મુંબઈઃ અમેરિકામાં વ્યાજદરમાં હજી પણ વધારો કરવામાં આવી શકે છે અને મેક્રોઈકોનોમિક સ્થિતિ નબળી છે એવા વાતાવરણમાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. દરમિયાન, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.15 ટકા (52 પોઇન્ટ) વધીને 34,286 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,234 ખૂલ્યા બાદ 34,710ની ઉપલી અને 33,759ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો.
બ્લોકચેઇન ક્ષેત્રને લગતા અગત્યના સમાચાર છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આગામી ક્રિકેટ વિશ્વ કપ માટે બ્લોકચેઇન આધારિત એપ લોન્ચ કરવા માગે છે. બ્લોકચેઇન અને વેબ3 ટેક્નોલોજી વાસ્તવિક જીવનમાં કેટલી ઉપયોગી થાય છે એ દર્શાવવાનો એની પાછળનો ઉદ્દેશ્ય છે.
ઇન્ડેક્સના મોટાભાગના ઘટક કોઇનમાં વધારો થયો હતો. એમાંથી ચેઇનલિંકમાં સૌથી વધુ એટલે કે 4.34 ટકા વૃદ્ધિ થઈ હતી. ઈથેરિયમ, અવાલાંશ, બિટકોઇન અને પોલીગોનમાં પણ વધારો થયો હતો.
બીજી બાજુ, બિટકોઇન ઈટીએફની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન ફ્રેન્કલિન ટેમ્પલ્ટન અને હેશડેક્સની ક્રીપ્ટો ઈટીએફ લોન્ચ કરવા માટેની અરજી વિશે વિચારણા કરી રહ્યું છે. હોંગકોંગના સિક્યોરિટીઝ એન્ડ ફ્યુચર્સ કમિશનના અધિકારીએ જણાવ્યા મુજબ કમિશન અધિકૃત ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સના ટોકનાઇઝેશન માટેની માર્ગદર્શિકા જાહેર કરવાનું છે.
મુંબઈ તા. 28 સપ્ટેમ્બર, 2023: દેશના અગ્રણી સ્ટોક એક્સચેન્જ એનએસઈમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા આઠ કરોડને વટાવી ગઈ છે.એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને કહ્યું કે અમૃતકાલ માટેના વિઝનની રૂપરેખામાં ટેકનોલોજી અને જ્ઞાનમંડિત અર્થતંત્રનો સમાવેશ છે, જેની સાથે મજબૂત નાણાકીય ક્ષેત્રની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ટેકનોલોજીએ રોકાણ સંબંધિત જાણકારી પ્રાપ્ત કરવાનું અને રોકાણ કરવાનું આસાન બનાવ્યું છે. દેશના ઈક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં સ્થાનિક રોકાણકારોની વધેલી સામેલગીરી દેશના અર્થતંત્ર પર દૂરગામી અસર કરશે.
માત્ર આઠ મહિના પૂર્વે રોકાણકારોની સંખ્યા સાત કરોડ પરથી વધીને આઠ કરોડ થઈ છે અને નોંધાયેલા ક્લાયન્ટ્સ કોડ એકાઉન્ટ્સની સંખ્યા 14.9 કરોડ વટાવી ગઈ છે.
પાન આધારિત નવાં એક કરોડ ખાતાં માત્ર ટોચનાં શહેરો પૂરતાં સીમિત રહ્યાં નથી. જે નવાં રજિસ્ટ્રેશન થયાં છે તેમાં ટોચનાં 100 શહેરોમાં થયેલાં રજિસ્ટ્રેશનનો 45 ટકા હિસ્સો છે. ઉત્તર ભારતાં રાજ્યોનાં હિસ્સો 43 ટકા, પશ્ચિમનાં રાજ્યોનો 27 ટકા, દક્ષિણનાં રાજ્યોનો 17 ટકા અને પૂર્વનાં રાજ્યોનો હિસ્સો 13 ટકાનો રહ્યો છે. જે ટોચનાં શહેરો છે, તેમાં દિલ્હી (રાજધાની ક્ષેત્ર સહિત)નો હિસ્સો 7 ટકા, મુંબઈ (થાણે, રાયગઢ સહિત)નો 4.6 ટકા અને પુણેનો 1.7 ટકા રહ્યો છે.
