Home Blog Page 2165

શ્રીરામ મંદિર સાથે અયોધ્યામાં રૂ. 85,000 કરોડના પ્રોજેક્ટ પણ આવશે

અયોધ્યાઃ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના ઉદઘાટનની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેટલાક લોકો એને ભગવાન શ્રીરામની અયોધ્યાની વાપસી તરીકે પણ જોઈ રહ્યા છે, પણ રામ મંદિરથી શ્રીરામ નહીં, પણ અયોધ્યાના અર્થતંત્રને વેગ આપવા માટે રૂ. 85,000 કરોડ પણ લાવવાના છે.

અયોધ્યામાં રામ મંદિરની સાથે આજુબાજુના ક્ષેત્રનો વિકાસ અને અર્થતંત્રને પણ વેગ મળશે. રામ મંદિરથી ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. આ સિવાય ઇન્સ્ટ્રાક્ચરથી માંડીને હોસ્પિટાલિટી, FMCG સેક્ટર સુધીની કંપનીઓ મૂડીરોકાણ કરી રહી છે.

અયોધ્યાના માસ્ટર પ્લાન-2031 મુજબ એનું રિડેવલપમેન્ટ 10 વર્ષમાં પૂરું થશે. રામ મંદિરના ઉદઘાટન પછી પ્રત્યેક દિવસે ત્રણ લાખ પર્યટકો અયોધ્યા પહોંચવાનો અંદાજ છે. આટલા લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે અહીં રિડેવલપમેન્ટ પર આશરે રૂ. 85,000 કરોડ ખર્ચ થવાનો અંદાજ છે.

અયોધ્યાને નવો લુક આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની 37 એજન્સીઓ પહેલેથી જ કામ કરી રહી છે. એ માટે આશરે રૂ. 31,660 કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે. NHAI રૂ. 10,000 કરોડના પ્રોજેક્ટ સંભાળી રહી છે. ઉત્તર પ્રદેશ સરકાર રૂ. 75,000 કરોડના આશરે 34 પ્રોજેક્ટો પર પહેલેથી જ કામ કરી રહી છે. એરપોર્ટ, રેલવે અને હાઇવેનો વિકાસ અલગ થઈ રહ્યો છે.

શ્રીરામ મંદિર નિર્માણ સમિતિના ચેરપર્સન નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે રામ મંદિરના ઉદઘાટન પછી આસપાસના વિસ્તારોમાં આર્થિક કામગીરી વધશે, વેપારથી માંડીને રોજગારીની તકો વધશે.

 

 

 

ભોપાલના ગેરકાયદે શેલ્ટર હોમમાંથી 26 કિશોરીઓ ગાયબ

ભોપાલઃ મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં વગર મંજૂરીએ ચાલી રહેલા બાલિકાગૃહમાંથી 26 કિશોરીઓ ગાયબ થઈ છે. આ કિશોરીઓ ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન સિવાય મધ્ય પ્રદેશના સિહોર, રાયસેન, છીંદવાડા અને બાલાઘાટની નિવાસી હતી. વગર મંજૂરી બાલિકા ગૃહ ચલાવવાને મામલે પોલીસે FIR નોંધી છે.

રાષ્ટ્રીય બાલ પંચનાં અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ આ મામલે મધ્ય પ્રદેશનાં મુખ્ય સચિવ વીરા રાણાને પત્ર પણ લખ્યો છે. ભોપાલના પરવલિયા પોલીસ સ્ટેશનમાં આ ગેરકાયદે બાલિકા ગૃહ ચલાવવામાં આવતું હતું. ભોપાલના NGOની હોસ્ટેલ (ચિલ્ડ્રન્સ હોમ)થી કિશોરીઓના ગાયબ થયા પછી વિવાદ શરૂ થયો છે.

કાનૂનગોએ ભોપાલના બાલિકા હોસ્ટેલની મુલાકાત લીધી અને જ્યારે રજિસ્ટર ચેક કર્યું, ત્યારે તેમાંથી 68 કિશોરીઓની એન્ટ્રી હતી, પરંતુ તેમાંથી 26 કિશોરીઓ ગાયબ હતી. જ્યારે ચિલ્ડ્રન્સ હોમના સંચાલક અનિલ મેથ્યુને ગાયબ કિશોરીઓ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેઓ સંતોષજનક જવાબ નહોતા આપી શક્યા, જે પછી પોલીસને માહિતી આપવામાં આવી. FIR મુજબ કિશોરીઓ માટે સંચાલિત આ ચિલ્ડ્રન્સ હોમમાં કેટલીય અનિયમિતતાઓ મળી છે.

કાનૂનગોએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે ભોપાલમાં રાજ્ય બાળ પંચના અધ્યક્ષ અને સભ્યોએ એક મિશનરી દ્વારા સંચાલિત ગેરકાયદે બાળ ગૃહની તપાસ કરી હતી. જે બાળકો રસ્તાથી રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં, એની માહિતી સરકારને આપ્યા વગર અને વગર લાઇસન્સે બાલિકાગૃહ ચલાવવામાં આવતું હતું અને અહીં ખ્રિસ્તી ધાર્મિક પ્રેક્ટિસ કરવામાં આવતી હતી. આ બાલિકા ગૃહમાં છ વર્ષથી 18 વર્ષ સુધીની 40 યુવતીઓમાં મોટા ભાગની હિન્દુ હતી.

આ મામલે મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને આ વિશે તપાસ કરવાની માગ કરી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

ચાર્જશીટમાં ભૂપેશ બઘેલનું નામ આવતાં ભાજપ, કોંગ્રેસ સામસામે

નવી દિલ્હીઃ સટ્ટાબાજી માટે ચર્ચિત મહાદેવ બેટિંગ એપ મામલે EDની ચાર્જશીટમાં છત્તીસગઢના ભૂતપૂર્વ CM ભૂપેશ બઘેલનું પણ નામ સામેલ છે. આ મામલામાં ધરપકડ કરવામાં આવેલા આરોપી અસીમ દાસે દાવો કર્યો હતો કે વિધાનસભાની ચૂંટણી પહેલાં ભૂતપૂર્વ CM ભૂપેશ બઘેલને બેટિંગ એપના પ્રમોટર્સ તરફથી કુલ રૂ. 508 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. જોકે ભૂતપૂર્વ CMએઆ દાવાઓનું ખંડન કર્યું હતું.

મહાદેવ સટ્ટા એપ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટમાં ભૂતપૂર્વ CM ભૂપેશ બઘેલનું નામ આવતાં જ છત્તીસગઢના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. આ મામલે બંને પાર્ટીઓના નેતાઓ આમનેસામને આવી ગયા છે. ભાજપે છત્તીસગઢની જનતાના પૈસાને લૂંટવાનો ભૂતપૂર્વ CM પર આરોપ લગાવ્યા હતા, જ્યારે કોંગ્રેસે પણ એને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું હતું.

છત્તીસગઢના ભાજપના પ્રવક્તા અનુરાગ અગ્રવાલે કહ્યું હતું કે ભૂપેશ બઘેલે છત્તીસગઢના સામાન્ય લોકોના જે રૂ. 508 કરોડ મહાદેવ એપને નામે લૂંટ્યા છે, એનો હિસાબ તમારે જનતાને આપવો પડશે. એ પછી ભલે PSC કૌભાંડ હોય, દારૂ કૌભાંડ હોય અથવા અન્ય.

છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ કમિટીના સંચાર પ્રમુખ સુશીલ આનંદ શુકલાએ કહ્યું હતું કે ED તપાસ એજન્સી નહીં બલકે ભાજપ ષડયંત્રકારી એજન્સી બની ગઈ છે. અસીમ દાસેકોર્ટની સામે નિવેદન આપ્યું હતું કે EDએ એના હસ્તાક્ષર કરાવ્યા હતા. હવે એ નિવેદનને ED ખોટું ઠેરવી રહી છે. નિષ્પક્ષ તપાસમાં એ સ્પષ્ટ થઈ જશે કે બઘેલ નિર્દોષ છે.

 

 

 

ઉત્તર ભારતનાં રાજ્યોમાં કાતિલ ઠંડીઃ ગાઢ ધુમ્મસનું એલર્ટ

નવી દિલ્હીઃ  ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. લોકોનું ઘરથી બહાર જવાનું મુશ્કેલ થઈ ગયું છે.  હવામાન વિભાગે કેટલાંક રાજ્યો માટે ‘કોલ્ડ ડે’ વોર્નિંગ જારી કરી છે અને હજી ઠંડી વધવાના અણસાર છે. દિલ્હી, સહિત રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કોલ્ડ વેવની સંભાવના છે. 

