Home Blog Page 1950

UP મદરેસાના 17 લાખ વિદ્યાર્થીઓને ‘સુપ્રીમ’ રાહત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ મદરેસા એક્ટને લઈને અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાના વચગાળાના ચુકાદા પર સ્ટે મૂક્યો છે. હાઇકોર્ટે મદરેસા એક્ટની જોગવાઈઓને સમજવાની ભૂલ કરી છે. હાઇકોર્ટનું એ માનવું છે કે એ એક્ટ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે, ખોટો છે. અલાહાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચ દ્વારા UP બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004ને ગેરબંધારણીય ગણાવાયો હતો.

ઉત્તરપ્રદેશના 25 હજાર મદરેસામાં ભણતાં 17 લાખ વિદ્યાર્થીઓને આજે સુપ્રીમ કોર્ટમાં મોટી રાહત મળી હતી. યુપી મદરેસા એક્ટ 2004 મામલે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા સામે સ્ટે આપી દીધો છે. મદરેસા સંચાલકો તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી તેના પર સુનાવણી કરતાં સુપ્રીમકોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે મદરેસા બોર્ડનો હેતુ નિયામક તરીકેનો છે. મદરેસા એજ્યુકેશન બોર્ડની રચના સેક્યુલારિઝમ વિરુદ્ધ છે તેવી વાત સાથે સુપ્રીમ કોર્ટ સહમત થઈ નથી. ગત અઠવાડિયે જ અલાહાબાદ હાઈકોર્ટની લખનો બેન્ચે યુપી સરકારને મદરેસાના વિદ્યાર્થીઓને સામાન્ય સ્કૂલોમાં ટ્રાન્સફર કરવા અને તેનું નોમિનેશન કરાવવા માટે આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે ધાર્મિક શિક્ષણ માટે બોર્ડની રચના કરવાની સરકાર પાસે સત્તા નથી.

આ મામલે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની ત્રણ જજોની બેન્ચે સ્ટે આપી દીધો છે. આ ઉપરાંત સુપ્રીમની બેન્ચે કેન્દ્ર સરકાર તથા યુપી સરકારને નોટિસ ફટકારીને તેનો જવાબ માગ્યો છે. 30 જૂન, 2024 સુધીમાં આ જવાબ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે.

કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે સરકાર સ્કૂલના શિક્ષણ માટે કોઈ એવા બોર્ડની રચના ન કરી શકે જેમાં કોઈ ખાસ ધર્મ અને તેના મૂલ્યોનું શિક્ષણ અપાતું હોય. મદરેસા અજિજિયા ઈજાજતુલ ઉલૂમના મેનેજર અંજુમ કાદરીએ હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી યુપી મદરેસા બોર્ડ વતી લડ્યા હતા. તેમણે દલીલ કરી કે એક્ટને રદ કરવાનો હાઈકોર્ટને અધિકાર નથી. 2018માં યુપી સરકારના આદેશ મુજબ આ મદરેસામાં વિજ્ઞાન, પર્યાવરણ અને ગણિત જેવા વિષય ભણાવાય છે.

 

 

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કમોસમી વરસાદની શક્યતા

અમદાવાદઃ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક  યાદવે રાજ્યના હમામાનની આગાહી કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં પાંચ દિવસ સૂકું હવામાન રહેશે, જે બાદ છઠ્ઠા અને સાતમા દિવસે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે.

રાજ્ય છેલ્લાં થોડાં વર્ષોથી કલાયમેટ ચેન્જનો સામનો કરી રહ્યું છે.ત્યારે હવામાન વિભાગે ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વિભાગ મુજબ 10 અને 11 એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે  8-13 એપ્રિલ દરમિયાન હીટવેવનો રાઉન્ડ રહ્યા પછી રાજ્યમાં માવઠાની સંભાવનાઓ જોવાંઈ રહી છે. રાજ્યમાં હીટવેવનો રાઉન્ડ હશે ત્યારે ઉત્તર ભારત પહાડી પ્રદેશો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) પસાર થવાનું છે. જેની કેટલીક લેયરો ગુજરાત સુધી લંબાઈ શકે છે. જેને કારણે 13-16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં માવઠું થવાની સંભાવનાઓ છે. તેઓ કહે છે કે  13થી 16 એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયું માવઠું, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં માવઠાની વધુ અસર થવાની સંભાવનાઓ છે. આ માવઠાના કારણે બાગાયતી પાક પર અસર થઈ શકે છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ રાજ્યમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. તેમની આગાહી મુજબ 12થી 18 એપ્રિલ દરમિયાન પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા છે.કચ્છ, સુરત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. ગુજરાતના ઘણા ભાગના વિસ્તારોમાં ક્યાંક વરસદ તો ક્યાંક પવન તો ક્યાંક છાંટા થવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર હાલમાં બે-ત્રણ દિવસ અમદાવાદ,અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ,પાટણ, રાજકોટ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. જ્યારે તાપી, નર્મદા, ભરુચ, અમરેલી સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

 

 

 

 

કોંગ્રેસે હિમંતાની વિરુદ્ધ દાખલ કર્યો રૂ. 10 કરોડનો માનહાનિનો કેસ

ગૌહાટીઃ આસામના કોંગ્રેસ એકમના અધ્યક્ષ ભૂપેન કુમાર બોરાએ સ્થાનિક કોર્ટમાં રાજ્યના મુખ્ય મંત્રી હિમંતા બિશ્વ શર્માની વિરુદ્ધ રૂ. 10 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. કોંગ્રેસ નેતાએ ફરિયાદમાં કહ્યું હતું કે હિમંતા બિશ્વ શર્માનાં કેટલાંય નિવેદનોએ તેમની જાહેર છબિ અને પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે.