બજારના સહભાગીઓમાં થયેલો આ વધારો શેરબજારમાં થયેલી વૃદ્ધિનું પરિણામ છે. નિફ્ટી 50 ઈન્ડેક્સે છેલ્લાં ત્રણ વર્ષમાં વાર્ષિક ધોરણે 22.6 ટકાનું વળતર અને નિફ્ટી 500 ઈન્ડેક્સે 24.89 ટકા પૂરું પાડ્યુ છે, જે લાંબા ગાળાની વૃદ્ધિને દર્શાવે છે અને આ વૃદ્ધિ થોડીક સ્ક્રિપ્સ પૂરતી સીમિત નથી એટલે કે બ્રોડ બેઝ્ડ છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં જ 76 નવા રોકાણકારો નોંધાયા હતા. નાણાકીય વર્ષ 2023માં 1.3 કરોડ, 2022માં 1.9 કરોડ અને 2021માં 90 લાખ રોકાણકારો નોંધાયા હતા.
આઠ કરોડ પાન આધારિત રોકાણકારો એટલે કે દેશના આશરે પાંચ કરોડ કુટુંબો દેશના અગ્રણી એક્સચેન્જ એનએસઈના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક મારફત રોકાણ કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ વૈશ્વિક બજારોમાં નરમ વલણ અને સપ્ટેમ્બર એફ એન્ડ ઓ કોન્ટ્રેક્ટના છેલ્લા દિવસે સ્થાનિક શેરબજારોમાં વેચવાલી થઈ હતી. વળી, ક્રૂડની કિંમતોમાં પણ વધારો થયો હતો. જેથી સેન્સેક્સ 610 પોઇન્ટ અને નિફ્ટી 19,530ની નીચે બંધ થયો હતો. જેને પગલે રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 2.40 લાખ કરોડનો ઘટાડો થયો હતો. બજારમાં કેપિટલ ગુડ્સ સિવાયના BSEના બધા સેક્ટોરલ ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. સૌથી વધુ વેચવાલી IT, FMCG, કોમોડિટી, ઓટો અને મેટલ શેરોમાં થઈ હતી.
બજારમાં સપ્ટેમ્બર એક્સપાયરીના દિવસે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 610 પોઇન્ટ ઘટીને 65,506 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 193 પોઇન્ટ તૂટીને 19,524 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી બેન્ક 287 પોઇન્ટ ઘટીને 44,301, મિડકેપ 537 પોઇન્ટ તૂટીને 40,104 બંધ થયા હતા. નિફ્ટીના 50માંથી 44 શેરો ઘટીને બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સના 30માંથી 24 શેરો નરમ બંધ રહ્યા હતા.
રોકાણકારોના 2.40 લાખ કરોડ ડૂબ્યા
BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 317.21 લાખ કરોડ પર આવી ગયું હતું. જે ગઈ કાલે રૂ. 319.61 કરોડ હતું. આમ BSE પર માર્કેટ કેપમાં આશરે રૂ. 2.40 લાખ કરોડનો ઘટ્યું હતું.
એક્સચેન્જ પર 3790 શેરોમાં ટ્રેડિંગ થયાં હતાં. એમાંથી 1622 વધીને બંધ થયા હતા, જ્યારે 2039 શેરો ઘટીને બંધ થયા હતા. આ સાથે 129 શેરો સ્થિર રહ્યા હતા, જ્યેર 202 શેરોએ 53 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 24 શેરો 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.
