નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ખાદ્ય મંત્રાલયના સચિવ રોહિતકુમાર સિંહે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવતા મહિને કાંદાનો ભાવ પ્રતિ કિલો રૂ. 40થી નીચે આવી જશે. એમનું કહેવું છે કે, ‘જો બધું ઠીક રહેશે તો જાન્યુઆરી મહિનો આવે ત્યાં સુધીમાં કાંદાનો ભાવ પ્રતિ કિલો 50 રૂપિયાથી નીચે આવી જશે. અને તે પછી ઘટતો રહીને રૂ. 40થી પણ નીચે જશે. હાલ એવી વાતો થઈ રહી છે કે દેશમાં કાંદાનો ભાવ પ્રતિ કિલો રૂ. 100ને પાર કરી જશે, પણ આ કિંમત રૂ. 60ને પાર કરી શકશે નહીં. વધુમાં, નિકાસબંધીથી ખેડૂતો પર કોઈ પ્રકારની માઠી અસર નહીં આવે.’
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પર 31 માર્ચ, 2024 સુધી પ્રતિબંધ મૂકી દીધો છે.
વેપારીઓનો જે વર્ગ ભારતીય તથા બાંગ્લાદેશની બજારો વચ્ચે કાંદાના ભાવમાં ફરકનો લાભ ઉઠાવે છે એમને નિકાસબંધીથી ફટકો પડશે. જ્યારે સામાન્ય જનતાને એનો લાભ થશે. ગઈ 1 એપ્રિલથી 4 ઓગસ્ટ દરમિયાન દેશમાંથી 9.75 લાખ ટન કાંદાની નિકાસ કરવામાં આવી હતી. ભારત મુખ્યત્વે બાંગ્લાદેશ, મલેશિયા અને સંયુક્ત આરબ અમિરાત દેશોમાં કાંદાની નિકાસ કરે છે, એમ રોહિતસિંહે વધુમાં કહ્યું છે.
મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં પ્રોફિટ બુકિંગને પગલે સોમવારે મોટો ઘટાડો થયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.07 ટકા (1,690 પોઇન્ટ) ઘટીને 53,379 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 55,069 ખૂલીને 55,859ની ઉપલી અને 51,049 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ચેઇનલિંક, લાઇટકોઇન, પોલકાડોટ અને યુનિસ્વોપમાં 4થી 6 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો. અવાલાંશ અને ડોઝકોઇનમાં અનુક્રમે 13.28 ટકા અને 0.81 ટકા વૃદ્ધિ થઈ હતી.
દરમિયાન, સિંગાપોર અને ચીનની કેન્દ્રીય બેન્કોએ ચીની સીબીડીસી (સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી) – ડિજિટલ યુઆનના પ્રાયોગિક ઉપયોગ માટે સમજૂતી કરી છે. સમજૂતી હેઠળ બન્ને દેશોના પર્યટકો ડિજિટલ યુઆનનો ઉપયોગ કરી શકશે. બીજી બાજુ, તાઇવાનની કેન્દ્રીય બેન્કે હોલસેલ સીબીડીસી વિશે અભ્યાસપૂરો કરીને બિઝનેસ તથા શિક્ષણ ક્ષેત્ર પાસેથી પ્રતિભાવ મગાવ્યા છે.
મહેસાણા: ઊંઝા પાસેથી નકલી જીરું બનાવતી ફેકટરી ઝડપાઈ છે. આ ફેક્ટરીમાં હલકી ગુણવત્તાની વરિયાળીમાંથી જીરું બનાવતા હતા. વરિયાળી, ભૂસું, ગોળની રસી અને પથ્થરનો ઉપયોગ કરતા હતા.. મહેસાણા ફૂડ વિભાગે ઊંઝાના ગંગાપુરા રોડ પર એક નકલી શંકાસ્પદ જીરુનો 24,000 કિલોગ્રામ જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. જોકે ફેક્ટરી માલિકે દાવો કર્યો કે આ પશુઆહાર છે.
