Home Blog Page 2526

લોનની ચૂકવણી થયે પ્રોપર્ટી દસ્તાવેજો પરત કરવા અંગે બેન્કો/નાણાંકંપનીઓને RBIનો આદેશ

મુંબઈઃ રિઝર્વ બૅન્કે લોન લેનારાઓને ઘણી મોટી રાહત આપતું જાહેરનામું પ્રકાશિત કર્યું છે. 13મી સપ્ટેમ્બરના આ જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે બૅન્કો અને નોન બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓએ પ્રોપર્ટીના દસ્તાવેજો અને દેવાનો બોજો (ઇન્કમ્બ્રન્સ) લોન ચૂકતે થઈ ગયાના 30 દિવસની અંદર ફરજિયાતપણે છૂટાં કરવાનાં રહેશે.

જેના માટે લોન લેવામાં આવી હોય એ વસ્તુ પરનો બોજો લોનની સંપૂર્ણ ચૂકવણીના 30 દિવસની અંદર કાઢી નાખવો અને દસ્તાવેજો પરત કરવા, એમ કહેવામાં આવ્યું છે.

આ દસ્તાવેજો ફક્ત હોમ બ્રાન્ચમાંથી નહીં, કોઈ પણ બ્રાન્ચમાંથી ગ્રાહકને પાછા કરી શકાશે. કેન્દ્રીય બૅન્કે એમ પણ કહ્યું છે કે કરજદાર લોન ચૂકતે કરે ત્યાર બાદ એમને દસ્તાવેજો કઈ શાખામાંથી પાછા મળશે એ પણ લોનના દસ્તાવેજોમાં લખવાનું ફરજિયાત રહેશે.

જાહેરનામા મુજબ જો બૅન્ક/નોન બૅન્કિંગ ફાઇનાન્સ કંપની ત્રીસ દિવસની અંદર દસ્તાવેજો પાછા નહીં કરે અથવા દેવાનો બોજો છૂટો નહીં કરે તો વિલંબના દરેક દિવસ દીઠ 5,000 રૂપિયા ચૂકવવા પડશે. એટલું જ નહીં, જો બૅન્ક/નોન બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીથી દસ્તાવેજો ગુમ થઈ જાય તો એમણે કરજદારને એ દસ્તાવેજો કે એની એટેસ્ટેડ કોપી પાછાં અપાવવામાં મદદ કરવાની રહેશે અને એના માટે થનારો ખર્ચ ચૂકવવો પડશે. કરજદારનું મૃત્યુ થવાની સ્થિતિમાં એમના વારસદારોને દસ્તાવેજો કેવી રીતે પાછા મળશે એની વિગતવાર પ્રક્રિયાની જાહેરાત બૅન્ક/નોન બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીએ કરવાની રહેશે. અત્યાર સુધીમાં લેવાઈ ગયેલી અને જેની સંપૂર્ણ ચૂકવણી 1 ડિસેમ્બર, 2023 પછી થવાની છે એવી લોનને પણ આ નવો નિયમ લાગુ પડશે.

રિઝર્વ બૅન્કે તમામ કોમર્શિયલ બૅન્કો (જેમાં સ્મૉલ ફાઇનાન્સ બૅન્કો, પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો સામેલ છે), તમામ લોકલ એરિયા બૅન્કો, તમામ શહેરી સહકારી બૅન્કો, તમામ રાજ્ય સહકારી અને જિલ્લા મધ્યવર્તી સહકારી બૅન્કો, તમામ નોન બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ સહિત) તથા તમામ ઍસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓને ઉદ્દેશીને આ જાહેરનામું પ્રકાશિત કર્યું છે.

આ નિર્દેશો રિઝર્વ બૅન્કના ચીફ જનરલ મૅનેજર સંતોષકુમાર પાણિગ્રહીએ બૅન્કિંગ રેગ્યુલેશન ઍક્ટ, 1949ની કલમો – 21, 35એ તથા 56, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા ઍક્ટ, 1934ની કલમો 45જેએ અને 45એલ તથા નૅશનલ હાઉસિંગ બૅન્ક ઍક્ટ, 1987ની કલમ 30એ હેઠળ જાહેર કર્યા છે.

