
નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી ગાંધીનગર ખાતે જન્માષ્ટમીની ભવ્ય રીતે ઉજવણી
ગાંધીનગરઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીએ 7 સપ્ટેમ્બર, 2023ના રોજ NIFT ગાંધીનગર કેમ્પસના એમ્ફીથિયેટર ખાતે જન્માષ્ટમી પર્વની ખૂબ જ સફળતા સાથે ઉજવણી કરી હતી.
NIFT ની જીવંત અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ઇવેન્ટ ભગવાન કૃષ્ણના જન્મની ભવ્ય ઉજવણીમાં પરંપરા, સર્જનાત્મકતા અને આધ્યાત્મિકતાને એકસાથે લાવી. પ્રો. ડૉ. સમીર સૂદે દહીહાંડી સમારોહમાં ભાગ લીધો હતો તે આ પ્રસંગની વિશેષતા હતી.
કાર્યક્રમની વિશેષતાઓ આ રહીઃ
- દહીહાંડી સમારંભ ઇવેન્ટની ખાસિયત હતી, જેમાં ટીમોએ નોંધપાત્ર ટીમવર્ક દર્શાવ્યું હતું.
- NIFT ના વિદ્યાર્થીઓએ શાસ્ત્રીય અને લોકનૃત્યો અને સંગીતમય પ્રસ્તુતિઓ સહિત મનમોહક સાંસ્કૃતિક પ્રદર્શન રજૂ કર્યાં. એમનાં પરફોર્મન્સે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
- પરંપરાગત પોશાકનું પ્રદર્શન એક તહેવાર સમાન હતું, કારણ કે NIFT વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ ભારતીય વસ્ત્રોની શૈલીઓ પ્રદર્શિત કરી હતી, જે આપણા સાંસ્કૃતિક વારસાની વિવિધતા અને સમૃદ્ધિને પ્રકાશિત કરે છે.

પ્રોફેસર ડૉ. સમીર સૂદે, NIFT ગાંધીનગરના નિયામક, આ ઇવેન્ટની શાનદાર સફળતા સુનિશ્ચિત કરવામાં તેમના અમૂલ્ય યોગદાન માટે તમામ સહભાગીઓને અભિનંદન આપ્યા હતા.
આઇસી15 ઇન્ડેક્સ 61 પોઇન્ટ ઘટ્યો
મુંબઈઃ ક્રીપ્ટોકરન્સીને જી-20 રાષ્ટ્રસમૂહના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડ અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા પ્રતિબંધિત કરવામાં નહીં આવે એવા અહેવાલો પ્રગટ થવા છતાં ક્રીપ્ટોકરન્સી માર્કેટ શુક્રવારે ફ્લેટ રહી હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.18 ટકા (61 પોઇન્ટ) ઘટીને 33,744 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,805 ખૂલીને 34,455ની ઉપલી અને 33,570 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી સોલાના અને બિટકોઇનને બાદ કરતાં બધા જ કોઇન ઘટ્યા હતા. પોલીગોન, યુનિસ્વોપ, શિબા ઇનુ અને લાઇટકોઇન 1થી 3 ટકાના ઘટાડા સાથે મોખરે હતા.
નોંધનીય છે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડે જી-20ની વિનંતીને પગલે સંયુક્ત પેપર પ્રકાશિત કર્યું છે. એમને ક્રીપ્ટોકરન્સી સંબંધે ભલામણો કરવાનું કહેવામાં આવ્યું હતું.
દરમિયાન, દક્ષિણ કોરિયાની નાણાકીય ક્ષેત્રની અગ્રણી કંપની મિરાઇ એસેટ સિક્યોરિટીઝે વેબ3 ટેક્નોલોજીસને પ્રોત્સાહન આપવાની દૃષ્ટિએ ટોકનાઇઝેશનના વિકાસ માટે પોલીગોન લેબ્સ સાથે સહકાર સાધ્યો છે.
દિલ્હીમાં G20 શિખર સંમેલન: ‘ભારત મંડપમ’ ખાતે ‘ક્રાફ્ટ બાઝાર’









ભૂતપૂર્વ PM મનમોહન સિંહે મોદી સરકારની પ્રશંસા કરી
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન G-20 સમિટ પહેલા એક ઇન્ટરવ્યુમાં રશિયા-યુક્રેન યુદ્ધ, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ભૂમિકાને લઈને ભારોભાર પ્રશંસા કરી હતી. તેમણે ભારતનાં હિતોને ધ્યાનમાં રાખીને શાંતિની અપીલ દ્વારા યોગ્ય વ્યૂહાત્મક પગલાંની પણ પ્રશંસા કરી હતી.