મહેસાણા ફૂડ વિભાગ ટીમે શંકાસ્પદ જીરાના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.. જોકે પશુ આહાર બનાવવા માટે કોઈ પરવાનગી નહીં લીધી હોવાની પણ કબૂલાત કરી છે. મહેસાણા જિલ્લાના ઊંઝાના દાસજ રોડ ઉપરથી નકલી જીરું બનાવતી ફેકટરી ઝડપાઈ છે. મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઊંઝાના દાસજ ગામ નજીક નકલી જીરું બનતું હતું. મોટી માત્રામાં નકલી જીરુનો જથ્થો પકડાયો છે. હાલ નકલી જીરુંના જથ્થાની ગણતરી ચાલુ છે.
જીરુંની જેમ જ દેખાઈ રહેલ જથ્થાને ફૂડ વિભાગે જપ્ત કરીને તેના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ જથ્થો બહાર વેચવામાં આવતો હતો અને કોને વેચવામાં આવતો હતો એ અંગે પણ તપાસ શરૂ કરી છે. આમ હવે ફૂડ વિભાગ માટે સવાલ એ છે કે પશુ આહારનો દાવો પોકળ છે અને જીરું નકલી બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હતા એ અંગે તપાસ કરવામાં આવશે.
લંડનઃ આવતા જાન્યુઆરીમાં ભારતમાં પાંચ-મેચોની ટેસ્ટ શ્રેણી રમવા આવનાર ઈંગ્લેન્ડની ટીમની જાહેરાત કરવામાં આવી છે. બેન સ્ટોક્સની આગેવાની હેઠળ ઘોષિત 16-સભ્યોની ટીમમાં ચાર સ્પિનર છે અને 3 નવોદિત ખેલાડી છે.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) દ્વારા જાહેર કરાયેલી આ ટીમના ત્રણ નવોદિત ખેલાડીઓ છેઃ ગસ એટકિન્સન (ફાસ્ટ બોલર), ટોમ હાર્ટલે અને શોએબ બશીર (ઓફ્ફ સ્પિનર).
સગીર વયના લેગસ્પિનર રેહાન એહમદને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે પાકિસ્તાન સામે પોતાની પ્રારંભિક ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લીધી હતી. ટીમના ચાર સ્પિનર છેઃ રેહાન એહમદ, શોએબ બશીર, ટોમ હાર્ટલે અને બેન ડકીટ.
ભોપાલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ ફરી એકવાર રાજકારણમાં રસ લેનારા લોકોને ચોંકાવ્યા છે. મોહન યાદવ મધ્યપ્રદેશ નવા મુખ્ય મંત્રી બનશે. ખુદ શિવરાજ સિંહ ચૌહાણે તેમને વિધાનસભ્યોના નેતા માટે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
તેઓ શિવરાજ સિંહ સરકારમાં શિક્ષણપ્રધાન હતા. ભાજપ વિધાયક દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં બે નાયબ મુખ્ય મંત્રી રાજે તેઓ દક્ષિણ સીટથી ચૂંટાઈ આવ્યા છે. તેમને RSSની પસંદ પણ માનવામાં આવે છે. ઉજ્જૈન જિલ્લાથી ત્રણ વાર વિધાનસભ્ય છે અને તેઓ 58 વર્ષના છે.તેમની સાથે અન્ય બે ડેપ્યુટી મુખ્ય પ્રધાનો રાજ્ન્દ્ર શુક્લા અને જગદીશ દેવરા પણ હશે. વિધાનસભા પક્ષની બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષકોમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, પક્ષના અન્ય પછાત વર્ગ (ઓબીસી) મોરચાના વડા કે. લક્ષ્મણ અને સેક્રેટરી આશા લાકરા પણ હાજર હતા.
