસ્તવમાં સુપ્રીમ કોર્ટ (RRTS- રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ)થી જોડાયેલા કેસની સુનાવણી કરી રહ્યા હતા. દિલ્હી સરકાર પર ગઈ સુનાવણીમાં આરોપ લાગ્યો હતો કે એ આ પ્રોજેક્ટ માટે પૈસા જારી નથી કરી રહી. સુપ્રીમ કોર્ટે સરકાર પાસે એ વિશે રિપોર્ટ માગ્યો હતો. એ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ખંડપીઠે લાલ આંખ કરી હતી.

પ્રોજેક્ટ માટે પૈસા નહીં આપ્યા તો સીઝ થશે જાહેરાતો

જસ્ટિસ સંજય કિશન કૌલે એડવોકેટ અભિષેક મનુ સિંધવીને ધમકાવતાં કહ્યું હતું કે RRTS પ્રોજેક્ટ માટે પૈસા જારી નહીં કરવામાં આવે તો અમે તમારી જાહેરાતનું બજેટ સીઝ કરવાનો આદેશ પણ આપી શકીએ છીએ. સિંઘવીએ ખંડપીઠને વિશ્વાસ આપતાં કહ્યું હતું કે સરકાર પ્રોજેક્ટ માટે પૈસા આપવાથી પાછળ નહીં હટે તો એને હપતાઓમાં આપીશું. ખંડપીઠનું કહેવું હતું કે પ્રોજેક્ટ માટે પૈસા આમ પણ હપતામાં આપવાના છે.

કોર્ટે આદેશ જારી કર્યો હતો કે બાકી રકમની ચુકવણી પણ કરવામાં આવે. RRTS પ્રોજેક્ટને કોર્ટે ઘણો ગંભીરતાથી લીધો છે. પાછલી સુનાવણીમાં કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પર્યાવરણને મામલે એ સમજૂતી નહીં કરે. 

 

 

રાજકોટમાં મોદીના હસ્તે ગ્રીનફિલ્ડ એરપોર્ટના લોકાર્પણ માટે તડામાર તૈયારી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 27-28 જુલાઈ, 2023ના રોજ ગુજરાતની બે-દિવસીય યાત્રા પર આવનાર છે. 27મી જુલાઈએ તેઓ રાજકોટમાં ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ – હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદઘાટન કરશે. આ માટે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ‘પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ’ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. રાજકોટથી આશરે ૩૦ કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-૨૭ નજીક હિરાસર ગામ પાસે રૂ.૧૪૦૫ કરોડના ખર્ચે ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ થયું છે.

વડા પ્રધાન મોદીએ જ ૭ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ચોટીલા પાસે આવેલા હિરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણ અર્થે ભૂમિપૂજન કર્યું હતું. ત્યારબાદ નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે સમજૂતિ કરાર થયા હતા.

રાજકોટ તેના નાના પાયાના તેમજ મોટા ઉદ્યોગોને કારણે ગુજરાત અને ભારત માટે એક મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્ર છે. નવા એરપોર્ટને કારણે રાજકોટમાં ઘણો વ્યાવસાયિક વિકાસ થશે. આ એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઇવે પર સ્થિત છે, જેના કારણે આ એરપોર્ટ આ વિસ્તારમાં આવેલા બહુવિધ ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ સંબંધિત સમય અને ખર્ચમાં ઘટાડો કરશે. મોરબીના સિરામિક ઉદ્યોગ અને જામનગરના અન્ય ઉદ્યોગો પણ એર કનેક્ટિવિટી માટે રાજકોટ પર નિર્ભર છે. આ નવું એરપોર્ટ ટ્રાવેલ લોજિસ્ટિક્સ, હોટેલ ઉદ્યોગ, રેસ્ટોરાં, વેરહાઉસ-કાર્ગો હેન્ડલિંગ, ક્લીયરિંગ બિઝનેસ વગેરેને પ્રોત્સાહન આપશે. એરપોર્ટની ગેલેરી ગુજરાતના સમૃદ્ધ વારસા અને પરંપરાઓની ઝલક પૂરી પાડે છે. આ ગેલેરી રણજીત વિલાસ પેલેસ, દાંડિયા અને રાજ્યના લોકનૃત્યોની કલાથી શણગારવામાં આવી છે.

હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની વિશેષતાઓઃ સમગ્ર એરપોર્ટ સંકુલ ૧૦૨૫.૫૦ હેક્ટર (૨૫૩૪ એકર)માં ફેલાયેલું છે, જેમાં ૧૫૦૦ એકરમાં એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ ૩૦૪૦ મીટર (૩.૦૪ કિમી) લાંબો અને ૪૫ મીટર પહોળો રન-વે ધરાવે છે, જેના પર એકસાથે ૧૪ વિમાનો પાર્ક થઈ શકશે. ૫૦,૮૦૦ ચોરસ મીટરમાં એપ્રન બેઝ બનાવવામાં આવ્યો છે. ૨૩ હજાર ચોરસ મીટરમાં પેસેન્જર ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. આ ટર્મિનલ પીક અવર્સમાં દર કલાકે ૧૨૮૦ મુસાફરોનું સંચાલન કરી શકાશે.

આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પરથી ‘C’- ટાઇપ પ્લેન પણ ઓપરેટ કરી શકાશે, અને ભવિષ્યમાં ‘E’- ટાઇપ પ્લેન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આનાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો એરબસ એ-380, બોઇંગ 747 અને બોઇંગ 777 જેવા મોટા કદના વિમાનોની સેવાઓ મેળવી શકશે. એરપોર્ટ પર સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ એરપોર્ટ પર પેરેલલ હાફ ટેક્સી-વે, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો અને એમઆરઓ /હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે.

શું છે ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ? ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ એટલે એવા એરપોર્ટ્સ જે શૂન્યમાંથી સર્જિત થયા હોય એટલે કે ગ્રાઉન્ડ ઝીરોમાંથી બનાવવામાં આવ્યા હોય. વિકાસ પ્રક્રિયાના ભાગ રૂપે, ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ ઘણીવાર પર્યાવરણીય બાબતોને ધ્યાનમાં લે છે અને આસપાસના વાતાવરણ પર તેમની અસર ઘટાડવાનો પ્રયાસ કરે છે. ગ્રીનફિલ્ડ એરપોર્ટને તાજેતરમાં ઇન્ટરનેશનલ એરોનોટિકલ ઇન્ફોર્મેશન પબ્લિકેશન (A.I.P) ટેગ આપવામાં આવ્યું છે. આ ટેગ એરક્રાફ્ટના સંચાલન માટે ખૂબ મહત્વનો ગણાય છે. આ એરપોર્ટ વિશિષ્ટ સુવિધાઓથી સજ્જ હશે, જેમાં ચાર પેસેન્જર બોર્ડિંગ બ્રિજ, ત્રણ કન્વેયર બેલ્ટ અને ૮ ચેક-ઇન કાઉન્ટર્સ (ભવિષ્યમાં બીજા ૧૨ ચેક-ઇન કાઉન્ટર્સ બનાવવામાં આવશે) નો સમાવેશ થાય છે. આ સાથે જ, આ એરપોર્ટ અદ્યતન ફાયર ફાઇટિંગ અને ફાયર એલાર્મ સિસ્ટમથી સજ્જ હશે.

SC એ બંગાળ સરકારને આંચકો આપ્યો, રામ નવમી પર હિંસાની NIA તપાસ રોકવાનો ઇનકાર કર્યો

આ વર્ષે પશ્ચિમ બંગાળમાં રામનવમીના શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાના મામલામાં સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને તપાસ સોંપવાના કલકત્તા હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો. રાજ્ય સરકારે તેને પડકાર્યો હતો.

રાજ્ય સરકારે કલકત્તા હાઈકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાએ સ્પષ્ટપણે કહ્યું કે અમે સ્પેશિયલ લીવ પિટિશન (SLP) પર વિચાર કરવા ઈચ્છુક નથી.