જે લોન માટે આ નિર્દેશો અપાયા છે એમાં કન્ઝ્યુમર ક્રેડિટ લોન, એજ્યુકેશન લોન, હાઉસિંગ લોન તથા નાણાકીય ઍસેટ્સમાં રોકાણ કરવા માટે અપાયેલી લોનનો સમાવેશ થાય છે.

સરકારે વોશિંગ્ટન એપલ પર આયાત ડ્યુટી ઘટાડતાં કોંગ્રેસે ટીકા કરી

નવી દિલ્હીઃ અમેરિકાના વોશિંગ્ટન એપલ પર આયાત ડ્યુટી ઘટાડવા બદલ કોંગ્રેસે મોદી સરકાર પર તીખો હુમલો કર્યો છે. કોંગ્રેસે મોદી સરકારના અમેરિકાના ખેડૂતોને ભેટ અને દેશના સફરજનના ઉત્પાદકો પર ચાબુક સમાન ગણાવ્યો છે, કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું હતું કે PM બનતાં પહેલાં વડા પ્રધાન મોદી વોશિંગ્ટન એપલ પર 100 ટકા આયાત ડ્યુટી લગાવવાની વાત કહી હતી.

કોંગ્રેસે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અમેરિકાના ખેડૂતોને ભેટ આપતાં વડા પ્રધાન મોદીએ G20 સમિટ દરમ્યાન વોશિંગ્ટન એપલ પર આયાત ડ્યૂટી 15 ટકા કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે અમેરિકાના ખેડૂતોને ત્યાંની સરકાર કેટલાય પ્રકારની સબસિડી આપે છે.તેમણે કહ્યું હતું કે અમેરિકા પ્રવાસ પહેલાં વડા પ્રધાન મોદીએ અમેરિકી સફરજન પર આયાત ડ્યુટી 70 ટકાથી ઘટાડીને 50 ટકા કરવાની જાહેરાત કરી હતી. તેમણે સવાલ કર્યો હતો કે શું વડા પ્રધાન મોદી હિમાચલમાં હારનો બદલો લઈ રહ્યા છે?

કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે હિમાચલ કુદરતી માર ખમી રહ્યું છે, ત્યારે એને મદદ કરવાને બદલે મોદી પ્રદેશના ખેડૂતો પર કોરડો વીંઝીં રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના સફરજનના ખેડૂતોની સ્થિતિ ખરાબ છે. કોંગ્રેસે માગ કરી હતી કે સરકાર વોશિંગ્ટન સફરજનની આયાત ડ્યુટી ઘટાડવા વિશે પુનર્વિચાર કરે.

 

 

 

 

 

 

 

‘ટાઈમ’ મેગેઝિનની પ્રતિષ્ઠિત યાદીમાં એકમાત્ર ભારતીય છે, બોલીવુડનો આ અભિનેતા

મુંબઈઃ અમેરિકાના ‘ટાઈમ’ મેગેઝિનના પ્રતિષ્ઠિત વાર્ષિક ‘ઈમ્પેક્ટ એવોર્ડ્સ’ના આ વર્ષના વિજેતાઓની યાદીમાં માત્ર એક જ ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તે એક અભિનેતા છે. તે શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, સલમાન ખાન કે રજનીકાંત નથી, પરંતુ બોલીવુડનો એક અભિનેતા છે. તમે ધારી શકો છો એ કોણ હશે?

