Home Blog Page 2073

WPL 2024: 23 ફેબ્રુઆરીથી ચોક્કા, છક્કાની રમઝટ

નવી દિલ્હીઃ મહિલા પ્રીમિયર લીગ (WPL) 2024નો પ્રારંભ 23 ફેબ્રુઆરીથી થશે. ક્રિકેટ ફેન્સને ટૂંક સમયમાં ચોક્કા અને છક્કાની રમઝટ જોવા મળશે. WPL ઇન્ડિયન પ્રીમિયર લીગ બેંગલુરુ અને દિલ્હીમાં રમાશે. આ ઉદઘાટન મેચ બેંગલુરુમાં અને ફાઇનલ મેચ 17 માર્ચે દિલ્હીમાં રમાશે.

WPLની પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે રમાશે. ગુજરાત જાયન્ટ્સે ઓસ્ટ્રેલિયાની બેથ મુનીને કેપ્ટન બનાવ્યો છે. મુનીને 23 ફેબ્રુઆરીથી શરૂ થતી મહિલા પ્રીમિયર લીગના બીજા સેશનથી પહેલાં ફરી એક વાર ગુજરાત જાયન્ટ્સનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. જાયન્ટ્સના માઇકલ ક્લિંગરને કોચ બનાવવામાં આવ્યો છે.

મુનીને પહેલી સેશનમાં પણ કેપ્ટન બનાવવામાં આવી હતી, પણ તે પહેલી મેચ પછી ઇજાગ્રસ્ત થઈ હતી અને ટુર્નામેન્ટની બાકીની મેચોમાં નહોતી રમી શકી. જેથી ભારતીય ઓલરાઉન્ડર સ્નેહ રાણાએ ટીમનું નેતૃત્વ કર્યું હતું. સ્નેહને બીજા સેશન માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે. ગુજરાત 2023માં પાંચ ટીમની સ્પર્ધામાં છેલ્લે સ્થાને રહી હતી.

ગુજરાત જાયન્ટ્સે 23 ફેબ્રુઆરીથી શરૂ થતી WPL માટે ઓસ્ટ્રેલિયાની ડાબોડી બોલર લોરેન ચીટલની જગ્યાએ ન્યુ ઝીલેન્ડની ઝડપી બોલર લી તાહુહુનો ટીમમાં સમાવેશ કર્યો છે. ગુજરાતે 33 વર્ષી તાહુહુને રૂ. 30 લાખમાં તેનો ટીમમાં સમાવેશ કર્યો છે. તાહુહુએ ન્યુ ઝીલેન્ડ તરફથી ઇન્ટરનેશનલ અને 93 વનડે મેચમાં ક્રમશઃ 78 અને 109 વિકેટ લીધી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Paytm ની મુશ્કેલી વધી, EDએ તપાસ શરૂ કરી

Paytm પર ચાલી રહેલી કટોકટીનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે Paytm પેમેન્ટ્સ બેંક સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અગાઉ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કથિત રીતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પેટીએમના બેંકિંગ યુનિટ પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં શંકાસ્પદ ઉલ્લંઘનોની તપાસ કરવા જણાવ્યું હતું. EDએ કંપનીની કામગીરીની પ્રાથમિક તપાસ શરૂ કરી છે.

ન્યૂઝ એજન્સીને સરકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ફિનટેક કંપનીની ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ની વિશેષ જોગવાઈઓ હેઠળ તપાસ કરવામાં આવી રહી છે, જે વિદેશમાં વ્યક્તિઓ અને કોર્પોરેટ દ્વારા કરવામાં આવેલા ટ્રાન્સફરને આવરી લે છે. તમને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. હાલમાં માત્ર ED અને RBI આ મામલાની તપાસ કરી રહી છે. જો અન્ય એજન્સીઓ પાસેથી વધારાની મદદની જરૂર પડશે તો તે ચોક્કસપણે લેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં સરકારની કોઈ દખલગીરી રહેશે નહીં.

ગ્રાહકોના હિતમાં લેવાયેલા પગલાં

મિન્ટના અહેવાલમાં એક અધિકારીએ પોતાનું નામ જાહેર કર્યા વિના કહ્યું કે આરબીઆઈએ ગ્રાહકના હિતમાં આ નિર્ણય લીધો છે. EDએ RBI પાસેથી Paytm પરના દસ્તાવેજો પણ માંગ્યા છે. ઉપરાંત સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ પણ કરવામાં આવી રહી છે. અધિકારીએ અહેવાલમાં જણાવ્યું હતું કે નિયમનકારો વચ્ચે માહિતી શેર કરવાની એક પદ્ધતિ છે અને માહિતી (Paytm પેમેન્ટ્સ બેંક પર) પહેલેથી જ શેર કરવામાં આવી છે અને વિવિધ એજન્સીઓ તેમની તપાસ કરી રહી છે, એમ અધિકારીએ અહેવાલમાં જણાવ્યું હતું.

