મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એક વાર ઘટાડો થયો છે. અમેરિકન સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશને હેશડેક્સના બિટકોઇન ઈટીએફના કન્વર્ઝન બાબતે નિર્ણય લેવામાં વિલંબ કર્યો હોવાનું આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ હોવાનું મનાય છે.
3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.67 ટકા (1,755 પોઇન્ટ) ઘટીને 46,051 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 47,806 ખૂલ્યા બાદ 48,106ની ઉપલી અને 45,272ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સમાંથી ઘટેલા મુખ્ય કોઇન સોલાના, ચેઇનલિંક, કાર્ડાનો અને પોલીગોન હતા, જેમાં 8થી 13 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો. એકમાત્ર વધનાર કોઇન ડોઝકોઇન 5.03 ટકા વૃદ્ધિ પામ્યો હતો.
દરમિયાન, સિક્યોરિટીઝ માર્કેટના વ્યવહારો પર ચાંપતી નજર રાખતી સંસ્થા આઇઓસ્કોએ ક્રીપ્ટો અને ડિજિટલ એસેટ્સ માર્કેટ માટેની નીતિવિષયક ભલામણો ધરાવતો આખરી અહેવાલ બહાર પાડ્યો છે.
અમદાવાદઃ આવતા રવિવારે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધાની ફાઈનલમાં મુકાબલો થશે. આ મેચ સાથે જ સ્પર્ધાના સમાપન નિમિત્તે એક રંગારંગ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવનાર છે. મોદી સ્ટેડિયમમાં હાજર રહેનાર સવા લાખથી પણ વધારે દર્શકોને મનોરંજનનો એક્સ્ટ્રા ડોઝ મળવાનો છે. તે મનોરંજક કાર્યક્રમમાં હોલીવુડની પોપ આઈકન ગાયિકા દુઆ લિપા પણ પરફોર્મ કરવાની છે એવા અગાઉ અહેવાલો હતા, પણ હવે માલુમ પડ્યું છે કે તે માત્ર એક અફવા હતી. સમર્થનવાળા સમાચાર છે કે દુઆ અમદાવાદમાં ફાઈનલ મેચમાં પરફોર્મ કરવાની નથી. એ સ્ટેજ પરફોર્મન્સ આપશે એવી અફવા ખોટી સાબિત થઈ છે. સ્ટાર સ્પોર્ટ્સ ચેનલે X પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલા એક વીડિયોને લીધે અફવા બજાર ગરમ થયું હતું. દુઆ લિપા ત્રણ વખત પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ જીતી ચૂકી છે.
દુઆ લિપા સાથે હાલમાં પ્રસારિત કરાયેલા એક વર્ચ્યુઅલ કાર્યક્રમ ‘AskDua’માં શુભમન ગિલ, કે.એલ. રાહુલ, કેન વિલિયમસન જેવા ક્રિકેટરો તથા અન્યો જોડાયાં હતાં. એ વખતે દુઆને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. તે વીડિયો સ્ટાર સ્પોર્ટ્સે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. તે કાર્યક્રમમાં શુભમન ગિલે દુઆને પૂછી લીધું હતું કે, ‘તું ક્લોઝિંગ સેરેમનીમાં કયું ગીત ગાવાની છો?’ ત્યારે ગાયિકાએ કહ્યું હતું, ‘‘ફિઝિકલ’ શિર્ષકવાળું ગીત’. રાહુલે સવાલ પૂછ્યો હતો કે, ‘તું કાર્યક્રમ વખતે કયા નંબરનું જર્સી પહેરીશ?’ ત્યારે દુઆએ જવાબમાં કહ્યું, ‘22 નંબરનું’, કારણ કે એને તે પોતાનો લકી નંબર માને છે. આ વીડિયો ગઈ 15 નવેમ્બરે સોશિયલ મીડિયા પર પોસ્ટ થયો હતો અને એને કારણે દુઆના પરફોર્મન્સ વિશેની અફવા ફેલાઈ હતી. આમ, રંગારંગ કાર્યક્રમમાં દુઆ તો નથી આવવાની, પણ સંગીતકાર પ્રીતમ અને જોનિતા ગાંધી જરૂર પરફોર્મ કરવાના છે.
