કેલિફોર્નિયાઃ શહેરમાં બપોરે લોન્ગ બીચ પાસેની એક રેસ્ટોરાં પાસે ઊભેલી બસની સાથે એક સ્પીડમાં આવતી કાર અથડાઈ ગઈ હતી. આ કાર અને બસ વચ્ચેના અકસ્માતમાં કમસે કમ 14 લોકો ઘાયલ થયા હતા, એમ સ્થાનિક અહેવાલો જણાવે છે.
આ બસ સીફૂડ રેસ્ટોરાં ના બિલ્ડિંગ પાસે ઊભી હતી, ત્યારે આ બનાવ બન્યો હતો. આ દુર્ઘટનાથી બંને વાહનો લોન્ગ બીચ પાસેના બિલ્ડિંગમાં અથડાયા હતા. આ બનાવ બપોરે આશરે 3.30ની આસપાસ બન્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. લોન્ગ બીચ ફાયર બ્રિગ્રેડના કર્મચારીઓએ જણાવ્યું હતું કે સાઉથ સ્ટ્રીટ ને કેલિફોર્નિયા એવન્યુમાં આ અકસ્માત થયો હતો, જ્યારે સીફૂડ રેસ્ટોરાંની સામેથી બસ પસાર થઈ રહી હતી.
લોન્ગ બીચ પોલીસ વિભાગના જણાવ્યાનુસાર પ્રારંભિક તપાસમાં માલૂમ પડ્યું છે કે એક સેડાન કાર કેલિફોર્નિયા એવન્યુથી દક્ષિણ તરફ ફુલ સ્પીડમાં જઈ રહી હતી, ત્યારે તે સ્ટોપ સિગ્નલ પાસે ઊભા રહેવામાં નિષ્ફળ રહી હતી અને ટ્રાન્ઝિટ બસથી ટકરાઈ ગઈ હતી. આ અકસ્માતથી બંને વાહનો રેસ્ટોરાંમાં જતા રહ્યા હતા. જેથી રેસ્ટોરાંમાં રહેલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
મુંબઈઃ ગૂગલ કંપની ટૂંક સમયમાં જ એક નવું મેસેજ બોક્સ શરૂ કરવાનું છે જેનાથી એન્ડ્રોઈડ યૂઝર્સને ઈમેલ્સનો જવાબ આપવાનું સહેલું થશે. ‘એન્ડ્રોઈડ પોલીસ’ના જણાવ્યા મુજબ, એન્ડ્રોઈડ યૂઝર્સને ટૂંક સમયમાં એમને મળેલા જીમેલની નીચે એક મેસેજ બોક્સ જોવા મળશે. તે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ જેવું જ હશે. એને ટેપ કરવામાં આવશે એટલે મેસેજ બોક્સમાં ટેક્સ્ટ ટાઈપ કરવાનો ભાગ પહોળો થશે અને તે સ્ક્રીનની મધ્યમાં આવી જશે. એનાથી ટેક્સ્ટ માટેની જગ્યા વધી જશે. સાથોસાથ, મૂળ ઈમેલ પણ જોઈ શકાશે.
આ મેસેજ બોક્સ વિશે ગૂગલે હજી સુધી સત્તાવાર રીતે કોઈ કમેન્ટ કરી નથી. કદાચ એ હજી ટેસ્ટિંગમાં હશે. નવું મેસેજ બોક્સ સ્ક્રીનની નીચે દેખાશે એટલે તમારે એ જોવા માટે સ્ક્રોલ ડાઉન કરીને જીમેલની નીચે જવાની જરૂર નહીં પડે. વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સમાં હોય છે એવું જ મેસેજ રાઈટિંગ ફિલ્ડ જીમેલમાં મળશે. જીમેલ યૂઝર કોઈ પણ ઈમેલનો જવાબ આપવા માટે ચેટ-જેવા બોક્સનો ઉપયોગ કરી શકશે. લાંબા મેસેજ ટાઈપ કરવા માગનારા કે વિગતવાર જવાબ આપવા માગતા લોકો માટે આ મેસેજ બોક્સ ઉપયોગી થશે.