G-20 સમિટ પહેલાં રશિયા-યુક્રેન સંઘર્ષ અને ચીન અને પશ્ચિમી દેશો વચ્ચેના તણાવને કારણે વિશ્વ વ્યવસ્થામાં ઘણું પરિવર્તન આવ્યું છે. આ નવી સિસ્ટમના સંચાલનમાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી છે અને આજે વૈશ્વિક સ્તરે ભારતની વિશ્વસનીયતા વધી છે. ભૂતપૂર્વ વડા પ્રધાનના કાર્યકાળ દરમ્યાન 2008માં G-20 ગ્રુપ બનાવવામાં આવ્યું હતું., જેનો હેતુ નાણાકીય સંકટોથી લડવાનો હતો, એમ તેમણે કહ્યું હતું.2047 સુધીમાં દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના પીએમ મોદીના દાવા પર મનમોહન સિંહે કહ્યું કે આવનારા વર્ષોમાં ભારત આર્થિક પાવર હાઉસ બનશે. 
તેમણે કહ્યું હતું કે મને ભારતના ભવિષ્યની ચિંતા કરતાં વધુ આશાઓ છે. મને બહુ ખુશી છે G-20ની અધ્યક્ષતા માટે ભારતને તક મારા જીવનકાળ દરમ્યાન મળી છે અને હું G-20 શિખર સંમેલન માટે ભારયની અધ્યક્ષતાનો સાક્ષી છું. વિદેશ નીતિ મજબૂત હોવી જરૂરી છે અને અમારી વૈશ્વિક રાજકારણમાં હાજરી હોવી જોઈએ અને એ દેશના આંતરિક રાજકારણનો એક ભાગ હોવો જોઈએ, પરંતુ વ્યક્તિગત રાજકારણને લઈને સંયમ વર્તવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આવનારાં વર્ષોમાં ભારત આર્થિક પાવર હાઉસ બનશે. તેમણે ભારત-ચીન મુદ્દે પણ વાત કરતાં કહ્યું કે દુઃખની વાત છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે G20 કોન્ફરન્સમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીન સાથેના સંબંધો સુધારવા માટે વડા પ્રધાન મોદીએ શું કરવું જોઈએ તેના પર બોલવું મારા માટે યોગ્ય નથી. મને ખાતરી છે કે વડા પ્રધાન મોદી આ માટે ચોક્કસપણે જરૂરી પગલાં લેશે.
અક્ષયકુમારની ‘મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ’નું ટીઝર બહાર
નવી દિલ્હીઃ બોલીવૂડ સ્ટારર ‘મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ’નું પહેલાં મોશન પોસ્ટર પછી હવે એક્શનથી ભરેલી આ ફિલ્મનું ટીઝર બહાર આવ્યું છે. ખિલાડીકુમાર રિયલ લાઇફ આધારિત ફિલ્મ અને પાત્રો પર ધ્યાન આપવા માટે જાણીતો છે. તેની બહુ ચર્ચિત ફિલ્મ ‘મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ’ પણ એક મિસાલ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને અક્ષયકુમારે ફેન્સની ઉત્તેજના વધારી દીધી છે.
‘મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ’ રેસ્ક્યુ છઠ્ઠી ઓક્ટોબર, 2023એ થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ રાનીગંજ કોલફીલ્ડમાં એક રિયલ લાઇફ ઘટના આધારિત છે અને દિવંગત જસવંત સિંહ ગિલ પર આધારિત છે. જેણે 350 ફૂટ નીચે 65 ખાણ મજૂરોના જીવ બચાવ્યા હતા. અક્ષયે ટીઝર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે 1989માં એક વ્યક્તિએ સાહસ અને દ્રઢ વિશ્વાસ દાખવતાં અનેક લોકોના જીવ બચ્યા હતા. #મિશનરાનીગંજ ટીઝર હજી જારી છે. છઠ્ઠી ઓક્ટોબરે #મિશનરાનીગંજની સાથે ભારતના સાચા નાયકની સ્ટોરી જુઓ.
In 1989, one man showed courage and conviction that saved lives!#MissionRaniganjTeaser out now: https://t.co/L0F5uL2Dgj
Watch the story of Bharat’s true hero with #MissionRaniganj in cinemas on 6th October. pic.twitter.com/2hJD8TAXTD
— Akshay Kumar (@akshaykumar) September 7, 2023
વીર જસવંત સિંહ ગિલે નવેમ્બર, 1989માં રાનીગંજમાં પૂરગ્રસ્ત કોલસાની ખામમાં અંદર ફસાયેલા બધા મજૂરોને બચાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એને વિશ્વનું સૌથી મોટું અને સફળ બચાવ મિશન માનવામાં આવે છે. આ ફિલ્મ વાસ્તવિક સ્ટોરી પર આધારિત છે, જેને જણાવવી બહુ મુશ્કેલ છે. આવામાં આ ફિલ્મનું ટીઝર રહસ્ય, હિંમત અને આકર પડકારો પર કાબૂ મેળવવા પર ભરપૂર છે.
