Home Blog Page 2159

તિમોર-લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે વડા પ્રધાનની બેઠક

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે છે. તેમણે આ દરમ્યાન પહેલા દિવસે ગાંધીનગરમાં  તિમોર-લેસ્ટેના રાષ્ટ્રપતિ જોસ રામોસ-હોર્ટા સાથે દ્વિપક્ષી બેઠક કરી હતી. વડા પ્રધાન ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદઘાટન કરશે.

તિમોર-લિસ્ટેના રાષ્ટ્રપ્રમુખ ડો. જોસ રામોસ હોર્ટા 8-10 જાન્યુઆરી, 2024 દરમિયાન ગાંધીનગરમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ હોર્ટા આજે ગાંધીનગરમાં મળ્યા હતા. વડા પ્રધાને રાષ્ટ્રપતિ હોર્ટા અને તેમના પ્રતિનિધિમંડળને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉષ્માસભર આવકાર આપ્યો હતો, જે બંને દેશો વચ્ચે સૌપ્રથમ વાર રાજ્યના વડા કે સરકારી સ્તરની મુલાકાત છે. પ્રધાનમંત્રીએ જીવંત “દિલ્હી-દીલી” જોડાણનું નિર્માણ કરવાની ભારતની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. સપ્ટેમ્બર 2023માં, તેમણે દેશમાં ભારતીય મિશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ક્ષમતા નિર્માણ, માનવ સંસાધન વિકાસ, આઇટી, ફિનટેક, ઊર્જા અને પરંપરાગત ચિકિત્સા અને ફાર્મા સહિત હેલ્થકેરમાં તિમોર-લેસ્ટેને સહાયની ઓફર કરી હતી. તેમણે તિમોર-લેસ્ટને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ) અને કોએલિશન ફોર ડિઝાસ્ટર રેસિલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઈ)માં જોડાવા આમંત્રણ પણ આપ્યું હતું.

તેમણે તિમોર-લેસ્ટને તેના 11માં સભ્ય તરીકે સ્વીકારવાના આસિયાનના સૈદ્ધાંતિક નિર્ણય બદલ રાષ્ટ્રપતિ હોર્ટાને અભિનંદન પાઠવ્યા હતા અને ટૂંક સમયમાં જ સંપૂર્ણ સભ્યપદ પ્રાપ્ત કરવાની આશા વ્યક્ત કરી હતી.

રાષ્ટ્રપતિ હોર્ટાએ સમિટમાં સહભાગી થવાનું આમંત્રણ આપવા બદલ વડા પ્રધાનનો આભાર માન્યો હતો. તેમણે ભારતની વિકાસલક્ષી પ્રાથમિકતાઓ પૂર્ણ કરવા, ખાસ કરીને આઇટીમાં હેલ્થકેર અને ક્ષમતા નિર્માણનાં ક્ષેત્રોમાં, ભારત પાસેથી ટેકો માગ્યો હતો.

બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિકમાં પ્રાદેશિક મુદ્દાઓ અને વિકાસ પર પણ ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ હોર્ટાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સદસ્યતા માટે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું હતું. બંને નેતાઓએ બહુપક્ષી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સહકાર જાળવી રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. વડા પ્રધાને વોઇસ ફ ગ્લોબલ સાઉથ સમિટનાં બે સંસ્કરણોમાં તિમોર-લેસ્ટેની સક્રિય ભાગીદારીની પ્રશંસા કરી હતી. તેઓ સંમત થયા હતા કે વૈશ્વિક દક્ષિણના દેશોએ વૈશ્વિક મુદ્દાઓ પર તેમની સ્થિતિનો સમન્વય કરવો જોઈએ.

ભારત અને તિમોર-લેસ્ટે વચ્ચેના દ્વિપક્ષી સંબંધો લોકશાહી અને અનેકતાના સહિયારા મૂલ્યો સાથે જોડાયેલા છે. ભારત 2002માં તિમોર-લેસ્ટે સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરનાર પ્રથમ દેશોમાંનો એક હતો.

 

 

 

 

 

 

ભારતના વિરોધ પછી મુઇજ્જુ કૂણા પડ્યાઃ દિલ્હી આવવાની શક્યતા

નવી દિલ્હીઃ ભારતથી પંગો લઈને માલદીવે મુસીબત વહોરી લીધી છે. સોશિયલ મિડિયા પર બોયકોટ માલદીવના ટ્રેન્ડથી ત્યાંની સરકારને બેકફૂટમાં મૂકી દીધી છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ સંબંધોમાં આવેલા ટેન્શનને ઓછો કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે.

