Home Blog Page 2373

હિન્દુ કચ્છીઓની પડખે ઊભા રહેવાનો સમય આવી ગયોઃ દાનિશ કનેરિયા

ઇસ્લામાબાદઃ હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાનના સિંધમાં રહેતા હિન્દુ કચ્છીઓને સાથ આપવાનો, એમ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ ટ્વીટ કરતાં જણાવ્યું હતું. કનેરિયાએ પાકિસ્તાનમાં રહેતા હિન્દુ અલ્પસંખ્યકો માટે અવાજ ઉઠાવ્યો હતો.  

પાકિસ્તાની કિન્દુ ક્રિકેટર દાનિશ કનેરિયાએ 31 ઓક્ટોબરે ટવીટ કરતાં હિન્દુ લઘુમતીનો મુદ્દો ઉઠાવતાં પાકિસ્તાનના સિંધમાં રહેતા અલ્પસંખ્યકો માટે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે આ હિન્દુઓ ધાર્મિક યુદ્ધ ઝોનમાં રહી રહ્યા છે. તેણે આ હિન્દુઓની દુર્દશાનો ચિતાર આપ્યો હતો. તેણે હિન્દુ કચ્છીઓને ટેકો આપવાની અરજ કરી હતી.

આ હિન્દુ કચ્છીઓ ચાર દસકા કરતાં પણ વધુ સમયથી ધાર્મિક યુદ્ધ ઝોનમાં રહી રહ્યા છે. તેમને લૂંટી લેવામાં આવ્યા છે. હવે તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે અને તેમને જબરજસ્તીથી બેઘર કરવામાં આવી રહ્યા છે, એમ તેણે જણાવ્યું હતું.

તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હિન્દુ અલ્પસંખ્યકો સિંધમાં વર્ષોથી એક ધર્મની વિરુદ્ધ યુદ્ધ ઝોનમાં રહી રહ્યા છે, પણ હવે પ્રતિ દિન તેમને ઉત્પીડનનો સામનો કરવો પડી રહ્યા છે અને નિઃસહાય થઈ જાય છે. હવે તેમની પડખે ઊભા રહેવું જોઈએ અને તેમના માટે ન્યાયની માગ કરવી જોઈએ.

તેણે કહ્યું હતું કે મુસ્લિમ જમીનમાફિયાઓએ હિન્દુ કચ્છીઓના ઘરો અને મંદિરોને તોડી પાડ્યાં છે અને આગ લગાડી દીધી છે. કનેરિયા પાકિસ્તાનમાં સતત હિન્દુ લઘુમતીઓ માટે અવાજ ઉઠાવતો રહે છે.

 

 

ભારત, અફઘાનિસ્તાન પાસેથી મદદ મળે તો પાકિસ્તાન વર્લ્ડકપ SFમાં જઈ શકે

મુંબઈઃ બાંગ્લાદેશ પર સાત-વિકેટથી જીત મેળવીને પાકિસ્તાને વર્લ્ડ કપ-2023ની સેમી ફાઈનલમાં પ્રવેશવાની તેની આશાને જીવંત રાખી છે. બાંગ્લાદેશ ટીમ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ છે. પાકિસ્તાન SFમાં કેવી રીતે પ્રવેશી શકે? એક નજર…

સ્પર્ધામાં સતત ચાર મેચ હાર્યા બાદ પાકિસ્તાને ત્રીજી જીત હાંસલ કરી છે. પોઈન્ટ્સ ટેબલમાં 6 પોઈન્ટ સાથે તે પાંચમા ક્રમે છે. અફઘાનિસ્તાન છઠ્ઠા ક્રમે છે. તેના પણ 6 પોઈન્ટ છે. સેમી ફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની તેની આગામી મેચો જીતવી જ પડે. તે છતાં એણે અન્ય બે ટીમ ઉપર પણ મદાર રાખવો પડે.