29મી ફેબ્રુઆરીથી સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે

Paytm એ કહ્યું કે કંપની રેગ્યુલેટર અધિકારીઓને સહકાર આપી રહી છે. One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ અને તેના સહયોગીઓ Paytm પેમેન્ટ્સ બેંક વિશે માહિતી આપવામાં કોઈ કસર છોડશે નહીં. Paytm એ કહ્યું કે અમને ED સહિત ઘણા નિયમનકારો અને કાયદાકીય અમલીકરણ સત્તાવાળાઓ દ્વારા માહિતી અને સ્પષ્ટતા આપવા માટે કહેવામાં આવી શકે છે. RBIએ Paytm પેમેન્ટ બેંક પર પ્રતિબંધ મૂક્યો છે. આ આદેશ 29 ફેબ્રુઆરીથી લાગુ થશે. Paytm પેમેન્ટ બેંક હેઠળ વોલેટ અને UPI પણ છે. કંપનીની UPI સેવા પર સંકટના વાદળો છવાઈ રહ્યા છે.

શેર ફરી 10 ટકા ઘટ્યા

આરબીઆઈએ કહ્યું કે કેન્દ્રીય બેંકે પેટીએમ પેમેન્ટ બેંકને એક મહિનાનો સમય આપ્યો છે જેથી ગ્રાહકોને અસુવિધાનો સામનો ન કરવો પડે. બુધવારે (14 ફેબ્રુઆરી) શરૂઆતના ટ્રેડિંગ કલાકો દરમિયાન પેટીએમના શેર ફરી એકવાર લગભગ 10% ઘટીને BSE પર રૂ. 342.4ની નવી વિક્રમી નીચી સપાટીએ પહોંચી ગયા હતા. મેક્વાયરીએ વન97 કોમ્યુનિકેશનને અગાઉના ‘તટસ્થ’ રેટિંગથી ડાઉનગ્રેડ કર્યું હતું. ‘અંડરપરફોર્મ’ અને તેની કિંમતમાં ઘટાડો કર્યો હતો. લક્ષ્ય (PT) રૂ. 650 થી રૂ. 275. બ્રોકરેજનું વર્તમાન લક્ષ્ય સ્ટોકના અંતિમ બંધ સુધીમાં 27.7% ની ડાઉનસાઇડ સૂચવે છે.

ભાજપે અશોક ચવ્હાણને રાજ્યસભાની ટિકિટ આપી

ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણીને લઈને વધુ એક યાદી બહાર પાડી છે. આ મુજબ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભામાં જશે જ્યારે પાર્ટીએ મહારાષ્ટ્રમાંથી અશોક ચવ્હાણના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં નડ્ડા અને ચવ્હાણ ઉપરાંત 5 વધુ નામ છે. જગત પ્રકાશ નડ્ડા ઉપરાંત ભારતીય જનતા પાર્ટીએ ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને જશવંતસિંહ સાલમસિંહ પરમારને રાજ્યસભાની ટિકિટ આપી છે. અશોક ચવ્હાણ ઉપરાંત પાર્ટીએ મહારાષ્ટ્રમાંથી મેધા કુલકર્ણી અને અજીત ગોપઘડેને ઉમેદવાર બનાવ્યા છે. આ રીતે ત્રીજી યાદીમાં પાર્ટીએ કુલ 7 લોકોને રાજ્યસભાની ટિકિટ આપી છે.

ભાજપે મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે પ્રકાશ જાવડેકર, વી મુરલીધરન અને નારાયણ રાણેને મેદાનમાં ઉતાર્યા નથી. જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાના નામ ગુજરાતની રાજ્યસભાની યાદીમાં નથી. મળતી માહિતી મુજબ ભાજપ મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને લોકસભા ચૂંટણીમાં ઉતારી શકે છે.

પહેલી યાદીમાં પાર્ટીએ કોને તક આપી?

ભારતીય જનતા પાર્ટીની પ્રથમ યાદીમાં કુલ 14 લોકોના નામ હતા. પહેલી યાદીમાં પાર્ટીએ ઉત્તર પ્રદેશના 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ 7 લોકો હતા – સુધાંશુ ત્રિવેદી, આરપીએન સિંહ, તેજવીર સિંહ, સાધના સિંહ, સંગીતા બળવંત, નવીન જૈન અને અમરપાલ મૌર્ય. ભારતીય જનતા પાર્ટીના આ સાત નેતાઓ સિવાય બીજેપીએ બિહારમાંથી ડૉ. ધરમશીલા ગુપ્તા અને ભીમ સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.

