Home Blog Page 2657

પંચાંગ 28/07/2023

ગુજરાત પોલિસ બેડામાં મોટા ફેરફાર, એકસાથે 70 IPS અધિકારીઓની બદલી

ગુજરાતમાં પોલીસમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે.  લોકસભાની ચૂંટણી પહેલાં મોટા પાયે આઈપીએસ અધિકારીની બદલી કરવામા આવી છે. આઈપીએસ અધિકારીઓની બદલીનું લીસ્ટ જાહેર કરવામા આવ્યું છે. જેમાં 70 IPS અધિકારીઓની બદલી કરાવામા આવી છે. ગૃહ રાજયમંત્રી અને વરિષ્ઠ અધિકારી સીએમ ઓફીસ પહોંચ્યા હતા ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે આ IPS અધિકારીઓની બદલીના ઓર્ડર પર મહોર લગાવી છે.

ગુજરાતમાં મોટાપાયે IPS ના બદલી કરવામા આવી છે. છેલ્લા ઘણા સમયથી IPSની બદલી અંગે ગૃહ વિભાગમાં હિલચાલ ચાલી રહી હતી. રાજ્યમાં કમિશનર અને રેન્જ આઈજી કક્ષાના અધિકારીઓની બદલી કરવામા આવી છે.  ત્યારે 2024ની લોકસભાની ચૂંટણીને અનુરુપ આ બદલીના આદેશો હોવાનું ગૃહ વિભાગના સુત્રો જણાવી રહ્યા છે.

જુઓ આખું લિસ્ટ…

 

 

રાજ્યસભામાં સિનેમેટોગ્રાફ સુધારા બિલ પાસ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાયરસી પર પ્રતિબંધ

ફિલ્મ ઉદ્યોગને મદદ કરવા માટે ફિલ્મોની પાયરસીને રોકવા અને લાયસન્સ પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક સુધારા બિલ ગુરુવારે રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે. સિનેમેટોગ્રાફ એક્ટ, 1952માં સુધારો કરવા માટેનું બિલ ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું છે. હવે આ બિલ ફિલ્મોની પાયરસીને રોકવામાં મદદ કરશે. બિલમાં સરકારે ફિલ્મોની પાઇરેટેડ નકલો બનાવનાર વ્યક્તિઓ માટે મહત્તમ ત્રણ વર્ષની જેલ અને ફિલ્મના નિર્માણ ખર્ચના પાંચ ટકા દંડની દરખાસ્ત કરી છે. સિનેમેટોગ્રાફ એમેન્ડમેન્ટ બિલ-2023 સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ને 10 વર્ષની માન્યતા અવધિને સમાપ્ત કરીને કાયમી માન્યતા ધરાવતી ફિલ્મોને પ્રમાણપત્રો આપવાની મંજૂરી આપવાનો પણ પ્રસ્તાવ કરે છે. આ બિલ ‘UA’ કેટેગરી હેઠળ ત્રણ વય-આધારિત પ્રમાણપત્રો દાખલ કરવાની જોગવાઈ કરે છે. સર્ટિફિકેટ સાથે ફિલ્મ ક્લિયર કરવાની સત્તા આપવામાં આવી છે.

બિલમાં નવા વિભાગોનો સમાવેશ

ફિલ્મ પાયરસીને રોકવા માટે બિલ સિનેમેટોગ્રાફ એક્ટમાં નવા વિભાગોનો સમાવેશ કરવાની દરખાસ્ત કરે છે, જે ફિલ્મોના અનધિકૃત રેકોર્ડિંગ (સેક્શન 6AA) અને તેમના પ્રદર્શન (સેક્શન 6AB) પર પ્રતિબંધની જોગવાઈ કરે છે. આ બિલ કડક નવી જોગવાઈ 6AA હેઠળ સમાન ઉપકરણમાં રેકોર્ડિંગનો ઉપયોગ કરવાના હેતુસર ફિલ્મ અથવા તેના કોઈપણ ભાગના રેકોર્ડિંગ પર પણ પ્રતિબંધ મૂકે છે.