દુઆ લિપા ભારતમાં ત્રણ વખત આવી ચૂકી છે. 2019ના નવેમ્બરમાં એ પહેલી જ વાર ભારત આવી હતી અને સ્ટેજ પરફોર્મન્સ આપ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર દુઆ લિપાનાં 9 કરોડ ફોલોઅર્સ છે.
અમદાવાદઃ દિવાળીમાં છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના મોટા ભાગના રસ્તાઓ ખાલીખમ છે, તેમ છતાં છેલ્લા ત્રણ દિવસોમાં રાજ્યમાં કુલ 2000થી વધુ અકસ્માતો થયા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દૈનિક ધોરણે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે.
ગાંધીનગરના રાંધેજા-પેથાપર હાઇવ પર ગઈ કાલે રાત્રે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચ લોકોનાં મોત થયાં છે. પૂર ઝડપે કાર ચલાવી રહેલા કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. રાંધેજા-પેથાપુર રોડ પર કાર ઝાડ સાથે ટકરાઈ હતી, જેમાં માણસાના 17થી 19 વર્ષની ઉંમરના પાંચ યુવાનોનાં મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ પાંચેય ભાઈ પિતરાઈ ભાઈ હતા.
દિવાળીના તહેવારોમાં સામાન્ય રીતે આગના બનાવો સૌથી વધારે બનતા હોય છે. દર વર્ષે 108 ઇમર્જન્સી કોલમાં વધારો થતો હોય છે. ત્યારે આ વર્ષે દિવાળી, બેસતું વર્ષ અને ભાઇબીજ એમ ત્રણ દિવસમાં 108 એમ્બ્યુલન્સને વિવિધ પ્રકારના 12,806 જેટલા કોલ મળ્યા હતા, જેમાં 2253 જેટલા અકસ્માતના કોલ છે. સૌથી વધુ અકસ્માત નવા વર્ષના દિવસે થયા હતા. સામાન્ય દિવસો કરતાં તહેવારના ત્રણ દિવસમાં ઇમર્જન્સી કોલની સંખ્યામાં સાત ટકા જેટલા વધારો થયો છે. સૌથી વધુ ઇમર્જન્સી કોલ ચાર મહાનગરમાં વડોદરાને બાદ કરતાં ખેડા, દાહોદ, નવસારી, વલસાડ, પંચમહાલ અને બનાસકાંઠામાં મળ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 306 અકસ્માત થયા છે.
ગુવાહાટીઃ આસામના ગુવાહાટીમાં રહેતી એક મહિલા બોક્સર અને સર્ટિફાઇડ જિમ ટ્રેનરને તેમના મિત્રએ નાઇજિરિયામાં બંધક બનાવી લીધી છે. મહિલા બોક્સરની ઓળખ બરનાલી બૌરા સૈકિયા તરીકે કરવામાં આવી છે. તે નાઇજિરિયાના મિત્રથી સોશિયલ મિડિયા દ્વારા સંપર્ક આપી હતી. ત્યાર બાદ તે તેને મળવા ગઈ હતી. પ્રારંભમાં તો બધું ઠીકઠાક હતું, પરંતુ એ પછી તેને એક રૂમમાં બંધક બનાવી લેવામાં આવી હતી અને તેના ઘરના ફોન કરીને ખંડણી માગવામાં આવવા લાગી.
પ્રાપ્ત માહિતી અનુસાર બરનાલીના તેના મિત્ર કિંગ અને તેના સાથી ડેનિયલે તેને બંધક બનાવી લીધી હતી. તે લોકો હવે મહિલા બોક્સરના ઘરે ફોન કરીને પૈસાની માગ કરી રહ્યા છે. બરનાલીના પતિ નયન સૈકિયા દ્વારા કિંગ તેમના ઘરના લોકોને ઓળખવા લાગ્યો હતો. એ પછી બરનાલી અને તે ચેટ કરવા લાગ્યા હતા. મિત્રતા એટલી ઘનિષ્ઠ થઈ ગઈ કે બરનાલીએ એક દિવસ ટુરિસ્ટ વિસા પર નાઇજિરિયા જવાનો નિર્ણય કર્યો હતો અને 28 ઓક્ટોબરે બેન્ગલુરુથી લાગોસની ફ્લાઇટ પકડીને તે નાઇજિરિયા પહોંચી હતી.