ટાઈમ મેગેઝિને ‘2023 TIME100 ઈમ્પેક્ટ એવોર્ડ્સ’ની ગઈ કાલે રાતે જાહેરાત કરી હતી. આ એવોર્ડ વિશ્વમાં વિવિધ સ્તરે સૌથી પ્રભાવશાળી હોય એવી 100 વ્યક્તિઓને આપવામાં આવે છે. આ યાદીમાં માત્ર એક ભારતીય તરીકે બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાનું નામ છે. હિન્દી સિનેમા ક્ષેત્રે સામાજિક સંદેશાઓ પ્રસ્તુત કરતી અને પ્રથાથી અલગ પ્રકારની ફિલ્મોમાં અભિનય કરવા બદલ તેમજ અભિનયક્ષેત્રની બહાર ‘યૂનિસેફ’ સંસ્થા સાથે મળીને પરોપકારી કાર્ય કરવા બદલ આયુષ્માનની પસંદગી આ એવોર્ડ માટે કરવામાં આવી છે. ટાઈમ મેગેઝિને વિજેતા તરીકે આયુષ્માનનું નામ જાહેર કરતા એક લેખમાં લખ્યું છે, ‘સામાજિક મુદ્દાઓ માટે જાગૃતિ ફેલાવવા માટે રૂપેરી પડદા પર પોતાના મંચનો ઉપયોગ કરવામાં ખુરાનાએ ખૂબ ઉત્સાહ બતાવ્યો છે… આ અભિગમથી એમની સફળ કારકિર્દીને બળ પ્રાપ્ત થયું છે એટલું જ નહીં, પણ એક ગાયક, કવિ, દાનવીર અને ભારતના યુવાધનના હિમાયતી તરીકે એમના સમાંતર પ્રયત્નોને સહાયતા મળી છે.’

કોટામાં વિદ્યાર્થિનીનો આપઘાતઃ આ વર્ષે 25 વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા

કોટાઃ રાજસ્થાનના કોટાથી ફરી એક વાર દુખદ સમાચાર આવ્યા છે. કોટામાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની તૈયારી કરી રહેલી એક 16 વર્ષીય વિદ્રાથિનીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આ વર્ષે માત્ર આઠ મહિનામાં રાજસ્થાનના કોચિંગ હબ કોટામાં 25 વિદ્યાર્થીઓએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી ચૂક્યા છે. રાંચીની રહેવાસી વિદ્યાર્થિની શહેરની બ્લેઝ હોસ્ટેલમાં રહેતી હતી. પ્રાપ્ત માહિતી મુજબ વિદ્યાર્થિની પાંચ મહિના પહેલાં ઝારખંડથી NEETની તૈયારી કરવા માટે કોટા આવી હતી.

JEE અને NEET જેવી પરીક્ષાઓમાં પાસ થવાની આશાએ આશરે બે લાખ વિદ્યાર્થીઓ પ્રતિ વર્ષ કોટા આવે છે.આ વર્ષે અધિકારીએ જિલ્લામાં આ પરીક્ષામાં દબાણ સંબંધિત 25 વિદ્યાર્થીઓની આત્મહત્યાની સૂચના આપી હતી, જે કોઈ પણ વર્ષમાં સૌથી વધુ છે.

રાજસ્થાન પોલીસના ડેટા અનુસાર વિદ્યાર્થીઓના આપઘાતના આ આંકડા મુજબ 2022માં 15, 2019માં 19, 2018 20, 2017માં સાત, 2016માં 17 અને 2015માં 18 હતા. કોચિંગ સંસ્થાઓમાં કોટામાં 2020 અને 2021માં કોઈ પણ વિદ્યાર્થીએ આત્મહત્યા કરવાની માહિતી નથી મળી, કેમ કે કોવિડ રોગચાળાને કારણે બધા ક્લાસિસ બંધ હતા.

કોટામાં આત્મહત્યા પછી જિલ્લા વહીવટી તંત્રએ એક આદેશ જારી કર્યો હતો, જેમાં બધી હોસ્ટેલના રૂમોમાં  અને પેઇંગ ગેસ્ટમાં સ્પ્રિંગ-લોડેડ પંખા લગાવવા ફરજિયાત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ બુનકર દ્વારા જારી આદેશનો ઉદ્દેશ આ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને માનસિક સહાયતા અને સુરક્ષા પ્રદાન કરવાનો હતો અને કોચિંગ વિદ્યાર્થીઓની વધતી આત્મહત્યાઓને અટકાવાનો હતો.

