Home Blog Page 1939

NSE: વાયરલ વીડિયો પર CEO આશિષ ચૌહાણની સ્પષ્ટતા

મુંબઈ: નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ (ચીફ એકિઝકયુટિવ ઓફિસર) આશિષકુમાર ચૌહાણ (Ashish Chauhan Fake Video)નો સ્ટોકની ભલામણ કરતો એક ઓડિયો વીડિયો સોશિયલ
મીડિયા પર ફરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી વાયરલ થયેલા આ વીડિયોમાં આશિષ ચૌહાણને સ્પેશિફિક સ્ટોકની ભલામણ કરતા બતાવવામાં આવ્યા છે. ત્યારે આ વીડિયો મામલે NSEએ પોતાના રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપતી અખબારી યાદી બહાર પાડી છે અને વીડિયોને બનાવટી ગણાવ્યો છે. વાસ્તવિકતામાં NSEના CEO આશિષ ચૌહાણે કોઈ પણ પ્રકારના સ્પેશિફિક સ્ટોકની ભલામણ કરી નથી.

સ્પેશિફિક સ્ટોકની ભલામણ કરતા ફેક વીડિયો મામલે આશિષ ચૌહાણ (Ashish Chauhan)એ એક્સ (અગાઉ ટ્વિટર) પર સ્પષ્ટતા આપી છે. તેમણે એક્સ પર એક પત્ર પોસ્ટ કરી વીડિયોને ફેક ગણાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે
છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર સ્ટોકનો જે વીડિયો વાયરલ થયો છે તે બનાવટી છે. આ સાથે જ તેમણે રોકાણકારોને સાવચેત રહેવા ટકોર કરી છે.

MD આશિષ ચૌહાણ અને NSE

આશિષકુમાર ચૌહાણના અવાજ, ચહેરો અને ચહેરાના હાવભાવની નકલ ટેકનોલોજીની મદદથી કરી તૈયાર કરાયેલા વિડિયો અને ઓડિયો ક્લિપ્સમાં તેમને સ્ટોક્સની ભલામણ કરતા દેખાડવામાં આવ્યા છે. આ વીડિયો, ઓડિયો બનાવટી છે અને રોકાણકારોએ તેના આધારે રોકાણના નિર્ણયો લેવા નહિ, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જે બહાર પાડેલી એક અખબારી યાદીમાં જણાવ્યું છે. રોકાણકારોએ એક હકીકત ધ્યાનમાં રાખવી જોઈએ કે સ્ટોક એકસચેંજના કોઈપણ કર્મચારીઓને સ્ટોકસ કે માર્કેટની ભલામણ કરવાની સત્તા હોતી નથી.

એનએસઈએ આવા ગેરકાનુની, બનાવટી અને વાંધાજનક વિડિયો દૂર કરવા સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મ્સને પણ અનુરોધ કર્યો છે. એનએસઈ કોઈ પણ સત્તાવાર માહિતી માત્ર તેની સત્તાવાર વેબસાઈટ www.nseindia.com
અને એક્સચેન્જના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ મારફત કરે છે. જેથી એકસચેંજે રોકાણકારોને સ્પષ્ટ કર્યુ છે કે એનએસઈ સંબંધિત કોઈ પણ પ્રાપ્ત માહિતીની સત્યતાની ચકાસણી એક્સચેન્જની વેબસાઈટ્સ અને તેનાં સત્તાવાર
સોશિયલ મીડિયા પર જ કરવી જોઈએ.

એકસ પર પોસ્ટ કરેલા પત્ર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે CEO દ્વારા કોઈ પણ પ્રકારના ખાસ સ્ટોક વિશે વાત કરવામાં આવી નથી. વીડિયોમાં કહેવામાં આવેલી માહિતી તદ્દન પાયાવિહોણી અને ખોટી છે. સ્ટોક એક્સચેન્જે જણાવ્યું કે આશિષ ચૌહાણનો ચહેરો અને તેનો અવાજ તથા NSE લોગોનો ઉપયોગ કરી ફેક વીડિયો બનાવવામાં આવ્યો છે.