બોરાએ સિવિલ જજ (સિનિયર ડિવિઝન) સહ સહાયક સત્ર જજ નંબર એક, કામરૂપ મેટ્રોની કોર્ટમાં કેસ કર્યો છે. શર્મા સિવાય રાજ્યના એક અગ્રણી સ્થાનિક દૈનિક અને એના સંપાદકને મામલામાં પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. બોરાએ આરોપ લગાવ્યો છે કે કેટલાય પ્રસંગોએ શર્માએ એવાં નિવેદનો આપ્યાં છે કે કોંગ્રેસના રાજ્ય એકમના પ્રમુખ જલદી પાર્ટી છોડી દેશે, જેનાથી તેમની જાહેર છબિને નુકસાન પહોંચ્યું છે અને પાર્ટીને પણ નુકસાન થયું છે.

મુખ્ય મંત્રીએ સતત દાવો કર્યો છે કે બોરા આગામી વર્ષના પ્રારંભે ભાજપમાં સામેલ થશે.જોકે વિપક્ષી નેતાએ એનો ઇનકાર કર્યો છે. બોરાએ કહ્યું હતું કે CMના નિવેદનથી પાર્ટીને ઘણું નુકસાન થયું છે.

આસામના મુખ્ય મંત્રી હિમંતા બિશ્વ શર્માએ હાલમાં દાવો કર્યો હતો કે આસામ કોંગ્રેસના વડા ભૂપેનકુમાર આગામી વર્ષે ભાજપમાં સામેલ થશે. મંગળવારે ભૂપેનકુમારે CMના દાવાને ફગાવ્યો હતો. શર્મા વાસ્તવિક મુદ્દાઓ પર વાત નથી કરવા ઇચ્છતા, પણ તેઓ માત્ર મુદ્દાને ગુમરાહ કરવાનું કામ કરે છે. તેઓ મુદ્દાને ગેરવલ્લે કરવાની માઇન્ડ ગેમ રમી રહ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષે પત્રકારોને કહ્યું હતું કે હું સવાલ કરવા માગું છું કે મને ભાજપમાં કેમ સામેલ કરવો છે? જો હું ભાજપમાં સામેલ થઈ જઈશ તો શું તેઓ અનુસૂચિત જનજાતિનો દરજ્જો માગી રહેલા છ સમાજને એ મળી જશે? શું નવી નોકરીઓ મળશે?

 

 

 

 

 

 

નૃત્ય, સંગીત, નાટકના આકર્ષક પરફોર્મન્સ સાથે સુરતમાં ‘અભિવ્યક્તિ’નું પુનરાગમન

સુરત: અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ – ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર સંચાલિત UNM ફાઉન્ડેશનની એક આગવી પહેલ છે. જે ઉભરતા કલાકારોના માધ્યમથી કલાના વિવિધ સ્વરૂપોને પ્રોત્સાહન આપવા અને તેને દર્શકો સમક્ષ રજૂ કરવાનો સુંદર પ્રયત્ન કરી રહ્યું છે. અમદાવાદમાં પાંચ આવૃત્તિ, વડોદરામાં બે અને સુરતમાં એક આવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ હવે અભિવ્યક્તિ આગામી 6 અને 7 એપ્રિલના રોજ સુરતમાં બીજી  આવૃત્તિનું આયોજન કરેલ છે. “એવરી સ્ટોરી મેટર્સ”ની થીમ સાથે અભિવ્યક્તિ-સુરતનું બે દિવસીય ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે. આ ફેસ્ટિવલમાં નવેમ્બર-ડિસેમ્બર 2023 દરમિયાન અભિવ્યક્તિની અમદાવાદ ખાતે યોજાયેલ પાંચમી આવૃત્તિ દરમિયાન ભજવાયેલાં અને વખણાયેલ પ્રદર્શનો રજૂ કરવામાં આવશે.ફેસ્ટિવલના પ્રથમ દિવસે 6 એપ્રિલના રોજ વૈશાલી ગોહિલની સંગીતમય રજૂઆત “સપ્તપદીની ફટાણાબાજી” રજૂ કરવામાં આવશે. સાથે જ બીજી રજૂઆતમાં શ્રદ્ધા, પંખી અને પરી બ્રહ્મભટ્ટની ત્રિપુટી દ્વારા “હસલી” નામનું નૃત્ય રજૂ કરવામાં આવશે. બીજા દિવસે, એટલે કે 7 એપ્રિલના રોજ સુમંત-આલાપની જોડી દ્વારા “અદ્વૈતમ” ટાઈટલ વાળું સંગીતમય પ્રદર્શન રજૂ કરવામાં આવશે. ત્યારબાદ રવિ ઉઘરેજીયા દ્વારા “બાપુજીની છેલ્લી ઈચ્છા” નાટ્ય પ્રદર્શન રજૂ કરવામાં આવશે.તમામ પ્રદર્શન SCET એમ્ફીથિયેટર, સાર્વજનિક યુનિવર્સિટી કેમ્પસ, સુરત ખાતે યોજાશે અને તમામ લોકો માટે પ્રવેશ ખુલ્લો રહેશે. ફેસ્ટિવલમાં પ્રેક્ષકોની એન્ટ્રી વહેલા તે પહેલાના ધોરણે તમામ લોકો માટે નિઃશુલ્ક રહેશે.પ્રત્યેક પરફોર્મન્સ જાણીતા આર્ટ ક્યૂરેટર્સ દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યા છે, જેમાં સંગીત માટે ભાર્ગવ પુરોહિત, નાટક માટે ચિરાગ મોદી અને નૃત્ય માટે જૈમિલ જોષી અને સહાયક ક્યુરેટર તરીકે કથંકી રાવલ શેઠનો સમાવેશ થાય છે. કળા ક્ષેત્રના જાણીતા મેન્ટર્સ જેવાં કે દક્ષા શેઠ (નૃત્ય), રજત ધોળકિયા (સંગીત) અને સૌમ્ય જોશી (નાટક)નું માર્ગદર્શન આ પ્રત્યેક પર્ફોર્મન્સીસને પ્રાપ્ત થયું છે.‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’નો પ્રારંભ વર્ષ 2018 માં અમદાવાદથી થયો હતો. UNM ફાઉન્ડેશનની પહેલ એવા આ પ્રોજેક્ટમાં અત્યાર સુધી દેશભરમાંથી 330 થી વધુ કલાકારો પોતાની ભાગીદારી નોંધાવી ચુક્યા છે.

