નવી દિલ્હીઃ ટૂ-વ્હિલર ઉત્પાદક કંપની હિરો મોટોકોર્પના એક્ઝિક્યૂટિવ ચેરમેન પવન મુંજાલના નિવાસસ્થાન તથા ઓફિસો ખાતે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ના અમલદારોએ આજે દરોડા પાડ્યા છે. ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા મુંજાલ સામે કરવામાં આવેલી ફરિયાદના આધારે મની લોન્ડરિંગને લગતા કેસના સંબંધમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. મુંજાલ ઉપરાંત બીજા 10 વ્યક્તિઓને ત્યાં પણ ઈડી અમલદારોએ દરોડા પાડ્યા છે.
મની લોન્ડરિંગ: પવન મુંજાલના નિવાસે EDના દરોડા, હિરો મોટોકોર્પનો શેર તૂટ્યો
લોકસભામાં દિલ્હી વટહુકમ બિલ રજૂ કરવામાં આવ્યું
મંગળવારે દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર સંબંધિત વટહુકમ પર લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ પર થયેલા હોબાળા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે બંધારણે ગૃહને દિલ્હી રાજ્યને લગતો કોઈપણ કાયદો પસાર કરવાની સત્તા આપી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે સંસદ આ અંગે દિલ્હીમાં કોઈપણ કાયદો લાવી શકે છે. અમિત શાહે કહ્યું કે આ વિરોધ રાજકીય છે, બંધારણીય આધાર પર કરવામાં આવી રહ્યો નથી. તેના આધારે આ બિલ રજૂ કરવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે કહ્યું કે આ ગૃહને કાયદો બનાવવાનો અધિકાર છે. દિલ્હી સરકારની રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ બિલ, 2023 ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
Union Home Minister Amit Shah speaks on GNCT (Amendment) bill 2023 in the Lok Sabha, says “Constitution has given the House, power to pass any law regarding the state of Delhi. Supreme Court judgement has clarified that Parliament can bring any law regarding the state of Delhi.… pic.twitter.com/3iXTuFp0hD
— ANI (@ANI) August 1, 2023
બુધવારે બિલ પર ચર્ચા થશે
દિલ્હી સર્વિસ બિલ પર બુધવારે લોકસભામાં ચર્ચા થશે. લોકસભામાં બિલની રજૂઆત બાદ ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ પટેલ, અર્જુન મેઘવાલ સાથે તેમના રૂમમાં બેઠક કરી હતી. બિલની રજૂઆત દરમિયાન કોંગ્રેસના સાંસદો અધીર રંજન ચૌધરી, એનકે પ્રેમચંદ્રન અને શશિ થરૂર સહિતના વિપક્ષી સભ્યોએ બિલની રજૂઆતનો વિરોધ કર્યો હતો.
AAP સરકાર વિરોધ કરી રહી છે
19 મેના રોજ કેન્દ્ર સરકારે દિલ્હીમાં સેવાઓના નિયંત્રણ સાથે સંબંધિત આ વટહુકમ બહાર પાડ્યો હતો. આ વટહુકમ લાવવાના થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં બદલીઓ અને નિમણૂકો સાથે સંબંધિત મામલામાં નિર્ણય લેવાની સત્તા દિલ્હી સરકારને આપી હતી. દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે આ વટહુકમનો વિરોધ કર્યો છે અને તેને ગેરબંધારણીય ગણાવ્યો છે.
શું કહ્યું આમ આદમી પાર્ટીએ?
લોકસભામાં બિલની રજૂઆત બાદ આમ આદમી પાર્ટીએ કહ્યું કે આ બિલ દિલ્હીમાં લોકશાહીનું સ્થાન લેશે અને બાબુશાહી સ્થાપિત કરશે. દિલ્હી સર્વિસ ઓર્ડિનન્સને બદલવાનું બિલ આજ સુધી સંસદમાં રજૂ કરવામાં આવેલો સૌથી અલોકતાંત્રિક, ગેરકાયદેસર દસ્તાવેજ છે. વિપક્ષી ગઠબંધન ભારતના તમામ સભ્યો અને બંધારણનું સન્માન કરતા સભ્યો આ બિલનો સખત વિરોધ કરશે.