 

 

હાઇકોર્ટનો આદેશઃ સંદેશખાલી કેસની તપાસ CBI કરશે

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓના યૌન ઉત્પીડન મામલે હાઇકોર્ટે CBI તપાસના આદેશ આપ્યા છે. હાઇકોર્ટે આદેશમાં કહ્યું હતું કે રાજ્યએ દરેક પ્રકારની મદદ કરવાની જરૂર છે. ત્યાં લોકો CBIને પોતાની ફરિયાદ કરી શકશે. કોર્ટે કહ્યું હતું કે CBIએ પોર્ટલ બનાવવાનું રહેશે. બળાત્કાર, ખેતીની જમીનના બદલામાં બધી ફરિયાદોની તપાસ CBI કરશે.  

કોર્ટની નિગરાનીમાં તપાસ કરવામાં આવશે. કોર્ટે આદેશમાં કહ્યું હતું કે સંદેશખાલી ક્ષેત્રમાં 15 દિવસની અંદર CCTV સ્થાપિત કરવાના રહેશે. 15 દિવસની અંદર LED લાઇટિંગ લગાવવાનો નિર્દેશ છે. કોર્ટે કહ્યું હતું કે સાક્ષીઓને સુરક્ષિત રાખવાની જરૂર છે. આગામી સુનાવણી બીજી મેએ થશે. એ દિવસ CBI પ્રાઇમરી રિપોર્ટ કરશે.

સંદેશખાલીની મહિલાઓએ TMCના નેતાઓ પર યૌન ઉત્પીડન અને જબરદસ્તી જમીન કબજો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં શેખ શાહજહાં, શિબુ હાજરા અને ઉત્તમ સરદાર આરોપી છે. ત્રણની ધરપકડ કરી લીધી હતી. સંદેશખાલીથી જોડાયેલી પાં જનહિત અરજી પર ચીફ જસ્ટિસ TS શિવજ્ઞાનમ અને જસ્ટિસ હિરણ્મય ભટ્ટાચાર્યની બેન્ચે સુનાવણી કરી હતી.

કોર્ટના આદેશ પછી રાજ્ય સરકાર CBI તપાસ અટકાવી નહોતી શકી. રાજ્યથી જોડાયેલા કોઈ પણ મામલે કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ તપાસ માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવાની રહેશે. જોકે કોલકાતા હાઇકોર્ટના આદેશ પછી હવે એની જરૂર નહીં પડે. આ પહેલાં હાઇકોર્ટે કહ્યું હતું કે સંદેશખાલીનું એક ટકા સત્ય પણ શરમજનક છે. કોર્ટે કહ્યું હતું કે પૂરું વહીવટી તંત્ર અને સત્તાધારી પાર્ટી એના માટે નૈતિક રીતે 100 ટકા જવાબદાર છે.

 

 

 

 

 

 

PM મોદી રૂપાલાના વિરોધને શાંત કરવા મેદાને ઊતરશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. આ વખતે ભાજપે 26 બેઠકો પાંચ લાખ મતની લીડથી જીતવા માટે કમરકસી છે. ગુજરાતમાં ત્રીજી વાર હેટ્રીક થાય તે માટે ખુદ વડાપ્રધાન મોદી ચારથી વધુ સભાઓ ગજવે તેવી શક્યતાઓ છે. હાલમાં ચાલી રહેલા રૂપાલાના વિરોધને શાંત કરવા માટે વડાપ્રધાન પહેલી સભા રાજકોટમાં કરે તેવી ચર્ચાઓ થઈ રહી છે.સભાની સાથે રેલી, રોડ-શોનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું ભાજપના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

મોદી રૂપાલાના વિરોધને શાંત કરવા મેદાને ઊતરશે

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતના ચારેય ઝોન સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ, મધ્ય અને ઉત્તરમાં મોદી સભા કરી આખા રાજ્યને કવર કરશે. એમાં પહેલી સભા 22 એપ્રિલે રાજકોટમાં કરે એવી માહિતી રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળી છે, કારણ કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ ગુજરાતભરના ક્ષત્રિયો વિરોધ કરી રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરી રહ્યા છે. ત્યારે મોદી આ વિરોધને શાંત કરવા મેદાને ઊતરશે. ગાંધીનગરના પોશ વિસ્તારથી લઈને કચ્છના નલિયા ગામ સુધી મોદીના પક્ષમાં અથવા તો મોદીના વિરોધની વાત સાંભળવા મળી રહી છે.