રાજ્ય સરકારે હાઈકોર્ટના આદેશની ટીકા કરી હતી

પશ્ચિમ બંગાળ સરકારે એનઆઈએને તપાસ ટ્રાન્સફર કરવાના હાઈકોર્ટના આદેશની ટીકા કરતા કહ્યું કે કોઈ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને આ દિશા રાજકીય રીતે પસાર કરવામાં આવી હતી. રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી વતી અરજી દાખલ કરવામાં આવી હતી.

હિંસા મામલે હાઈકોર્ટનો આદેશ

27 એપ્રિલના રોજ, હાઈકોર્ટે હાવડાના શિબપુર અને હુગલી જિલ્લાના રિશ્રામાં રામ નવમીની ઉજવણી દરમિયાન અને પછી હિંસાની ઘટનાઓની NIA તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. અધિકારીની જાહેર હિતની અરજી અને અન્ય ત્રણ અરજીઓ પર આ આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં આ બંને સ્થળોએ થયેલી હિંસાની NIA તપાસની માંગ કરવામાં આવી હતી. કલકત્તા હાઈકોર્ટે રાજ્ય પોલીસને સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો હતો કે તમામ FIR, દસ્તાવેજો, જપ્ત સામગ્રી અને CCTV ફૂટેજ બે દિવસમાં NIAને સોંપવામાં આવે.

કર્મચારીઓને PF પર વધારે વ્યાજ મળશે; પ્રસ્તાવને કેન્દ્રએ મંજૂર રાખ્યો

નવી દિલ્હીઃ વર્ષ 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફ – એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમ) યોજના અંતર્ગત ડિપોઝીટો પર વ્યાજ દર 8.15 ટકા રાખવાના ઈપીએફઓ સંસ્થાના પ્રસ્તાવને કેન્દ્ર સરકારે આજે મંજૂર રાખ્યો છે.

ગઈ 28 માર્ચે, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન સંસ્થાએ વર્ષ 2022-23 માટે ઈપીએફ ડિપોઝીટ્સ પર વ્યાજના દરમાં સહેજ વધારો કર્યો હતો અને તે 8.15 ટકા આપવાનો કેન્દ્રના શ્રમ મંત્રાલયને પ્રસ્તાવ આપ્યો હતો. પરંપરા મુજબ, શ્રમ મંત્રાલયે પ્રસ્તાવને નાણાં મંત્રાલયને મોકલ્યો હતો જેણે તે મંજૂર રાખ્યો છે. તેના આ નિર્ણયથી દેશભરમાં 6 કરોડથી વધારે ધારકોને લાભ થશે.

ચીનમાં સ્કૂલ જિમની છત પડવાથી 11 લોકોનાં મોત

બીજિંગઃ ચીનના પૂર્વોત્તર શહેર કિકિહારમાં ભારે વરસાદને કારણે એક મિડલ સ્કૂલના જિમની છત પડવાથી કમસે કમ 11 લોકોનાં મોત થયાં છે, એમ રાજ્યની એજન્સી ઝિન્હુઆએ જણાવ્યું હતું. આ ઘટના એ સમયે 19 લોકો જિમમાં હતા. ચાર લોકો ભાગવામાં સફળ રહ્યા હતા, જ્યારે કાટમાળમાં 15 જણ ફસાઈ ગયા હતા. બચાવ અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચ્યા પછી બધા 15 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ચાર લોકોને બચાવવામાં આવ્યા હતા.