દ્વિપક્ષી દેશના અર્થતંત્રનો મોટો હિસ્સો ટુરિઝમ પર નિર્ભર કરે છે અને ભારતથી આવનારા પર્યટકો, ફિલ્મોના શૂટિંગ વગેરેનો મોટો હિસ્સો હોય છે.હાલ ચીનની યાત્રા પર ગયેલા રાષ્ટ્રપતિ મુઇજ્જુ સંબંધોમાં આવેલી ખટાશને દૂર કરવા માટે ભારતની મુલાકાત લેવા ઇચ્છે છે. મિડિયા અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે એ માટે પ્રસ્તાવ પણ મોકલ્યો છે. અત્યાર સુધી પરંપરા ચાલી આવી રહી હતી કે માલદીવના રાષ્ટ્રપતિ સત્તા સંભાળ્યા પછી સૌથી પહેલાં ભારતની યાત્રા કરતા હતા. બંને દેશો વચ્ચે ગાઢ કૂટનીતિના સંબંધ છે. મોહમ્મદ મુઇજ્જુને ચીનના સમર્થક કહેવામાં આવે છે. તેઓ ગયા વર્ષે નવેમ્બરમાં પદભાર સંભાળ્યા પછીસતત બીજિંગ માટે પોતાની વફાદારી જારી કરતા રહે છે. સત્તામાં આવ્યા પછી તેઓ તુર્કી, સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લઈ ચૂક્યા છે. હાલ તેઓ ચીનની યાત્રા પર છે.

માલદીવનાં મહિલા મંત્રી મરિયમ શિઉના દ્વારા વડા પ્રધાન મોદીના સોશિયલ મિડિયા પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી પછી માલદીવ સરકારને ભૂલનો અહેસાસ થયો છે. હવે માલદીવના વડા પ્રધાન ભારતની મુલાકાત લેવા ઇચ્છે છે.

 

 

 

 

દૂબળો જોઈને લડવું નહીં ને તગડો જોઈને ડરવું નહીં

દૂબળો જોઈને લડવું નહીં ને તગડો જોઈને ડરવું નહીં

 

માણસની શારીરિક ક્ષમતાનો આધાર એનું વજન કેટલું છે, એ કેવો તગડો અને જાડોપાડો છે એના પર નથી. કસરતી શરીર કસાયેલું હોય એટલે પ્રમાણમાં દૂબળું હોય પણ શક્તિનો ભંડાર હોય.

આમ, તમારા પ્રતિસ્પર્ધીની તાકાત એ કેટલો તગડો છે એના પર નહીં પણ એની શારીરિક ક્ષમતા કેટલી છે તેના પર આધારિત છે. આ અર્થમાં ઉપરની કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

મહેશ ભટ્ટનું ‘અર્થ’પૂર્ણ ફિલ્મોથી ‘નામ’ થયું

અર્થ, સારાંશ, નામ, સડક, હમ હૈં રાહી પ્યાર કે, મર્ડર વગેરે ફિલ્મોથી નિર્દેશક તરીકે પોતાની એક અલગ છાપ છોડનાર મહેશ ભટ્ટ મજબૂરીમાં ફિલ્મ ક્ષેત્રમાં આવ્યા હતા અને નિર્દેશક બન્યા પછી એમની ફિલ્મોની રજૂઆતમાં બહુ અવરોધ આવ્યા હતા. પિતા નાનાભાઇ ભટ્ટ આમ તો બહુ મોટા નિર્માતા- નિર્દેશક રહ્યા હતા. લવ કુશ, મિ.એક્સ, કંગન વગેરે ઘણી ફિલ્મો બનાવી હતી. પરંતુ એમનો ખરાબ સમય આવ્યો ત્યારે ઘર-પરિવાર નબળી આર્થિક સ્થિતિમાં હોવાથી માએ મહેશને કહ્યું હતું કે પિતાને કોઈ આવક આવતી ન હોવાથી તારે કામ કરવાનું શરૂ કરવું પડશે.