અનુરાગ ઠાકુરે ખુશી વ્યક્ત કરી

કેબિનેટની મંજૂરી મળ્યા બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ભારત સિવાય દુનિયાભરના કલાકારો માટે પાયરસી એક મોટો પડકાર છે. તે મહાન સામગ્રી બનાવવા માટે એક વિશાળ ટીમ લે છે. દુર્ભાગ્યવશ, ઘણી વખત ચાંચિયાગીરીને કારણે તેની મહેનત વેડફાઈ ગઈ. જેના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કરોડોનું નુકસાન થાય છે. સિનેમેટોગ્રાફ એમેન્ડમેન્ટ બિલ લાવવામાં આવ્યું છે જેથી પાઈરેસીથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને થઈ રહેલા 20,000 કરોડ રૂપિયાના નુકસાનને દૂર કરવામાં આવે.

2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે, SBI રિસર્ચનો દાવો

SBI રિસર્ચે તેના ‘Ecowrap’ રિપોર્ટમાં જણાવ્યું છે કે જો ભારત તેનો વર્તમાન વિકાસ દર જાળવી રાખે છે, તો તે 2027 માં જાપાન અને જર્મની જેવા દેશોને પાછળ છોડી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. અગાઉ SBI રિસર્ચએ આશા વ્યક્ત કરી હતી કે ભારતીય અર્થવ્યવસ્થા 2029 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. રસપ્રદ વાત એ છે કે, રિપોર્ટ અનુસાર 2022-2027 વચ્ચે ભારતનો વિકાસ ઓસ્ટ્રેલિયાના 1.8 ટ્રિલિયન યુએસ ડોલરના અર્થતંત્રના વર્તમાન કદને વટાવી જવાની ધારણા છે. આ દરે ભારત દર બે વર્ષે તેની અર્થવ્યવસ્થામાં $0.75 બિલિયન ઉમેરી શકે છે, જેનો અર્થ છે કે ભારત 2047 સુધીમાં $20 ટ્રિલિયન અર્થતંત્ર બનવા માટે તૈયાર છે, એમ અહેવાલમાં જણાવાયું છે. 2027 સુધીમાં વૈશ્વિક જીડીપીમાં ભારતનું યોગદાન ચાર ટકાથી વધી જશે.

વૈશ્વિક સ્તરે જીડીપીમાં ભારતનો હિસ્સો હાલમાં 3.5 ટકા છે, જે 2014માં 2.6 ટકા હતો અને 2027માં તે ચાર ટકા સુધી પહોંચવાની ધારણા છે. SBI રિસર્ચએ જણાવ્યું હતું કે અંદાજો દર્શાવે છે કે જ્યાં સુધી ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ત્રીજું સ્થાન મેળવશે ત્યાં સુધીમાં ઓછામાં ઓછા બે ભારતીય રાજ્યો મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ અર્થતંત્રની દ્રષ્ટિએ USD 500 બિલિયનના આંકને પાર કરશે. ‘Ecowrap’ રિપોર્ટ અનુસાર, 2027માં મોટા ભારતીય રાજ્યોનું GDP કદ વિયેતનામ, નોર્વે જેવા કેટલાક એશિયન અને યુરોપિયન દેશોના કદ કરતાં વધી જશે.

