ગાંધીનગરઃ ગુજરાતઓ વેપાર માટે મશહૂર છે, પણ ગુજરાતના મંચ પરથી મનોજ સિંહા જમ્મુ-કાશ્મીર માટે મૂડીરોકાણ લઈ ગયા છે. ગુજરાતીઓને મારી ઉત્તરમાં ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં મૂડીરોકાણ કરવાની વિનંતી છે. આપણે ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરી શકીએ છીએ, કેમ કે આપણા દેશનું હવામાન એ પ્રકકારનું છે, જે 2040 સુધીમાં 40 મિલિયન ડોલર પહોંચવાનો અંદાજ છે, એમ વાઇબ્રન્ટ ગુજરાતના સમાપન પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું. આ પ્રસંગે શાહે જણાવ્યું હતું કે હવે અમૃતકાળના સંકલ્પને પૂર્ણ કરવાની તક છે. ગુજરાત એ દેશનું મૂડીરોકાણ માટેનું સૌપ્રથમ સ્થળ છે. PM મોદીએ દેશને નવી દિશા આપી છે.
આ વખતની વાઇબ્રન્ટ સમિટમાં મૂડીરોકાણ વધ્યું છે. ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટું અર્થતંત્ર બનશે. MSMEને નવી ગતિ મળી છે. વિકસિત ભારતનો રસ્તો ગુજરાતથી પસાર થઈ રહ્યો છે. ગિફ્ટ સિટીની કલ્પના વાસ્તવિકતા બની ધરતી પર ઊતરી છે. વર્ષ 2047 પહેલાં જ વિકસિત ભારતનું સપનું સાકાર કરવાનું છે. ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બની જશે.
તેમણે જણાવ્યું હતું કે અમૃત કાર્ડની સૌથી પહેલી વાઇબ્રન્ટ ગુજરાતના સમારોહમાં ભાગીદાર થવા માટે સૌભાગ્યની વાત ગણાવી હતી. તેમણે કહ્યું કે હું પહેલી વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ હતો અને 10મીમાં પણ ઉપસ્થિત છું. આ 20 વર્ષમાં ગુજરાતના માધ્યમથી દેશના વિકાસનો પાયો નખાયો છે. વાઇબ્રન્ટ ગુજરાતના લક્ષને મોદીજીએ દિશા આપી છે.આ ઉપરાંત અમિત શાહે વાઇબ્રન્ટ ગુજરાતના સફળ આયોજન માટે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભકામનાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે ગુજરાત ભવિષ્યનું વિચારીને આગળ વધી રહ્યું છે.
ગાંધીનગરઃ ગુજરાતના સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અનુભૂતિ આપતાં વિવિધ મોડેલ્સ અને પ્રોજેકટ મુલાકાતીઓ રસપૂર્વક નિહાળી રહ્યા છે. ખાસ કરીને ભારતની સૌપ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની માહિતી મુલાકાતીઓ મેળવી રહ્યા છે. મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ કોરિડોર એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ પૂરઝડપે ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનના પેલિયનમાં એક સ્ટીમ્યુલેટર મૂકવામાં આવ્યું છે. જેમાં બેસીને બુલેટ ટ્રેન ચલાવવાનો પ્રત્યક્ષ અનુભવ મેળવી શકાય છે.
આ ઉપરાંત ડાયમંડ આકારમાં બનનારા સુરત રેલવે સ્ટેશન,અમદાવાદ રેલવે સ્ટેશન, બોરિંગ મશીનના વિવિધ મોડેલ્સ મુલાકાતઓ રસપૂર્વક રીતે નિહાળી તેની માહિતી મેળવી રહ્યા છે. ડોમ નંબર 10માં કોડી ટેક્નોલોજી લિમિટેડ અમદાવાદના પેવિલિયમમાં યુવાનોનો જમાવડો જોવા મળી રહ્યો છે.
