પુણેઃ ચોરી-લૂંટફાટ કરવા માટે પણ ચોરો અને લૂંટારાઓ જ્યોતિષનો સહારો લે એ આશ્ચર્યની વાત છે, પરંતુ આવું થયું છે. પાંચ વ્યક્તિઓએ પુણેના બારામતીમાં રૂ. એક કરોડની ચોરી કરવા માટે ભવિષ્યવાણીનો સહારો લીધો હતો. વાસ્તવમાં ભવિષ્ય ભાખતા જ્યોતિષની મદદથી આ ચોરોઓ એક શુભ મુહૂર્તની શોધમાં હતા. જેવો યોગ્ય દિવસ અને સમય માલૂમ પડ્યો તેઓ સાગર ગોફેન નામની વ્યક્તિના ઘરે ચોરી કરવા પહોંચી ગયા.
જોકે સાગરની પત્ની એ સમયે ઘરે જ હતી. પાંચે વ્યક્તિએ મળીને એના ઘરેથી રૂ. 1.5 કરોડથી વધુની ચોરી કરી, પણ તેમની એક બેવકૂફીને કારણે તેઓ પકડાઈ ગયા. આ ચોરોએ ઘરમાં ઘૂસીને સાગરની પત્નીનું મોં બંધ કર્યું અને હાથપગ બાંધી દીધા હતા. ત્યાર બાદ ઘરમાંથી રૂ. 95 લાખ રોકડ અને રૂ. 11 લાખના ઘરેણાં લઈને આશરે 1.76 કરોડના માલસામાનની ચોરી કરી હતી.
અમારો શક સચિન જગાને, રાયબા ચવ્હાણ, રવીન્દ્ર ભોસલે, દૂર્યોધન અલાયન્સ, દીપક જાધવ અને નીતિન પર ગયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ લોકોએ એક જ્યોતિષને લૂંટનું શુભ મુહૂર્ત કાઢવાની વાત કરી હતી. આ લોકોએ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. પુણે ગ્રામીણ પોલીસે જણાવ્યું હતું કે ભવિષ્ય બતાવવાળા જ્યોતિષ રામચંદ્ર ચાવાને પણ ગુનામાં સામેલ થવાને કારણે ધરપકડ કરવામાં આવી છે. આ બધા ચોરોની પાસેથી રૂ. 76 લાખ જપ્ત કરવામાં આવ્યા છે.
ભારતની અવકાશ સંશોધન સંસ્થા ‘ઈસરો’ના ચંદ્રયાન-3 અવકાશયાનના લેન્ડરમાં બેસાડવામાં આવેલા LPDC (લેન્ડર પોઝિશન ડીટેક્શન કેમેરા) એ ચંદ્ર ગ્રહની ધરતીના જુદા જુદા ભાગોની આ તસવીરો ઝડપી છે. ઈસરો સંસ્થાએ તે રિલીઝ કરી છે. ચંદ્રયાન-3 23 ઓગસ્ટના બુધવારે ભારતીય સમય મુજબ સાંજે 6.04 વાગ્યે ચંદ્રમાની ધરતી પર દક્ષિણ ધ્રુવ બાજુએથી ઉતરાણ કરવાનું છે.
નવી દિલ્હીઃ આગામી વર્ષે સામાન્ય ચૂંટણીને જોતાં કેન્દ્રમાં રહેલી ભાજપના નેતૃત્વવાળી સરકાર આગામી તહેવારોની સીઝન અને ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટમાં કેટલીય મોટી યોજનાઓની ઘોષણા કરવાની યોજના બનાવી રહી છે. મોદી સરકાર શહેરવાસીઓ માટે હોમ લોન યોજનાની ઘોષણા કરવામાં આવે એવી વકી છે. એ સાથે સરકાર ફ્યુઅલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મૂકે એવી સંભાવના છે. આ વચગાળાના બજેટમાં ખસ્તા અર્થતંત્રને પુનર્જીવિત કરવા અને વધુ રોજગારીના સર્જન પેદા કરવાના પ્રકારોમાં ભાર મૂકવામાં આવશે.