આ રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની આગાહી છે. આગામી બે દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં દિવસ અને રાત્રે ભારેથી અતિ ભારે ધુમ્મસ છવાઇ જવાની આગાહી કરી છે. દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. પાલમ વિસ્તારમાં સવારે આઠ કલાકે વિઝિબિલિટી 50 મીટર નોંધાઇ હતી. જે ભારે ધુમ્મસનો સંકેત આપે છે. ખરાબ વિઝિબિલિટીને કારણે 22 ટ્રેનોની અવર-જવરમાં વિલંબ થયો છે.

હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં પંજાબ, હરિયાણા-ચંડીગઢ- દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાન તેમજ પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં તાપમાન 6થી 10 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું હતું.

‘આગામી 2 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં કોલ્ડ વેવની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે. અને ત્યારબાદ તેમાં નોંધપાત્ર ઘટાડો થશે’ તેમ હવામાન વિભાગે એક્સ પર લખ્યું છે. છથી નવ જાન્યુઆરી સુધી અનેક ચોક્કસ સ્થળોએ સવારે ગાઢ ધુમ્મસની સંભાવના છે. આ ઉપરાંત પશ્ચિમી મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, આસામમાં છથી આઠ તારીખ સુધી ધુમ્મસવાળું વાતાવરણ રહેશે.

અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાં ઠંડીનો પારો ગગડ્યો હતો. એક દિવસમાં આશરે 1-2 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. નલિયામાં ઠંડી 10 ડિગ્રીની નીચે ઉતરીને 9 ડિગ્રીએ પહોંચી હતી. સમગ્ર ગુજરાતમાં કોલ્ડ વેવના કારણે કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા હતા.

 

 

 

 

પરિક્ષા પે ચર્ચાઃ આ વખતે રેકોર્ડ બ્રેક એક કરોડ અરજીઓ આવી

આ વર્ષના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ માટે રેકોર્ડ અરજીઓ પ્રાપ્ત થઈ છે. અત્યાર સુધીમાં, 1 કરોડથી વધુ ઉમેદવારો, શિક્ષકો અને માતાપિતાએ આ કાર્યક્રમનો ભાગ બનવા માટે અરજી કરી છે. જો કે, નોંધણીની છેલ્લી તારીખ આવવામાં હજુ સમય છે. જો તમે પણ આમાં ભાગ લેવા માંગતા હોવ તો છેલ્લી તારીખ પહેલા ફોર્મ ભરી શકો છો. ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ 2024 માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2024 છે. 11મી ડિસેમ્બરથી રજીસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે.

આ તારીખે કાર્યક્રમ યોજાશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 29 જાન્યુઆરી 2024ના રોજ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન દિલ્હીના ભારત મંડપમ સ્ટેડિયમમાં કરવામાં આવશે. પીએમ મોદી સવારે 11 વાગ્યાથી વિદ્યાર્થીઓને સંબોધિત કરશે અને પછી તેમના પ્રશ્નોના જવાબ આપશે. આ સમય દરમિયાન, વાલીઓ, ઉમેદવારો, શિક્ષકો બધા તેમના પ્રશ્નો રજૂ કરશે.

ઓનલાઈન પણ સામેલ કરવામાં આવશે

આ કાર્યક્રમમાં ભૌતિક વિદ્યાર્થીઓ ભાગ લેશે ત્યારે મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન પણ ભાગ લેશે. દેશના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ આ કાર્યક્રમનો ભાગ બનશે. આ સમય દરમિયાન, પરીક્ષાને લગતા ઘણા મુદ્દાઓ જેમ કે તણાવ, પરિણામ, ભવિષ્ય વગેરે પર ખુલ્લેઆમ ચર્ચા કરવામાં આવશે. પરીક્ષાને લગતા તણાવને ઘટાડવા માટે આ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

ઘણા ઉમેદવારો ભાગ લેશે

પીએમ મોદી સાથે હોલમાં લગભગ 4000 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમનો ભાગ બનશે. જો તમે પણ આ પ્રોગ્રામનો ભાગ બનવા માંગતા હોવ તો તમે આ પોર્ટલ – innovateindia1.mygov.in પર તમારી જાતને નોંધણી કરાવી શકો છો. અહીંથી તમને પ્રોગ્રામ વિશે વિગતવાર માહિતી પણ મળશે.