ગુજરાત ATSએ અલકાયદાના ત્રણ શંકાસ્પદોને ઝડપ્યા
રાજકોટ: ગુજરાત ATS આતંકવાદી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શંકાસ્પદ લોકોને રાજકોટમાંથી ઝડપ્યા છે, આ લોકો પૈકી આ ત્રણ લોકો છ મહિનાથી શહેરના સોની બજારમાં કામ કરતા હતા. આ ગેંગના કુલ આઠથી 10 સભ્યો હોવાની આશંકા છે. ATS દ્વારા કરવામાં આવી છે. તેમની પાસેથી એક પિસ્તોલ અને 10 કારતૂસ કબજે કરી છે. આ લોકો પાસેથી હથિયારો અને પત્રિકાઓ જપ્ત કરવામાં આવ્યાં છે. 
આ શંકાસ્પદો પશ્ચિમ બંગાળના રહેવાસી છે. તેઓ છેલ્લા 6 મહિનાથી રાજકોટના સોની બજારમાં કામ કરી રહ્યા હતા. આ પહેલાં પોરબંદરથી એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડે અફઘાનિસ્તાન ભાગી રહેલા ચાર શંકાસ્પદોની ધરપકડ કરી હતી. આ આતંકવાદીઓનાં નામ અમન મલિક, શુકુર, શૈફ નવાઝ છે. આ શખ્સો આતંકવાદી સંગઠન અલકાયદાનો ફેલાવો કરી રહ્યા હતા. રાજકોટના ખત્રીવાડમાં આવેલા શ્રીકૃષ્ણ કુંજમાં એક આતંકવાદી રહેતો હતો, સૈફ નવાઝ અને તેની સાથે રહેતી વધુ એક વ્યક્તિને પણ ATS ઉઠાવી ગઈ છે.
ગુજરાત ATSએ અલકાયદાના ત્રણ શંકાસ્પદોને ઝડપ્યા…https://t.co/idnBOLRi0w #GujaratATS #Rajkot #Terrorist #alqaeda #Arrest #chitralekha pic.twitter.com/Wyvn5G5ilc
— chitralekha (@chitralekhamag) August 1, 2023
જુમ્મા મસ્જિદ ચોકમાંથી પણ શંકાસ્પદ ગણાતા આઠથી વધુ લોકોને ATSએ ઉઠાવ્યા છે. સત્તાવાર કેટલા લોકોની ધરપકડ થશે તે માહિતી પત્રકાર પરિષદ દ્વારા જાહેર કરવામાં આવશે. સૈફ છથી સાત મહિનાથી જુમ્મા મસ્જિદ પાસેના મકાનમાં ભાડે રહેતો હતો. શ્રીકૃષ્ણ કુંજમાં બહાર અને અંદર સીસીટીવી ફીટ થયેલા છે. આથી તેની ગતિવિધિ સીસીટીવીમાં કેદ થઈ હોય તેવું પોલીસ તપાસ બાદ બહાર આવી શકે છે.
ATS અધિકારીઓએ તેમની પાસેથી ઘણી ચીજવસ્તુઓ જપ્ત કરી છે. અધિકારીઓએ કહ્યું હતું કે સર્વિલેન્સના ઇનપુટને આધારે ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતમાં ATSની આ છેલ્લા ત્રણ મહિનામાં પાંચમી મોટી કાર્યવાહી છે.
પુણેમાં ‘લોકમાન્ય તિલક પુરસ્કાર’ સમારંભમાં વિપક્ષ પર મોદીનો કટાક્ષ
પુણેઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આજે અહીં તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ વતી 1983માં સ્થાપવામાં આવેલા ‘લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડ સ્વીકાર્યા બાદ પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું કે, ‘લોકમાન્ય તિલકના નામે સ્થપાયેલો પુરસ્કાર પ્રાપ્ત કરતા હું ગૌરવની લાગણીનો અનુભવ કરું છું. લોકમાન્ય તિલક અખબારી સ્વાતંત્ર્યના મહત્ત્વને સમજતા હતા. એમણે ભારતની આઝાદીની લડાઈના માર્ગને બદલી દીધો હતો. બ્રિટિશરોએ એમને ભારતીય જુવાળ (ક્રાંતિ)ના જનક ગણાવ્યા હતા. ભારતની આઝાદીની લડાઈમાં લોકમાન્ય તિલક મોખરે રહ્યા હતા.’