Female boxer from Assam was held captive by her ‘social media friend’ (introduced to her by her husband) in Nigeria after she went to Lagos to meet him
નાઇજિરિયામાં જઈને તે કિંગથી મિત્ર બનીને મળી, પણ તેને તેની મિત્રને બંધક બનાવી લીધી હતી. ત્રણ દિવસ સુધી બરનાલી પોતાના ઘરનો સંપર્ક નહોતી સાધી શકી. ચોથા દિવસે તેણે એક વોટ્સએપ કોલ કરીને ઘરવાળા પાસે મદદ માગી હતી. તેણે જણાવ્યું હતું કે તેને એક રૂમમાં બંધ કરી દેવામાં આવી છે અને તેને ખાવાનું પણ નથી આપવામાં આવતું. તેની ફરિયાદ આસામના દિસપુર પોલીસ સ્ટેશનમાં થઈ છે.
નવી દિલ્હીઃ ફિનટેક (ફાઈનાન્શિયલ ટેક્નોલોજી) કંપની ‘ભારતપે’ દ્વારા કથિતપણે કરાયેલી છેતરપિંડી (કરોડો રૂપિયાના દુરુપયોગ) કેસના સંબંધમાં કંપનીના સહ-સંસ્થાપક અશનીર ગ્રોવર અને એમના પત્ની માધુરી જૈનને વિદેશ જતા અટકાવી દેવામાં આવ્યા છે. દંપતી સામે ઈશ્યૂ કરવામાં આવેલા લૂકઆઉટ સર્ક્યૂલર (LOC)ને પગલે એમને દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અટકાવી દેવામાં આવ્યા હતા. પતિ-પત્ની ગુરુવારે રાતે ન્યૂયોર્ક જઈ રહ્યાં હતાં ત્યારે એમને દિલ્હી પોલીસની આર્થિક ગુનાઓની તપાસ કરતી પાંખ (EoW) દ્વારા ઈશ્યૂ કરવામાં આવેલા લૂક આઉટ સર્ક્યૂલરના આધારે રોકવામાં આવ્યા હતા.
શું મામલો છે? આર્થિક ગુના પાંખ એવી ફરિયાદોમાં તપાસ કરી રહી છે કે ગ્રોવર અને એમના પરિવાર દ્વારા કથિતપણે સંચાલિત બોગસ માનવ સંસાધન કન્સલ્ટન્સી કંપનીઓને ભારતપે કંપની દ્વારા ગેરકાયદેસર રીતે પેમેન્ટ કરવામાં આવ્યું છે. ગયા જૂન મહિનામાં EoW વિભાગે પૈસાના કથિત દુરુપયોગ બદલ ભારતપે સંચાલિત રેઝિલિયંટ ઈનોવેશન પ્રા.લિ. કંપનીને રૂ. 81.3 કરોડનું નુકસાન પહોંચાડવાના આરોપમાં ગ્રોવર દંપતી તથા એમના પરિવારના અન્ય અમુક સભ્યો વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી.
આ મામલો હિતોનાં ટકરાવનો છે. ભારતપેના સંચાલનમાં આર્થિક ગેરરીતિ થયાનું આર્થિક ગુના શાખાની તપાસમાં માલુમ પડ્યું હોવાનો અહેવાલ છે. ગ્રોવરના પરિવાર સાથે સંકળાયેલી આઠ એચ.આર. કન્સલ્ટન્સી કંપનીઓએ બંધ કરી દેવાયેલા બેન્ક ખાતાઓ સાથેના ખોટા બિલ આપ્યા હતા સંભવિત છેતરપિંડી સૂચવે છે. તપાસ પરથી માલુમ પડ્યું છે કે આ અલગ અલગ કંપનીઓ (કે સંસ્થાઓએ) સમાન રજિસ્ટર્ડ સરનામું શેર કર્યું હતું જેનાથી એમની કાયદેસરતા અને સ્વતંત્રતા વિશે ચિંતા ઊભી થઈ છે. આ સંભવિત રીતે હિતોના ટકરાવનો મામલો સૂચવે છે.
