મોંઘવારીનો ફટકોઃ કમર્શિયલ વપરાશના LPG સિલિન્ડરની કિંમતમાં રૂ.103નો વધારો

નવી દિલ્હીઃ આજે 1 નવેમ્બરથી કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી અને રાંધણ ગેસના સિલિન્ડરના દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વ્યાપારી હેતુના વપરાશ માટે 19 કિલોગ્રામનું એલપીજી સિલિન્ડર 103 રૂપિયા મોંઘું થયું છે. આને કારણે હોટેલ-રેસ્ટોરન્ટવાળાઓને ફટકો પડશે. મોંઘવારી વધશે. આ ભાવવધારો હોટેલમાલિકો આખરે ગ્રાહકોના માથે નાખશે. જોકે ઘરેલુ એલપીજી ગ્રાહકોને આ દરવધારામાંથી રાહત આપવામાં આવી છે.

મુંબઈમાં કમર્શિયલ વપરાશ માટેના એલપીજી સિલિન્ડરની કિંમત આજથી રૂ. 1,785.50 થઈ છે. છેલ્લા એક મહિનામાં કમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ. 310 જેટલું મોંઘું થયું છે. ગઈ 1 ઓક્ટોબરે કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે રૂ.1,833માં મળશે જ્યારે અન્ય મહાનગરો – કોલકાતામાં રૂ. 1943માં અને ચેન્નાઈમાં રૂ. 1,999માં મળશે.