મણિપુર વાયરલ વીડિયો કેસની તપાસ CBI કરશે

મણિપુર હિંસા વચ્ચે તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયોના મામલે ગૃહ મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. આ મામલાની નોંધ લીધા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. આ સાથે કેન્દ્ર આ મામલે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ પણ દાખલ કરશે. આમાં તે વાયરલ વીડિયો કેસની સુનાવણી મણિપુરની બહાર કરાવવાની વિનંતી કરશે. દરમિયાન સરકારી સૂત્રોને ટાંકીને એવું પણ બહાર આવ્યું છે કે જે મોબાઈલમાંથી વાયરલ વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. તે પણ રિકવર થઈ ગયો છે. આ સાથે વીડિયો શૂટ કરનાર વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. સરકારી સૂત્રોએ એવી પણ માહિતી આપી છે કે કેન્દ્રએ કુકી અને મેઇતેઈ સમુદાયના સભ્યો સાથે વાતચીત કરી છે. દરેક સમુદાય સાથે વાતચીતના છ રાઉન્ડ થયા છે.ગયા અઠવાડિયે 4 મેની ઘટનાનો વીડિયો વાયરલ થયો ત્યારથી દેશભરમાં આક્રોશ અને નિંદા થઈ રહી છે. સંસદમાં ચોમાસુ સત્રની શરૂઆતથી જ હોબાળો ચાલુ છે. ભાજપે આ ઘટનાની સખત નિંદા કરી છે પરંતુ વીડિયો વાયરલ કરવાના સમય પર પણ સવાલ ઉઠાવ્યા છે. 20 જુલાઈએ ચોમાસુ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા આ વીડિયો વાયરલ થયો હતો.

અધિકારીએ કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય મૈતી અને કુકી સમુદાયના લોકો સાથે સતત સંપર્કમાં છે. રાજ્યમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે વાતચીત અંતિમ તબક્કામાં છે. રાજ્યમાં ત્રણ મહિના સુધી ચાલેલી જાતિગત હિંસામાં લગભગ 150 લોકોના મોત થયા છે. તેમણે એ પણ નિર્દેશ કર્યો કે મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પ્રમાણમાં સારી છે, પરંતુ સામાન્ય નથી. લગભગ 35,000 સુરક્ષા કર્મચારીઓ મેદાન પર છે. રાજ્યમાં દવા અને દૈનિક પુરવઠાની કોઈ અછત નથી. ત્યાં ખાદ્યપદાર્થો અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં છે. મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ કામ પર પાછા ફરી રહ્યા છે અને શાળાઓ પણ ફરી શરૂ થઈ રહી છે.


CJI સાથે ન્યાયિક તપાસની અરજી

સુપ્રીમ કોર્ટે ગુરુવારે CJIને મણિપુર હિંસા અને જાતીય હુમલાની ઘટનાઓની તપાસ નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળની સ્વતંત્ર સમિતિ દ્વારા કરાવવાની માંગ કરતી અરજીનો ઉલ્લેખ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે અરજદાર વિશાલ તિવારીને તેમની અરજીમાં ઉલ્લેખ કરવા જણાવ્યું હતું કે તેને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવે. આ મામલો અગાઉ જસ્ટિસ એસ.કે. કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ભારત-પાક વર્લ્ડ કપ મેચ અંગે જય શાહનું મોટું નિવેદન

ICC એ થોડા સમય પહેલા ભારતમાં યોજાનાર આગામી ODI વર્લ્ડ કપના સત્તાવાર શેડ્યૂલની જાહેરાત કરી હતી. હવે 5મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા આ મેગા ઈવેન્ટના કાર્યક્રમમાં કેટલાક ફેરફારોના સમાચાર આવી રહ્યા છે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે ક્રિકેટ બોર્ડે શિડ્યુલમાં 2-3 ફેરફાર વિશે કહ્યું છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે. 15 ઓક્ટોબરે યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ નવરાત્રિનો પહેલો દિવસ છે, આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓએ આ મેચની તારીખમાં ફેરફાર અંગે જણાવ્યું છે. ટૂંક સમયમાં ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.

ભારતીય ટીમ આગામી ODI વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈના મેદાન પર રમવાની છે. આ સિવાય 15 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચની તારીખમાં ફેરફારના સમાચાર સામે આવી રહ્યા છે. BCCI સેક્રેટરી જય શાહે શેડ્યૂલમાં ફેરફારને લઈને એક ન્યુઝ એજન્સીને આપેલા નિવેદન અનુસાર, જો ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલવામાં આવે છે, તો એકથી વધુ મેચની તારીખમાં ફેરફાર થઈ શકે છે.