આ સિવાય પાર્ટીએ છત્તીસગઢ, ઉત્તરાખંડ, હરિયાણા, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ માટે 5 લોકોની યાદી બહાર પાડી હતી. પાર્ટીએ છત્તીસગઢથી રાજા દેવેન્દ્ર પ્રતાપ સિંહ, ઉત્તરાખંડથી મહેન્દ્ર ભટ્ટ, હરિયાણાથી સુભાષ બરાલા, કર્ણાટકથી નારાયણ કૃષ્ણા ભાંડગે, પશ્ચિમ બંગાળથી સમિક ભટ્ટાચાર્યને રાજ્યસભાની ટિકિટ આપી છે.

બીજી યાદીમાં 5 નામ હતા

ભાજપે રાજ્યસભાના ઉમેદવારોની બીજી યાદીમાં 5 નેતાઓને ટિકિટ આપી હતી. પાર્ટીએ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને ઓડિશામાંથી, માયા નરોલિયા અને એલ મુરુગનને મધ્યપ્રદેશમાંથી નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત પાર્ટીએ મધ્યપ્રદેશથી બંસીલાલ ગુર્જર અને ઉમેશનાથ મહારાજને ઉમેદવાર બનાવ્યા છે.

ગુજરાતમાં ભાજપે રાજ્યસભા માટે ચાર નવા ઉમેદવારો જાહેર કર્યા

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ચાર ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કરાયા છે. સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ રામ મંદિર નિર્માણમાં 11 કરોડનું દાન કર્યું હતું. આથી ભાજપે ગોવિંદભાઈને રાજ્યસભાની રિટર્ન ગિફ્ટ આપી છે. બીજી તરફ રાજ્યસભામાંથી પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાનું પત્તુ કપાયું છે.

ગુજરાતમાં રાજ્યસભાના ચાર સાંસદોની ટર્મ પૂર્ણ

ગુજરાતમાં લેઉવા પાટીદાર સમાજના અગ્રણી અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા હવે રાજ્યસભાના સાંસદ બનશે. બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી જશવંતસિંહ પરમાર પણ હવે રાજ્યસભામાં સાંસદ બનશે. ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલા, નારાયણ રાઠવા, અમીબેન યાજ્ઞિકની ટર્મ પૂર્ણ થઈ છે.

ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો

ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે. તેમાં લોકસભા ચૂંટણી વચ્ચે એપ્રિલ 24માં ગુજરાત રાજ્યસભાના ચાર સભ્ય નિવૃત થતા ચાર બેઠક ખાલી થશે. જો કે ગુજરાતના વિધાનસભાના પરિણામોના આધારે ભાજપને ત્રણ બેઠક હાંસલ કરવામાં મુશ્કેલી નહીં પડે, પરંતુ ચોથી બેઠક માટે પ્રાયોરિટી વોટ કારગર રહેશે. આ ઉપરાંત જૂન 2026માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્ય નિવૃત્ત થઇ રહ્યા છે. તેમાં ભાજપના રામભાઇ મોકરિયા, રમીલાબહેન બારા, નરહરિ અમીન, જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સામેલ છે.

કોણ છે ગોવિંદભાઈ ધોળકિયા

ગુજરાતના દુધાળા ગામમાં 7 નવેમ્બર 1947 ના રોજ જન્મેલા ગોવિંદ ધોળકિયાનો ઉછેર નાનકડા ઘરમાં થયો હતો. સાત ભાઈ-બહેનો સાથે ગરીબ કૃષિ પરિવારમાં ઉછરેલા, તેમણે કોઈ વિશેષ વિશેષાધિકારો અથવા ગુણવત્તાયુક્ત શિક્ષણ વિના બાળપણનો અનુભવ કર્યો. તેમની સામે અનેક પડકારો હોવા છતાં, ગોવિંદ ધોળકિયાનું બાળપણ સાદગીથી વીત્યું હતું. લોકો વચ્ચે તેઓ પ્રેમથી કાકા તરીકે ઓળખાઈ છે. તેમણે 1964માં 17 વર્ષની ઉંમરે જાહેર જીવનની શરૂઆત કરી હતી.