કેવી રીતે નોંધણી કરવી

  • નોંધણી કરવા માટે પ્રથમ સત્તાવાર વેબસાઇટ એટલે કે innovateindia1.mygov.in પર જાઓ.
  • અહીં પરિક્ષા પે ચર્ચા 2024 નામની કૉલમ શોધો અને તેના પર ક્લિક કરો.
  • આમ કરવાથી એક નવી વિન્ડો ખુલશે. તમારા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી દ્વારા આ પર લોગઈન કરો.
  • હવે જે પેજ ખુલે છે તેના પર જાઓ, ફોર્મ ભરો અને સબમિટ કરો.
  • હવે કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો.

પાર્ટનરે રૂ. 15 કરોડની છેતરપિંડી કરતાં MS ધોનીએ કર્યો  કેસ

નવી દિલ્હીઃ દિગ્ગજ ક્રિકેટ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ અરકા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા વિશ્વાસ વિરુદ્ધ રાંચીની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. દિવાકરે વિશ્વ સ્તરની એક ક્રિકેટ એકેડમીની સ્થાપના માટે 2017માં ધોની સાથે કરાર કર્યો હતો. તે તેની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ ગયો છે. ધોનીએ રૂ. 15 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

આ કરારમાં અરકા સ્પોર્ટ્સ ફ્રેન્ચાઇઝ ફી ચૂકવવા અને નફો શેર કરવા માટે બંધાયેલા હતા, પરંતુ તેમ કરવામાં આવ્યું ન હતું. ઘણા પ્રયત્નો છતાં કરારના નિયમો અને શરતોની અવગણના કરવામાં આવી હતી. પરિણામે મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2021ના રોજ અરકા સ્પોર્ટ્સને આપેલો ઓથોરિટી લેટર રદ કર્યો હતો.આ સિવાય મહેન્દ્ર સિંહ ધોની વતી અરકા સ્પોર્ટ્સને ઘણી કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. રિપોર્ટ પ્રમાણે વિધિ એસોસિએટ્સના માધ્યમથી ધોનીનું પ્રતિનિધિત્વ કરનાર દયાનંદ સિંહે દાવો કર્યો છે કે અરકા સ્પોર્ટ્સે તેમની સાથે છેતરપિંડી કરી છે. જેના કારણે રૂ. 15 કરોડથી વધુનું નુકસાન થયું છે.

મહેન્દ્ર સિંહ ધોની તાજેતરમાં દુબઈમાં પોતાનું નવું વર્ષ વિતાવ્યા બાદ સ્વદેશ પરત ફર્યો હતો. ધોની તેના પરિવાર અને મિત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. પ્રવાસ દરમિયાન ધોની સાથે ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પણ જોવા મળ્યો હતો. ધોનીએ દુબઈમાં તેના મિત્રો અને પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી પણ કરી હતી.

 

 

 

 

 

 

યશજીએ પૂનમની ચાંદ જેવી સુંદરતા ઓળખી

પૂનમ ધિલ્લોનનો વિચાર ક્યારેય અભિનયમાં આવવાનો ન હતો. એ અમસ્તી જ ગ્લેમરની દુનિયામાં આવી હતી. જ્યાં યશ ચોપડાએ એની ચાંદ જેવી સુંદરતા ઓળખીને ફિલ્મોમાં આવવા મનાવી લીધી હતી. પૂનમ સ્કૂલમાં ભણતી હતી ત્યારે એની બહેનપણીઓ સાથે સૌંદર્ય પ્રતિયોગિતા જોવા જવાનો વિચાર કર્યો હતો. ફેશન શૉ જોવાની પણ ઈચ્છા હતી. કારણ વગર ત્યાં જઇ શકાય એમ ન હતું. એટલે સૌંદર્ય સ્પર્ધામાં શોખ ખાતર ભાગ લેવાનું નક્કી કર્યું. પૂનમને ખબર ન હતી કે એ જીતી જવાની છે. ચંદીગઢમાં રહેતી પૂનમે પરિવારમાં કોઈને જાણ કરી ન હતી કે એ ‘મિસ દિલ્હી’ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લઈ રહી છે.