મુંબઈઃ ‘શ્રી કાંદિવલી હિતવર્ધક મંડળ હોસ્પિટલે સમાજના નબળા વર્ગને પણ પરવડી શકે એવી કિંમતે ગુણવત્તાસભર તબીબી સારવાર મળી શકે એ દિશામાં કામ કરીને પોતાની માનવસેવા માટેની પ્રતિબધ્ધતા દાખવી છે અને આ ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ એ દિશામાં એક મહત્વનું પગલું છે.’ આ શબ્દો સૂચક હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. અનિલ સૂચકે ગત્ ૨૬મી સપ્ટેમ્બરે અત્રેની શ્રી કાંદિવલી હિતવર્ધક મંડળ સંસ્થાની કેએચએમ હોસ્પિટલમાં સ્ટેટ ઑફ ધ આર્ટ મોડ્યૂલર ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સના ઉદઘાટન સમારંભમાં કહ્યા હતા.
ડૉ. અનિલ સૂચક, ડૉ. અગમ વોરા, દાતાઓ શ્રી અને શ્રીમતી લછમનદાસ હેમનદાસ ગોધિયા, હિતવર્ધક મંડળના પ્રેસિડન્ટ સતિશભાઇ દત્તાણી, વાઈસ પ્રેસિડન્ટ રજનીભાઈ ઘેલાણી, મેનેજિંગ ટ્રસ્ટી વિનોદભાઈ વોરા તથા ઓનરરી ટ્રેઝરર અનંતરાય મહેતાએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આખા કાર્યક્રમનું સંચાલન ડૉ. ઉમેશ ખન્ના અને ડૉ. નીતા સિંગીએ કર્યું હતું. સંસદસભ્ય ગોપાલ શેટ્ટી હાજર ન રહી શકવાથી તેમના પ્રતિનિધિએ એમનો શુભેચ્છા પત્ર કાર્યક્રમ દરમિયાન સુપરત કર્યો હતો.
લછમનદાસ હેમનદાસ ગોધિયા, સૂચક હોસ્પિટલના સીઈઓ ડૉ. અનિલ સૂચક, ચેસ્ટ ફિઝિશિયન ડૉ. અગમ વોરા, કેન્સર સર્જન ડૉ. અમીષ પટેલ, ઑપ્થેલ્મીક સર્જન ડૉ. અતુલ પરીખ, નેફ્રોલૉજીસ્ટ ડૉ. ઉમેશ ખન્ના, આર્કિટેક્ટ સંજય શાહ મંચ પર ઉપસ્થિત હતા. હિતવર્ધકના ઓનરરી સેક્રેટરી પંકજ શાહે અંતમાં આભારવિધિ કરી હતી. ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક દિનકરભાઈ જોશી, કે.એચ.એમ.ના ભૂતપૂર્વ સેક્રેટરી રમણભાઈ શાહ તથા કેઈએસનાં હોદ્દેદારો મહેશભાઇ ચંદારાણા, મહેશભાઇ શાહ તથા ભરતભાઇ દત્તાણી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
મોડ્યૂલર થિયેટર કોમ્પ્લેકસની ખાસિયત:
દીપ પ્રાગટ્ય બાદ આ ઓપરેશન થિયેટર કોમ્પ્લેકસ લોકો માટે ખુલ્લુ મુકાયું હતું. આ મોડ્યૂલર થિયેટર કોમ્પ્લેકસ NABH (નેશનલ એફિલીએશન બોર્ડ ફૉર હોસ્પિટલ્સ)ની ગાઈડલાઈન પ્રમાણે બનાવવામાં આવ્યું છે. આ થિયેટર કોમ્પ્લેક્સમાં પાંચ અલગ-અલગ ઓપરેશન થિયટર્સ છે, જેમાંથી બે આંખની સર્જરી માટેનાં ખાસ છે. બાકીના થિયેટર્સમાં બધા જ પ્રકારની સર્જરી થઈ શકશે. આ બધા જ થિયેટર્સ લેમિનાર એરફ્લો ટેકનિક ધરાવે છે જેનાથી ઓપરેશન થિયેટરમાં 100% સ્ટરાઈલ હવા આવે છે. આ ઓપરેશન થિયેટર ખૂબ જ મોંઘા કોરિયન મટીરિયલથી બનાવવામાં આવ્યું છે. જેને લીધે તેમાં સોલીડ મિનરલ સરફેસ શક્ય બની છે, જેની ખાસિયત એ છે કે કોઈ પણ માઈક્રો ઓર્ગેનિઝમ તેની ઉપર ચીટકી શકે તેમ નથી જેથી ઈન્ફેક્શન થવાનો કોઈ ભય રહેતો નથી.