અદાણી ગ્રીને ખાવડામાં વિશ્વનો સૌથી મોટો RE પાર્ક કાર્યરત કર્યો

કચ્છઃ દેશની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અને વિશ્વની સૌથી મોટી સોલર PV ડેવલપર અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ રાષ્ટ્રીય ગ્રિડમાં વીજ સપ્લાય માટે ગુજરાતના ખાવડામાં 551 MW સોલરની ક્ષમતાને કાર્યરત કર્યો હતો. કંપનીએ ખાવડામાં RE પાર્ક માટે કામગીરી શરૂ કર્યાના 12 મહિનામાં આ સિદ્ધિ હાંસલ કરી હતી, જેનો પ્રારંભ રસ્તા સહિત પ્રાથમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને સોશિયલ ઇકોસિસ્ટમથી કર્યો હતો.  

કંપનીએ કચ્છના રણમાં આ સોલર ક્ષમતા હાંસલ કરવા માટે 8000ના કામદારોને લગાડ્યા હતા અને સિદ્ધિ હાંસલ કરી હતી. કંપનીની યોજના RE પાર્કમાં 30 ગિગાવોટ રિન્યુએબલ એનર્જીની ક્ષમતાને વિકસિત કરવાની છે. કંપનીની આ યોજના આગામી પાંચ વર્ષમાં વીજ ઉત્પાદનની સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરવાની છે. ખાવડામાં RE પાર્કમાં સ્થાપિત ક્ષમતા પૂરી થવા પર કંપની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિશ્વમાં સૌથી વધુ ક્ષમતા હાંસલ કરનારી કંપની બની જશે.

  • આ પ્લાન્ટ થકી અંદાજે વાર્ષિક 30 GW RE પ્લાન્ટની ક્ષમતા
  • વાર્ષિક 81 અબજ યુનિટ ક્લીન વીજ પેદા કરવા માટે કંપનીની ખાવડામાં 30 ગિગાવોટ પેદા કરવાની યોજના
  • એ વીજ 1.61 કરોડ ઘરોને વીજ પૂરી પાડી શકાશે અને વાર્ષિક 5.8 કરોડ ટન Co2 પ્રદૂષણ ઓછું થશે.
  • કંપની દેશમાં સિમેન્ટ ક્ષેત્રે 9029 MW અને 20,844 MWના પોર્ટફોલિયોની સાથે અગ્રેસર સ્થિતિ ધરાવે છે.  
  • કંપની આ પ્રોજેક્ટ થકી દેશમાં 15,200 કરતાં વધુ રોજગારીનું સર્જન કરશે.

કંપનીનો ખાવડાનો RE પાર્ક પ્રતિ વર્ષ 1.61 કરોડ ઘરોમાં વીજ સપ્લાય કરી શકવાની ક્ષમતા ધરાવશે. વિશ્વમાં એનર્જી ક્ષેત્રે રિન્યુએબલ પ્રોજેક્ટ્સને વિકસિત કરવા, સુવ્યવસ્થિત સપ્લાય ચેઇન નેટવર્ક સ્થાપિત કરવાની સાથે-સાથે કંપની આવા ગિગા પ્લાન્ટ સ્થાપવા માટે નિપુણતા હાંસલ કરનારી સૌથી મોટી કંપની બનશે, જેની તુલનામાં આ ક્ષેત્રે કોઈ અન્ય કંપની નહીં હોય.

દેશના આ પ્રદેશમાં સૌથી સરસ વિન્ડ અને સોલર સ્રોતો મેળવવા માટેનો એક છે, જે ગિગા-સ્કેલના RE વિકાસ માટે નોંધપાત્ર છે. કંપનીએ વીજ ઉત્પાદનમાં ઝડપથી સફળતા હાંસલ કરવા માટે અહીં અભ્યાસ કર્યો હતો અને યોજના અમલમાં મૂકી હતી. કંપનીની આ પ્રક્રિયામાં ટકાઉ સપ્લાય ચેઇન ઉપયોગી સાબિત થઈ હતી. કંપની સોલર અને વિન્ડ માટે વિશ્વના સૌથી મોટી રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમ સ્થાપી રહી છે, એમ અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું હતું.