બીજી નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થવાનો છે. આ મેચમાં ભારત જીતે એવું પાકિસ્તાન ઈચ્છશે અને તેથી તે મેચ માટે પાકિસ્તાનીઓ પણ ભારત માટે ચીયર અપ કરશે. જો ભારત જીતશે તો શ્રીલંકા સ્પર્ધામાંથી ફેંકાઈ જશે. બીજી બાજુ, અફઘાનિસ્તાન જો તેની ત્રણમાંથી બે મેચ જીતશે તોય પાકિસ્તાન માટે સેમી ફાઈનલમાં પહોંચવાનું મુશ્કેલ બની જશે. અફઘાનિસ્તાને હજી નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે રમવાનું બાકી છે. પાકિસ્તાન ઈચ્છશે કે અફઘાનિસ્તાન બે મેચ હારે. કારણ કે જો અફઘાનિસ્તાન બે મેચ જીતશે તો પાકિસ્તાન સાથે એના પણ 10 પોઈન્ટ થાય અને તો પરિણામ નેટ રન-રેટ પરથી નક્કી થાય.

ભારત પોઈન્ટ્સ ટેબલમાં સૌથી મોખરે છે. સાઉથ આફ્રિકાને સેમી ફાઈનલમાં પહોંચવા માટે માત્ર એક જ જીતની જરૂર છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા, બંનેના 8-8 પોઈન્ટ છે. એમને બે જીતની આવશ્યક્તા છે. પાકિસ્તાને 4 નવેમ્બરે ન્યૂઝીલેન્ડને હરાવવું જ પડે. તે પહેલાં, આજની મેચમાં સાઉથ આફ્રિકા ન્યૂઝીલેન્ડને હરાવે એવું પાકિસ્તાન ઈચ્છશે અને તે પછી 9 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ શ્રીલંકા સામે પણ હારી જાય એવું પણ પાકિસ્તાન ઈચ્છશે. ધારો કે ન્યૂઝીલેન્ડ સાઉથ આફ્રિકા કે શ્રીલંકા સામે, બેમાંથી એકની સામે પણ જીતી જાય તો એના 10 પોઈન્ટ થશે અને તે પછી પરિણામ નેટ રન-રેટના આધારે નક્કી થશે.

યુનાઇટેડ એરલાઇન્સ પર ભેદભાવનો આરોપઃ એર હોસ્ટેસે કર્યો કેસ

નવી દિલ્હીઃ અમેરિકા સ્થિત યુનાઇટેડ એરલાઇન્સ પર કેસ કરીને ભેદભાવ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એરલાઇન્સની ફ્લાઇટ એટેડન્ટે દાવો કર્યો હતો કે તેમની સાથે રંગરૂપને લઈનેઈ ભેદભાવ કરવામાં આવ્યો છે. લોસ એન્જલ્સ ડોઝર્સ બેઝબોલ ટીમને સર્વિસ આપતી ચાર્ટર ફ્લાઇટ્સમાં કેટલાંક યુવા અને સારા દેખાવવાળાં ગ્રુપોને ફ્લાઇટ એટેન્ડટને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ એટેન્ડેટોએ દાવો કર્યો હતો કે પાતળી, ગોરી મહિલાઓને કામ પર રાખવામાં આવે છે.

50 વર્ષીય ડોન ટોડ અને 44 વર્ષીય ડાર્બી ક્યુજાદાએ યુનાઇટેડ એરલાઇન્સ પર કેસ કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે તેમનું અપમાન કરીને તેમને ફ્લાઇટ્સમાંથી બહાર કરી દેવામાં આવી છે, જ્યારે મહિલાઓ સહ કર્મચારીઓને કામ પર રાખી લેવામાં આવી હતી, કેમ કે તે પાતળી અને નાની વયની હતી. 25 ઓક્ટોબરે લોસ એન્જલ્સ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. બંને મહિલાઓએ યુનાઇટેડની ચાર્ટર ફ્લાઇટ્સમાં ભેદભાવ થતો હોવાનો આરોપ લગાવ્યો હતો.