FY24ના કેન્દ્રીય બજેટમાં કેન્દ્રએ લોકસભા ચૂંટણી પહેલાં જાહેર ખર્ચ દ્વારા વિકાસને પ્રોત્સાહન આપવા માટે ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. 10 લાખ કરોડના રેકોર્ડ કેપેક્સની ફાળવણી કરી હતી. સ્વતંત્રતા દિવસે વડા પ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશમાં એપ્રિલ-મે, 2024માં મતદાન કરશે અને તેઓ સતત ત્રીજી વાર વડા પ્રધાનપદે આરૂઢ થશે.
તિરંગો ફરકાવ્યા પછી મોદીએ કહ્યું હતું કે આગામી 15 ઓગસ્ટે આ લાલ કિલ્લા પરથી દેશની સફળતાઓ તમારી સામે મૂકીશ. તેમણે કહ્યું હતું કે જે લોકો શહેરોમાં ભાડાના મકાનમાં રહે છે, તેમને સરકાર પોતાનું ઘર બનાવવામાં મદદ કરવા માટે નવી યોજના લઈને આવશે. તેમણે રાષ્ટ્રને નામે કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે અમે શહેરોમાં ભાડાના મકાનો, અનધિકૃત કોલોની અને ઝૂંપડીઓમાં રહેતા પરિવારોને પોતાનું ઘર બનાવવા માટે લાખો રૂપિયાની મદદ આપીને બેન્ક લોનના વ્યાજમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ ભારતની પ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’ બનાવનાર ચેન્નાઈસ્થિત ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી કંપનીને પ્રોજેક્ટ પ્રોફેશનલોએ બનાવેલા રાષ્ટ્રીય એસોસિએશન – ઈન્ડિયન પ્રોજેક્ટ મેનેજમેન્ટ એસોસિએટ્સ તરફથી પ્રતિષ્ઠિત એવો ‘નેશનલ પ્રોજેક્ટ્સ એક્સેલન્સ એવોર્ડ’ આપવામાં આવ્યો છે.
ઉક્ત સંસ્થા દ્વારા અન્ય ચાર પ્રોજેક્ટ માટે પણ એવોર્ડ આપવામાં આવ્યા છે. તેમાં દેશમાં સ્વદેશી ટેક્નોલોજીથી વિમાન વાહક યુદ્ધજહાજ આઈએનએસ વિક્રાંત તેમજ ચિનાબ નદી પર રેલવે બ્રિજ પ્રોજેક્ટ માટે પણ એવોર્ડ આપવામાં આવ્યા છે. ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીના જનરલ મેનેજર બી.જી. માલ્યાને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા નીતિ આયોગના સભ્ય વિજયકુમાર સારસ્વતના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ચેન્નઈઃ હાલમાં સુપરસ્ટાર રજનીકાંતે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સાથે લખનઉ સ્થિત તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. રજનીકાંતે એ દરમ્યાન મુખ્ય મંત્રીના પગે પડીને આશીર્વાદ મેળવ્યા હતા. જોકે યોગી આદિત્યનાથના પગે પડીને આશીર્વાદ લેવા પર વિવાદ થયો હતો. રજનીકાંતે કહ્યું હતું કે કોઈ પણ સંન્યાસી અથવા યોગીનાં ચરણોમાં ઝૂકવાની તેમની આદત છે. પછી ભલે એ વ્યક્તિ કોઈ પણ વયની હોય. એટલા માટે તેમણે આવું કર્યું હતું, એમ તેમણે કહ્યું હતું.
રજનીકાંત દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના પગે પડીને આશીર્વાદ લેવા પર સોશિયલ મિડિયા અને ખાસ કરીને તામિલનાડુમાં ઘણો વિવાદ થઈ રહ્યો છે. કેટલાય લોકો 72 વર્ષીય રજનીકાંતને તેમનાથી વયમાં નાના UPના CMના પગે પડવા પર સવાલો કરી રહ્યા છે. જોકે સુપરસ્ટારે પોતાના અંદાજમાં જવાબ આપ્યો હતો.
This is called the Culture of Bharatiyas.
Watch the gesture of respect in this video ; Super Star Rajnikant touching the feet of Yogi Ji.