ભાજપે 2014 અને 2019ની ચૂંટણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું

ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે. ભાજપે 2014 અને 2019ની ચૂંટણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 26 બેઠકમાંથી 13 બેઠક પર કોંગ્રેસની સરખામણીએ બેથી અઢી ગણી લીડ સાથે મત મળ્યા હતા. ભાજપે તમામ 26 બેઠક જીતી હતી. આ 26 બેઠકમાંથી 22 બેઠક પર 2 લાખથી વધુના મત સાથે જીત મેળવી હતી. આ સાથે ગાંધીનગર, વડોદરા, સુરત અને નવસારી એમ 4 બેઠક પર પાંચ લાખથી વધુ મતોની સરસાઇ મળી હતી. માત્ર 4 બેઠક એવી હતી, જેના પર જીતનું માર્જિન સવા લાખથી 2 લાખ વચ્ચે રહ્યું હતું. આ પહેલાંની લોકસભા 2014ની સમાન્ય ચૂંટણીમાં ભાજપે 26માંથી 26 બેઠક જીતી હતી, જેમાંથી પણ 16 બેઠક 2 લાખથી વધુના માર્જિન મત સાથે વિજય મેળવ્યો હતો.

ભાજપે ઉમેદવારોની 10મી યાદી જાહેર કરી

ભારતીય જનતા પાર્ટીએ આજે ​​2024ની લોકસભા ચૂંટણી માટે તેની 10મી યાદી બહાર પાડી છે. આ યાદીમાં કુલ નવ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉમેદવારોમાં સૌથી વધુ સાત ઉમેદવારો યુપીમાંથી જાહેર કરવામાં આવ્યા છે. યાદી અનુસાર, મૈનપુરીથી જયવીર સિંહ, બલિયાથી નીરજ શેખર, મચલી શહેરથી બીપી સરોજ, ગાઝીપુરથી પારસ નાથ રાય, કૌશામ્બીથી વિનોદ સોનકર, ફુલપુરથી પ્રવીણ પટેલ અને અલ્હાબાદથી નીરજ ત્રિપાઠીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ગાઝીપુરના પારસ નાથ રાય સંઘ સાથે જોડાયેલા છે. જો કે તેઓ ક્યારેય ચૂંટણી લડ્યા નથી, પરંતુ તેઓ મનોજ સિન્હાના નજીકના ગણાય છે. તેમના પુત્ર આશુતોષ રાય ભારતીય જનતા યુવા મોરચાના યુપી અધ્યક્ષ રહી ચુક્યા છે. ફુલપુરથી ભાજપના ધારાસભ્ય પ્રવીણ પટેલને ટિકિટ મળી છે, તેઓ બસપામાંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.

યુપીમાં અત્યાર સુધીમાં 70 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી

ભાજપે અત્યાર સુધીમાં યુપીમાં કુલ 70 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પ્રથમ યાદીમાં 51 નામ હતા, બીજી યાદીમાં 13 નામ હતા પરંતુ એક ઉમેદવારની ટિકિટ બદલાઈ હતી એટલે કે કુલ 12 નવા નામની જાહેરાત કરવામાં આવી હતી. આ યાદીમાં સાત નામ સામે આવ્યા છે. યુપીની 80 સીટોમાંથી ભાજપ પોતે 75 સીટો પર ચૂંટણી લડી રહી છે જ્યારે 5 સીટો તેના સહયોગીઓને આપવામાં આવી છે. જે પાંચ સીટો માટે નામ નક્કી કરવાના બાકી છે તેમાં રાયબરેલી, કૈસરગંજ, ભદોહી, ફિરોઝાબાદ અને દેવરિયાનો સમાવેશ થાય છે.