 હેં! ગૂગલ પર સર્ચ કરવા માટે હવે આપવા પડશે પૈસા?

નવી દિલ્હીઃ ગૂગલે અત્યાર સુધી સર્ચ સર્વિસને ફ્રીમાં રાખી છે. કંપનીનો આવકનો મોટો હિસ્સો અહીંથી આવે છે. જોકે કંપની હવે આ પોલિસીમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. કંપની પ્રીમિયમ ફીચર્સ પર ચાર્જ લગાવવા પર વિચાર કરી રહી છે. આ પ્રીમિયમ ફીચર્સ કંઈ બીજું નહીં, બલકે જનરેટિવ AIથી આવનારાં પરિણામો હશે.

કેટલાક સમય પહેલાં કંપનીના ગૂગલ સર્ચની સાથે જનરેટિવ AIનો સ્નેપશોટ ફીચર એક્સપેરિમેન્ટલ લોન્ચ કર્યો હતો. આ ફીચરની મદદથી યુઝર્સ ને સર્ચ કરવામાં આવેલા ટોપિક વિશે AI સર્ચ રિઝલ્ટ્સની ઉપર બતાવે છે. ગૂગલનો આ જનરેટિવ AI ફીચર કંપનીના Google One સબસ્ક્રિપ્શન પ્લાનમાં જોડી દેવામાં આવે એવી શક્યતા છે. જોકે ગૂગલ પર વગર AI સિવાય કંઈ પણ સર્ચ કરવું પહેલાંની જેમ ફ્રી જ રહેશે.

ગૂગલે આ બિઝનેસ મોડલને લઈને સર્વે કર્યો હતો, જેમાં 70 ટકા યુઝર્સ ઇચ્છે છે કે તેઓ ફ્રીમાં સર્ચ ફીચરનો ઉપયોગ કરશે, જ્યારે ગૂગલના સર્ચ જનરેટિવ એક્સપિરિયન્સ (SGE) માટે માત્ર 30 ટકા યુઝર્સ જ ખર્ચ કરવા ઇચ્છશે.

ChatGPTએ બગાડ્યો ખેલ?

ગૂગલ સર્ચથી કંપનીને મોટી કમાણી થાય છે, પરંતુ ChatGPT આવ્યા પછી કંપનીને પોતાના બિઝનેસ પર એક ડર લાગવા માંડ્યો.આ પ્લેટફોર્મને લોન્ચ થયે આશરે દોઢ વર્ષ થઈ ચૂક્યું છે અને હવે કંપની બિઝનેસ મોડલમાં એક મોટા ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. કંપની AIને લઈને કંઇક નવું કરવાની દિશામાં વિચારી રહી છે.

 

 

ઈમોશન-ટ્રેજેડીમાં પણ કૉમેડી હોય?

સૌંદર્ય જોનારની આંખોમાં હોય છે એવું કોઈ ક્વોટજીવીએ કહ્યું છે. એવી જ રીતે, ફિલ્મનો પ્રકાર- ઍક્શન-ઈમોશન કે કોમેડી એ જોનારની આંખોમાં હોય છે. ઘણી એવી ફિલ્મો હોય છે જે વિનાકારણ કોમેડી બની જાય છે. ગઈ કાલે મોડી રાતે ટીવી પર સર્ફિંગ કરતાં કરતાં એક ફિલ્મ જોઈઃ 1968માં આવેલી ‘ગૌરી’. (સર્જક એ. ભીમસિંહની ધારણા મુજબ) હૃદયવીણાના તાર ઝણઝણાવતી, લાગણીનીતરતી ફિલ્મ કેવી રીતે કોમેડી બની ગઈ એ તમે વાર્તા વાંચીને વાંચીને જાણો.

બનારસના શેઠ રામ પ્રસાદ (શિવરાજ)ના જીવનનું એકમાત્ર ધ્યેય છે અંધ દીકરી ગૌરી (નૂતન)ને પરણાવવી. રામ પ્રસાદનો ભેટો આગ્રામાં વસતા શાદીના એજન્ટ મણિરામ (ઓમપ્રકાશ) સાથે થાય છે. લોભિયો મણિરામ પણ ઉંમરલાયક દીકરી ધનવંતી (લક્ષ્મીછાયા)ને વળાવી દેવાની વેતરણમાં છે. મણિરામ કા અનાથ ભતીજા (સંજીવકુમાર) કાલેજમાં ભણે છે, એનો રૂમપાર્ટનર સુનીલ (સુનીલ દત્ત) છે. મણિરામ જ્યારે સંજીવની ફી આપવામાં અખાડા કરે ત્યારે ફી સુનીલ ભરી કાઢે. સંજીવને આ ગમતું નથી. સુનીલ હે છેઃ “ક્યા મૈં ઈતના બૂરા હૂં કિ તુમ્હારી એક્ઝામ કી ફીસ તક નહીં દે સકતા”?

સુનીલ અને કાલેજમાં પઢતી ગીતા (મુમતાઝ)ને સ્નેહ છે. સિમલામાં રહેતા સુનીલના પિતા અને ગીતાની માતાને પણ સંતાનો ક્યારે પરણી જાય એની ચિંતા છે. એમને ખબર નથી કે સુનીલ-ગીતાએ આ અંગે આત્મનિર્ભર બનીને વૃક્ષ ફરતે ફુદરડી ફરીને ગીત ગાઈ લીધાં છે. સુનીલ ગ્રૅજ્યુએટ બનીને માતાજી (લીલા મિશ્રા) પાસે પહોંચે છે ત્યારે એ લાયક કન્યા ગીતાના ફોટોગ્રાફ સાથે તૈયાર છે. સુનીલ ફોટો જોતો જ નથી. એ કહે છેઃ “મૈંને લડકી ઢૂંઢ લી હૈ, માઁ”.