ગ્રોવરે X (ટ્વિટર) પ્લેટફોર્મ પર વિસ્તૃત સંદેશમાં લખ્યું છે કે, ‘ગયા મે મહિનામાં એફઆઈઆર નોંધવામાં આવી હતી, પરંતુ તે પછી એમને EoW વિભાગ તરફથી કોઈ સમન્સ મોકલવામાં આવ્યું નથી. દિલ્હી એરપોર્ટ પરથી ઘેર પાછા ફર્યાના સાત કલાક પછી પણ કોઈ સમન્સ કે સંદેશો મળ્યો નથી. હું 16-23 નવેમ્બર સુધી અમેરિકા જતો હતો. ઈમિગ્રેશન ખાતે અધિકારીઓએ અમને કહ્યું કે સાહેબ LOC ઈશ્યૂ કરવામાં આવ્યું છે… અમારે EoW સાથે ચેક કરવું પડશે.’ મને આશ્ચર્ય એ વાતનું છે કે મેં મહિનામાં એફઆઈઆર નોંધવામાં આવી તે પછી હું ચાર વખત વિદેશ જઈ આવ્યો છું, પણ ક્યારેય કોઈ સમસ્યા નડી નહોતી. મને એક વાર પણ સમન્સ મોકલવામાં આવ્યું નથી. એ દરમિયાન અમારી ફ્લાઈટ જતી રહી અને
EoW તરફથી ઈમિગ્રેશનને જણાવવામાં આવ્યું હતું કે અમને બેઉને ઘેર પાછા જવા દેવામાં આવે. આખરે આજે સવારે મને EoW તરફથી મારા ઘેર સમન્સ મોકલવામાં આવ્યું હતું. હું હંમેશની જેમ એમને સહકાર આપીશ.
છેતરપિંડીના આ કેસમાં જો ગ્રોવર, એમના પત્ની માધુરી તથા અન્યો કસુરવાર સાબિત થસે તો એમને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. 2022ના ડિસેમ્બરમાં ભારતપે કંપનીએ જ સ્થાપક અશનીર ગ્રોવર અને એમના પરિવાર વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં છેતરપિંડી અને કંપનીના નાણાંની ઉચાપત વિશેનો સિવિલ કેસ નોંધાવ્યો હતો. માધુરી જૈન ત્યારે ભારતપેમાં એક વિભાગનાં વડાં હતાં. ફોરેન્સિક ઓડિટમાં અનેક પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ કરાયા બાદ માધુરીને 2022ના આરંભમાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ માર્ચ, 2022માં અશનીરે પણ સીઈઓ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ભારતપે કંપનીએ અલ્વારેઝ અને માર્સલ, શાર્દુલ અમરચંદ મંગલદાસ અને PwC કંપનીને કોર્પોરેટ ગવર્નન્સ રીવ્યૂ કરવાની તેમજ એ નક્કી કરવાની જવાબદારી સોંપી હતી કે ગ્રોવરે ઈરાદાપૂર્વક કોઈ ગેરરીતિ તો આચરી નથીને. બાદમાં કંપનીના બોર્ડમાંથી પણ ગ્રોવરની હકાલપટ્ટી કરવામાં આવી હતી.
Hello ! Hello !
Kya chal raha hai India mein ? Filhaal to Ashneer stopped at airport chal raha hai janab.
So facts:
1. I had not received any communication or summon from EOW since FIR in May till 8 AM today 17 morning (7 hours after returning from airport).
2. I was going to… pic.twitter.com/I0OHOXJd6F
વોશિંગ્ટનઃ સંયુક્ત રાષ્ટ્ર પરિષદ (UN)એ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધમાં તત્કાળ અટકાવવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ગાઝામાં એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો આ પ્રકારનો પહેલો પ્રસ્તાવ છે. 15 સભ્યોવાળી કાઉન્સિલનો આ પ્રસ્તાવ 12-0થી પાસ કરવામાં આવ્યો છે. જોકે ઇઝરાયેલે આ પ્રસ્તાવ માનવાથી ઇનકાર કર્યો છે.