તેમણે કહ્યું હતું કે તે પોતાની ફિલ્મ ‘જેલર’ની સ્ક્રીનિંગ માટે તેઓ લખનઉ પહોંચ્યા હતા. એ સમયે તેમણે UPના મુખ્ય પ્રધાન, યોગી આદિત્યનાથ, ઉપ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય અને સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. UPના ઉપ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ રજનીકાંતની એક્ટિંગની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે મને પણ ‘જેલર’ ફિલ્મ જોવાની તક મળી. મેં રજનીકાંતની અનેક ફિલ્મો જોઈ છે અને તેઓ પ્રતિભાશાળી એક્ટર છે.
બીજી બાજુ, રજનીકાંતે તેમની ફિલ્મ ‘જેલર’ની શાનદાર સફળતા માટે ઓડિયન્સનો આભાર માન્યો હતો. તેમની ફિલ્મ રૂ. 200 કરોડના બજેટમાં બની છે, જ્યારે આ ફિલ્મે રૂ. 280 કરોડની કમાણી કરી ચૂકી છે.
મુંબઈઃ આગામી એશિયા કપ સ્પર્ધા માટે ભારતે 17-સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. હવે આ જ ટીમ ODI વર્લ્ડ કપમાં પણ રમતી જોવા મળશે. ટીમની જાહેરાત બાદ અમુક ખેલાડીઓનું વર્લ્ડ કપમાં રમવાનું સપનું ભાંગી ગયું છે. એમાંનો એક છે, 28 વર્ષીય વિકેટકીપર અને બેટર સંજૂ સેમસન. એશિયા કપ ટીમમાં બેક-અપ ખેલાડી તરીકે સંજૂનો સમાવેશ કરવામાં આવ્યો છે. એશિયા કપ ટીમમાં સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. યાદવ છેલ્લા કેટલાક વખતમાં વન-ડે મેચોમાં નિષ્ફળ ગયો છે. જ્યારે સંજૂ સેમસનનો વન-ડે રેકોર્ડ ઉત્તમ છે.
ટીમમાં સૂર્યા ઉપરાંત નવોદિત બેટર તિલક વર્માની પણ પસંદગી કરવામાં આવી છે. એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થવાની છે. ભારતની પહેલી મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમાશે. તાજેતરમાં, વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે સીરિઝમાં સંજૂએ બે મેચમાં અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ ટ્વેન્ટી-20 શ્રેણીમાં એ સારું રમી શક્યો નહોતો. એશિયા કપ ટીમમાં ઈશાન કિશન અને કે.એલ. રાહુલ, એમ બે વિકેટકીપર છે. રાહુલ ઈજામાંથી સાજો થઈ જતાં એનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાથી સંજૂને સ્થાન મળ્યું નથી.
વન-ડે ક્રિકેટમાં સંજૂનો દેખાવ બહુ જ સરસ રહ્યો છે. એ માત્ર 13 મેચ જ રમ્યો છે, પણ એમાં તેણે 55.71ની સરેરાશ સાથે 390 રન કર્યા છે. 2023માં તો એને માત્ર બે જ વન-ડે રમવા મળી છે. જેમાં તેણે 30ની સરેરાશ સાથે 60 રન કર્યા છે. એની સરખામણીમાં, સૂર્યકુમાર યાદવને 10 મેચ રમવા મળી છે, પણ એ માત્ર 14.11ની સરેરાશ સાથે 127 રન જ કરી શક્યો છે.
શહેરના એસ.જી હાઇવે પર આવેલી એસજીવીપી ઈન્ટરનેશનલ સ્કૂલ ના કેમ્પસમાં ‘સ્પેસ એપ્લિકેશન સેન્ટર’, ઈસરો અમદાવાદ, ‘વિક્રમ સારાભાઇ સ્પેસ એક્ઝિબિશન’ દ્વારા ‘મિશન મૂન’ ની ઉજવણી કરવામાં આવી હતી.
ભારત દેશની વિજ્ઞાન ક્ષેત્રે વધતી ઉપલબ્ધિ ઓની ઉજવણી ના ભાગરૂપે એસજીવીપી ઈન્ટરનેશનલ સ્કૂલ માં યોજવામાં આવેલા કાર્યક્રમ માં વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ, સ્પેસ અને સાયન્સ ટેકનોલોજી નું પ્રદર્શન, સ્પેસ ઓન વ્હીલ્સ -હરતી ફરતી આધુનિક બસમાં વિજ્ઞાન નું પ્રદર્શન અને રોકેટ લોચિંગ કેવી રીતે થાય, એ બતાવવા માં આવ્યું હતું.