 

 

 

 

 

 

યાદગાર મુલાકાતઃ સિંધુ એપલ ઈવેન્ટમાં ટીમ કૂકને મળી

અમેરિકાની વિશ્વવિખ્યાત ટેક્નોલોજી કંપની એપલ દ્વારા કેલિફોર્નિયા રાજ્યના ક્યૂપર્ટિનો શહેરસ્થિત એપલ કેમ્પસ ખાતે 12 સપ્ટેમ્બર, મંગળવારે યોજવામાં આવેલા આઈફોન-15 ફોન તથા અન્ય પ્રોડક્ટ્સના લોન્ચિંગ કાર્યક્રમમાં ભારતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ પણ હાજરી આપી હતી. સિંધુ એપલના સીઈઓ ટીમ કૂકને પણ મળી હતી અને એમની સાથે તસવીર પડાવી હતી

સિંધુએ કૂકને કહ્યું કે તેઓ ભારત આવે ત્યારે એમની સાથે બેડમિન્ટન મેચ રમવાની તેની ઈચ્છા છે.

સિંધુએ ટીમ કૂક સાથેની મુલાકાતને તેનાં જીવનની અવિસ્મરણીય ક્ષણો તરીકે ઓળખાવી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને હસ્તે આયુષ્માન ભવ અભિયાનનો પ્રારંભ

ગાંધીનગરઃ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને હસ્તે ઈ-વિધાનસભા  લોન્ચ કરવામાં આવી હતી. એ સાથે તેમણે આયુષમાન ભવ અભિયાનનો પણ શુભારંભ કરાવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રાલય ‘આયુષ્માન ભવ’ અભિયાન ચલાવવાનું છે, જે ‘સેવા પખવાડિયા’ હેઠળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા શરૂ કરવામાં આવશે.  આ અભિયાનનો ઉદ્દેશ દેશની 35 કરોડની વસ્તીને સ્વાસ્થ્ય સેવાઓનો લાભ આપવાનો છે.

વાસ્તવમાં, આ અભિયાન હેઠળ સરકાર એવા લોકો સુધી પહોંચશે જેમને હજુ સુધી ‘આયુષ્માન ભારત યોજના’નો લાભ મળ્યો નથી. ‘આયુષ્માન ભારત યોજના’ હેઠળ સામાન્ય લોકોને સરકાર તરફથી રૂ. લાખ રૂપિયા સુધીનું સ્વાસ્થ્ય વીમા કવચ મળે છે. આ માટે લોકોને સ્વાસ્થ્ય વીમો ‘આયુષ્માન કાર્ડ’ જારી કરવામાં આવે છે.

કેન્દ્ર સરકારે આ યોજના વર્ષ 2018માં શરૂ કરી હતી, જ્યારે 60 કરોડ લોકોને તેનો લાભ આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું.

આયુષ્માન ભવ અભિયાન 13 સપ્ટેમ્બરથી શરૂ થશે. પરંતુ તે મુખ્યત્વે 17મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી ચાલશે. હવે દેશના 25 કરોડ લોકોને આયુષ્માન ભારત યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. હવે સરકાર ઓક્ટોબર સુધીમાં 7 કરોડ પરિવારો (એક પરિવારમાં 5 સભ્યો) એટલે કે 35 કરોડ લોકોને આ યોજનાનો લાભ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.

 

 

 

 

 

રાષ્ટ્રપતિને હસ્તે ઈ-વિધાનસભાનું લોન્ચિંગઃ ગૃહના કામમાં પારદર્શિતા આવશે

ગાંધીનગરઃ રાજ્ય ઈ-વિધાનસભાનું રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને હસ્તે લોન્ચિંગ થયું છે. હવે ગુજરાત વિધાનસભા ડિજિટલ બની ગઈ છે. હવે ગુજરાત વિધાનસભાનું કામ પેપરલેસ થશે. વિધાનસભા ડિજિટલ થવા સાથે વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે.  રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિને સાડી ભેટ કરી સન્માન કર્યું હતું.

