Home Blog Page 2393

NCERT પુસ્તકોમાં હવે INDIAને બદલે ભારત લખાશે, પેનલની દરખાસ્ત મંજૂર

હવે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે NCERTના પુસ્તકોમાં INDIA ને બદલે ભારત લખવામાં આવશે. NCERT એ પુસ્તકોમાં જરૂરી ફેરફારો અંગે પેનલના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પેનલના સભ્યોમાંથી એકે જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવ થોડા મહિના પહેલા મુકવામાં આવ્યો હતો અને હવે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. NCERT પેનલની ભલામણ એવા સમયે કરવામાં આવી છે જ્યારે રાજકીય વર્તુળોમાં INDIA નું નામ બદલીને ભારત કરવાની અફવાઓ સાંભળવા મળી રહી છે. INDIA નું નામ બદલીને ભારત કરવાની અફવા ગયા મહિને સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી જ્યારે G20 ઈવેન્ટ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિના નામે મોકલવામાં આવેલા આમંત્રણ પત્રમાં ‘પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા’ને બદલે ‘ પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખવામાં આવ્યું હતું.

INDIA અને ભારત વિશે બંધારણ શું કહે છે?

INDIA નું નામ ભારત રાખવું જોઈએ કે નહીં અથવા શા માટે એવું હોવું જોઈએ તેની ચર્ચા વચ્ચે ભારતનું બંધારણ શું કહે છે? બંધારણના અનુચ્છેદ 1(1)માં આપણા દેશનું નામ ‘INDIA એટલે કે ભારત જે રાજ્યોનું સંઘ હશે’ એવું જણાવવામાં આવ્યું છે. અગાઉ સપ્ટેમ્બરમાં આ ચર્ચાને વધુ વેગ મળ્યો હતો જ્યારે G20 મીટિંગ દરમિયાન PM મોદીએ રાઉન્ડ ટેબલમાં તેમના નામની આગળ ભારત લખેલું હતું.

જોકે, આ અંગે પૂછવામાં આવતા ભારત સરકાર તરફથી કોઈએ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. આ પહેલા રાષ્ટ્રીય સેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે INDIA નામ પશ્ચિમના શાસકોએ આપ્યું છે. તમામ ભારતીયોએ ભારત નામનો જ ઉપયોગ કરવો જોઈએ કારણ કે પ્રાચીન સમયથી આ દેશનું નામ ભારત છે.

શેર માર્કેટમાં સતત 5માં દિવસે ઘટાડો, રોકાણકારોએ ₹14.60 લાખ કરોડ ગુમાવ્યા

બુધવારે શેરબજારમાં સતત 5માં દિવસે ઘટાડો નોંધાયો હતો. નબળા વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય બજાર સૂચકાંકો ઘટ્યા હતા. BSE સેન્સેક્સ 522 પોઈન્ટ ઘટીને 64,049 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 159 પોઈન્ટ ઘટીને 19,122 પર છે.

કયા ક્ષેત્રોમાં સૌથી વધુ વેચાણ થાય છે?

આઇટી, ફાઇનાન્શિયલ અને ફાર્મા સેક્ટર માર્કેટ ઘટાડામાં મોખરે હતા. નિફ્ટીનો ટોપ લૂઝર અપોલો હોસ્પિટલનો શેર હતો, જે 2.4% ઘટીને બંધ રહ્યો હતો.આ પહેલા સોમવારે ભારતીય બજારમાં સતત ચોથા દિવસે વેચવાલી નોંધાઈ હતી. BSE સેન્સેક્સ 825 પોઈન્ટ ઘટીને 64,571 પર બંધ રહ્યો હતો.

રોકાણકારોને મોટું નુકસાન

શેરબજારમાં સતત 5માં દિવસે ઘટાડાને કારણે રોકાણકારોને લગભગ 15 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કારણ કે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. 309.32 લાખ કરોડ થયું હતું, જે 17 ઓક્ટોબરે બજાર બંધ થયા પછી રૂ. 323.87 લાખ કરોડ હતું.

