Home Blog Page 2584

કૃતિ સેનન બની નિર્માત્રી: ‘દો પત્તી’ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનને તેની આગામી ફિલ્મ ‘દો પત્તી’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે કાજોલ પણ અભિનય કરી રહી છે. કૃતિની નિર્માણ કંપનીનું નામ છે, ‘બ્લૂ બટરફ્લાઈ ફિલ્મ્સ’. ફિલ્મના શૂટિંગના સમાચાર કૃતિએ જ એનાં ઈન્સ્ટાગ્રામ મારફત આપ્યા છે. 33 વર્ષીય કૃતિનું કહેવું છે કે નિર્માત્રી તરીકેની ભૂમિકાને તે પોતાની અત્યાર સુધીની સૌથી પડકારજનક માને છે.

તેની ‘દો પત્તી’ ફિલ્મ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બનેલી એક રહસ્યમય થ્રિલર વાર્તા પર આધારિત છે. ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે શશાંક ચતુર્વેદી. કાજોલ અને કૃતિએ અગાઉ 2015માં આવેલી ‘દિલવાલે’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ‘દો પત્તી’ ફિલ્મ ઓટીટી પ્લેટફર્મ પર રિલીઝ કરાશે અને તે માત્ર નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરાશે. કૃતિએ તેની ફિલ્મ નિર્માણ કંપની દિવંગત સહ-કલાકાર અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને અર્પણ કરી છે.

મિઝોરમમાં નિર્માણાધીન પૂલ તૂટ્યોઃ 17 લોકોનાં મોત

નવી દિલ્હીઃ મિઝોરમમાં એક નિર્માણાધીન રેલવે બ્રિજ તૂટી પડતાં ઓછામાં ઓછા 17 કામદારોનાં મોત થયાં છે. આ દુર્ઘટનાસ્થળે કેટલાય લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે અને તેમને બચાવવાના પ્રયાસ જારી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પૂલ તૂટવાના સમયે 35થી 40 કામદારો હાજર હતા. મૃતકોની સંખ્યામાં ઓર વધારો થવાની શક્યતા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજધાની આઇઝોલથી 21 કિમી દૂર સૈરાંગમાં સવારે 10 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ બ્રિજથી રેલવે ટ્રાફિક ચાલુ થયા પછી મિઝોરમ દેશના વિશાળ રેલવે નેટવર્કથી જોડાઈ જશે. વડા પ્રધાન મોદીએ આ પૂલ તૂટવાથી થયેલા મજૂરોનાં મોત મામલે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે રૂ. બે લાખના વળતરની અને ઘાયલ થયેલાઓ માટે રૂ. 50,000ના વળતરની જાહેરાત કરી હતી. મિઝોરમના મુખ્ય પ્રધાન ઝોરામથાંગાએ પણ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં ઘાયલોના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.

આ ઘટના સમયે બ્રિજ પર 35થી 40 મજૂરો કામ કરી રહ્યા હતા. બૈરાબીને સાયરાંગથી જોડતી કુરુંગ નદી પર આ પૂલ બનાવવામાં આવી રહ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા રાહત-બચાવ કાર્ય ચલાવી રહ્યું છે.

આ બ્રિજમાં કુલ ચાર પિલર છે. જેમાં ત્રીજા અને ચોથા થાંભલાની વચ્ચેનો ગાર્ડર નીચે પડી ગયો છે. આ ગાર્ડર પર તમામ મજૂરો કામ કરતા હતા. જમીનથી પૂલની ઊંચાઈ 104 મીટર એટલે કે 341 ફૂટ છે. એટલે કે પૂલની ઊંચાઈ કુતુબમિનાર કરતાં વધુ છે.

 

 

 

 

ભારત સહિત વિશ્વની નજર ચંદ્રયાન-3 પરઃ 6.04 કલાકે લેન્ડિંગ

બેંગલુરુઃ ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક થવાનો છે. ચંદ્રમાની સપાટી પર લેન્ડ કરતાં ભારત ચંદ્રના સાઉથ પોલ પર પહોંચનારો પહેલો દેશ બની જશે. સાંજે 6.04 કલાકે ચંદ્રયાન ચંદ્રમાના દક્ષિણી ધ્રુવની સપાટી પર લેન્ડ કરવાના પ્રયાસ કરશે. વિશ્વની નજર ચંદ્રયાન-3 પર ટકેલી છે. દેશના લોકો ચંદ્રયાન-3ની સફળતા માટે પૂજા-અર્ચના કરી રહ્યા છે. જોકે ચંદ્રયાન-3નું લેન્ડર-રોવર ચંદ્ર પર એક દિવસ કામ કરશે.ઇસરોએ કહ્યું હતું કે વિક્રમ લેન્ડર બધા પેરામીટરની સતત સફળતાની તપાસ કરી રહ્યું છે. ઇસરોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં લેન્ડિંગથી જોડાયેલા કમાન્ડ લોડ કરી દેવામાં આવ્યા છે. બપોરે આ કમાન્ડને લોક કરી દેવામાં આવશે. હાલ ચંદ્રયાન-3 ચંદ્રમાની સપાટીને 30.5 કિમીના અંતે ચંદ્રમાના ચક્કર કાપી રહ્યું છે. ઇસરોએ ચંદ્રયાન-2માંથી સબક શીખતાં અન્ય ઘણા ફેરફાર કર્યા છે.