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને ઈસરોના ડાયરેક્ટર નીલેશ દેસાઈ ના હસ્તે મિશન મૂન ના આ વિશિષ્ટ પ્રદર્શન કાર્યક્રમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મિશન ચંદ્રયાન 3 ની સફર અને ભારતે સ્પેસ ટેકનોલોજી માં કરેલ ઉપલબ્ધિઓ વિદ્યાર્થીઓ યુવાનો સુધી પહોંચે એ માટે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશાળ સ્કૂલ કેમ્પસ, સ્પેસ ઓન વ્હીલ્સ સાથે યોજાયેલા કાર્યક્રમ માં 30 જેટલી શાળા ના 5000 જેટલા વિદ્યાર્થીઓ, 400 થી વધુ શિક્ષકો એ મુલાકાત લીધી હતી.
90 વિદ્યાર્થીઓ અને શિક્ષકો ની મદદથી તૈયાર કરવામાં આવેલી આ વિજ્ઞાનની ઈવેન્ટ ને સફળ બનાવવા એસજીવીપી ના જયદેવસિંહ સોનાગરા, દર્શન પટેલ અને વિક્રમ સારાભાઇ સ્પેસ એક્ઝિબિશન સેન્ટર ના નરેશ ભટ્ટ સહિત કર્મચારીઓ એ સકારાત્મક અભિગમ સાથે પ્રયત્નો કર્યા હતા.
નવી દિલ્હીઃ મંગળવારે સવારે સમાચાર હતા કે બાલાકોટ સેક્ટરમાં ભારતીય સેનાએ ફરી એક વાર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. જોકે સંરક્ષણ મંત્રાલય તરફથી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાન સરહદમાં ઘૂસીને કોઈ સ્ટ્રાઇક નથી કરવામાં આવી.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બાલાકોટ ક્ષેત્રમાં LOC પર બે આતંકવાદી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. તેમને તેમના મિશનમાં નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે બે આતંકવાદી LOC પર ખરાબ મોસમ, ધુમ્મસ અને તૂટેલા રસ્તાનો લાભ ઉઠાવીને ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. સેનાને જ્યારે આ વાતની માલૂમ પડી, ત્યારે તેમણે હમીરપુર ક્ષેત્રમાં બંને આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
સેનાએ આ ઓપરેશન વિશે માહિતી આપતાં કહ્યું હતું કે જમ્મુમાં તહેનાત ડિફેન્સ પ્રવક્તા લેફ્ટેનન્ટ કર્નલ સુનીલ બર્તવાલે જણાવ્યું હતું કે પોલીસ અને એજન્સીઓની જાસૂસી સૂચનાથી માલૂમ પડ્યું હતું કે LOCની પેલી બાજુ આતંકવાદી હાજર છે, જે પછી નિગરાની વધારવામાં આવી હતી. જ્યારે બે આતંકવાદીઓએ ભારતીય સરહદમાં ઘૂસણખોરીના પ્રયાસ કર્યા, ત્યારે સેનાએ તેમની સાથે અથડામણ શરૂ કરી હતી અને બંને જણને ઠાર કર્યા હતા.
સેનાએ જણાવ્યું હતું કે બંને આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, પણ તેમના મૃતદેહો મેળવી નથી શકાયા, કેમ કે સેનાની સાથેની અથડામણમાં ઘાયલ થયા પછી બંને આતંકવાદી નિયંત્રણ રેખાને પાર કરીને પાકિસ્તાનની સરહદે ચાલ્યા ગયા હતા. આ સિવાય અથડામણ સ્થળેથી એક AK-47 રાઇફલ, બે મેગઝિન, 30 કારતૂસ અને પાકિસ્તાનમાં બનેલી કેટલીક દવાઓ પણ જપ્ત કરવામાં આવી છે.
ગુજરાતી ભાષા લુપ્ત થવાની અણી પર છે એવી વાતો અવારનવાર કાને પડતી હોય છે, પણ આ માન્યતા ખોટી છે. હા એને ટકાવી રાખવાની તેમ જ વિકસાવવાની જવાબદારી આવી પડી છે એ વાતને નકારી ન શકાય. પણ એ માટે ગુજરાતી ભાષા પ્રેમીઓ કટિબદ્ધ છે. ચોક્કસ સંસ્થાઓ દ્વારા કે વ્યક્તિગત ધોરણે ચાલતાં આવા ‘માતૃભાષા મિશન’નાં ભગીરથ પ્રયત્નો ખરેખર બિરદાવવા જેવા છે.