લાજવંતીબેન મણિલાલ ગોંધિયા ટ્રસ્ટ તરફથી આ ઓપરેશન થિયેટર માટે ઘણું મોટું અનુદાન મળ્યું છે. તબીબી, શિક્ષણ તથા અન્ય સામાજિક જરૂરિયાતો માટે આ ટ્રસ્ટ કાર્યરત છે. “શ્રેષ્ઠ તબીબી સારવાર એ દરેકનો મૂળભૂત અધિકાર છે. નીચલા મધ્યમ વર્ગનાં લોકોને પણ શ્રેષ્ઠ સારવાર મળી શકે એ માટે કાંદિવલીના શ્રી હિતવર્ધક મંડળ હોસ્પિટલે અથાગ પ્રયત્નો કરીને આટલી ઊંચી કક્ષાની તબીબી સારવાર ઊભી કરી છે એ બહુ જ આનંદની વાત છે”, એવું આ ટ્રસ્ટના ચેરમેન ગોધિયાએ કહ્યું હતું.
શ્રી કાંદિવલી હિતવર્ધક મંડળની ગૌરવપૂર્ણ યાત્રા:
શ્રી કાંદિવલી હિતવર્ધક મંડળ એક ચેરિટેબલ ટ્રસ્ટ છે જે પશ્ચિમી પરામાં લોકોની સેવામાં છેક ૧૯૩૪થી કાર્યરત છે. સમાજના નબળા વર્ગને એમની જાતિ, ધર્મ, ભાષા વગેરે જેવા કોઈ પણ ભેદભાવ વગર મદદ કરી શકાય અને તેમની સેવા કરી શકાય એ ધ્યેયથી આ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. આટલા વર્ષના ગાળામાં માનવસેવાની આ નાની શરુઆતે આજે ખૂબ મોટી હરણફાળ ભરી છે. આજે રાઉન્ડ ધ ક્લોક અહીં ૪૮ બેડની મલ્ટીસપેશિયાલિટી હોસ્પિટલ ચાલે છે જે ટૂંક સમયમાં ૧૦૦ બેડની થવા જઈ રહી છે. અહીં આઈસીયુ, ડાયગ્નોસ્ટિક તથા ડાયાલીસીસ માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અહીં ખૂબ જ વ્યાજબી ભાવે ગુણવત્તાસભર તબીબી સેવાઓ આપવામાં આવે છે. વાર્ષિક ૩.૨૫ લાખથી ૩.૫ લાખ દર્દીઓને અહીં વિવિધ તબીબી તકલીફો માટે સારવાર મળે છે. અહીં લગભગ ૧૨૦ જેટલા ડોક્ટર્સ સેવા આપે છે તેમ જ લગભગ ૨૫૦ વ્યક્તિઓનો સ્ટાફ છે. દર વર્ષે ૧૪ થી ૧૫ હજાર જેટલા ડાયાલીસીસ અહીં કરવામાં આવે છે. વાર્ષિક ૩૦૦૦ જેટલા મોતીબિંદુના તથા ૫૦૦ જેટલી રેટિના સર્જરી કરવામાં આવે છે. અન્ય સર્જરીઓમાં ઈએનટી, ગાયનેક, ઓર્થો, યુરોલઓજી તથા વેસકયુલર સંબંધિત સર્જરીઓ પણ અહીં કરવામાં આવે છે.
ઑપ્થેલ્મીક સર્જન ડૉ. અતુલ પરીખ, નેફ્રોલૉજીસ્ટ ડૉ. ઉમેશ ખન્ના, ઈએનટી સર્જન ડૉ. ભરત જોબનપુત્રા, આઈ સર્જન ડૉ. નીતિન મલ્કાણ આ ચારે ડોક્ટર હિતવર્ધક હોસ્પિટલ સાથે લગભગ ૩૦-૩૫ વર્ષથી જોડાયેલા છે. તેઓ મેડિકલી એડવાઈઝરી બોર્ડના ભાગ છે.