આ સ્ટોલમાં રોબર્ટનાં પાંચ મોડલ્સ મૂકવામાં આવ્યા છે .જેમાં ડેસર- સર્વિંગ રોબો,એથેલા- સિક્યુરિટી એન્ડ સર્વેલંન્સ રોબૉ, વલકન- ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડ ક્લિનિંગ રોબો, ટેલોર્સ -રોબોટિક આર્મ જેવા રોબોટના મોડેલ પ્રદર્શનમાં મુકાયા છે. આ ઉપરાંત સ્કંધ રોબોનું વર્કિંગ મોડેલ પણ જોવા મળી રહ્યું છે. ડિફેન્સ અને સ્પેસ ક્ષેત્રે કાર્ય કરવા માટે ડિઝાઇન કરેલ સ્કંધ રોબોટ પર્સનલ સેક્રેટરી બનવાની ક્ષમતા ધરાવે છે. આ રોબોટ સાથે ફોટો પડાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોલેરા સ્માર્ટ, સિટી, ધોલેરા એરપોર્ટ, ગિફ્ટ સિટી ,મેટ્રો ટ્રેન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, કંડલા સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન,એલ એન્ડ ટીના સ્ટોલ ખૂબ માહિતીસભર બની રહ્યા છે.
ફર્સ્ટ ટાઈમ તમિળ ડિરેક્ટર નીલેશ કૃષ્ણાએ તમિળ મૂવી ‘અન્નપૂર્ણીઃ ધ ગૉડેસ ઑફ ફૂડ’ બનાવીને 1 ડિસેમ્બર, 2023ના દક્ષિણ ભારતમાં રિલીઝ કરી. નવર્ષના પ્રભાતે નેટફ્લિક્સ પર આવી, જોવાઈ અને હોબાળોઃ વિશ્વ હિંહુ પરિષદે મૂવીના સર્જક, હીરોઈન નયનતારા, હીરો જય, પા ડઝન નિર્માતાઓ તેમ જ નેટફ્લિક્સ ઈન્ડિયા પર હિંદુઓની ધાર્મિક લાગણી દુભવવા બદલ ફરિયાદ નોંધાવી. પરિણામે અન્નપૂર્ણીને ઓટીટી પ્લૅટફૉર્મ પરથી ઉતારી લેવામાં આવી.
વારુ. અઢી કલાકની અન્ડરડૉગ સ્ટોરીવાળી ‘અન્નપૂર્ણી’ મેં જોઈ છે. ટૂંકસાર જોઈએ તો, રૂઢિચુસ્ત બ્રાહ્મણોની નગરી શ્રીરંગમના રંગનાથ મંદિરમાં પ્રસાદ તેમ જ ભગવાનનો થાળ બનાવતા બ્રાહ્મણ રંગરાજન્ (અચ્યુતકુમાર)ની પુત્રી અન્નપૂર્ણીને શૈશવકાળથી પાકકળામાં રસ. પારંપરિક શુદ્ધ શાકાહારી તમિળ વાનગી એવી બનાવે કે ખાનારા આંગળાં ચાટી જાય. એના આદર્શ છેઃ સેલિબ્રિટી શેફ આનંદ સુંદરરાજન્ (સત્યરાજ). મોટી થઈ અન્નપૂર્ણી (નયનતારા), અપાર સંઘર્ષ વેઠીને ટૉપની શેફ બને છે. એની સ્ટ્રગલયાત્રાનો સહપ્રવાસી છે ફરહાન (જય). અન્નપૂર્ણી સામે સૌથી મોટો પડકાર છે માંસાહારી રસોઈ બનાવવાનો, ખાવાનો. થોડા ખચકાટ બાદ, અને ફરહાનના પ્રોત્સાહનથી એ મીટ ખાવા, રાંધવા માંડે છે. ત્યાર બાદ એ ચેન્નઈમાં આયોજિત વિશ્વ કક્ષાની કૂકિંગ કમ્પિટિશનમાં ભાગ લે છે…
હવે, લાગણી આમાં ક્યાં દુભાય છે? નંબર વન, મંદિરમાં પ્રસાદ બનાવતા બ્રાહ્મણની ચુસ્ત શાકાહારી દીકરી ઈન્ડિયા’સ બેસ્ટ શેફ બનવા મીટ-ઈટર બને છે, મટન-ચિકન રાંધે છે. નંબર ટુ, અન્નપૂર્ણીને પ્રોત્સાહન આપવા ફરહાન કહે છે કે “ઈવન, શ્રીરામ પણ વનવાસ દરમિયાન માંસ આરોગતા.” ત્યારે અન્નપૂર્ણી સવાલ કરે છે કે “તો હું માંસ આરોગું એ પાપ ગણાય કે નહીં?” નંબર થ્રી, કૂકિંગ કમ્પિટિશનના ફાઈનલ રાઉન્ડમાં બિરિયાની બનાવતાં પહેલાં અન્નપૂર્ણી નમાજ પઢે છે. શું કામ? બીકૉઝ, કોઈ એક સમયે ફરહાનની અમ્મીએ એને સ્વાદિષ્ટ બિરિયાની બનાવવાની ટિપ્સ આપી હોય છે, એટલે એમને સારું લાગે.. નંબર ફૉર, લવ જિહાદઃ ફરહાન-અન્નપૂર્ણીની રોમાન્ટિક રિલેશનશિપ.