‘ધ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી’ (કે.ઇ.એસ.)નું નામ શિક્ષણક્ષેત્રે હંમેશા મોખરે રહ્યું છે. આ સંસ્થાના સંચાલન હેઠળ ચાલતી સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય, અહીંના ટ્રસ્ટીગણ, મેનેજમન્ટ તેમ જ શિક્ષકો માતૃભાષા સંવર્ધન માટે કાયમ પ્રયત્નશીલ રહ્યાં છે અને તાજેતરમાં તેને નવા સ્વરૂપે વેગ અને આકાર અપાઈ રહ્યો છે. જેને માટે એક એવું પણ સ્લોગન તૈયાર થયું છે, ‘મારી શાળા બદલાઈ રહી છે!’
આજના બાળકની પરિસ્થિતિ ત્રિશંકુ જેવી
કે.ઈ.એસ.ના ટ્રસ્ટી મહેશ શાહ (વાઈસ પ્રેસિડન્ટ) કહે છે, ‘માતૃભાષાને છોડીને પારકી ભાષામાં સંતાનને શિક્ષણ અપાવવાની માતા-પિતાની તીવ્ર ઝંખનાને લીધે આજના બાળકની હાલત ત્રિશંકુ જેવી થતી જાય છે. ઘરમાં બોલચાલની ભાષા અને શાળામાં અંગ્રેજી ભાષાના બે હિસ્સામાં બાળક વહેંચાઈ જતું હોય છે. છેલ્લા 40-50 વર્ષથી અંગ્રેજી માધ્યમનું મહત્ત્વ વધ્યું છે.’
‘જોકે, અમારી શાળાના ગુજરાતી માધ્યમમાં ભણી ચૂકેલી પેઢીનો ગ્રાફ જોશો, તો તેમણે કારકિર્દીમાં કે સફળતાની દૃષ્ટિએ જીવનમાં સર્વાંગી વિકાસ સાધ્યો જ છે,’ એમ મહેશભાઈએ વધુમાં કહ્યું.
શાળાના માહોલમાં ભાષાનો તફાવત સિવાય બીજો કોઈ તફાવત નહીં અને અંગ્રેજી માધ્યમ કરતાં પણ સવિશેષ પ્રવૃત્તિઓનો સમાવેશ અહી થાય છેએવું જણાવતાં ચીફ એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર સંગીતા શ્રીવાસ્તવ કહે છે, ‘અમારે ત્યાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ એઇડેડ એટલે કે ફ્રી (નહીંવત ફી) એજ્યુકેશન આપનારા છે. એટલે મોટાભાગના માતાપિતાની અદમ્ય ઇચ્છા તેમનું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે એવી હોય છે. પણ અમારા મેનેજમેન્ટે ભગીરથ અને સફળ પ્રયાસો સાથે એક એવો માહોલ તૈયાર કર્યો છે જ્યાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં ભાષાનો તફાવત છોડીને બીજો કોઈ તફાવત ન રહે. ગુજરાતી બાળકો તેમની માતૃભાષામાં વાંચે, વિચારે અને લખે છે એનું રિઝલ્ટ અમને વધુ પોઝિટિવ મળ્યું છે. દિનકરભાઈ જોષી જેવા સાહિત્યકારે પણ અમારા આ અભિયાનમાં ખૂબ સાથ આપ્યો છે. અહીં ગુજરાતી માધ્યમ માટે ડ્રામા, સિંગિંગ, કરાટે, સ્પોર્ટ્સ, ડાન્સ, કમ્પ્યુટર એજ્યુકેશન જેવી ઇત્તર પ્રવૃત્તિઓ સહિત અંગ્રેજી માધ્યમ કરતાં પણ સવિશેષ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એની સાથે ગુજરાતી માધ્યમના બાળકોનું અંગ્રેજી કાચું ન રહે એ માટે છેલ્લા બે વર્ષથી ખાસ કેજીથી જ ફોનેટિક્સ ટેક્નિક સાથે અંગ્રેજી શીખવવામાં આવે છે. આ ભગીરથ પ્રયત્નોમાં શાળાએ આવનારા બાળકોને યુનીફોર્મ, સ્કૂલ બેગ, વોટર બોટલ, ટીફીન જેવી મુળભુત વસ્તુઓ પણ મેનેજમેન્ટ તરફથી આપવામાં આવે છે.’