હિતવર્ધક હોસ્પિટલની ભવિષ્યની યોજનાઓ:
રોટરી ક્લબ કાંદિવલી વેસ્ટ તરફથી ઑક્ટોબર ૨૦૨૩માં અહીં સીટી સ્કેન મશીન લગાવવામાં આવશે. ટૂંક સમયમાં ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજી તથા કાર્ડિયાક સર્જરી ડિપાર્ટમેન્ટ પણ શરૂ થશે. ૧૦૦ બેડની સુવિધા શરૂ થશે ત્યારબાદ ઓન્કૉલૉજી તેમજ નેફ્રોલૉજી વોર્ડ પણ શરૂ કરવામાં આવશે. ઑપથેલ્મોલૉજી અને નેફ્રોલૉજીમાં ડીએનબી પોસ્ટ ગ્રેજ્યુએટ એફિલીએશન પ્રોગ્રામ પણ અહીં શરૂ કરવાની કોશિશ ચાલુ છે.
ભાદરવી પૂનમ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મેળો જામ્યો છે.
શક્તિ પીઠોમાંની એક અંબાજી શક્તિપીઠ તરફ અત્યારે યાત્રાળુઓનો ભારે ધસારો છે.
ગુજરાતનાં નાનાં-મોટાં ગામડાં શહેર અને બહારના ભક્તો પણ પગપાળા ચાલીને અંબાજી તરફ જઈ રહ્યા છે.
પગપાળા જતા સંઘ અને અંબાજી તરફ જતા ભક્તો માટે સમગ્ર માર્ગ પર સેવાભાવી સંસ્થાઓ, સંગઠનો દ્વારા અનેક પ્રકારની સેવાઓ કરવામાં આવી રહી છે.
અંબાજી તરફ જતા માર્ગો પર ભક્તો માટે પાણી,ચા, છાશ, નાસ્તો, ભોજનની સાથે આરામ કરવા વ્યવસ્થા કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળાના આયોજનના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ માર્ગો પર જુદી-જુદી વ્યવસ્થા કરવામાં આવી છે.
અંબાજી મંદિરનું પ્રાંગણ ગબ્બર તરફના તમામ માર્ગોને શણગારવામાં આવ્યા છે.
સમગ્ર અંબાજી નગર ‘બોલ માડી અંબે, જય જય અંબે’ ના નાદથી ગુંજી રહ્યું છે.
વર્ષો થી જતા અમદાવાદના વ્યાસ વાડીના પગપાળા સંઘ, લાલ ડંડા વાળા સંઘ જેવા અનેક સંઘો અંબાજીને ધજા ચઢાવે છે. ઠેર-ઠેર ધજાઓ સાથે પગપાળા સંઘો જોવા મળી રહ્યા છે.
મુંબઈઃ છ મહિનાથી નોકરી ન મળવાથી હતાશ થઈ ગયેલા અહીંના મલાડ ઉપનગરના એક યુવકે પોતાનું જીવન ટૂંકાવી દેવાનું નક્કી કર્યું હતું. મરી જવા માટેનો આસાન માર્ગ શોધવા માટે એણે ગૂગલ પર સર્ચ કર્યું હતું. દરમિયાન, ગૂગલ પર ધ્યાન રાખનાર ઈન્ટરપોલ (ઈન્ટરનેશનલ પોલીસ – ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન) સંસ્થાના અધિકારીઓએ તરત જ મુંબઈ પોલીસને આની જાણ કરી હતી.