ખાવડાના RE પ્લાન્ટ જેવા સાહસિક અને સંશોધનાત્મક પ્રોજેક્ટના માધ્યમથી કંપની વૈશ્વિક સ્તરે ઊંચા બેન્ચમાર્ક હાંસલ કર્યાં છે અને ગિગા-સ્કેલ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટોમાં કંપની નવાં શિખરો સર કરવાનું જારી રાખશે, એમ તેમણે કહ્યું હતું.દેશમાં પર્યાવરણમાંથી કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા માટે કંપની પ્રતિબદ્ધ છે અને વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 500 GWની ક્ષમતા હાંસલ કરવા કંપની પ્રતિબદ્ધ છે, એમ તેમણે કહ્યું હતું. વૈશ્વિક સ્તરે વાટાઘાટમાં ભવિષ્યમાં ક્લીન ઊર્જાના ઉત્પાદનમાં ભારતને અગ્રેસર બનાવવા કંપની પ્રતિબદ્ધ છે અને એને અનુરૂપ સસ્તી, વિશ્વસનીય અને સ્વચ્છ ર્જામાં પરિવર્તન લાવવા માટે વચનબદ્ધ છે.

 

 

 

 

બિલ્કિસ બાનુ કેસઃ રાજ્ય સરકારની સુપ્રીમમાં પુનર્વિચાર માટે અરજી

નવી દિલ્હીઃ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને 2002નાં તોફાનોમાં બિલ્કિસ બાનુ બળાત્કાર મામલે 11 દોષીઓને સમય પૂર્વે છોડી મૂકવાના ચુકાદામાં રાજ્યની વિરુદ્ધ ટિપ્પણીઓને અયોગ્ય જણાવતાં એને દૂર કરવાની વિનંતી કરી છે.

બિલ્કિસ બાનુએ બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના 11 દોષીઓને સમય પૂર્વે છોડી મૂકવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર વિરુદ્ધ પ્રતિકૂળ ટિપ્પણીઓ કરી હતી.

સરકારે અરજીમાં કહ્યું હતું કે ટોચની કોર્ટનો આઠ જાન્યુઆરીનો ચુકાદો સ્પષ્ટ રીતે ત્રુટિપૂર્ણ હતો, જેમાં રાજ્યને ‘અધિકાર હડપવા’ અને ‘વિવેકાધિકારનો દુરુપયોગ’ કરવા માટે દોષી ઠેરવવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ટોચની કોર્ટ એક અન્ય સમન્વય પીઠે મે, 2022માં ગુજરાત રાજ્યને ‘ઉપયુક્ત સરકાર’ કહી હતી અને રાજ્યને 1992ની છૂટ નીતિ અનુસાર દોષીઓમાંથી એકની માફી અરજી પર નિર્ણય લેવા માટે નિર્દેશ આપ્યા હતા.

પુનર્વિચાર અરજીમાં કહેવામાં આવ્યું હતું કે 13 મે, 2022 (સમન્વય પીઠના)ના ચુકાદાના વિરોધ સમીક્ષા અરજી દાખલ નહીં કરવા માટે ગુજરાત રાજ્યની વિરુદ્ધ ‘અધિકાર હડપવા’નો કોઈ પ્રતિકૂળ નિષ્કર્ષ ના કાઢી શકાય.

આ અરજી અનુસાર કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી, જે ગુજરાત રાજ્યએ મિલીભગતથી કામ કર્યું અને પ્રતિવાદી નંબર ત્રણ- આરોપીની સાથે સાઠગાંઠ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે એ ટિપ્પણી ના માત્ર અન્યાયી છે અને આ મામલાના રેકોર્ડની વિરુદ્ધ છે. બલકે અરજીકર્તા—ગુજરાત રાજ્ય વિશે ગંભીર પૂર્વાગ્રહ પેદા કર્યા છે.

 

 

 

 

 

 

 

શંભુ બોર્ડરે ખેડૂતો સાથે ઘર્ષણમાં પોલીસે ટિયર ગેસ છોડ્યો

નવી દિલ્હીઃ પંજાબ અને હરિયાણાના ખેડૂતોના દિલ્હી કૂચનો આજે બીજો દિવસ છે. દિલ્હીની સરહદો પર સુરક્ષા બેરિકેડિંગ કરી દેવામાં આવી છે. બધી સરહદોની આસપાસ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. હરિયાણાના સાત જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ખેડૂત નેતાઓ અને કેન્દ્રની વચ્ચે વાતચીતમાં કોઈ પણ સમાધાને ન પહોંચ્યા પછી કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા (બિન રાજકીય)એ ખેડૂતોને દિલ્હી ચલોનું આહવાન કર્યું છે.

ખેડૂતો MSP એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) અને દેવાં માફીની કાનૂની ગેરંટી, સ્વામિનાથન પંચની ભલામણો લાગુ કરવા સહિત કેટલીય માગોને પંજાબ અનમે હરિયાણાના ખેડૂતોએ દિલ્હી કૂચ કરી રહ્યા છે. શંભુ બોર્ડર પર ભારે સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે.પોલીસે ખેડૂતો પર ટિયર ગેસ છોડ્યો હતો. પોલીસ સાથે થયેલી અથડામણમાં DSP સહિત 24 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.