મોદી એમના સંબોધનમાં દેશના વિરોધપક્ષોને ટોણો મારવાનું ચૂક્યા નહોતા. એમણે કહ્યું, ‘એકબીજા પર ભરોસો રાખવાથી આપણે મજબૂત બનીએ છીએ, પરંતુ આજે જ્યારે દેશમાં કેટલાક સ્થળોને આપવામાં આવેલા વિદેશી આક્રમણખોરોના નામોને બદલવામાં આવે છે એમાં કેટલાક લોકો અસ્વસ્થ થઈ જાય છે.’ મોદીએ કોરોનાવાઈરસ રોગચાળા સામે દેશે આદરેલા જંગમાં પુણે શહેરે આપેલા યોગદાનની મોદીએ પ્રશંસા કરી હતી.
આ કાર્યક્રમ વખતે મંચ પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવાર પણ ઉપસ્થિત હતા. એમણે કહ્યું, ભારતમાં પહેલો સર્જિકલ હુમલો છત્રપતિ શિવાજી મહારાજના સમયગાળામાં થયો હતો. દેશે બે યુગ જોયા છેઃ એક, તિલકનો અને બીજો મહાત્મા ગાંધીનો.
કંધારમાં છેલ્લા છ મહિનામાં 1000થી વધુ લોકો ટીબીથી સંક્રમિત
કાબુલઃ અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાને કબજો કર્યો છે, ત્યારથી આ દેશની હાલત બદથી બદતર થઈ ગઈ છે. કંધારમાં છેલ્લા છ મહિનાઓમાં 1000થી વધુ લોકો ટીબીની બીમારીથી સંક્રમિત થયા છે, એમ કાબુલની ટોલો ન્યૂઝનો એક રિપોર્ટ કહે છે.
આ બીમારીથી પીડિત લોકોમાં બાળકો, મહિલાઓ અને વયોવૃદ્ધ લોકો સામેલ છે. કંધારના આરોગ્ય વિભાગના પ્રમુખ જમાલુદ્દીન અઝીમીએ કહ્યું હતું કે છેલ્લા છ મહિનામાં આશરે 1160 ટીબી રોગી હતા, જે ગયા વર્ષની તુલનામાં સાડાછ ટકા ઓછા થયા છે. એમાં મહિલાઓની સંખ્યા સૌથી વધુ છે.
આ બીમારી સારવારના અભાવે ફેલાઈ રહી હોવાનું મુખ્ય કારણ છે, એમ અધિકારીઓએ કહ્યું હતું. જાબુલ પ્રાંતના શાહજોય જિલ્લાના નિવાસી ખાન મોહમ્મદે કહ્યું હતું કે તેમની સારવાર ઘણા મહિનાઓથી ચાલી રહી છે. આ સારવાર કરતાં એક વર્ષ થયું છે, પરંતુ મને કોઈ લાભ નથી થયો. જ્યારે હું અહીં ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ સેન્ટરમાં આવ્યો, ત્યારે મારી સારવાર કરવામાં આવી હતી અને ડોક્ટરોએ કહ્યું હતું કે હું ઠીક થઈ જઈશ, એમ તેણે કહ્યું હતું.
હેલમંદ નિવાસી અબ્દુલ અહદે કહ્યું હતું કે હું અહી આવ્યો અને ડોક્ટરોએ મારી સારવાર કરી અને દરેક બાબતે મારી મદદ કરી અને હવે હું ઠીક છું. હાલમાં ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ હોસ્પિટલમાં ટીબીથી પીડિત 75 લોકોની સારવાર ચાલી રહી છે, જેમાંથી મોટા ભાગનાં મહિલા અને બાળ દર્દીઓ છે. જોકે અહીં છેલ્લા છ મહિનાઓમાં ટીબી પીડિત 415 લોકોનું નિદાન અને રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
ચીન કાયમ મજબૂત રીતે પાકિસ્તાનની પડખે ઊભું રહેશેઃ જિનપિંગ
ઈસ્લામાબાદ/બીજિંગઃ પાકિસ્તાન સાથેના સંબંધને નવી ઊંચાઈએ લઈ જવા માટે ચીન તેના આ કાયમી મિત્રની પડખે રહેવાનું ચાલુ રાખશે, એમ ચીનના પ્રમુખ શી જિનપિંગે કહ્યું છે. એમણે વધુમાં કહ્યું કે, પ્રાદેશિક કનેક્ટિવિટી ઉપલબ્ધ કરવા માટે પાકિસ્તાનમાં મહત્ત્વાકાંક્ષી એવી CPEC (ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર) પાયાગત યોજનાઓના આરંભની બંને દેશ 10મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. ઈસ્લામાબાદમાં આ વિષયે આયોજિત એક કાર્યક્રમ માટે જિનપિંગે મોકલાવેલા અભિનંદન સંદેશામાં ઉપર મુજબ જણાવ્યું હતું. જિનપિંગ શાસક કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના વડા (મહામંત્રી) પણ છે. પાકિસ્તાનના ઉપપ્રમુખ હી લીફેંગ હાલ પાકિસ્તાનની ત્રણ-દિવસની યાત્રા પર ગયા છે.