 આ કેસની વિગતો મુજબ આ બંને –ટોડ અને ક્યુજાદાએ યુનાઇટેડ માટે 15 વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું છે.તેઓ ડોજર્સની ફ્લાઇટમાં કામ કરવા ઇચ્છે છે અને એના માટે તેમણે એરલાઇનમાં એક દાયકાથી વધુ સમય સુધી કામ કર્યું છે, કેમ કે ડોજર્સ એ લોકોને જ કામ પર રાખે છે, જેમને લાંબા સમયનો અનુભવ હોય. સામાન્ય કરતા આ પ્રકારની ફ્લાઇટ્સમાં ત્રણ ગણા વધુ રૂપિયા મળે છે.

 

 

 

કોરાનાના 33 નવા કેસો, એકનું મોત      

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 33 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,268 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,294 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,783 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 32 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 252 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,75,029 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 125 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 હમાસના કમાન્ડર ઇબ્રાહિમ બિયારી સહિત 50નાં મોત

નવી દિલ્હીઃ ઇઝરાયેલ હમાસ યુદ્ધમાં 25 દિવસ થઈ ચૂક્યા છે. ઇઝરાયેલે  મંગળવારે કરેલા શરણાર્થી શિબિર પરના હવાઈઓ હુમલામાં 50 લોકોનાં મોતનો દાવો કર્યો હતો.  ઇઝરાયેલના હવાઇ હુમલામાં એક રેફ્યુજી કેમ્પમાં રહેતા પેલેસ્ટાઇનના ૫૦ નાગરિકોના મોત થયા હતા. ગાઝાની ઇન્ડોનેશિયન હોસ્પિટલના ડિરેક્ટરે અલ જઝીરાને જણાવ્યું હતું કે ઇઝરાયેલના હવાઇ હુમલામાં ઉત્તર ગાઝામાં જબાલિયાના રેફ્યુજી કેમ્પમાં ૫૦ લોકોના મોત થયા હતા અને ૧૫૦ને ઇજા થઈ હતી.

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે કહ્યું હતું કે હવાઈ હુમલામાં હમાસની સેન્ટ્રલ જબાલિયા બેટેલિયનના કમાન્ડર ઇબ્રાહિમ બિયારીને ઠાર કરવામાં આવ્યો છે.  દરમિયાન ઇઝરાયેલના લશ્કરે મંગળવારે ઉત્તર ગાઝા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને હમાસના આતંકવાદીઓ ગાઝામાં તૈયાર કરેલા અંડરગ્રાઉન્ડ ટનલ નેટવર્ક પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત ઇઝરાયેલના હમાસે પકડેલા પહેલા બંધકને છોડાવવામાં સફળતા મળી હતી. જેને પગલે વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહુએ યુદ્ધવિરામની તમામ માગ ફગાવી દીધી હતી. તેમણે હમાસનો ખાતમો કરવાની કટિબદ્ધતા દોહરાવી હતી. જેથી તે ફરી સાત ઓક્ટોબર જેવી હરકત કરી ન શકે. અત્યારે ચાલી રહેલું યુદ્ધ હમાસના સાત ઓક્ટોબરના હુમલાનું પરિણામ છે.

ઇઝરાયેલના લશ્કર અને ટેન્કોએ સોમવારે ગાઝામાં જમીન હુમલાનો વ્યાપ વિસ્તાર્યો હતો. લશ્કર મુખ્ય શહેરની બંને બાજુ આગળ વધ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર અને મેડિકલ સ્ટાફે હોસ્પિટલ્સ નજીક  હવાઇ હુમલા થયા હોવાની ચેતવણી આપી હતી, જ્યાં હજારો ઇજાગ્રસ્ત લોકોની સાથે પેલેસ્ટાઇનના હજારો લોકોએ આશ્રય લીધો છે.  ઇઝરાયેલે જણાવ્યું હતું કે  હમાસના આતંકવાદીઓએ પકડેલી એક મહિલા સૈનિકને છોડી હતી. ગાઝામાં ઇઝરાયેલનો જમીન હુમલો શરૂ થયો પછી મહિલા હમાસ દ્વારા છોડાયેલી પહેલી બંધક હતી. થોડા કલાક પછી હમાસે સોમવારે ટૂંકો વિડિયો જારી કર્યો હતો. જેમાં સાત ઓક્ટોબરે હમાસે ઇઝરાયેલની અંદર કરેલા હુમલામાં ત્રણ મહિલાને બંધક બનાવી હોવાનું દર્શાવ્યું હતું.