નવી દિલ્હીઃ ઓટો કંપની હીરો મોટોકોર્પના CMD પવનકુમાર મુંજાલની મુશ્કેલોમાં વદારો થયો છે. EDએ દિલ્હીમાં તેમની ત્રણ અચલ સંપત્તિ જપ્ત કરી છે, જેનું મૂલ્ય આશરે રૂ. 25 કરોડ છે. EDના આ કાર્યવાહી મની લોન્ડરિંગ મામલે ચાલી રહેલી તપાસથી જોડાયેલી છે. અત્યાર સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તેમની રૂ. 50 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે. તેમની પર આરોપ છે કે તેઓ ગેરકાયદે રીતે દેશ બહાર રૂ. 54 કરોડ લઈ ગયા હતા, જે પછી DRI અને ED એ આ કાર્યવાહી કરી છે. તેમણે આ નાણાં એક ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા વિવિધ કર્મચારીઓને નામે મોકલ્યા હતા.
EDએ ઓગસ્ટમાં મુંજાલ અને તેમની કંપનોની વિરુદ્ધ PMLA મામલો નોંધ્યો બાદ દરોડા પાડ્યા હતા. EDએ આ કાર્યવાહી મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ કરવામાં આવી છે. આ પગલા પછી કંપનીના શેરો 1.50 ઘટીને રૂ. 3109.85એ ટ્રેડ કરતા હતા.
ED has attached 03 immovable properties located at Delhi worth Rs. 24.95 Crore (approx.) under the provisions of PMLA, 2002 belonging to Pawan Kant Munjal, CMD & Chairman, M/s Hero MotoCorp Ltd in connection with a money laundering investigation. The total value of seizure and…
આ પહેલાં દિલ્હી પોલીસે નવ ઓક્ટોબરે પવન મુંજાલ વિરુદ્ધ FIR નોંધી છે. અહેવાલો અનુસાર હીરો મોટોકોર્પ, પવન મુંજાલ અને અન્ય ત્રણ વિરુદ્ધ વસંત કુંજ પોલીસ સ્ટેશનમાં બનાવટીના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર આ FIR હીરો મોટોકોર્પ અને પવન મુંજાલ વિરુદ્ધ 2010 પહેલાના એક જૂના કેસમાં દાખલ કરવામાં આવી છે. આ મામલો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા પવન મુંજાલ સામે હાથ ધરવામાં આવેલી મની લોન્ડરિંગ તપાસ સાથે સંબંધિત નથી. DRI એ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન-ડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) ની તપાસ શાખા છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 11.5 કરોડ પેન-કાર્ડ બંધ કરી દીધા છે. પેન કાર્ડને આધારથી નહીં જોવાને કારણે આ કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. એક RTIના જવાબમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સિસે (CBDTએ) જણાવ્યું કે પેન-કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ 30 જૂન હતી. નિયત સમયમાં બંને કાર્ડ લિન્ક ન કરાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
દેશમાં આ પેન-કાર્ડની સંખ્યા 70.24 કરોડ પર પહોંચી ગઈ છે. એમાંથી 57.25 કરોડ લોકોએ પેન-કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું હતું. આસરે 12 કરોડ લોકોએ નિર્ધારિત સમયમાં આ પ્રક્રિયાને અનુસરી ન હતી, તેમાંથી 11.5 કરોડ લોકોના કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે.