આ જિમની છત સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ હતી અને આયોજન સ્થળથી આશરે 1200 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું હતું. પ્રારંભિક તપાસમાં માલૂમ પડ્યું હતું કે બાંધકામ કર્મચારીઓએ જિમની છત પર ગેરકાયદે રીતે પર્લાઇટ (બાંધકામ કાર્યમાં વપરાતી સામગ્રી) રાખ્યું હતું અને વરસાદનું પાણી વહી જવાને કારણે એનું વજન વધી ગયું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે. એજન્સીએ જણાવ્યું હતું કે બાંધકામ કંપનીના પ્રભારીને પોલીસ હિરાસતમાં લેવામાં આવ્યો છે. એ દરમ્યાન પૂર્વ ચીનમાં વરસાદ અને ભૂસ્ખલનને લીધે કમસે કમ પાંચ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ત્રણ લોકો લાપતા છે. એ દરમ્યાન 1500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે.

ચીનમાં સતત બનતી ઘટનાઓ

ગયા મહિને યિનચુઆન શહેરના એક બારબેક્યુ રેસ્ટોરાંમાં ગેસ વિસ્ફોટમાં કમસે કમ 31 લોકોનાં મોત થયાં હતા, જ્યારે સાત ગંભીર રૂપે ઘાયલ થયા હતા. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

 

 

 

 

 

વંદે ભારત ટ્રેનોમાં સુરક્ષા માટે સારી વ્યવસ્થાઃ રેલવે બોર્ડના અધ્યક્ષ

નવી દિલ્હીઃ ભોપાલથી દિલ્હી જઈ રહેલી વંદે ભારત ટ્રેનની બેટરી બોક્સમાં આગ લાગી હતી. આગ લાગ્યાના સપ્તાહ પછી રેલવે બોર્ડના અધ્યક્ષ અનિલ કુમાર લાહોટીએ આ શ્રેણીની અત્યાધુનિક ટ્રેનોમાં યાત્રીઓની સુરક્ષાથી જોડાયેલી ચિંતાઓને દૂર કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ઝડપી ટ્રેનોમાં આગથી સુરક્ષા માટે બહુ સારી વ્યવસ્થા છે. જેને પગલે ભોપાલથી દિલ્હી જઈ રહેલી વંદે ભારત ટ્રેનમાં લાગેલી આગને સમયસર ઓલવી દેવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ 17 જુલાઈએ આ ઘટનામાં કોઈ યાત્રીને નુકસાન નહોતું થયું.

તેમણે જણાવ્યું હતું કે વંદે ભારત ટ્રેનોમાં યાત્રીઓને સુરક્ષાને કોઈ ચિંતાની જરૂર નથી. આ ટ્રેનોમાં આગથી બચાવ માટે સારી વ્યવસ્થા છે. તેમણે કહ્યું હતું કે ભોપાલથી દિલ્હી જઈ રહેલી વંદે ભારત ટ્રેનમાં 17 જુલાઈએ લાગેલી આગ માત્ર બેટરી બોક્સ સુધી સીમિત હતી. રેલવે બોર્ડના અધ્યક્ષે કહ્યું હતું કે બચાવ માટે સારી વ્યવસ્થાને પગલે આ આગને ફેલાતાં પહેલાં જ કાબૂમાં કરવામાં આવી હતી.

રેલવે બોર્ડના અધ્યક્ષ ઇન્દોર અને એની આસપાસ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા માટે બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લેવા માટે ઇન્દોરમાં હતા. ત્યારે તેમણે વંદે ભારત ટ્રેનોથી જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે દેશમાં ચાલતી વંદે ભારત ટ્રેનોનાં ભાડાંના દર એકસમાન છે. કુલ મળીને આ ટ્રેનોની 95 ટકાથી વધુ સીટો ભરાયેલી રહે છે.

 

 

 

 

 

 

સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદમાં ASIના સર્વેને અટકાવ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે UPના વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પ્રાંગણમાં ASI સર્વે અટકાવી દીધો છે. એને મુસ્લિમ પક્ષ માટે મોટી રાહત માની શકાય. જિલ્લા જજ એકે વિશ્વેશના આદેશ પછી ASIની 43 સભ્યોની ટીમ જ્ઞાનવાપીનો સર્વે કરવા માટે પહોંચી હતી, પરંતુ મુસ્લિમ પક્ષે આ સર્વેને અટકાવવા માટે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. કોર્ટે ASI સર્વે પર બે દિવસ માટે સ્ટે લગાવતાં મુસ્લિમ પક્ષને હાઇકોર્ટ જવાના નિર્દેશ આપ્યા હતા.