 

 

 

 

 

 

 

નોટ આઉટ @ 81 : ઉપેન્દ્ર શાહ

છેલ્લાં 20 વર્ષથી પોતાના સ્ટાફ સાથે નફાની ભાગીદારીની ઉદાર નીતિ રાખી ઉપેન આયન એન્ડ સ્ટીલ કોર્પોરેશનનું ઉમદા સંચાલન સંભાળનાર ઉપેન્દ્રભાઈની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ, બાળપણ અને અભ્યાસ બધું નાગજી-ભુદરની પોળ, અમદાવાદમાં. બે ભાઈ, એક બહેનનું મધ્યમવર્ગનું કુટુંબ. ઉપેન્દ્રભાઈ સૌથી નાના. પિતાનો લોખંડનો બિઝનેસ. પિતાને વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડતા. ઉપેન્દ્રભાઈની 24 વર્ષની ઉંમરે તેમણે પિતા ગુમાવ્યા. મોટાભાઈ સાથે ધંધો ચાલુ રાખ્યો. થોડા સમય પછી અલગ થઈ પોતાનો ધંધો જમાવ્યો. ભાડાના ગોડાઉનમાં સ્ટ્રગલ કરીને ધંધો વિકસાવ્યો અને ઉપેન આયન એન્ડ સ્ટીલ કોર્પોરેશન નામની કંપનીમાં ધીખતો ધંધો કર્યો, ખૂબ નામના મેળવી. તેઓ કુટુંબનું પણ એટલું જ ધ્યાન રાખતા. રાતના આવતા મોડું થાય તો પણ બાળકો જાગે, ઉપેન્દ્રભાઈ જમીને  તેમની સાથે વાતો કરે, રમે અને રમત-રમતમાં જ્ઞાન આપે! આજ સુધી દીકરા-દીકરીઓને ગાઈડન્સ આપે છે. દીકરી શિલ્પા(હાઉસ ઓફ મેરીગોલ્ડ ફેમ)ના તો હીરો છે! શિલ્પાબહેનનું વેન્ચર શરુ કરવાથી માંડી આજ સુધી તેમને માર્ગદર્શન આપે છે! શાસન-સેવા-સમિતિમાં તેઓ કાર્યરત છે, જરૂરીયાતમંદોને અનાજ તથા બીજી સગવડ કરી આપે, બાળકોને ચોપડાં-નોટબુકની વ્યવસ્થા કરી આપે અને જાત્રા પણ કરાવે!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે 5:30 ઊઠે. કલાક યોગ-પ્રાણાયામ કરે. પરિમલ ગાર્ડન ચાલવા જાય. નાહી-ધોઈને સેવા-પૂજા કરે. ચા-નાસ્તો કરી ઓફિસે જાય. ઓફિસનો કારભાર હવે દીકરાને સોંપી દીધો છે, પણ તેઓ ઓફિસે જાય ખરા. જમીને આરામ કરે. ચાર વાગ્યે કસરત અને યોગા કરે, છાપુ વાંચે, મિત્રોને મળે. શુક્ર-શનિ-રવિ, ત્રણ દિવસ બેલેવ્યુ ફાર્મ (લપકામણ) જાય. બુધવારે સાંજે સ્પોર્ટ્સ-ક્લબમાં જાય, મિત્રો સાથે મળીને વાતોચીતો કરે, શેર-બજારની છટકણી કરે, નાસ્તા-પાણી કરે અને પછી જમીને, ટીવી જોઈ 9:00 વાગે સુતા પહેલાં ત્રણ નવકારવાળી ચોક્કસ કરે.