તમામ ભારતીયોનાં મન પર રાજ કરનાર આશા ભોસલે થયાં ૯૦ વર્ષનાં
મુંબઈઃ આઠ દાયકાઓથી ભારતનાં સંગીતપ્રેમીઓનાં મન પર છવાઈ જનાર લોકપ્રિય પાર્શ્વગાયિકા ‘પદ્મવિભૂષણ’ સમ્માનિત આશા ભોસલે આજે એમનો 90મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. આજના વિશેષ દિવસે એમની પર અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે. 90મા વર્ષે પણ આશાજી સ્વસ્થ છે. એમને ઓ.પી. નૈયરથી લઈને એ.આર. રહેમાન સુધી – સંગીતકારોની ચાર પેઢી સાથે કામ કરવાનું નસીબ પ્રાપ્ત થયું છે. આશાજી આટલી મોટી ઉંમરે પણ રોજ ગાયકીનો રિયાઝ કરવાનું ચૂકતાં નથી.
જાણવા જેવી વાત છે કે, 1947માં, એક ફિલ્મ માટે એક અજમાયશ વખતે આશા ભોસલેને ગાયિકા તરીકે નાપસંદ કરવામાં આવ્યાં હતાં. સહ-ગાયક (જે કિશોરકુમાર હતા) એમની સાથે આશાજીનો સ્વર સાઉન્ડ રેકોર્ડિંગ એન્જિનીયરને ઠીક લાગ્યો નહોતો. આશાજીને સહાયક અભિનેત્રીઓ માટે ગીતોમાં સ્વર આપવાની તક મળતી નહોતી. બ્રેક મળવા માટે એમને એક દાયકા જેટલા સમયની રાહ જોવી પડી હતી. એનું મુખ્ય કારણ એ હતું કે એ અરસામાં શમશાદ બેગમ, ગીતા રોય-દત્ત, સુરૈયા અને આશાજીનાં મોટાં બહેન લતા મંગેશકર જેવાં પાર્શ્વગાયિકાઓ છવાઈ ગયાં હતાં અને બીજી કોઈ ગાયિકા માટે અવકાશ નહોતો. છેક 1950ના દાયકાના અંતભાગમાં, બે સંગીતકાર – ઓ.પી. નૈયર અને એસ.ડી. બર્મને આશા ભોસલેને બ્રેક આપ્યો હતો. એ બંને સંગીતકારે લતાજીને બદલે આશાજી પાસે ગીત ગવડાવવાનું પસંદ કર્યું હતું.
1956માં ‘સીઆઈડી’ ફિલ્મમાં આશાજીએ મોહમ્મદ રફી અને શમશાદ બેગમ સાથે ગીત ગાયું હતું ‘લે કે પેહલા પેહલા પ્યાર ભર કે આંખો મેં ખુમાર…’ 1957માં, બી.આર. ચોપરાએ ‘નયા દૌર’ ફિલ્મમાં વૈજયંતીમાલા માટે આશાજી પાસે ગીત ગવડાવ્યાં હતાં. હિરોઈન માટે આશાજીએ તે પહેલી જ વાર ગીત ગાયું હતું અને એ ગીતો સુપરહિટ થઈ ગયા. ગીત હતાઃ ‘ઉડે જબ જબ ઝુલ્ફેં તેરી’, ‘માંગ કે સાથ તુમ્હારા મૈંને માંગ લિયા સંસાર’, ‘રેશમી સલવાર કુર્તા જાલી કા’, ‘સાથી હાથ બઢાના’…
એ પછી ચોપરાની ફિલ્મોમાં આશા ભોસલેને કાયમી સ્થાન મળી ગયું હતું. જેમ કે, ‘વક્ત’ (1965)માં ‘આગે ભી જાને ન તૂ, પીછે ભી જાને તૂ, જો ભી હૈ બસ યે હી ઈક પલ હૈ’ અને ‘હમ જબ સીમટ કે આપ કી બાહોં મેં આ ગયે…’ ‘ધૂંદ’ (1973)માં ‘ઉલઝન સૂલઝે ના, રસ્તા સૂઝે ના, જાઉં કહાં મૈં…’ કિશોરકુમારની ‘ચલતી કા નામ ગાડી’ (1958) ફિલ્મમાં મધુબાલા માટે એસ.ડી. બર્મને આશાનો સ્વર પસંદ કર્યો અને લોકોને ખૂબ ગમી ગયો. ગીતો હતાઃ ‘હાલ કૈસા હૈ જનાબ કા’ અને ‘મૈં સિતારોં કા તરાના’. એસ.ડી. બર્મને તે પછી 1960માં ‘કાલા બાઝાર’ ફિલ્મમાં (અચ્છા જી મૈં હારી ચલો માન જાઓ ના), ‘બમ્બઈ કા બાબૂ’ (1960)માં (દીવાના મસ્તાના હુઆ દિલ), ‘સુજાતા’ (1959)માં આશાજી પાસે ગીત ગવડાવ્યા હતા.
