જાન્યુઆરીમાં કાંદાનો ભાવ પ્રતિ કિલો રૂ.40થી નીચે આવી જશેઃ સરકારની ખાતરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ખાદ્ય મંત્રાલયના સચિવ રોહિતકુમાર સિંહે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવતા મહિને કાંદાનો ભાવ પ્રતિ કિલો રૂ. 40થી નીચે આવી જશે. એમનું કહેવું છે કે, ‘જો બધું ઠીક રહેશે તો જાન્યુઆરી મહિનો આવે ત્યાં સુધીમાં કાંદાનો ભાવ પ્રતિ કિલો 50 રૂપિયાથી નીચે આવી જશે. અને તે પછી ઘટતો રહીને રૂ. 40થી પણ નીચે જશે. હાલ એવી વાતો થઈ રહી છે કે દેશમાં કાંદાનો ભાવ પ્રતિ કિલો રૂ. 100ને પાર કરી જશે, પણ આ કિંમત રૂ. 60ને પાર કરી શકશે નહીં. વધુમાં, નિકાસબંધીથી ખેડૂતો પર કોઈ પ્રકારની માઠી અસર નહીં આવે.’

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પર 31 માર્ચ, 2024 સુધી પ્રતિબંધ મૂકી દીધો છે.

વેપારીઓનો જે વર્ગ ભારતીય તથા બાંગ્લાદેશની બજારો વચ્ચે કાંદાના ભાવમાં ફરકનો લાભ ઉઠાવે છે એમને નિકાસબંધીથી ફટકો પડશે. જ્યારે સામાન્ય જનતાને એનો લાભ થશે. ગઈ 1 એપ્રિલથી 4 ઓગસ્ટ દરમિયાન દેશમાંથી 9.75 લાખ ટન કાંદાની નિકાસ કરવામાં આવી હતી. ભારત મુખ્યત્વે બાંગ્લાદેશ, મલેશિયા અને સંયુક્ત આરબ અમિરાત દેશોમાં કાંદાની નિકાસ કરે છે, એમ રોહિતસિંહે વધુમાં કહ્યું છે.