વિધાનસભાઓની ચૂંટણી પૂર્વે એક્ટર રાજકુમાર રાવ નિમાયો ચૂંટણી પંચનો ‘રાષ્ટ્રીય આઈકન’

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવને ટૂંક સમયમાં જ ભારતના ચૂંટણી પંચના રાષ્ટ્રીય આઈકન તરીકે નિયુક્ત કરવામાં આવનાર છે. વિધિવત્ જાહેરાત આવતીકાલે કરવામાં આવશે. પાંચ રાજ્યોમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવનાર છે તે પૂર્વે ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે એક નોટિફિકેશ દ્વારા જણાવ્યું છે કે ગુરુવારે એક ઔપચારિક કાર્યક્રમનું આયોજન કવરામાં આવશે અને એમાં રાજકુમારને ચૂંટણી પંચના રાષ્ટ્રીય આઈકન તરીકે ઘોષિત કરવામાં આવશે. નાગરિકોને એમનો મતાધિકાર હાંસલ કરવા અને ચૂંટણી દરમિયાન એમના આદર્શ ઉમેદવારને ચૂંટવા માટે પ્રોત્સાહિત કરવાના પ્રયાસ રૂપે ચૂંટણી પંચે રાજકુમાર રાવને નિયુક્ત કર્યો છે.

નવેમ્બરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મિઝોરમમાં 7 નવેમ્બરે, છત્તીસગઢમાં 7 નવેમ્બર અને 17 નવેમ્બર એમ બે તબક્કામાં, મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બરે, રાજસ્થાનમાં 23 નવેમ્બરે અને તેલંગણામાં 30 નવેમ્બરે મતદાન યોજાશે.

રાજકુમાર નવી અનેક ફિલ્મોમાં અભિનય કરી રહ્યો છે. એની નવી ફિલ્મ આવી રહી છે ‘મિસ્ટર એન્ડ મિસીસ માહી’. એમાં તેની હિરોઈન છે જ્હાન્વી કપૂર. ફિલ્મમાં બંને જણ ક્રિકેટરની ભૂમિકા ભજવી રહ્યાં છે. રાજકુમાર આ ઉપરાંત ઉદ્યોગપતિ શ્રીકાંત બોલ્લાના જીવન પર આધારિત હિન્દી ફિલ્મ ‘શ્રી’માં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. એમાં અલાયા એફ, જ્યોતિકા અને શરદ કેળકર છે.

પંડ્યા હજી એકદમ સાજો થયો નથી; વર્લ્ડકપની વધુ મેચો ગુમાવશે

બેંગલુરુઃ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ગયા અઠવાડિયે એક મેચ દરમિયાન બોલ અટકાવવા જતાં ઘૂંટણમાં થયેલી ઈજા હજી દૂર થઈ નથી. એને વર્લ્ડ કપ-2023માં ભારતની વધુ બે મેચમાંથી બહાર રહેવાની ફરજ પડે એવી શક્યતા છે. ઈજામાંથી તે હજી સંપૂર્ણપણે સાજો થયો નથી.

વડોદરાનિવાસી પંડ્યા બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં ઉપચાર હેઠળ છે. એના ડાબા ઘૂંટણ પર હજી સોજો છે. તે ઘણે અંશે ઘટી ગયો છે, પરંતુ હાલને તબક્કે એને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તે સપ્તાહાંતે બોલિંગ કરવાનું ફરી શરૂ કરી શકશે.

પંડ્યાને ગઈ 19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચ વખતે જમણા પગેથી બોલ અટકાવવા જતાં ડાબા પગના ઘૂંટણમાં ઈજા થઈ હતી. એને કારણે તે 22 ઓક્ટોબરે ધરમશાલામાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ ચૂકી ગયો હતો.

ભારતીય ટીમ તેની પાંચેય મેચ જીતીને હાલ અન્ય 8 ટીમોની સરખામણીમાં મજબૂત સ્થિતિમાં છે. ભારતની હવે પછીની મેચ 29 ઓક્ટોબરે લખનઉમાં ગઈ વેળાના ચેમ્પિયન્સ ઈંગ્લેન્ડ સામે છે. ત્યારબાદ બીજી નવેમ્બરે મુંબઈમાં શ્રીલંકા સામે મેચ છે. પંડ્યાની જગ્યાએ ઈલેવનમાં સૂર્યકુમાર યાદવને સામેલ કરવામાં આવ્યો છે.