ક્યારેય સાડી ન પહેરનાર પૂનમે માસીની સાડી મેળવીને પહેરી હતી અને જાતે જ મેકઅપ કર્યો હતો. છતાં પસંદ થઈ ગઈ અને ભાગ લીધો. એ ૧૬ વર્ષની હોવાથી ‘મિસ યંગ ઈન્ડિયા’ માં ભાગ લઈ શકે એમ હતી. ૧૮ વર્ષની ઉંમરની છોકરીઓ જ ‘મિસ ઈન્ડિયા’ માં ભાગ લઈ શકતી હતી. પૂનમ ‘મિસ દિલ્હી’ સ્પર્ધા જીતી ત્યારે ડરી ગઈ હતી. કેમકે મજાક- મસ્તીમાં જ ભાગ લીધો હતો. જોકે, પછી પરિવારે એના શોખને સ્વીકારી લીધો હતો અને એને ‘મિસ યંગ ઈન્ડિયા’ સ્પર્ધા જીતવામાં સાથ આપ્યો હતો. પૂનમ જીત્યા પછી અખબારોમાં એની તસવીરો આવી હતી. જે યશજીએ જોઈ હતી. પંજાબ યુનિવર્સિટીના બળવંત ગાર્ગી થિયેટર પ્રવૃત્તિ કરતા હતા. યશ ચોપડા એમને જાણતા હતા. એમના મારફત સંદેશો મોકલાવ્યો. પૂનમની માતાએ કોલેજની અનેક ડિગ્રી મેળવી હતી એટલે બળવંત એમને પણ જાણતા હતા. એમણે કહ્યું કે નિર્દેશક યશ ચોપડાએ પૂનમની તસવીર જોઈ છે અને એ ફિલ્મ ‘ત્રિશૂલ’ (૧૯૭૮) બનાવી રહ્યા છે એમાં લેવા માગે છે.

પૂનમના પરિવારને આ વાતથી નવાઈ લાગી હતી. પૂનમ જ નહીં ઘરમાં કોઈ ફિલ્મ જોતું ન હતું અને એમના પરિવારમાંથી કોઈએ ફિલ્મોમાં કામ કર્યું ન હતું. પિતા એરફોર્સમાં હોવાથી દૂર પોસ્ટિંગ થતું હતું અને માતા અભ્યાસ વધુ કરતાં હતા. એટલે પહેલાં તો ચોખ્ખી ના પાડી દીધી હતી કે એ ફિલ્મોમાં કામ કરશે નહીં. પરંતુ યશજી પૂનમને જ લેવા માગતા હતા. યશજીએ એક વખત મળવાનો આગ્રહ કરી બોલાવ્યા. અને પિતાને સમજાવતા કહ્યું કે અમે દિલ્હીમાં એક મહિનામાં જ શુટિંગ નિપટાવી લઈશું. પૂનમે મુંબઈ આવવાની પણ જરૂર પડશે નહીં. યશજીએ પૂનમને પૂછ્યું કે તો પછી તું કેમ ફિલ્મમાં કામ કરવા માગતી નથી? પૂનમે કહ્યું કે તે અભ્યાસ કરવા માગે છે. યશજીએ એને સમજાવ્યું કે વેકેશનમાં શૂટિંગ કરીશું એટલે અભ્યાસ પણ બગડશે નહીં. આખરે પૂનમ અને એનો પરિવાર માની ગયો.