આ સિવાય બાકીના બે ઉમેદવારો પશ્ચિમ બંગાળના આસનસોલથી એસએસ અહલુવાલિયા અને ચંદીગઢના સંજય ટંડન છે. ટીએમસીના ઉમેદવાર શત્રુઘ્ન સિન્હા સામે એસએસ અહલુવાલિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પવન સિંહે આસનસોલથી ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી.

ભાજપે આ સાંસદોની ટિકિટ રદ્દ કરી

ભાજપ દ્વારા બુધવારે જાહેર કરાયેલ 9 નામોની યાદીમાંથી 4 લોકોની ટિકિટ રદ કરવામાં આવી છે. જે ઉમેદવારોની ટિકિટ રદ કરવામાં આવી છે તેમાં ફુલપુરથી કેસરી દેવી પટેલ, અલ્હાબાદથી રીટા બહુગુણા જોશી, બલિયાથી વીરેન્દ્ર સિંહ મસ્ત અને ચંદીગઢથી કિરણ ખેરનો સમાવેશ થાય છે.

ઉત્પાદન એકમ સ્થાપવા માટે ટેસ્લાની RIL સાથે વાતચીત?

નવી દિલ્હીઃ ભારતમાં ટેસ્લાનો પ્રવેશ લગભગ નક્કી છે. કંપનીએ ઉત્પાદન એકમ લગાવવા માટે કેટલીય રાજ્ય સરકારોથી વાતચીત કરી હતી. દેશમાં પોતાની હાજરીને મજબૂત કરવા માટે કંપનીના CEO એલન મસ્ક ભારતમાં કોઈ સ્થાનિક ભાગીદારની શોધમાં છે, એમ અહેવાલ કહે છે.

અમેરિકી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ઉત્પાદન એકમ સ્થાપવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સાથે સંયુક્ત સાહસ માટે વાતચીત કરે એવી શક્યતા છે. જેથી ભારતમાં ટેસ્લાના પ્રવેશમાં રિલાયન્સની મહત્ત્વની ભૂમિકા હોઈ શકે.

એક રિપોર્ટ મુજબ બંને કંપનીઓ વચ્ચે પ્રાથમિક તબક્કામાં છે અને એક મહિનાથી વધુ સમયથી જારી છે. જોકે રિલાયન્સના આ પગલાને ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પ્રવેશ તરીકે નહીં જોવું જોઈએ. RILનો ઉદ્દેશ આ સંયુક્ત સાહસ દ્વારા ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની ક્ષમતાને પ્રોત્સાહન આપવાનો છે. જોકે RILની ભૂમિકા અત્યાર સુધી સ્પષ્ટ નથી, પણ અપેક્ષા છે કે ભારતમાં ટેસ્લા માટે મેન્યુફેક્ચરિંગ સુવિધા અને એલાઇડ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ પહેલાં વર્ષ 2023માં RILએ અશોક લેલેન્ડની સાથે ભાગીદારી કરી હતી, જે હેઠળ ભારતમાં પહેલો હાઇડ્રોજનથી ચાલતો ટ્રક લોન્ચ કરવામાં આવ્યો હતો. કંપનીએ EV માટે રિમુવેબલ અને સ્વેપેબલ બેટરીને પણ અનવિલ કરી હતી.

દેશની તમામ રાજ્ય સરકારો ટેસ્લાને આકર્ષવામાં લાગી છે, પણ આ હોડમાં ગુજરાત સૌથી આગળ છે. ત્યાર બાદ તામિલનાડુ, તેલંગાણા, મહારાષ્ટ્રે પણ પુણના ઓદ્યૌગિત વિસ્તારમાં પ્લાન્ટ સ્થાપવા માટે ટેસ્લાનો સંપર્ક કર્યો હતો, એમ સૂત્રોએ કહ્યું હતું.