નિવૃત્ત પોલીસ અધિકારી સાથે ઓનલાઈન રૂ.31,000ની ઠગાઈ

મુંબઈઃ અહીંના નિવૃત્ત સહાયક પોલીસ કમિશનર જ્ઞાનદેવ વાનખેડે ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બન્યા છે. કૌભાંડકારે એમના રૂ. 31,000 ચોરી લીધા. જ્ઞાનદેવ વાનખેડે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત રેવેન્યૂ સર્વિસ ઓફિસર સમીર વાનખેડેના પિતા છે. ગઈ કાલે જ્ઞાનદેવે ઓનલાઈન દ્વારા ડ્રાયફ્રૂટ ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે સાઈબર ઠગ લોકોએ એમના રૂ. 31,019 ચોરી લીધા હતા.

70 વર્ષના જ્ઞાનદેવ વાનખેડે અંધેરી વેસ્ટમાં રહે છે. એમણે આ વિશે તેમની નજીકના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફેસબુક પર દર્શાવેલી ડ્રાયફ્રૂટની એક જાહેરખબરથી પ્રેરિત થઈને ડ્રાયફ્રૂટ ખરીદવાનું નક્કી કર્યું હતું. જાહેરખબરમાં વેચાણકાર અજિત બોરાનો મોબાઈલ નંબર અને નવી મુંબઈના તુર્ભેમાં એમનું સરનામું દર્શાવવામાં આવ્યું હતું. વાનખેડેએ રૂ. 2,000ની કિંમતના બદામ, પિસ્તા, અખરોટ જેવા ડ્રાયફ્રૂટનો ઓર્ડર આપ્યો હતો. અમુક કલાકો બાદ, એમને એક અન્ય મોબાઈલ નંબર પરથી ફોન કોલ આવ્યો હતો. એમને જણાવાયું હતું કે એમનું પાર્સલ રેડી છે, પણ જીએસટીને કારણે બ્લોક થયેલું છે. તેથી ડિલિવરી માટે થોડોક વધારે સમય લાગશે. થોડીક વાર રાહ જોયા બાદ વાનખેડેએ બોરાને ફોન કર્યો હતો અને પોતાનો ઓર્ડર રદ કર્યો હતો અને એમના પૈસાનું રીફંડ કરવાની વિનંતી કરી હતી. બોરાએ વાનખેડેને કહ્યું હતું તેઓ ગૂગલ પે પર એમના કોડ આપે. વાનખેડે તે આપ્યા હતા. અમુક જ મિનિટોમાં એમને નોટિફિકેશન આવ્યા હતા કે એમના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 22,000 અને રૂ. 4,999 ડેબિટ થઈ ગયા છે. ત્યારબાદ એમને એવા વધારે નોટિફિકેશન પણ મળ્યા હતા.

પોતાની સાથે છેતરપીંડી થયાનું માલુમ પડ્યા બાદ જ્ઞાનદેવ વાનખેડેએ પોલીસ સ્ટેશનમાં જઈને બોરા સામે ફરિયાદ નોંધાવી હતી.

જીવનરક્ષક તબીબી શોધ કરનાર બે ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિકોનું બાઈડને સમ્માન કર્યું

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જો બાઈડને ગઈ કાલે વ્હાઈટ હાઉસ ખાતે બે ભારતીય અમેરિકન વૈજ્ઞાનિકોને ‘નેશનલ મેડલ ઓફ ટેક્નોલોજી એન્ડ ઈનોવેશન’ એનાયત કરીને એમનું સમ્માન કર્યું હતું. આ બે ભારતીય-અમેરિકન છે – અશોક ગાડગીલ અને સુબ્ર સુરેશ. ગાડગીલને ‘નેશનલ મેડલ ઓફ ટેક્નોલોજી એન્ડ ઈનોવેશન’ અને સુબ્ર સુરેશને ‘નેશનલ મેડલ ઓફ સાયન્સ’ એનાયત કરવામાં આવ્યો હતો.

(તસવીર સૌજન્યઃ @POTUS)

આ એવોર્ડ સમારંભમાં પ્રમુખ બાઈડને અમેરિકાના અગ્રગણ્ય વૈજ્ઞાનિકો, ટેક્નોલોજીસ્ટ અને નવીનતા લાવનાર નાગરિકોનું પણ સમ્માન કર્યું હતું. આ વૈજ્ઞાનિકોએ જીવનરક્ષક તબીબી સારવારો (લાઈફ સાયન્સ)ને સરળ બનાવતી શોધ કરી છે. એને કારણે રોગચાળા સામે લડવામાં મદદ મળી શકશે, અન્ન સુરક્ષા મામલે સુધારા લાવી શકાશે, તેમજ માનવજાતને બીજા અનેક ફાયદા મળશે.