મુંબઈ પોલીસે ત્વરિત પગલું ભર્યું હતું. તેના જવાનોએ બે કલાકમાં જ યુવકને શોધી કાઢ્યો હતો અને તેને સમજાવીને એને આત્મહત્યા કરતો રોકી દીધો હતો. તે યુવક 28 વર્ષનો છે. મુંબઈ પોલીસને ગયા મંગળવારે બપોરે ઈન્ટરપોલ તરફથી ઈમેલ આવ્યો હતો. એમાં ઈન્ટરપોલે જ પોલીસને તે યુવકનો મોબાઈલ ફોન નંબર, એના રહેવાના ઠેકાણાની વિગત આપી હતી તથા જણાવ્યું હતું કે એ આત્મહત્યા કરવાના પ્રયાસમાં છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નાયબ કમિશનર લખમી ગૌતમે તે ઈમેલ પર તત્કાળ ધ્યાન આપ્યું હતું અને બે કલાકમાં જ એ યુવકને શોધી કાઢ્યો હતો. તે મલાડમાં એક ભાડાના ઘરમાં રહેતો હતો. તેઓ એને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.
ત્યાં એમણે તેની પૂછપરછ કરી હતી. ત્યારે યુવકે કબૂલ કર્યું હતું કે તે આત્મહત્યા કરવા માગતો હતો અને તે માટેના આસાન રસ્તા વિશે એણે ગૂગલ પર સર્ચ કર્યું હતું. પોતે શા માટે આત્મહત્યા કરવા માગતો હતો એનું કારણ પણ એણે પોલીસોને જણાવ્યું હતું. આ યુવક મૂળ રાજસ્થાનનો છે. તે નોકરી માટે ત્રણ વર્ષ પહેલાં મુંબઈ આવ્યો હતો. એણે કોલેજમાં પરીક્ષા પણ આપી હતી અને એમાં પાસ પણ થયો હતો. એણે કમ્પ્યુટરમાં ડિપ્લોમા કોર્સ પણ પૂરો કર્યો હતો. એ પછી મીરા રોડમાં એને એક રિયલ એસ્ટેટ ઓફિસમાં નોકરી મળી હતી, પરંતુ છ મહિના પહેલાં એણે તે નોકરી ગુમાવી હતી. એ પછી નોકરી ન મળતાં એ હતાશ થઈ ગયો હતો.
ઓટ્ટાવાઃ ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુન ધાર્મિક આધારે ભારતને વિભાજિત કરવા ધારે છે. જોકે ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા ટેન્શન વચ્ચે કેનેડિયન યુટ્યુબરે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ભારતને વિભાજિત કરવાના એજન્ડા સામે ચેતવણી ઉચ્ચારી છે. યુટ્યુબરે ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુની આકરી ઝાટકણી કાઢી હતી.
કેનેડિયન યુટ્યુબર નેન્સી ગરેવાલે પન્નુને તેના ત્રણ મિનિટના વિડિયોમાં પાકિસ્તાન ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)નો એજન્ટ ગણાવ્યો હતો. આ ઉપરાંત તેણે તેને પાખંડી ગણાવ્યો હતો. પન્નુ- દરેક જણ તારી હેસિયત જાણે છે. તું પંજાબમાં રહેતો નથી. તું ઇચ્છતો નથી કે તારું ફેમિલી પણ ત્યાં રહે. તારો ઇરાદો માત્ર ભારતને તોડવાનો છો, – જે અમે જાણીએ છીએ. જો તારામાં હિંમત હોય તો તું ભારત આવ અને તારી માગ મૂક, એમ તેણે કહ્યું હતું.
ગરેવાલે આક્ષેપ કર્યો હતો કે પન્નુન અમેરિકા અને કેનેડામાં લક્ઝરી વિલા ધરાવે છે. જે તેણે મળેલા ફંડમાંથી ઊભું કર્યું છે. તેણે સવાલ કર્યો હતો કે પન્નુન શું કામ પંજાબમાં મૂડીરોકાણ નથી કરતો. તેણે ટ્રુડોને સંબોધિત કરતાં કહ્યું હતું કે શું તમે કેનેડામાં ખાલિસ્તાન બનાવવા ધારો છો? તમે ભારતને વિભાજન કરવાના એજન્ડાને પ્રોત્સાહન આપવાનું બંધ કરો, એમ તેણે કહ્યું હતું.
