હવે ગામડાંઓમાં પાણીના ATM!

અમદાવાદઃ કેડિલા ફાર્માસ્યુટિકલ્સે સમાજના કલ્યાણ માટે અસરકારક પ્રોજેકટ શરૂ કર્યા છે. આ પ્રોજેકટમાં ધોળકા તાલુકાના ભેટાવાડા, ત્રાંસદ અને વીરડી ગામમાં RO વોટર ATMની સ્થાપના અને કામગીરીનો સમાવેશ થાય છે.

આ RO વોટરના ATMની ક્ષમતા કલાકના 1000 લિટર જેટલી રહેશે અને એ ગામની પાણીની જરૂરિયાત સંતોષી શકશે. આ સુવિધા સપ્તાહના સાતેય દિવસ અને ચોવીસે કલાક ઉપલબ્ધ રહેશે અને સમુદાયના 10,000થી વધુ સભ્યો અને 1500 પરિવારોને 20 લિટર પાણી રૂ. પાંચની મામૂલી કિંમતે ઉપલબ્ધ થશે. ઈન્દ્રશીલ કાકા-બા અને કલા બુધ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ભરત ચાંપાનેરિયાએ જણાવ્યું કે અમે RO વોટરના ATM સ્થાપિત કરવાની કામગીરી સ્પોન્સર કરી છે, પરંતુ અમે તેને આત્મનિર્ભરતાના પ્રયાસમાં બદલવા માગીએ છીએ અને સ્થાનિક સમુદાયોમાં માલિકીની ભાવના ઊભી કરવા માગીએ છીએ.

આ મોડેલ દરેકને માટે લાભદાયી બની રહેશે. એકત્ર થયેલાં નાણાંનો ઉપયોગ કરીને ગ્રામવાસીઓ પ્રોજેકટની માવજત કરશે અને સાથે-સાથે તેમને સ્વચ્છ અને સલામત પીવાનુ પાણી મળી રહેશે. આ પ્રોજેકટનું સરળતાથી પુનરાવર્તન થઈ શકે તેમ છે. આ ઉપરાંત ઊંચા ટોટલ ડિઝોલ્વડ સોલિડઝ (TDS) અને ઊંચા TDS લેવલ તેમ જ પાણીના બગાડ તેમ જ પ્રદૂષણ જેવી સમસ્યાનો સામનો કરી રહેલા  લોકો માટે પ્રોજેકટ આશીર્વાદરૂપ બની રહેશે.

આ પ્રોજેકટ સામાજિક જવાબદારી અને પર્યાવરણલક્ષી વિકાસ તથા સ્થાનિક સમુદાયોના ઉત્કર્ષ માટેની કેડિલા ફાર્માસ્યુટિકલ્સની કટિબદ્ધતા દર્શાવે છે.