મધ્ય પ્રદેશના RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌરે RTI દાખલ કરી હતી, જેમાં માહિતી આપવામાં આવી હતી કે નવાં પેન-કાર્ડ બનાવતી વખતે આધાર સાથે લિંક કરવામાં આવે છે. આ આદેશ એવા લોકો માટે જારી કરવામાં આવ્યો છે જેમણે 1 જુલાઈ, 2017 પહેલા પાન કાર્ડ બનાવ્યું હતું. આવકવેરા કાયદાની કલમ 139 AA હેઠળ, પાન કાર્ડ અને આધારને લિંક કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
આ આદેશ હેઠળ, જે લોકો પાન-આધાર લિંક કરાવવામાં નિષ્ફળ જાય છે તેઓ પર રૂ. 1000નો દંડ ભરીને તેમના કાર્ડને ફરીથી સક્રિય કરી શકે છે. તેમણે કહ્યું હતું કે નવું પેન-કાર્ડ બનાવવાની ફી માત્ર રૂ. 91 છે, તો પછી કાર્ડ રિએક્ટિવ કરવા માટે સરકાર 10 ગણાથી વધુ દંડ શા માટે વસૂલી રહી છે? લોકો આવકવેરા રિટર્ન પણ ફાઇલ કરી શકશે નહીં. સરકારે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.
બંગાળી ફિલ્મોની સર્જક-જોડી નંદિતા રૉય-શિબોપ્રસાદ મુખર્જીએ 2017માં ‘પોસ્ટો’ નામની ફિલ્મ બનાવેલી. છ વર્ષ પછી એમણે આનું હિંદી વર્ઝન આપણી સામે મૂક્યું છેઃ ગયા અઠવાડિયે રિલીઝ થયેલી ‘શાસ્ત્રી વિરુદ્ધ શાસ્ત્રી.’ આ ફિલ્મનો વિષય દેશનાં શહેરી ઘરસંસારને, વર્કિંગ કપલ્સને, એમનાં સંતાનની પરવરિશને સ્પર્શે છે. ‘શાસ્ત્રી વિરુદ્ધ શાસ્ત્રી’ની સફળતા એ છે કે એ આપણને વિચારમાં પાડી દે છે, થિએટરમાંથી બહાર નીકળતી વખતે આપણે સાથે કશુંક લઈને નીકળીએ છીએ, ભીતર કશુંક સળવળે છે.
વાર્તાના કેન્દ્રમાં છે સાત વર્ષનો યમન અથવા મોમો (કબિર પાહવા), જે પંચગિનીમાં એનાં દાદા-દાદી મનોહર અને ઉર્મિલા શાસ્ત્રી (પરેશ રાવલ-નીના કુલકર્ણી) પાસે ઊછરી રહ્યો છે. એનાં મમ્મી-પપ્પા મલ્હાર-મલ્લિકા શાસ્ત્રી (શિવ પંડિત-મીમી ચક્રવર્તી) મુંબઈમાં કામકાજમાં કરિયર બનાવવામાં વ્યસ્ત છે. બન્ને વીકએન્ડમાં યમનને મળવા આવે છે, વીકડેઝમાં વિડિયો ચૅટ્સ. એવામાં મલ્હારને અમેરિકામાં એક સારી નોકરીની ઑફર આવે છે એટલે એ પત્ની-બાળક સાથે યુએસ વસી જવાનું નક્કી કરે છે. મનોહર શાસ્ત્રી પુત્રના નિર્ણયનો વિરોધ કરે છે, ને આરંભાય છે ફૅમિલીનું લીગલ યુદ્ધઃ પૌત્રનો કાયદેસર કબજો (લીગલ ગાર્ડિયનશિપ) મેળવવા મનોહર શાસ્ત્રી ન્યાયાલયનાં બારણાં ખખડાવે છે. અહીંથી શરૂ થાય છે જકડી રાખતો, લાગણીનીતરતો કોર્ટરૂમ ડ્રામા. અંતે લીગલ ગાર્ડિયનશિપ કોને મળે છે? આ જાણવા તમારે મોટા પરદા પર ‘શાસ્ત્રી વર્સીસ શાસ્ત્રી’ જોવી જોઈએ.