ચીફ એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર સંગીતા શ્રીવાસ્તવ
તમામ વાલીઓએ પહેલ કરવાની જરૂર
જોકે કરૂણતા એ છે કે ફ્રી એજ્યુકેશનનો અર્થ ઘણી વાર એવો થઈ જાય છે કે જાણે પાછલા કે પછાત-ગરીબ વર્ગના લોકો માટે જ આ ભણતર છે અથવા તો જેની પહેલી જનરેશન માંડ હજુ શાળામાં જઈને ભણવાની શરૂઆત કરી રહી છે એવી માન્યતા લોકોના મનમાં ઘર કરી ગયેલી હોય છે એવો અફસોસ વ્યક્ત કરતાં સંગીતાબેન કહે છે, ‘એટલે આમાં પડકારોનો ખૂબ સામનો કરવો પડે છે. માતૃભાષામાં ભણતર એ ફક્ત આર્થિક રીતે પછાત લોકો માટે જ નથી. બસ માત્ર પહેલ કરવાની જરૂર છે. માતૃભાષામાં શીખનારા બાળકની સમજણશક્તિ કલ્પના શક્તિ, તર્કશક્તિ અને ગ્રહણશક્તિ વધુ સારી રીતે ખીલી શકે છે. એટલે બાળકનું પાયાનું શિક્ષણ માતૃભાષામાં થવું જરૂરી છે. આ પાયાની માનસિકતા કેળવવાની જરૂર છે.’
‘ગુજરાતી ભણવામાં વાંધો શું છે? હું પણ ગુજરાતી માધ્યમમાં જ ભણ્યો છું’
પ્રખર સાહિત્યકાર દિનકર જોષી
ગુજરાતી સાહિત્યના દિગ્ગજ લેખક દિનકર જોષી કહે છે, ‘અંગ્રેજી ભાષા અને સાહિત્ય સુંદર છે. એની ના નથી, પણ ગુજરાતીમાં ભણવામાં વાંધો શું છે? હુંય ગુજરાતી માધ્યમમાં જ ભણ્યો છું અને આ જ સ્કૂલમાં ભણ્યો છું. હા, ત્યારે આ શાળાનું નામ કાંદિવલી વિદ્યાલય હતું.’ દિનકરભાઈ થોડા વર્ષો પહેલાંની વાતો વાગોળતા કહે છે, ‘એ દરમિયાન હું દર વર્ષે અનેક વાલીઓને મળતો. પારકાના કામ કરીને રળનારા અને પેટે પાટા બાંધીને બાળકોને ભણાવનારા મોટાભાગના વાલીઓ બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની જીદ કરતાં. ઉપલો કે નીચલો- વર્ગ કોઈ પણ હોય આ માનસિકતા જ ખોટી છે. માતૃભાષા તો માતાનું ધાવણ છે, અને બાળકને માનું દૂધ જ વધુ વિકસાવે છે- મજબૂત બનાવે છે. આ તો ‘માને છોડીને મીંદડીને ધાવવાની વાત’ થઈ. આમાં ભાષાને કોઈ મંદવાડ નથી. ભાષિકોને મંદવાડ છે. મંદવાડ આપણી માનસિકતાનો છે. આપણે માંદા પડેલા છીએ, એટલે જ કદાચ આપણે આપણાં સંતાનને બાટલીનું દૂધ પીવડાવી રહ્યા છીએ.’
સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયની ગતિવિધિ
અંગ્રેજો આપણે ત્યાં રાજ કરતાં હતા ત્યારે છેક 1936માં કે.ઇ.એસ. દ્વારા આ શાળાનો પાયો નખાયો હતો. અને અત્યાર સુધીમાં ગુજરાતી સહિત અંગ્રેજી માધ્યમનો વિભાગ વિસ્તરવાની સાથે આ શાળાનો ગ્રાફ સતત વધતો રહ્યો છે. અત્યારે શાળાનાં ગુજરાતી કેજી વિભાગનાં પ્રિન્સિપાલ મેડમ મનીષા ભટનાગર તેમજ 1થી 4 ધોરણનું પ્રાઇમરી સેક્શન કવિતાબેન મારુ સંભાળે છે.