મહેશ નાનું – મોટું કામ કર્યા પછી 19 વર્ષની ઉંમરે નિર્દેશક રાજ ખોસલાની ફિલ્મ ‘દો રાસ્તે’ (1969) થી ‘પ્રોડકશન મેનેજર’ તરીકે જોડાયા હતા. ‘મેરા ગાંવ મેરા દેશ’ માં સહાયક નિર્દેશક રહ્યા હતા. માત્ર 21 વર્ષની ઉંમરે કબીર બેદી- પ્રેમા નારાયણની ફિલ્મ ‘મંઝીલે ઔર ભી હૈં’ (1974) થી નિર્દેશક તરીકે તક મળી હતી. પરંતુ પહેલી ફિલ્મ સેન્સરમાં એવી ફસાઈ ગઈ કે રજૂ થતાં એક વર્ષ લાગ્યું હતું. બે ગેંગસ્ટર અને વેશ્યાની વાર્તાનો ફિલ્મનો વિષય એ સમય પર લોકોને આંચકો આપે એવો હતો. લગ્નની જે પ્રથા છે એને નુકસાન પહોંચાડે એવો વિષય હોવાનું જણાવી સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જારી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. તેથી ફિલ્મમાં ફેરફાર કરીને સેન્સરમાં પાસ કરાવ્યા પછી રજૂ કરવામાં આવી હતી પણ ચાલી નહીં. એ પછી લહૂ કે દો રંગ વગેરે મળી ચાર ફિલ્મો કરી એ ફ્લોપ રહી.

મહેશની નિર્દેશક તરીકેની કારકિર્દી લગભગ પૂરી જ થઈ ગઈ હતી. દીપક મહાન સાથેની મુલાકાતમાં  કારકિર્દી વિષે વાત કરતી વખતે એમણે સ્વીકાર્યું હતું કે ફિલ્મો ના ચાલી એના માટે પોતે જ જવાબદાર હતા. એમણે આત્મમંથન કર્યું અને પછીની ફિલ્મમાં સ્ક્રીપ્ટનું નેરેટિવ બદલવાનું નક્કી કર્યું. જોકે, બીજી ચાર ફિલ્મો લોકપ્રિય અને સફળ ના થઈ ત્યાં સુધી મહેશનું નિર્દેશક તરીકે નામ ના થયું. ત્યારે ગોવિંદ નિહલાની, શ્યામ બેનેગલ વગેરેની નાના બજેટની અને વાસ્તવિક ફિલ્મોથી એક નવા સિનેમાનો જન્મ થઈ ચૂક્યો હતો. એમણે એમાં જોડાઈને પોતાના જ જીવન પરના પ્રસંગોને આવરી લઈ ‘અર્થ’ (1982) બનાવી.

આ ફિલ્મ એના અંતને કારણે એક વર્ષ સુધી રજૂ થયા વગર પડી રહી હતી. વિતરકોએ એમ કહીને ના પાડી દીધી હતી કે ભારતમાં આવો અંત કોઈ સ્વીકારી શકે નહીં. મહેશ ભટ્ટ જીદ પર અડી રહ્યા કે ફિલ્મ બની ગઈ છે એટલે હવે એ પ્રમાણે જ રજૂ થશે. નિર્માતા કુલજીત પાલનો પણ સહયોગ મળ્યો અને આખરે એ જ અંત સાથે ફિલ્મ રજૂ થઈ. ‘તુમ ઇતના જો મુસ્કુરા રહે હો’ જેવા જગજીત સિંહના સ્વરના ગઝલનુમા ગીતોએ ધૂમ મચાવી અને શબાના, સ્મિતા, કુલભૂષણ જેવા કલાકારોને લીધે ફિલ્મ પસંદ કરવામાં આવી. ફિલ્મફેર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ નિર્દેશક તરીકે મહેશ ભટ્ટનું નામાંકન થયું હતું પણ એનાથી દામ ના મળ્યા. ત્યાર બાદ સારાંશ (૧૯૮૪), ટેલી ફિલ્મ જનમ (૧૯૮૫) અને વ્યાવસાયિક રીતે સફળ ફિલ્મ ‘નામ’ (૧૯૮૬) આવી. ‘નામ’ પછી મહેશ ભટ્ટની આર્થિક સ્થિતિ સધ્ધર થઈ હતી અને નિર્દેશક તરીકે પણ એક અલગ સ્થાન બનાવી શક્યા હતા.