બેટાની વાત સાંભળી ભારે હૈયે મા ગીતાના પિતાજીને કહે છેઃ “શાયદ ઈશ્વર કો યે રિશ્તા મંજૂર નહીં”.

આ બાજુ ગીતા આજીજી કરે છેઃ “પિતાજી, એક બાર આપ સુનીલ સે મિલ તો લીજિયે, હમ એકદૂસરે સે બહોત પ્યાર કરતે હૈ”, પણ પિતાજી તો પુત્રીને લઈને બનારસ જતા રહે છે. ટોક-વિધિન-ટોકમાં સુનીલને ખબર પડે છે કે એ અને એની મા એક જ કન્યાની વાત કરી રહ્યાં છે. નાચતોકૂદતો એ પણ બનારસ પહોંચી જાય છે.

દરમિયાન લાલચી મામા મણિરામ ભતીજા સંજીવને સેઠ રામ પ્રસાદની ઈકલૌતી બેટી ગૌરી સાથે શાદી રચાવવા મનાવી લે છેઃ “સેઠ રામ પ્રસાદ સે જો દહેજ મિલેગા ઉસસે ધનવંતી કી શાદી હો જાયેગી”.

પરફેક્ટ. બસ, એક નાની સમસ્યા છેઃ મામાજી ભતીજાને કહેવાનું ભૂલી જાય છે કે “ગૌરી કે આંખોં કી રોશની નહીં હૈ”.

મંગળફેરા વખતે અંધ ગૌરી વરમાળા પિતાના ગળામાં નાખવા જાય છે કે પિતા એના કરકમળ સંજીવ તરફ લઈ જતાં કહે છેઃ “અંહંહંહં… બેટી, ઈધર ઈધર”… ત્યારે સંજીવને ખબર પડે છે કે, ગૌરી તો બ્લાઈન્ડ છે. એ ચાચા સાથે ઝઘડો કરીને લગ્નમંડપ છોડીને જતો રહે છે.

સેઠ રામ પ્રસાદ કહે છેઃ “થોડી-બહોત ઈજ્જત થી, વો ભી આજ મિટ્ટી મેં મિલ ગઈ”.

ગૌરી કહે છેઃ “ઈસસે અચ્છા તો ઝહર ખા લેતી”.

ગૌરીની સખી બસંતી (ઊર્મિલા ભટ્ટ) ગુસ્સામાં આવીને સંજીવ માટે ન કહેવા જેવું કહી નાખે છે ત્યારે ગૌરી એને તમાચો ચોડી દેતાં કહે છેઃ “ઉનકો બૂરા કેહતે હુએ તુમ્હે જરા ભી હિચકિચાહટ નહીં હુઈ”?

ગાલ પંપાળતાં બસંતી કહે છેઃ “યે થપ્પડ ખાકર તુમ્હારે લિયે મેરી ઈજ્જત ઔર બઢ ગઈ”.

ગીતાને મળવા બનારસ આવેલા સુનીલનો ભેટો સંજીવના ચાચા મણિરામ સાથે થાય છે. મણિરામની આશા મરી પરવારી નથી. એ સુનીલને પટાવે છેઃ “બેટા, યે તુમ્હારે દોસ્ત સંજીવ કી ઈજ્જત કા સવાલ હૈ. તૂ ઉસે ઢૂંઢ કે લા”.

સુનીલ ગૂગલ મૅપ્સની મદદ વિના સંજીવને શોધી એને ગૌરી પાસે જવા વીનવે છેઃ “જરા સોચો, અગર તુમ ગૌરી કો ઠુકરાઓગે તો ઉસકે જીવન મેં ક્યા રેહ જાએગા”? ગૌરી કે લિયે તુમ્હે યે બલિદાન દેના હોગા”. સંજીવ માની જાય છે.

આ તરફ ગૌરીને કોઈ ચમત્કારિક દાક્તર મળી જાય છે. એ કહે છેઃ “મૈં તુમ્હે આંખોં કી રોશની વાપસ દૂંગા”.

ગૌરીની ઈચ્છા તો નથી, પણ એને ખબર પડે છે સંજીવ વાપસ આવી રહ્યો છે ત્યારે એ ઑપરેશન માટે માની જાય છે.

ગીતાના પપ્પા (ગીતા તો યાદ છેને? એ બનારસમાં છે) ગીતાનાં લગ્ન સુનીલ સાથે કરાવવા રાજી થાય છે. ગીતા ખુશખબર આપવા સુનીલને લેટર લખે છે. સંજીવ ગૌરી પાસે જતો રહે, સુનીલ-ગીતા પરણી જાય, ધન્વંતરી પણ પરણી જાય, બધાં પરણી જાય, બહોત ખૂબ, પણ…

ગૌરી પાસે જતાં પહેલાં સુનીલ-સંજીવ શિકારે જવાનું નક્કી કરે છે. એમાં જરા લોચો વાગી જાય છે. જંગલમાં સંજીવ ધસમસતા ધોધમાં પટકાય છે. આ આઘાતજનક સમાચાર સાંભળતાં રામ પ્રસાદ હાર્ટઅટૅકથી મરી જાય છે.

આ તરફ ગૌરી કા આપરેશન કામિયાબ રહા. એને સૌથી પહેલાં લગનમંડપ છોડીને ગયેલા પતિના ચરણોનાં દર્શન કરવા છે. ડૉક્ટર મણિરામને કહે છેઃ “જબ તક ગૌરી કે આંખો કી પટ્ટી નહીં ખૂલતી ઉસે કિસી ભી બાત કા સદમા લગના નહીં ચાહિયે”.