મનીષા ભટનાગર, કવિતાબેન મારુ, દીપ્તીબેન રાઠોડ
મનીષાબેન, કવિતાબેન અને શિક્ષિકા દીપ્તી રાઠોડ કહે છે, ‘એસી, સ્માર્ટ ટીવી સહિત અમારા ક્લાસરૂમ મોડર્નાઇઝેશન ટચ સાથે તૈયાર થયા છે. બાળકના અભ્યાસક્રમ માટેનું ઇ-કન્ટેન્ટ, પીપીટી અહીંના ટીચર્સ ખુદ તૈયાર કરે છે. દરેક બાળકની શીખવાની અને ગ્રહણ કરવાની શક્તિ અલગ હોય છે એટલે એક જ કન્સેપ્ટ અમે ડ્રામા, ઓડિયો વિઝ્યુઅલ, રમતાં-રમતાં એમ જુદાં-જુદાં ચાર-પાંચ માધ્યમથી શીખવીએ છીએ. આખા વર્ષ દરમિયાન થતી પેરેન્ટ્સ વર્કશોપ સહિત ઓપન હાઉસમાં દરેક બાળકના પ્રોગ્રેસ અને વીકનેસ બાબતે તેના પેરેન્ટ્સ સાથે મુક્તમને ચર્ચા થાય છે. પહેલા ધોરણથી અમે પુસ્તકને બદલે વર્કશીટ સિસ્ટમ પણ ઇન્ટ્રોડ્યુસ કરી છે. બાળકની રોજેરોજની વર્કશીટની એક ફાઇલ મેઇનટેઇન થાય છે. રીડિંગ, રાઇટિંગ, અવેરનેસ સ્કીલ વધારવાના પ્રયાસ સાથે શિસ્ત અને વેલ્યુબેઝ્ડ એજ્યુકેશન માટે અહીંનું મેનેજમેન્ટ, સ્ટાફ, ટીચર્સ સતત પ્રયત્નશીલ છે. સરકારી હેલ્થ ચેક-અપ ઉપરાંત અહીં મેનેજમેન્ટ દ્વારા ખાસ હેલ્થ ચેક-અપ કેમ્પ અને બાળકોનો હેલ્થ રેકોર્ડ રખાય છે. બેન્ક, મોલ વગેરેની ગતિવધિઓ સમજવા માટે ખાસ અલાયદો એક્ટિવિટી રૂમ ફાળવેલો છે જ્યાં બાળક પ્રેક્ટિકલ નોલેજ મેળવે છે. કેજીથી જ બાળકોને કમ્પ્યુટરનું નોલેજ મળી શકે એ માટે અહીંની ખાસ તૈયાર કરેલી બે કમ્પ્યુટર લેબમાં દોઢસો જેટલા કમ્પ્યુટર્સ છે. નજીકના ભવિષ્યમાં અમે ફિલ્ડ ટ્રીપનો કન્સેપ્ટ પણ ઇન્ટ્રોડ્યુસ કરવાના છીએ.’
માતૃભાષા, સંસ્કૃતિ અને મૂળિયાંનું જતન અને ગ્લોબલ એક્સપોઝર
મહેશભાઈ કહે છે, ‘પ્રત્યેક બાળકનો માતૃભાષા પ્રત્યેનો સંપર્ક તાજો રહેવો જરૂરી છે. હવે તો સરકાર પણ એવો કાયદો લાવી રહી છે કે પાયાનું શિક્ષણ માતૃભાષામાં જ થવું જોઈએ. જોકે, બાળકને ગુજરાતી માધ્યમમાં ભણવાનો અર્થ એ નથી કે તેનું અંગ્રેજી કાચું રહે. અમારા પ્લાનિંગ મુજબ અમારી શાળાના આવનારા વર્ષમાં અમે ગુજરાતી માધ્યમના પાંચમા ધોરણથી ગણિત અને વિજ્ઞાનના વિષયને અંગ્રેજીમાં આવરી લેવાના છીએ. બાળક પોતાની માતૃભાષા, સંસ્કૃતિ અને મૂળિયાં સાથે જોડાયેલું રહે, અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવે અને સાથે આધુનિકરણની હરીફાઇમાં પણ કાચો ન ઊતરે એ પ્રકારનું ટકોરાબદ્ધ ઘડતર આપવાની દિશામાં અમે સતત પ્રયત્નશીલ છીએ કે જેને લીધે બાળક બહારની દુનિયામાં પ્રવેશે ત્યારે ગ્લોબલ એક્સપોઝર સાથે લયબદ્ધ તાલમેલ મેળવી શકે.’