ફિલ્મના વિષયમાં આજના સમયનું પ્રતિબિંબ છેઃ શહેરમાં નોકરી-ધંધો કરતાં પતિ-પત્ની માટે એમનાં બાળકોની સારસંભાળનો સહેલો, સુરક્ષિત અને મફત ઉકેલઃ દાદા-દાદી કે નાના-નાની. દેશમાં કે પરદેશમાં, પત્ની કે પુત્રવધૂની ડિલિવરી હોય ત્યારે મારતે વિમાને સાસુ કે મમ્મીને (અમુક કિસ્સામાં બન્નેને) તેડાવવામાં આવે છે. છેલ્લા દિવસો જતા હોય ત્યારે જવાનું. પહેલાં ડિલિવરી પછી બેબીસીટિંગ. અલબત્ત, આમાં કશું જ ખોટું નથી… સમસ્યા ત્યારે થાય છે, જ્યારે બાળમાનસમાં સુ-સંસ્કારનાં બીજ વાવતા વડીલો, એમનો ઉછેર અર્બન વર્કિંગ કપલ્સને દકિયાનુસી લાગવા માંડે. એ વિચારવા માંડે કે દીકરા-દીકરી દાદા-દાદી જેવાં થતાં જાય છે, વધુપડતા લાડ લડાવવાના લીધે જિદ્દી થતાં જાય છે… અને સાથે જ એમને ચિંતા સતાવવા માંડે કે અમારાં બાળકનું અમારી સાથે બૉન્ડિંગ ક્યારે થશે?
ફિલ્મનાં અનેક સબળ પાસાંમાંનાં બે છેઃ રાઈટિંગ અને ડિરેક્શન. નાની નાની ડિટેલમાં આપણને ડિરેક્ટર દેખાય છે. જેમ કે, ઉર્મિલા અને મનોહર પંચગિનીમાં જે રીતે ઘરસંસાર ચલાવે છે એનાથી સાવ વિપરીત મલ્હાર અને મલ્લિકા મુંબઈમાં ઘર ચલાવે છે… સંગીતજ્ઞ દાદાજી પૌત્રને શાસ્ત્રીય સંગીત (કંઠ્ય)ના દંતકથા બની ગયેલા કુમાર ગાંધર્વ વિશે સમજણ આપે છે… લેખન-દિગ્દર્શન આપણને વિચાર કરતાં કરી મૂકે છે કે સાચું કોણ? મનોહર શાસ્ત્રી? કે મલ્હાર શાસ્ત્રી? હા, થોડાક ઉપદેશાત્મક સંવાદો તથા ફિલ્મની લંબાઈ (આશરે સવાબે કલાક) થોડાં કાપી શકાયાં હોત. હશે. લેખન-દિગ્દર્શન બાદ અહીં અભિનયનો ડિપાર્ટમેન્ટ પણ સ્ટ્રોન્ગ છે. પતિ અને પુત્રની જિદ, અંહકાર વચ્ચે સપડાયેલાં, મોમોનાં દાદીમાની ભૂમિકા ભજવતાં નીના કુલકર્ણી એમના સંયમિત અભિનય માટે યાદ રહી જાય છે. શિવ પંડિત અને મીમી ચક્રવર્તી સરસ. કોર્ટમાં મમ્મી-પપ્પાની વકીલાણી જવાન (અમૃતા સુભાષ) છે, જ્યારે મનોહરનું પ્રતિનિધિત્વ કરે છે પીઢ, વડીલ વકીલ (મનોજ જોશી), જ્યારે જજ છે કેકે રૈના. ટીકુ તલસાણિયા ટૂંકી, પણ અસરદાર ભૂમિકામાં છે. બધાંએ જ પાત્રોચિત અભિનય કર્યા છે.
કિંતુ મારા મતે, આ ફિલ્મ ઉત્તમ અદાકાર પરેશ રાવલે એમના ખભા પર ઊંચકી લીધી છે એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નહીં ગણાય. હવે આપણો વારો છેઃ આવાં વિષયવસ્તુ પર બનેલી એક સારી ફિલ્મને માથે મૂકવાની, થિએટરમાં જઈને જોવાની. ટિકિટબારી પર ચાલે ન ચાલે એની ઐસી કી તૈસી. એ માટે ‘જવાન’ ને ‘પઠાન’ છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,419 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,33,295 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,986 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 39 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 152 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.59 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,75,965 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 132 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
ક્વીન્સલેન્ડઃ પત્રકારોનું રક્ષણ કરવા રચાયેલી એક સમિતિના જણાવ્યા મુજબ, ઈઝરાયલ અને ગાઝા વચ્ચે ગઈ 7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધને કારણે દરરોજ ઓછામાં ઓછા એક પત્રકાર/મીડિયાકર્મીનું મૃત્યુ થયું છે.