તારીખ બદલાશે સ્થળ નહીં

BCCI વતી જય શાહે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે જો ભારત-પાકિસ્તાન મેચનું શેડ્યૂલ બદલાશે તો તેની તારીખ જ બદલાશે સ્થળ નહીં. અહેવાલો અનુસાર, આગામી 2 થી 3 દિવસમાં ICC દ્વારા નવા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.

એનએસઈના કામકાજની એકત્રિત ત્રિમાસિક આવકમાં 13%, નફામાં 9%નો વધારો

મુંબઈ તા. 27 જુલાઈ, 2023: દેશના અગ્રણી એક્સચેન્જ એનએસઈ (નેશનલ સ્ટોક એકસચેંજ) નો નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અંતે કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૯ ટકા વધીને રૂ.૧૮૪૪ કરોડ થયો છે. ચોખ્ખા નફાનું માર્જિન પપ ટકા રહ્યું છે. કામકાજની કોન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે ૧૩ ટકા વધીને રૂ.૨૯૮૭ કરોડ થઈ છે. કામકાજની આવકમાં ટ્રેડિંગની આવક ઉપરાંત લિસ્ટિંગ, ઈન્ડેક્સ સર્વિસીસ, ડેટા સર્વિસીસ અને કોલોકેશન સર્વિસીસ દ્વારા થયેલી આવકનો સમાવેશ થાય છે.

કોન્સોલિડેટેડ ધોરણે શેરદીઠ આવક નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળાના રૂ.34.13થી વધીને નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અંતે રૂ.37.26 થઈ છે.

ટ્રેડિંગ વોલ્યુમના મોરચે કેશ માર્કેટ્સમાં સરેરાશ દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ ચાર ટકા વધીને રૂ.58,593 કરોડ, જ્યારે ઈક્વિટી ફ્યુચર્સનું વોલ્યુમ વાર્ષિક ધોરણે 13 ટકા ઘટીને રૂ.1,04,056 કરોડ અને ઈક્વિટી ઓપ્શન્સ (પ્રીમિયમ્સ)નું 33 ટકા વધીને રૂ.54, 210 કરોડ રહ્યું છે.

એનએસઈની સ્ટેન્ડએલોન કામકાજની કુલ આવક વાર્ષિક ધોરણે 14 ટકા વધીને રૂ.2,833 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.2,488 કરોડ હતી. એનએસઈનો કુલ ખર્ચ 51 ટકા વધીને રૂ.970 કરોડ થયો છે,

સ્ટેન્ડએલોન ધોરણે ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાના રૂ.1,487 કરોડથી સાત ટકા વધીને રૂ.1,598 કરોડ થયો છે. એનએસઈ મારફત સરકારને ૬૪૧૧ કરોડની એસટીટી (સિકયોરિટિઝ ટ્રાન્ઝેકશન ટેકસ)ની આવક થઈ છે, સ્ટેમ્પ ડયુટી રુપે ૫૦૩ કરોડની , જીએસટી રૂપે ૪૭૫ કરોડની અને ઈન્કમ ટેકસ રૂપે ૨૨૫ કરોડ રૂપિયાની આવક થઈ છે.

PM મોદીએ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. PM મોદીએ આજે રાજકોટને અનેક વિકાસ કામોની ભેટ આપી હતી. PM મોદીએ હીરાસર ઈન્ટરનેશનલ એયરપોર્ટનું લોકાર્પણ કર્યું છે. આ ઉપરાંત રાજકોટમાં કુલ 2033 કરોડના વિકાસ કામનું લોકાર્પણ કર્યા હતા. તો સાથે સાથે વડાપ્રધાન મોદી સૌની યોજનાના લિંક-3ના પેકેજ-8 અને 9નું લોકાર્પણ પણ કરશે. જેનાથી 1 લાખ લોકોને નર્મદાના પાણીનો લાભ મળશે. આ યોજનાથી 52 હજાર એકર વિસ્તારને સિંચાઈનું પાણી મળશે.