 

 

 

 

કેજરીવાલ મામલે સુપ્રીમ કોર્ટ તાત્કાલિક સુનાવણી નહીં કરે

દિલ્હી શરાબ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલને છેલ્લા 24 કલાકમાં ત્રણ મોટા આંચકાઓ લાગ્યા છે. મંગળવારે, દિલ્હી હાઈકોર્ટ ધરપકડ અને કસ્ટડીને પડકારતા કેસમાં નિરાશ થઈ હતી અને ત્યારબાદ બુધવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં વકીલોની માંગણી કરતી અરજીમાં નિરાશા થઈ હતી. બપોરે સુપ્રીમ કોર્ટમાંથી પણ કેજરીવાલને રાહ જોવાના સમાચાર આવ્યા.દિલ્હી સીએમએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. જો કે, કેજરીવાલની અરજી પર SCમાં તાત્કાલિક સુનાવણી થશે નહીં. તેઓએ આવતા સપ્તાહ સુધી રાહ જોવી પડશે. સુપ્રીમ કોર્ટમાં કોઈ વિશેષ બેન્ચ નહીં હોય. આવી સ્થિતિમાં સોમવાર પહેલા સુનાવણી થવાની કોઈ શક્યતા નથી.


તમને જણાવી દઈએ કે મંગળવારે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ અને કસ્ટડીને કાયદેસર બનાવી દીધી હતી અને તેમની દલીલોને ફગાવી દેતા તેમની અરજી ફગાવી દીધી હતી. જે બાદ બુધવારે સવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે વકીલોને લગતી કેજરીવાલની બીજી અરજી પણ ફગાવી દીધી હતી. આ અરજીમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે વકીલોને અઠવાડિયામાં 5 વખત મળવાની માંગ કરી હતી. હાલમાં કેજરીવાલ પોતાના વકીલોને અઠવાડિયામાં માત્ર બે વાર જ મળી શકે છે.

કેજરીવાલની કાનૂની ટીમે બુધવારે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મળતી માહિતી મુજબ કેજરીવાલે સુનાવણી માટે આવતા સપ્તાહ સુધી રાહ જોવી પડશે. સુપ્રીમ કોર્ટમાં અરજી પર તાત્કાલિક સુનાવણી થશે નહીં. ખરેખર, ગુરુવારે ઈદ, શુક્રવારે સ્થાનિક રજા અને પછી શનિવાર-રવિવારની રજાઓ છે. આવી સ્થિતિમાં અત્યારે ન તો સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ બેન્ચની રચના થશે અને ન તો સોમવાર પહેલા સુનાવણી થવાની કોઈ શક્યતા છે. હવે સોમવાર સુધી સુનાવણી થવાની શક્યતા નથી.