તેમણે એલએલબી, MBA અને પીએચ. ડી કર્યું છે. વર્ષ 2011થી 2013ની વચ્ચે તેઓ રાજ્યમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. 17 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં 230 સભ્યોની વિધાનસભામાં ભાજપે 163 બેઠકો જીતીને મધ્ય પ્રદેશમાં સત્તા જાળવી રાખી હતી, જ્યારે કોંગ્રેસ 66 બેઠકો સાથે બીજા ક્રમે આવી હતી.
ભાજપે ચૂંટણીમાં મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે કોઈને બતાવવામાં આવ્યો ન હતો. મધ્યપ્રદેશમાં ભાજપ બે દાયકામાં પાંચમી વખત સરકાર બનાવવા જઈ રહી છે. આ પહેલા તે 2003, 2008, 2013 અને 2020માં રાજ્યમાં સત્તામાં આવી હતી.
સીએમ મોહન યાદવે કહ્યું કે હું પાર્ટીનો નાનો કાર્યકર છું. હું આપ સૌનો, રાજ્ય નેતૃત્વ અને કેન્દ્રીય નેતૃત્વનો આભાર માનું છું. તમારા પ્રેમ અને સમર્થનથી હું મારી જવાબદારીઓ નિભાવવાનો પ્રયત્ન કરીશ.
મધ્યપ્રદેશમાં એક સપ્તાહથી ચાલી રહેલ સસ્પેન્સનો સોમવારે અંત આવ્યો હતો. ઉજ્જૈન દક્ષિણના વિધાનસભ્ય મોહન યાદવ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન હશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આ જાહેરાત સાથે શિવરાજ સિંહ ચૌહાણની સતત ચોથી વખત મુખ્યમંત્રી તરીકેની સફર સમાપ્ત થઈ ગઈ. શિવરાજ સિંહ ચૌહાણ ભલે રાજ્યના મુખ્યમંત્રી ન હોય, પરંતુ તેમની છબીને ભૂલવી સરળ નહીં હોય. મુખ્યમંત્રી પદ સંભાળતી વખતે છેલ્લા દોઢ દાયકાની તેમની સફરમાં એવા ઘણા સીમાચિહ્નો હતા જેના માટે શિવરાજ ભવિષ્યમાં પણ ઓળખાશે. લાડલી યોજનાથી લઈને વ્યાપમ કૌભાંડ સુધી એવા ઘણા વળાંક આવ્યા કે જેણે ભાજપને લોકો સાથે સીધો જોડ્યો અને કોંગ્રેસને ભાજપના મતોમાં ખાડો પાડવાની તક પણ આપી. જાણો તે મોટી વાતો જેના માટે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહને યાદ કરવામાં આવશે.
મુખ્યમંત્રી લાડલી યોજના
રાજ્યમાં 28 જાન્યુઆરી, 2023ના રોજ મુખ્યમંત્રી લાડલી યોજના લાગુ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવ્યા. બાદમાં આ રકમ વધારીને 1250 રૂપિયા કરવામાં આવી હતી. મહિલાઓના સ્વાસ્થ્ય અને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે આ એક મોટું પગલું માનવામાં આવતું હતું. આ યોજના આ ચૂંટણીમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. તેના દ્વારા રાજ્યની 1 કરોડ 31 લાખ મહિલાઓને રોકડ સહાય આપવામાં આવી રહી છે.
શિવરાજ સિંહનું ટ્વીટ
ભાજપની જીત બાદ તેમના ખાતામાં પૈસા આવશે કે કેમ તે અંગે શંકા હતી. શિવરાજે ટ્વિટર પર આ અંગે સીધી જાહેરાત કરી હતી. 10 ડિસેમ્બરે, તેણે ટ્વિટર પર લખ્યું – પ્રિય બહેન, આજે 10મી છે… આ નક્કી કર્યું છે કે યોજનાના લાભો ચાલુ રહેશે.