શોખના વિષયો : 

વાંચનનો ઘણો શોખ, ધાર્મિક-વાંચન ઘણું કરે. મોતિયાના ઓપરેશન પછી આંખમાં થોડી તકલીફ રહે છે. ફરવાનું  બહુ ગમે. અમેરિકા, યુરોપ, ક્રોએશિયા…. આખી દુનિયા જોઈ લીધી છે! શંખેશ્વર, મહુડી, પાલીતાણા જેવી વર્ષમાં 25 જાત્રાઓ કરતા! ગાર્ડનિંગનો ઘણો શોખ. શ્રવણ જેવો દીકરો અને વહુ (સુજલ અને કાનન) બહુ ધ્યાન રાખે છે.

 

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. છેલ્લા એક વર્ષમાં ત્રણ ઓપરેશન (હર્નિયા, ઘૂંટણ અને ગોલ્ડ-બ્લેડર) કરવા પડ્યાં, ઘણી એન્ટીબાયોટિક દવાઓ લેવી પડી તેથી થોડી અશક્તિ આવી ગઈ હતી, પણ હવે પાછા ફુલ-ફોર્મમાં આવી ગયા છે!

યાદગાર પ્રસંગ:  

નાની ઉમરે પત્ની સાથે પહેલીવાર કાશ્મીર ફરવા ગયેલા. ટુરમાં નવા મિત્ર અશોકભાઈ કડાકિયા સાથે પાકી ભાઈબંધી થઈ ગઈ. તેમની સાથે બહુ ફર્યા અને ઘર જેવા સંબંધો થઈ ગયા. તેમની સાથે પછી તો અમેરિકા પણ ગયા. હજુ તે સંબંધો અકબંધ છે! ફરી તેઓ તેમના મિત્ર સાથે અમેરિકા ગયા હતા. મિત્રને કોઈએ શુકનનું શ્રીફળ આપ્યું હતું જે છોલીને બેગમાં મૂક્યું હતું. અમેરિકામાં સિક્યુરિટી-ચેક વખતે ઓફિસરે છોલેલું શ્રીફળ જોયું. તેને લાગ્યું કે બોમ્બ છે! એરપોર્ટ ઉપર તો ધમાલ થઈ ગઈ! કેવી રીતે સાબિત કરવું કે આ બોમ્બ નથી પણ શ્રીફળ છે! પછી તો ભારતીય સિક્યુરિટી-ઓફિસરને બોલાવ્યા અને તેણે મામલો થાળે પાડ્યો!

 

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

મોબાઈલનો સરસ ઉપયોગ કરે છે. સારા આર્ટીકલ વાંચે, સાંભળે અને બધાને મોકલે. સારી વસ્તુ લોકો સુધી પહોંચાડે. ઓફિસ-સ્ટાફ કોમ્પ્યુટર ઉપર કેળવાયેલો છે એટલે ઉપેન્દ્રભાઈને જાતે કોમ્પ્યુટર ઉપર કામ કરવું પડતું નથી

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પિતા જે ધંધો કરતા લગભગ તે જ ધંધો તેઓ કરે છે એટલે ખ્યાલ આવે કે કોમ્પિટિશન બહુ વધી ગઈ છે અને તેને લીધે ટેન્શન પણ ઘણું વધી ગયું છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

કુટુંબના બાળકો સાથે તેમને મજા આવે છે. તેમને બે પુત્રી, એક પુત્ર તથા ચાર પૌત્ર-પૌત્રી છે. ઓફિસના યુવાનો સાથે તેમની ઇક્વેશન સરસ છે. સ્ટાફને પગાર પ્લસ 50% નફો આપે છે જેથી તેમની સાથે સ્ટાફ પણ પ્રોસ્પરસ થયો છે. તેઓ માને છે કે સ્ટાફ સુખી તો માલિક સુખી! છેલ્લાં 20 વર્ષથી આ ઇક્વેશનથી તેઓ કામ કરી રહ્યા છે!

સંદેશો :  

માણસે 60 વર્ષે કામકાજમાંથી માયા સમેટી લઈ રિટાયર થઈ જવું જોઈએ. પોતાનો નિવૃત્તિનો સમય હરવા-ફરવામાં સારી રીતે માણી શકે એવી રીતે ઇન્વેસ્ટ કરવું જોઈએ.