ઉલ્લેખનીય છે કે CPEC માળખાગત કાર્યક્રમ 60 અબજ ડોલરનો છે. આ યોજના ચીનના શિનજિયાંગ પ્રાંતને પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના ગ્વાડર બંદરને જોડે છે. આ યોજનાનો ભારતે વિરોધ કર્યો છે, કારણ કે તે પાકિસ્તાને પચાવી પાડેલા કશ્મીરમાંથી પસાર થાય છે.
સેતલવાડે FIR રદ કરાવવા માટે હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં
અમદાવાદઃ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડે 2002ના રમખાણો મામલે ખોટા સાક્ષીઓને આધારે અમદાવાદ અપરાધ શાખા દ્વારા તેમની વિરુદ્ધ FIR રદ કરવાની વિનંતી કરતાં હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. હાલમાં એક સેશન કોર્ટે આ મામલે સેતલવાડને આરોપમુક્ત કરવા માટેની આગ્રહ કરતી તેમની અરજીને ફગાવી દીધી હતી, જ્યારે હાઇકોર્ટે તેમને રાહત આપવાનો ઇનકાર કર્યા પછી તેમણે આ મામલે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાંવ્યાં હતાં.
તિસ્તા સેતલવાડ સામે સહ આરોપીઓ સાથે મળીને કાવતરું ઘડવાનો આક્ષેપ છે, જેમાં તિસ્તા સેતલવાડ સામે ગુજરાતમાં વર્ષ 2002નાં કોમી રમખાણોમાં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી, અન્ય નેતાઓ સામે ખોટા પુરાવા અને સાક્ષીઓ ઊભા કરવાનો આક્ષેપ છે. આવા કાવતરાથી નિર્દોષ લોકોને મૃત્યુદંડની સજા થાય તેવી શક્યતાઓ હતી.
આ કેસમા આરોપીઓ વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે અગાઉ તિસ્તા સેતલવાડની આ કેસમાંથી ડિસ્ચાર્જ અરજી સેશન્સ કોર્ટ ફગાવી ચૂકી છે. તો હાઈકોર્ટ દ્વારા પણ તિસ્તા સેતલવાડના જામીન ફગાવાઈ ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તિસ્તા સેતલવાડને રાહત અપાઈ છે.
હાલ તિસ્તાએ FIR રદ કરવાની વિનંતી કરતાં હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે અને આ કેસની સુનાવણી ટૂંક સમયમાં થવાની સંભાવના છે. તિસ્તા સેતલવાડે હવે એડવોકેટ એસ.એમ. વત્સ મારફતે પોતાની સામેની અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ક્રાઇમ બ્રાન્ચે કરેલ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. જેની પર આગામી સમયમાં સુનાવણી હાથ ધરાઈ તેવી શક્યતા છે.
નૂંહમાં કરફ્યુ, કલમ 144 લાગુઃ ત્રણનાં મોત, 15 જણ ઘાયલ
નૂંહઃ હરિયાણાના નૂંહ જિલ્લામાં સોમવારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા કાઢવામાં આવેલી ધાર્મિક યાત્રા દરમ્યાન હોમગાર્ડના બે જવાનો સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે અને કમસે કમ 15 લોકો ઘાયલ થયા છે. જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા ભડકવાથી ઇન્ટરનેટ સેવા હંગામી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી છે અને કલમ 144 લાગુ કરવામાં આવી છે. નૂંહ અને ફરિદાબાદમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરવામાં આવી છે. જ્યારે ગુરુગ્રામ, ફરિદાબાદ અને રેવાડીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ જગ્યાએ સ્કૂલ-કોલેજ પણ બંધ કરવામાં આવી છે.
