Home Blog Page 2670

સવાલ માત્ર માતૃભાષાનો નથી, સંસ્કૃતિ અને સંસ્કારના જતનનો પણ છે

અમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે સવારની પ્રાર્થનામાં મોડા આવનાર વિદ્યાર્થીઓને બહાર ઊભા રાખવામાં આવતા. જ્યારે ક્લાસની અંદર આવી ગયેલા વિદ્યાર્થીઓને આચાર્ય સમયસર આવી જવાનું મહત્ત્વ સમજાવતા ત્યારે મને એમ થતું કે જેમણે આ સમયસર આવવાનું મહત્ત્વ સમજવું જોઈએ તેઓ તો બધાં બહાર છે. તેમને આ વાત પહોંચવી જોઈએ, તેને બદલે જેઓ સમયસર આવી ગયા છે તેમને સમજાવાઈ રહ્યું છે.

આનો અર્થ પછીથી મેં એવો કર્યો કે આચાર્ય એવું કહેતા માગતા હશે કે જેઓ અંદર બેસી આ મહત્ત્વ સમજી રહ્યાં છે તેઓ મોડાં આવી બહાર ઊભેલા લોકોને સમજાવશે કે સમયસર આવવાનું મહત્ત્વ શું છે! માતૃભાષા વિશે ચર્ચા અથવા વક્તવ્ય યોજાયું હોય ત્યારે તે સાંભળવા કોણ આવે છે? જેઓ માતૃભાષાને માને છે અને માતૃભાષાનું મહત્ત્વ સમજે છે, કિંતુ ખરેખર તો આવી સભામાં એ લોકોએ આવવું જોઈએ, જેઓ માતૃભાષાનું મહત્ત્વ સમજતા નથી અને તેમણે એ સમજવાની જરૂર છે. જો કે સ્કૂલના આચાર્યની જેમ આપણે પણ માની લઈએ કે અહીં આવેલા (અહીં વાંચકો) તેમની આસપાસના લોકોને સમજાવશે.

શું આપણે માતૃભાષા મહત્ત્વને સમજીએ છીએ?

આ વિચારપ્રેરક વાત સાથે લેખક, પ્રોફેસર, વિચારક, ચિંતક, માતૃભાષાપ્રેમી ડો. ભદ્રાયુ વચ્છરાજાણી પોતાના ધારદાર વક્તવ્યમાં પૂછે છે, ‘શું આપણે ખરેખર માતૃભાષાને સમજીએ છીએ ખરા? માતૃભાષાથી વિમુખ થઈને કે આપણા સંતાનોને પણ તેનાથી દૂર રાખીને આપણે શું ગુમાવી રહ્યા છીએ તેનો આપણને અણસાર છે ખરો? માતૃભાષાના મજબૂત પાયા વિના કારકિર્દીની જે ઈમારત ચણવા આપણે જઈ રહ્યા છીએ તે કેટલી કાચી રહી જાય છે તેનો અંદાજ છે? ક્યાંક માતૃભાષાનો ત્યાગ કરીને અને માત્ર અંગ્રેજીનો મોહ રાખીને આપણે ‘બાવાના બેઉ બગડ્યા’ જેવું પરિણામ તો હાંસલ કરતા નથી ને? શું આપણે આમ કરીને આપણી સંસ્કૃતિનું જ પતન કરી રહ્યા છીએ? વગેરે જેવા અનેવિધ સવાલો આપણા દિલ-દિમાગ પર છવાઈ જાય છે.’ તેમની આ વિષયની દરેક વાત સંશોધન, અભ્યાસ અને ગહન લાગણી તથા વિચારો આધારિત છે. આ વાતો માતૃભાષા માટેની કોઈ પોકળ, નબળી કે દિશાહીન ઝુંબેશ કે પ્રવૃત્તિ જેવી નથી, બલકે નક્કર, સચોટ અને હૃદયસ્પર્શી છે. ડો. ભદ્રાયુ વચ્છરાજાણીએ સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી-રાજકોટમાં પ્રોફેસર તરીકે વર્ષો સુધી સેવા આપી છે અને શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.