ચંદ્રયાન-3ના રોવરમાં લાગેલી સોલર પ્લેટ પ્રજ્ઞાનને ચંદ્રમાની સપાટી પર ફરીને ઊર્જા આપશે. આટલું જ નહીં, પ્રજ્ઞાન રોવર ચંદ્રમા પર ભારતનાં નિશાન છોડશે. આ રોવરમાં કુલ છ પૈડાં છે, જેમાં છેલ્લાં બે પૈડામાં ઇસરો ને દેશના રાષ્ટ્રીય ચિહ્ન અંકિત કરવામાં આવ્યાં છે. પ્રજ્ઞાન રોવરમાં લાગેલાં આધુનિક સેન્સર ચંદ્રમાની સપાટીથી ભૌગોલિક અને અન્ય મહત્ત્વની માહિતી એકત્ર કરીને ઇસરોને મોકલશે.ચંદ્રયાન સાઉથ પોલ પર લેન્ડિંગ કરશે, જે જગ્યાએ ચંદ્રયાન ઊતરશે, ત્યાં માત્ર પહાડ છે. આ વિસ્તારમાં પાણી અને ખનિજ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

પ્રજ્ઞાન રોવરનું વજન માત્ર 26 કિલો છે. વિક્રમ લેન્ડરના સફળ લેન્ડિંગ પછી પ્રજ્ઞાન રોવર ચંદ્રમાની સપાટી પર ઊતરશે. એ વિક્રમ લેન્ડરની અંદર એક રેમ્પની મદદથી નીકળશે. પ્રજ્ઞાન રોવરનું મુખ્ય કામ છે કે ચંદ્રમા પર કરવામાં આવેલી શોધને ધરતી પર મોકલવી.

 

 

 

 

કોરાનાના 56 નવા કેસો, એક પણ મોત નહીં    

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 56 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,96,732 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,926 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,63,331 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 51 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1475એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 38,531 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.44 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,63,310 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1102 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

નોટ આઉટ @ 83 : માલતીબહેન સુતરિયા

સમાજ-સેવા સાથે પુષ્ટિમાર્ગીય પરંપરાને દીપાવનાર, “ઓક્ટોજીનીયસ-પાથ-બ્રેકર”, આજીવન વિદ્યાર્થીની, એવાં વિદુષી માલતીબહેન સુતરિયાની પ્રેરક-વાત સાંભળીએ તેમને પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

સુરતના જાણીતા ખડેપાઉં કુટુંબમાં જન્મ. ૭ ભાઈબહેન સાથે સંયુક્ત કુટુંબમાં ઉછેર. હજુ પણ પ્રસંગે 100 જણનું કુટુંબ ભેગું થાય છે! પિતા સુંદરલાલને  લાલગેટ પર લોખંડની દુકાન. માલતીબહેને સુરતથી બીએ(ઇકોનોમિક્સ) કર્યું છે. તેઓ ઇન્ટરમાં હતા ત્યારે  પિતાજી ગુજરી ગયા. ઘરની બધી જવાબદારી તેમની ઉપર આવી. પતિ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, સિંધિયા શિપિંગ કંપનીમાં કામ કરતા હતા. તેમને  બે દીકરા, એક દીકરી. મોટો દીકરો માથેરાન પ્રવાસમાં ગયો હતો અને ત્યાં અકસ્માતમાં તેનું અવસાન થયું. ખૂબ જ માનસિક તાણમાં જીવનનાં ૨૦ વર્ષ ગયાં. અલ્સર અને બીજી બીમારીઓને લીધે એમનું વજન 29 કિલો થઈ ગયું! જીવનને સંભાળવા તેમણે વડોદરા રહી, વલ્લભ-વિદ્યાપીઠમાંથી 10 વર્ષનો પુષ્ટિમાર્ગનો કોર્સ કર્યો અને પીએચડી થયાં. 72 વર્ષની વયે કલીના યુનિવર્સીટી, વલ્લભ-વેદાંત-એકેડેમીમાંથી ત્રણ વર્ષનો કોર્સ કર્યો. ત્યારબાદ સંસ્કૃત-ભારતીય-વિદ્યાલયમાંથી ભાષાનો કોર્સ કર્યો અને 87% માર્ક સાથે ઉત્તીર્ણ થયાં. હાલ જૈનીઝમના કોર્સમાં એડમીશન લીધું છે!