તમારા બાળકને ગુજરાતી માધ્યમમાં મૂકવું શા માટે જરૂરી છે? ભાષાને બચાવવા? સાહિત્યને બચાવવા? કે ગુજરાતી અસ્મિતાને બચાવવા? ના, બાળકનું બાળપણ સાચવવા તેમજ તેજસ્વિતાને વધુ ખીલવવા માતૃભાષામાં શિક્ષણ જરૂરી છે.
નવી દિલ્હીઃ ચંદ્રયાન-3 મિશન હવે સફળતાની નજીક છે. લેન્ડર વિક્રમ સુરક્ષિત જગ્યાની શોધ કરી રહ્યું છે, જેથી 23 ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગ કરી શકાય. ઇસરોએ જણાવ્યું હતું કે 23 ઓગસ્ટે કોઈ કારણસર સોફ્ટ લેન્ડિંગ નહીં થઈ શકે તો 27 ઓગસ્ટે ચંદ્રયાન ચંદ્રમા પર ઊતરશે.
મિશન મુન ચંદ્રયાન-3ને લઈને લોકોમાં જેટલી ઉત્સુકતા છે, એટલી જ એ વાતે છે કે ચંદ્ર પર બધું કેવું હશે? શું ત્યાં પણ ધરતીની જેમ માટી, હવા અને પાણી હશે? એક સવાલ એ પણ છે કે શું ચંદ્રમા પર દિવસ-રાત થતા હશે- આનો જવાબ હા છે, પણ ત્યાં એક દિવસ 24 કલાકનો નથી હોતો.
ચંદ્રમા પર પૃથ્વીની તુલનામાં એક દિવસ 29 દિવસ મોટો હોય છે. અહીં એક દિવસ ધરતીના 29 દિવસો એટલે કે 708.7 કલાક મોટો હોય છે. પૃથ્વીના 14 દિવસ બરાબરનો દિવસનો સમય હોય છે અને 14 દિવસની ડે-નાઇટ હોય છે. આવામાં પહેલા એક ભાગ પૃથ્વી તરફ રહે છે. આ પ્રકારે બીજો ભાગ પણ ઘણા સમય સુધી પૃથ્વીની સામે રહે છે, જ્યારે ચંદ્રમાનો એક ભાગ એવો પણ છે જે ક્યારેય પૃથ્વીનો સામનો નથી કરતો અને અહીં થોડું ગાઢ અંધારું હોય છે.
Chandrayaan-3 Mission:
Here are the images of Lunar far side area captured by the Lander Hazard Detection and Avoidance Camera (LHDAC).
This camera that assists in locating a safe landing area — without boulders or deep trenches — during the descent is developed by ISRO… pic.twitter.com/rwWhrNFhHB
આ સિવાય ચંદ્રમા પર દિવસ-રાતના તાપમાનમાં ઘણો વધારે ફરક હોય છે. રાતના સમયે ચંદ્રમા પર તાપમાન બહુ ઓછું થઈ જાય છે અને દિવસના સમયે એ બહુ વધી જાય છે. એ સાથે અલગ-અલગ ભાગોમાં પર પરિસ્થિતિ અલગ-અલગ હોય છે. એનો દક્ષિણ ધ્રુવ વધુ ઠંડો હોય છે કે પૃથ્વીવાસીઓ માટે અહીં જીવિત રહેવું મુશ્કેલ છે.
23 ઓગસ્ટે જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રમા પર ઊતરશે તો એને લઈને લેન્ડર મોડ્યુલના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન જુદા થશે. એનો અર્થ એ થયો કે જ્યારે વિક્રમ ચંદ્રની સપાટી પર ઊતરશે અને એમાંથી રોવર પ્રજ્ઞાન નીચે ઊતરશે અને અભ્યાસ શરૂ કરશે.