હોલિવુડ ખાતે ‘મોદી ધ સ્ટાર ઓફ ઈન્ડિયા’ની સાઈન મૂકાઈ

અમેરિકા: ભારતની લોકસભા ચૂંટણીનો રંગ માત્ર દેશવાસીઓને જ નહીં પરંતુ વિદેશમાં વસતા ભારતીયો પર પણ ચઢ્યો છે. સમગ્ર વિશ્વની નજર સૌથી મોટા લોકશાહીના પર્વ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ ‘અબ કી બાર 400 પાર’નો નારો આપી રહ્યા છે. વિદેશોમાં પણ આ ગુંજ સંભળાઈ રહી છે. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ભાજપ દ્વારા અમેરિકાના વિવિધ શહેરોમાં કાર્યક્રમો યોજાયા હતા. કેલિફોર્નિયાના લોસ એન્જલસના હોલિવુડ કોનાર્ક થીએટર્સ ખાતે પણ બી.જે.પી. કાર્યકરો અને સમર્થકોએ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અમેરિકાના 16થી વધુ શહરોમાં ભાજપના સમર્થનમાં રેલી અને સભા યોજી અને નરેદ્ર મોદીની તરફેણમાં ભાજપને મત આપવા આહવાન કર્યું હતું.કેલિફોર્નિયામાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીની વેસ્ટ ઝોન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભારતીય અમેરિકનો, હોદ્દેદારો, કાર્યકરો અને ભાજપ સમર્થકોએ હાજરી આપી હતી. જ્યાં નરેન્દ્ર મોદી સરકારના સાહસિક કર્યો, યોજનાઓ, વ્યાપાર અને વિદેશ નીતિ સહિતની ઉપલબ્ધિઓ તેમજ તે થકી ઊભી થયેલ વૈશ્વિક પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠાની વિગતોની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સાઉથ એશિયન બિઝનેસ નેટવર્કના વાઇસ ચેરમેન યોગી પટેલે જણાવ્યું હતું કે, “નરેન્દ્ર મોદીની સરકારમાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થયું, કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી છે. મુસ્લિમ બહેનોને ટ્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવી છે. ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવાની ખાતરી આપી છે. આથી અને લોકો મોદી સરકારને સમર્થન આપીએ છીએ.” ગાયત્રી મંદિરના ટ્રસ્ટી રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે, “કોરોના જેવું સંકટનો મોદી સરકારે હિંમતભેર સામનો કર્યો હતી. આ પડકારરૂપ પરિસ્થિતિમાંથી દેશને બહાર લાવી વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી છે. ભાજપે દેશને પ્રથમ દલિત રાષ્ટ્રપતિ, આદિવાસી રાષ્ટ્રપતિ આપ્યા છે.”

ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી વેસ્ટ ઝોનમાં કો. ઓર્ડીનેટર પી. કે.નાયકએ જણાવ્યું હતું કે, “ભાજપ સરકારનો ત્રીજો કાર્યકાળ ઐતિહાસિક નિર્ણયોનો યુગ બની રહેશે. છે. જેથી ભાજપને વોટ આપી વિજયી બનાવવા અને ભારતના સર્વે નાગરિકોને અંહી વસતા ભારતીયોને તેમના મિત્ર, સ્નેહી અને કુટુંબીજનોને આ વાત પહોંચાડવા અપીલ કરી છે.”

રામદેવ, બાલકૃષ્ણને પરિણામો ભોગવવાં માટે તૈયાર રહેવા ‘સુપ્રીમ’ આદેશ

નવી દિલ્હીઃ પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત કેસમાં સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને કડક ફટકાર લગાવી હતી. કોર્ટે  વગર શરતે રામદેવના માફીનામાનો સ્વીકાર કરવાથી ઇનકાર કરી દીધો હતો. જસ્ટિસ અમાનુલ્લાહ અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતાં કહ્યું હતું કે તમે ત્રણ-ત્રણ વાર અમારા આદેશોને નજરઅંદાજ કર્યા છે અને એનું પરિણામ ભોગવવું પડશે. અમે આંધળા નથી. એ સાથે ખંડપીઠે આ મામલે કેન્દ્ર સરકારથી મળેલા જવાબથી કોર્ટ સંતુષ્ટ નહીં જોવાનું જણાવ્યું હતું.

કોર્ટે રામદેવને કહ્યું હતું કે ખુદને કાયદાથી પર ના સમજો, કાયદો સૌથી ઉપર છે. કોર્ટે રામદેવના વકીલ મુકુલ રોહતગીને કહ્યું હતું કે સોગંદનામું કોર્ટમાં આવતાં પહેલાં પબ્લિકની પાસે હતું, જ્યારે સુપ્રીમ કોર્ટની વેબસાઇટની PDFમાં નહોતું.

રોહતગીએ કહ્યું હતું કે રામદેવે પણ વિના શરત માફી માગી છે, ત્યારે જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું હતું કે  તમે સોગંદનામામાં છેતરપિંડી કરી રહ્યા છો. આ કોણે તૈયાર કર્યું છે? મને આશ્ચર્ય છે. કોર્ટે રામદેવના વિના શરત માફી માગવાના સોગંદનામાનો સ્વીકાર કરવાથી ઇનકાર કર્યો હતો. જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું હતું કે આ લોકોએ ત્રણ-ત્રણ વાર અમારા આદેશને નજરઅંદાજ કર્યા છે.