 

 

 

 

તમારા અસ્તિત્વનો અનુભવ કરો

મગજ મગજને સમજે છે અને હૃદય હૃદયને સમજે છે. નાક માત્ર સૂંઘી શકે છે; આંખો જોઈ જ શકે છે; કાન માત્ર સાંભળી શકે છે, કાન જોઈ શકતા નથી. હૃદય પણ એ જ રીતે અનુભવી શકે છે. આપણે હૃદયને મગજમાં અને મગજને હૃદયમાં રાખવાની કોશિશ કરીએ છીએ પણ એ કામ કરતું નથી. તમારું હૃદય અનુભવ કરે છે કે કંઈક સુંદર છે, જ્યારે તમારું મગજ તમને કહે છે કે તે સુંદર છે. આપણે આપણા મનમાં શબ્દને ફક્ત પકડી રાખીએ છીએ પણ તેને અનુભવી શકતા નથી. આપણે આપણા મગજમાં ‘સુંદર’ શબ્દનું વારંવાર પુનરાવર્તન કરીએ છીએ અને તેમ છતા સુંદર લાગતું નથી.

પ્રેમનું પણ કંઈક એવું જ છે, તમે પ્રેમ વિશે વધુ પડતી વાત કરો છો, જે તમારા મગજમાં જ અટવાઈ જાય છે અને તમારા હૃદયમાં પ્રેમનો ઉદય થતો નથી. પ્રેમ મૌન માં સ્ફુરે અને ફેલાય છે. આપણને જે વસ્તુઓ વધુ ગમે છે તેમાં આપણે આપણી જાતને અનુભવીએ છીએ. તેથી જ, જ્યારે આપણે આપણને ગમતી વસ્તુઓ ગુમાવીએ છીએ, ત્યારે આપણને દુઃખ થાય છે; આપણે આહત થઈએ છીએ. ચાલો માની લો કે તમે તમારા પિયાનોને ખૂબ પ્રેમ કરો છો અને તમે સાંભળો છો કે તમારા મસ્ત પિયાનો સાથે કંઈક થયું છે, તો તમે એવું અનુભવો છો જાણે તમારી અંદર કંઈક તૂટી ગયું છે. અથવા, જો તમારી કાર અથવા તમારા કૂતરાને કંઈક થાય છે, તો તમે પોતાને નુકશાન થયું છે તેવું અનુભવો છો. તમે ફક્ત તમારા શરીરમાં જ નથી રહેતા, પરંતુ તમે તેને તમારું ઘર પણ બનાવ્યું છે. પરંતુ જો આપણે સર્વસ્વને આવરી લેવા માટે આ અસ્તિત્વને વધુ વિસ્તૃત કરી શકીએ તો આપણે જાણીશું કે કોઈ નુકશાન નથી થયું અને આપણે સંપૂર્ણ છીએ.

તમે વાદળી મોતી છો. વાદળી સુંદર છે; વાદળી એવી વસ્તુ છે જે વિશાળ, વ્યાપક અને અનંત છે. આ સૃષ્ટિમાં જે કંઈ વિશાળ છે, જેનું ઊંડાણ છે, જે અનંત છે, તે વાદળી રંગમાં વ્યક્ત થાય છે. આકાશ વાદળી છે, સમુદ્ર વાદળી છે. તમે તમારા અસ્તિત્વમાં ખૂબ ગહન છો. તમે શરીરમાં હોવા છતાં તમારા અસ્તિત્વને કોઈ માપી શકતું નથી. તમારી અંદરનું અસ્તિત્વ માત્ર અનંત નથી; તે એક તેજસ્વી અનંત પ્રકાશ છે જે ગહન અને વિશાળ છે. વાદળી મોતી એટલે કે જે ચમકે છે, જે તેજસ્વી છે, જે અનંત છે; તેમ છતાં, તે મર્યાદિત જણાય છે, તે વ્યાપક દેખાય છે.

જ્યારે આપણે આપણા હૃદયને સાંભળવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે બધું એક છે; અને બધામાં એક જ ઈશ્વર છે. જુઓ, આપણા શરીરમાં ઘણા કોષો છે અને દરેક કોષનું પોતાનું જીવન છે. દરરોજ ઘણા કોષો જન્મે છે, ઘણા કોષો મરી રહ્યા છે પરંતુ તેઓ તમને ઓળખતા નથી. તમે જાણો છો કે કોઈ કોષમાં કંઈક ખોટું છે; તમે તેને અનુભવી શકો છો. તેવી જ રીતે, જો કે આપણા બધાનું જીવન ટૂંકું છે, તેમ છતાં એક અસ્તિત્વ એવું છે જે અન્ય તમામ જીવનને આવરી લે છે અને તેનું નિયંત્રણ કરે છે.