એવા ઘણા પ્રસંગો હતા જ્યારે વ્યાપમ કૌભાંડ શિવરાજની સ્વચ્છ છબીને પછાડતું જણાયું હતું. કોંગ્રેસે હંમેશા તેને મુદ્દો બનાવ્યો છે. સમયાંતરે વ્યાપમ કૌભાંડ બહાર આવ્યું અને શિવરાજ માટે મુશ્કેલી ઊભી કરી. એક સમય એવો આવ્યો જ્યારે શિવરાજને વિધાનસભામાં કહેવું પડ્યું કે એક હજારથી વધુ નકલી ભરતીઓ થઈ છે. 18 જુલાઈ 2013ના રોજ આ કૌભાંડમાં શિવરાજ સિંહ ચૌહાણ, પૂર્વ સીએમ ઉમા ભારતી સહિત આરએસએસ સાથે જોડાયેલા ઘણા લોકોના નામ સામે આવ્યા હતા. ઘણા મોટા નેતાઓ અને અધિકારીઓ આમાં ફસાયેલા જોવા મળ્યા હતા. વ્યાપમની રચના 1982માં થઈ હતી. તે શરૂઆતથી જ વિવાદોમાં રહી હતી. આ જ કારણ હતું કે 2016માં તેનું નામ બદલીને પ્રોફેશનલ એક્ઝામિનેશન બોર્ડ રાખવામાં આવ્યું હતું. જોકે, બદનામીની યાત્રા અટકી ન હતી.
મહિલાઓ તેમના ભાઈ અને યુવાનોને તેમના મામા માને છે
એક નેતા કરતાં વધુ શિવરાજ સિંહ ચૌહાણની છબી રાજ્યના વડા તરીકેની રહી છે જેમને મહિલાઓ તેમના ભાઈ અને યુવાનોને તેમના મામા માને છે. તેણે પોતે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેની ઈમેજ કેવી રીતે બની હતી. શિવરાજે કહ્યું હતું કે ‘મેં મુખ્યમંત્રી કન્યાદાન યોજના બનાવી અને સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓને 50 ટકા અનામત આપી. આ પછી દીકરીઓ અને દીકરાઓ મને મામા કહેવા લાગ્યા અને સ્ત્રીઓ મને ભાઈ કહેવા લાગી.’ રાજ્યમાં ભાગ્યે જ કોઈ એવો નેતા બન્યો છે જે લોકો સાથે આટલો લાગણીભર્યો સંબંધ ધરાવે છે.
29 નવેમ્બર 2005ના રોજ શિવરાજના નામની પ્રથમ વખત જાહેરાત કરવામાં આવી
29 નવેમ્બર 2005ના રોજ શિવરાજના નામની પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરવામાં આવી હતી. જો કે તેને આ પોસ્ટ સરળતાથી મળી ન હતી. આ એ વર્ષ હતું જ્યારે ભાજપે નક્કી કરવાનું હતું કે રાજ્યના નેતૃત્વનો હવાલો કોણ સંભાળશે. માત્ર એક જ નામની સૌથી વધુ ચર્ચા થઈ હતી અને તે હતું બાબુ લાલ ગૌર. ભાજપ તેમના સ્થાને નવા ચહેરાને મુખ્યમંત્રી બનાવવા માંગતો હતો, પરંતુ સંગઠનના મોટાભાગના લોકોને લાગ્યું કે બાબુ લાલના નામ પર મહોર લાગશે. શિવરાજનું નામ દૂર-દૂર સુધી જાણીતું નહોતું, પણ પ્રમોદ મહાજને બધાને ચોંકાવી દીધા. તેમણે મુખ્યમંત્રી પદ માટે શિવરાજનું નામ લીધું. તમામ ગરબડ વચ્ચે શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રી બન્યા.