ફિલ્મ કેવી છે એ કહેવા હું એક સીનનો આધાર લઉં છું- જીવનમાં પહેલી વાર ચિકન કરી બનાવનારી અન્નપૂર્ણીને કહેવામાં આવે છે કે (ચિકન કરી) ઠીક છે, પણ અદભુત નથી. ફિલ્મ પણ આવી જ છેઃ કાચીપાકી, સગવડિયા પ્રસંગ-વળાંકવાળી, ફટ્ દઈને અંત ધારી લેવાય એવી પ્રિડિક્ટેબલ.
ફિલ્મ નેટફ્લિક્સ પરથી કાઢી લેવામાં આવી તે પછી ચોમેર બુમરાણ મચી. હાય હાય, અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું શું? ફિલ્મ પર બૅન મુકાય જ નહીં, વગેરે. આ વિશે પછી, પહેલાં આ વાંચોઃ પોતાની ઓળખ બનાવવા, બાળપણનું સપનું સાકાર કરવા માગતી એક યુવતીએ છેવટે તો અમુક ધર્મના તાબે થવું જ પડે? કદાચ અડધે પહોંચ્યા પછી લેખક-દિગ્દર્શકને થયું હશે કે યાર, આ તો સીધીસાદી સ્ટોરી બની રહી છે. આમાં કૉન્ફ્લિક્ટ ક્યાં આવ્યો? હીરોઈનને પોતાનાં મૂલ્યો, શાકાહારી સંસ્કારના કારણે કેટલું સહન કરવું પડે છે એ દેખાડીએ તો? દેખાડ્યું અને… ઍક્ચ્યુઅલી, આ ફિલ્મથી એક મેસેજ એ જાય કે જીવનમાં સફળતા મેળવવી હોય તો નીતિ, મૂલ્યો સાથે સમાધાન કરવું જ પડે.
હવે આ જુઓઃ ફિલ્મનું હાર્દ એ છે કે રસોઈ બનાવવા સ્વાદેન્દ્રિય (ખાવી કે ચાખવી) એ એકમાત્ર જરૂરિયાત નથી, પણ અન્નપૂર્ણી કૅટરિંગ કૉલેજના પ્રોફેસરને, શેફને સવાલ નથી કરતી કે, ખાધા કે ચાખ્યા વગર નૉન વેજ બનાવવાનો વિકલ્પ કેમ નથી?
યાદ હોય તો, રિઆલિટી ટીવીશો ‘માસ્ટર શેફ ઈન્ડિયા’ની છેલ્લી સીઝનમાં ચેન્નઈથી અરુણા જૈન નામનાં એક બહેન આવેલાં. કમ્પિટિશનમાં પ્રોટીન-યુક્ત માછલીની વાનગી રાંધવાની વાત આવી ત્યારે અરુણાબહેને શાલીનતાથી ના પાડીઃ “માંસાહાર નહીં રાંધું. પ્રોટીન-યુક્ત વાનગી બનાવવાની હોય તો હું પનીરની બનાવી શકું.” નિર્ણાયકોએ તેમ કરવાની અનુમતિ આપેલી. શું આ ઘટનાની આસપાસ ડિરેક્ટર નીલેશ ક્રિશ્નાએ ‘અન્નપૂર્ણી’નો પાયો રચ્યો હશે? હા, એ હકીકત છે કે વર્લ્ડ-કિચનમાં પાકકલા બતાવવી હોય તો વેજ નૉનવેજ બનાવવાની તૈયારી રાખવી પડે. જો એવી કોઈ મહત્વાકાંક્ષા હોય તો.
