વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં ASI દ્વારા સર્વેક્ષણનો આરંભ

વારાણસીઃ અહીંની જિલ્લા અદાલતે ગઈ 21 જુલાઈએ આપેલા હુકમનું પાલન કરીને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) એજન્સી દ્વારા આજથી શહેરની વિવાદાસ્પદ જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેક્ષણનો આરંભ કરવામાં આવ્યો છે. એજન્સીના અમલદારોની એક ટીમ આજે સવારે 7 વાગ્યે મસ્જિદ સંકુલ ખાતે પહોંચી ગઈ હતી. આ ટીમને 4 ઓગસ્ટ સુધીમાં સર્વેનો અહેવાલ સુપરત કરવાનો આદેશ અપાયો છે.

30-સભ્યોની ટીમ જ્ઞાનવાપી સંકુલ ખાતે પહોંચી ત્યારે હિન્દુ અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા વકીલો સહિત પક્ષકારોની બાજુના અનેક લોકો ત્યાં ઉપસ્થિત હતા. સંકુલની આસપાસ સુરક્ષા બંદોબસ્ત એકદમ કડક બનાવી દેવામાં આવ્યો છે. હિન્દુ પક્ષકારો વતી કેસ લડતા લૉયર સુધીર ત્રિપાઠીએ કહ્યું, જ્ઞાનવાપી સર્વે આજે હાથ ધરવામાં આવશે. અમારા માટે આ સારા સમાચાર છે. સર્વે કેટલા લાંબા સમય સુધી ચાલશે તે કહી શકાય એમ નથી.

ઉલ્લેખનીય છે કે, વારાણસી શહેરમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને જ્ઞાનવાપી મસ્જિદ આવેલી છે. જ્ઞાનવાપીમાં પૂજા કરવાના અધિકારના આધારે લક્ષ્મીદેવી સહિત પાંચ મહિલા શ્રદ્ધાળુઓએ અદાલતમાં પીટિશન નોંધાવી છે. લક્ષ્મીદેવીનાં પતિ અને અરજદાર સોહનલાલ આર્યએ કહ્યું છે કે સર્વેક્ષણ શરૂ કરાયું છે, આજની ક્ષણ ગૌરવવંતી છે.

હિન્દૂ શ્રદ્ધાળુઓના એક જૂથે એવા દાવા સાથે પીટિશન નોંધાવી છે કે હિન્દૂઓનાં કાશી વિશ્વનાથ મંદિરના સ્થળે મસ્જિદ બાંધવામાં આવી છે. તેથી સંકુલનું વૈજ્ઞાનિક ઢબે સર્વેક્ષણ કરાવું જોઈએ. જિલ્લા અદાલતે આ પીટિશનનો સ્વીકાર કરીને સર્વેક્ષણનો આદેશ આપ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદ સંચાલકોએ જિલ્લા અદાલતના ઓર્ડરને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટ આજે તેની પર સુનાવણી કરે એવી ધારણા છે.