રાજ્યના નવા મુખ્યમંત્રી મોહન યાદવ
3 ડિસેમ્બરે મધ્યપ્રદેશમાં પ્રચંડ બહુમતી પછી શિવરાજ મુખ્યમંત્રી તરીકે તેમની ચોથી ઇનિંગ શરૂ કરશે કે કેમ તે અંગે ફરી ચર્ચા થઈ હતી. સોમવારે સ્પષ્ટ થઈ ગયું કે રાજ્યના નવા મુખ્યમંત્રી મોહન યાદવ હશે. રાજ્યના સિહોર જિલ્લામાં 5 માર્ચ, 1959ના રોજ જન્મેલા શિવરાજના પિતા પ્રેમસિંહ ચૌહાણ અને સુંદરબાઈ ચૌહાણ ખેતી સાથે જોડાયેલા છે. આ જ કારણ છે કે તેમની છબી પણ એક ખેડૂત પુત્ર તરીકે બનાવવામાં આવી હતી. ભોપાલની બરકતુલ્લા યુનિવર્સિટીમાંથી ફિલોસોફીમાં ગોલ્ડ મેડલ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. વર્ષ 1975 માં, તેઓ આદર્શ ઉચ્ચતર માધ્યમિક શાળા (મોડલ ઉચ્ચતર માધ્યમિક શાળા), ભોપાલના વિદ્યાર્થી સંઘના પ્રમુખ બન્યા.
શિવરાજસિંહ જેલ પણ ગયા
શિવરાજ હંમેશા સામાન્ય લોકો સાથે સંબંધિત મુદ્દાઓ ઉઠાવવા અને તેમને પ્રશ્ન કરવા માટે જાણીતા હતા. 1976-77ની કટોકટીનો વિરોધ કર્યો. અનેક આંદોલનોનો હિસ્સો બન્યા બાદ તેઓ જેલ પણ ગયા હતા. 1972 માં માત્ર 13 વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં જોડાયા. તેમણે 1975-82 સુધી એબીવીપીમાં ઘણા મહત્વના હોદ્દા સંભાળ્યા અને પછી રાજકારણમાં તેમની ઇનિંગ શરૂ કરી.
1990 માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા
ભારતીય જનતાની ઘણી સંસ્થાઓ માટે કામ કરતી વખતે તેઓ 1990 માં બુધનીથી ચૂંટણી લડ્યા અને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. 1991માં તેઓ વિદિશાથી લોકસભા ચૂંટણી જીત્યા અને સંસદમાં પહોંચ્યા. 1996માં ફરી સાંસદ બન્યા. પરંતુ તેમને સૌથી વધુ ઓળખ ત્યારે મળી જ્યારે તેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા.
અમદાવાદઃ કેડિલા ફાર્માસ્યુટિકલ્સે સમાજના કલ્યાણ માટે અસરકારક પ્રોજેકટ શરૂ કર્યા છે. આ પ્રોજેકટમાં ધોળકા તાલુકાના ભેટાવાડા, ત્રાંસદ અને વીરડી ગામમાં RO વોટર ATMની સ્થાપના અને કામગીરીનો સમાવેશ થાય છે.
આ RO વોટરના ATMની ક્ષમતા કલાકના 1000 લિટર જેટલી રહેશે અને એ ગામની પાણીની જરૂરિયાત સંતોષી શકશે. આ સુવિધા સપ્તાહના સાતેય દિવસ અને ચોવીસે કલાક ઉપલબ્ધ રહેશે અને સમુદાયના 10,000થી વધુ સભ્યો અને 1500 પરિવારોને 20 લિટર પાણી રૂ. પાંચની મામૂલી કિંમતે ઉપલબ્ધ થશે. ઈન્દ્રશીલ કાકા-બા અને કલા બુધ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ભરત ચાંપાનેરિયાએ જણાવ્યું કે અમે RO વોટરના ATM સ્થાપિત કરવાની કામગીરી સ્પોન્સર કરી છે, પરંતુ અમે તેને આત્મનિર્ભરતાના પ્રયાસમાં બદલવા માગીએ છીએ અને સ્થાનિક સમુદાયોમાં માલિકીની ભાવના ઊભી કરવા માગીએ છીએ.
