NSE: વાયરલ વીડિયો પર CEO આશિષ ચૌહાણની સ્પષ્ટતા

મુંબઈ: નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ (ચીફ એકિઝકયુટિવ ઓફિસર) આશિષકુમાર ચૌહાણ (Ashish Chauhan Fake Video)નો સ્ટોકની ભલામણ કરતો એક ઓડિયો વીડિયો સોશિયલ
મીડિયા પર ફરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી વાયરલ થયેલા આ વીડિયોમાં આશિષ ચૌહાણને સ્પેશિફિક સ્ટોકની ભલામણ કરતા બતાવવામાં આવ્યા છે. ત્યારે આ વીડિયો મામલે NSEએ પોતાના રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપતી અખબારી યાદી બહાર પાડી છે અને વીડિયોને બનાવટી ગણાવ્યો છે. વાસ્તવિકતામાં NSEના CEO આશિષ ચૌહાણે કોઈ પણ પ્રકારના સ્પેશિફિક સ્ટોકની ભલામણ કરી નથી.

સ્પેશિફિક સ્ટોકની ભલામણ કરતા ફેક વીડિયો મામલે આશિષ ચૌહાણ (Ashish Chauhan)એ એક્સ (અગાઉ ટ્વિટર) પર સ્પષ્ટતા આપી છે. તેમણે એક્સ પર એક પત્ર પોસ્ટ કરી વીડિયોને ફેક ગણાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે
છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર સ્ટોકનો જે વીડિયો વાયરલ થયો છે તે બનાવટી છે. આ સાથે જ તેમણે રોકાણકારોને સાવચેત રહેવા ટકોર કરી છે.

MD આશિષ ચૌહાણ અને NSE

આશિષકુમાર ચૌહાણના અવાજ, ચહેરો અને ચહેરાના હાવભાવની નકલ ટેકનોલોજીની મદદથી કરી તૈયાર કરાયેલા વિડિયો અને ઓડિયો ક્લિપ્સમાં તેમને સ્ટોક્સની ભલામણ કરતા દેખાડવામાં આવ્યા છે. આ વીડિયો, ઓડિયો બનાવટી છે અને રોકાણકારોએ તેના આધારે રોકાણના નિર્ણયો લેવા નહિ, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જે બહાર પાડેલી એક અખબારી યાદીમાં જણાવ્યું છે. રોકાણકારોએ એક હકીકત ધ્યાનમાં રાખવી જોઈએ કે સ્ટોક એકસચેંજના કોઈપણ કર્મચારીઓને સ્ટોકસ કે માર્કેટની ભલામણ કરવાની સત્તા હોતી નથી.

એનએસઈએ આવા ગેરકાનુની, બનાવટી અને વાંધાજનક વિડિયો દૂર કરવા સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મ્સને પણ અનુરોધ કર્યો છે. એનએસઈ કોઈ પણ સત્તાવાર માહિતી માત્ર તેની સત્તાવાર વેબસાઈટ www.nseindia.com
અને એક્સચેન્જના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ મારફત કરે છે. જેથી એકસચેંજે રોકાણકારોને સ્પષ્ટ કર્યુ છે કે એનએસઈ સંબંધિત કોઈ પણ પ્રાપ્ત માહિતીની સત્યતાની ચકાસણી એક્સચેન્જની વેબસાઈટ્સ અને તેનાં સત્તાવાર
સોશિયલ મીડિયા પર જ કરવી જોઈએ.

એકસ પર પોસ્ટ કરેલા પત્ર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે CEO દ્વારા કોઈ પણ પ્રકારના ખાસ સ્ટોક વિશે વાત કરવામાં આવી નથી. વીડિયોમાં કહેવામાં આવેલી માહિતી તદ્દન પાયાવિહોણી અને ખોટી છે. સ્ટોક એક્સચેન્જે જણાવ્યું કે આશિષ ચૌહાણનો ચહેરો અને તેનો અવાજ તથા NSE લોગોનો ઉપયોગ કરી ફેક વીડિયો બનાવવામાં આવ્યો છે.