ચાણક્યને પણ શરમાવે એવા મામાજી મણિરામ દાકતરની સલાહનો ઉપયોગ જરા જુદી રીતે કરે છે. એ સુનીલને કહે છેઃ “જો બકા, સંજીવ તારી સાથે શિકાર પર ગયો અને મરી ગયો. આ આઘાતથી રામ પ્રસાદ મરી ગયા. સંજીવના મોતના સમાચાર ગૌરી સાંભળશે તો, ઈસમેં કોઈ શક નહીં કી વો ભી મર જાયેગી. અગર ગૌરી મર ગઈ તો મારે જીવીને શું કરવું? સમાજ તુઝે 4-4 લોગ કા હત્યારા કહેગા… એના કરતાં તું ગૌરીનો પતિ બની જા”.

સુનીલ કહે છેઃ “લેકિન મૈં સંજીવ નહીં સુનીલ હૂં યે જાનકે ગૌરી કો સદમા લગેગા”.

મણિરામઃ (તુંય શું બબૂચક છો એ ઢાળમાં) “હમણાં નહીં કહેવાનું. સાંભળ, ગૌરી બડી ધાર્મિક હૈ. આપણે એની આગળ રામાયણ, મહાભારત જેવા ધાર્મિક ગ્રંથના પાઠ ભણતાં ભણતાં આ સત્ય કહીશું તો એટલો આઘાત નહીં લાગે, સમજ્યો”?

કન્ફ્યુઝ સુનીલ કહે છેઃ “મામાજી, તમે મને એવા રસ્તા પર લાવી દીધો છે કે ન હું પાછળ જઈ શકું ન આગળ. જો ભી કરના હૈ, જલદી કરો.

આંખોનાં તેજ લઈને હૉસ્પિટલથી ઘરે આવેલી ગૌરી પિતાજીની છબિ જોઈ સજળ આંખે કહે છેઃ “પિતાજી, આપને મેરે લિયે ક્યા કૂછ નહીં કિયા… ઈતને બરસ આપને મેરી આંખો કે લિયે અપની આંખો સે આંસુ બહાયે, ઔર જબ મૈં આપકે દર્શન કે કાબિલ હુઈ તો આપ ચલે ગયે”.

પછી એ સંજીવ બનીને આવેલા સુનીલને કહે છેઃ “લગ્નમંડપમાં છોડી જવાનું ગિલ્ટ ન રાખોઃ ઈક અંધી લડકી કો તો કોઈ ભી ઠૂકરા સકતા હૈ. યે તો આપકી મહાનતા હૈ કિ આપ સુબહ કો ભૂલે ઔર શામ વાપસ ઘર આ ગયે”…

હવે આગળ શું? ‘કિસી ઔર કો અપના પતિ સમજ રહી પતિવ્રતા, ધાર્મિક ખયાલો વાલી ગૌરી પર ક્યા બીતેગી જબ ઉસે પતા ચલેગા કિ વહ કિસી ગૈર કે સાથ રેહતી હૈ”… બચાડી ગીતાનું શું? એનો મંગેતર તો ગૌરીનો નકલી પતિ બની બેઠો છે… આખી વાતમાં સંજીવ ક્યાં છે?

બે હાથમાં માથું દબાવી હું ચાનો ચોથો કપ ખાલી કરું છું, મારા જેવો ધૈર્યવાન શ્રોતા પણ હિંમત હારી જાય છે. ટીવી સ્વિચઓફ્ફ કરીને હું પલંગમાં પડતું મૂકું છું. જો તમારે આગળની વાર્તા જાણવી હોય તો ફિલ્મ યુટ્યુબ પર છે. મારી નજરે જોશો તો એન્જોય કરી શકશો.

અરે હા, એક વાત કહેવાની રહી ગઈઃ ડિરેક્ટરને એમ કે આપડે બહુ ઈમોશનલ ફિલ્મ બનાવી છે એટલે કોમિક રિલીફ માટે ફિલ્મમાં અકાઉન્ટન્ટ રાધેશ્યામ (રાજેન્દ્રનાથ) અને મણિરામની બેટી ધનવંતી (લક્ષ્મીછાયા)ની કોમેડી વણી લીધી છે.

IPL-2024: આ ત્રણ ટીમોનું પ્લેઓફ્ફમાં પહોંચવાનું નક્કી, જાણો…

નવી દિલ્હીઃ IPL-2024નો પ્રારંભ 22 માર્ચથી થયો છે અને અત્યાર સુધી સીઝનમાં 16 મેચ રમાઈ ચૂકી છે, જેમાં દિલધડક મેચો જોવા મળી છે. એક ટીમ દ્વારા કોઈ પણ ઇનિંગ્સમાં સૌથી વધુ રનનો સ્કોર ધ્વસ્ત થઈ ચૂક્યો છે. દરેક મેચમાં ચોક્કા અને છક્કાનો વરસાદ થઈ રહ્યો છે. આ વખતે પાંચ વારની ચેમ્પિયન MI ખરાબ પ્રદર્શનને કારણે ચર્ચામાં છે.

આ વખતે ત્રણ ટીમો એવી છે, જે સતત હરીફ ટીમને ધૂળ ચટાડી રહી છે. આવો જાણીએ ત્રણ ટીમો વિશે, જેનું અત્યારથી પ્લેઓફ્ફમાં પહોંચવાનું લગભગ નક્કી છે.

આમાં સૌથી પહેલું નામ KKRનું, જે અત્યાર સુધી IPL 2024માં ત્રણે મેચ જીતી ચૂકી છે. ટીમની પાસે સુનીલ નરેન અને ફિલ સોલ્ટના રૂપમાં સારી ઓપનિંગ જોડી છે, જે ત્રણમાંથી બે વાર અર્ધ સદી ફટકારી ચૂકી છે. KKRનું કોમ્બિનેશન હાલ લાજવાબ છે.