સમિતિનું કહેવું છે કે યુદ્ધ શરૂ થયાના એક જ મહિનામાં ઓછામાં ઓછા 39 પત્રકારો અને મીડિયાકર્મીઓ માર્યા ગયા છે. જેઓ યુદ્ધને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું કવરેજ કરવા ગાઝા ગયા હતા. મૃતકોમાં મોટા ભાગના પાકિસ્તાની પત્રકારો અને મીડિયાકર્મીઓ છે. અન્યોમાં ચાર ઈઝરાયલી, એક બૈરુતસ્થિત વીડિયોગ્રાફરનો સમાવેશ થાય છે. ચાર ઈઝરાયલી પત્રકારોની હમાસ આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. બૈરુતનિવાસી વીડિયોગ્રાફરનું બોમ્બમારામાં મૃત્યુ થયું હતું. યુદ્ધના દિવસોમાં અનેક પત્રકારો ઘાયલ પણ થયા છે. મૃતકોમાં પેલેસ્ટિનીયન ફ્રીલાન્સ પત્રકારોનો પણ સમાવેશ થાય છે જેઓ આંતરરાષ્ટ્રીય સમાચાર સેવાઓ તથા સ્થાનિક સમાચાર નેટવર્ક્સ માટે કામ કરતા હતા. અમુક પત્રકાર હવાઈ હુમલાઓ દરમિયાન એમના ઘર પર બોમ્બ પડવાને કારણે માર્યા ગયા છે.
ઈઝરાયલી સંરક્ષણ દળોએ ભારપૂર્વક કહ્યું છે કે એમણે પત્રકારોને ટાર્ગેટ બનાવ્યા નથી, પરંતુ ‘રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ’ નામની સંસ્થાનો આરોપ છે કે ઓછામાં ઓછા 10 પત્રકારો યુદ્ધની સ્થિતિનું કવરેજ કરી રહ્યા હતા ત્યારે માર્યા ગયા હતા. એક ઘટનામાં, ઈઝરાયલ તરફથી આવેલો એક બોમ્બ પત્રકારોના એક જૂથને લઈ જતા એક વાહન પર પડ્યો હતો.
મુંબઈઃ અહીં બાન્દ્રા-વરલી સી લિન્ક પર ગઈ કાલે મોડી રાતે લગભગ 10 વાગ્યે એક ભીષણ અકસ્માતમાં એક કાર બીજા અનેક વાહનો સાથે અથડાતાં ત્રણ જણનું મરણ થયું છે અને બીજા 6 જણને ઈજા થઈ છે. વરલીથી બાન્દ્રા તરફ ધસમસતી આવેલી ટોયોટા ઈનોવા કાર સી લિન્ક પરના ટોલ પ્લાઝા ખાતે બીજા પાંચ વાહનો સાથે અથડાઈ હતી. ઈનોવા કારના ડ્રાઈવરે પહેલા એક મર્સિડીઝ કારને ટક્કર મારી હતી. અકસ્માત કર્યા બાદ ડ્રાઈવરે ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. એમાં તે કાર ટોલ ચૂકવણી માટેની લાઈનમાં રહેલા બીજા વાહનો સાથે અથડાઈ હતી.
ભયાનક અકસ્માતમાં કુલ છ જણને ગંભીર ઈજા થઈ હતી. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં એમાંની બે મહિલા અને એક પુરુષનું મૃત્યુ થયું હતું. બે જણની હાલત ગંભીર છે. ચાર જણની હાલત સ્થિર છે. ટોલ પ્લાઝા ખાતે હાજર પોલીસોએ તરત જ ઈનોવા કારના ડ્રાઈવરની ધરપકડ કરી હતી. તેનું નામ સરફરાઝ હોવાનું કહેવાય છે. પોલીસે તેની કાર જપ્ત કરી છે.