 જ્ઞાનવાપી મામલે મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટમાંથી મોટા આંચકો લાગ્યો છે. કોર્ટે જ્ઞાનવાપી પ્રાંગણમાં ASI સર્વે પર પ્રતિબંધ લગાવવાથી ઇનકાર કરી દીધો છે. વળી, કોર્ટે હાલ એક સપ્તાહ સુધી ASIને સર્વે માટે ખોદકામ કરવાની મંજૂરી નથી આપી. આ સર્વેનું બાકીનું કામ જારી રહેશે.આ મામલે સુનાવણી દરમ્યાન મુસ્લિમ પક્ષ તરફથી કહેવામાં આવ્યું છે કે જિલ્લા કોર્ટના આદેશ પછી ASI સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વેમાં ખોદકામ દરમ્યાન માળખાને નુકસાન પહોંચી શકે છે, જે કોર્ટના જૂના આદેશનું ઉલ્લંઘન છે. એના પર કોર્ટે સવાલ કર્યો હતો કે તમે આ મામલાને લઈને હાઇકોર્ટ કેમ નથી ગયા? મુસ્લિમ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે જિલ્લા કોર્ટે આદેશ એટલો જલદી આપ્યો હતો કે તેના પછી હાઇકોર્ટમાં જવાનો સમય નહોતો. કોર્ટે પહેલાં આ મામલે બપોર સુધી સુનાવણી ટાળી દીધી હતી, પરંતુ બાદમાં આ મામલે સુનાવણી કરી હતી.

શું ASI પ્રાંગણમાં ખોદકામ કરી રહી છે?

કોર્ટે સુનાવણી દરમ્યાન UP સરકારને પૂછ્યું હતું કે હાલ ASI શું કરી રહી છે? અને ત્યાં શું થઈ રહ્યું છે? કોર્ટે સવાલ કર્યો હતો કે શું ત્યાં ખોદકામ થઈ રહ્યું છે. CJI DY ચંદ્રચંડે ASIને કોર્ટમાં હાજર થઈને સર્વેની માહિતી આપવા નિર્દેશ આપ્યા હતા. એના પર સોલિસિટર જનરલ તરફથી કહેવામાં આવ્યું હતું કે હાલમાં જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે દરમ્યાન એક ઇંટ પણ હટાવવામાં નથી આવી.

 

 

 

 

 

કોરાનાના 47 નવા કેસો, એકનું પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 47 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,95,311 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,915 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,61,932 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 46 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1464એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 15,840 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.35 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,50,464 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 77 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

સવાલ માત્ર માતૃભાષાનો નથી, સંસ્કૃતિ અને સંસ્કારના જતનનો પણ છે

અમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે સવારની પ્રાર્થનામાં મોડા આવનાર વિદ્યાર્થીઓને બહાર ઊભા રાખવામાં આવતા. જ્યારે ક્લાસની અંદર આવી ગયેલા વિદ્યાર્થીઓને આચાર્ય સમયસર આવી જવાનું મહત્ત્વ સમજાવતા ત્યારે મને એમ થતું કે જેમણે આ સમયસર આવવાનું મહત્ત્વ સમજવું જોઈએ તેઓ તો બધાં બહાર છે. તેમને આ વાત પહોંચવી જોઈએ, તેને બદલે જેઓ સમયસર આવી ગયા છે તેમને સમજાવાઈ રહ્યું છે.