આપણે સૌ જીવનના મહાસાગરમાં તરી રહ્યા છીએ. આપણી આસપાસ ફક્ત ખાલી જગ્યા જ નથી; તે એક જીવંત વિશાળ જીવન છે. અને ત્યાં જીવનના વિશાળ સમુદ્રમાં, બધા છીપ તરી રહ્યા છે અને દરેક છીપમાં થોડું જળ છે જેની અંદર સમુદ્રનું જ જળ છે કોઈ અલગ જળ નથી. તેથી, આપણે આપણા કવચમાંથી બહાર આવવાની જરૂર છે અને એ સમજવાનું છે કે , “હું માત્ર શરીરમાં નથી, પણ હું સર્વત્ર વ્યાપ્ત છું; હરેક જગ્યાએ. હું મારી જાતને દરેકમાં જોઉં છું.” આ જીવનનો સાર છે!

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

નોટ આઉટ @ 85 : મધુકરભાઈ ત્રમ્બકલાલ શાહ

“પૈસા, પાણી અને પત્ની, ના હોય ત્યારે જ એની વેલ્યુ સમજાય!” જેવું બ્રહ્મવાક્ય પોતાની પત્નીની યાદમાં હસતા-હસતા બોલનાર અમદાવાદના જાણીતા એડવોકેટ (Taxation) મધુકરભાઈ ત્રમ્બકલાલ શાહની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

તેમનો જન્મ અમદાવાદમાં. તેમને બે ભાઈ. પિતા 1936માં કરાચીથી અમદાવાદ આવ્યા અને ફુવાની દુકાનમાં સેલ્સમેન તરીકે જોડાયા. મધુકરભાઈનો શાળાનો અભ્યાસ ન્યુ હાઇસ્કુલમાં, કોલેજ એચ.એલ. કોમર્સમાં. પછી એલએલબી સુધી ભણ્યા. બાળપણમાં આઝાદીની લડતમાં વડીલોને મદદ કરતા. તેમણે 140 રૂપિયાના પગારથી કામ શરૂ કર્યું, ત્રણ રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ! દર મહિનાની પેહલી તારીખે પગાર આવે એટલે ધનાસુથારની પોળ જઈ અંબાજીના મંદિરે ભેટ ધરાવે!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

હજુ 85 વર્ષે રિટાયર થયા નથી! ટેક્સેશનની પ્રેક્ટિસ ચાલુ છે, સાથે સેવા-ધર્મનું કામ પુષ્કળ કરે છે. સવારે 5:00 વાગે ઊઠે, બે લોટા પાણી પીએ, ગરમ મીઠાના પાણીના કોગળા કરે, સૂંઠની ગોળી લે. ચાલતા-ચાલતા રાજપથ ક્લબ જાય, 400 મીટરના બે રાઉન્ડ મારે, ગરમ જ્યુસ અને તુલસી-સુધા પીએ. ઘરે આવીને હળદર-મીઠાનું દૂધ લે. રોજ નાસીકા કરે. 11:00થી એક વાગ્યા સુધી ઓફિસમાં હોય. ઘેર જઈ જમીને આરામ કરે. વળી ચારથી છ ઓફિસમાં કામકાજ કરે. આજના દિવસે પણ સોશિયલ-લાઈફ જોરદાર છે! તેમણે અનેક સંસ્થાઓ સ્થાપવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે. નવરંગપુરા, આંબાવાડી અને સેટેલાઈટના સ્થાનકવાસી-જૈન-સંઘનાં બંધારણ તેમણે બનાવ્યાં. જૈન-લોટસ-ગ્રુપના સ્થાપક અને સલાહકાર મંડળના સભ્ય છે. જૈન-કલ્ચરલ-ગ્રુપ સાથે 43 વર્ષથી સંકળાયેલા છે અને 43 વર્ષથી જૈન-સમૂહ-લગ્ન યોજે છે. સિનિયર-સિટીઝન કલ્ચરલ ગૃપમાંથી દર વર્ષે ઇન્ટરનેશનલ ટુર લઈ જતા. વડીલોને 18 દેશોનો પ્રવાસ કરાવ્યો છે, સખાવતી સંસ્થાઓમાં સિનિયર-સિટીઝન્સને લઈ ગયા છે અને વડીલોને ખૂબ-ખૂબ આનંદ કરાવ્યો છે તથા જ્ઞાન સાથે ગમ્મત કરાવી છે.