ગર્ભમાં જ માતૃભાષાનું શિક્ષણ

માતૃભાષાને માણસના જન્મ સાથે સીધો સંબંધ છે એવી વાતને મુદ્દાસર રજૂ કરતા તેઓ કહે છે, માણસનો જન્મ ચાર વાર થાય છે. સૌથી પહેલા માણસ અંડકોષ સ્વરૂપે જન્મે છે, જ્યાં તેની માતા સતત સાથે હોય છે, ગર્ભમાં રહેલું બાળક તેની માતાના દરેક હલનચલનને પ્રતિસાદ આપતું હોય છે. તે ગર્ભમાંથી જ ભાષા શીખવાની શરૂઆત કરી દે છે. તેને વિજ્ઞાન ન્યુમરો લિંગ્વિસ્ટીક સિસ્ટમ કહે છે. બીજો જન્મ ફિઝિકલ સ્વરૂપે થાય છે, ત્યારે પણ તેની માતા સાથે જ હોય છે. કારણ કે બાળક શરૂમાં માત્ર જોતા અને સાંભળતા જ શીખે છે. ત્રીજો જન્મ, ઈમોશનલ હોય છે, જ્યાં તે પોતાના ઘરમાં, પરિવારમાં, શેરીઓમાં ઉછરે છે અને તેની ભાષા શીખતો જાય છે. તેનો ચોથો જન્મ સોશ્યલ હોય છે, જેમાં તેનું વ્યક્તિત્વ જે બન્યું હોય છે તે એના પોતાના વિકાસ આધારિત હોય છે. બસ, અહીં તેની માતા સાથે ન હોય એવું બને છે. બાકી ત્રણેય જન્મમાં માતાનો સાથ હોય છે.

ગુજરાતમાં બાવાના (વિદ્યાર્થીઓના) બેઉ બગડે છે!

ગુજરાતમાં ગુજરાતી ભાષાની હાલત વધુ કથળતી જાય છે, એટલું જ નહીં, જેઓ અહીં અંગ્રેજી પણ શીખે છે તે એવું છે, જેમાં આ વિદ્યાર્થીઓના બેઉ બગડે એવી કરૂણા સર્જાય છે. ડો. ભદ્રાયુ કહે છે કે, અમે અહીં અનેક સંશોધન કર્યા છે અને તેના આધારે વાત કરીએ તો ગુજરાતીમાં ૮૩ ટકા શિક્ષકો એવા છે, જેઓ પોતે ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે, કિંતુ હાલ અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણાવે છે. આ લોકોનું પોતાનું સ્તર જ એટલું નબળું છે કે વિદ્યાર્થીઓની ભાવિ દશા શું થશે એ કહેવું કઠિન છે. અધકચરું અંગ્રેજી શીખતો વિદ્યાર્થી ગુજરાતીથી દૂર જવા ઉપરાંત શ્રેષ્ઠ સર્જકો જેવા નરસિંહ મહેતા, મીરાબાઈ, નર્મદ, મેઘાણી, મુનશીથી પણ વંચિત રહી જાય છે, એટલું જ નહીં, તેઓ અંગ્રેજીના શ્રેષ્ઠ સર્જકો સુધી પણ પહોંચી શકતા નથી.

માતૃભાષા જીવનની ઈમારતનો પાયો

માતૃભાષા એ જીવનરૂપી ઈમારતના પાયા સમાન છે. જો એ જ નબળો હશે તો મકાન કેટલું અને કેવું ટકી શકશે એ સવાલ  છે. જેઓ પણ પોતાની માતૃભાષામાં ભણ્યા છે તેમને અન્ય ભાષા કે અભ્યાસમાં પણ સરળતા પડે છે એવો દાવો કરતા તેઓ એવી પણ સ્પષ્ટતા કરતા કહે છે કે વિદ્યાર્થીએ અંગ્રેજી પણ સારું શીખવું જ જોઈએ, કિંતુ ગુજરાતીનો છેદ જ ઉડાવી દેવામાં ભારે જોખમ રહેલા છે. કેમ કે આ માત્ર ભાષા નથી, બલકે આપણી સંસ્કૃતિ છે. માણસ જે ભાષામાં પોતાનું દુઃખ વ્યક્ત કરે અથવા રડે એ તેની માતૃભાષા હોય છે. ભવિષ્યમાં આપણને એકબીજાને ઓળખાણમાં ‘ગુજરાતી છીએ’ એવું કહેવાની નોબત ન આવે તો સારું એવો કટાક્ષ કરતા તેઓ કહે છે, આપણે એ પહેલા જાગી જઈએ, ભારત માતા કી જય પહેલા મારી માતાની જય કહેવાનું મહત્ત્વ વિશેષ છે, જેણે આપણામાં સંસ્કૃતિ રોપી છે. આ વિષય કે ચર્ચા માત્ર ભાષા પૂરતી સિમીત રહી શકે નહીં.