ઇઝરાયેલે કહ્યું હતું કે બંધકોને છોડાવ્યા વિના એ હમાસને હુમલાથી બચવા માટે કોઈ રાહત નહીં આપે. આમ પણ ગાઝા પટ્ટીમાં હવે જરૂરૂ ચીજવસ્તુઓની કોઈ અછત નથી. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયેલ સેનાની ઘેરાબંધી અને હુમલાને પગલે ગાઝા પટ્ટીના 23 લાખ લોકોને જરૂરી ચીજવસ્તુઓની ખેંચ ભોગવવી પડી હતી. એટલે સીમિત યુદ્ધવિરામ લાગુ કરીને જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે પગલાં લેવાવાં જોઈએ.UNના આ પ્રસ્તાવના મતદાનમાં અમેરિકા, રશિયા અને બ્રિટને ભાગ નહોતો લીધો. અમેરિકા અને બ્રિટને મતદાનનો બહિષ્કાર કર્યો હતો. રશિયાએ માનવીય આધારે સ્થાયી યુદ્ધવિરામની માગનો વિરોધ કરીને મતદાનમાં ભાગ નહોતો લીધો. વળી, આ પ્રસ્તાવમાં સંઘર્ષ વિરામ અને હમાસ તરફથી સાત ઓક્ટોબરે ઇઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાનો કોઈ ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો.
બીજી બાજુ પેલેસ્ટેનિયન શરણાર્થીઓ માટે UN રાહત અને કાર્ય એજન્સીએ બળતણની અછતને કારમે મધ્ય અને દક્ષિણી ગાઝાપટ્ટીમાં અનેક પેયજળો અને સીવેજ સુવિધાઓને સસ્પેન્ડ કરવાની ઘોષણા કરી છે. ગાઝા શહેરને ઇઝરાયેલની ઘેરાબંધીને કારણે જરૂરી ચીજવસ્તુઓ અને બળતણના સપ્લાયમાં અડચણ થવાને કારણે માનવીય સંકટ ઊભું થયું છે.
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી ચીનથી એપલનો મોહભંગ થઈ રહ્યો છે. એપલના કેટલાય ચીની વેન્ડરો વિશ્વના અન્ય દેશોમાં કામકાજ કરવાની યોજના બનાવી રહ્યા છે. હાલમાં એપલના એક ચીની વેન્ડર લક્સશેરે આશ્ચર્યજનક રીતે 330 મિલિયન ડોલરનું મૂડીરોકાણ વિયેતનામમાં કરી દીધું છે. આમ કંપનીએ ભારતને બદલે વિયેતનામમાં મૂડીરોકાણ કર્યું છે.
ચીની કંપની લક્સશેર એપલ માટે પ્રોડક્ટ બનાવતી સૌથી મોટી કમ્પોનેન્ટ અને ફિનિશ્ડ પ્રોડક્ટ બનાવતી કંપની છે. કંપનીએ હવે ચીનમાંનું મૂડીરોકાણ વિયેતનામ શિફ્ટ કરી ચૂકી છે. કંપનીએ કહ્યું હતું કે ભારત અને ચીનના વણસેલા રાજકીય સંબંધોને કારણે કંપની ભારતમાં મૂડીરોકાણ વધારવા નથી ઇચ્છતી. કંપનીએ છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતમાં કામકાજ વધારવાના ભારે પ્રયાસ કર્યા હતા. લક્સશેર એરપોર્ડનો સપ્લાય કરતી એપલની મુખ્ય સપ્લાયર કંપની છે.કંપનીના વિયેતનામના બેક ગિયાંગ નામના ઉત્તરીય રાજ્યમાં 330 મિલિયન ડોલરનું મૂડીરોકાણ કરવાની જાહેરાત છે. કંપની વિયેતનામમાં અત્યાર સુધી 504 મિલિયન ડોલરનું મૂડીરોકાણ કરી ચૂકી છે.
એપલે સપ્લાય ચેઇનના વૈવિધ્યકરણની યોજના હેઠળ ચીનમાં કામકાજ કરતી કંપનીઓને બહાર શિફ્ય કરવાની યોજના છે. કંપની એ પછી ભારતમાં સ્માર્ટ ડિવાઇસ, કોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ, ટચ પેન અને સ્માર્ટ વોચ, પોઝશનિંગ ટેગ હવે સ્માર્ટ વોચ વગેરે બનાવવાની યોજના પર કાર્યરત છે.