બીજા ક્રમે છે રાજસ્થાન રોયલ્સ. જે આ વખતે સંજુ સેમસનની કેપ્ટનશિપમાં બહુ ઘાતક દેખાઈ રહી છે. કેપ્ટન સંજુ સેમનું કોર્મ અન્ય ક્રિકેટરોનું મનોબળ વધારી રહ્યું છે. વળી બોલિંગ સાઇડમાં યઝુવેન્દ્ર ચહલ અને ટ્રેન્ટ બોલ્ટનું ઘાતક કોમ્બિનેશન છે. RR અત્યાર સુધી ત્રણ મેચ જીતી ચૂકી છે.

સૌથી સારી ટીમના કોમ્બિનેશનમાં CSK પણ પાછળ નથી.રચિન રવીન્દ્ર ,ઋતુરાજ ગાયકવાડ, ડેરિલ મિશેલ અને શિવમ દુબે પણ સતત બોલરોની ધુલાઈ કરી રહ્યા છે.

 

 

 

 

 

 

 

 

ચૂંટણીના એ યાદગાર નારાઓ, જે છવાઈ ગયા જનમાનસમાં!

અમદાવાદ: ચૂંટણીમાં સૂત્રોનું પણ એક અલગ મહત્વ રહેલું છે. સૂત્રોની પોતાની એક ઉર્જા હોય છે. જે મતદારોમાં ઉત્પ્રેરક તરીકે કામ કરીને નવી જ ઉર્જા ભરી દે છે. આ વાત રાજકીય પક્ષો ખૂબ જ સારી રીતે સમજે છે. તેથી જ ચૂંટણી પ્રચાર શરૂ થતાંની સાથે જ રાજકીય પક્ષોએ કાર્યકરો અને મતદારોને નવા સૂત્રો દ્વારા ઉત્સાહિત કરવાનું શરૂ કરી દીધું છે. 2014 અને 2019ની જેમ આ વર્ષે પણ ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર સ્લોગન તૈયાર કર્યા છે.

  • 2014માં ભાજપે સૂત્ર આપ્યું હતું અબ કી બાર મોદી સરકાર. જે કામ પણ કરી ગયું. બીજી તરફ કોંગ્રેસનું સૂત્ર હતું હર હાથ તરક્કી, હર હાથ શક્તિ.
  • 2019માં ભાજપે સૂત્ર આપ્યું મોદી હૈ તો મુમકિન હૈ. અબ કી બાર ફીર મોદી સરકાર. 2019માં કોંગ્રેસનું સૂત્ર હતું મોદી હટાઓ, દેશ બચાઓ. અબ હોગા ન્યાય
  • 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપનું સૂત્ર છે, ત્રીસરી બાર મોદી સરકાર, અબ કી બાર 400 પાર. ભાજપનો દાવો છે કે આ વખતે સૌથી વધુ સીટ્સ મેળવીને તેઓ કોંગ્રેસના જૂના બધાં જ રેકોર્ડ તોડીને દેશમાં સ્પષ્ટ બહુમતી મેળવશે.

હવે નજર કરીએ અત્યાર સુધીના ઈતિહાસના સૌથી રસપ્રદ અને યાદગાર ચૂંટણી સૂત્રો પર.

રસપ્રદ ચૂંટણી સૂત્રો

જય જવાન, જય કિસાન – 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લોકોનું મનોબળ વધારવા માટે તત્કાલિન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ આ સૂત્ર આપ્યું હતું. જેનો આગળ ચૂંટણીમાં પણ કોંગ્રેસે ઉપયોગ કર્યો હતો.