(જયેશ ચિતલિયા)

(લેખક વરિષ્ઠ આર્થિક પત્રકાર છે)

વરસાદ વિઘ્ન ન નાખે તો ભારતના હાથે વેસ્ટ ઈન્ડિઝનો 2-0થી સફાયો નિશ્ચિત

પોર્ટ ઓફ સ્પેનઃ અહીં રમાતી બીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચનો આજે પાંચમો અને આખરી દિવસ છે. યજમાન વેસ્ટ ઈન્ડિઝને આ મેચ જીતીને શ્રેણી 1-1થી કરવા માટે 365 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ગઈ કાલે ચોથા દિવસની રમતને અંતે ગૃહ ટીમે તેના બીજા દાવમાં બે વિકેટે 76 રન કર્યા હતા. કેપ્ટન અને ઓપનર ક્રેગ બેથવેટ 28 રન કરીને અને કર્ક મેકેન્ઝી ઝીરો પર આઉટ થયો હતો. બંને વિકેટ ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને લીધી હતી. તેજનારાયણ ચંદ્રપોલ 24 અને જર્મેન બ્લેકવૂડ 20 રન સાથે દાવમાં હતો. મેચ જીતવા વેસ્ટ ઈન્ડિઝને હજી 289 રન કરવાની જરૂર છે.

(તસવીર સૌજન્યઃ આઈસીસી ટ્વિટર)

ભારતે પહેલા દાવમાં 438 રન કર્યા હતા. તેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમ તેના પહેલા દાવમાં 255 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 60 રનમાં પાંચ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. કેરેબિયન કેપ્ટન બ્રેથવેટ 75 રન કરીને ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો. ભારતે 183 રનની લીડ સાથે પોતાનો બીજો દાવ શરૂ કર્યો હતો અને 24 ઓવરમાં બે વિકેટના ભોગે 181 રન કરીને દાવ ડિકલેર કરી દીધો હતો. યશસ્વી જયસ્વાલ (38) અને કેપ્ટન રોહિત શર્મા (57)એ 98 રનની ભાગીદારી કરી હતી. શુભમન ગિલ 29 અને વિકેટકીપર ઈશાન કિશન 34 બોલમાં 52 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં ASI દ્વારા સર્વેક્ષણનો આરંભ

વારાણસીઃ અહીંની જિલ્લા અદાલતે ગઈ 21 જુલાઈએ આપેલા હુકમનું પાલન કરીને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) એજન્સી દ્વારા આજથી શહેરની વિવાદાસ્પદ જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેક્ષણનો આરંભ કરવામાં આવ્યો છે. એજન્સીના અમલદારોની એક ટીમ આજે સવારે 7 વાગ્યે મસ્જિદ સંકુલ ખાતે પહોંચી ગઈ હતી. આ ટીમને 4 ઓગસ્ટ સુધીમાં સર્વેનો અહેવાલ સુપરત કરવાનો આદેશ અપાયો છે.

30-સભ્યોની ટીમ જ્ઞાનવાપી સંકુલ ખાતે પહોંચી ત્યારે હિન્દુ અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા વકીલો સહિત પક્ષકારોની બાજુના અનેક લોકો ત્યાં ઉપસ્થિત હતા. સંકુલની આસપાસ સુરક્ષા બંદોબસ્ત એકદમ કડક બનાવી દેવામાં આવ્યો છે. હિન્દુ પક્ષકારો વતી કેસ લડતા લૉયર સુધીર ત્રિપાઠીએ કહ્યું, જ્ઞાનવાપી સર્વે આજે હાથ ધરવામાં આવશે. અમારા માટે આ સારા સમાચાર છે. સર્વે કેટલા લાંબા સમય સુધી ચાલશે તે કહી શકાય એમ નથી.