વારુ. ‘કશ્મીર ફાઈલ્સ,’ ‘કેરળ સ્ટોરી’ પર બૅન મૂકવાની માગણી કરો, એના વિશે કંઈ જ ન લખીને, ઘોર અવગણના કરીને બહિષ્કાર કરો એ ચાલે, પણ હિંદુઓની લાગણી દુભાય એ ન ચાલે? કેમ ભાઈ? ચલો, એ પણ બાજુએ મૂકીએ. અમુક (વિવાદાસ્પદ) ચિત્ર-પુસ્તક-ફિલ્મના સર્જકોને બિગનિંગથી ખબર હોય છે કે આ કૃતિ આવવાથી ખળભળાટ મચશે, તોફાન થશે, એમાં કોઈના જીવ પણ જશે. તેમ છતાં ધરાર ધાર્યું કરે, દેવી-દેવતાનાં વાંધાજનક ચિત્ર દોરે, ફિલ્મ બનાવે એ કેટલું વાજબી? શું અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય એટલું મહત્વનું છે? જો હા, તો એ વિશે બેવડાં ધોરણ કેમ?
અમદાવાદઃ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં શેરોમાં લાલચોળ તેજી થઈ હતી. IT શેરોની આગેવાનીએ સેન્સેક્સ અને નિફ્ટી નવા શિખરે બંધ આવ્યા હતા. નિફ્ટી IT ઇન્ડેક્સમાં 42 મહિનાની મોટી ઇન્ટ્રા-ડે તેજી થઈ હતી. એ સાથે નિફ્ટી IT 52 સપ્તાહની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો.શેરબજારમાં આજની તેજીએ સેન્સેક્સ અને નિફ્ટી- બંનેએ પાછલા બધા રેકોર્ડ તોડ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. ત્રણ લાખ કરોડનો વધારો થયો હતો. સેન્સેક્સ 847 પોઇન્ટ ઊછળી 72,568ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 247 પોઇન્ટ ઊછળી 21,894ના સ્તરે બંધ થયો હતો.
કંપનીઓનાં ડિસેમ્બરે ત્રિમાસિક પરિણામોમાં IT સર્વિસની આવક રૂ. 22,151 કરોડ રહી હતી, જ્યારે એ રૂ 21,989 રહેવાનો અંદાજ હતો. આ પહેલાં બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીની IT સર્વિસની આવક 22,395.8 કરોડ હતી. IT સર્વિસનું EBIT માર્જિન ત્રીજા ત્રિમાસિકમાં 16 ટકા રહ્યું હતું., જે પાછલા ત્રિમાસિકમાં 16.1 ટકા રહ્યું હતું.
આ સાથે BSE મિડકેપ અને સ્મોલ કેપમાં ક્રમશઃ 0.28 ટકા અને 0.42 ટકા તેજી રહી હતી. IT ઇન્ડેક્સ પાંચ ટકા વધ્યો હતો.
BSE પર 2942 શેરોમાં કામકાજ થયાં હતાં, એમાં 2111 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 1744 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે 87 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 539 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે નવ શેરોએ 52 સપ્તાની નવી નીચલી સપાટી ટચ કરી હતી.
ગાંધીનગરઃ રાજ્યના જિલ્લા તાલુકા કક્ષાએ કાર્યરત નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે, ડેવલપમેન્ટ અને એક્સપાન્શનનું પ્લેટફોર્મ મળે તેવી પ્રણાલી આ વર્ષની વાઇબ્રન્ટ સમિટમાં સરકારે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટથી અપનાવી છે. મુખ્ય મંત્રીએ VGGS-24ના ત્રીજા દિવસે આયોજિત MSME કોન્ક્લેવમાં દેશભરમાંથી પધારેલા નાના-લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગકારો, રોકાણકારો અને નીતિ નિર્ધારકોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે વાઇબ્રન્ટ સમિટને ગ્લોબલ પ્લેટફોર્મ બનાવવાની સાથે-સાથે રાજ્યના નાના-લઘુ ઉદ્યોગકારોને વિકસવા માટેનો સ્થાનિક મંચ-વોકલ ફોર લોકલ દ્વારા આપણે ઊભો કર્યો છે.