રાજ્યના ગૃહપ્રધાન અનિલ વીજે કેન્દ્ર સરકારથી વધારાના સુરક્ષા દળની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે કોણ છે? એની પાછળ અને શું મહત્ત્વનું કારણ એ તપાસ કર્યા પછી દોષીઓને છોડવામાં નહીં આવે. હરિયાણામાં RAFની 20 કંપનીઓ તહેનાત થશે. હાલમાં ગુરગ્રામ અને આસપાસના વિસ્તારોમાં તણાવ છે. હાલ નૂંહમાં 13 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે હરિયાણાના નૂંહ જિલ્લામાં ભીડે VHPના સરઘસને અટકાવવાના પ્રયાસમાં કારોને આગ લગાડી દીધી હતી. એ દરમ્યાન હોમગાર્ડના જવાનોનાં મોત થયાં હતાં અને પોલીસકર્મચારીઓ સહિત 15 લોકો ઘાયલ થયા હતા.
દિલ્હીથી નજીક ગુરુગ્રામના સોહનામાં પણ હિંસા ભડકી હતી. મુસ્લિમ બહુમતી નૂંહમાં હિંસાની ખબર ફેલાતાં નજીકના ગુરુગ્રામ જિલ્લાના સોહનામાં મુસ્લિમ સમાજના લોકોની ભીડે ચાર વાહનો અને એક દુકાનમાં આગ લગાડી હતી. દેખાવકારોએ એક રસ્તા પર કલાકો સુધી આવ-જા બંધ રાખી હતી.
હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર નૂંહની સ્થિતિને લઈને ગૃહપ્રધાન અનિલ વીજ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં હરિયાણાના મુખ્ય સચિવ અને ડીજીપી સહિત વહીવટી અધિકારીઓ હાજર રહેશે.
કોરાનાના 36 નવા કેસો, એકનું પણ મોત નહીં
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 36 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,95,665 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,917 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,62,274 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 29 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1474એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 33,520 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.37 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,53,559 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 393 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

શેરને માથે સવા શેર
શેરને માથે સવા શેર |
ઈશ્વરની આ દુનિયામાં દરેકને કોઈકને કોઈક વિશિષ્ટ શક્તિઓ ઈશ્વરે આપી છે. કોઈને બળ આપ્યું છે તો કોઈકને વાકપટુતા. દુનિયામાં એક એકથી ચડિયાતા માણસો મળી આવે છે. અને એટલે જ કહેવાયું છે કે ‘બહુરત્ના વસુંધરા’. દુનિયામાં કોઈએ અભિમાન નહીં રાખવું જોઈએ કે પોતે જ મહાબલી અથવા સર્વોત્તમ છે. એનાથી પણ વધુ બળવાન મળી આવે છે. મહાભારતમા એક કથા આવે છે. જે મુજબ મહાબલી ભીમનું અભિમાન ઉતારવા હનુમાનજી એક વૃદ્ધ વાનરનું સ્વરૂપ ધારણ કરીને ભીમના રસ્તામાં આડા પડ્યા હતા.

ભીમે જ્યારે તુચ્છકારપૂર્વક એને જ્યારે પોતાના રસ્તામાંથી હટી જવા કહ્યું ત્યારે ખૂબ દીન ચહેરે હનુમાનજીએ ભીમને કહ્યું કે તે પોતે ખૂબ વૃદ્ધ છે એટલે ભીમના રસ્તામાં આડુ આવતું પૂંછડું એ જાતે જ ખસેડીને મૂકી દે. ભીમે જાણે તણખલું ઊંચકવાનું હોય એ રીતે હનુમાનજીનું પૂંછડું ઊંચકવાનો પ્રયત્ન કર્યો. પણ કેમે કરી ઊંચકાયું નહીં ત્યારે ભીમને ખ્યાલ આવ્યો પોતાના કરતાં વધુ મહાબલી આ દુનિયામાં છે અને એને આ અહેસાસ થતાં ખૂબ જ વિનમ્રતાથી વૃદ્ધ વાનરરાજની માફી માંગી ત્યારે હનુમાનજી પ્રગટ થયા. આમ ભીમના ગર્વનું ખંડન થયું. આ સંદર્ભમાં આ કહેવત પડી છે કે શેરને માથે સવા શેર.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)