અમરેલીમાં સિંહણે પાંચ વર્ષની બાળકીનો કર્યો શિકાર
અમરેલીઃ રાજ્યના સૌરાષ્ટ્રમાં સિંહ અને દીપડાના હુમલા વધતાં સ્થાનિક લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. અમરેલીના બગસરામાં મોડી રાત્રે ભર ઊંઘતી બાળકીને સિંહણ ઉઠાવી જતાં ખળભળાટ મચી ગયો છે. વન વિભાગ અને ગ્રામજનોએ આખી રાત શોધખોળ કરી હતી, પરંતુ બાળકી કે સિંહણ બંનેમાંથી કંઈ હાથ લાગ્યું નહોતું, પણ સવારના સમયે બાળકીનાં અંગો મળી આવ્યાં હતાં. આ ઘટનાને લઈને લોકોમાં ભય ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બગસરાના હાલરિયા ગામમાં એક વાડીમાં બહારથી મજૂરી માટે આવેલો પરિવાર સૂતો હતો. આ દરમિયાન ત્યાં સિંહણ આવી પહોંચી હતી અને બાળકીને ઉઠાવી ગઈ હતી. સિંહણ બાળકીને ઉપાડી જતાં પરિવારે બૂમાબૂમ કરી મૂકી હતી અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતાં. લોકોએ સિંહણની પાછળ બાળકીને છોડાવવા માટે દોડાદોડ કરી મૂકી હતી. બાળકીને સિંહણ ઉઠાવી ગઈ હોવાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી અને વધુ શોધખોળ હાથ ધરી હતી.
અમરેલી ઇન્ચાર્જ IFS સાદિક મુંઝવારે આ ઘટનાની ગંભીરતા દાખવી સ્થાનિક RFOએ સહિત અધિકારીઓને સૂચના આપી સિંહણને પાંજરે પૂરવા અલગ-અલગ ત્રણ જેટલી ટીમો બનાવી હતી. નાની બાળકીને સિંહણે ભરખી જતાં પરિવાર પર આભ ફાટી પડ્યુ હતું.
પાંચ વર્ષની દીકરી ગુમાવતાં પરિવાર માથે દુ:ખનો ડુંગર તૂટી પડ્યો છે. જ્યારે આસપાસના લોકોને હજી પણ એક જ ડર સતાવી રહ્યો છે કે સિંહણ આટલામાં જ હશે અને એમનો કે એમના પરિવારજનનો શિકાર કરશે તો? જેથી ડરને કારણે સ્થાનિકો ધ્રૂજી રહ્યા છે.
રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહીઃ 135 તાલુકાઓમાં વરસાદ
અમદાવાદઃ રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડયો છે. જેથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસવાની વકી છે.
રાજ્યમાં અમદાવાદ, અરવલ્લી, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ સાથે વીજળીના કડાકા સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન છે જેથી આગામી 24 કલાકમાં લો પ્રેશર બનવાની શક્યતાઓ છે. જેથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ છે,રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 135 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જનમાષ્ટમીના દિવસે સૌથી વધુ ડાંગના વઘઇમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ સાથે સુરતના ઉમરપાડામાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં 48 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં નર્મદા, ડાંગ, નવસારી, દમણ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સાથે ડાંગના આહવામાં 2.92 ઇંચ, સુબીરમાં 2.71, વલસાડના કપરાડામાં 2.48 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપીના સોનગઢ અને ખેડાના કઠલાલમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
વલસાડ તેમ જ આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. જિલ્લામાં તમામ તાલુકાઓમાં સરેરાશ બેથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
એક સમાન લક્ષ્ય બધાને નજીક લાવી દે છે
સંગઠનમાં રહેવા છતાં એકબીજા ઉપર આધારિત ન રહેતા સ્વનિર્ભરતાથી ચાલવું. કોઈપણ કામ મન લગાવીને કરવું, પરંતુ બદલામાં મળતી પદવીને મનથી સ્વીકાર ન કરવી. પોતાનાથી ક્યારેય ભારે ન થવું. આ ગુણ સંગઠનની દરેક વ્યક્તિમાં હોય તો એકતાની દોરી દોરડામાં બદલાઈ જાય છે..