સરકાર MSMEsની પડખે સતત ઊભી છે. MSME સેક્ટર પર ફોકસ કરવાનું વડા પ્રધાનનું વિઝન છે. રાજ્ય સરકાર અને મંત્રીમંડળની ટીમ ગુજરાત પણ MSMEs સેક્ટરના વિકાસ પર ફોકસ કરી રહી છે.
આ પ્રસંગે MSME ઉદ્યોગોને તેજી આપતા વિવિધ MoU કરવામાં આવ્યા.
વાઈબ્રન્ટ સમિટના પૂર્વાર્ધે રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લામાં ‘વાઈબ્રન્ટ ગુજરાત – વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેને આવરી લેતી પુસ્તિકાનું અનાવરણ કર્યું. આ ઉપરાંત, MSME ને સહાય માટેની રાજ્ય… pic.twitter.com/u1sVXjFcGx
સૌ ઉદ્યોગકારો, સહભાગીઓના સાથ સહકારથી વાઇબ્રન્ટ સમિટની ૧૦મી એડિશન સફળ રહી છે. આવા જ ઉત્સાહથી આગામી વાઇબ્રન્ટ સુધી આપણે સૌએ પરસ્પર સહયોગથી કાર્યરત રહેવાનું છે. આપણે વાઇબ્રન્ટ છીએ અને વાઇબ્રન્ટ જ રહેવાનું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે કેન્દ્રીય MSME મંત્રી નારાયણ રાણેએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાત સરકારે MSMEના વિકાસ માટે લીધેલા ક્રાંતિકારી નિર્ણયો હવે સાકાર થયા છે. MSMEના માધ્યમથી ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે. ટ્રાન્સપોર્ટ અને ટેક્સટાઈલ ક્ષેત્રે ગુજરાત ઉદ્યોગપતિઓની પ્રથમ પસંદગી છે. વર્ષ-૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો માર્ગ ગુજરાતમાંથી પસાર થાય છે, એમ તેમણે કહ્યું હતું.
ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૪૭ ના વિકસિત ભારતનો નકશો આજે ગુજરાત તૈયાર કરી રહ્યું છે, ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતને માત્ર ગાંધીનગર સુધી સીમિત ન રાખી રાજ્યના તમામ જિલ્લાઓના વેપારીઓ સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા છે. દેશની નિકાસમાં ગુજરાતના ૧૬ લાખથી વધારે નાના ઉદ્યોગકારો સવિશેષ ફાળો આપી રહ્યા છે.
ગૃહ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે MSME ઉદ્યોગો ગુજરાતના હૃદય સમાન છે. વાFબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ પ્લેટફોર્મ તમામ વર્ગો માટે કંઈક ને કંઈક ભેટ લઈને આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં તમામ પ્રોજેક્ટમાં ૬૩ ટકા વૃદ્ધિ દર સાથે માર્જિન મની અને રોજગારીમાં મહતમ વધારો થયો છે.
લાખો બહેનોના સપનાં સાકાર થયાં છે. ગ્રામ્ય વિસ્તારના ઉદ્યોગોને ઈ-કોમર્સમાં કઈ રીતે આગળ લઈ જઈ શકાય તેનું સબળ માધ્યમ MSME છે. MSMEથી સામાજિક ક્ષેત્રે બદલાવ આવ્યો છે. ઉદ્યોગકારોના મૂડીરોકાણ માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન છે, એમ તેમણે કહ્યું હતું.
ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત ગાંધીનગરમાં “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો” યોજવામાં આવ્યો છે. આ ટ્રેડ શોમાં વિશ્વના ૨૦ દેશોના અંદાજે 1000થી વધુ પ્રદર્શકો સહભાગી થયા છે. “એક્સપિરિયન્સ ગુજરાત” પેવેલિયનમાં રાજ્યની હસ્તકલા, ભાતીગળ સંસ્કૃતિ, પ્રવાસન સ્થળો અને ધરોહરની ઝાંખી રજૂ કરવામાં આવી છે. જ્યાં ગરવી ગુર્જરી, ગુજરાત ટુરિઝમ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યોજવામાં આવેલા પ્રદર્શન મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
૮ મંદિરોનાં દર્શન વર્ચ્યુઅલ રિયાલિટીથી
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ અંબાજી, પાવાગઢ, બહુચરાજી, દ્વારકા અને સોમનાથ સહિતનાં આઠ મંદિરોનાં દર્શન વર્ચ્યુઅલ રિયાલિટીથી કરવામાં આવી રહ્યા છે. મુલાકાતીઓ મંદિરમાં રૂબરૂ દર્શન કરતા હોય તેવો અનુભવ થતાં ધન્યતા અનુભવી રહ્યા છે. આ ઉપરાંત શ્રીરામ મંદિરની રેપ્લિકા થકી રામ મંદિરનાં દર્શન કરવાનો લહાવો મળી રહ્યો છે. અહીં યાત્રાધામોના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને જાણવાનો લહાવો મળી રહ્યો છે.
પ્રવાસન સ્થળોની મુલાકાત
ગુજરાત ટુરિઝમ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી, નડાબેટ, ગીર અભયારણ્ય, ધોળાવીરા અને ધોરડો સહિતનાં સ્થળોએ ભારે આકર્ષણ જમાવ્યું છે.અહીં આવતા મુલાકાતીઓને કચ્છના નખત્રાણાથી આવેલા કલાકારોએ કર્ણપ્રિય કચ્છી સંગીતથી ધ્યાન આકર્ષી મનોરંજન કર્યું હતું. મુલાકાતીઓ LED સ્ક્રીન અને વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા ગુજરાતના પ્રવાસન સ્થળોની રૂબરૂ થયા હતા.
હાથવણાટ, હેન્ડિક્રાફ્ટ અને બ્લોક પેઇન્ટિંગનું આકર્ષણ
ગરવી ગુર્જરી દ્વારા રાજ્યભરમાંથી હસ્તકલા સાથે સંકળાયેલા કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડી સંખેડા, બિડવર્ક, ભુજોડી શાલ,માતાજી પછેડી, કચ્છની બાંધણી, પેથાપુર બ્લોક પ્રિન્ટિંગ સહિતના કારીગરો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે. દેશ-વિદેશના મુલાકાતીઓ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો, એમ ગરવી ગુર્જરીના ડિઝાઇનર રજની પરમારે જણાવ્યું હતું.
જે અવિનાશી સત્તા આત્માના મનન ચિંતનમાં રહે છે તે પોતાને અવિનાશી સમજી દરેક પરિસ્થિતિમાં ખુશીનો ખોરાક ખાતો રહે છે. પ્રસિદ્ધ વક્તા ડોક્ટર દીપક ચોપડાને આબુમાં ચાલી રહેલ તેમના પ્રવચન દરમિયાન કોઈએ પૂછ્યું કે મૃત્યુના ભય થી કેવી રીતે બચી શકાય? ઉત્તરમાં તેઓએ જણાવ્યું કે નાશ પામવા વાળા શરીરના ભાન તથા અભિમાનમાં રહીશું તો મૃત્યુનો ભય તો લાગશે જ. અવિનાશી આત્માની સ્મૃતિમાં રહેશો તો મૃત્યુનો ભય નહીં લાગે. બીજું યાદ રાખો કે દરેક ચીજ હંમેશા મરતી રહે છે. જેવી રીતે સાંજના સમયે સવાર મરી ગઈ તથા જ્યારે આપણે યુવાન થયા ત્યારે બાળપણ મરી ગયું. એવી જ રીતે નવું જીવન મળ્યું તો પહેલાનું જીવન મરી ગયું.
જે ચીજ મળે છે તેનું ચિંતન કરો, નાશ પામવા વાળી ચીજનું નહીં. જ્યારે કોઈ વ્યક્તિએ પેરેલ કપડા ટાઈટ (શરીરને ચોટેલા) હોય છે તો તેને ઉતારવામાં વાર લાગે છે તથા દુઃખનો અનુભવ થાય છે. એવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિને શરીર રૂપી વસ્ત્ર પ્રત્યે ખૂબ લગાવ હોય છે તો તે વ્યક્તિ સહજ રીતે શરીરથી અલગ નથી થઈ શકતો. શરીરના મોહમાં જકડાયેલ વ્યક્તિ અંતિમ સમયે પણ શરીર થી અલગ થવા માટે ખૂબ કષ્ટ અનુભવ કરે છે.