 

રાજકોટના રેસકોર્સમાં ચાર ડોમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સૌરાષ્ટ્રના ધારાસભ્યો,સાંસદો રાજ્ય સરકારના મંત્રીઓ ઉદ્યોગપતિઓ વેપાર જગતના અલગ અલગ સંગઠનના આગેવાનો અહીં ઉપસ્થિત છે. રાજકોટ મહાનગરપાલિકાના કેકેવી એલીવેટેડ બ્રિજનું લોકાર્પણ પીએમ મોદી કરશે. લોકાર્પણ સાથે જ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ લાઇબ્રેરી અને સુએજ પ્લાન્ટને પણ પ્રધાનમંત્રી ખુલ્લો મુકશે.

તો બીજી તરફ વડાપ્રધના નરેન્દ્ર મોદી આવતીકાલે ગાંધીનગરની મુલાકાત લેશે. જ્યાં તેઓ સેમિકૉન ઇન્ડિયા 2023નું પણ ઉદઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે, 28મી જુલાઇએ ગાંધીનગર ખાતે ‘સેમિકૉન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. ભારતમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગેનું પ્રેઝેન્ટેશન પણ કરવામાં આવશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં સેમીકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા પેનલ ડીસ્કશન પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ફૉક્સકૉન, માઇક્રૉન, એએમડી, આઇબીએમ, માર્વેલ, વેદાન્તા, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમી કન્ડક્ટર્સ, એસટી માઇક્રૉઇલેક્ટ્રૉનિક્સ, ગ્રાન્ટવુડ ટેક્નૉલોજીસ, ઇન્ફીનિયૉન ટેક્નૉલોજીસ, અપ્લાઇડ મટિરિયલ્સ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલી અન્ય જાણીતી કંપનીઓ ભાગ લેશે.

રસાયણ, પેટ્રોકેમિકલ્સ ઉત્પાદકોના શિખર સંમેલનનું ઉદઘાટન

કેન્દ્રના રસાયણ, ખાતર મંત્રાલય દ્વારા આયોજિત જાગતિક રસાયણ અને પેટ્રોકેમિકલ્સ ઉત્પાદન કેન્દ્રોના શિખર સંમેલનની ત્રીજી આવૃત્તિનું કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને 27 જુલાઈ, ગુરુવારે નવી દિલ્હીમાં ઉદઘાટન કર્યું હતું.

સીતારામને સંકેત આપ્યો છે કે રસાયણ ઉદ્યોગને કરવેરામાંથી કદાચ મુક્તિ આપવામાં આવશે. દેશની અર્થવ્યવસ્થામાં આ ઉદ્યોગ વિશેષ સ્થાન ધરાવે છે. આ ક્ષેત્ર એવા 80,000થી પણ વધારે પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે જે આપણા દૈનિક વપરાશમાં કામમાં આવે છે.

સાવધાન.. વરસાદની લઈને વધુ એક આગાહી, આ વિસ્તારમાં મેઘરાજા બોલાવશે બઘડાટી

આ વર્ષે મેઘરાજા ચોમાસાની શરૂઆતથી જ બઘડાટી બોલાવી રહ્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ત્યારે હવે આ વચ્ચે વરસાદને લઈને ગુજરાતમાં વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. ભારે વરસાદને કારણે જૂનાગઢ, અમરેલી, સૌરાષ્ટ્ર સહિતના જિલ્લામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે ફરી એક વાર વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. જેમાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.


હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાવામા આવી છે. જેમા વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામા આવી છે. આ સાથે આગામી 24 કલાકની આગાહીમાં અમદાવાદ અને ગાંધીનગરમાં કેટલાક ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.


માછીમારોને આપી ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતી કાલે વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે સુરત અને ડાંગમાં પણ ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સિવાય રાજ્યના અન્ય કોઈ ભાગ માટે ભારે વરસાદની ચેતવણી અપવામા આવી નથીં. હવામાન વિભાગે ગુજરાતના ઉત્તર તથા દક્ષિણ ભાગની દરિયા પટ્ટીના માછીમારોને પાંચ દિવસ ચેતવણી આપી છે. આ દરમિયાન 40-45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.