દિવ્યાંગ-યુવાનો આત્મસન્માન સાથે પગભર  થઈ જીવન જીવી શકે તે આશયથી પુત્ર દિપેશ અને પુત્રવધૂ  શાંતિ બાવીસ વર્ષથી બેંગ્લોરમાં “એનેબલ ઇન્ડિયા” નામનું NGO ચલાવે છે. ૨ લાખથી વધુ દિવ્યાંગોને તેમણે મદદ કરી છે. દીકરો-વહુ નિશ્ચિંત થઈ કામ કરી શકે તે હેતુથી ઘરનું કામ તેમણે ઊપાડી લીધું છે. જોકે, ઘરમાં મદદ માટે માણસો છે. ક્રિકેટર સૈયદ કીરમાણી “એનેબલ ઇન્ડિયા”ની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે માલતીબહેનનું કામ જોઈ તેમને “મધર-ઇન્ડિયા”નું ઉપનામ આપ્યું!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

તમને ક્યારેય રિટાયર થવું નથી! જે કામ સામે આવે તે કરવાનું, તેવું માને છે! ઘરનું કામ કરવું ગમે છે. મહેમાનોની અવરજવર ઘણી રહે છે. વળી પુષ્ટિમાર્ગની સેવા-પૂજા છે, એટલે તે કામ પણ રહે. ટીવી જુએ, રસોઈ શો જોવો ગમે, ધાર્મિક-ચેનલ જુએ. થોડું ભરવા-ગુંથવાનું કામ કરે, વાંચન કરે, ઠાકોરજીના વાઘા બનાવે. દિવસ આખો પ્રવૃત્તિમય જાય છે!

શોખના વિષયો : 

વધુ અભ્યાસનો વિસ્મયકારક શોખ! સાહિત્ય, વાંચન-લેખન, ભરત-ગુંથણ, રસોઈ ગમે. હિંચકો બહુ ગમે! તેના પર બેસે એટલે પ્રેરણા મળે! બેંગ્લોર-સાહિત્ય-વૃંદનાં સક્રિય સભ્ય છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે, પણ અલ્સરને લીધે ખાવા-પીવામાં સાચવવું પડે. તીખું ખવાય નહીં. થોડું બીપી અને સુગર વગેરે રહે છે. “ચાલશે” “ફાવશે” “ભાવશે” અને “ગમશે” તે તેમનો મંત્ર છે! “હું મને પોતાને બહુ ગમું છું”માં તેઓ માને છે અને એટલે પોઝિટિવ એટીટ્યુડ ધરાવે છે જેથી તબિયત સારી રહે છે! વહુ અને જમાઈ બંને દક્ષિણ-ભારતીય છે. વહુ તો દીકરી જેવી જ છે! એક દોહિત્રી છે. 2008માં પતિનો સાથ ગુમાવ્યો.

યાદગાર પ્રસંગ:  

પુત્રના NGOને મોટો એવોર્ડ મળ્યો ત્યારે માલતીબહેન દીકરા સાથે એવોર્ડ-ફંકશનમાં ગયાં હતાં. એવોર્ડ-સ્પીચમાં દીકરાએ “થેન્ક્સ-ટુ-મોમ” કહી પોતાના કામનો બધો યશ માતાને આપ્યો! હાજર રહેલાં મહેમાનોએ તેમને તાળીઓથી વધાવી લીધાં! ઓફિસને 20 વર્ષ થયાં તેના ફંકશનમાં દીપ-પ્રાગટ્ય માલતીબહેનના વરદ-હસ્તે કરવામાં આવ્યું. ક્રિકેટર સૈયદ કિરમાણી તો તેમને “મધર-ઇન્ડિયા”ના નામે જ ઓળખે છે! 150ના સ્ટાફનાં પણ તેઓ માતા! એક મુક-બધિર-અંધ સ્ટાફ-મેમ્બરને તેમણે કોરોનામાં બે મહિના ઘરે રાખ્યો! બેંગ્લોર-જૈન-મંડળ તરફથી “ઓક્ટોજીનીયસ-પાથ-બ્રેકર”નો એવોર્ડ તેમને મળેલો છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