પૂનમે અભિનયમાં કારકિર્દી બનાવવાનું વિચાર્યું ન હતું. શોખ ખાતર રજાઓમાં એક ફિલ્મ કરી પાછા અભ્યાસમાં લાગી જવાનું નક્કી કર્યું હતું. ‘ત્રિશૂલ’ પૂરી થઈ ગઈ અને પૂનમે કોલેજમાં પ્રવેશ મેળવી લીધો ત્યારે યશજી નવી ફિલ્મ ‘નૂરી’ (૧૯૭૯) નું આયોજન કરી રહ્યા હતા. એમાં પણ કામ કરવાની ઓફર કરી. પૂનમે એક જ ફિલ્મ કરવા માગતી હોવાનું જણાવી ના પાડી દીધી. યશજીએ નામ આપીને કહ્યું કે એમના બેનરમાં આ ફિલ્મ કરવા બીજી ઘણી અભિનેત્રીઓ વિનંતી કરી રહી છે પણ એ ભૂમિકામાં મને તું જ યોગ્ય લાગે છે. ત્યારે પૂનમને લાગ્યું કે ફિલ્મ મહત્વની છે પણ ફરી પ્રશ્ન અભ્યાસનો આવતો હતો. યશજીએ કહ્યું કે એક-દોઢ મહિનામાં ફિલ્મ પૂરી થઈ જશે અને પછી તું તારો અભ્યાસ કરી શકશે. ‘ત્રિશૂલ’ પછી ‘નૂરી’ પણ સફળ થઈ ગઈ એટલે રાજ કપૂર યશજીને મળ્યા અને કહ્યું કે તમે એને કરારમાંથી છૂટી કરી દો. હું એને ‘આર.કે.’ બેનરની હીરોઈન બનાવવા માગું છું. યશજીએ કરારમાંથી મુક્ત ના કરી પણ એમની ‘બીવી ઓ બીવી’ (૧૯૮૦) માં કામ કરવાની રજા આપી હતી. પૂનમ ફિલ્મો સાથે પોતાનો કોલેજનો અભ્યાસ ચાલુ રાખી સ્નાતક પણ થઈ હતી.

કોરાનાના 774 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ  JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 12 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 619 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 199 કેસો નોંધાયા છે અને  કેરળમાં 148 કેસ નોંધાયા છે.  આ સાથે ગોવામાં 47, ગુજરાતમાં 36, મહારાષ્ટ્રમાં 110, તામિલનાડુમાં 26,આંધ્ર પ્રદેશમાં 30, દિલ્હીમાં 15 અને રાજસ્થાનમાં ચાર કેસ નોંધાયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 774 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,16,604 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.દેશમાં અત્યાર સુધી 5,33,382 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,79,804 લોકો માત આપી ચૂક્યા છે.

પાછલા 24 કલાકમાં 838 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4187 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,81,345 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 2264 લોકોને રસી આપવામાં આવી હતી. દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

લોકોને નવા વર્ષની સલામત ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક પહેરવા અને હાથ સાફ કરવા જેવી સાવચેતીઓનું પાલન કરવું જોઈએ.

 

 

 

 

 

 

 

IND vs AUS: ભારતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ T20 મેચમાં 9 વિકેટથી હરાવ્યું

સતત 3 મેચમાં કારમી હાર બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને આખરે ઓસ્ટ્રેલિયા સામે જીત મળી છે. હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ વર્તમાન વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને પ્રથમ T20 મેચમાં એકતરફી ફેશનમાં 9 વિકેટથી હરાવ્યું હતું. મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા જે રીતે મેચ જીતી તે રીતે માત્ર ઓસ્ટ્રેલિયા જ નહીં, ભારતીય ટીમ અને તેના પ્રશંસકોને પણ અપેક્ષા નહીં હોય. બે યુવા ખેલાડીઓ આ શાનદાર જીતના મુખ્ય પાત્રો સાબિત થયા – શેફાલી વર્મા અને તિતાસ સાધુ.

શુક્રવાર, 5 જુલાઈએ ટી20 શ્રેણીની પ્રથમ મેચમાં, ભારતે શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના વચ્ચે 137 રનની વર્લ્ડ રેકોર્ડ ભાગીદારીના આધારે 18મી ઓવરમાં 142 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. સ્મૃતિ અને શેફાલીએ જોરદાર અડધી સદી ફટકારી હતી. જોકે, આ જીતનો પાયો 19 વર્ષના મધ્યમ ઝડપી બોલર તિતાસ સાધુએ નાખ્યો હતો, જેણે 4 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની મોટા સ્કોર સુધી પહોંચવાની આશા ખતમ કરી નાખી હતી.

વનડે શ્રેણીમાં 0-3થી ખરાબ રીતે હારી ગયેલી ટીમ ઈન્ડિયા માટે ટી20 શ્રેણીમાં વાપસી કરવાનો મોટો અને મુશ્કેલ પડકાર હતો. જબરદસ્ત ફોર્મમાં દેખાતી ઓસ્ટ્રેલિયન ટીમ સામે આવું કરવાની આશા ઓછી હતી. છતાં પણ આવું થયું અને તેનું કારણ તિતાસ સાધુ હતા. અંડર-19 વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં તબાહી મચાવનાર તિટાસે આ મેચમાં પણ આ જ શૈલી બતાવી હતી અને તેની 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ટાઇટસે બેથ મૂની, તાહલિયા મગરા અને એશ્લે ગાર્ડનર જેવા વિસ્ફોટક બેટ્સમેનોનો સસ્તામાં સામનો કર્યો.