તામિલનાડુમાં પતંગના માંજા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો

ચેન્નાઈઃ તામિલનાડુની સરકારે પતંગ ચગાવવા માટે વપરાતા માંજા (દોરી)ના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધનો ભંગ કરનારને પર્યાવરણ કાયદા અંતર્ગત દંડ ફટકારવામાં આવશે. સરકારે નાઈલોન, પ્લાસ્ટિક કે બીજી કોઈ પણ સિન્થેટિક સામગ્રી વડે બનાવવામાં આવેલા માંજા પર પ્રતિબંધ મૂક્યો છે.

રાજ્ય સરકારનો દાવો છે કે ઉક્ત પ્રકારના માંજાને કારણે ઘણી વાર માનવીઓને, જનાવરોને, ખાસ કરીને પક્ષીઓને ઈજા થાય છે. કેટલીક વાર મૃત્યુ પણ થાય છે. એવી ઈજા અને મરણને રોકવા માટે સરકારે માંજાના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે.

આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે. સરકારી ઓર્ડરમાં વધુમાં જણાવાયું છે કે મકરસંક્રાંતિ ઉત્સવ તેમજ પતંગ ચગાવવાની અવારનવાર યોજવામાં આવી સ્પર્ધાઓ દરમિયાન કપાયેલી પતંગ અને માંજો જમીન પર પડે છે, ઘણી વાર એમને એમ જ પડ્યા રહે છે. માંજામાં વપરાતું પ્લાસ્ટિક મટીરિયલ લાંબા સમય સુધી નાશ પામતું નથી. વળી, તે નોન-બાયોડીગ્રેડેબલ હોવાથી પર્યાવરણ માટે જોખમી હોય છે. આવા માંજા ગટર, ગંદા પાણીના નિકાલ માટેની પાઈપલાઈનમાં, નદીઓ, ઝરણાઓમાં ભરાઈ જતા હોય છે. વળી, ગાય કે અન્ય પશુઓ આવા પ્લાસ્ટિક મટીરિયલને ખાદ્યસામગ્રી સમજીને ખાઈ જાય તે પછી એમને ગૂંગળામણ થાય છે. માંજાના સ્પર્શમાં આવવાથી આકાશમાં ઉડતાં પંખીઓને ઈજા થાય છે. એમનું રક્ષણ કરવા માટે સરકારે માંજા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

મોંઘવારીનો ફટકોઃ કમર્શિયલ વપરાશના LPG સિલિન્ડરની કિંમતમાં રૂ.103નો વધારો

નવી દિલ્હીઃ આજે 1 નવેમ્બરથી કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી અને રાંધણ ગેસના સિલિન્ડરના દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વ્યાપારી હેતુના વપરાશ માટે 19 કિલોગ્રામનું એલપીજી સિલિન્ડર 103 રૂપિયા મોંઘું થયું છે. આને કારણે હોટેલ-રેસ્ટોરન્ટવાળાઓને ફટકો પડશે. મોંઘવારી વધશે. આ ભાવવધારો હોટેલમાલિકો આખરે ગ્રાહકોના માથે નાખશે. જોકે ઘરેલુ એલપીજી ગ્રાહકોને આ દરવધારામાંથી રાહત આપવામાં આવી છે.

મુંબઈમાં કમર્શિયલ વપરાશ માટેના એલપીજી સિલિન્ડરની કિંમત આજથી રૂ. 1,785.50 થઈ છે. છેલ્લા એક મહિનામાં કમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ. 310 જેટલું મોંઘું થયું છે. ગઈ 1 ઓક્ટોબરે કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે રૂ.1,833માં મળશે જ્યારે અન્ય મહાનગરો – કોલકાતામાં રૂ. 1943માં અને ચેન્નાઈમાં રૂ. 1,999માં મળશે.

૦૧ નવેમ્બર, ૨૦૨૩

૦૧ નવેમ્બર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 01/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.


આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને કોઈ કામની સદભાવના જાગી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે  છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.