આ મોડેલ દરેકને માટે લાભદાયી બની રહેશે. એકત્ર થયેલાં નાણાંનો ઉપયોગ કરીને ગ્રામવાસીઓ પ્રોજેકટની માવજત કરશે અને સાથે-સાથે તેમને સ્વચ્છ અને સલામત પીવાનુ પાણી મળી રહેશે. આ પ્રોજેકટનું સરળતાથી પુનરાવર્તન થઈ શકે તેમ છે. આ ઉપરાંત ઊંચા ટોટલ ડિઝોલ્વડ સોલિડઝ (TDS) અને ઊંચા TDS લેવલ તેમ જ પાણીના બગાડ તેમ જ પ્રદૂષણ જેવી સમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે પ્રોજેકટ આશીર્વાદરૂપ બની રહેશે.
આ પ્રોજેકટ સામાજિક જવાબદારી અને પર્યાવરણલક્ષી વિકાસ તથા સ્થાનિક સમુદાયોના ઉત્કર્ષ માટેની કેડિલા ફાર્માસ્યુટિકલ્સની કટિબદ્ધતા દર્શાવે છે.
લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ રોડ પર ઉતરી કામ કરવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 156 બેઠકો મેળવી ભાજપે સરકાર બનાવી છે. ત્યારે લોકસભામાં પણ હેટ્રીક કરવા માટે હવે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દેશના પાંચ રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં બહુમત સાથે સરકાર બનાવ્યા બાદ હવે ગુજરાતના નેતાઓ, સાંસદો અને ધારાસભ્યો લોકસભાની ચૂંટણીના કામે લાગ્યાં છે. આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરાઈ રહી છે. આવતીકાલે કમલમ ખાતે ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી સહિતના નેતાઓ હાજર રહેશે.
ભાજપના સાંસદો અને ધારાસભ્યોની આવતીકાલે બેઠક
આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપ દ્વારા હેટ્રીક મેળવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આવતીકાલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધારાસભ્યો અને સાંસદોની બેઠક મળવાની છે. આ બેઠકમાં ચૂંટણીને લઈને રણનીતિ ઘડવામાં આવશે. તે ઉપરાંત પેજ પ્રમુખ અને પેજ સમિતીની કામગીરી સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જાહેરમાં નિવેદન કરે છે કે આ વખતે પણ તમામ બેઠકો જીતવાની છે અને દરેક બેઠક ચાર લાખના માર્જિન સાથે જીતવાની છે. ત્યારે હવે આગામી સમયમાં ભાજપ દ્વારા તાલુકા સ્થળે પેજ સમિતીને વધુ મજબૂત કરવામાં આવે તેવી ચર્ચાઓ ભાજપના સુત્રોમાં ચર્ચાઈ રહી છે.
કોંગ્રેસ પણ લોકસભાની ચૂંટણીને લઈને એક્શનમાં
બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. તાજેતરમાં જ 10 જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી છે. તેની સાથે પ્રદેશ ચૂંટણી કમિટીની પણ જાહેરાત કરી છે. જેમાં 40 સ્થાનિક નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલિટીકલ અફેર્સ કમિટીમાં 17 નેતાઓને સ્થાન અપાયું છે. શક્તિસિંહ ગોહિલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસમાં ધરખમ ફેરફારો થઈ રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. તે ઉપરાંત આમઆદમી પાર્ટીમાંથી મોટા ગજાના કાર્યકરોને કોંગ્રેસમાં ભેળવવામાં આવ્યાં છે. ત્યારે હવે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં મહત્તમ બેઠકો મેળવવા માટે પ્રયાસો કરી રહી છે.