(આવતા અંકમાં જરૂર વાંચો: મહેશ ભટ્ટને ‘સારાંશ’ કેવી રીતે મળી અને એમાં યુવાન અનુપમ ખેરે વૃધ્ધની ભૂમિકા કેવી રીતે મેળવી એની રસપ્રદ અને અજાણી માહિતી!)

કોરાનાના 625 નવા કેસો, છનાં મોત

નવી દિલ્હીઃ દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ  JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 12 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 665 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 199 કેસો નોંધાયા છે અને  કેરળમાં 148 કેસ નોંધાયા છે.  આ સાથે ગોવામાં 47, ગુજરાતમાં 36, મહારાષ્ટ્રમાં 139, તામિલનાડુમાં 26,આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં 30, દિલ્હીમાં 21 અને ઓડિશામાં ચાર કેસ નોંધાયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 625 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે છ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,16,604 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.દેશમાં અત્યાર સુધી 5,33,402 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,81,893 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 838 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3919 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,81,859 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 203 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

લોકોને નવા વર્ષની સલામત ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક પહેરવા અને હાથ સાફ કરવા જેવી સાવચેતીઓનું પાલન કરવું જોઈએ.

 

 

 

 

 

 

 

વાયબ્રન્ટના કારણે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો બદલાઇ

અમદાવાદમાં વાયબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાત યુનિવર્સિટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાયબ્રન્ટ ગુજરાતના કારણે 9 અને 10 તારીખે યોજનાર પરીક્ષામાં ફેરફાર કરાયો છે. ટ્રાફિક વ્યવસ્થાને લઈને 9 અને 10 તારીખની પરીક્ષા હવે 17 અને 18 તારીખે લેવામાં આવશે.

આ અંગે ગુજરાત યુનિવર્સિટીના પરિપત્ર મુજબ, ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, લો, એજ્યુકેશન વિદ્યાશાખાના આચાર્ય, ભવનના અધ્યક્ષ, માન્ય અનુસ્તાનક કેન્દ્રોના અધ્યક્ષોને જણાવવામાં આવે છે. વાયબ્રન્ટ ગુજરાતના આયોજનના અનુસંધાને ટ્રાફિક વ્યવસ્થાને લઈ વિદ્યાર્થીના હિતમાં 9 અને 10 મી તારીખની પરીક્ષા હવે 17 અને 18 તારીખે લેવામાં આવશે.

આ સિવાયની બાકીની તમામ પરીક્ષાઓ રાબેતા મુજબ લેવાશે. આ પરીક્ષામાં ટ્રાફિક સમસ્યાના કારણે વિદ્યાર્થી મોડો પહોંચે તો પરીક્ષા કંટ્રોલ રૂમને જાણ કરવાથી પરીક્ષા આપવા દેવામાં આવશે. તેમજ અમદાવાદમાં વિવિધ રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

મણિપુરમાં મંજૂરી ન મળતા કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા પર સંકટ

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા પર સંકટના વાદળો છવાઈ રહ્યા છે. મણિપુર સરકારે તે મેદાન માટે મંજૂરી આપી નથી જ્યાંથી આ યાત્રા 14 જાન્યુઆરીએ શરૂ થવાની છે. હવે આ મામલે કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ કોઈ રાજકીય પ્રયાસ નથી અને યાત્રાનું રાજનીતિકરણ ન થવું જોઈએ.

 

નેતાઓ અઠવાડિયા પૂર્વે જ મણિપુર પહોંચ્યા

મળતી માહિતી મુજબ, એઆઈસીસીના મહાસચિવ કેસી વેણુગોપાલ સોમવારે ઈમ્ફાલ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ એઆઈસીસી મણિપુરના પ્રભારી ગિરીશ ચોડણકર, એમપીસીસી પ્રમુખ કે મેઘચંદ્ર, સીએલપી નેતા ઓ ઈબોબી, સીડબ્લ્યુસી સભ્ય ગાયખાંગમ અને અન્ય નેતાઓની આગેવાની હેઠળની ટીમ સાથે જમીનની યોગ્યતા આંકલન કરશે.

યાત્રાનું રાજનીતિકરણ ન કરો

કેસી વેણુગોપાલે મણિપુર સરકાર દ્વારા ગ્રાઉન્ડ ક્લિયરન્સ ન આપવા અંગે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ કોઈ રાજકીય રેલી નથી અને તેઓએ આ યાત્રાનું રાજનીતિકરણ કરવું જોઈએ. અમે મણિપુરનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે આ યાત્રા શરૂ કરી રહ્યા છીએ. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લા આઠ મહિનાથી પરેશાન મણિપુરના લોકોના ઘાને રુઝાવવાનો અને નફરત સામે પ્રેમનો સંદેશ ફેલાવવાનો છે.