ગુરુપતવંત સિંહ પન્નુન કેનેડામાં રહીને ખાલિસ્તાની ચળવળ ચલાવતો એક નેતા છે, જે શીખ ફોર જસ્ટિસ માટે કામ કરી રહ્યો છે. પન્નુને ભારતને તોડવાની જવાબદારી લીધી છે.
તિરુવનંતપુરમઃ પાંચ ઓક્ટોબરથી અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધાનો આરંભ થઈ રહ્યો છે. તેમાંની એક ટીમ, દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કેગિસો રબાડાનું માનવું છે કે એની ટીમ પણ સ્પર્ધા જીતી શકે છે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકા હજી સુધી એકેય વાર ODI વર્લ્ડ કપ સ્પર્ધા જીતી શક્યું નથી. એની પાસે અનેક સ્ટાર ખેલાડીઓ છે તે છતાં એને વિજેતાપદ હાથતાળી આપતું રહ્યું છે. દક્ષિણ આફ્રિકાની ટીમ અત્યાર સુધીમાં ચાર વર્લ્ડ કપમાં સેમી ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ એકેય સ્પર્ધામાં ફાઈનલમાં પહોંચી શકી નથી, પણ રબાડાનું કહેવું છે કે આ વખતે એવા ધરખમ ખેલાડીઓ છે જે ઈતિહાસ સર્જી શકે છે.
ટેમ્બા બવૂમાના નેતૃત્ત્વ પદ હેઠળની દક્ષિણ આફ્રિકા ટીમ આવતીકાલે અહીં અફઘાનિસ્તાન સામે વોર્મ-અપ મેચ રમશે. બીજી વોર્મ-અપ મેચ આવતા સોમવારે તિરુવનંતપુરમમાં જ ન્યૂઝીલેન્ડ સામે રમશે. તે પછી 7 ઓક્ટોબરે નવી દિલ્હીમાં શ્રીલંકા સામે પહેલી વર્લ્ડ કપ મેચ રમશે.
હાલમાં જ દક્ષિણ આફ્રિકા ટીમે ઓસ્ટ્રેલિયાને દ્વિપક્ષીય વન-ડે સીરિઝમાં 3-2થી પરાજય આપ્યો હતો અને મેન્સ ODI ટીમ રેન્કિંગ્સમાં ચોથા ક્રમે આવી છે. તેથી વર્લ્ડ કપ-2023 જીતવાનો તેનો આત્મવિશ્વાસ વધ્યો છે. 2019માં ઈંગ્લેન્ડની વર્લ્ડ કપમાં રમેલી દક્ષિણ આફ્રિકા ટીમના 8 ખેલાડીઓ આ વખતની સ્પર્ધામાં રમશે, જેમાંનો એક રબાડા છે.
મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્ક તરફથી જણાવ્યા મુજબ, ભારતનું વિદેશી ઋણ જૂન, 2023ના અંતે સહેજ વધીને 629.1 અબજ ડોલર થયું હતું.
આ ઋણ માર્ચ મહિનાને અંતે 624.3 અબજ ડોલર હતું. આમ તેમાં 4.7 અબજ ડોલરનો વધારો થયો છે. યૂએસ ડોલર તથા યેન જેવી અન્ય મોટી કરન્સીઓના મૂલ્યમાં આવેલા ઉછાળાને પગલે ભારતનું વિદેશી ઋણ વધી ગયું છે. ભારતના વિદેશી ઋણમાં યૂએસ ડોલરના મૂલ્યનું વર્ચસ્વ રહ્યું છે. તે કુલ ઋણમાં 54.4 ટકાનો હિસ્સો ધરાવે છે. તે પછીના ક્રમે આવે છે ભારતીય રૂપિયા (30.4 ટકા), એસડીઆર (5.9 ટકા), યેન (5.7 ટકા) અને યૂરો (3.0 ટકા). એસડીઆર એટલે સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ કોઈ કરન્સી નથી. તે આઈએમએફ સંસ્થાએ રચેલી એક ઈન્ટરનેશનલ રિઝર્વ એસેટ છે. તેનું મૂલ્ય દુનિયાના પાંચ મોટા ચલણોના એકત્રિત મૂલ્યના આધારે નક્કી કરાય છે.