આત્માનો સાથ આપવા માટે અસમર્થ બીમાર, રોગી તથા વૃદ્ધ શરીર હોવા છતાં પણ અંત સમયે મોહના કારણે આત્મા ન તો સુખથી જીવી શકે છે કે ન તો મૃત્યુ બાદ પ્રાપ્ત નવા જીવનને માણી શકે છે. માટે જ જીવિત અવસ્થામાં શરીર રૂપી વસ્ત્રને યોગ અભ્યાસ દ્વારા એટલુ ઢીલું છોડી દેવું જોઈએ કે આત્મા જ્યારે ઈચ્છે ત્યારે તેમાં પ્રવેશ કરી શકે અને જ્યારે ઈચ્છે ત્યારે તેને છોડી શકે. એકવાર એક સત્સંગમાં એક વૃદ્ધે કહ્યું કે મને એ વાતનો ડર ખૂબ લાગે છે કે બધા લોકો સ્મશાનમાં મને એકલો છોડીને પાછા જતા રહેશે અને ત્યાં જંગલી જાનવરોની વચ્ચે હું કેવી રીતે રહી શકીશ? આ સાંભળીને તેમના પ્રત્યે રહમની લાગણી ઉત્પન્ન થઈ. તેમને જણાવ્યું કે તમે ત્યાં હશો જ નહીં, તમે તો ભગવાનના શરણમાં હશો.
સ્મશાનમાં તો ફક્ત નાશવંત શરીર હશે. માટે જ પોતાને આત્મા સમજો અને શરીરના ભાનનો ત્યાગ કરો તો આ ભય નીકળી જશે. મૃત્યુના સંબંધમાં બે ખુબ મહાન વ્યક્તિઓના અનુભવ જાણીયે. એક તો ગાંધીજીના જીવનની ઘટના છે. તેમની નજર સામે જ્યારે તેમના પત્ની કસ્તુરબા એ શરીર છોડ્યું ત્યારે તેઓ એકદમ શાંત ઊભા હતા. ચિતાની પાસે ઉભેલ પંડિતજીએ કહ્યું કે મહાત્માજી, અંતિમ દર્શન કરી લો. આ “અંતિમ દર્શન” શબ્દ તેમને ઘા કરી ગયો. જ્યારે કફનને તેમણે પકડ્યું તો તેમના દિલથી અવાજ આવી કે કસ્તુરબા, શું હું તમારા અંતિમ દર્શન કરી રહેલ છું? હું તમને રાખ થતા નહીં જોઈ શકું. તેમની સંભાળવા મુશ્કેલ બની ગયા. એક સમાચાર પત્ર એ લખ્યું – આજે હિમાલયનું હૃદય ભરાઈ આવ્યું. તેઓ ખૂબ રડ્યા. મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરનાર તથા અડગ રહેવા વાળા ગાંધીજી પણ તે સમયે હલી ગયા.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
ગૌહાટીઃ આસામમાં રાજ્ય સરકારે વસ્તી નિયંત્રણ માટે અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. આસામ સરકારે સરકારી યોજનાઓનો લાભ માત્ર નાના પરિવારોને આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ ગુવાહાટીમાં આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે મહિલાઓ માટે મહિલા આંત્રપ્રિન્યોરશિપ અછોની યોજના શરૂ કરી હતી.