આનો અર્થ પછીથી મેં એવો કર્યો કે આચાર્ય એવું કહેતા માગતા હશે કે જેઓ અંદર બેસી આ મહત્ત્વ સમજી રહ્યાં છે તેઓ મોડાં આવી બહાર ઊભેલા લોકોને સમજાવશે કે સમયસર આવવાનું મહત્ત્વ શું છે! માતૃભાષા વિશે ચર્ચા અથવા વક્તવ્ય યોજાયું હોય ત્યારે તે સાંભળવા કોણ આવે છે? જેઓ માતૃભાષાને માને છે અને માતૃભાષાનું મહત્ત્વ સમજે છે, કિંતુ ખરેખર તો આવી સભામાં એ લોકોએ આવવું જોઈએ, જેઓ માતૃભાષાનું મહત્ત્વ સમજતા નથી અને તેમણે એ સમજવાની જરૂર છે. જો કે સ્કૂલના આચાર્યની જેમ આપણે પણ માની લઈએ કે અહીં આવેલા (અહીં વાંચકો) તેમની આસપાસના લોકોને સમજાવશે.

શું આપણે માતૃભાષા મહત્ત્વને સમજીએ છીએ?

આ વિચારપ્રેરક વાત સાથે લેખક, પ્રોફેસર, વિચારક, ચિંતક, માતૃભાષાપ્રેમી ડો. ભદ્રાયુ વચ્છરાજાણી પોતાના ધારદાર વક્તવ્યમાં પૂછે છે, ‘શું આપણે ખરેખર માતૃભાષાને સમજીએ છીએ ખરા? માતૃભાષાથી વિમુખ થઈને કે આપણા સંતાનોને પણ તેનાથી દૂર રાખીને આપણે શું ગુમાવી રહ્યા છીએ તેનો આપણને અણસાર છે ખરો? માતૃભાષાના મજબૂત પાયા વિના કારકિર્દીની જે ઈમારત ચણવા આપણે જઈ રહ્યા છીએ તે કેટલી કાચી રહી જાય છે તેનો અંદાજ છે? ક્યાંક માતૃભાષાનો ત્યાગ કરીને અને માત્ર અંગ્રેજીનો મોહ રાખીને આપણે ‘બાવાના બેઉ બગડ્યા’ જેવું પરિણામ તો હાંસલ કરતા નથી ને? શું આપણે આમ કરીને આપણી સંસ્કૃતિનું જ પતન કરી રહ્યા છીએ? વગેરે જેવા અનેવિધ સવાલો આપણા દિલ-દિમાગ પર છવાઈ જાય છે.’ તેમની આ વિષયની દરેક વાત સંશોધન, અભ્યાસ અને ગહન લાગણી તથા વિચારો આધારિત છે. આ વાતો માતૃભાષા માટેની કોઈ પોકળ, નબળી કે દિશાહીન ઝુંબેશ કે પ્રવૃત્તિ જેવી નથી, બલકે નક્કર, સચોટ અને હૃદયસ્પર્શી છે. ડો. ભદ્રાયુ વચ્છરાજાણીએ સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી-રાજકોટમાં પ્રોફેસર તરીકે વર્ષો સુધી સેવા આપી છે અને શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.

ગર્ભમાં જ માતૃભાષાનું શિક્ષણ

માતૃભાષાને માણસના જન્મ સાથે સીધો સંબંધ છે એવી વાતને મુદ્દાસર રજૂ કરતા તેઓ કહે છે, માણસનો જન્મ ચાર વાર થાય છે. સૌથી પહેલા માણસ અંડકોષ સ્વરૂપે જન્મે છે, જ્યાં તેની માતા સતત સાથે હોય છે, ગર્ભમાં રહેલું બાળક તેની માતાના દરેક હલનચલનને પ્રતિસાદ આપતું હોય છે. તે ગર્ભમાંથી જ ભાષા શીખવાની શરૂઆત કરી દે છે. તેને વિજ્ઞાન ન્યુમરો લિંગ્વિસ્ટીક સિસ્ટમ કહે છે. બીજો જન્મ ફિઝિકલ સ્વરૂપે થાય છે, ત્યારે પણ તેની માતા સાથે જ હોય છે. કારણ કે બાળક શરૂમાં માત્ર જોતા અને સાંભળતા જ શીખે છે. ત્રીજો જન્મ, ઈમોશનલ હોય છે, જ્યાં તે પોતાના ઘરમાં, પરિવારમાં, શેરીઓમાં ઉછરે છે અને તેની ભાષા શીખતો જાય છે. તેનો ચોથો જન્મ સોશ્યલ હોય છે, જેમાં તેનું વ્યક્તિત્વ જે બન્યું હોય છે તે એના પોતાના વિકાસ આધારિત હોય છે. બસ, અહીં તેની માતા સાથે ન હોય એવું બને છે. બાકી ત્રણેય જન્મમાં માતાનો સાથ હોય છે.