મોબાઈલ તો તેમનો દોસ્ત છે! ટેબલેટ(આઇપેડ) વધુ વાપરે છે. youtubeનો ઉપયોગ સારી રીતે કરે છે. સાહિત્યની સખીઓ સાથે ઝૂમ ઉપર પ્રોગ્રામ કરે છે. લખવા માટે તથા ધાર્મિક-પ્રોગ્રામ જોવા માટે આઇપેડ હાથવગું રહે છે. ટેકનોલોજી સાથે એડજસ્ટ થઈને કામ કરવામાં આનંદ આવે છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

આપણે મા-બાપ કહે તેમ કરતાં, રહેણીકરણીમાં માનતાં, નાહ્યાં-ધોયાં વગર રસોડામાં જતાં નહીં! સમય પ્રમાણે બદલાવવું પડે છે! વડીલોનું ધ્યાન રાખવાને આપણે ફરજ સમજતાં. હવે યુવાનો હોંશિયાર છે, વડીલપણાની જરૂર નથી!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

NGOના કાર્યને લીધે યુવાનો સાથે એકદમ ટચમાં છે. આજના યુવાનો MONEY-MINDED છે, પણ આપણે આશા ન રાખીએ તો બીજી કોઈ તકલીફ રહેતી નથી.

સંદેશો : 

જિંદગીમાં ક્યારેય હારવું નહીં. BE POSITIVE! તો જ આગળ વધી શકશો. 60 વર્ષના વડીલો માટે ખાસ સંદેશો…. સ્ત્રીઓએ પુરુષનું કામ અને પુરુષોએ સ્ત્રીનું કામ શીખી જવું  જોઈએ. ક્યારેક તો એકલા રહેવાનું જ છે!

વાહ ભાઈ વાહ! – ૨૩ ઓગસ્ટ, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૨૩ ઓગસ્ટ, ૨૦૨૩

૨૩ ઓગસ્ટ, ૨૦૨૩

૨૩ ઓગસ્ટ, ૨૦૨૩

પંચાંગ 23/08/2023

G-20 સમિટ : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન 7 થી 10 સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં રહેશે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન G20 સમિટમાં ભાગ લેવા માટે 7 થી 10 સપ્ટેમ્બર સુધી ભારતની મુલાકાતે આવશે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ અનુસાર, વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને મંગળવારે એક બ્રીફિંગમાં આ માહિતી આપી હતી. અધિકારીએ કહ્યું કે બાઈડનની મુલાકાત દરમિયાન વૈશ્વિક પડકારોનો સામનો કરવા સહિત ગરીબી સામે વધુ સારી રીતે લડવા માટે વિશ્વ બેંક સહિત બહુપક્ષીય વિકાસ બેંકોની ક્ષમતા વધારવા પર પણ ચર્ચા કરવામાં આવશે.

 

શું ચર્ચા થશે?

વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરીન જીન-પિયરે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઈડન અને G20 ભાગીદારો વૈશ્વિક મુદ્દાઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેની ચર્ચા કરશે. આમાં સ્વચ્છ ઊર્જા, આબોહવા પરિવર્તનનો સામનો કરવો અને યુક્રેન સંઘર્ષની આર્થિક અને સામાજિક અસરોને ઘટાડવાનો સમાવેશ થાય છે. ભારતે ગયા વર્ષે 1 ડિસેમ્બરે G-20નું અધ્યક્ષપદ મેળવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી વિવિધ મુદ્દે અનેક બેઠકો થઈ છે.

PM મોદીએ બ્રિક્સ બિઝનેસ ફોરમમાં કહ્યું, ‘ભારત ટૂંક સમયમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે’

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ બિઝનેસ ફોરમ લીડર્સ ડાયલોગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે. ટૂંક સમયમાં ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું કે ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે, જેમાં 100 થી વધુ યુનિકોર્ન છે.

પીએમ મોદીએ કહ્યું કે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલે દસ વર્ષમાં આપણા આર્થિક સહયોગને વધારવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું, “જ્યારે 2009માં પ્રથમ બ્રિક્સ સમિટ યોજાઈ હતી, ત્યારે વિશ્વ મોટા આર્થિક સંકટમાંથી બહાર આવી રહ્યું હતું. આ દરમિયાન બ્રિક્સ વૈશ્વિક અર્થતંત્ર માટે આશાના કિરણ તરીકે ઉભરી આવ્યું હતું. તેમણે કહ્યું, “કોવિડ રોગચાળા, તણાવ અને વિવાદો વચ્ચે વિશ્વ આર્થિક પડકારોમાંથી પસાર થઈ રહ્યું છે. આવા સમયે બ્રિક્સ દેશોની મહત્વની ભૂમિકા છે. વૈશ્વિક અર્થતંત્રમાં ઉથલપાથલ બાદ પણ ભારત આજે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આપણે ટૂંક સમયમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનો દેશ બનીશું.