  1. સમાજવાદિયોને બાંધી ગાંઠ, પિછડેં પાવે સૌ મેં સાઠ — 70ના દશકમાં સોશયલિસ્ટોના આ સૂત્રએ ચૂંટણીની રાજનીતિમાં મોટો બદલાવ લાવ્યો હતો. પ્રથમ વખત જાતિ આધારિત વોટર્સમાં મોટો બદલાવ થયો હતો અને એક નવો ઓ.બી.સી. વોટર વર્ગ ઉભો થયો હતો. મંડલ કમિશન અને પછાત વર્ગોને આરક્ષણ આપવાના મુદ્દે આ સૂત્ર સામે આવ્યું હતું. આ સૂત્ર રામમનોહર લોહિયાએ આપ્યું હતું.
  2. ગરીબી હટાવો – 1971માં ઈન્દિરા ગાંધીએ આપેલા આ સૂત્રના આધારે તેમને ઐતિહાસિક સફળતા મળી હતી અને ઈન્દિરા ઈઝ ઈન્ડિયાની પૃષ્ઠભૂમિ તૈયાર થઈ હતી. તેમના બાદ રાજીવ ગાંધીએ પણ આ જ સૂત્રનો ઉપયોગ કર્યો હતો.
  3. ઈન્દિરા હટાઓ, દેશ બચાવો – ઈમરજન્સી દરમિયાન જયપ્રકાશ નારાયણે આ સૂત્ર આપ્યું હતું. જે ઈમરજન્સી ખતમ થયા બાદ પણ વિપક્ષે પકડી રાખ્યું હતું. મોટા વિપક્ષી દળો જનતા પાર્ટીના નેજા હેઠળ આવીને ચૂંટણી લડયા અને 1977ની ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા ગુમાવી પડી હતી.
  4. એક શેરની સો લંગૂર, ચિકમગલૂર ચિકમગલૂર – ઈમરજન્સી પછી 1978માં યોજાયેલ પેટાચૂંટણીમાં આ બહુચર્ચિત ચૂંટણી સૂત્ર આવ્યું હતું. આ સૂત્ર પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી માટે તૈયાર કરવામાં આવ્યું હતું. તેઓ પેટા ચૂંટણીમાં કર્ણાટકના ચિકમગલૂર બેઠક પરથી લડી રહ્યા હતા. ઈમરજન્સી પછી તરતની આ ચૂંટણીમાં ચારે તરફથી ઈન્દિરા ગાંધી વિરોધી લહેર હતી. ત્યારે કોંગ્રેસના નેતા દેવરાજ ઉર્સ દ્વારા આ સૂત્ર તૈયાર કરવામાં આવ્યું. જેની મદદથી ઈન્દિરા ગાંધી ચિકમંગલૂર બેઠક પરથી ચૂંટણી જીતી ગયા હતા.
  5. રાજા નહીં ફકીર હૈ, દેશ કી તકદીર હૈ – 1989માં કોંગ્રેસના વિજય રથને રોકવા માટે બનાવેલા આ સુત્રએ વિપક્ષને સફળતા અપાવી હતી. તે સમયે વી. પી. સિંહ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ સૂત્ર ખુબ જ ચર્ચામાં હતું. જેના જવાબમાં કોંગ્રેસે પણ સૂત્ર તૈયાર કર્યુ હતું કે, “ફકરી નહીં રાજા હૈ, સી.આઈ.એ. કા બાજા હૈ.”
  6. જબ તક રહેગા સમોસે મેં આલુ, તબ તક રહેગા બિહાર મેં લાલુ – 1990માં બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ સૂત્ર ખુબ જ પ્રચલિત બન્યું હતું. તે સમયે લાલુ પ્રસાદ યાદવ પાસે વર્ષોનો ચૂંટણી લડવાનો અનુભવ હતો. 1977માં તેઓ પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા. 1990ના દશકમાં તેમને પોતાના ચૂંટણી પ્રચારને ફરીથી વધુ મજબૂત કરવાનું લાગ્યું. ત્યારે તેમણે આ સૂત્ર આપ્યું હતું.
  7. મિલે મુલાયમ-કાંશીરામ, હવા હો ગયે જય સિયા રામ – 1993માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રામ લહેર પર સવાર ભાજપના રથને રોકવા માટે એસ.પી. અને બી.એસ.પીએ ગઠબંધન કર્યુ હતું. જેના પરિણામે આ સૂત્ર અસ્તિત્વમાં આવ્યું હતું. જેના પરિણામે ભાજપનો વિજય રથ ખરેખર રોકાય ગયો હતો.
  8. તિલક, તરાજૂ ઔર તલવાર, ઈનકો મારો જૂતે ચાર – આ સૂત્ર બી.એસ.પી.ના સંસ્થાપક કાંશીરામે 80ના દશકમાં આપ્યું હતું.
  9. સબકો દેખા બારી-બારી, અબકી બારી અટલ બિહારી – 1996માં લખનઉમાં આયોજીત એક રેલીમાં આ સૂત્રનો સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રથમ વખત અટલ બિહારી વાજપેયીને પ્રથમ વખત કેન્દ્રમાં સત્તા ચલાવવાની તક મળી હતી. જો કે તેઓ માત્ર 13 દિવસ સુધી દેશના વડાપ્રધાન બન્યા હતા.
  10. કોંગ્રેસનો હાથ, આમ આદમીને સાથ – આ સૂત્રનો ઉપયોગ કરીને વર્ષ 2004માં કોંગ્રેસ ભાજપને હરાવીને કેન્દ્રમાં સત્તા પ્રાપ્ત કરવામાં સફળ રહી હતી.
  11. નજર અટલ પર, વોટ કમલ પર – 2004માં ભાજપ તરફથી આ સૂત્ર આપવામાં આવ્યું હતું.
  12. મા, માટી, માનુષ – આ સૂત્ર 2010ના વિધાસભા ચૂંટણી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસે આપ્યું હતું. મમતા બેનર્જીનીપુસ્તક પર આ સ્લોગનનો પ્રયોગ કર્યો હતો.
  13. અબ કી બાર મોદી સરકાર – 2014ની સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર હતા. ત્યારે મોદીની લોકપ્રિયતા જોતા આ સૂત્ર આપવામાં આવ્યું હતું. આ સૂત્ર કામ પણ કરી ગયું. 2014માં 10 વર્ષ બાદ ભાજપ ફરી સત્તા પર આવી હતી.
  14. મોદી હૈ તો મુમકિન હૈ – ફરી એકવાર લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે ભાજપના કાર્યકરો થનગની રહ્યા છે અને મોદી સરકારના 10 વર્ષના સુશાસનની ઉપલબ્ધિઓ ગણાવતા કહી રહ્યાં છે કે મોદી હૈ તો મુમકિન હૈ.

શાંતિ બિઝનેસ સ્કૂલમાં ‘બૌદ્ધિકા-2024નું ભવ્ય આયોજન’

અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS) દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભા દર્શાવવાનું પ્રતીક એવા વાર્ષિક કોલેજ ફેસ્ટિવલ બૌદ્ધિકા-2024નું બે દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું. બૌદ્ધિકા-2024માં કલાકારો, સંગીતકારો અને બૌદ્ધિકો વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમાં ફેશન શોથી લઈને મેનેજમેન્ટ સ્પર્ધાઓ, સાંસ્કૃતિક સર્જનાત્મકતાથી લઈને ટેક્નિકલ ક્વિઝ સુધીની 16 ઈવેન્ટ્સ રાખવામાં આવી હતી.