ગુજરાતમાં બાવાના (વિદ્યાર્થીઓના) બેઉ બગડે છે!

ગુજરાતમાં ગુજરાતી ભાષાની હાલત વધુ કથળતી જાય છે, એટલું જ નહીં, જેઓ અહીં અંગ્રેજી પણ શીખે છે તે એવું છે, જેમાં આ વિદ્યાર્થીઓના બેઉ બગડે એવી કરૂણા સર્જાય છે. ડો. ભદ્રાયુ કહે છે કે, અમે અહીં અનેક સંશોધન કર્યા છે અને તેના આધારે વાત કરીએ તો ગુજરાતીમાં ૮૩ ટકા શિક્ષકો એવા છે, જેઓ પોતે ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે, કિંતુ હાલ અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણાવે છે. આ લોકોનું પોતાનું સ્તર જ એટલું નબળું છે કે વિદ્યાર્થીઓની ભાવિ દશા શું થશે એ કહેવું કઠિન છે. અધકચરું અંગ્રેજી શીખતો વિદ્યાર્થી ગુજરાતીથી દૂર જવા ઉપરાંત શ્રેષ્ઠ સર્જકો જેવા નરસિંહ મહેતા, મીરાબાઈ, નર્મદ, મેઘાણી, મુનશીથી પણ વંચિત રહી જાય છે, એટલું જ નહીં, તેઓ અંગ્રેજીના શ્રેષ્ઠ સર્જકો સુધી પણ પહોંચી શકતા નથી.

માતૃભાષા જીવનની ઈમારતનો પાયો

માતૃભાષા એ જીવનરૂપી ઈમારતના પાયા સમાન છે. જો એ જ નબળો હશે તો મકાન કેટલું અને કેવું ટકી શકશે એ સવાલ  છે. જેઓ પણ પોતાની માતૃભાષામાં ભણ્યા છે તેમને અન્ય ભાષા કે અભ્યાસમાં પણ સરળતા પડે છે એવો દાવો કરતા તેઓ એવી પણ સ્પષ્ટતા કરતા કહે છે કે વિદ્યાર્થીએ અંગ્રેજી પણ સારું શીખવું જ જોઈએ, કિંતુ ગુજરાતીનો છેદ જ ઉડાવી દેવામાં ભારે જોખમ રહેલા છે. કેમ કે આ માત્ર ભાષા નથી, બલકે આપણી સંસ્કૃતિ છે. માણસ જે ભાષામાં પોતાનું દુઃખ વ્યક્ત કરે અથવા રડે એ તેની માતૃભાષા હોય છે. ભવિષ્યમાં આપણને એકબીજાને ઓળખાણમાં ‘ગુજરાતી છીએ’ એવું કહેવાની નોબત ન આવે તો સારું એવો કટાક્ષ કરતા તેઓ કહે છે, આપણે એ પહેલા જાગી જઈએ, ભારત માતા કી જય પહેલા મારી માતાની જય કહેવાનું મહત્ત્વ વિશેષ છે, જેણે આપણામાં સંસ્કૃતિ રોપી છે. આ વિષય કે ચર્ચા માત્ર ભાષા પૂરતી સિમીત રહી શકે નહીં.

(જયેશ ચિતલિયા)

(લેખક વરિષ્ઠ આર્થિક પત્રકાર છે)