મુખ્યમંત્રી સરમાએ પત્રકારોને જણાવ્યું હતું કે આ યોજના હેઠળ રાજ્યમાં સ્વ-સહાય જૂથોની 39 લાખ મહિલાઓને ત્રણ વર્ષમાં ત્રણ તબક્કામાં યોજના હેઠળ વ્યવસાય કરવા માટે કેટલીક શરતો સાથે નાણાકીય સહાય આપવામાં આવશે. તેના માટે 145 બિઝનેસ મોડલ પસંદ કરવામાં આવ્યા છે. આસામ સરકાર દ્વારા ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકો માટે નવી નાણાકીય સહાય યોજના અમુક શરતો સાથે લવાઈ છે, જેમાં તેઓના બાળકોની સંખ્યાની મર્યાદાનો સમાવેશ થાય છે. આ શરતો અનુસાર જનરલ અને ઓબીસી કેટેગરીની મહિલાઓ જો આ યોજનાનો લાભ મેળવવા માંગતી હોય તો તેમના ત્રણથી વધુ બાળકો ન હોવાં જોઇએ. આ સાથે અનુસૂચિત જનજાતિ (ST) અને અનુસૂચિત જાતિ (SC) મહિલાઓ માટે આ મર્યાદા ચાર બાળકોની રહેશે.
મુખ્ય મંત્રીએ મુખ્યમંત્રી મહિલા સાહસિકતા અભિયાન (MMU)ની જાહેરાત કરી. આ જાહેરાત 2021માં તેમની એ જાહેરાતને અનુરૂપ છે કે રાજ્ય સરકાર ચોક્કસ રાજ્ય-ભંડોળવાળી યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે બે-બાળક નીતિ અપનાવશે. જોકે એમએમયુએ યોજના માટેનાં ધોરણો હાલ પૂરતાં હળવાં કરાયાં છે. મોરાન, મોટોક અને ચાઈ આદિવાસીઓ જે એસટીનો દરજ્જો માગી રહ્યા છે તેમની સામે પણ ચાર બાળકોની મર્યાદા લાદવામાં આવી છે.
આ યોજનાનો ઉદ્દેશ ગ્રાણીણ હિસ્સાઓમાં ના ઉદ્યોગ સાહસિકોને આગળ વધારવાનો છે. એનુ લક્ષ્ય પ્રત્યેક સભ્ય માટે રૂ. એક લાખની વાર્ષિક આવક રાખવાનું છે.
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં દરોડા દરમિયાન અધિકારીઓ પર થયેલા હુમલા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ફરી એક વાર એક્શનમાં છે. ટીમ નગરપાલિકા નોકરી કૌભાંડ મામલે વિવિધ સ્થળોની તપાસ કરી હતી. કોર્ટથી સુરક્ષા મળ્યા પછી EDની ટીમ ફરી એક વાર દરોડા માટે પહોંચી છે. પશ્ચિમ બંગાળના ફાયર સર્વિસ મિનિસ્ટર સુજિત બોઝના ઘરે EDએ દરોડા પાડ્યા છે. મ્યુનિસિપલ સંસ્થાઓમાં ભરતી કૌભાંડના મામલામાં EDએ કોલકાતા સહિત અનેક સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુજિત બોઝ સિવાય, ED TMC પ્રવક્તા અને ધારાસભ્ય તાપસ રોય અને ઉત્તર દમ દમ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ સુબોધ ચક્રવર્તી સહિત વરિષ્ઠ TMC નેતાઓનાં ઘરોની તપાસ કરી રહી છે. EDની આ દરોડા એવા સમયે પડી રહી છે જ્યારે ED અધિકારીઓ પર હુમલા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો એકબીજા પર તીખા હુમલા કરી રહી છે. એપ્રિલ, 2023માં કોલકાતા હાઇકોર્ટ નગરપાલિકાની ભરતીમાં અનિયમિતતાઓની તપાસ કરવાનો નિર્દેશ CBIને આપ્યો હતો.
5 જાન્યુઆરીએ EDની ટીમ TMC નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા માટે સંદેશ ખાલી પહોંચી હતી. આ દરમિયાન EDની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારથી શાહજહાં શેખ ફરાર છે. તેની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. અધિકારીઓ પર હુમલા બાદ EDએ FIR દાખલ કરી હતી. આ પછી પશ્ચિમ બંગાળ સરકારે પણ ED અધિકારીઓ પર ચોરી, લોકો પર હુમલો અને મહિલાઓના અપમાનનો આરોપ લગાવ્યો છે. તાજેતરમાં, ED ચીફ રાહુલ નવીને કોલકાતામાં ED અધિકારીઓ સાથે ગત સપ્તાહે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં દરોડા દરમિયાન એજન્સીની ઓફિસો પરના ટોળાના હુમલા અંગે બેઠક યોજી હતી.