કંપનીએ આ યોજનાને વિયેતનામમાં શિફ્ટ કરી દીધી છે. કંપનીનું યુનિટ વિયેનમામમાં 70 એકરમાં ફેલાયેલું છે અને આગામી 12થી 24 મહિનામાં આ કામ પૂરું કરી લેશે. કંપની વિયેતનામમાં વર્ષ 2019થી મૂડીરોકાણ કરી રહી છે. વળી, કંપનીને આ વર્ષે પ્લાન્ટ લગાવવાની મંજૂરી મળી ગઈ છે.
ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રચાર માટે અને વિદ્યાર્થીઓને ઇનોવેશન કરવા માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડવાના ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ઉદ્દેશથી વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા રાજ્યના પાટણ, ભાવનગર, ભુજ અને રાજકોટમાં ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટર (RSC)નું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ રૂ. 100 કરોડને ખર્ચે બનાવવામાં આવ્યાં છે અને આ સેન્ટરો આજે વિજ્ઞાન વિષય અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા લોકો માટે આકર્ષણના કેન્દ્રો બન્યાં છે. આ સેન્ટરોના લોકાર્પણથી અત્યાર સુધીમાં 11 લાખથી વધુ મુલાકાતીઓ આ રિજિયોનલ સાયન્સ સેન્ટરોની મુલાકાત લઈ ચૂક્યા છે, જેમાં સૌથી વધુ 7.50 લાખ લોકોએ પાટણમાં આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી છે.
આ ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટરોના ઉદઘાટનથી રાજ્યમાં અત્યંત વ્યવસ્થિત અને વિચારપ્રેરક વૈજ્ઞાનિક પ્રવાસન સ્થળોની રચના થઈ છે. વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે વધુ ને વધુ લોકો આકર્ષાય તે હેતુથી આ સેન્ટરોમાં અનેક જ્ઞાનવર્ધક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રાજ્યના તમામ જિલ્લાઓ, વિવિધ રાજ્યો અને વિદેશોમાંથી પણ લોકો વૈજ્ઞાનિક સંશોધનના આ કેન્દ્રો તરફ આકર્ષાયા છે. ઇન્ટરેક્ટિવ ગેલેરીઓ ઉપરાંત, આ સેન્ટર્સ વિવિધ વૈજ્ઞાનિક આઉટરિચ પ્રવૃત્તિઓ હાથ ધરે છે.
આ પ્રવૃત્તિઓમાં જિલ્લા કક્ષાની ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ, જિલ્લા કક્ષાની ગુજરાત STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ) ક્વિઝ, વર્લ્ડ સ્પેસ વીક, સ્કાય ઓબ્ઝર્વેશન પ્રોગ્રામ્સ, નેશનલ મેથેમેટિક્સ ડે, નેશનલ સાયન્સ ડે, મિશન Life પર અવેરનેસ પ્રોગ્રામ, જનભાગીદારી દ્વારા ઇવેન્ટ્સ અને વર્કશોપ જેવી ઘણી મેગા ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. આ રિજિયોનલ સાયન્સ સેન્ટરો “લોકોને વિજ્ઞાન સુધી અને વિજ્ઞાનને લોકો સુધી લઈ જવું”ના થીમને અનુસરે છે. આ સેન્ટરોએ નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પ્રયોગોમાં જોડાવા, તેમ જ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં રસ અને જિજ્ઞાસા જગાડવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
GUJCOST દ્વારા વધુ ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટર
GUJCOST આગામી સમયમાં વડોદરા, સુરત, જામનગર અને જૂનાગઢમાં વધુ ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટરોની સ્થાપના કરી રહ્યું છે. આ સેન્ટરો વૈજ્ઞાનિક શિક્ષણ, ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો, વર્કશોપ અને શૈક્ષણિક કાર્યક્રમો માટે હબ તરીકે કાર્યરત થશે. આ ઉપરાંત GUJCOST એ રાજ્યના 23 જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર્સની કામગીરી શરૂ કરી છે અને રાજ્યના બાળકો અને નાગરિકોને તેમના ઘરઆંગણે એક મંચ પૂરો પાડવાનો પ્રયાસ કર્યો છે, જેથી દરેક વ્યક્તિને વૈજ્ઞાનિક અનુભવો અને શૈક્ષણિક સંસાધનો સરળતાથી ઉપલબદ્ધ કરાવી શકાય તે સુનિશ્ચિત થાય.
મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ના ચેરમેન અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી માટે સારા સમાચાર છે. રિલાયન્સ ગ્રુપની જિયો ફાઈનાન્શિયલ સર્વિસીસ કંપનીના ડિરેક્ટર તરીકે એમની પુત્રી ઈશા અંબાણી-પિરામલ તથા અન્ય બે વ્યક્તિની નિમણૂકને ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે જિયો ફાઈનાન્શિયલ એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની નોન-બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની (NBFC) છે.
જિયો ફાઈનાન્શિયલ કંપનીએ એક રેગ્યૂલેટરી સંદેશમાં જણાવ્યું છે કે, ‘આપને એ જણાવતા અમને આનંદ થાય છે કે કંપનીના ડિરેક્ટર તરીકે ઈશા મુકેશ અંબાણી, અંશુમાન ઠાકુર અને હિતેશકુમાર સેઠિયાની કરાયેલી નિમણૂકને આરબીઆઈએ નવેમ્બર 15, 2023 તારીખના પત્ર દ્વારા મંજૂરી આપી છે.’
જિયો ફાઈનાન્શિયલ સર્વિસીસ કંપનીની નેટવર્થ છે રૂ. 1.2 લાખ કરોડ. સ્થાપનાના સમયે આ કંપની વિશ્વમાં સૌથી વધુ મૂડી ધરાવતી ફાઈનાન્શિયલ સર્વિસીસ કંપનીઓમાંની એક હતી.
અમદાવાદઃ વિશ્વ કપની ફાઇનલ 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 20 વર્ષ પછી બંને ટીમો ફાઇનલમાં સામસામે હશે. આ મેચને યાદગાર બનાવવા માટે BCCIએ ખાસ તૈયારીઓ શરૂ કરી છે. અહેવાલો અનુસાર આ ફાઇનલ મેચ જોવા માટે બંને દેશોના વડા પ્રધાનો સ્ટેડિયમમાં હાજર રહે એવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી PM રિચર્ડ માર્લ્સ પણ મેચ જોવા માટે આવે એવી સંભાવના છે. BCCIએ આ બધાને ફાઇનલ મેચ જોવા નિમંત્રણ મોકલ્યાં છે.
વડા પ્રધાન મોદી સિવાય ફાઇનલ મેચ જોવા ગૃહપ્રધાન અમિત શાહ પણ સ્ટેડિયમમાં પહોંચે એવી શક્યતા છે. આ પહેલાં વડા પ્રધાન મોદી આ વર્ષે માર્ચમાં ભારત—સ્ટ્રેલિયાની વચ્ચે રમાયેલી બોર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી ટેસ્ટ જોવા સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. ત્યારે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની આલ્બનીઝ પણ એ મેચ જોવા હાજર રહ્યા હતા. એ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી.
વિશ્વ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા આઠમી વખત રમવા મેદાનમાં ઊતરશે, જ્યારે ટીમ ઇન્ડિયા ચોથી વખત વર્લ્ડ કપની ફાઇનલ રમશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેચ નિહાળવા 19 નવેમ્બરે બપોર બાદ અમદાવાદ આવશે. મેચ નિહાળ્યા બાદ તેઓ ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. ત્યાર બાદ તેઓ 20 નવેમ્બરે સવારે રાજસ્થાન ચૂંટણીપ્રચાર માટે રવાના થશે.
વર્લ્ડ કપની ફાઇનલ જોવા માટે ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની અને કપિલ દેવ પણ સ્ટેડિયમમાં મેચ જોવા આવે એવી શક્યતા છે. વર્લ્ડ કપની મેચની ફાઇનલ યાદગાર બનાવવા માટે એરફોર્સ અમદાવાદના આકાશમાં લડાકૂ વિમોનોથી કરતબ બતાવશે અને ક્રિકેટ ફેન્સનું મનોરંજન કરશે.