એક સમાન લક્ષ્ય બધાને નજીક લાવી દે છે.આ લક્ષ્ય જો થોડા સમયનું અને હદનું હોય થોડા સમયની અને હદની એકતા ઉત્પન્ન થાય છે. સંપૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે બધાનું એક સમાન લક્ષ્ય હોય કે આપણે બધા પિતા પરમાત્મા સમાન ગુણવાન અને શક્તિવાન બનીએ. સૃષ્ટિ રૂપી સાગર માં તરતા આપણા બધાનું લક્ષ્ય પણ પરમપિતા પરમાત્મામાં સમાઈ જવાનું છે. તેમના સમાન બની જવાનું છે. એક સમાન લક્ષ્ય થી એક ધર્મ, એક જાતિ, એક કુળ તથા એક ભાષા વાળા વિશ્વની સ્થાપના થઈ શકે છે.
સમાચાર પત્રોમાં વારંવાર આતંકવાદીઓ ને શરણ ન આપવા માટે અમેરિકા દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે. વિવિધ દેશોની સરકારો પણ પોતાના દેશમાં જે ભાગમાં આતંકીઓનો ભય છે તે અંગે નિષ્ણાતો તથા ગુપ્તચર વિભાગની સલાહ લઈને તે વિસ્તારો માં સલામતીના જરૂરી પગલા લે છે. પોલીસ તથા જરૂર પડે સેનાની પણ મદદ લે છે. ટીવી તથા અન્ય પ્રચાર માધ્યમો દ્વારા વારંવાર સાવધાની આપવામાં આવે છે. અપ્રિય ઘટનાઓ માટે માનસિક રીતે તૈયાર રહેવા ની અપીલ નાગરિકોને કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય અપરાધીઓને પકડવા માટે સરકારો બીજા દેશોની મદદ લે છે તથા અપરાધીઓને જીવતા કે મરેલા પકડી લાવવા માટે ઇનામ પણ જાહેર કરે છે.

અપરાધ નો ઇતિહાસ નવો નથી. આપણા દેશમાં પણ અગાઉ ડાકુઓના જૂથ હોતા હતા, જે ક્યારેક શહેરોમાં આવીને આતંક મચાવતા હતા અથવા જંગલોમાં રહીને વેપારીઓના કાફલાને લૂંટી લેતા હતા. આ ડાકુઓને પકડી લેનાર તથા સમર્પણ કરાવનાર વ્યક્તિઓને રાજાઓ દ્વારા મોટા મોટા ઇનામો તથા ઉપાધીઓ આપવામાં આવતી હતી.
અપરાધનો ઈતિહાસ જૂનો ભલે હોય પરંતુ તે કાયમનો નથી. આપણે એવું ન કહી શકીએ કે પહેલાના સમયથી અપરાધ થતા આવ્યા છે. સૃષ્ટિના શરૂઆતના સમય અંગે પ્રાચીન ભારતીય, મુસ્લિમ તથા ક્રિશ્ચિયન સાહિત્યમાં વર્ણન છે કે તે સમયે મનુષ્ય સૃષ્ટિ સ્વર્ગ હતી. તે સમયે સંપૂર્ણ સુખ, શાંતિ તથા પવિત્રતા હતી. તે દુનિયાને ખુદાનો બગીચો કહેવામાં આવે છે, જેને નષ્ટ કરવાનું કામ પાંચ વિકાર ( રાવણ ) કરે છે. ત્યારથી પુરુષોએ પરસેવો પાડી કમાવાનું શરૂ કરવું પડ્યું અને સ્ત્રીઓએ સંતાન પેદા કરવાનું દુઃખ સહન કરવાની સાથે પુરુષની દાસી બનીને રહેવું પડ્યું. ભારતીય વિદ્વાનોએ પણ આ સંબંધમાં મનજીતે- જગતજીત કહીને સાવધાની આપી. આ પણ મનને જીતવા પર મળવા વાળા ઇનામની જાહેરાત છે. દરેક કાર્ય નો આધાર મન છે પરંતુ એ પણ સત્ય છે કે મન દરેક સમયે ખોટું નથી વિચારતું. મનમાં તો સારા અને કલ્યાણકારી વિચાર પણ આવે છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)