પ્રથમ દિવસની બિઝનેસ ઇવેન્ટ્સમાં વ્યાપાર પહેલી (વ્યાપાર ક્વિઝ) અને સંપત્તિ (ફાઇનાન્સિયલ પ્લાનિંગ)નો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક અને સર્જનાત્મક કાર્યક્રમો સરગમ (ગાયન) અને નચલે (નૃત્ય) હતાં. ફન ઇવેન્ટ્સમાં ઉસ્તાદ-એ-ઝાયકા (ખાદ્ય વસ્તુઓ બનાવવી અને વેચવી),  હાસ્ય વ્યંગ (મીમ્સ/રીલ્સ સ્પર્ધા) અને મંથન (મેનેજમેન્ટ ગેમ્સ)નો સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો. તમામ ઇવેન્ટ્સમાં સ્ટાર્સ પાર્ટનરશિપ જોવા મળી હતી. વિદ્યાર્થીઓની મૌલિકતા અને આત્મવિશ્વાસ પ્રશંસનીય હતો.

પ્રથમ દિવસની ઉજવણીનો પ્રારંભ ઉદઘાટન સમારોહ સાથે થયો હતો, જેમાં SBS નાં નિયામક ડો. નેહા શર્મા,  અને અન્ય આદરણીય મહેમાનો હાજર રહ્યા હતા. ડો. નેહા શર્માએ બૌદ્ધિકા-2024ને વાઇબ્રન્ટ ઇવેન્ટ બનાવવા માટે SBSના તમામ વિદ્યાર્થીઓ અને સંસ્થાના કર્મચારીઓનો આભાર માન્યો હતો.

બીજા દિવસે આગાઝ (બિઝનેસ પ્લાન પ્રેઝન્ટેશન) અને નિવેશ (સ્ટોક માઇન્ડ) જેવી બિઝનેસ ઇવેન્ટ્સ જોવા મળી હતી. સાંસ્કૃતિક અને સર્જનાત્મક કાર્યક્રમો જેમ કે ખુલા દરબાર, છબિ (ફેસ પેઈન્ટિંગ), અભિવ્યક્તિ (પોસ્ટર પ્રેઝન્ટેશન) અને રંગ દે (ફેસ પેઈન્ટિંગ), વો પુરાને દિન (જૂની પરંપરાગત રમતો), અને તલાશ (ટ્રેઝર હન્ટ) જેવી મનોરંજક ઈવેન્ટસ આયોજિત કરવામાં આવી હતી. સ્ટેજ ઇવેન્ટ જલવા – ફેશન શો જ્યાં વિદ્યાર્થીઓએ વિવિધ થીમ સાથે ફેશન ટ્રેન્ડનું પ્રદર્શન કર્યું હતું.

બૌદ્ધિકા-2024ની આ વર્ષની થીમ, “અપને લિયે અપનો કે લિયે”  રાખવામાં આવી હતી, જે અંતર્ગત  શાંતિ બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓએ ફંડ એકત્ર કરી સામાજિક જવાબદારીના ભાગરૂપે તે ફંડ દિવ્યાંગ બાળકો માટે કામ કરતી સંસ્થા  “અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર”,  અને ગુજરાતભરના ગરીબ પરિવારમાંથી આવતાં બાળકોને મફત શિક્ષણ આપતા વિસામો કિડસ ફાઉન્ડેશનને આપી હતી. આ પ્રસંગે SBSના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓએ આ બંન્ને સંસ્થાનાં બાળકો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી તેમની સાથે ભોજન લીધું હતું.

 

 

 

 

 

 

કોંગ્રેસના ન્યાયપત્રમાં મહિલાઓને એક લાખ, ખેડૂતોનાં દેવાં માફનું એલાન

નવી દિલ્હીઃ કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટેનાં ચૂંટણીવચનો જારી કરી દીધાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પી. ચિદંબરમ અને અન્ય નેતાઓની હાજરીમાં ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યું છે. કોંગ્રેસે ઘોષણાપત્રને ન્યાય પત્ર નામ આપ્યું છે. પાર્ટીએ દેશની જનતાને પાંચ ન્યાયનું વચન આપ્યું છે. આ સાથે પાર્ટીએ 25 ગેરંટીનો ઉલ્લેખ કર્યો છે.  

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો મનરેગાના ગરીબ મજૂરોને રૂ. 400ની મજૂરી આપવામાં આવશે. 40 લાખ સરકારી નોકરીઓ અને શહેરી રોજગાર ગેરંટી લાવવાનાં વચનો આપ્યાં હતાં. રાજસ્થાનમાં ચિરંજીવી યોજનાના તર્ક પર દેશમાં રૂ. 25 લાખ સુધી નિઃશુલ્ક સારવાર કેશલેસ વીમા યોજના લાગુ કરવામાં આવશે. તેમણે ખેડૂતો માટે પણ મોટું એલાન કર્યું હતું. સરકાર પર પર દેશમાં ખેડૂત ન્યાય હેઠળ ખેડૂતોનાં દેવાં માફ કરવામાં આવશે. આ ઘોષણાપત્ર ન્યાયનો દસ્તાવેજ છે, એમ તેમણે કહ્યું હતું.

સરકાર બનવા પર દેશમાં જાતીય જનગણતરી કરાવવામાં આવશે. મહિલાઓ માટે મહાલક્ષ્મી યોજનાનું એલાન કરતાં તેમણે કહ્યું હતું કે દેશમાં ગરીબ મહિલાઓને રૂ. એક લાખની મદદ કરવામાં આવશે. યુવાઓને પણ નોકરીની ગેરંટી આપવામાં આવશે.

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની કાર્યક્ષમતા અને મતપત્રની પારદર્શિતા માટે ચૂંટણી કાયદાઓમાં સંશોધન કરવામાં આવશે. મતદાન EVMના માધ્યમથી થશે, પણ મતદાતા મશીનથી પ્રાપ્ત મતદાન રસીદનેને VVPATમાં રાખવામાં અને જમા કરવામાં સક્ષમ હશે. અમે વચન આપીએ છીએ કે અમે ભોજન અને પરિધાન, પ્રેમ અને લગ્ન અને દેશના કોઈ પણ ભાગમાં યાત્રા અને રહેઠાણમાં વ્યક્તિગત પસંદમાં હસ્તક્ષેપ નહીં કરીએ.