 

શોખના વિષયો : 

ફરવા-ફેરવવાનું ગમે. હજુ જાતે જ ગાડી ડ્રાઈવ કરે છે. સામાજિક પ્રવૃત્તિઓ  ઘણી કરે છે. સંજીવની-ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. દર મહિનાની 15મી તારીખે 250 કીટ જરૂરિયાતવાળા માણસોને આપે છે. સત્યસાંઈ-હાર્ટ-હોસ્પિટલ તથા રાજેન્દ્રનગર આશ્રમ જેવી સેવાભાવી સંસ્થાઓને અનુમોદન આપે છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

ઈશ્વરની મહેરબાનીથી તબિયત સારી છે. 25 વર્ષથી જેવાને તેવા દેખાય છે! ઉપર જણાવેલો સવારનો નિત્યક્રમ એકદમ નક્કી. રાતના કાયમી-ચૂર્ણ લે, તે સિવાય કોઈ દવા લેતા નથી, કોઈ રોગ પણ નથી. કદાચ જીન્સમાં જ હશે. માતાએ 103 વર્ષ, પિતાએ  94 વર્ષ અને મોટાભાઈએ 88 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવ્યું છે. તેઓ 85 વર્ષે અને નાનાભાઈ 82 વર્ષે તંદુરસ્ત છે, જોકે પત્ની 60 વર્ષે ગુમાવ્યા. પત્નીના ગયા પછીના 25 વર્ષમાં પોતાના અંગત કામ માટે કોઈની મદદ નથી લીધી.

યાદગાર પ્રસંગ:  

દિવ્યાંગોને લાગે કે તેઓ સમાજથી જુદા છે એટલે બધા સાથે મિક્સ થતાં ખચકાય. એ ખચકાટ દૂર કરવા તેમણે એકવાર દિવ્યાંગો માટે ખાસ જમણવાર યોજ્યો. રિસેપ્શનની જેમ દરેકનું ગુલાબના ફૂલથી સ્વાગત કર્યું. ટેબલ-ખુરશી પર બેસાડી, ટ્રસ્ટીઓએ તેમને જમવાનું પીરસ્યું અને ખૂબ આનંદથી તેમને જમાડ્યા! તેમના પડોશમાં એક સિંધી-કુટુંબ રહેવા આવ્યું. અમદાવાદમાં નવા હતા. તેમનો નાનો દીકરો લખોટી ગળી ગયો. કુટુંબનાં સભ્યો ગભરાઈ ગયાં. આસપાસ કોઈને ઓળખે નહીં. કોણ મદદ કરવા જાય? કોણ તેમને ડોક્ટર પાસે લઈ જાય? મધુકરભાઈ બાળકને ડોક્ટર પાસે લઈ ગયા. તરત સારવાર કરાવી અને સિંધીનો દીકરો હસતો-રમતો ઘેર પાછો આવ્યો!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટેકનોલોજીનો ઉપયોગ નહિવત્ કરે છે. મોબાઇલનો ઉપયોગ સારી રીતે કરી જાણે છે. કોરોનાએ શીખવાડી દીધું!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

આજના યુવાનો બહુ સેલ્ફ-સેન્ટર્ડ છે. “મારું શું?” અને “આપણે શું?” એમાં જ માને છે. જોકે બધાં યુવાનો ખરાબ છે એવું નથી. આજના ઘણાં યુવાનો અને વિદ્યાર્થીઓ પોતાના પોકેટ-મનીમાંથી પણ ઘણું કામ કરે છે. તેમને  થોડા માર્ગદર્શનની જરૂર છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

તેમને ત્રણ દીકરા છે: એક એન્જિનિયર, બીજો એમબીએ અને ત્રીજો એડવોકેટ છે. ઘરનાં અને કુટુંબનાં યુવાનો સાથે સારું ફાવે છે. સામાજિક કામોને લીધે સમાજનાં યુવાનો સાથે સારી રીતે સંકળાયેલા છે.

સંદેશો :  

વડીલોએ યુવાનોને ગમતા થવું! બાળકોના વિકાસ અને આનંદની વચ્ચે આવવું નહીં. ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ, સારી તંદુરસ્તી અને પોઝિટિવ સ્વભાવ રાખો તો જ આજના સમયમાં ટકી શકો. આપણાથી નીચે હોય તેની ઉપર નજર રાખવી. તેમને શક્ય હોય તેટલી મદદ કરવી.

કોરાનાના 120 નવા કેસો, ચારનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 120 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ચાર જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,27,468 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,467 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,93,155 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 149 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 846 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,88,938 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 65 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.