શું છે IMAનો કેસ?

IMAએ આરોપ લગાવ્યો છે કે પતંજલિએ કોવિડડ19 વેક્સિનેશનની વિરુદ્ધ એક બદનામ કેમ્પેન ચલાવ્યું હતું. એના પર કોર્ટે ચેતવણી આપી હતી કે પતંજલિ આયુર્વેદ તરફથી ખોટો અને ભ્રામક જાહેરાત તરત બંધ થવી જોઈએ. ખાસ કરીને બીમારીઓને ઠીક કરવાના ખોટા દાવા કરતા પ્રત્યેક ઉત્પાદન માટે રૂ. એક કરોડ સુધીના દંડની સંભાવના જાહેર કરી હતી.

 

 

 

 

 

 

 

 

ભારત નહીં, ચીને કેનેડાની ચૂંટણીમાં કરી હતી દખલઃ CSIS

નવી દિલ્હીઃ કેનેડાની સરકારે પાછલા દિવસોમાં આરોપ લગાવતાં કહ્યું હતું કે ભારત એની ચૂંટણીમાં દખલ દઈ રહ્યું છે. જોકે કેનેડિયન સુરક્ષા જાસૂસી સર્વિસે (CSIS) ખુલાસો કર્યો હતો કે ભારતે ચૂંટણીમાં કદી દખલ કરી નથી, પરંતુ એજન્સીએ ચીન પર ગંભીર આરોપ લગાવ્યા છે. ચીને કેનેડાની પાછલી બે ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો. 2019 અને 2021ની સામાન્ય ચૂંટણીમાં ચીને દખલ કરી હતી, એમ CSISનો તપાસ રિપોર્ટ કહે છે.2019 અને 2021ની કેનેડાની સામાન્ય ચૂંટણીમાં ચીને દખલ કરી હતી અને એમાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીને જીત મળી હતી. વિપક્ષ સતત આ મુદ્દો ઉઠાવી રહ્યો હતો અને વિદેશી દખલની વાત કરી રહ્યો હતો. ત્યાર બાદ વડા પ્રધાન ટ્રુડોએ તપાસ પંચની રચના કરી હતી. આ બંને કેસોમાં વિદેશી દખલના નક્કર પુરાવા મળ્યા છે. બીજી બાજુ, ચીને કેનેડાના રાજકારણમાં દખલના આરોપોથી ઇનકાર કર્યો છે. કેનેડામાં 2021માં થયેલી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રચારની આગેવાની કરી રહેલા એરિન ઓટુલીએ ચૂંટણીમાં ચીનની દખલનો અંદેશો વ્યક્ત કર્યો હતો.

આ રિપોર્ટ સામે આવ્યા પછી જસ્ટિન ટ્રુડો પર વિપક્ષે તીખો હુમલો કર્યો હતો. પંચે સોમવારે રજૂઆત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે અમે જાણીએ છીએ કે PRCએ 2019 અને 2021- બંને ચૂંટણીમાં ગુપ્ત અને ભ્રામકનું મુખ્ય ઉદ્ધેશ PRCના હિતવાળા મામલા પર ચીન સમર્થક અથવા તટસ્થ ગણાતી વ્યક્તિઓને ટેકો આપવાનો હતો. ચીને એમાં દખલ કરવા માટે રાહ જોઈ હતી. જાસૂસી વિશ્લેષકોનો તર્ક છે કે ટ્રુડો સરકારે ચીની હસ્તક્ષેપને લઈને કોઈ કાર્યવાહી નહોતી કરી. એ મામલામાં ટ્રુડોની પંચ સમક્ષ નિવેદન લેવામાં આવશે.

 

 

 

 

 

 

 

 

 

કોરાનાના 58 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,35,183 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,568 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,00,869 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 68 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 717 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,481 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 8 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.