ઉલ્લેખનીય છે કે, વારાણસી શહેરમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને જ્ઞાનવાપી મસ્જિદ આવેલી છે. જ્ઞાનવાપીમાં પૂજા કરવાના અધિકારના આધારે લક્ષ્મીદેવી સહિત પાંચ મહિલા શ્રદ્ધાળુઓએ અદાલતમાં પીટિશન નોંધાવી છે. લક્ષ્મીદેવીનાં પતિ અને અરજદાર સોહનલાલ આર્યએ કહ્યું છે કે સર્વેક્ષણ શરૂ કરાયું છે, આજની ક્ષણ ગૌરવવંતી છે.

હિન્દૂ શ્રદ્ધાળુઓના એક જૂથે એવા દાવા સાથે પીટિશન નોંધાવી છે કે હિન્દૂઓનાં કાશી વિશ્વનાથ મંદિરના સ્થળે મસ્જિદ બાંધવામાં આવી છે. તેથી સંકુલનું વૈજ્ઞાનિક ઢબે સર્વેક્ષણ કરાવું જોઈએ. જિલ્લા અદાલતે આ પીટિશનનો સ્વીકાર કરીને સર્વેક્ષણનો આદેશ આપ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદ સંચાલકોએ જિલ્લા અદાલતના ઓર્ડરને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટ આજે તેની પર સુનાવણી કરે એવી ધારણા છે.

સુવિચાર – ૨૪ જૂલાઈ, ૨૦૨૩

સુવિચાર – ૨૪ જૂલાઈ, ૨૦૨૩

૨૪ જૂલાઈ, ૨૦૨૩

૨૪ જૂલાઈ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 24/07/2023 થી 30/07/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

લાભના સમાચાર મળે,  કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.


અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.


આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.


વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે  ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.


કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.


તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.


વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.


જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.


યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.


તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના  પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.

રાશિ ભવિષ્ય 24/07/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદીકે મુસાફરી થોડીખર્ચાળ બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.


આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ  શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો સારો ઉપયોગ કરી શકો.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.

પંચાંગ 24/07/2023

જ્ઞાનવાપી કેમ્પસનું વૈજ્ઞાનિક સર્વે આવતીકાલથી શરૂ થઈ શકે છે, ડીએમએ બોલાવી વકીલોની બેઠક

વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસમાં સ્થિત સીલ સ્ટોરેજ સિવાય બાકીના સ્થળોનો વૈજ્ઞાનિક સર્વે સોમવારથી શરૂ થઈ શકે છે. ડીએમ એસ રાજલિંગમે આ મામલે પોલીસ કમિશનર મુથા અશોક જૈનની કેમ્પ ઓફિસમાં એડવોકેટ્સની બેઠક બોલાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ASIની ટીમ પણ આમાં સામેલ થશે. જોકે તેની પુષ્ટિ થઈ નથી. વારાણસી કોર્ટ વિસ્તારમાં આંદોલન ઉગ્ર બન્યું છે.

શુક્રવારે જ જિલ્લા ન્યાયાધીશની અદાલતે ASIને જ્ઞાનવાપી કેમ્પસમાં આવેલા સીલબંધ વેરહાઉસ સિવાયના બાકીના સ્થળોનો સાયન્ટિફિક સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ન્યાયાધીશે કહ્યું હતું કે વૈજ્ઞાનિક તપાસ બાદ જણાવો કે મંદિરની ઉપર મસ્જિદ બનાવવામાં આવી હતી કે કેમ. શુક્રવારે જાહેર કરાયેલા સાત પાનાના આદેશમાં કોર્ટે ASIને 11 મુદ્દાઓ પર સર્વે કરવા જણાવ્યું હતું. આ સાથે સર્વે રિપોર્ટ 4 ઓગસ્ટ સુધીમાં કોર્ટમાં રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. તે જ દિવસે સુનાવણી પણ હાથ ધરવામાં આવશે.