પ્રવાસની તૈયારીમાં સમય લાગશે

જમીનની પરવાનગી ન મળી હોવા છતાં, પ્રથમ ગિરીશ ચોડણકર અને એમપીસીસીની ટીમ મુખ્ય સચિવને તેમના સચિવાલયમાં મળ્યા, જેમણે પણ મુખ્યમંત્રી સાથે વાતચીત કર્યા પછી સાંજ સુધીમાં જમીનની પરવાનગી અંગેનો અહેવાલ સુપરત કરવાનું વચન આપ્યું હતું. આ સંદર્ભે, ગિરીશ ચોડંકરે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે યાત્રાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને મુખ્યમંત્રીને પક્ષીય રાજકારણ કરતાં મણિપુરની શાંતિને પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે ફિલ્ડ ટ્રીપની તૈયારીમાં સમય લાગશે. તેથી સરકાર આજે જ પરવાનગી આપે તેવી અપેક્ષા છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

જીરા આલૂ

જ્યારે કોઈ શાક ઘરમાં ઉપલબ્ધ ના હોય તો સૌથી પહેલાં બટેટા જ ધ્યાનમાં આવે છે. હવે બાળકોનું ક્રિસમસ વેકેશન પૂરું થઈ ગયું છે. તો ટિફીન માટે પણ જીરા આલૂ બાળકોનું મનપસંદ શાક બની રહેશે!

સામગ્રીઃ

  • બાફેલા બટેટા 6
  • જીરુ 1-1½ ટે.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • સરસોં તેલ 2-3 ટે.સ્પૂન (અથવા શીંગ તેલ)
  • આખા ધાણા 1 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • હળદર પાઉડર ½ ટી.સ્પૂન
  • ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
  • ચીલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • કાળાં મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • ઓછા તીખાં લીલાં મરચાં 2
  • કસૂરી મેથી 1 ટી.સ્પૂન
  • આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
  • ગરમ મસાલો 1 ટી.સ્પૂન
  • કાળું મીઠું 2-3 ચપટી
  • ફુદીનાનો પાઉડર 1 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • કાળાં મરી પાઉડર ½ ટી.સ્પૂન

રીતઃ બાફેલા બટેટાને મોટાં ચોરસ ટુકડામાં સમારી લો. એક કઢાઈ અથવા ફ્રાઈ પેનમાં સરસોં તેલ ગરમ કરો. (જીરા આલૂ સ્વાદિષ્ટ બનાવવા માટે સરસોં તેલ સારું રહેશે, છતાં શીંગ તેલ પણ વાપરી શકાય છે)

આખા ધાણાને અધકચરા પીસી લો. આદુને ઝીણાં ચોરસ ટુકડામાં સમારી લો. લીલાં મરચાંના નાના ગોળ ટુકડામાં સુધારી લો.

તેલ ગરમ થયા બાદ તેમાં જીરાનો વઘાર કરી તરત આખા ધાણાનો ભૂકો પણ નાખીને 2 મિનિટ સાંતળવા દો. ત્યારબાદ તેમાં સમારેલાં બટેટા ઉમેરીને 2-3 મિનિટ સાંતળો.  ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું ઉમેરીને ફરીથી 3-4 મિનિટ થવા દો.

હવે તેમાં સમારેલા આદુ તેમજ લીલા મરચાં ઉમેરીને થોડીવાર સાંતળો અને હળદર પાઉડર, ધાણા પાઉડર, ચીલી ફ્લેક્સ, કાળાં મરી પાઉડર ઉમેરીને મસાલાને ચઢવા દો.

થોડીવાર બાદ તેમાં ગરમ મસાલો, આમચૂર પાઉડર, 2-3 ચપટી કાળું મીઠું ઉમેરીને તેમાં કસૂરી મેથી તેમજ ફુદીના પાઉડર નાખીને થોડીવાર સાંતળો ત્યારબાદ સમારેલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરીને તૈયાર જીરા આલૂ પરોઠા, રોટલી કે પુરી સાથે પીરસો.

૦૯ જાન્યુઆરી, ૨૦૨૪

૦૯ જાન્યુઆરી, ૨૦૨૪