રાષ્ટ્રપતિએ આ પ્રસંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમના કાર્યકાળના બે વર્ષ પૂરાં કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી. તેમણે CM ભૂપેન્દ્ર પટેલને ગુજરાતની સેવા આ રીતે નિરંતર કરતા રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી. તેમણે રાજ્યના ગૌરવશાળી ઇતિહાસ અને પ્રગતિની વાત કરી હતી.

જોકે વિધાનસભા સત્રના પહેલા દિવસે જ વિવાદ થયો હતો. ​​​​વિધાનસભા ગૃહમાં જ્યારે હાજર મહાનુભાવોનું સન્માન ચાલી રહ્યું હતું એ સમયે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને મુખ્ય મંત્રીનું સન્માન કરવા, કોંગ્રેસના શૈલેશ પરમારને સંસદીય મંત્રી રૂષિકેષ પટેલના સન્માન માટે તથા વિધાનસભા ઉપાધ્યક્ષનું સન્માન કરવા માટે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે, અમિત ચાવડા અને ચૈતર વસાવાએ સન્માન કરવાની ના કહી દીધી હતી.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેપરલેસ ગર્વમેન્ટને પ્રોત્સાહન આપ્યું છે. જેનાથી આજે ગુજરાત વિધાનસભા પેપરલેસ થઈ રહી છે.

વિધાનસભાના આ ચોમાસુ સત્રમાં અનેક મહત્વના બિલ રજૂ થશે. જેમાં GST સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા વિધેયક, પ્રાઈવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક રજૂ થશે. આ ઉપરાંત ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વિધેયક, ગુડ્સ એન્ડ સર્વિસ સુધારા વિધેયક રજૂ થશે. તો ગુજરાત ખેત ઉત્પાદન સુધારા વિધેયક અને OBC અનામત સંબંધિત સુધારા વિધેયક પણ રજૂ થવાના છે.

આ કાર્યક્રમમાં ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના સાંસદ, ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને સંઘના હોદ્દેદારો પણ ઉપસ્થિત છે. રાજ્યના શિક્ષણવિદો, સામાજિક અગ્રણીઓ અને અર્થશાસ્ત્રીઓ પણ હાજર છે.

 

 

 

 

 

 

 

મશહૂર કોમેડિયન સતીન્દર ખોસલા ‘બિરબલ’નું નિધન

નવી દિલ્હીઃ પ્રસિદ્ધ એક્ટર કોમેડિયન સતીન્દર કુમાર ખોસલા ‘બિરબલ’નું નિધન થયું છે. તેઓ 84 વર્ષના હતા. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા. તેમનું નિધન હાર્ટએટેકને કારણે થયું હતું. તેમના નિધનથી ફિલ્મજગતમાં શોક વ્યાપ્યો છે. તેમણે અનેક ફિલ્મોમાં દર્શકોને હસાવ્યા હતા.

તેમનું મૂળ નામ સતીન્દર કુમાર ખોસલા છે. અનીતા ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેતા મનોજ કુમાર અને નિર્દેશક રાજ ખોસલાને તેમનું નામ નોન-ફિલ્મી લાગ્યું. તેમણે સતીન્દરકુમાર ખોસલાને બિરબલ નામ આપ્યું હતું.

વી શાંતારામની ફિલ્મ ‘બૂંદ જો બન ગયી મોતી’એ તેમની કારકિર્દીને નવી ઓળખ આપી હતી. તેમણે મનોજ કુમાર સાથે રોટી કપડા ઔર મકાન, ક્રાંતિ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ સિવાય ફિલ્મ રિક્વેસ્ટમાં તેમનો ડ્રગ એડિક્ટનો રોલ પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