વાહ ભાઈ વાહ! – ૨૫ ઓક્ટોબર, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૨૫ ઓક્ટોબર, ૨૦૨૩

૨૫ ઓક્ટોબર, ૨૦૨૩

૨૫ ઓક્ટોબર, ૨૦૨૩

નોટ આઉટ @ 82 : ધર્મિષ્ઠાબહેન નાણાવટી

આજના યુવાનો ભણવામાં અને કામમાં હોંશિયાર પણ સગા-વહાલા સાથે, કુટુંબમાં અને સમાજમાં બહુ ભળે નહીં, એટલે લગ્ન માટે યોગ્ય પસંદગી કરવામાં તકલીફ પડે. આ પ્રશ્નના  સોલ્યુશન રૂપે ધર્મિષ્ઠાબહેન નાણાવટીએ 30 વર્ષ પહેલા “સ્વયંવર”  મેરેજ બ્યુરો શરૂ કર્યું. ગુજરાતના ઉચ્ચ વર્ગમાં, ભણેલ-ગણેલ યુવાનોમાં અને NRI વડીલોમાં ખૂબ પોપ્યુલર એવા સ્વયંવર મેરેજ બ્યુરોના સ્થાપક ધર્મિષ્ઠાબહેન નાણાવટીની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ મુંબઈમાં, થાણામાં દાદાજી અને પિતાજી પોતાની સ્કૂલ (T.J.HIGHSCHOOL) ચલાવે. પિતાજી નાતમાં અને સમાજમાં આગળ પડતું કામ કરે, નાતની ઓફિસમાં પ્રેસિડેન્ટ, સોલ્ટ મર્ચન્ટ એસોસિએશનના પણ પ્રેસિડેન્ટ. માતા પણ ઘણાં એક્ટિવ. ઇનરવીલ ક્લબના પ્રેસિડેન્ટ. ભરતકામનું મહિલા મંડળ ચલાવે. ધર્મિષ્ઠાબહેન પોતે બીએસસી અને એલએલબી ભણેલાં. લગ્ન પછી અમદાવાદ આવી પ્રકાશ હાઇસ્કુલમાં તેમણે થોડો સમય નોકરી કરી. તેમના ઓળખીતા એક બહેન લગ્ન માટે મેચ-મેકિંગનું કામ ઘરમાંથી જ કરતાં. ધર્મિષ્ઠાબહેન સાસુ સાથે રહેતાં અને વડીલને ઘરમાં એકલાં મૂકી કાયમ બહાર જવાય નહીં એટલે ધર્મિષ્ઠાબહેને પણ આવું કામ ઘરમાંથી કરવાનું વિચાર્યું, અને “સ્વયંવર”  મેરેજ બ્યુરોની સ્થાપના કરી. બહુ થોડા વખતમાં જ સરસ સફળતા મળી.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે સાત વાગે ઊઠે, છાપા વાંચે, નાસ્તા-પાણી કરે, થોડું ચાલે, યોગા કરાવવા ટીચર આવે એટલે યોગા કરે. પછી સેવા-પૂજા કરે. થોડો આરામ કરી જમીને બપોરે સ્વયંવરમાં પોતાનો સમય આપે. સાંજે ઘરમાં જ થોડું ચાલે. સસરાના નામે ટ્રસ્ટ ચલાવે છે, જેમાં વડીલો અને માનસિક જરૂરિયાતવાળા લોકોને મદદ કરવાના કામમાં વ્યસ્ત રહે છે.

શોખના વિષયો : 

સંગીત બહુ ગમે. તેઓ શાસ્ત્રીય-સંગીત શીખ્યાં છે. મુંબઈ-રેડિયો પર તેમનો અવાજ પાસ થયેલો છે. શાળાના અને નાતના સંગીત પ્રોગ્રામમાં પુરુષોત્તમ ઉપાધ્યાય તબલા પર તેમની સંગત કરતા. સસરા પાછળ કીર્તન-ભજનની કેસેટ પણ બનાવી છે. પેઇન્ટિંગ અને ભરતકામનો ખૂબ શોખ છે. ફરવાનો પણ બહુ શોખ છે. દુનિયા આખી ફર્યાં છે. ક્યારેક સોલો-ટ્રાવેલર તરીકે પણ ફરે છે. બકુ, જાપાન વગેરે સ્થળોએ સોલો-ટ્રાવેલર તરીકે ફર્યાં છે. લોકોને મળવાનો અને મદદ કરવાનો શોખ છે. બહેનોને આગળ લાવવાનું બહુ ગમે છે. સોલા ભાગવત વિદ્યાપીઠના શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી માટે તેમને બહુ માન છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સરસ છે. એક આંખમાં થોડી તકલીફ છે અને જરૂરી દવા લેવી પડે છે, પણ એકંદરે તબિયત ઘણી સારી છે. એકવડો બાંધો અને ગજબના સ્ટેમિના સાથે આટલું મોટું મેરેજ બ્યુરો તેઓ સરસ રીતે સંભાળી શકે છે!

યાદગાર પ્રસંગ:  

ધર્મિષ્ઠાબહેનની બહેનપણી ઝોહરાના પિતા થાણામાં મેજિસ્ટ્રેટ હતા. ધર્મિષ્ઠાબહેન પોતાની બાળવયમાં, બાળપણની મિત્ર ઝોહરાના લગ્નમાં મુંબઈથી અમદાવાદ આવ્યાં હતાં. ઉંમર તો ઘણી નાની હતી પણ હજુ એ લગ્નના પ્રસંગો તેમને નજર સામે દેખાય છે! લગ્ન અડધી રાતે હતા એટલે ધર્મિષ્ઠાબહેન લગભગ સુઈ ગયાં હશે અને ઊંઘમાં જ તે લગ્ન જોયા હશે પણ તેનું સ્મરણ હજુ તેમને છે! પતિના બાયપાસના ઓપરેશન વખતે પાડોશમાં રહેતા એક ડોક્ટરે તેમને બહુ મદદ કરી હતી તે પણ યાદ છે.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

મોબાઈલ સરસ રીતે વાપરે છે, YOUTUBE ઉપર પણ જરૂરી કામ કરી લે છે. સ્વયંવરની મોટી અને એક્ટિવ વેબસાઈટનો દસેક હજારથી વધારે લોકો લાભ લે છે, 10 દેશોમાં વપરાય છે. તેમના હાથ નીચેનો સ્ટાફ ટેકનીકલ કામ સંભાળી લે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ખૂબ જ ફેર પડી ગયો છે! બાળકો ઘરમાં પોતાના વડીલોનું નથી માનતા તો બહારના લોકોનું તો શું માને? લગ્ન-સંસ્થામાં વિશ્વાસ ઘટતો જાય છે. લિવ-ઈન રિલેશનશિપ પર કાયદાની મહોર વાગી ગઈ છે એટલે લગ્ન માટે યુવાનો રસ ઓછો બતાવતા થયા છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

સ્વયંવર”ને લીધે યુવાનોના રોજ-બ-રોજના સંપર્કમાં છે. તેમની પસંદગી-નાપસંદગી સારી રીતે જાણે છે. તેમને દુઃખ છે કે આજના યુવાનોને કોઈ જવાબદારી લેવી નથી. તેઓ મા-બાપને સંભાળવા માગતા નથી અને બીજી બાજુ તેઓ બાળકો માટે પણ તૈયારી નથી.

સંદેશો :  

પ્રામાણિક બનો. કોઈનો વિશ્વાસ-ઘાત ન કરો. કર્મના સિદ્ધાંતમાં માનો. ખોટું કરશો તો તમારું પણ આખરે ખોટું જ થશે તેમ ચોક્કસ માનજો.

રાશિ ભવિષ્ય 25/10/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમાં નાનું અને અનુભવ મુજબનુજ કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસે સાવચેતી રાખવી તેમાં પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, વણમાંગી સલાહકે સુચન આજના દિવસેના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, યુવાવર્ગે કોઈની સાથે અર્થહીન વાર્તાલાપના થાય તેનુંધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમાં સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે,ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવું, ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, ઉતાવળિયા નિર્ણયથી બચવું.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિક અશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો દુરવ્યય થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવું, નોકરી-ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે , કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે,યુવાવર્ગને ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં કોઈ મોટા જોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં કોઈ લાભની તક દેખાઈ શકે છે.


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બની શકે છે  તેમજ જો નસીબ સાથ આપે,તો ઘણું બધું કાર્ય થઇ શકશે. મુસાફરી થઈ શકે છે, વેપારમાં લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમાં મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવું બની શકે છે, વેપારમાં નાનું કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમાં કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતી કે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.