જોકે, અનુભવી ઓલરાઉન્ડર એલિસ પેરી અને યુવા બેટ્સમેન ફોબી લિચફિલ્ડે મજબૂત ભાગીદારી કરીને ટીમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે 79 રનની ભાગીદારી થઈ હતી જેને અન્ય યુવા બોલર અમનજોત કૌરે તોડી હતી. આ પછી દીપ્તિ શર્મા અને શ્રેયંકા પાટીલે નીચલા ક્રમને તબાહ કરી નાખ્યો અને ઓસ્ટ્રેલિયન ટીમ 19.2 ઓવરમાં 141 રનમાં સમેટાઈ ગઈ.

નાણાકીય વર્ષ 2023-24માં દેશનો GDP વૃદ્ધિ દર 7.3 ટકા રહેશે

ભારત 2024માં દુનિયાને પોતાની તાકાત બતાવશે. સામાન્ય ચૂંટણી પહેલા નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) એ દેશના જીડીપી ગ્રોથના આંકડા જાહેર કર્યા છે. આ હિસાબે દેશનો વિકાસ દર એટલો જબરદસ્ત હશે કે અર્થતંત્રમાં પુષ્કળ નાણાં વહી જશે. NSOના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં દેશનો GDP વૃદ્ધિ દર 7.3 ટકા રહેશે. જે 2022-23માં 7.2 ટકા કરતાં ઘણું વધારે છે. પ્રથમ વખત NSOએ દેશના જીડીપીને લઈને આવો અંદાજ જાહેર કર્યો છે.

જીડીપી લાખો કરોડની થશે

NSO અનુસાર, 2023-24 દરમિયાન વર્તમાન ભાવે GDPનું કદ 296.58 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ 2022-23ના કામચલાઉ અંદાજ કરતાં વધુ છે. ત્યારે જીડીપીનું કદ રૂ. 272.41 લાખ કરોડ હતું. આ કામચલાઉ ડેટા 31 માર્ચ 2023ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસનું કહેવું છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન ગયા નાણાકીય વર્ષમાં 1.3 ટકાની સરખામણીએ નાણાકીય વર્ષ 2023-24માં વધીને 6.5 ટકા થવાની ધારણા છે. તેવી જ રીતે, ચાલુ નાણાકીય વર્ષમાં ખાણકામ ક્ષેત્રની વૃદ્ધિ 8.1 ટકા રહેવાનો અંદાજ છે, જે 2022-23માં 4.1 ટકા હતો.

આરબીઆઈએ તેના ડેટામાં સુધારો કર્યો

NSO ના વાસ્તવિક જીડીપી અંદાજમાં વધારો અપેક્ષિત હતો, કારણ કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પણ ગયા મહિને તેના GDP વૃદ્ધિ અંદાજમાં વધારો કર્યો છે. આરબીઆઈના મતે ચાલુ નાણાકીય વર્ષમાં 6.5 ટકાના બદલે 7 ટકાના દરે વૃદ્ધિ થવાની ધારણા છે. જો આપણે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના આંકડાઓ પર નજર કરીએ તો, ભારતની અર્થવ્યવસ્થા 7.6 ટકાના દરે વૃદ્ધિ પામી છે. જોકે, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તે 7.8 ટકાથી ઓછો હતો.

ભારત આજે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા

ભારત આજે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ભારત બ્રિટનની અર્થવ્યવસ્થાને પાછળ છોડીને આ સ્થાને પહોંચ્યું છે. 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની અપેક્ષા છે. મોદી સરકારની નીતિઓને કારણે દેશમાં સીધા વિદેશી રોકાણ (FDI)માં વધારો થયો છે. છેલ્લા 9 વર્ષમાં તે 615.73 બિલિયન ડોલર થઈ ગયું છે. ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં પણ ઝડપથી વધારો થયો છે. આજે તે 620.44 અબજ ડોલરના સ્તરે પહોંચી ગયો છે.