રવિવારે મોડી રાત્રે ASIની ટીમને દિલ્હીથી વારાણસી આવવાની માહિતી મળી હતી. આના થોડા સમય બાદ ડિવિઝનલ કમિશનરે જ્ઞાનવાપી કેસને લગતા એડવોકેટ્સની બેઠક બોલાવી હોવાનું જાણવા મળ્યું હતું. સોમવારે સવારે 7 વાગ્યાથી જ્ઞાનવાપી કેમ્પસમાં સાયન્ટિફિક સર્વે શરૂ થઈ શકે છે તેવી ચર્ચા છે. જો કે મીટીંગ બાદ જ તેના પર મહોર લગાવી શકાશે.

નેપાળથી આવી રહ્યું છે સત્તાધારી પક્ષનું પ્રતિનિધિમંડળ, જાણો કેમ ભાજપના નેતાઓને મળશે

ભાજપના આમંત્રણ પર નેપાળની સત્તાધારી પાર્ટી સીપીએન-માઓઇસ્ટ સેન્ટરનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ ભારતની છ દિવસની મુલાકાતે આવી રહ્યું છે. આ પ્રતિનિધિમંડળ 23 થી 28 જુલાઈ દરમિયાન ભારતની મુલાકાતે આવશે. દેશમાં યોજાનારી આગામી લોકસભા ચૂંટણી (2024) માટે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં નેપાળના પ્રતિનિધિમંડળની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

નેપાળ-ભારત સંબંધોમાં સુધારા તરીકે આ પ્રતિનિધિમંડળનું અહીં આવવું એ મોટી વાત છે. નેપાળના શાસક પક્ષનું પ્રતિનિધિમંડળ “Know BJP” પહેલ હેઠળ ભારતની મુલાકાત લેશે. ભારતીય જનતા પાર્ટીના 43મા સ્થાપના દિવસે, જેપી નડ્ડાએ “ભાજપને જાણો” પહેલની જાહેરાત કરી હતી. ભાજપના અભિગમ અને કામગીરીને સમજવા માટે પ્રતિનિધિમંડળ પણ મુલાકાતે આવી રહ્યું છે.

આ નેતાઓ નેપાળના પ્રતિનિધિમંડળમાં સામેલ છે

આ મુલાકાતનો હેતુ પાર્ટી ટુ પાર્ટી સંબંધોને મજબૂત કરવાનો છે. સીપીએન-માઓઇસ્ટ સેન્ટર પાર્ટીના ઉપાધ્યક્ષ પમ્ફા ભૂશાલ પાર્ટીના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. ટીમના અન્ય સભ્યોમાં પાર્ટીના સચિવ ચક્રપાણી ખનાલ, સ્થાયી સમિતિના સભ્ય સત્ય પહારી અને કેન્દ્રીય સમિતિના સભ્યો રામેશ્વર યાદવ અને સુરેશ કુમાર રાયનો સમાવેશ થાય છે.

જેપી નડ્ડા સહિત અન્ય વરિષ્ઠ નેતાઓને મળશે

આ પ્રતિનિધિમંડળ ભાજપની રાષ્ટ્રીય પાર્ટી જેપી નડ્ડા અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓને મળશે. આ મુલાકાતમાં ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતનો પણ સમાવેશ થાય છે જ્યાં પ્રતિનિધિમંડળ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને અન્ય ભાજપના રાજ્ય કાર્યકર્તાઓને મળશે.

ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જોઈએ છે

ભુશાલે કાઠમંડુથી નવી દિલ્હી જતા પહેલા ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જણાવ્યું હતું કે અમારી મુલાકાતનો હેતુ મુખ્યત્વે ભાજપ અને સીપીએન-માઓવાદી કેન્દ્ર વચ્ચે પાર્ટી ટુ પાર્ટી સંબંધોને મજબૂત કરવાનો છે. અમે તમામ પક્ષો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખવા ઈચ્છીએ છીએ. તેમની પાર્ટી ચીન સાથે ભાઈચારો અને ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત કરવા માંગે છે.