બિરબલે મનોજ કુમારની ફિલ્મ ઉપકારથી ડેબ્યુ કર્યું હતું. તેમણે હિન્દી, મરાઠી અને ભોજપુરીમાં ‘અમીર ગરીબ’, ‘શોલે’, ‘નસીબ’, ‘યારાના’, ‘રાસ્તે કા પથ્થર’, ‘સુન મેરી લૈલા’, ‘અનીતા’, ‘ઇન્સાન’, ‘એક મહેલ કા સપના હો’, ‘મોહબ્બત કી આરઝૂ’, ‘બૈદક’, ‘છોરી મેરા કામ’, ‘ઇમાનદાર’, ‘દો બદન’ અને ‘પાગલ કહીં કા’ વગેરે જેવી 500થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.

સતીન્દરનો જન્મ 28 ઓક્ટોબર 1988એ થયો હતો. વર્સેટાઇલ એક્ટરને મુખ્યત્વે કોમિક રોલ્સ માટે ઓળખવામાં આવતા હતાં. તેમનું સ્ટેજ નામ બિરબલ હતું અને આ જ નામે લોકો તેને ફિલ્મી દુનિયામાં પણ ઓળખતા હતાં.

 

 

 

 

કોરાનાના 45 નવા કેસો, એકનું મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 45 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,97,825 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,028 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,65,352 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 64 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 537 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 29,335 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.50 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,69,301 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 159 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

રાજસ્થાનમાં ભયાનક અકસ્માતમાં ભાવનગરનાં 11 જણનાં કરૂણ મરણ

ભરતપુરઃ રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં જયપુર-આગરા હાઈવે પર આજે વહેલી સવારે લગભગ 5.30 વાગ્યાના સુમારે થયેલા ભયાનક અકસ્માતમાં 11 જણના જાન ગયા છે અને બીજાં 12 જણ ગંભીર રીતે ઘાયલ થયાં છે. એક ટ્રેલર ટ્રકે એક બસને ટક્કર મારતાં મોતનું તાંડવ સર્જાયું. ભોગ બનેલાં લોકો ગુજરાતના ભાવનગરનાં રહેવાસીઓ હોવાનો અહેવાલ છે. બસ ભાવનગરની ખાનગી ટ્રાવેલ કંપનીની હતી. ટ્રેલર-બસની અથડામણ એટલી બધી ભયંકર હતી કે બંને વાહનનાં ફૂરચાં ઉડી ગયા હતા. અહેવાલો અનુસાર, બસ હાઈવે પર ઊભી હતી ત્યારે ટ્રેલર-ટ્રકે એને પાછળથી જોરદાર રીતે ટક્કર મારી હતી.

અહેવાલો અનુસાર, ગુજરાતના ભાવનગરમાં રહેતાં લોકો બસમાં સવાર થયાં હતાં જેઓ ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવન તરફ જતાં હતાં. ઘાયલ થયેલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. એમાંના કેટલાકની હાલત ગંભીર છે અને મરણાંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અકસ્માતના સ્થળના ભયંકર દ્રશ્યોની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર જોવા મળી રહ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ, બસમાં કોઈક ટેક્નિકલ ખામી જણાતાં ડ્રાઈવરે બસને રસ્તાની બાજુએ ઊભી રાખી હતી અને ડ્રાઈવર તથા બીજાં કેટલાંક લોકો નીચે ઉતર્યાં હતાં. એવામાં ધસમસતી આવેલી ટ્રક એમની સાથે અથડાઈ હતી. રસ્તા પર ઉતરેલા લોકોને કચડી નાખ્યા હતા. બસમાં કુલ 57 જણ હતાં. તેઓ ગઈ કાલે રાતે પુષ્કરથી મથુરા જવા રવાના થયા હતા.

મૃતકોમાં અંતુભાઈ ગયાની, નંદરામભાઈ ગયાની, લાલુભાઈ ગાની, ભરતભાઈ, લાલજીભાઈ, અંબાબેન, કંકુબેન, રામુબેન, મધુબેન ડાગી, અંજુબેન, મધુબેન ચુડાસમાનો સમાવેશ થાય છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અકસ્માત અંગે દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે.